Friday, November 07, 2008

આદિલઃ મળે? ન મળે!

‘વિનોદની નજરે’માં વિનોદ ભટ્ટે આલેખેલાં તમામ ચરિત્રોમાં સૌથી તોફાની ચરિત્ર આદિલનું છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને અડધી રાત્રે ફોન કરીને પૂછવું કોણ છે, અને પેલા કહે કે હું વા.ચા. ફલાણો ઢીકણો બોલું છું, એટલે કહેવું,‘રાતના આટલા વાગ્યે પણ તમે ભૂલી શકતા નથી કે તમે વાઇસ ચાન્સેલર છો?’ ‘રે મઠ’ના સામયિકમાં કાર્યાલયના સરનામામાં ધરાર ‘મુતરડીની સામે’ એવું લખવું અને ઉમાશંકર જેવા, સરનામાથી નારાજ સાક્ષરો સામયિક મોકલવાની ના પાડે, ત્યારે સામયિક મોકલવું બંધ કરીને ફક્ત રેપર મોકલવાનું ચાલુ રાખવું- આ એક આદિલ!

બીજા આદિલ તે ગુજરાતી ગઝલોને નવી ઉંચાઇ આપનાર અને ‘મળે ન મળે’ ગઝલથી ઓળખાતા શાયર. ગઝલો-કાવ્યતત્ત્વ આપણી ‘લેન’ નહીં, પણ જેમની ‘લેન’ છે એવા લોકો કહે છે કે આદિલનું ગુજરાતી ગઝલમાં પ્રચંડ પ્રદાન છે. મારા ગામ મહેમદાવાદના ગઝલકાર, બાયોલોજીના શિક્ષક અને જેમની પાસેથી શીખેલું બાયોલોજી નહીં, પણ ગઝલના મૂળભૂત ફન્ડા મને યાદ રહી ગયા છે, એવા હનિફ ‘સાહિલ’ આદિલને ગુરૂવત્ ગણતા હતા. પોતે ઉર્દુમાંથી ગુજરાતીમાં આદિલને કારણે લખતા થયા, એમ કહીને તે આદિલની ઘણી વાતો કરતા.

સાત-આઠ વર્ષ પહેલાં આદિલ ભારત આવ્યા ત્યારે હું ‘સંદેશ’માં હતો અને તેની રવિપૂર્તિ માટે મેં તેમનો પ્રોફાઇલ કર્યો હતો. તેમાં આદિલ પર થયેલા જાસૂસીના આરોપો સહિત બીજી કેટલીક રસિક વાતો હતી. (એકાદ-બે દિવસમાં એ પ્રોફાઇલ આદિલને અંજલિરૂપે અહીં મુકવા ધારૂં છું.) આદિલનો પ્રોફાઇલ કરવા માટે હું હનિફ ‘સાહિલ’ સાથે તેમને પોળના ઘરે મળ્યો, ત્યારે આદિલે તેમની ઉર્દુ શાયરી (કદાચ નઝમો)નું પુસ્તક ‘હશ્રકી સુબહ દરખ્શાં હો’ આપ્યું હતું.

આ વર્ષના જૂનમાં આદિલ અમદાવાદમાં હતા. તેમના એકાદ-બે કાર્યક્રમો પણ યોજાયા. સંજોગોવશાત્ હું જઇ ન શક્યો. તેમણે વલી ગુજરાતી એવોર્ડ સ્વીકાર્યો એ સંદર્ભમાં બિનીતે સાહિત્ય પરિષદના કાર્યક્રમમાં તેમને પૂછ્યું પણ ખરૂં,‘જે શાયરની મઝાર આ લોકોએ તોડી પાડી અને જેનું અસ્તિત્ત્વ સરકાર સ્વીકારવા તૈયાર નથી- કેમ કે સરકારે એ મઝાર રીસ્ટોર કરવા કંઇ કર્યું નથી- એના નામનો એવોર્ડ સ્વીકારવા તમે છેક અમેરિકાથી આવ્યા?’

ફોટા પાડતા બિનીત પાસેથી ‘મને આ ફોટાની સીડી આપજો’ એવું કહેનારા આદિલે તેના સવાલના જવાબમાં કહ્યું,‘સમયનો તકાદો છે, મોદીસાહેબ. વધારે ચર્ચા માટે ઘરે આવો. કાઓ પીતા પીતા ચર્ચા કરીશું.’ (‘સાહેબ’ આદિલનો તકિયાકલામ હતો.)

મિત્ર બિનીત મોદી સાથે તેમના ઘરે જવાનું ગોઠવ્યું. ત્યારે પણ મારાથી ન જવાયું. એમને મળીને આવ્યા પછી બિનીતે કહ્યું,‘મળી આવ્યો. મઝા આવી. તને યાદ કરતા હતા. ફોન કરજે.’ જે રાત્રે આદિલ પાછા જવા નીકળવાના હતા, (વળતાં મસ્કત-દુબઇના ગુજરાતીઓ સમક્ષ ગઝલપાઠ કરીને અમેરિકા પહોંચવાના હતા) તેના થોડા કલાક પહેલાં એમની સાથે ફોન પર વાત થઇ. એ જ ન મળી શકાયાનો અફસોસ અને આવતી વખતે નિરાંતે મળીશુંનો વાયદો..

હવે આવતી વખત આવવાની નથી. બિનીતે લીધેલા અને આ પોસ્ટ સાથે મુકેલા આદિલના ફોટા તેમની છેલ્લી યાદગીરી બની ગયા છે. બિનીત કહે છે કે ડિસેમ્બરમાં ભારત આવીને મિત્રો સાથે શાંતિથી વાતો કરવા આદિલસાહેબ બહુ ઉત્સુક હતા. વાતચીતમાં ત્રણ-ચાર વાર તેમણે ‘ડિસેમ્બરમાં આવું છું.’ એવું કહ્યું હતું, પણ એમના બદલે એમના અવસાનના સમાચાર આવ્યા.

આદિલને પોતાના સ્વપ્ન વિશે કલ્પના કરવાનું વિનોદ ભટ્ટે પૂછતાં તેમણે કહ્યું હતું,‘ફેવિકોલનો જોરદાર વરસાદ પડે અને દુનિયા આખી સજ્જડબંબ થઇ જાય...’
આદિલને અત્યારે સ્વપ્નું સાકાર થયું હોય એવું લાગતું હશે ? (તસવીરોઃ બિનીત મોદી)

લાભશંકર ઠાકર અને આદિલ મન્સુરી: ઓ સાથી ‘રે’

1 comment:

  1. naraj sakshar umashankar umashankar nahi pan vishnuprasad trivedi hata.kirit doodhat

    ReplyDelete