Tuesday, November 21, 2023

ઉઘડતા વેકેશને

જે આવે છે, તેનું જવાનું નિશ્ચિત હોય છે—આ કરુણ અને અફર સત્ય માણસને કે તેની જિંદગીને ફક્ત એક વાર લાગુ પડે છે, પણ વેકેશનના મામલે દર વર્ષે ઓછામાં ઓછો બે વાર તેનો અનુભવ થાય છે. વડીલશાઈ શૈલીમાં કહી શકાય કે હવે તો વેકેશન પણ પહેલાં જેવાં ક્યાં રહ્યાં છે?’ માણસોની ધીરજની જેમ અને સરકારોની સહિષ્ણુતાની જેમ વેકેશનો પણ ટૂંકાં થઈ ગયાં છે. એક રજા વધારે મળે તો લોકો વેકેશન-વેકેશન કહીને ઝૂમવા લાગે છે. અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરતા—અને એ રીતે વડાપ્રધાન બનવાની રેસમાંથી આપોઆપ બાકાત થઈ ગયેલા—લોકોને એ બે દિવસની આગળ કે પાછળ એક રજા મળે તો તે લોંક વીકએન્ડ મનાવવા ઉત્સુક હોય છે.

બાળપણની મઝા ગુમાવવાની વાત આવે ત્યારે બારીશકા પાની અને કાગઝકી કશ્તીને લોકો યાદ કરી લે છે, પણ બાળપણ અને મોટપણ વચ્ચેનો સૌથી મોટો તફાવત વેકેશનનો હોય છે. મોટા થયા પછી ઉમંગભેર બારીશકા પાનીમાં કાગઝકી કશ્તી તરાવવી હોય તો કોઈ રોકનાર નથી, પણ બાળપણના ઉમંગથી વેકેશન ભોગવી શકાતું નથી. ઉર્દુના એક શાયરે કહ્યું હતું, અબ તો ઉતની ભી મયસ્સર નહીં મયખાનેમેં/ જિતની હમ છોડ દિયા કરતે થે પયમાનેમેં. એવી જ રીતે, બાળપણમાં મુખ્ય વેકેશનની સાથે જેટલા દિવસ લટકાના મળતા હતા, એનાથી ઓછા દિવસનું તો કુલ વેકેશન નોકરીઓમાં હોય છે. પરંતુ મોટા થયાની ખંડણી પેટે મોટું વેકેશન ચૂકવ્યા વિના છૂટકો થતો નથી.

ટૂંકા વેકેશન સાથે સમાધાન સાધી લીધા પછી પણ ઉઘડતા વેકેશનનો ઇમોશન અત્યાચાર સૌથી વસમો નીવડે છે. આમ તો, અઠવાડિયે પાંચ દિવસ કામ કરતા લોકોનીમન્ડે બ્લુઝ—એટલે કે, સોમવારે કામે જવામાં કીડીઓ ચડે તે સ્થિતિ બહુ જાણીતી છે. વેકેશનમાં તે સ્થિતિ વકરી જાય છે. દિવંગતને યાદ કરતાં લોકો જેમ કહે કે, અરે, હજુ ગઈ કાલે તો અમે બજારમાં મળ્યા હતા...કાલે તો એમણે મને બૂમ પાડીને બોલાવ્યો હતો...ગયા અઠવાડિયે તો એમણે મારી સામે જોઈ હાથ ઊચો કર્યો હતો... એવું જ વેકેશનના મામલે ઘણાખરા લોકોને થાય છે. હજુ ગઈ કાલની તો વાત છે. કેવા શાંતિથી સવારે ઉઠ્યા હતા...નિરાંતે ચા પીધી હતી. નહાવાની પણ ઉતાવળ ન હતી, ઓફિસનો તો વિચાર સરખો મનમાં આવ્યો ન હતો. અને આજે એકદમ વેળાસર નાહીપરવારીને ઓફિસે જવાનું પણ આવી ગયું? ખરેખર, આ જિંદગીનો કશો ભરોસો નથી.

સાવ બાળપણમાં સ્કૂલે જતાં બાળકો તેમની અનિચ્છા કે તેમનો વિરોધ વ્યક્ત કરવા માટે ભેંકડા તાણી શકે છે, હાથપગ પછાડી શકે છે અને રસ્તા પર આળોટી શકે છે. પરંતુ નાના કે મોટા વેકેશનના પછીના દિવસે ઓફિસે જવાની અનિચ્છા ધરાવતા લોકો એવું કશું કરી શકતા નથી. કારણ કે તેમને મોટા થઈ ગયેલા જાહેર કરવામાં આવ્યા છે. વિરોધ કરતા બાળકને સ્કૂલે જવા માટે વિવિધ લાલચો આપવામાં આવે છે, પરંતુ મોટેરાંને એવી કોઈ લાલચો આપી શકાતી નથી. કારણ કે, ઓફિસમાં જવાનો ઉત્સાહ થાય એવી લાલચો મોટા ભાગના કિસ્સામાં હોતી જ નથી અથવા હોય તો તેને લાલચની વ્યાખ્યામાં બેસાડવાનું અઘરું હોય છે. 

વેકેશનની સુસ્તી ખંખેરી ન શકતા માણસને શું કહીને પ્રેરિત કરવાના? એવું કહેવાનું કે જા બકા, ઓફિસે બોસ તારી રાહ જોઈને જ બેઠા છે. તું નહીં જાઉં તો લોકોને ખખડાવવાનો તેમનો ક્વોટા પૂરો શી રીતે થશે?’ અથવા તું ઓફિસે નહીં જાય તો જેને ચા કહેતાં ચાનું અને પાણી કહેતાં પાણીનું અપમાન થાય, એવી ઓફિસની ચા તારા વિના સૂની પડી જશે, ભારતમાં રાજકારણમાં જેટલી ઓફિસો હોય છે, એના કરતાં ઓફિસોમાં રાજકારણ ઘણું વધારે હોય છે. તે રાજકારણનાં પાત્રો પણ મોટા ભાગના કિસ્સામાં માણસને ઓફિસ તરફ ખેંચવાને બદલે ઓફિસથી દૂર ધક્કો મારવાનું કામ વધારે કરતાં હોય છે. માણસ પ્રયત્નપૂર્વક મનને ઓફિસે જવા માટે તૈયાર કરતો હોય અને તેને વિચાર આવે કે અરે, મારે ફરી એક વાર ફલાણાનું/ફલાણીનું મોં જોવું પડશે?’ એ સાથે જ, તેના વેરવિખેર ઉત્સાહનો માંડ બંધાતો કિલ્લો કડડભૂસ થઈ જાય છે.

કોરોના પછી વર્ક ફ્રોમ હોમના સમયમાં વગર વેકેશને લોકોને ઓફિસે જવાનું ગમતું નથી. અમેરિકા જેવા દેશોમાં કર્મચારીઓને મનામણાં કરીને, તેમના માટે ઓફિસે અવનવી પાર્ટીઓ યોજીને તેમને ઓફિસે બોલાવવા પડે છે. અનુકૂળ હોય એવી દરેક વાતમાં પરદેશી કંપનીઓના દાખલા દેતા સાહેબલોકો કર્મચારીઓને ઓફિસે બોલાવવાની વાત આવે ત્યારે પાશ્ચાત્યને બદલે પૌર્વાત્ય સંસ્કૃતિનું, ભગવદ્ ગીતાનું અને ફળની આશા વગરના કર્મનો ઉપદેશ આપે છે.

વેકેશન પછી ઓફિસે પાછા ફરવાની બાબતમાં મોટિવેશનલ સ્પીકરો પણ કામ લાગતા નથી. (એ કઈ બાબતમાં કામ લાગે છે, તે એક સવાલ છે. પરંતુ બુદ્ધની જેમ સંસારની--વેકેશનની અને નોકરીની-- નિરર્થકતા સમજાઈ ગયા પછી અને તેનું દુઃખ અનુભવી લીધા પછી માણસને જાતે જ સમજાય છે કે નોકરી માટે વેકેશનનું જેટલું મહત્ત્વ છે, એટલું જ વેકેશન માટે નોકરીનું પણ છે. એટલે, નોકરી વિના કાયમી વેકેશન મળી જવાની આશંકાએ તે ફરી કમર કસીને નોકરીએ જવા તૈયાર થાય છે, જેથી તે બીજા વેકેશનની આતુરતાથી રાહ જોઈ શકે.  

 

1 comment:

  1. Hiren Joshi2:13:00 AM

    Interesting to read an article on a broader subject of vacation and related routine jobs. Mentality of an office worker is expressed accurately and with humour even if you are a self employed freelance writer. Your past employment experience must have contributed to such an observation and narration of the office environment.

    ReplyDelete