Tuesday, November 18, 2008

રેશનાલિઝમઃ અજવાળું અને આગ

ઇશ્વર વિશેની ચર્ચા મોટે ભાગે નિરર્થક સાબીત થાય છે. કારણ કે ઇશ્વરમાં ન માનનારાને લાગે છે, ‘આ શ્રદ્ધાળુઓ કદી સમજવાના નથી.’ અને ઇશ્વરમાં માનનારા? એમને લાગે છે કે ‘આ નાસ્તિકો કદી સ્વીકારવાના નથી.’

બીજા ઘણા સવાલોની જેમ ઇશ્વરના મામલે જગત ફક્ત બે ભાગમાં વહેંચાયેલું નથી. ઘણા લોકો એવા પણ છે, જેમને ઇશ્વર હોય કે ન હોય એથી કશો ફરક પડતો નથી. ઇશ્વર પ્રત્યે તેમનો અભિગમ ‘હશે ભાઇ! એ હોય તો જ્યાં હોય ત્યાં સુખી રહે!’ એવો છે. ઇશ્વરનું નામ પડતાં આ લોકોની મુઠ્ઠીઓ ભીંસાતી નથી, તો હથેળીઓ જોડાતી પણ નથી. એવા લોકો ધર્મસ્થાનોમાં ઘેટાંબકરાંની ગીરદી કરવા જતા નથી. છતાં, અનિવાર્ય લાગે ત્યારે - ખાસ કરીને બીજા કોઇના મહત્ત્વના હિતની જાળવણી ખાતર- ધર્મસ્થાનમાં જવામાં ધર્મસંકટ અનુભવતા નથી. એમ કરવામાં ‘મારી વિવેકબુદ્ધિ ભ્રષ્ટ તો નહીં થાય ને?’ એવી અસલામતી તેમને થતી નથી. ઇશ્વરની માન્યતાથી માનનારને કે બીજાને કોઇ નુકસાન ન થતું હોય અને માન્યતા ધરાવનારને મનોવૈજ્ઞાનિક ટેકો મળતો હોય, તો એમાં તેમને ખાસ કંઇ વાંધાજનક લાગતું નથી. ઇશ્વરની ટેકણલાકડી ધરાવતા માણસોને આત્મશ્રદ્ધા - વૈચારિક સમજણથી સજ્જ અને સ્વનિર્ભર કર્યા પહેલાં, ઇશ્વરની ટેકણલાકડી સીધેસીધી ખસેડી ન લેવાય, એટલું સમજવાની વિવેકબુદ્ધિ તેમનામાં છે.

રેશનાલિઝમઃ સાઘ્ય કે સાધન?
ફિલસૂફો-વિદ્વાનોની સિદ્ધાંતચર્ચા બાજુ પર રાખીએ તો, ઇશ્વરના અસ્તિત્ત્વ વિશેની ઘણીખરી ચર્ચામાં બને છે એવું કે વાત ઇશ્વર પર અડી જાય છે ને માણસાઇ- મનુષ્યત્વનો સૌથી મહત્ત્વનો મુદ્દો બાજુ પર રહી જાય છે. માણસ સારો છે કે નહીં, તેનો સંપૂર્ણ આધાર તે ઇશ્વરમાં માને છે કે નહીં એની પર છે? ના. સૈદ્ધાંતિક રીતે એવું કહી શકાય કે ઇશ્વરમાં-સ્થાપિત ધર્મમાં ન માનનાર માણસ ગેરમાન્યતા-પૂર્વગ્રહ-કુંઠાઓથી મુક્ત રહી શકવાને કારણે વઘુ સારો માણસ બની શકે. પરંતુ વ્યવહારમાં એવું ઓછું જોવા મળે છે. પોતાની જાતને ‘રેશનાલિસ્ટ’ કહેવડાવવા આતુર ઘણા લોકોએ રેશનાલિઝમને કેવળ ઇશ્વરના ઝનૂની વિરોધનો અને પોતાની નિરંકુશ સ્વચ્છંદતાને વાજબી ઠરાવવાનો પર્યાય બનાવી દીઘું છે. રેશનાલિઝમનો પાયો ભલે ઇશ્વર અને અંધશ્રદ્ધાના નકારનો હોય, પણ તેનો વ્યાપ જીવન અને વ્યવહારના બધા વિષયોને આવરી લે છે. બધી બાબતોમાં રેશનલ (વિવેકબુદ્ધિયુક્ત) અભિગમ રાખવો, કશું ઇશ્વરને આધીન છોડવું નહીં અને એક માણસને છાજે એવું જીવન જીવવું, એ રેશનાલિઝમનું મૂળભૂત ઘ્યેય છે. બીજા શબ્દોમાં કહીએ તો, રેશનાલિઝમ પોતે સાઘ્ય નથી, પણ સાધન છે- તે સારા માણસ બનવાની દિશામાં આગળ વધવાનો નકશો છે. આ વ્યાખ્યા દરેક ધર્મને પણ લાગુ પાડી શકાય. ફરક એટલો કે ધર્મોના આદર્શની સરખામણીમાં આદર્શ રેશનાલિઝમ વધારે ઉદાર, ભેદભાવરહિત, અહિંસક, શોષણવિરોધી, ઝનૂનરહિત હોય છે.

મુખ્ય તકલીફ આદર્શની નહીં, પણ વાસ્તવિકતાની છે. આદર્શ કોણ જોવા ગયું છે? લોકો પોતાની આસપાસ જે જુએ તેની પરથી હિંદુત્વની, ઇસ્લામની કે રેશનાલિઝમની વ્યાખ્યા બાંધે છે. એ રીતે વિચારતાં, કેવી છે રેશનાલિઝમની પ્રચલિત વ્યાખ્યા?

બહારની ઝાંય, અંદરનો રંગ
સૌથી સાદી સમજણ પ્રમાણે રેશનાલિઝમ એટલે અંધશ્રદ્ધાનો અને ઇશ્વરનો ઇન્કાર. એ છાપને અનુસરીને ‘ઇન્સ્ટન્ટ રેશનાલિસ્ટ’ બનવા ઇચ્છતા ઉત્સાહીઓ લાગલા ઇશ્વરના ઇન્કારની ગાડીમાં ચડી બેસે છે - અને તેમની ગાડી કદી પ્લેટફોર્મ પરથી ઉપડતી જ નથી! તેમની સફર ઇશ્વરના ઇન્કારથી શરૂ થઇને ત્યાં જ પૂરી થઇ જાય છે અને વિવેકબુદ્ધિનો ભંગ કરતી બાકીની બધી વૃત્તિ-પ્રવૃત્તિ એમની એમ જ રહે છે. રેશનાલિસ્ટ તરીકેની વિશિષ્ટ ઓળખ અને ‘અમે તો વીર સમાજની પરવા નહીં કરવાવાળા’ એવા ગુમાનને કારણે કદાચ અંકુશમાં રાખવાલાયક વૃત્તિઓ વકરે છે. ગુજરાત-મુંબઇનાં રેશનાલિસ્ટ વર્તુળોમાં આ પાઘડીની સાઇઝને બંધબેસતાં ઘણાં માથાં મળી આવશે.

કેવળ ચમત્કારવિરોધ-ઇશ્વરવિરોધની ટૂંકી મૂડી ધરાવતા ‘રેશનાલિસ્ટો’ અને કોઇ સંપ્રદાયના અનુયાયીઓ વચ્ચે ઝાઝો તાત્ત્વીક ફરક રહેતો નથી. એવા રેશનાલિસ્ટોનું રેશનલાઝિમ વ્યક્તિકેન્દ્રી બને છે. પરિણામે સંપ્રદાયો કરતાં અનેક ગણા નાના રેશનાલિસ્ટ વર્તુળમાં મોટા પાયે હુંસાતુંસી અને ખેંચતાણો થાય છે, ચોકા ઊભા થાય છે, ભક્તમંડળો રચાય છે.

કોઇ પણ ધાર્મિક માણસ જેવી માનસિકતાના બાહ્ય આવરણ પર રેશનાલિઝમનો ભડક રંગ લગાડવાથી પહેલી નજરે તેમાં વિવેકબુદ્ધિની ઝાંયનો ભાસ થાય, પણ સહેજ નખ મારતાં નવો રંગ ઉખડી જાય છે અને અંદરની અસલિયત દેખાઇ આવે છે. અંદર સુધી ઉતરેલા વિવેકબુદ્ધિવાદના રંગને બદલે આભાસી ઝાંય ધરાવતા રેશનાલિસ્ટોનું પ્રમાણ વધે તેમ, એ લોકો રેશનાલિઝમના ‘બ્રાન્ડ એમ્બેસેડર’ બની જાય છે.

આવું થાય તો કેવી કરૂણ સ્થિતિ સર્જાય, તેની કલ્પના કરવાની જરૂર નથી. ગુજરાત અને મંુબઇના ગુજરાતી રેશનાલિસ્ટોની ટૂંકી બિરાદરીમાં અત્યારે મહદ્ અંશે એવી જ સ્થિતિ સર્જાયેલી છે. રેશનાલિઝમની પ્રવૃત્તિ સામુહિક સ્તરે અને વૈચારિક ચળવળની જેમ કાઠું કાઢવાને બદલે ધર્મ કે સંપ્રદાયોની જેમ અનેક ફાંટામાં વિભાજીત થયેલી છે. સ્વૈચ્છિક સંસ્થાઓની જેમ રેશનાલિઝમની સંસ્થાઓ ‘કોમન મિનિમમ પ્રોગ્રામ’ (લધુતમ સામાન્ય મુદ્દા) ઉપર પણ એકમતિ સાધી ન શકે, એટલી હદે તે વ્યક્તિગત કે સંસ્થાગત રજવાડાંમાં ફેરવાઇ ચુકી છે. એટલે, ગુજરાતને વિવેકબુદ્ધિની સૌથી વધારે જરૂર છે, એવા સમયગાળામાં રેશનાલિસ્ટો તરફથી ઘોર નિરાશા સિવાય ભાગ્યે જ બીજું કંઇ મળે છે.

બ્રાન્ડ ‘રેશનાલિસ્ટ’
એક જમાનામાં સ્વાઘ્યાયીઓ ‘અમારે ત્યાં બધા બૌદ્ધિકો આવે છે’ એમ કહીને, લોકોને કંઇ નહીં તો ‘બૌદ્ધિક’ દેખાવાની લાલચ આપીને સ્વાઘ્યાય પ્રવૃત્તિ ભણી ખેંચવા પ્રયાસ કરતા હતા. રેશનાલિઝમમાં પણ કંઇક અંશે એવી સ્થિતિ પેદા થઇ છે. બૌદ્ધિક દેખાવાનો સૌથી ટૂંકામાં ટૂંકો ઉપાય છેઃ બે-ચાર પ્રચલિત અંધશ્રદ્ધાઓ નકારી કાઢીને, એક-બે ધર્મગુરૂઓની ઉપરછલ્લી ટીકા કરીને પોતાની જાતને રેશનાલિસ્ટ તરીકે જાહેર કરી દેવી. આટલું કર્યા પછી પોતપોતાના પૂર્વગ્રહો-અજ્ઞાન-ઝનૂન યથાતથ રાખીને, ચોકામાં વહેંચાઇને પરસ્પર પીઠખંજવાળની પ્રવૃત્તિ દ્વારા સુખેથી બૌદ્ધિક-રેશનાલિસ્ટ તરીકે કોલર ઉંચા રાખીને ફરી શકાય છે.

રેશનાલિઝમ જેમના માટે સાઘ્ય મટીને પોતાની કારકિર્દી ઘડવાનું, ઓળખના સિક્કા જમાવવાનું, અનુયાયીગણ પોષવાનું કે ધંધો કરવાનું સાધન બની ગયું હોય, એવા લોકોની સંખ્યા ઘણી વધી છે. આ લોકોને રેશનાલિસ્ટ તરીકેના પોતાના બ્રાન્ડિંગમાં જેટલો રસ છે, તેનાથી દસમા ભાગનો પણ રેશનલ વ્યક્તિ બનવામાં નથી.

રેશનાલિસ્ટ બન્યા પછી પણ મોટા ભાગના માણસો પોતાની મૂળભૂત પ્રકૃતિમાંથી છટકી શકતા નથી. વાંધો પ્રકૃતિનો નથી, પણ દાવાનો છે. પોતાનો ધર્મ સૌથી મહાન છે એવું માનતા ધાર્મિકોની જેમ રેશનાલિસ્ટો પણ કટ્ટરતા અને ઝનૂનથી એવું માનવા લાગે કે રેશનાલિઝમ શ્રેષ્ઠ છે, અમે રેશનાલિસ્ટ હોવાથી અમે શ્રેષ્ઠ છીએ અને બાકીનાં તો ધાર્મિકતામાં ખદબદતાં જંતુડાં છે.

ધાર્મિકતાનો અતિરેક અને અંધશ્રદ્ધા માણસોને જંતુવત્ બનાવી શકે છે, તો રેશનાલિઝમના નામે તેનાં બાહ્ય લક્ષણોનું જડ અનુકરણ કરનારા પણ ‘માણસ’ રહી શકતા નથી. પોતાનું અધકચરૂં રેશનાલિઝમ બીજા પર થોપવાની વૃત્તિ, ચેલા મૂંડવા સદા આતુર રહેતા બાવાઓ કરતાં જરાય જુદી નથી હોતી.

રેશનાલિઝમઃ અજવાળાનો પર્યાય
આટલું વાંચીને ઇશ્વરવાદીઓ કહી શકે છેઃ ‘જોયું? અમે નહોતા કહેતા? આ નાસ્તિકો (રેશનાલિસ્ટો)ના રવાડે ચડાય નહીં.’ એવા ઇશ્વરવાદીઓના કમનસીબે એવા રેશનાલિસ્ટો પણ મોજુદ છે, જે ઝનૂની રેશનાલિસ્ટ નથી. તે ઇશ્વર કે નીયતી પર ટેકો દઇને જીવન જીવવાને બદલે જિજ્ઞાસા અને સંશોધનથી જીવનની સમસ્યાઓનો સામનો કરે છે. ક્રૂર-ઘાતકી રાજા જેવાં લક્ષણો ધરાવતા ઇશ્વર સાથે તેમને કશી લેવાદેવા હોતી નથી. મોટી ક્લબોમાં ફેરવાઇ ગયેલા સ્થાપિત ધર્મો અને ધાર્મિક પ્રવૃત્તિઓથી તે દૂર રહે છે.

મનુષ્યજાતિના સામુહિક ઉત્કર્ષ માટે મહાન સંશોધનો કરનારા વૈજ્ઞાનિકો તેમને કાલ્પનિક સગવડીયા ઇશ્વર કરતાં વઘુ મહાન લાગે છે. વિજ્ઞાન પ્રત્યે તે અનન્ય ઋણભાવ અનુભવે છે અને સાચા રેશનાલિઝમ દ્વારા પોતાના જીવનમાં જે અજવાળું પથરાયું, તે બીજાના જીવનમાં પણ પથરાય એવી તેમની સતત લાગણી રહે છે. એવા રેશનાલિસ્ટો પોતાના પ્રચાર કે ધંધા માટે નહીં, પણ બીજા લોકો પ્રત્યેની લાગણી અને અનુકંપાથી પ્રેરાઇને ધીરજપૂર્વક રેશનાલિઝમનો ફેલાવો કરવાનો પ્રયાસ કરે છે. અકાળે આ દુનિયામાંથી વિદાય લેનારા રવજીભાઇ સાવલિયામાં આ બધાં લક્ષણોનો દુર્લભ સમન્વય હતો. તેમના જેવા વ્યવહારૂ, પૂર્વગ્રહમુક્ત, ઝનૂનરહિત અને સંવેદનશીલ રેશનાલિસ્ટોની સંખ્યા ચિંતાજનક રીતે ઓછી થઇ રહી છે, એ અંધશ્રદ્ધા નહીં પણ નક્કર હકીકત છે. રેશનાલિસ્ટોના વર્તમાન સમુહે ઇશ્વર કે અંધશ્રદ્ધાની સાથોસાથ અરીસા સામે જોઇને પણ ઝુંબેશો છેડવાની જરૂર છે.

2 comments:

  1. Anonymous7:29:00 PM

    Rationalism na field ma, boss- tame mano chho etlee kharab paristhiti pan nathi. Agreed, jad ishwar na inkarwadio e 'rationalist'ne gaal banavi didhi chhe, pan tame jene sacha rationalist ganavo chho ( ne kaho chho ke evani sankhya chintajanak rite ghati rahi chhe), hakikate eva ni sankhya vadhi rahi chhe. Jema Urvishbhai tamaro ane gano to maro pan samavesh thai jay.

    Khas Rationalism na nahi eva vaicharik gujarati samayiko ma aa vishay upar na article, charchao chalta j rahe evu chella ek dodh varsh thi notice karyu chhe. Vali, 'Gujarat-Mumbai Rationalist Association' ni sthapna ne ane emna Palanpur khate na sammelan ne pan hun to historical ganish. Karan ke tame jeni fariyad karo chho evi rationalism ni simit defination ne vistari ne Humanist level upar scientific, social, civil liberties na anek muddao ni charch ema thayeli che.

    Ane rationalist nathi pan rational chhe eva anek loko, anek Humanist muddao par kaam kari j rahya chhe; Ishwar ni vaat chhanchedya vagar! E disha tarafni j ek vadhu bari ughadto tamaro aa article chhe.
    - Kiran Trivedi

    ReplyDelete
  2. સુંદર અને તલસ્પર્શી વિશ્લેષણ છે, આજે દેખાતાં રેશનાલીઝમનો અસલી ચહેરો દેખાડ્યો છે, આપની એ વાત સાવ સાચી છે કે રેશનાલીઝમમાં પણ લોકો વિવેકબુધ્ધીને જગ્યાએ સંપ્રદાયવાદી નિતિ નિયમો મુજબ લોકોએ વર્તવું એવી અપેક્ષા રાખે છે! સંપ્રદાયોની જેમજ અહીં પણ વાડાબંધી થાય છે અને કોમન મિનીમમ પ્રોગ્રામની જેવી પણ વાતો થાય છે, આવો અભ્યાસપૂર્ણ લેખ આપવા માટે અભિનંદન!

    ReplyDelete