Thursday, November 06, 2008

આશાનું બીજું નામ ઓબામા

(છપાયા તારીખઃ ૨૪ ડિસેમ્બર, ૨૦૦૬, રવિવાર, દિવ્ય ભાસ્કર)
જેમના નામથી અમેરિકાના એક નહીં, પણ બબ્બે કટ્ટર દુશ્મનોની યાદ તાજી થાય એવા અશ્વેત ઉમેદવાર બરાક હુસૈન ઓબામા મહાસત્તા અમેરિકાના પ્રમુખ બને એવી શક્યતા છે.



ગુજરાતમાં થયેલી પંચાયતોની ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં. એ જ અરસામાં સમાચાર આવ્યા કે અમેરિકાના અશ્વેત નેતા બરાક હુસૈન ઓબામા પ્રમુખપદની આગામી ચૂંટણીમાં ઉમેદવારી કરશે. ઓબામાની ટીવી પ્રચારઝુંબેશનો આરંભ આ લેખ છપાય ત્યાં સુધીમાં થઇ ચૂક્યો હશે.

ગુજરાતની પંચાયતની ચૂંટણી અને અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી વચ્ચે દેખીતી રીતે કશો સંબંધ નથી. છતાં, સરપંચની ચૂંટણીમાં વઘુ એક વાર જ્ઞાતિવાદ-પેટા જ્ઞાતિવાદની જે હદે બોલબાલા જોવા મળી છે, તેની સાથે બરાક ઓબામાના સમાચાર જબ્બર વિરોધાભાસ સર્જે છે. રંગભેદ જ્યાં પૂરેપૂરો દૂર થયો નથી અને અશ્વેતોની રંગભેદવિરોધી ચળવળની ઉગ્રતા હજી ભુલાઇ નથી, એવા અમેરિકામાં એક અશ્વેત યુવાન પ્રમુખપદના હોદ્દાનો સૌથી આશાસ્પદ ઉમેદવાર બની શકે છે.

દલીલ ખાતર ભારત એક દલિત નેતાને રાષ્ટ્રપતિ બનાવ્યાનો દાવો કરી શકે. જોડતોડના રાજકારણમાં બીજા પક્ષોની મજબૂરીનો લાભ લઇને કોઇ દલિત રાજકારણી કદાચ વડાપ્રધાન પણ બની શકે. પરંતુ બીજા વિકલ્પો હોય એવા સંજોગોમાં ભારતના મતદાતાઓ કે નેતાઓ કોઇ લાયક દલિત ઉમેદવારને મોટી તક આપે એ બનવાજોગ નથી. સરપંચ તરીકે સામાન્ય બેઠકો પર લાયક દલિતોને ચૂંટવાનું તો બાજુ પર રહ્યું, અનામત બેઠકો ઉપર પણ વગદાર બિનદલિતો પોતાને પૂછીને પાણી પીએ એવા નબળા દલિત ઉમેદવારોને ઊભા કરે છે. ભારતના દલિતો અને અમેરિકાના અશ્વેતો સ્વરૂપાંતરે ભયંકર સામાજિક અન્યાયોનો ભોગ બન્યા. છતાં ગઇ સદીમાં થયેલાં આંદોલનો અને હકારાત્મક પગલાં પછી અમેરિકામાં એવી પરિસ્થિતિ સર્જાઇ છે કે શ્યામરંગી ઓબામા અમેરિકાના ૪૪મા પ્રમુખ તરીકેના સૌથી સબળ ઉમેદવાર ગણાય છે. તેમના જ ડેમોક્રેટિક પક્ષનાં હિલેરી ક્લિન્ટનનું પત્તું ઓબામાની ઉમેદવારીને કારણે કપાઇ જાય, એવી પૂરી શક્યતા છે. અમેરિકાનાં પ્રસાર માઘ્યમોમાં ‘ઓબામા મેજિક’ છવાયેલો છે. માંડ ૧ વર્ષ અને ૧૧ મહિનાની રાજકીય કારકિર્દી ધરાવતા ૪૫ વર્ષના ઓબામામાં લોકોને પોતપોતાની દૃષ્ટિ પ્રમાણે ભૂતકાળના મહાન નેતાઓનાં દર્શન થાય છે.

ઓબામા નથી ફાયરબ્રાન્ડ વક્તા કે નથી આક્રમક ચળવળકાર. સામાન્ય માતા-પિતાના તેજસ્વી સંતાન તરીકે ઓબામા એવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે, જેના માટે ત્વચાનો રંગ ગૌણ બન્યો છે. શ્યામ ત્વચાને તેમણે ઓળખનો મુદ્દો કે હથિયાર બનાવી નથી. સાથોસાથ, પોતાના સમાજને ભૂલીને બિનદલિત નેતાગીરીના ખોળે બેસી જતા ભારતના બહુમતિ દલિત નેતાઓની જેમ તે અશ્વેતોને ભૂલી ગયા નથી.

ઓબામાનો મુખ્ય એજન્ડા છેઃ આશા. રાજકારણમાં ‘વાયદા’ તરીકે ઓળખાતું આશાનું હથિયાર નવું નથી. છતાં, અસલામતીથી ગ્રસ્ત અમેરિકાના સમાજમાં ઓબામાનો આશાનો સંદેશ આમજનતાથી માંડીને ખાસ જનતા સુધીના સૌ કોઇને સ્પર્શી રહ્યો છે. ‘ઓડેસિટી ઓફ હોપ’ (આશાનું બળ) એ શીર્ષક ધરાવતા બેસ્ટસેલર પુસ્તકના લેખક ઓબામા પોતાના પ્રવચનમાં કોઇની ઉગ્ર ટીકા કરતા નથી. ત્રાસવાદના ભયથી પ્રજાને ભયભીત કરીને, તેમને પોતાના પડખે લેવાની જ્યોર્જ બુશની પદ્ધતિ ઓબામાને અજમાવવી પડતી નથી. એ સૌના અમેરિકાની, ‘આપણું અમેરિકા’ની વાત કરે છે. એવું મહાન અમેરિકા, જ્યાં દરેકને માટે સમાન તક હોય. બે વર્ષ પહેલાં ડેમોક્રેટિક પક્ષના એક મેળાવડામાં આપેલા એક પ્રવચનથી ઓબામાએ પહેલી વાર સૌનું ઘ્યાન ખેંચ્યું હતું. પોતાના લશ્કરી અને આર્થિક બળ પર મુસ્તાક એવા અમેરિકાના આ જણે કહ્યું હતું,‘આપણા દેશની મહાનતા તેનાં ગગનચુંબી મકાનોમાં, લશ્કરી સત્તામાં કે કદાવર અર્થતંત્રમાં નથી. આપણું દેશાભિમાન બસો વર્ષ પહેલાંનાં એ ઢંઢેરામાં સમાયેલું છે, જેમાં જાહેર કરવામાં આવ્યું હતું કે સૌ મનુષ્યો સમાન છે ને સૌને સમાન તકો મેળવવાનો અધિકાર છે.’

બુશના રાજમાં ત્રાસવાદવિરોધી લડાઇના બહાને નાગરિકોની નાની-મોટી સ્વતંત્રતાઓમાં ઘણો કાપ આવ્યો. પ્રસાર માઘ્યમોની તટસ્થતા જોખમાઇ અને લશ્કરી ખર્ચ સહિત બીજી ઘણી બાબતોમાં નાગરિકોને અંધારામાં રાખવામાં આવ્યા. બુશ-બેન્ડના ઘોંઘાટથી શરૂઆતમાં દોરવાઇ ગયેલા અમેરિકનોએ હમણાં થયેલી ચૂંટણીમાં બુશના રીપબ્લિકન પક્ષને ઘેર બેસાડીને પોતાના ઝોકનો ખ્યાલ આપી દીધો છે. એવી માનસિકતા ધરાવતા અમેરિકાના લોકો ઓબામાની સીધીસાદી વાતો પર ફીદા છે. શ્રોતાઓ સમક્ષ અમેરિકાની ખૂબીઓનું વર્ણન કરતાં ઓબામા કહે છેઃ ‘આપણે જે વિચારવું હોય તે વિચારી અને લખી શકીએ છીએ- બારણે ટકોરા પડવાનો ખોફ રાખ્યા વિના. એક ફળદ્રુપ વિચાર સૂઝે એટલે લાંચ આપ્યા વિના એ વિચારને મૂર્તિમંત કરતો વ્યવસાય શરૂ કરી શકીએ છીએ. અમેરિકાના લોકો એવા નથી કે બધી સમસ્યાઓના ઉકેલ માટે સરકાર ભણી મીંટ માંડીને બેસી રહે. સાથોસાથ તેમને એવું પણ લાગે છે કે સરકાર પોતાની પ્રાથમિકતા થોડી બદલે (એટલે કે લશ્કરી પરાક્રમોને બદલે ઘરઆંગણે વઘુ ઘ્યાન આપે) તો અમેરિકાના દરેક બાળકને સારી જિંદગી મળે અને ઉજ્જવળ તકના દરવાજા સૌ માટે ખુલ્લા રહે.’

ઓબામાનો જાદુ એવો છે કે રવિવારની મહામૂલી સવાર બગાડીને, માથાદીઠ ૨૫ ડોલર ખર્ચીને હજારથી પણ વધારે માણસો તેમનું પ્રવચન સાંભળવા ઉમટી પડે છે. ઘણી વાર એવું બને છે કે આખી મેદનીમાં ઓબામા એકમાત્ર અશ્વેત વ્યક્તિ હોય. અમેરિકામાં રંગભેદનો ઇતિહાસ તાજો અને મૂળિયાં ઉંડાં છે. અશ્વેત પ્રમુખની કલ્પના તો બાજુ પર રહી, હજુ સુધી અમેરિકાના બે મુખ્ય રાજકીય પક્ષોમાંથી એકેય પક્ષે અશ્વેત સભ્યને પ્રમુખપદનો ઉમેદવાર બનાવ્યો નથી. તબક્કાવાર શરૂ થઇને બે વર્ષ સુધીમાં અંતિમ તબક્કે પહોંચનારી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના અંતે બરાક ઓબામા અમેરિકાના પ્રમુખ બનશે, તો એ વ્યક્તિ કે પક્ષ કરતાં પણ વધારે આશાનો વિજય હશે. એવી આશા, જેનો ફક્ત અમેરિકાને જ નહીં, ભેદભાવોથી ગ્રસ્ત ભારત જેવા અનેક દેશોને પણ ખપ છે.

No comments:

Post a Comment