Friday, October 10, 2008

ગાંધીજીઃ વેપારી, હરાજીકાર, લોકસંગ્રાહક

ભારતમાં ગાંધીને યાદ કરવા માટે ‘મુન્નાભાઇ’ની જ્યુબિલીથી ગાંધીજીની જયંતિ જેવાં અનેક નિમિત્ત મોજૂદ છે. એ સિવાય ટાણે-કટાણે અનેક વાર ગાંધીજીને યાદ કરવામાં આવે છે, પણ મુખ્યત્વે અહિંસક નેતા કે ‘માર્કેટિંગ ગુરૂ’ જેવી તેમની અત્યંત જાણીતી ખાસિયતો માટે.

ગાંધીજી વિશેની પ્રમાણમાં ઓછી જાણીતી વાતો અને કિસ્સાની સમૃદ્ધ સામગ્રી પૂરી પાડતાં કેટલાંક પુસ્તકો ફક્ત ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે. (બાકી, ‘રેફરન્સ એટલે અંગ્રેજી’ એવી સામાન્ય અને મહદ્ અંશે સાચી સમજણ હોય છે.) એવું એક પુસ્તક છે લાભુબહેન મહેતાનું ‘પારસમણિના સ્પર્શે’.

વિખ્યાત લેખક-તંત્રી મોહનલાલ મહેતા ‘સોપાન’નાં પત્ની, ‘સૌરાષ્ટ્ર ટ્રસ્ટ’ના અમૃતલાલ શેઠનાં ભત્રીજી, લેખિકા વર્ષા દાસનાં મમ્મી, ચિત્રકાર જતીન દાસનાં સાસુ અને અભિનેત્રી નંદિતા દાસનાં નાની- આ છે લાભુબહેનની કૌટુંબિક ઓળખાણ. ‘પારસમણિના સ્પર્શે’માં તેમણે ગાંધીજીના પ્રભાવમાં આવેલાં કેટલાંક ચરિત્રો અને ખાસ કરીને કેટલીક સ્ત્રીઓનાં ચરિત્રો સાવ સીધીસાદી રીતે છતાં ઉપયોગી વિગતો સાથે આલેખ્યાં છે. તેમાંથી ચરિત્રનાયક જેટલું જ કે એથી પણ વઘુ રસપ્રદ ચિત્ર ગાંધીજીનું ઉપસે છે. વિગતોમાં ખાસ ઉંડાણ ભલે ન હોય, પણ એ લસરકાથી ગાંધીજીના સમગ્ર ચિત્રની સમૃદ્ધિમાં વધારો થાય છે.

ખાદીપ્રવૃત્તિ માટે ગાંધીજીનો આગ્રહ હવે મુખ્યત્વે લોકોને દુરાગ્રહ તરીકે યાદ રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે એક ઉદ્યોગપતિ પોતાના ધંધાની રાખે, એટલી ચિંતા ગાંધીજી ખાદીપ્રવૃત્તિની રાખતા હતા. મુંબઇ ખાદીભંડારના સેક્રેટરી કાકુભાઇ (પુરૂષોત્તમ કાનજી) પર ઘણી વાર ગાંધીજીનું ફક્ત બે લીટી લખેલું પત્તું આવેઃ ‘ભાઇ કાકુભાઇ, ૨૬મી કંઇ જાણવા જેવો વધારો થયો? હાલ કંઇ વધારે ઉપાડ થાય છે?’ નીચે મહાદેવ દેસાઇની નોંધ હોયઃ ‘આનો જવાબ કાલે જ લખો અને મને શનિવારે મળે એવી રીતે એ ટપાલમાં નાખી શકો તો ‘હરિજન’માં આંકડાનો ઉપયોગ કરી શકાય. શનિવારે મળે એમ નાખવાને માટે તમારે સાડા ત્રણ વાગ્યે જીપીઓમાં એ નંખાવવો જોઇએ.’

કાંતનાર બહેનો અને ખાદીભંડારના સેલ્સમેન-મેનેજરના પગાર વધવા જોઇએ એવું ગાંધીજીએ સૂચવ્યું ત્યારે કાકુભાઇએ તેમને લખ્યું,‘એ વિચારણા તો મેં ક્યારની કરી નાખી છે ને આપને જણાવી પણ છે. તેથી એની મૌલિકતા મારી છે...’ જવાબી પત્ર (૮-૮-૩૫)માં ગાંધીજીએ તેમને લખ્યું,‘કાંતનારીની આવક વધારવાનું તમને વહેલું સૂઝેલું એ વાત મને બહુ રૂચે છે. એવું બીજા સાથીઓને મારા પહેલાં સુઝેલું એ મારો માર્ગ સરળ કરે છે. એટલે મૌલિકતાનો યશ તમે અવશ્ય ખાટી શકો છો. હવે તેમ છતાં વેચાણ ઉપર બહુ અસર ન થવા દેવાનો યશ પણ તમે જ મેળવો એમ ઇચ્છું છું.’

ખાદીના ‘બિઝનેસમેન’ તરીકે ગાંધીજીની નીતિ એવી હતી કે તે નુકસાન તો ઠીક, નફો પણ સહન કરી ન શકે! કાકુભાઇની કબૂલાત પ્રમાણે,‘બાપુ પાસે તો અમે ખાદીમાં નફો છે એમ કહેતા જ ન હતા. નફો જુએ તો તેઓ ઘૂળ કાઢી નાખેઃ નફો રહે જ કેમ? કાંતનારીને વહેંચી દેવો જોઇએ અને નુકસાનને તો તેઓ સહેજ પણ બરદાસ્ત કરી શકતા નહિ. નુકસાન ન થાય તે રીતે ખાદીકામની અપેક્ષા તેઓ હંમેશ અમારી પાસે રાખતા.’ પાઇ-પાઇના હિસાબની ચીવટ રાખતા ગાંધીજી અંગત ખર્ચમાં જેટલા કરકસરીયા એટલા જ રૂપિયા એકઠા કરવામાં ઉત્સાહી હતા.

કસ્તુરબાના મૃત્યુની સાંજે આગાખાન જેલમાં ગાંધીજીને મળવા ગયેલાં લેડી પ્રેમલીલા ઠાકરસીએ તેમને ચંદનનાં લાકડાં મંગાવવા કહ્યું, ત્યારે ગાંધીજનો જવાબ હતો, ‘એવું ખર્ચ આપણને ન પોસાય.’ લેડી પ્રેમલીલાએ કહ્યું,‘આ તો જેલ આપશે. પૈસા સરકારના છે.’ અંગ્રેજ સરકાર હોવા છતાં ગાંધીજીએ કહ્યું,‘સરકારના પૈસા કેવા? આપણા જ પૈસા છે. આપણી પાસેથી લઇને આપે છે.’ મુંબઇના એક સાથીદાર એસ.કે.વૈદના જમાઇએ સેવાગ્રામ (વર્ધા) આશ્રમમાં એલ્યુમિનિયમનાં વાસણ અને તેની કલાઇમાં થતી માથાકુટ જોઇને સ્ટેનલેસ સ્ટીલનાં વાસણ આપવાની ઇચ્છા વ્યક્ત કરી. ગાંધીજીની પરવાનગી લઇને તેમણે રૂ.૪૦૦ની કિંમતનાં સ્ટીલનાં વાસણ આપ્યાં તો ખરાં, પણ થોડા દિવસ પછી ગાંધીજીને થયું,‘ગામડાના લોકો હજુ સ્ટેનલેસ સ્ટીલનાં વાસણ વાપરી શકતા નથી, તો સેવાગ્રામ આશ્રમ કેવી રીતે વાપરી શકે?’ એટલે તેમણે વાસણોને લિલામ કરવાનું કહી દીઘું.

એસ.કે.વૈદને આ વાતની જાણ થતાં તેમણે ચીડાઇને ગાંધીજીને કહ્યું,‘એમાં શિષ્ટાચાર નથી. તમે હા કહી પછી (વાસણો) મગાવવામાં આવ્યાં છે... ભેટનું લિલામ એ તો ભેટ દેનારનું અપમાન છે.’ ગાંધીજીએ આ દલીલથી વિચલિત થયા વિના ઠંડકથી કહ્યું, ‘એ મને મળ્યાં છે એટલે મારી મિલકત છે. એનું હું ફાવે તેમ કરૂં. તે તરફ ભેટ દેનારે જોવાનું હોય નહિ.’ એ કારણથી નારાજ થયેલા વૈદની તેમણે પરવા કરી નહીં.

ગાંધીજીની હરાજીની પદ્ધતિ ‘આર્થિક’ નહીં, પણ ‘રાજકીય’ હતી. તે જાહેરમાં કોઇ પણ વસ્તુનું લિલામ કરે, ત્યારે સૌથી વધારે રૂપિયા બોલનાર વસ્તુ લઇ જાય એ તો ખરૂં. પણ તે પહેલાં જેટલા લોકો બોલી બોલ્યા હોય એ સૌએ પણ રૂપિયા આપવા પડે. મતભેદો નિભાવવાની ગાંધીજીની ક્ષમતા પ્રચંડ હતી. રાજકીય ક્ષેત્રે સમર્થ રામદાસ અને છત્રપતિ શિવાજીથી પ્રભાવિત એવા કેદારનાથજી અહિંસાથી માંડીને અનેક બાબતોમાં ગાંધીજી સાથે મતભેદ ધરાવતા હતા. છતાં, આશ્રમવાસી બન્યા વિના કે આશ્રમની પ્રાર્થનામાં જોડાયા વિના લાંબા સમય સુધી તે આશ્રમમાં રહી શક્યા હતા.

‘નાથજી’ તરીકે ઓળખાતા કેદારનાથજીના મતે, ગાંધીજીનો સૌથી મોટો ગુણ એ હતો કે દેશહિતમાં જેની પાસેથી જે લઇ શકાય તે લઇ લેવું. આ ગુણને નાથજીએ ‘લોકસંગ્રહ’ તરીકે ઓળખાવ્યો હતો. અહિંસા, અઘ્યાત્મ અને આત્માના અવાજના માર્ગે આગળ વધવાનું નક્કી કરી બેઠેલા ગાંધીજી જેટલા આગ્રહી એટલા જ છૂટછાટવાળા હતા. આશ્રમમાં તેમની સાથે જમવા બેસનારને પરાણે કડવા લીમડાની ચટણી ખાવી પડે અને હંસાબહેન મહેતા જેવાં ચા-પ્રેમી વિદૂષી આશ્રમની મુલાકાતે આવે, તો ગાંધીજી તેમના માટે ખાસ ચા પણ મંગાવે. દાંડીકૂચ વખતે આખા દેશનું ઘ્યાન તેમના પર કેન્દ્રીત હોય, ત્યારે તે આશ્રમની બીમાર છોકરીની ખબર કાઢવા જેટલી કાળજી દર્શાવે.

દાદાભાઇ નવરોજીનાં પૌત્રી ગોશીબહેન કેપ્ટનને ગુજરાતી બોલતાં બરાબર ન આવડે એ માટે તેમને ઠપકો આપતાં કહે,‘‘મારે તમારા દાદા (દાદાભાઇ નવરોજી) સાથે ઝઘડો કરવો છે. ગુજરાતી કેમ સારૂં ન શીખવ્યું?’ છતાં, ગોશીબહેન સાથે પત્રવ્યવહાર અંગ્રેજીમાં કરે. તેમના આવા દેખીતા વિરોધાભાસ માટે દંભ કે બેવડાં ધોરણ નહીં, પણ મુખ્યત્વે પ્રાથમિકતાઓની સ્પષ્ટ સમજણ કારણભૂત રહેતી હતી. તેમની સફળ નેતાગીરી ફક્ત સત્ય ને અહિંસા જેવા ‘આદર્શ’ સિદ્ધાંતોમાં સમાઇ જતી નથી. તેનું માનવીય પાસું ગાંધીજીના કટ્ટર વિરોધીના મનમાં પણ તેમના માટે આદર જગાડી શકે છે.

3 comments:

  1. સરસ...ગાંધીજીના વ્યક્તિત્વનાં બીજા પાસાઓનો પણ પરિચય થયો...

    ReplyDelete
  2. Anonymous5:11:00 PM

    dr. hasmukh vyas (from Dhoraji), editor of 'Sanshodhan' research quarterly has drawn my attention towards a slip. Labhuben was daughter of Amrutlal sheth- not 'bhatreejee" as I wrote.
    Thanks Hasmukhbhai & sorry for the error.
    - urvish kothari

    ReplyDelete
  3. Anonymous5:13:00 PM

    nice article .......

    ReplyDelete