Monday, February 26, 2024
કૃષ્ણ, સુદામા અને તાંદુલ
વડા પ્રધાને ગયા સપ્તાહે તેમના એક ભાષણમાં એ મતલબનું કહ્યું કે કૃષ્ણ-સુદામાના જમાનામાં અત્યારની ટેકનોલોજી હોત તો કોઈએ કૃષ્ણને તાંદુલ આપતા સુદામાની વિડીયો લઈને સોશિયલ મિડીયા પર ચડાવી દીધી હોત અને કૃષ્ણ પર લાંચ લેવાના આરોપ મુકાયા હોત.
સામાન્ય રીતે રામનો ઉપયોગ કરવા માટે જાણીતા વડાપ્રધાનને ચેન્જ ખાતર કૃષ્ણ સાંભર્યા, તેની પાછળ સર્વોચ્ચ પ્રેરણા કામ કરતી હશે, એવું ધારી શકાય. અલબત્ત, સર્વોચ્ચ પ્રેરણા દર વખતે આધ્યાત્મિક હોય તે જરૂરી નથી. તે દુન્યવી અને કાયદાકીય—એટલે કે સર્વોચ્ચ અદાલતના ચુકાદામાંથી પેદા થયેલી પણ હોઈ શકે. ગયા સપ્તાહે સર્વોચ્ચ અદાલતે વડા પ્રધાનની આગેવાની હેઠળનો શાસક પક્ષ વર્ષોથી જેના મુખ્ય લાભાર્થી રહ્યો છે તેવા ઇલેક્ટોરલ બોન્ડ (દાતાના નામ વિના નાણાંભંડોળ ઉઘરાવવાના બોન્ડ) ગેરબંધારણીય જાહેર કર્યા.
ઘણા સમયથી દેશમાં બંધારણીય મૂલ્યો અને બંધારણીય સંસ્થાઓની દશા જોતાં, આ સમાચારથી ઘણાને નવાઈ કે આંચકો ન લાગ્યાં. આમ પણ, વોટ્સએપ પર મળતા રેડીમેડ અને ટેલર-મેડ નીરણના બંધાણને કારણે જાતે વિચારવાની આદત રહી ન હોય. એટલે, બીજા અનેક સમાચારોની જેમ તે સમાચાર પણ આવ્યા ને જતા રહ્યા.
એક સમય હતો, જ્યારે ભારતમાં કોઈ ચીજ ગેરબંધારણીય જાહેર થાય તો જાહેર જીવન ખળભળી ઉઠતું, પ્રસાર માધ્યમોમાં વાજબી કાગારોળ મચતી અને લોકો પણ આંદોલિત થઈ ઉઠતા. તે સમય સો કે હજાર નહીં, દસ વર્ષ પહેલાં જ હતો, એવું પણ ઘણાને યાદ આવતું નથી. ઠંડા કલેજે નિયમિતપણે બોલાતાં જૂઠાણાં અને ગરમ કોઠે નિયમિતપણે ચાલતી ધિક્કારસભર આપખુદશાહી—આ બંનેના મિશ્રણની લોકોની યાદશક્તિ પર વધારે ખરાબ અસર થઈ છે કે લોકોની સમજ પર, એ નક્કી કરવું કપરું બને એમ છે. છતાં, કેટલાક લોકો એવા હતા, જેમને લાગ્યું કે સર્વોચ્ચ અદાલતના ઇલેક્ટોરલ બોન્ડ વિશેના ચુકાદા અને વડા પ્રધાનને યાદ આવેલા સુદામાના તાંદુલ વચ્ચે સીધો સંબંધ હશે.
વડા પ્રધાને પોતાની ઓળખ ભલે ફકીર તરીકે આપતા હોય અને કહેતા હોય કે મૈં તો ઝોલા ઉઠાકર ચલા જાઉંગા. પણ અત્યાર લગીની તેમની ભપકાબાજીને ધ્યાનમાં રાખતાં કૃષ્ણ-સુદામાના રૂપકમાં તે પોતાની જાતને સુદામા તરીકે ન જોતા હોય, એ તો સ્પષ્ટ છે. પોતાના માથાડૂબ પ્રેમમાં પડેલો માણસ પોતાની જાતને ભગવાન-સમકક્ષ માનતો હોય અને આજુબાજુનું મંડળ પોતાના સ્વાર્થની પૂર્તિ ખાતર તેનો એવો ભ્રમ પોષતું હોય, તો એ પણ સ્વાભાવિક ગણાય.
વડા પ્રધાનનો કિસ્સો વિલક્ષણ એવી રીતે પણ છે કે તે પોતે અથવા બીજું કોઈ તેમને રામ કે કૃષ્ણ સમકક્ષ ગણાવે તો કશું ન થાય. પોતાની ધાર્મિક લાગણી દુભવવા માટે સદા ઉત્સુક અને તેમાંથી જ પોતાની ગુંડાગીરી-કમ-નેતાગીરીની કારકિર્દી બનાવવા ઝંખતા લોકોને પણ તેનાથી વાંધો ન પડે. ‘ન્યૂ ઇન્ડિયા’માં એવો આખો એક સમુદાય પેદા થઈ ચૂક્યો છે, જે વડા પ્રધાનને ભગવાન સાથે સરખાવા માટે આતુર ન હોય તો પણ, તે બાબતે વડા પ્રધાનનું ઉપરાણું લઈને લડવા ઉતરી શકે. આ નકરી કલ્પના નથી. અયોધ્યાના કાર્યક્રમ પહેલાં બાળસ્વરૂપ શ્રી રામ વડા પ્રધાનની આંગળી પકડીને અયોધ્યાના નવા બનેલા મંદિરે જતા હોય, એવાં પોસ્ટર સોશિયલ મિડીયા પર બહુ ફરતાં હતાં. ‘જય શ્રી રામ’ના નારા લગાડતા અને રાજકારણનો હાથો બનવા તલપાપડ કોઈને તે પોસ્ટર સામે વાંધો પડ્યો હોય, વડા પ્રધાને તે પોસ્ટર વિશે ખેદ વ્યક્ત કરીને પોસ્ટર બનાવનાર અને વહેતું કરનાર સામે પગલાં લેવાની વાત કરી હોય, અને ચાર ઠેકાણે કોર્ટ કેસ થયા હોય—એવું કશું જાણવા મળ્યું નથી.
કૃષ્ણ-સુદામાના વડા પ્રધાને આપેલા રૂપકમાં સુદામા કોણ હોઈ શકે, એની અટકળો ઘણાએ વહેતી મુકી. ઘણાને થયું કે તેમાં ધારવા જેવું શું છે? જવાબ સાવ ઉઘાડો નથી? બદલાયેલા સમયની માગને ધ્યાનમાં રાખતાં સુદામા કોઈ એક જ હોય, એવું પણ શા માટે ધારી લેવું? ઇલેક્ટોરલ બોન્ડના તાંદુલ આપનાર સુદામાઓ તો સેંકડોની સંખ્યામાં છે. નવા જમાનામાં સુદામા જ કૃષ્ણને ત્યાં જાય, એવું પણ જરૂરી નથી. કૃષ્ણની વર્તમાન આવૃત્તિ પોતે સુદામાના ભવ્ય મહાલય કે અંગત વિમાનમાં મુસાફરી કરીને બિચારા સુદામાનો ધક્કો બચાવી લે તો તેમાં ખોટું શું છે?
આધુનિક સુદામાઓને પણ ખબર છે કે તાંદુલના જમાના હવે ગયા. હવે કૃષ્ણ તેમને વિસરે નહીં જાય અને સુદામાએ કામ પડે ત્યારે તેમને સંભારવા પણ ન પડે--એવું થવું જોઈએ. બાળપણના સ્નેહથી પણ અદકેરી એવી આ ગાંઠ ટકા વિના ટકાવી શકાય નહીં. આવા અંતરંગ સંબંધોમાં આશ્ચર્યનું તત્ત્વ નુકસાનકારક નીવડી શકે. આધુનિક કૃષ્ણ આધુનિક સુદામા પાસેથી હક કરીને તાંદુલ લઈ લે, પણ સુદામાને સરપ્રાઇઝ આપવા માટે, પોતે તેમને શું આપ્યું છે, તે ખાનગી રાખે તો મુશ્કેલી થાય. ‘એ સર્વ ધૂર્ત કપટીની સેવા, લટપટ કરી મારા તાંદુલ લેવા’—એવી પ્રેમાનંદ-પંક્તિ પ્રમાણે વિચારીને આધુનિક સુદામા ક્યાંક નવા કૃષ્ણ શોધી લે તો?
આ બધા કલ્પનાના પતંગ વચ્ચે, બીજો વિચાર પણ આવે છેઃ વડા પ્રધાન પ્રજાના મોટા સમુદાયને જુમલાબાજીના તાંદુલ આપીને, બદલામાં સત્તારૂપે તેનું અનેકાનેક ગણું વળતર ખાટી લે છે, એ જોતાં કૃષ્ણ-સુદામાના રૂપકમાં તે પણ સુદામા હોઈ શકે?
Saturday, January 27, 2024
દિલીપભાઈ ગોહિલની અણધારી વિદાય
![]() |
દિલીપ ગોહિલ |
દિલીપભાઈ ગોહિલ ગયા--નીલેશભાઈ (રૂપાપરા)ની લગભગ પાછળ પાછળ.
Tuesday, January 23, 2024
રામરાજ્યનું સપનું
વાત જાણે એમ છે કે એક દિવસ રાવણને લંકામાં રામરાજ્ય સ્થાપવાનું મન થયું. રામરાજ્ય વસ્તુ જ એવી છે કે બધાને તે સ્થાપવાનું તો નહીં, પણ સ્થાપ્યાનો જશ લેવાનું મન ચોક્કસ થાય. લોકોને થાય કે રામરાજ્ય સ્થાપવાનો જશ લેવાથી પોતે પણ રામ સમકક્ષ કહેવાશે.
મન થયા પછી રાવણને તો સપનાં આવવાં લાગ્યાં. સપનામાં તેને દેખાય લંકા અને તેનાં મંદિરો, પણ અંદર ભગવાનની મૂર્તિને બદલે તેને પોતાની મૂર્તિ દેખાય. મંદિરની બહાર દર્શનાતુર એવાં લંકાનાં પ્રજાજનોની લાંબી લાઇન પડી ગઈ હોય. એક પછી એક બધાં અંદર જાય, પણ બહાર આવે ત્યારે તેમના ચહેરા પર થોડી આઘાતની લાગણી હોય. (કેમ કે, અંદર રામને બદલે રાવણનાં દર્શન થયાં હોય) છતાં, કોની મગદૂર છે કે હરફ સરખો પણ ઉચ્ચારે? બહાર રાવણની બિનસત્તાવાર સેનાના સભ્યો ઉભેલા જ હોય. તે બહાર નીકળનારાને પૂછે પણ ખરા,‘બરાબર દર્શન થયાં ને?’
દર્શન તો થયાં જ હોય, પણ રાવણનાં. એટલે, દર્શનકર્તાથી સરખી ‘હા’ પણ ન પડાય અને હેમખેમ ઘરે પહોંચવાનું હોય, એટલે ખોંખારીને ‘ના’ પણ ન પડાય. ઘણા દર્શનાર્થીઓ એવા શાણા કે પોતે આશ્વાસન લે અને રાવણની મૂર્તિ જોઈને દુઃખી થયેલા લોકોને પોરસ ચઢાવે,‘એમ કહો ને કે મંદિરમાં રાવણની જ મૂર્તિ હતી. વાલીની કે સુગ્રીવ કે જાંબુવંતની મૂર્તિ હોત તો શું થાત? લંકાપતિ તેમનાં દર્શન કરવા બદલ તમને જેલમાં નાખત અને લંકા(પતિ)ના ન્યાયાધીશો તમારો કેસ ચલાવત જ નહીં.’
જોકે, રાવણને સપનામાં આ બધું એડિટ થઈને દેખાયું. તેને ખાતરી થઈ કે લંકામાં રામરાજ્યનું સ્થાપન હાથવેંતમાં છે અને રામના નવા અવતાર તરીકે તેનું નામ ગણાતું થઈ જશે. પરંતુ લંકાની ન્યૂસ(ન્સ) ચેનલોવાળા રાવણને સમજાવવા લાગ્યા કે સાહેબ, રામરાજ્ય લાવવાનું કામ અધૂરું રહ્યું હોય કે શરૂ પણ ન થયું હોય તો ભલે, પણ રામ તરીકે સ્થાપિત થવાના પ્રયત્નો કાચા કે અધૂરા ન રખાય.
તેમની સલાહથી પ્રેરિત અને ઉત્સાહિત થયેલા રાવણને વળી કેટલાંક સપનાં આવ્યાઃ એકમાં તે શ્રી રામના સૈન્યે લંકા સુધી પહોંચવા માટે બાંધેલા પુલ પર તે એકલો એકલો સ્લો મોશનમાં ચાલી રહ્યો હતો અને હાથ હલાવીને દરિયાનાં મોજાંનું અભિવાદન ઝીલી રહ્યો હતો. બીજા સપનામાં તે (અ)ઘોર તપસ્યા કરી રહ્યો હતો. તેની તપસ્યામાં કમી રહી જાય એટલા માટે કેટલાક વિરોધીઓ લંકાની વાસ્તવિક પરિસ્થિતિનાં અને ગરીબ જનતાની સ્થિતિનાં આંકડાસ્ત્રો છોડી રહ્યા હતા. તેમને લાગતું હતું કે રાવણ રામ સમકક્ષ બની જશે તો પછી લંકા રામભરોસે થઈ જશે. પણ તે રાવણને કશું નુકસાન પહોંચાડી શકતા ન હતા. કારણ કે આજુબાજુ તેની વાનરસેના ઢાલ બનીને ઊભી હતી.
હા, રાવણની પોતીકી વાનરસેના હતી, જે જન્મે નહીં, પણ કર્મે એ ઓળખ પામેલી હતી. લંકામાં રામરાજ્ય સ્થાપવા માટે વાનરસેના જરૂરી છે, એવો રાવણનો અને તેના ભાઈ કુંભકર્ણનો દૃઢ મત હતો. કુંભકર્ણની ભારપૂર્વકની સલાહ હતી કે રામરાજ્ય સ્થપાતાં પહેલાં વાનરરાજ સ્થપાવું જોઈએ. એવું થઈ જાય, તો પછી રામરાજ ક્યારથી શરૂ થશે તેની મુદતો પાડતા રહેવાનું. રાવણને એ દલીલ ગળે ઉતરી હતી ને તેની વાનરસેના લોકોને સમજાવવા લાગી હતી કે વાનરરાજ એ રામરાજ્યનું જ એક અંગ છે.
રાવણ જે કહે તે સાચું માની લેનારા લંકામાં ઘણા હતા. રાવણે તેમને ઠસાવી દીધું હતું કે તેનું રાજ આવ્યું તે પહેલાં લંકામાં ડાયનોસોર ફરતાં હતાં. તેમાંથી માંસાહારી ડાયનોસોરોનો નાશ કરીને, શાકાહારી ડાયનોસોરોને બળદની જગ્યાએ જોતરીને ખેતી કરીને તેણે લંકાને સોનાની બનાવી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે ડાયનોસોર અને માણસ આ પૃથ્વી પર કદી સાથે રહ્યાં નથી, એવું જૂઠાણું લંકાવિરોધીઓનું કાવતરું હતું, જે અત્યાર સુધી ચાલી ગયું, પમ હવે રાવણના રામરાજ્યમાં તેમની ખેર નથી.
રાવણરાજ્યને રામરાજ્ય તરીકે સ્વીકારવાની અને તેનો જયજયકાર કરવાની ના પાડતા લોકોને ખાતરી હતી કે રામરાજ્યની તો ખાલી વાતો હતી. અસલમાં રાવણે એવી વ્યવસ્થા ગોઠવી દીધી હતી કે તે ફક્ત પોતાનાં સપનાંની મોટી મોટી વાતો કરે અને ફુલફટાક થઈને પુષ્પક વિમાનમાં ફર્યા કરે. ટીકાકારોને જવાબ આપવા માટે આખી વાનરસેના દિવસરાત તૈયાર રહેતી હતી. ટીકાકારો કહે કે રામરાજ્યમાં તો મર્યાદાનો મહિમા હતો. રામ મર્યાદાપુરુષોત્તમ હતા, તો રાવણની વાનરસેના કહેતી, ‘રાવણ પણ મર્યાદાપુરુષોત્તમ જ છે. તેમણે પોતાના સિવાય બીજા બધા પર કેટલી બધી મર્યાદાઓ નાખી છે? થાય છે કોઈ આઘાપાછા?’
ટીકાકારો કહે કે રામ પ્રજાવત્સલ રાજા હતા. ધોબીની ટીકા પણ ગંભીરતાથી સાંભળતા હતા, જ્યારે રાવણ તો સવાલોના જવાબ આપતો જ નથી. ત્યારે રાવણની વાનરસેના કહેતી, ‘રામાયણના સેંકડો પાઠ છે. તેમાં ક્યાંય તમે એવું વાંચ્યું કે શ્રી રામે પ્રશ્નો પૂછનારાને એક જગ્યાએ ભેગા કરીને, તેમના પ્રશ્નો સાંભળ્યા અને વારાફરતી તેમના જવાબ આપ્યા? રામરાજ્યમાં એવું કશું થયું નથી. એનો અર્થ એ કે એવું કશું ન થાય, તે રામરાજ્ય હોવાની જ સાબિતી છે.‘
ગમે તે હોય, પણ રાવણને રામરાજ્ય સ્થાપવાની બહુ ઉતાવળ હતી. એટલે, એક દિવસ સપનામાં તેણે લંકાનું નામ બદલીને અયોધ્યા કરી નાખ્યું.
--અને તેની આંખ ખુલી ગઈ.
સપનાંનું આ સુખ હોય છે. આંખ કદીક ખુલે તો ખરી.
Wednesday, January 17, 2024
રાષ્ટ્રીય (પ)તંગ મહોત્સવ
ઉત્તરાયણ નિમિત્તે, અને ખરેખર જરૂર હોય એ સિવાયના લગભગ તમામ પ્રસંગે, ગુજરાતમાં અઢળક ચિંતન થયું છે-થતું રહે છે. પતંગ, દોરી અને આકાશને સાંકળતી ફિલસૂફી ‘પરંપરાગત હર્ષોલ્લાસ’ સાથે ઠલવાય છે. ઉત્તરાયણના દિવસે ઠેર ઠેર વેચાતા તૈયાર ઊંધિયામાંથી તેલના નીકળે, એવા રેલા છાપાંમાં ચિંતનના નીકળે છે. બંનેના ભાવક વર્ગને થાય છેઃ બરાબર છે, ઊંધિયામાં તેલ (ને છાપામાં ચિંતન) હોય ને તે અમુક હદ સુધી ભાવે પણ ખરું. છતાં એનું કંઈ માપ હોય કે નહીં?
સરકાર-રીતિની જેમ ઉત્તરાયણ પણ કેટલાક માટે ખાવાનો, કેટલાક માટે બેફામ ઢીલ મુકવાનો અને કેટલાકને મન કશું સમજ્યાવિચાર્યા વિના બીજાના ટેકામાં ચિચિયારીઓ પાડવાનો- પથ્થરબાજી કરવાનો તહેવાર હોય છે. ઉત્તરાયણ કહેવાય પતંગનો ઉત્સવ, પણ આગળ ઉલ્લેખેલી ક્રિયાઓ અને તેના કરનારાઓને માટે પતંગ તો કેવળ નિમિત્ત.
પહેલાં ‘એક અગાસી, એક પતંગ’ની સ્થિતિ શક્ય ન હતી. એક જગ્યાએથી બે-ત્રણ પતંગ ચગતા હોય તે બહુ સામાન્ય દૃશ્ય હતું. તેમાં થોડી અરાજકતા થતી, ક્યારેક અંદરોઅંદર પેચ લડી જતા, દોરીઓ ગુંચવાઈ જતી, લડાઈઝઘડા થતા. છતાં, ‘વિવિધતામાં અરાજકતા’ની સાથોસાથ ‘વિવિધતામાં એકતા’ પણ જળવાઈ રહેતી હતી. વર્તમાન સમય ‘એક દેશ, એક અગાસી, એક પતંગ’નો છે. બીજા પતંગોને ઊંચા થવા દેવાતા નથી અને થાય તો તેમને હાથોહાથમાંથી કાપી નાખવામાં આવે છે. અને તે પણ, ચગેલા પતંગ દ્વારા નહીં, પણ આજુબાજુની ભીડ દ્વારા અને એકમેવ પતંગબાજના ‘ઝંડા’ધારીઓ દ્વારા.
સંયુક્ત અગાસીનો અનુભવ ધરાવતા લોકોને યાદ હશે કે આખા ટોળામાં પતંગ ચગાવનાર એક જ હોય, પણ આખું ટોળું તેની તરફેણમાં એવી ગગનભેદી ચિચિયારીઓ પાડે કે પતંગ ચગાવનારનો વટ પડી જાય. તે નિર્દોષ પ્રવૃત્તિએ સાંપ્રત કાળમાં સમાચાર અને સોશિયલ મિડીયા પરના પ્રચારનું રૂપ લીધું છે. ‘આખા દેશમાં પતંગ ચગાવનાર એક જ છે અને બીજા કોઈને તો તે આવડતું જ નથી,’ એવો ઘોંઘાટ સતત ચાલુ છે. તેનાથી આગળ વધીને એવો માહોલ જમાવવામાં આવ્યો છે કે ‘અગાઉ કોઈએ પતંગ ચડાવ્યા જ ન હતા ને પેચ લડાવ્યા જ ન હતા. આ દેશનું નસીબ છે કે પહેલી વાર તેને કોઈ એવો માણસ મળ્યો, જેને પતંગ ચગાવતાં આવડતું હોય. હવે જોજો, દેશ કેવો વિશ્વગુરુ બની જશે.’
અગાસીના માહોલ વિશે જાણનારાને ખ્યાલ હશે કે એક જ પતંગ પર ચિચિયારી પાડતા ટોળામાં વચ્ચેવચ્ચે તલસાંકળી, લાડુડી, બોર-જામફળ, ચીકી વગેરે વહેંચાતું રહે છે. તેનાથી બૂમો પાડવાનો ઉત્સાહ ટકી રહે છે. કેટલાકને એ નથી મળતું. છતાં, તે બૂમો પાડવામાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તેમને બીક છે કે તે ટોળામાં સામેલ નહીં થાય, તો હવે પછીની ઉત્તરાયણ તેમને જેલમાં કરવી પડશે.
એકના એક વીર પતંગવાળાનો જયજયકાર કરતા રહેવા માટે, તેનો પતંગ બહુ સરસ ચગતો હોય કે તે વારેઘડીએ પેચ લડાવીને વિજેતા બનતો હોય, એવું બિલકુલ જરૂરી નથી. હકીકત તો એ છે કે તેનો પતંગ ચગતો હોય, એ પણ જરૂરી નથી. ચગતા અને સરસ ચગતા પતંગનાં ગુણગાન તો સૌ ગાય. ન ચગેલા પતંગના ધણીને આકાશવિજેતા જાહેર કરીએ તો ખરા.
એટલે પતંગ ચગાવનાર અગાસી પર ઉભો ઉભો આકાશ તરફ જુએ તો આકાશને ખબર પાડી દેવાનો તેનો માસ્ટર સ્ટ્રોક, નીચે જુએ તો વિરોધીઓને ભોયંભેગા કરવાના ઇરાદાનો માસ્ટર સ્ટ્રોક, ગોગલ્સ પહેરે તો માસ્ટર સ્ટ્રોક, શાલ ઓઢે તો માસ્ટર સ્ટ્રોક. તે પતંગ ચગાવતો હોય એવો ભાસ થાય, એટલે ટોળાએ આકાશમાં સૌથી ઊંચે દેખાતો પતંગ તેમના પતંગબાજનો હશે, એવું જાહેર કરી દેવાનું. કોઈ પુરાવા માગે તો કહેવાનું કે ‘જા, ઉપર જઈને પતંગને પૂછી આવ.’ કોઈ પૂછે કે ‘તમારા પતંગબાજના હાથમાં દોરી તો દેખાતી નથી.’ તો કહેવાનું, ‘એ સ્ટ્રીંગલેસ પતંગની લેટેસ્ટ આધ્યાત્મિક ટેકનોલોજી છે. જે લોકોને તેમાં શ્રદ્ધા હોય તેમને જ દોરી દેખાય—લાલ ચશ્મા પહેરવાથી અદશ્ય મિસ્ટર ઇન્ડિયાને જોઈ શકાતો હતો તેમ.’
વચ્ચે વચ્ચે એવી જાહેરાત પણ કરી દેવાની કે ‘હમણાં જ સમાચાર આવ્યા છેઃ આપણા ધાબાનો પતંગ છેક ચંદ્ર પરથી દેખાય છે.’ કેટલાક લોકો એવા પણ હશે, જે કહેશે,’ અમે ક્યારના જયજયકાર કરીએ છીએ, પણ દોરી દેખાતી નથી.’ પછી હળવેકથી કહેશે, ‘પણ શું થાય? દેશની પ્રતિષ્ઠા વધતી હોય તો આપણાથી સવાલ કેમ પૂછાય?.’ તેમ છતાં, કોઈ ખરાઈ કરનારો તંત ન છોડે, તેની પર રાષ્ટ્રગૌરવ અને વિશ્વવિભૂતી એવા ગૌરવબાજની દોરીમાં દાંતી પાડવાનો આરોપ મુકીને, તેને અંદર કરી દેવાનો.
પતંગ સરખી કે સાવ ન ચગી હોય, છતાં જયજયકાર ચાલુ રખાવવો હોય તો પોળના અનુભવીઓનો જૂનો અને જાણીતો બીજો રસ્તો છેઃ દૂર કે નજીક, કોઈ ને કોઈ ‘દુશ્મન’ ધાબું શોધી કાઢવું અને એ દિશામાં પથ્થરમારો શરૂ કરાવી દેવો. તેની સાથે વચ્ચે વચ્ચે આપણો પતંગ વિક્રમસર્જક ઊંચાઈએ પહોંચ્યો, ગિનેસ બુકમાં તેનું નામ આવ્યું, તેને અમેરિકાનો ફ્રિ-લીપ બટલર એવોર્ડ મળ્યો, પતંગની ટેકનોલોજી સૌથી પહેલાં આપણા દેશમાં શોધાઈ હતી—એવી બધી વાતો વહેતી રાખવાની.
ખોટું તો ખોટું, પણ ગૌરવ અને ઝનૂન સંતોષાઈ જાય, પછી પતંગ ચગે કે ન ચગે, પતંગ હોય કે ન પણ હોય, શો ફરક પડે છે?
Monday, January 08, 2024
માથું ખંજવાળવા વિશે
મથાળું વાંચીને કેટલાક વાચકો માથું ખંજવાળે તો નવાઈ નહીં. કારણ કે, માથાના ખોડા ઉપરાંત આશ્ચર્ય, આઘાત, ગુંચવણ, સવાલ, વિચાર જેવાં ઘણાં કારણસર માણસ માથું ખંજવાળી શકે છે. વિચારકો ગાલ પર આંગળીઓ રાખીને પડાવેલા ફોટા મુકે છે, તેને બદલે તેમના લખાણ સાથે (પોતાનું) માથું ખંજવાળતા ફોટા મુકતા હોત તો વિચારક તરીકેની તેમનો વધારે પ્રભાવ પડત.
Wednesday, January 03, 2024
શિક્ષણક્ષેત્રે કુરુક્ષેત્રે
ગુજરાતની શાળાઓમાં છથી આઠ ધોરણનાં બાળકોને ભગવદ્ ગીતા શીખવવામાં આવશે, એ સમાચાર વાંચીને મનમાં કેટલાંક દૃશ્યો આવી ગયાં.
સરકાર બતાવવા માગે છે તે દૃશ્યઃ
એક શાળા છે. તેના ઓરડામાં વડા પ્રધાનની શાળા-મુલાકાત વખતે
ફોટોશોપ કરીને લગાડેલી એવી નહીં, પણ અસલી બારી છે. તેમાંથી તડકો વર્ગખંડમાં
પ્રસર્યો છે. વર્ગખંડમાં બાળકો યુનિફોર્મ પહેરીને લાઇનસર બેઠાં છે અને એકાગ્રતાથી
ગીતાના શ્લોકોનું પઠન કરી રહ્યાં છે. એક શ્લોક પૂરો થાય, એટલે શિક્ષક શ્લોકનો
એકેએક શબ્દ છૂટો પાડીને તેનો અર્થ સમજાવે છે. તે સાંભળીને બાળકના ચિત્તમાં
જ્ઞાનપ્રાપ્તિનો રોમાંચ વ્યાપી જાય છે, જે તેના ચહેરા પર ઝગમગી ઉઠે છે.
--પણ આપણે જાણીએ છીએ કે સરકાર આવી રીતે જ વિદેશમાં
ખડકાયેલું કાળું નાણું પાછું લાવીને, ઇલેક્ટોરલ ફંડમાં નહીં, લોકોનાં ખાતામાં
નાખવાની હતી. એટલે, આગળ જણાવેલું સપનું જોવા માટે સરકારી ચશ્મા પહેરવા અનિવાર્ય
છે.
એ ચશ્મા વિશે પણ લગે હાથ થોડું કહી દેવું જોઈએ. થ્રી-ડી
ચશ્મા વિશે મોટા ભાગના લોકોએ સાંભળ્યું હશે ને ઘણાએ તે ફિલ્મ જોતી વખતે પહેર્યા પણ
હશે. સરકારના ચશ્મા તેનાથી પણ જૂની છતાં સદાબહાર એવી વન-ડી ટેકનોલોજી ધરાવે છે. તે
પહેર્યા પછી એક જ પરિમાણ—સરકાર બતાવે તે જ—દેખાય છે.
શાળામાં બાળકોને ગીતા ભણાવવાના સમાચાર સરકારના વન-ડી ચશ્મા
પહેરીને વાંચીએ તો પછી શાળામાં શિક્ષકોની અછત, વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર, ઉપલા
ધોરણના વિદ્યાર્થીઓને નીચલા ધોરણનું ગુજરાતી વાંચવામાં પડતાં ફાંફાં, શિક્ષકોનું
આર્થિક શોષણ અને તેમની સાથે સરકારી વેઠિયા જેવું વર્તન—આવું કશું જ નહીં દેખાય. એ
ચશ્મા પહેરીને જોતાં દેખાશે કે આઠમું ધોરણ ભણીને પાર ઉતરેલા વિદ્યાર્થીઓ—અને આઠમા
ધોરણ પછી ભણવાનું છોડી દેતી ગ્રામ્ય વિસ્તારોની ઘણીબધી વિદ્યાર્થીનીઓ—એકબીજા સાથે
ગીતાના શ્લોકો ટાંકીને જ વાતચીત કરતી હશે. ખેતરમાં મજૂરી કરતી વખતે, કારખાનાંમાં
કામ કરતી વખતે કે ભણવાનું છોડીને બીજી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિમાં જોતરાયા પછી પણ
તેમના હૃદયમાં અહર્નિશ ગીતાપાઠ ચાલતો હશે. ફળની આશા વિના કર્મ કરવાનું તે શીખે કે
ન શીખે, ફળીભૂત થવાની આશા વગરનાં વચનો હોંશે હોંશે પી જવાનું તે જરૂર શીખી જશે.
સરકારી ચશ્માથી એવું પણ દેખાશે કે ગુજરાતી માધ્યમમાં ભણનારા
બાળકોમાંથી હજારો બાળકો ગુજરાતી વિષયમાં ભલે નાપાસ થાય, પણ ગીતાના વિષયમાં તેમનું
પરિણામ ઝળહળતું હશે અને આખું વિશ્વ એ ચમત્કાર જોઈને ભારતના વિશ્વગુરુપદ પર વધુ એક
વાર મહોર મારી દેશે.
ભવિષ્યમાં ગીતાશિક્ષણ બધાં ધોરણ માટે લાગુ કરવામાં આવે
ત્યારે શિક્ષણ મંત્રીની સાથોસાથ એક હોદ્દો ગીતા મંત્રીનો પણ ઊભો કરી શકાય, જેથી
વિપક્ષમાંથી ખરીદી લાવેલા કોઈ નેતાને મંત્રીપદ આપવાનો વાયદો કર્યો હોય તો, વ્યવહાર
મુજબ, વાસ્તવિક સત્તા આપ્યા વિના, એ વાયદો પૂરો કરી શકાય.
ઘણા શિક્ષકો જોવા ઇચ્છે એવું
દૃશ્યઃ
ગીતા અભ્યાસમાં આવતાંની સાથે
સમૃદ્ધ વાલીઓના ફોન આવવા લાગ્યા હશે કે તેમના સંતાન માટે ગીતાનું ટ્યુશન બંધાવવું
છે. ‘કોઈ સારા ટીચર હોય તો બતાવજો.’ શહેરોમાં બધા વિષયોના ટ્યુશન ક્લાસનું જે પેકેજ નક્કી થતું હશે, તેમાં ગીતાનો
સમાવેશ નહીં થાય. તેને સ્પેશિયલ સબ્જેક્ટ ગણીને તેની ફી ગણિત કે વિજ્ઞાન કરતાં
દોઢી રાખી શકાશે. ફીવધારાના વિરોધીઓને હિંદુવિરોધી તરીકે ગણાવવાની સુવિધા પણ
રહેશે. આઠમા ધોરણમાં ભણતાં સંતાનોને બારમા પછી આપવાની પરીક્ષાની તૈયારી કરાવતાં
વાલીઓ, ગીતાની તૈયારી માટે બાળક ચોથા ધોરણમાં હશે ત્યારથી તેનું ટ્યુશન શોધવા
લાગશે, જેથી છઠ્ઠામાં ગીતા આવે ત્યારે તેમનું બાળક બીજાં બાળકોની સ્પર્ધામાં પાછળ
ન પડી જાય. તેના કારણે ગીતાના ટ્યુશન ક્લાસ ખરેખર તો છઠ્ઠા ધોરણથી નહીં, ચોથા
ધોરણથી જ શરૂ કરી શકાશે.
ગીતાનો સબ્જેક્ટ ગુજરાતી ઉપરાંત
સંસ્કૃત અને અંગ્રેજીના શિક્ષકો પણ શીખવી શકશે. ગીતાના ટ્યુશનક્લાસ ભરનારાને
ગીતાનો એકાદ શ્લોક લખેલું ટી શર્ટ પણ આપી શકાય. શ્લોક સંસ્કૃતની સાથોસાથ અંગ્રેજી
લિપિમાં લખેલો હોવાથી શહેરનાં, અંગ્રેજી મિડીયમમાં ભણતાં બાળકો પણ તેનો લાભ લઈ
શકશે—અને એવું થાય તો ટી શર્ટના જથ્થાબંધ ઓર્ડરમાંથી મળનારું કમિશન અલગ.
સરકારી જાહેરાત પછી મોડા જાગેલા
કેટલાક હજુ ગીતાની ગાઇડ લખી રહ્યા હશે, પણ કેટલાક ‘અનુભવી’ શિક્ષકો તો ગાઇડનું લેખન પૂરું કરવામાં હશે. કારણ
કે, જાહેરાત થતાં પહેલાં તેમને આગોતરી ગાંધીનગરથી ખબર પડી ગઈ હશે.
ગીતાને બારમા ધોરણમાં ફરજિયાત
કરવામાં આવે અને તેના માર્ક પણ વિદ્યાર્થીની છેવટની ટકાવારીમાં ગણાશે એવી જાહેરાત
થાય, તો વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાને અવગણે છે એવી રીતે ગીતાને અવગણી નહીં શકે અને
કમર કસીને તેની તૈયારી કરશે. મતલબ, તેનાં પેપર ફૂટશે અને કમાણીની નવી દિશાઓ ખુલશે,
જેના પગલે કહી શકાશે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા.
ઘણા વિદ્યાર્થીઓ જોવા ઇચ્છે એવું
દૃશ્યઃ
વિદ્યાર્થીઓ? અને તે વળી ઇચ્છે? અઢળક રૂપિયા ખર્ચીને તે શિક્ષણની ગુણવત્તા સિવાય
બીજું કંઈ પણ ઇચ્છી શકે. તેમનો ધર્મ શિક્ષણના તળીયે પહોંચેલા સ્તર વિશે વિચારવાનો
તો બિલકુલ નથી. તેમણે આગળ આપેલાં બે દૃશ્યોમાં જ્યાં ગોઠવાઈ શકાય ત્યાં ગોઠવાઈ
જવાનું. એની તેમને સંપૂર્ણ છૂટ હશે. ગીતા-પરંપરા પ્રમાણે તેમને કહી પણ શકાશેઃ યથેચ્છસિ
તથા કુરુ. તમને ઠીક લાગે તે વિકલ્પ પસંદ કરો.
Sunday, December 24, 2023
બહેન લોકશાહીની વાર્તા
એક હતી લોકશાહી. પરણીને આવી ત્યારે તેનો દબદબો હતો. બધાં તેને માનપાન આપતાં હતાં. તે પોતે પણ સમૃદ્ધ ઘરમાંથી આવી હતી. તેના પિયરમાં સંપત્તિ ઓછી, પણ ઉજળી પ્રતિષ્ઠા. સાસરું ગરીબ હતું, પણ મહેનતથી આગળ અવાશે એવી શ્રદ્ધા. એટલે બહેન લોકશાહીએ સાસરે આવીને બહુ વૈતરું કર્યું. શરૂ શરૂમાં તો લાગતું હતું કે એ લાંબું નહીં ટકે. કારણ કે, કેટલાંક સાસરીયાં દુષ્ટ, સ્વાર્થી કે મૂઢ હતાં. તેમને બહેન લોકશાહીની કદર ન હતી. તેમને લાગતું હતું કે આપણી સેવા માટે નવી કામવાળી આવી છે. તેને નીચોવી લો.
તે નવી છે, તેને ગોઠવાતાં વાર લાગશે, તેને થોડો સમય આપીએ—એવું વિચારનારા બહુ ઓછા હતા. છતાં, બહેન લોકશાહીનું કાઠું મજબૂત હતું. એટલે બહુ મોટા અને ચિત્રવિચિત્ર ખોપરીઓ ધરાવતા પરિવારમાં આવી હોવા છતાં, તેણે ધીમે ધીમે પોતાની પકડ જમાવવા માંડી. ઘરના લોકો એકદમ રીઝી જાય એવા ન હતા. બાર સંધાય ત્યાં તેર તૂટીને ઊભા રહે. છતાં, દર પાંચ વર્ષે તેની વર્ષગાંઠ આવે ત્યારે બધાં બહુ ધામધૂમથી તેની ઉજવણી કરવા લાગ્યા. આડે દિવસે તેની સત્તર ભૂલો કાઢનારા પણ તેની વર્ષગાંઠે તેનું સારું સારું બોલતા હતા. વર્ષગાંઠના દહાડે ધાંધલ કરનારા કુટુંબીજનો પણ હતા. છતાં, એકંદરે લોકશાહીને, તેના સાસરિયાંને અને બહારના લોકોને પણ એવું લાગતું હતું કે લોકશાહી સાસરિયાં સાથે સેટ થઈ ગઈ છે.
લોકશાહીની સાસરીનો પરિવાર એટલો મોટો હતો કે ક્યાંક, કોઈકની લડાઈ ચાલુ જ હોય. લોકશાહી બિચારી તે જોઈને જીવ બાળ્યા કરે, પણ તે શું કરી શકે? તેની પ્રકૃતિ જ એવી હતી કે તેણે સહદેવની માફક, બધું જાણ્યા છતાં, ચૂપચાપ જોયા કરવાનું. તેની પાસે સમજાવટની ક્ષમતા હતી, લડવાની શક્તિ નહીં. તેનો મૂળ સ્વભાવ રાંક. એટલે બીજા લોકો તેને જેટલું બોલવા દે અને કરવા દે, એટલું જ એનાથી થાય. સૈદ્ધાંતિક રીતે તેની ક્ષમતા હિમાલય ચઢી જવાની ને દરિયાના તળીયે ડૂબકી મારવાની. પણ સાસરિયાં તેને હાથપગ બાંધીને એક રૂમમાં પૂરી રાખે, તો જાતે તેનાથી પોતાનાં બંધન પણ છોડાય નહીં. એ તેની નબળાઈ ગણો તો નબળાઈ ને સજ્જનતા ગણો તો સજ્જનતા.
સાસરીયાંને આ ખબર હતી. છતાં, શરૂઆતમાં તેની સાથેનું વર્તન સારું હતું. એક જૂથ તેને વીતાડે તો બીજું જૂથ તેની વહારે આવે. એ બે જૂથ ભેગાં થઈને તેને વીતાડે, તો ઘરમાં ઘણા વડીલો હતા, તેમાંથી કોઈ ને કોઈ બહેન લોકશાહીનું ઉપરાણું લઈને તોફાની જૂથોને ટપારે.
આમ ને આમ દિવસો વીતતા હતા. પણ થોડાં વર્ષ પછી એક ગંભીર પ્રસંગ બન્યો. ઘરનાં બે જૂથો વચ્ચે મોટી ને ગંભીર તકરાર થઈ. ઘર પર સત્તા ભોગવતા જૂથને થયું કે આ શી માથાકૂટ? એના બદલે બીજા જૂથનો ફેંસલો આણી દેવો જોઈએ, પણ ઘરમાં આવું કંઈ પણ થાય ત્યારે બહેન લોકશાહી વચ્ચે આવી જતી હતી અને તેના રાંક પણ માયાળુ સ્વભાવને કારણે લોકોને તેની દયા આવી જતી હતી. એટલે છેવટે ગમે તેટલી શત્રુવટ પછી પણ ઝઘડા ઠરી જતા હતા અને બધું સામાન્ય થઈ જતું હતું.
ઘર પર સત્તા ભોગવતા જૂથને એ વાતની બરાબર ખબર હતી. એટલે તેમણે સૌથી પહેલાં બહેન લોકશાહીના હાથપગ બાંધ્યા, મોઢે ડૂચો માર્યો અને નાખી એક અંધારિયા ઓરડામાં. લોકશાહી હતપ્રભ થઈ ગઈ. તેને નાનીમોટી થપાટો તો અનેક વાર વાગી હતી, પણ આવું તેની સાથે પહેલી વાર થયું હતું. ઘર પર પ્રભાવ ધરાવતા જૂથે જાહેર કરી દીધું કે લોકશાહી બહેનની તબિયત બગડી હોવાથી અને તેની માઠી અસર ઘરની સલામતી પર પડે એમ હોવાથી, તેને આરામ આપવામાં આવ્યો છે, પણ ઘરના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.
લોકશાહી બહેન માટે એ કાળ ભારે કપરો હતો. એક તબક્કે તો એવું લાગ્યું કે તે ફરી કદી બેઠી નહીં થઈ શકે. પણ ખબર નહીં કેમ, થોડા વખત પછી, ઘર પર પ્રભાવ ધરાવતા જૂથે અચાનક એક દિવસ આવીને લોકશાહીનાં બંધન ખોલી નાખ્યાં, તેને તાજી હવામાં આણી અને ફરી તેની જગ્યાએ સ્થાપિત કરી. લોકશાહીને ફરી આવું વેઠવું ન પડે તે માટે પગલાં લેવામાં આવ્યાં.
પણ ખાસ્સા વખત પછી ફરી એક વાર બહેન લોકશાહી એવી કે વધારે ખરાબ સ્થિતિમાં આવી છે. આ વખતે તેને અંધારિયા ઓરડામાં ધકેલવામાં નથી આવી. ધીમે ધીમે કરીને તેના હાથ-પગ-આંખો-મોં બધે પાટા અને દોરડાં બાંધી દેવામાં આવ્યાં છે. લોકશાહી સાથે જબરદસ્તી થાય ત્યારે વચ્ચે પડનારા વડીલોને એક પછી એક ડરાવીને કે તેમનાં મોઢાં રૂપિયાથી ભરીને ચૂપ કરી દેવામાં આવ્યા છે. તેની ચિંતા કરતા સામાન્ય સભ્યોમાંથી ઘણાને અફીણના નિયમિત ડોઝ આપવામાં આવે છે. એટલે તે લોકશાહીની આ સ્થિતિ વિશે ચિંતા કરવાને બદલે ઝૂમી રહ્યા છે.
બહારનું કોઈ જુએ તો તેને લાગે કે ઘરમાં બધું પહેલાંની જેમ જ ચાલે છે. કોઈ પૂછે કે ‘લોકશાહીને ચસકી પણ ન શકે એવી રીતે દોરડાં ને પાટા કેમ બાંધ્યા છે?’, તો જવાબ મળે છે, ‘તેના રક્ષણ માટે.’
અંધારિયા ઓરડામાં પુરાયેલી લોકશાહી તો બચી ગઈ હતી, પણ આ વખતે તેનું શું થશે, ખબર નથી.
Sunday, December 10, 2023
નીલેશ રૂપાપરાની આંચકાજનક વિદાય
પ્રેમાળ મિત્ર
નીલેશ રૂપાપરા ઓચિંતા-અણધાર્યા જતા રહ્યા.
સવારે કેતનભાઈ
મિસ્ત્રીનો ફોન આવ્યો. જાણવા મળ્યું કે ગઈ કાલે રાત્રે નીલેશભાઈ પરિવારજનો સાથે હતા અને બ્લડ પ્રેશર ઓચિંતું
વધી ગયું, ભારે બ્રેઇન સ્ટ્રોક આવ્યો. હાલત બહુ ગંભીર છે.
ને સાંજે
ટૂંકો સંદેશોઃ નીલેશભાઈ ગયા.
1995થી 2023 સુધીના સમયગાળાની અનેક મધુર યાદો ઉભરી આવી.
તેમને
પહેલી વાર જોયા મુંબઈમાં ‘અભિયાન’ની ઓફિસમાં. ત્યારે તેમના માથે ખાસ્સા છાપરા જેવા
વાળ હતા. ચહેરા પર ધ્યાન દોરે એવી ભરાવદાર છતાં ખૂંખાર ન લાગે એવી મૂછો, ચશ્માની
પાછળ દેખાતી, સહેજ ઢળેલાં પોપચાંવાળી આંખો, ધીમી પણ ખચકાટ વગરની ચાલ, હાથમાં
સીગરેટ. બોલ્યા એટલે થયું કે આમનો તો અવાજ પણ સરસ છે. એકદમ બેઝવાળો.
તે ‘અભિયાન’ના સંપાદક હતા. દીપક સોલિયા ચીફ
રીપોર્ટર. બંને જણ અત્યંત કામગરા તરીકે જાણીતા. નીલેશભાઈ ડેસ્ક સંભાળે. એટલે કે જે
અહેવાલો-લખાણો આવે તેમનું કમ્પ્યુટર પર જ એડિટિંગ કરે, કાપકૂપ કરે, સુધારેમઠારે
અને છેલ્લે લેખનું મથાળું તથા ભૂમિકા (ઇન્ટ્રો) બાંધે. તેમની ભાષા અત્યંત સમૃદ્ધ.
લેખનમાં અભિવ્યક્તિ જોરદાર. પાછા ચહેરેથી લાગે તેવા ધીરગંભીર કે ઠાવકાઠમ પણ નહીં.
છૂટથી મસ્તીમજાક કરે ને ખુલીને હસે.
![]() |
'મારી પત્રકારત્વ-લેખનની સફર' પુસ્તક માટે નીલેશભાઈ પાસેથી 1995ના અરસાનો ફોટો મંગાવ્યો ત્યારે તેમણે બે-ત્રણ ફોટા મોકલ્યા હતા. તેમાંનો આ ફોટો મારા મનમાં રહેલી તેમની એ અરસાની છબીની સૌથી નજીકનો હતો. |
‘અભિયાન’માં તેમની પાસેથી-તેમને જોઈને હું ડેસ્ક
કામગીરીમાં ઘણું શીખ્યો. એ વિશે મેં ‘મારી પત્રકારત્વ-લેખનની સફર’માં લખ્યું, ત્યારે તેમણે તેમની શાલીનતાને અનુરૂપ ધોખો કર્યો હતો, ‘તું મને બહુ ફૂટેજ આપે છે.’ ‘અભિયાન’માંથી તે અમદાવાદ ‘ઇન્ડિયા ટુડે’ની ગુજરાતી આવૃત્તિમાં આવ્યા. અગાઉ
તે ‘ઇન્ડિયા ટુડે’ ગુજરાતીની દિલ્હી ઓફિસમાં પણ હતા જ.
થોડા સમય પછી મારે પણ ‘અભિયાન’ની અમદાવાદ ઓફિસે આવવાનું થયું. ત્યારે
અને પછી ‘સંદેશ’માં જોડાયો ત્યારે નીલેશભાઈના કારણે ‘ઇન્ડિયા ટુડે’ની ઓફિસમાં મારી અવરજવર ઘણી રહી. તેમાંથી
હિમાંશુ કીકાણી, દિલીપ ગોહિલ, મનીષ મહેતા, વિવેક મહેતા સહિત બીજા ઘણા સાથે પરિચય
અને દોસ્તી થયાં. ‘સંદેશ’માં મારી (પ્રશાંત દયાળ સાથેની)
દૈનિક હાસ્યકોલમ શરૂ થઈ ત્યારે તેના શરૂઆતના લેખ મેં આગ્રહપૂર્વક નીલેશભાઈને
વાંચવા આપ્યા હતા અને તેમનો પ્રામાણિક અભિપ્રાય માગ્યો હતો. તેમના પ્રોત્સાહન અને
કેટલાંક સૂચનનું મારે મન બહુ મહત્ત્વ હતું. આનંદ એ વાતનો પણ છે કે અહીં લખેલી આ
બધી વાતો મેં તેમના સુધી મૌખિક અને ‘મારી પત્રકારત્વ-લેખનની સફર’ થકી લેખિત સ્વરૂપે પણ પહોંચાડી અને મારી કૃતજ્ઞતા વ્યક્ત કરી શક્યો. તેના
માટે અંજલિલેખની રાહ ન જોઈ. આમ પણ, મારે તેમનો અંજલિલેખ લખવાનો આવશે, એવું તો સપનેય ક્યાંથી વિચાર્યું હોય.
તેમણે ‘ઇન્ડિયા ટુડે’ (ગુજરાતી) પછી અમદાવાદ છોડ્યું,
ત્યાર પછી પણ અમારી વચ્ચે અનિયમિત રીતે નિયમિત સંપર્ક ચાલુ રહ્યો. તે નાટકો અને
ટીવી સિરીયલ લખવાના કામમાં વળ્યા. ‘અભિયાન’માં જોડાતા અગાઉ તેમણે મિર્ઝાબંધુઓ
(સઈદ-અઝીઝ)માંથી કોઈ એકની સાથે કામ કર્યું હોવાની મારી છાપ છે. (એ વિશે તેમના એ
સમયગાળાના સાથીઓ સંજય છેલ અને રાજુ પટેલ વધુ કહી શકે)
અસલમ પરવેઝ સાથે નીલેશભાઈની જોડી બની. ‘લેખકઃ અસલમ પરવેઝ’ અને ‘રૂપાંતરઃ નીલેશ રૂપાપરા’ –એવી રીતે ઘણાં નાટકો થયાં. તેમાંના એક, ઘણા સફળ થયેલા કોમેડી નાટક ‘જલસા કરો જયંતિલાલ’નો અમદાવાદમાં શો હતો ત્યારે તેમણે બીજા મિત્રોની સાથે મને પણ સજોડે નાટકના શો માટે આમંત્રણ આપ્યું હતું અને અમને બધાને પહેલી-બીજી હરોળમાં બેસાડીને નાટક બતાવ્યું હતું.
રાજકીય ધ્રુવીકરણ સમાજમાં અને સોશ્યલ મિડીયામાં પ્રસરી ગયું, ત્યારે અમારે વિચારધારાના સાવ સામસામા છેડે ઊભા રહેવાનું થયું. પરંતુ અમને એ વાતનો બહુ સંતોષ રહ્યો કે અમારી મૈત્રી પર તેનો ડાઘ સરખો ન લાગ્યો. એ બાબતે અમે એકબીજા વિશે બહુ આશ્વસ્ત હતા. તેમની ભદ્રતા એવી કે એક વાર તેમની પોસ્ટ નીચે કમેન્ટમાં કોઈએ મારા વિશે કંઈ એલફેલ લખ્યું હશે, તો એ તેમણે કાઢી નાખ્યું. એ તો ઠીક, મને મેસેજ મોકલ્યો. ત્યારે મેં તેમને લખ્યું હતું કે તમારે આવો મેસેજ મોકલવાનો ન હોય. એક તો, મેં એ વાંચ્યું નથી અને ખાસ તો, તમારા વિશે મને ખાતરી છે કે તમે સંબંધની ગરીમા કદી ચૂકો નહીં.
મહેમદાવાદના ઘરે (ડાબેથી) ઉર્વીશ, નીલેશ રૂપાપરા, દીપક સોલિયા, રમેશ ઓઝા, બીરેન કોઠારી (મે 2016) : વિચારધારાના મતભેદો એની જગ્યાએ, પણ દોસ્તી એના કરતાં બહુ ઊંચી છે. |
તેમની નવલકથા ‘મહેકનામા’ અને ખાસ તો તેમના વાર્તાસંગ્રહ ‘આનંદ રોડને પેલે પાર’ વાંચ્યા પછી અમારી વચ્ચે મેઇલની મઝાની આપ-લે થઈ હતી. તેમાં તેમની માનસિક નિર્મળતાનું વધુ એક ઉદાહરણ મળ્યું. આમ તો એ અંગત મેઇલ છે અને જાહેરમાં મુકતાં ખચકાટ થાય. પણ હવે એ નથી ત્યારે અંગતતાના ભંગનો દોષ વહોરીને પણ એ મેઇલના અંશ મુકતાં જાતને રોકી શકતો નથી.
“(વાર્તાસંગ્રહની) પ્રસ્તાવના સાથે હું સહમત નહોતો, ખાસ તો એમણે આ વાર્તાઓને લોકભોગ્ય શ્રેણીમાં મૂકી (હું ટીવીલેખક ને પત્રકાર હોવાને કારણે લોકભોગ્ય વાર્તાઓ જ લખું એવા ગૃહિત સાથે એમણે લખ્યું હોય એમ લાગ્યું) એ વાત સાથે મારી વધુ અસહમતિ હતી...જોકે પછી એના રિએક્શન રૂપે મારી વાત મેં બહુ અઘરી અઘરી લખી જે મારે નહોતું કરવું જોઈતું... પણ ક્યાંક અંદરખાને એવું દેખાડી દેવાની વૃત્તિ હતી કે અમનેય લખતાં આવડે છે... છેલ્લે, ઘરવાપસી વિશે. 2015ની શરૂઆતમાં Koenraad Elstનું પુસ્તક Negationism in India: Concealing the Record of Islam વાંચેલું અને એ મગજ પર ચઢી ગયેલું. પુસ્તકની અધિકૃતતા વિશે તો આજેય શંકા નથી પણ એની જાલીમ અસરમાંથી નીકળવું હતું. સાથેસાથે દીકરાની મુસ્લિમ પ્રેમિકા પ્રત્યે મનમાં એક ટકોય મેલ હોય તો એ કાઢવો હતો. પરિણામે એ વાર્તા લખાઈ. અને લખ્યા પછી ઘણા પૂર્વગ્રહો-પક્ષપાતો નીકળી શકે એનો અનુભવ લગભગ પહેલી વાર થયો.” ( 19 એપ્રિલ 2018)‘મારી વાચનયાત્રા’ એવા એક પુસ્તકનો ખ્યાલ ઘણા વખતથી મનમાં છે. તેમને એ વિષય પર લખવાનું કહેતાં તેમનો મેઇલ આવ્યો હતો, ‘થૅન્ક્સ ઉર્વીશ, મને ગમે એવું લખવાનું કહ્યું છે તેં... અને હું પ્રયત્ન પણ કરીશ. પરંતુ હાલના તબક્કે વાયદો કરી શકું તેમ નથી. કારણ, તબિયત રિસાયેલી પ્રેમિકા જેવી દશામાં છે. ઉપરથી પહેલાં લીધેલું નાટક લખવાનું કમિટમેન્ટ પૂરું કરવાનું છે. આથી મને ગણતરીમાં ન રાખીને ચાલે તો સારું... ફરી કહું છું કે કોશિશ કરીશ, પણ...’ (12 જુલાઇ, 2023)
નીલેશભાઈ, આપણે તો આ લેખ પૂરતા તમને ગણતરીમાં ન રાખવાની વાત થઈ હતી અને તમે તો...
Saturday, November 25, 2023
નંદલાલ બોઝના ગાંધીજીઃ એક ચિત્ર, ચાર અવતાર
![]() |
નંદલાલ બોઝે બનાવેલું મૂળ ચિત્ર, તારીખ 12031930 (દાંડી કૂચનો પ્રારંભ) |
![]() |
થોડા ઉમેરા સાથેનું નંદબાબુનું ચિત્રઃ નામ બદલાયું, ઘડીયાળ ઉમેરાયું |
![]() |
નદબાબુએ બનાવેલું લિનોકટ, તારીખ 12041930 |
સમય જતાં લિનોકટના અગાઉના તબક્કા ભૂલાઈ ગયા અને તેનું છેલ્લું, પ્રચલિત બનેલું સ્વરૂપ જ યાદ રહ્યું. આ ચિત્રના ચાર તબક્કા એક જ ફ્રેમમાંઃ (મોટું કરીને જોવા માટે તેની પર ક્લિક કરો)
Tuesday, November 21, 2023
ઉઘડતા વેકેશને
જે આવે છે, તેનું જવાનું નિશ્ચિત હોય છે—આ કરુણ અને અફર સત્ય માણસને કે તેની જિંદગીને ફક્ત એક વાર લાગુ પડે છે, પણ વેકેશનના મામલે દર વર્ષે ઓછામાં ઓછો બે વાર તેનો અનુભવ થાય છે. વડીલશાઈ શૈલીમાં કહી શકાય કે ‘હવે તો વેકેશન પણ પહેલાં જેવાં ક્યાં રહ્યાં છે?’ માણસોની ધીરજની જેમ અને સરકારોની સહિષ્ણુતાની જેમ વેકેશનો પણ ટૂંકાં થઈ ગયાં છે. એક રજા વધારે મળે તો લોકો ‘વેકેશન-વેકેશન’ કહીને ઝૂમવા લાગે છે. અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરતા—અને એ રીતે વડાપ્રધાન બનવાની રેસમાંથી આપોઆપ બાકાત થઈ ગયેલા—લોકોને એ બે દિવસની આગળ કે પાછળ એક રજા મળે તો તે લોંક વીકએન્ડ મનાવવા ઉત્સુક હોય છે.
બાળપણની મઝા ગુમાવવાની વાત આવે ત્યારે બારીશકા પાની અને કાગઝકી કશ્તીને લોકો યાદ કરી લે છે, પણ બાળપણ અને મોટપણ વચ્ચેનો સૌથી મોટો તફાવત વેકેશનનો હોય છે. મોટા થયા પછી ઉમંગભેર બારીશકા પાનીમાં કાગઝકી કશ્તી તરાવવી હોય તો કોઈ રોકનાર નથી, પણ બાળપણના ઉમંગથી વેકેશન ભોગવી શકાતું નથી. ઉર્દુના એક શાયરે કહ્યું હતું, ‘અબ તો ઉતની ભી મયસ્સર નહીં મયખાનેમેં/ જિતની હમ છોડ દિયા કરતે થે પયમાનેમેં’. એવી જ રીતે, બાળપણમાં મુખ્ય વેકેશનની સાથે જેટલા દિવસ લટકાના મળતા હતા, એનાથી ઓછા દિવસનું તો કુલ વેકેશન નોકરીઓમાં હોય છે. પરંતુ મોટા થયાની ખંડણી પેટે મોટું વેકેશન ચૂકવ્યા વિના છૂટકો થતો નથી.
ટૂંકા વેકેશન સાથે સમાધાન સાધી લીધા પછી પણ ઉઘડતા વેકેશનનો ઇમોશન અત્યાચાર સૌથી વસમો નીવડે છે. આમ તો, અઠવાડિયે પાંચ દિવસ કામ કરતા લોકોની ‘મન્ડે બ્લુઝ’—એટલે કે, સોમવારે કામે જવામાં કીડીઓ ચડે તે સ્થિતિ બહુ જાણીતી છે. વેકેશનમાં તે સ્થિતિ વકરી જાય છે. દિવંગતને યાદ કરતાં લોકો જેમ કહે કે, ‘અરે, હજુ ગઈ કાલે તો અમે બજારમાં મળ્યા હતા...કાલે તો એમણે મને બૂમ પાડીને બોલાવ્યો હતો...ગયા અઠવાડિયે તો એમણે મારી સામે જોઈ હાથ ઊચો કર્યો હતો...’ એવું જ વેકેશનના મામલે ઘણાખરા લોકોને થાય છે. ‘હજુ ગઈ કાલની તો વાત છે. કેવા શાંતિથી સવારે ઉઠ્યા હતા...નિરાંતે ચા પીધી હતી. નહાવાની પણ ઉતાવળ ન હતી, ઓફિસનો તો વિચાર સરખો મનમાં આવ્યો ન હતો. અને આજે એકદમ વેળાસર નાહીપરવારીને ઓફિસે જવાનું પણ આવી ગયું? ખરેખર, આ જિંદગીનો કશો ભરોસો નથી.’
સાવ બાળપણમાં સ્કૂલે જતાં બાળકો તેમની અનિચ્છા કે તેમનો વિરોધ વ્યક્ત કરવા માટે ભેંકડા તાણી શકે છે, હાથપગ પછાડી શકે છે અને રસ્તા પર આળોટી શકે છે. પરંતુ નાના કે મોટા વેકેશનના પછીના દિવસે ઓફિસે જવાની અનિચ્છા ધરાવતા લોકો એવું કશું કરી શકતા નથી. કારણ કે તેમને મોટા થઈ ગયેલા જાહેર કરવામાં આવ્યા છે. વિરોધ કરતા બાળકને સ્કૂલે જવા માટે વિવિધ લાલચો આપવામાં આવે છે, પરંતુ મોટેરાંને એવી કોઈ લાલચો આપી શકાતી નથી. કારણ કે, ઓફિસમાં જવાનો ઉત્સાહ થાય એવી લાલચો મોટા ભાગના કિસ્સામાં હોતી જ નથી અથવા હોય તો તેને ‘લાલચ’ની વ્યાખ્યામાં બેસાડવાનું અઘરું હોય છે.
વેકેશનની સુસ્તી ખંખેરી ન શકતા માણસને શું કહીને પ્રેરિત કરવાના? એવું કહેવાનું કે ‘જા બકા, ઓફિસે બોસ તારી રાહ જોઈને જ બેઠા છે. તું નહીં જાઉં તો લોકોને ખખડાવવાનો તેમનો ક્વોટા પૂરો શી રીતે થશે?’ અથવા ‘તું ઓફિસે નહીં જાય તો જેને ચા કહેતાં ચાનું અને પાણી કહેતાં પાણીનું અપમાન થાય, એવી ઓફિસની ચા તારા વિના સૂની પડી જશે,’ ભારતમાં રાજકારણમાં જેટલી ઓફિસો હોય છે, એના કરતાં ઓફિસોમાં રાજકારણ ઘણું વધારે હોય છે. તે રાજકારણનાં પાત્રો પણ મોટા ભાગના કિસ્સામાં માણસને ઓફિસ તરફ ખેંચવાને બદલે ઓફિસથી દૂર ધક્કો મારવાનું કામ વધારે કરતાં હોય છે. માણસ પ્રયત્નપૂર્વક મનને ઓફિસે જવા માટે તૈયાર કરતો હોય અને તેને વિચાર આવે કે ‘અરે, મારે ફરી એક વાર ફલાણાનું/ફલાણીનું મોં જોવું પડશે?’ એ સાથે જ, તેના વેરવિખેર ઉત્સાહનો માંડ બંધાતો કિલ્લો કડડભૂસ થઈ જાય છે.
કોરોના પછી વર્ક ફ્રોમ હોમના સમયમાં વગર વેકેશને લોકોને ઓફિસે જવાનું ગમતું નથી. અમેરિકા જેવા દેશોમાં કર્મચારીઓને મનામણાં કરીને, તેમના માટે ઓફિસે અવનવી પાર્ટીઓ યોજીને તેમને ઓફિસે બોલાવવા પડે છે. અનુકૂળ હોય એવી દરેક વાતમાં પરદેશી કંપનીઓના દાખલા દેતા સાહેબલોકો કર્મચારીઓને ઓફિસે બોલાવવાની વાત આવે ત્યારે પાશ્ચાત્યને બદલે પૌર્વાત્ય સંસ્કૃતિનું, ભગવદ્ ગીતાનું અને ફળની આશા વગરના કર્મનો ઉપદેશ આપે છે.
વેકેશન પછી ઓફિસે પાછા ફરવાની બાબતમાં મોટિવેશનલ સ્પીકરો પણ કામ લાગતા નથી. (એ કઈ બાબતમાં કામ લાગે છે, તે એક સવાલ છે. પરંતુ બુદ્ધની જેમ સંસારની--વેકેશનની અને નોકરીની-- નિરર્થકતા સમજાઈ ગયા પછી અને તેનું દુઃખ અનુભવી લીધા પછી માણસને જાતે જ સમજાય છે કે નોકરી માટે વેકેશનનું જેટલું મહત્ત્વ છે, એટલું જ વેકેશન માટે નોકરીનું પણ છે. એટલે, નોકરી વિના કાયમી વેકેશન મળી જવાની આશંકાએ તે ફરી કમર કસીને નોકરીએ જવા તૈયાર થાય છે, જેથી તે બીજા વેકેશનની આતુરતાથી રાહ જોઈ શકે.