Tuesday, November 25, 2008

રેન્ડમ એક્સેસઃ એક દસકો બરાબર એક યુગ?

ટેકનોલોજીની ઝડપી પ્રગતિના જમાનામાં બદલાવની ગતિ એટલી તેજ છે કે બે-પાંચ વર્ષ જૂની વાત હોય, એ વર્ષોજૂની લાગે અને દાયકો વીતે એમાં આખો યુગ પસાર થઇ ગયાનો અહેસાસ થાય.

આ બઘું અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલા સાયબર કાફે ‘રેન્ડમ એક્સેસ’ પર ‘વેચવાનું છે’નું પાટિયું જોઇને યાદ આવ્યું. ‘રેન્ડમ એક્સેસ’ અમદાવાદનું પહેલું સાયબર કાફે હતું. ભૂલતો ન હોઊં તો, એ વખતની ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની ‘જિંદાલ ઓનલાઇન’ની માલિકીનું જ હતું. એ ૧૯૯૭ની આસપાસ ખૂલ્યું હશે. ત્યારે અમદાવાદમાં ઇન્ટરનેટ નવાઇની ચીજ હતી. અત્યારે કેનેડા રહેતા મિત્ર ઉત્પલ ભટ્ટ અને તેના અમેરિકા રહેતા ભાઇ જયુલ ભટ્ટ જેવા કેટલાક ઉત્સાહીઓ ત્યારે બુલેટિન બોર્ડની વાત કરતા હતા. હું એ વખતે નગેન્દ્રવિજયના તંત્રીપદ અને હર્ષલ (પુષ્કર્ણા)ના એક્ઝિક્યુટીવ તંત્રીપદ હેઠળ પ્રગટ થતા અમદાવાદના સીટી મેગેઝીન ‘સીટીલાઇફ ન્યૂઝ’માં હતો. પખવાડિક સીટીલાઇફના પાંચમા અંકમાં (બરાબરને હર્ષલ/ઉત્પલ?) અમે ઇન્ટરનેટની કવર સ્ટોરી કરી, તે કદાચ ગુજરાતી પ્રસાર માઘ્યમોમાં પહેલી હશે. ત્યાર પછી ‘સીટીલાઇફ’માં અમે એક પાનાની ઇન્ટરનેટ વિશેની કોલમ શરૂ કરી, જે ભેદી કારણોસર ગુજરાતી સામયિકોમાં આટલા વર્ષ પછી પણ કોઇ કરતું નથી. (‘દિવ્ય ભાસ્કર’માં મોડી મોડી પણ મિત્ર હિમાંશુ કીકાણીની કોલમ ‘સાયબર સફર’ શરૂ થઇ અને ચાલી એ સુખદ અપવાદ.)

‘રેન્ડમ એક્સેસ’માં એ વખતે સર્ફંિગના બે ભાવ હતા ઃ ૧ કલાકના ૭૦ રૂ. (એક વ્યક્તિ માટે) અને ૮૦ રૂ. (બે વ્યક્તિ માટે). કેમ કે, ઇન્ટરનેટ ત્યારે જોવાની ચીજ હતી અને એકને બદલે બે જણ જુએ તો વધારે રૂપિયા આપવા ન પડે? એકાદ વાર બપોરે રેન્ડમ એક્સેસમાં ગયો ત્યારનો એવો પણ સીન યાદ આવે છે કે નેટસેવી પ્રજા હોટમેઇલમાં એન્ટર આપ્યા પછી, ખાતું ખુલવાની રાહ જોતી બગાસાં ખાતી હોય.

ત્યાર પછી સાબરમતીમાંથી ઘણું પાણી અને ‘કેબલ’માંથી ઘણો ડેટા વહી ગયા. ડોટ કોમ બબલ ફૂટ્યો. ગુજરાતી પોર્ટલો ભૂતકાળ બન્યાં. સર્વિસ પ્રોવાઇડરોનો યુગ આથમી ગયો. બ્રોડ બેન્ડ આવ્યું. સાયબર કાફે સામાન્ય બન્યાં અને એક વ્યક્તિ-બે વ્યક્તિના ભાવફરક ન રહ્યા.
‘રેન્ડમ એક્સેસ’ પરનું આ પાટિયું એ યુગ પૂરો થયાનું પ્રતીક નથી લાગતું?

3 comments:

  1. જાણકારી માટે, મેં 'દિવ્ય ભાસ્કર'ની 'કળશ'પૂર્તિમાં, જ્યારે તે બકુલ ટેલર સંભાળતા હતા ત્યારે ત્રણેક પીસ ઇન્ટરનેટ પર 'ઇ-ટોક' કોલમ હેઠળ લખ્યા હતા, જેમાં એક ઇમેલ પર હતો, એક ચેટિંગ પર અને ત્રીજો ગૂગલ સર્ચ એન્જિન પર. પછી એક કોલમ બંધ થઈ ગઈ, કારણકે પૂર્તિની પોલિસી મુજબ,ફેમિલી મેગેઝિનની વ્યાખ્યામાં તે કોલમ ફિટ બેસતી નહોતી. પરંતુ એક લેખમાં, મોટા ભાગે,ઇમેલવાળા લેખમાં અંતમાં મારો ઇમેલ છપાયેલો અને મને ખૂબ જ પ્રતિભાવો સાંપડ્યા હતા. જેમાંના અમુક હજુ પણ મારા ઇ-મેલમાં સચવાયેલા છે. લેખકનો ઇ-મેલ છપાય તે પણ કદાચ બહુ શરૂઆતનો કિસ્સો ગણાય.

    ReplyDelete
  2. ha ha e vat sachi k yug puro thayo pan caybar cafe , have to nal ma pani na avtu hoy tya pan, enternet uplabadh che...

    ReplyDelete
  3. I still remember those days when they opened Random Access and how "fast" was the connection. It definitely seems like ages have passed especially when I complain about my 10 MBps connection!

    ReplyDelete