Wednesday, November 16, 2016

'સર્જિકલ સ્ટ્રાઇક' નહીં, ખુવારીજનક 'યુદ્ધ'

બે જુદા જુદા સમાચાર લગભગ સમાંતરે આવ્યાઃ અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાના પ્રમુખ તરીકે મળનારો ચાર લાખ ડોલરનો પગાર તે નહીં લે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવુક થઇને કહ્યું કે તેમણે દેશ માટે સર્વસ્વ છોડ્યું છે. આ મહાનુભાવોના સાદગી અને ત્યાગ જેવા મહાન ગુણો તેમના ટીકાકારો પીછાને ત્યારે ખરા, પણ સામાન્ય મતદારો માટે આવું પ્રદર્શન હૃદયસ્પર્શી નીવડી શકે છે. રાજકારણમાંથી નીતિમત્તાનો એકડો નીકળી ગયો છે ત્યારે (નૈતિકતાના બીજા માપદંડ બાજુ પર રાખીને) આટલુંય કોણ કરે છે?’ની લાગણી ભલભલાને ભીંજવી શકે છે.

પરંતુ ટ્રમ્પની મુદત હજુ શરૂ થઇ નથી અને ભારતના વડાપ્રધાન અડધે રસ્તે પહોંચી ચૂક્યા છે. તેમણે લીધેલું રૂ.પાંચસો અને રૂ.એક હજારની ચલણી નોટો રદ કરવાનું પગલું દેખીતી રીતે તેમની કાળાં નાણાંવિરોધી ઝુંબેશનો જ ભાગ છે. આ પગલું તેમણે ઓચિંતુ જાહેર કર્યું તેનાથી રોકડ કાળું નાણું ધરાવતા ઘણા લોકો ઉંઘતા ઝડપાયા. તેમને પોતાનાં નાણાં સગેવગે કરવાનો સમય જ ન મળ્યો. બેન્કો પર અને એટીએમ પર રૂપિયા ઉપાડવા માટેની લાંબી લાઇનો લાગી. ખાતેદારોની આવી લાઇનો વર્ષો પહેલાં માધવપુરા મર્કન્ટાઇલ બેન્ક ઉઠી ગઇ ત્યારે સહકારી બેન્કો પર જોવા મળી હતી. (માધવપુરા કૌભાંડના સૂત્રધાર કેતન પારેખના એક વકીલ હાલમાં દેશના નાણાંપ્રધાન છે, એ પણ વિચિત્ર યોગાનુયોગ ગણાય)

કાળું નાણું એટલે એવી તમામ પ્રકારની આવક--એવું તમામ ધન જે કરવેરાને પાત્ર હોવા છતાં, તેને જાહેર કરાયું ન હોય અને તેની પર કરવેરો ભરવામાં આવ્યો ન હોય. આ ધન રોકડ પણ હોય અને સોનું-મકાન જેવાં અન્ય સ્વરૂપે રોકાયેલું પણ હોય. તેનો કેટલોક હિસ્સો વિદેશી બેન્કોમાં મુકાયેલો પણ હોઇ શકે. સચ્ચાઇનો આધાર ધરાવતી દંતકથાઓ પ્રમાણે, કાળું નાણું ધરાવતા ઘણા લોકો પાસે તેનો અમુક હિસ્સો કોથળા કે ઓરડા ભરીને પાંચસો-હજારની નોટોનાં બંડલ સ્વરૂપે હોય છે. તેમને એકદમ ઠેકાણે શી રીતે પાડવાં?  બેન્કમાં એક દિવસમાં એક વ્યક્તિ પોતાના ઓળખપત્ર સાથે ફક્ત રૂ.ચાર હજારની નોટો બદલાવી શકે. (ગઇ કાલથી એ મર્યાદા રૂ.4,500ની થઇ). હજારની નોટોનાં બંડલોનાં બંડલ ધરાવતા લોકો પોતાના પચીસ માણસોને નોટો બદલાવવા મોકલે તો પણ એક દિવસમાં એક હજારના એક જ બંડલને બદલાવી શકાય. નોટો બદલાવવાની મુદત પણ શરૂઆતમાં માંડ બે-ત્રણ દિવસ પૂરતી હતી (જે હવે વધુ દસ દિવસ લંબાવાઇ છે)

પહેલાં એવી વાત હતી કે એક ખાતામાં રૂ. અઢી લાખ સુધીની રકમ ભરાય ત્યાં લગી કશી પૂછપરછ કરવામાં નહીં આવે. પરંતુ હવે એની પણ ખાતરી નથી. કેમ કે, કાળું નાણું ધરાવતા લોકો જનધન યોજના અંતર્ગત ખુલેલાં ખાતાંમાં કે બીજા ઓળખીતાં-સગાંવહાલાંના ખાતાંમાં અઢી લાખ રૂપિયા જમા કરાવીને, એ રીતે તેમની મોટી રકમનો શક્ય એટલો હિસ્સો બચાવી લેવાની કોશિશમાં છે.

આવી કંઇક તિકડમબાજી થતી હશે. છતાં એક વાત નક્કી છેઃ વડાપ્રધાનના આ નિર્ણયથી કાળાં નાણાં ધરાવતા લોકોને અભૂતપૂર્વ અગવડ પડી, એ લોકો દોડતા થઇ ગયા અને નાણાંપ્રધાન જેટલીના જણાવ્યા પ્રમાણે, શનિવાર બપોર સુધીમાં રૂ.  બે લાખ કરોડ બેન્કોમાં જમા થયા. આ રકમ ભારતના જીડીપીના હિસાબે મામુલી કહેવાય, એવી દલીલ થઇ શકે. પરંતુ આ નિર્ણય પરિણામલક્ષી ન હતો અથવા તેનાથી કાળાં નાણાં ધરાવતા લોકો પર કશી અસર પડી નથી, એવું ન જ કહી શકાય.

1978માં મોરારજી દેસાઇની જનતા સરકારે રૂ.એક હજાર, રૂ. પાંચ હજાર અને રૂ.દસ હજારની નોટો પાછી ખેંચી ત્યારે આ નોટોનું મૂલ્ય એટલું મોટું હતું કે સામાન્ય માણસો પાસે તે નોટો હોવાની સંભાવના સાવ ઓછી. (એ વખતે 10 ગ્રામ સોનું રૂ.૬૮૫માં મળતું હતું.) માટે, એ પગલાની અસર આમજનતા પર ખાસ ન પડી. પરંતુ અત્યારે રૂ.એક હજારની અને ખાસ તો રૂ. પાંચસોની નોટની જરાય નવાઇ રહી નથી. પાંચસોનાં બંડલ ધનવાનોનો ઇજારો હોઇ શકે, પણ પાંચસોની નોટ છૂટથી સામાન્ય વ્યવહારમાં ફરતી જોવા મળે છે. ચીજવસ્તુઓના ભાવ એવા છે કે સોની નોટ કશા હિસાબમાં નથી. આવી સ્થિતિમાં રૂ.પાંચસોની નોટ રદ કરવાથી કાળા ધનવાળા લોકોની સાથોસાથ મોટી સંખ્યામાં સામાન્ય લોકોને પણ ભારે અગવડ વેઠવાની આવશે, તેનો સરકારને અને વડાપ્રધાનને કદાચ અંદાજ ન આવ્યો. અથવા એ અંદાજ હોય તો તેને પહોંચી વળવાનું તંત્ર તે અસરકારક રીતે ગોઠવી શક્યા નહીં. બાકી, વડાપ્રધાને પોતે જ કહ્યું છે તેમ, આ પગલું દસેક મહિનાથી તેમના મનમાં હતું. (એટલે ઉત્તર પ્રદેશની ચૂંટણી લડવા માટે ભાજપના અઢળક ભંડોળનું શું થયું હશે એવી ખોટી ચિંતા કોઇએ કરવી નહીં.) 

પરિણામ એ આવ્યું કે બેન્કો અને એટીએમ પર અમાનવીય કહેવાય એવી લાંબી લાઇનો લાગી. તેમાં ભારતીય નાગરિકોની અધીરાઇ ભળી. બેન્કોમાં ને એટીએમમાં બદલી આપવા માટેનાં નાણાં ખૂટી ગયાં. રીઝર્વ બેન્કના ગવર્નરની સહી ધરાવતું નાણું ચલણમાં હોય, છતાં ખુદ સરકારી બેન્ક તેની અદાયગી ન કરી શકે તેને અંગ્રેજીમાં ડીફોલ્ટ કહેવાય. દેશમાં અંશતઃ કામચલાઉ ડીફોલ્ટ જેવી સ્થિતિ સર્જાઇ. કાળાં નાણાંવાળા લોકો ચિંતાતુર બનીને રસ્તા વિચારતા હતા, પણ તેમને સડક પર આવી જવાપણું ન હતું. કારણ કે તે સમૃદ્ધ હતા. (માલેતુજારો લાઇનોમાં કેમ દેખાતા નથી, એવો સવાલ જેમને થતો હોય તેમણે સમજવું જોઇએઃ માલેતુજારો પાસે લાઇનમાં ઊભા રહે એવા માણસો હોય છે.)

આમ, દસ મહિનાથી વડાપ્રધાનના મનમાં જે હતો અને સંભવતઃ તેમણે જેની બરાબર તૈયારી કરી હતી, એ નિર્ણય અમલી બન્યો ત્યારે (તેનો મૂળ આશય સારો હોવા છતાં) સામાન્ય જનતા માટે તે ભયંકર અગવડ આપનારો બન્યો. રાહુલ ગાંધીએ લોકોની મુશ્કેલી જાણવા માટે નોટો બદલવાની લાઇનમાં ઊભા રહેવાનો સ્ટન્ટ કર્યો. તેમને સમજાવું જોઇતું હતું કે પોતાના તમામ સુરક્ષાકર્મીઓ સહિત લાઇનમાં ઊભા રહેવાથી લોકોની મુશ્કેલી ઘટે નહીં, વધે. શરૂઆતમાં પોતાના પગલા વિશે મુસ્તાક વડાપ્રધાને જાપાનની મુલાકાત વખતે ઠઠ્ઠામશ્કરી કરી અને કહ્યું કે ભલભલા લાઇનમાં ઊભા રહેતા થઇ ગયા. પરંતુ ભારત પાછા આવ્યા પછી તેમને લોકોની વાસ્તવિક હાડમારી અને ખાસ તો તેનાથી ઉભો થઇ રહેલો અસંતોષ દેખાયાં હશે. એટલે તેમણે વધુ એક વાર અભિયનકળાનો આશરો લીધો અને રડું રડું થતાં કહ્યું કે મેં દેશ માટે ઘરપરિવાર સર્વસ્વ છોડ્યું છે અને લોકો મને જીવતો સળગાવી દે તો પણ હું કોઇથી ડરતો નથી. (ફાંસીએ લટકાવી દે કે મારી નાખે જેવા પ્રચલિત પ્રયોગને બદલે જીવતો સળગાવી દે તેમને કેમ સૂઝ્યું હશે, એની તપાસ માનસશાસ્ત્રના અભ્યાસીઓએ કરવા જેવી છે.)


આ પગલું જાહેર થયું ત્યારે ઘણાએ તેને કાળાં નાણાં પરની સર્જિકલ સ્ટ્રાઇક તરીકે ઓળખાવ્યું હતું, પરંતુ આ સ્ટ્રાઇકમાં જે રીતે મોટા પાયે નિર્દોષોને વેઠવું પડ્યું છે એ જોતાં, તેને નિર્દોષોનો ભોગ લેનાર લોહીયાળ યુદ્ધ તરીકે ઓળખાવવું વધુ યોગ્ય ગણાશે

Monday, November 14, 2016

જ્યારે મોરારજી દેસાઇએ મોટી નોટો રદ કરી

Moraraji Desai / મોરારજી દેસાઇ
આઝાદ ભારતમાં ચલણી નોટો પાછી ખેંચવાના નિર્ણયનો સીધો કે આડકતરો સંબંધ રાજકારણ સાથે છે. ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી અને ત્યાર પછી 1977માં યોજાયેલી ચૂંટણીમાં જનતા પક્ષની ખિચડી સરકાર બની. તેના વડાપ્રધાન મોરારજી દેસાઇ અને બીજા સાથીદારોએ અગાઉની કોંગ્રેસ સરકાર સામે ખાસ્સા ખુન્નસથી કામ લીધું. (ખુન્નસ પેદા થવાનાં કારણોમાંથી ઘણાં કારણ વાજબી હતાં). એ સિલસિલામાં, કેટલાક આરોપ પ્રમાણે, કોંગ્રેસી સરકારના હોદ્દેદારો અને તેમના મળતીયા ભ્રષ્ટાચારીઓને પાઠ ભણાવવા માટે, 1978માં રૂ. એક હજાર, રૂ. પાંચ હજાર અને રૂ. દસ હજારની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય લેવાયો. એ નિર્ણયના વાજબીપણા વિશે ભાગ્યે જ શંકા કરી શકાય. કારણ કે, આજના ભારતમાં રૂ. પાંચ હજાર ને રૂ.દસ હજારની ચલણી નોટોની જરૂર પડતી નથી, તો એ વખતે જ્યારે 10 ગ્રામ સોનાની કિંમત રૂ.685 હતી, ત્યારે આટલી મોટી ચલણી નોટોની જરૂર કોને પડતી હશે?

યોગાનુયોગે રૂ. પાંચસો અને રૂ.એક હજારની ચલણી નોટો રદ કરવાનો બીજી વારનો નિર્ણય પણ કેન્દ્રની બિનકોંગ્રેસી સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો છે. આ નિર્ણયને એકંદરે વ્યાપક આવકાર મળ્યો છે. કારણ કે તેનો આશય કાળાં નાણાં ઉપરાંત બનાવટી નોટો અને ત્રાસવાદ માટે વપરાતાં બે નંબરી નાણાંને અંકુશમાં લેવાનો છે. આ મતલબની જાહેરાતમાં તથ્ય છે. સાથોસાથ, તેની રાજકીય અસરો પણ ચર્ચાઇ છે. જેમ કે, ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોની ચૂંટણી આવી રહી છે અને તેમાં ભાજપ માટે કપરાં ચઢાણ છે. ચૂંટણી સાવ નજીક હોય અને રાજકીય પક્ષો ઠાંસી ઠાંસીને ભરેલી નાણાંકોથળીઓનાં મોં ખોલવા યુદ્ધોત્સુક હોય ત્યારે તેમના ભાથામાં રહેલી પાંચસો-હજારની બે નંબરી નોટોને કાગળીયાંમાં ફેરવી દેવાથી વિરોધી છાવણીમાં અંધાધૂંધી ફેલાઇ શકે છે. આ ઉપરાંત, કાળાં નાણાંના મુદ્દે કડક પગલાં લેવા માટે સરકાર કૃતનિશ્ચયી છે અને લોકસભાની ચૂંટણી વખતે આપેલું (રૂ.15 લાખ જમા કરાવવા સિવાયનું) વચન વડાપ્રધાને પાળ્યું છે, એવો પ્રચાર લોકો પર અસર પાડવા માટે ઉપયોગી બની શકે છે. પાકિસ્તાનના મોરચે સર્જિકલ સ્ટ્રાઇકનો જશ અને કાળાં નાણાંના મોરચે પાંચસો-હજાર રૂપિયાની ચલણી નોટો રદ કરવાનો જશ સરકારને ચૂંટણીપ્રચારમાં બહુ કામ લાગે એમ છે.

ચલણમાં રહેલા સિક્કા અને નોટો રદ કરવાનો સિલસિલો આઝાદી પછીનાં થોડાં વર્ષોમાં આરંભાયો હતો. આઝાદી મળ્યા પછી પણ રૂપિયો ગાડાના પૈડા જેટલો રહ્યો હતો. પૈસાને બદલે આનાનું ચલણ હતું. એક રૂપિયો સોળ આનામાં વહેંચાયેલો હતો. સૌથી નાનો એકમ હતોઃ પાઇ. બાર પાઇનો એક આનો થતો હતો. અંગ્રેજોની વિદાય પછી પણ આના ચલણમાં રહ્યા. રૂપિયાથી ઓછી રકમના સિક્કામાં અડધો (આઠ આના) ઉપરાંત ચાર આના, બે આના અને એક આના ઉપલબ્ધ હતા. (કંજૂસ-લોભી લોકો માટે રૂપિયાના ત્રણ અડધા શોધે એવો છે-એવી કહેણી પણ ત્યારે ચલણી હતી.)

ચલણમાં ફેરફારની શરૂઆત 1954થી થઇ. અગાઉ અંગ્રેજી રાજમાં (1946માં) રૂ. એક હજાર અને રૂ.દસ હજારની નોટો ચલણમાંથી રદ કરવામાં આવી હતી. તેમને 1954માં ફરી દાખલ કરવામાં આવી અને સાથે રૂ. પાંચ હજારની નોટ પણ નવી મૂકવામાં આવી. બીજા વર્ષે ઇન્ડિયન કોઇનેજ એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યો. તે મુજબ, 1 એપ્રિલ, 1957થી આનાનું ચલણ નીકળી ગયું અને પાઇનું સ્થાન નયા પૈસાએ લીધું. મેટ્રિક પદ્ધતિ પ્રમાણે, એક રૂપિયો 100 નયા પૈસાનો બનેલો હતો. 1964 સુધી રૂપિયાનો સૌથી નાનો એકમ નયા પૈસા તરીકે ઓળખાતો રહ્યો, પણ 1 જૂન, 1964થી નયાનું લટકણીયું નીકળી ગયું અને તે ફક્ત પૈસા તરીકે ઓળખાવા લાગ્યો. વર્ષો વીતતાં રૂપિયાનું મૂંલ્ય ઘટતું ગયું તેમ એક, બે અને ત્રણ પૈસાના સિક્કા ચલણમાંથી દૂર થતા ગયા અને રૂપિયા-બે રૂપિયાની નોટોનું સ્થાન સિક્કાએ લીધું. કારણ કે એ નોટો છાપવાની ઝંઝટ અને ખર્ચ જેટલી તેની કિંમત ન હતી.

1977માં થયેલી ચૂંટણી પછી મોરારજી દેસાઇની જનતા સરકાર બન્યાના થોડા મહિનામાં ગુજરાતી અર્થશાસ્ત્રી આઇ.જી. પટેલ રીઝર્વ બેન્કના ગવર્નરપદે નીમાયા. (અત્યારે ગુજરાતી ઉર્જિત પટેલ રીઝર્વ બેન્કના ગવર્નરપદે છે.) નાણાં મંત્રી તરીકે એચ.એમ.પટેલ હતા, જે સરદાર પટેલના જમાનામાં તેમના વિશ્વાસુ અધિકારી તરીકે જાણીતા હતા. અલબત્ત, આઇ.જી. (ઇન્દ્રપ્રસાદ ગોરધનભાઇ) પટેલની ઓળખ ફક્ત ગુજરાતી તરીકે આપવી અયોગ્ય ગણાય. અર્થશાસ્ત્રના ક્ષેત્રે તેમની ખ્યાતિ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલી હતી. બ્રિટનની લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના તે પહેલા ભારતીય ડાયરેક્ટર હતા. તેમની સેવાઓનો ભારતને લાભ મળે તે આવકાર્ય બાબત હતી.

રીઝર્વ બેન્કના દસ્તાવેજી ઇતિહાસમાં નોંધાયા પ્રમાણે, 1978ની ઉત્તરાયણના દિવસે રીઝર્વ બેન્કની (મુંબઇ) ઓફિસમાંથી એક સિનિયર અફસરને દિલ્હી જવાનું જણાવાયું. એ દિલ્હી પહોંચ્યા ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે સરકાર રૂ. એક હજાર, રૂ. પાંચ હજાર અને રૂ.દસ હજારની ચલણી નોટો રદ કરી દેવા માગે છે અને તેને અમલી બનાવવા માટેના જરૂરી વટહુકમનો ખરડો તેમણે એક જ દિવસમાં તૈયાર કરી આપવાનો છે. એટલું જ નહીં, આ કામ પૂરું ન થાય ત્યાં સુધી તેમણે કોઇ સાથે વાતચીત કરવાની નથી. મુંબઇની ઓફિસ સાથે પણ નહીં, જેથી આ નિર્ણયની ગુપ્તતા જળવાઇ રહે.

સરકારે ધાર્યા પ્રમાણે 15 જાન્યુઆરીના રોજ આ ખરડો તૈયાર થઇ ગયો. તેની પર રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ 16 જાન્યુઆરીની વહેલી સવારે સહી કરી અને એ જ દિવસે સવારે નવ વાગ્યાના રેડિયો સમાચારમાં આ નોટો રદ કરવાની જાહેરાત થઇ.
courtesy : Grandpacoins.in

ગુજરાતી અને પટેલના સામ્ય વિશે વધુ પડતા ઉત્સાહી થતી વખતે એ યાદ રાખવું જરૂરી છે કે આઇ.જી. પટેલ જનતા સરકારના નિર્ણય સાથે સંમત ન હતા. તેમણે નાણાંમંત્રી હીરુભાઇ (એચ.એમ.) પટેલને કહ્યું હતું કે આ પ્રકારનાં પગલાંથી ધાર્યું પરિણામ મળતું નથી. કેમ કે, કાળાં નાણાં ધરાવનારા લોકો લાંબા સમય સુધી એ રકમ રોકડ સ્વરૂપે સંઘરી રાખતા નથી. આઇ.જી.એ એમ પણ કહ્યું હતું કે કાળાં નાણાં લોકો સુટકેસમાં કે ઓશિકાંનાં કવરમાં ભરીને મૂકી રાખે છે, એવું માનવામાં નર્યું ભોળપણ છે. તેમ છતાં, હર્ષદ મહેતાએ પત્રકાર પરિષદમાં બતાવેલી ખાલી સુટકેસથી માંડીને અનેક ફિલ્મોમાં કાળાં નાણાં આ જ રીતે દર્શાવાય છે.

જનતા સરકારના આ નિર્ણય પછી એક જ દાયકામાં (1987)માં રૂ. પાંચસોની ચલણી નોટ મૂકાઇ અને વર્ષ 2000થી રૂ. એક હજારની નોટ આવી. એવી જ રીતે, રૂ. એક હજારની નોટ નાબૂદ કર્યા પછી વર્તમાન સરકાર રૂ. બે હજારની ચલણી નોટ લાવી રહી છે. માટે સરકારના નિર્ણયને વાજબી રીતે આવકાર આપ્યા પછી, કાળાં નાણાં સામેના યુદ્ધમાં જયજયકારના પોકાર પાડવાની ઉતાવળ કરવા જેવી નથી. 

Friday, November 11, 2016

સરકારનું માથાદુઃખણું અને પેટકૂટણું

સમાચાર આપનારાં ખુદ સમાચાર બને, તે કેટલું સારું છે ને કેટલું ખરાબ, એ બન્ને અંતિમો ગયા અઠવાડિયે જાણવા મળ્યા. માહિતી-પ્રસારણ મંત્રાલયે નીમેલી એક સરકારી સમિતિએ એનડી ટીવીને સજા ફટકારી. ગુનોઃ જાન્યુઆરીમાં પઠાણકોટ પર થયેલા હુમલાના કવરેજ વખતે કેટલીક સંવેદનશીલ માહિતી ટીવી પર રજૂ કરવી. સજાઃ નવમી નવેમ્બરના એક દિવસ પૂરતું ભારતમાં આ ચેનલનું પ્રસારણ બંધ રાખવું.

સરકારી સમિતિએ એનડી ટીવીને કારણદર્શક નોટિસ આપી હતી, જેનો એનડી ટીવીએ ખુલાસાવાર જવાબ આપ્યો. એનડી ટીવી પર એ દિવસે રજૂ થયેલી અને સરકારને સંવેદનશીલ લાગેલી માહિતી બીજાં છાપાં-ચેનલો અને ખુદ લશ્કરના પ્રવક્તા જાહેર કરી ચૂક્યા હતા. આ વાત એનડી ટીવીએ આધારપુરાવા સાથે પોતાના ખુલાસામાં ટાંકી. પણ એ ખુલાસો સરકારે ગણકાર્યો નહીં. છાપાં અને વેબસાઇટ કરતાં ચેનલનો વ્યાપ ઘણો વધારે છે અને બીજી ચેનલોએ આવું પ્રસારણ કર્યું હોય તેનાથી એનડી ટીવીનું પ્રસારણ વાજબી ઠરી જતું નથીઆવી સરકારી દલીલ હતી. પણ એક જ ગુના માટે એકને સજા અને બાકીનાને કેમ નહીં? તેનો સ્પષ્ટ અને તાર્કિક જવાબ સરકાર આપી શકી નથી.

ટીવી પ્રસારણને લગતા કાયદામાં ગયા વર્ષે (2015માં) રાષ્ટ્રીય સુરક્ષાની કલમનો ઉમેરો થયા પછી, તેની અંતર્ગત પહેલી વાર સરકારે દંડો ઉગામ્યો છે. તેના પ્રતિભાવ પણ ધાર્યા પ્રમાણેના છે. વડાપ્રધાનના ભક્તમંડળને એનડી ટીવી સામે જૂનો વાંધો છે. (તેની શરૂઆત ગુજરાતમાં 2002થી થઇ હતી) એનડી ટીવીના ટીકાકાર હોવું એક વાત છે, વ્યક્તિભક્તિથી કે વિચારધારાથી પ્રેરાઇને એનડી ટીવી પ્રત્યે વેરભાવ સેવવો એ બીજી વાત છે અને જૂના ખુન્નસથી પ્રેરાઇને એનડી ટીવી પરનો એક દિવસીય પ્રતિબંધ વધાવી લેવો એ ત્રીજી વાત છે. સરકારે બાકીનાં પ્રસાર માધ્યમોથી એનડી ટીવી હિંદીને અલગ પાડીને, પોતાની મથરાવટીના મેલમાં વધારો કર્યો છે અને કિન્નાખોરીનો આરોપ સામે ચાલીને વહોરી લીધો છે.

બીજી ચેનલોની જેમ એનડી ટીવી પણ ટીકાથી પર નથી. પરંતુ સરકાર વાજબી અને સ્પષ્ટ કારણો વિના તેને દંડે ત્યાર સવાલ ફક્ત એક ચેનલનો રહેતો નથી. સરકારને અનુકૂળ ન હોય એવાં તમામ પ્રસાર માધ્યમો માટે આ ચોખ્ખો સંદેશો છે : સરકારને ભીંસમાં મૂકે એવા મુદ્દા બાબતે આડાઅવળા સવાલ પૂછતા નહીં. સખણા રહેજો. વર્ના, ગબ્બરસે દુશ્મની ભારે પડી જશે.  આ સ્થિતિ કટોકટી જેવી કહેવાય કે નહીં, એની પિંજણ ઝાડવાં ગણવાની લ્હાયમાં જંગલને ભૂલવા જેવી છે. આ પગલામાં સરકારની આપખુદશાહી સ્પષ્ટ છે અને એટલી પ્રતીતિ આ પગલાના વિરોધ માટે પૂરતી હોવી જોઇએ. સાથોસાથ, એ પણ સાચું છે કે ટીવી ચેનલોએ પણ સ્વ-નિયંત્રણ અંગે ઝડપથી-નક્કર કાર્યવાહી કરવી પડશે. નહીંતર પારકી માતા (સરકાર) ચેનલોના કાન વીંધવાના બહાને બીજું ઘણું વીંધી નાખશે.

એનડી ટીવી હિંદી ઘણે અંશે રવીશકુમારનો પર્યાય હોવાથી તેમના વિશે પણ બે વાત. બધા પક્ષોને લપેટતા અને સત્તાધારી પક્ષને વિશેષ લાભ આપતા રવીશકુમાર વડાપ્રધાનના ભક્તસમુદાયને બહુ ખટકે છે. કારણ કે તે એવા પાયાના સવાલ પૂછે છે, જેના જવાબ આપવાનું સરકારોને-નેતાઓને કઠણ પડે. તેમને સગવડ પ્રમાણે કોંગ્રેસના કે આપના એજન્ટ તરીકે ખપાવી દેવાય છે. રવીશકુમાર ભૂલપ્રૂફ નથી કે સુપરમેન પણ નથી. પરંતુ જે લોકોને રવીશકુમાર પ્રકારના પત્રકારત્વ સામે વાંધો પડતો હોય, તેમનું કશું ન થઇ શકે. કેમ કે, તેમની માનસિકતા લીટરના માપિયાથી લંબાઇ માપવાની હોય છે. તેમની સાથે ચર્ચાની સાધારણ સમાન ભૂમિકા જ ઊભી થઇ શકતી નથી.

ટીવી ચેનલો પર ચર્ચાના નામે કેવું માનસપ્રદૂષણ- ધ્વનિપ્રદૂષણ ફેલાય છે તે રવીશકુમારે ટીવીના પડદે અંધારું દર્શાવીને દેખાડ્યું હતુંઅને તેમાં પોતાની જાતને પણ બાકાત રાખી ન હતી. સવાલોથી અકળાતી સરકારની અને એનડી ટીવી પરના એક દિવસીય પ્રતિબંધની ફિલમ ઉતારવા માટે તે પોતાના કાર્યક્રમમાં માઇમ કલાકારો (મૂક અભિનેતાઓ)ને લઇ આવ્યા. (એ કાર્યક્રમની કેટલીક ક્ષણો ચાર્લી ચેપ્લિનની મહાન ફિલ્મ ધ ગ્રેટ ડિક્ટેટરની યાદ અપાવે એવી હતી.) આવી મૌલિકતા અને મૂળીયાં સાથે નાતો ધરાવતા રવીશકુમાર સાથે અસંમતિ હોઇ શકે અને તેમની ટીકા પણ થઇ જ શકે. પરંતુ તેમના લોકલક્ષી પત્રકારત્વના મૂળભૂત આશય ને ઇમાન સામે સવાલ ઉઠાવનારાને ગેટ વેલ સુન સિવાય બીજું કંઇ કહેવાનું રહેતું નથી.

સરકારી સમિતિએ કહ્યું છે કે કાયદાકીય જોગવાઇ મુજબ તે ત્રીસ દિવસની સજા ફટકારી શકે એમ હતી. પણ પ્રતીકરૂપે તેણે ફક્ત એક દિવસની સજા કરી છે. એડિટર્સ ગિલ્ડથી માંડીને વિવિધ પત્રકાર સંગઠનોએ યોગ્ય રીતે જ આ સજાનો વિરોધ કર્યો હતો. દરમિયાન એનડી  ટીવીએ સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી ત્યાર પછી સરકારે તપાસ ચાલુ હોવાનું બહાનું કાઢીને છેલ્લી ઘડીએ પ્રતિબંધનો હુકમ માટે મોકુફ રાખ્યો છે. માહિતી-પ્રસારણ મંત્રી વૈંકેયા નાયડુએ કહ્યું હતું કે અગાઉ પણ ચેનલોને આવી સજા થઇ ચૂકી છે. તેમણે એ ન કહ્યું કે આવી મોટા ભાગની સજાઓ અશ્લીલ સામગ્રી માટે હતી અને અલ જઝીરાને થયેલી સજા ભારતનો નકશો ખોટો બતાવવા માટે હતી.

હિંદી એનડી ટીવીના પ્રતિબંધની સમાંતરે રામનાથ ગોએન્કા એવોર્ડ સમારંભ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો. નિર્ભીક પત્રકારત્વ માટે જાણીતા ગોએન્કાના નામના એવોર્ડ આપવા માટે, નિર્ભીક પત્રકારત્વના કટ્ટર અ-મિત્ર એવા વડાપ્રધાનને બોલાવવામાં આવ્યા, એ વિશેની ટીકાટીપ્પણી શમી ન હતી. એવોર્ડના વિજેતા એવા એક પત્રકાર અક્ષય મુકુલે વડાપ્રધાનના હાથેથી આ એવોર્ડ લેવાની ના પાડી દીધી. વડાપ્રધાને રાબેતા મુજબ તેમના ભાષણમાં પત્રકારત્વનાં મૂલ્યોની વાતો કરીને અને વર્તમાન પત્રકારત્વની ટીકા કરીને તાળીઓ ઉઘરાવી. છેલ્લે આભારવિધિ જેવા ઔપચારિક ભાગમાં ઇન્ડિયન એક્સપ્રેસના તંત્રી રાજકમલ ઝાએ અત્યંત સૌમ્યતા અને શાલીનતાથી વડાપ્રધાનનો આભાર માન્યો, તેમણે આપેલો બોધ ગ્રહણ કરવાની વાત કરી અને લગે હાથ એમ પણ કહી દીધું કે સરકારની નારાજગી એ પત્રકાર માટે માનચાંદ બરાબર છે. ગોએન્કાને યાદ કરીને તેમણે કહ્યું કે એક મુખ્ય મંત્રીએ ગોએન્કાના પત્રકારનાં વખાણ કર્યાં, ત્યારે ગોએન્કાએ એ પત્રકારને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા.’ અને વડાપ્રધાનના સામાન્ય જ્ઞાનના લાભાર્થે કહ્યું કે આ તમને વિકીપીડીયામાં વાંચવા નહીં મળે. ઝાએ કશું અઘટિત કે અવિવેકી કહ્યું ન હતું. પણ પોતાની વાતની સામે બીજું કોઇ આ રીતે વાત મૂકે, એનાથી વડાપ્રધાન ટેવાયેલા નથી.  તેમને બોલાવવાનો શોખ ધરાવતાં પ્રસાર માધ્યમોને કેવા કડવા ઘૂંટડા ગળવા પડ્યા છે, તેના ગુજરાતમાં પણ દાખલા મોજૂદ છેતે ડાયલોગના (સંવાદના) નહીં, મોનોલોગના (એકોક્તિના) કલાકાર છે. તેમની તાકાત સાંભળવામાં નહીં, બોલવામાં (અને ઘણી વાર, ખરી જરૂર હોય ત્યારે, ચૂપ થઇ જવામાં) છે. એટલે ઝાની બે સાદી વાતો સાંભળવામાં તેમને પડતું કષ્ટ તેમની બોડી લેન્ગ્વેજમાં બરાબર ઉપસી આવ્યું હતું.

આવું આદાનપ્રદાન લોકશાહી છે અને વાજબી કારણો-સ્પષ્ટતા વિના મૂકાતા પ્રતિબંધ આપખુદશાહી. 

Monday, November 07, 2016

દેશપ્રેમ અને દાંડાઇ વચ્ચેની ભેદરેખા

(25-10-16)

દેશપ્રેમ બદમાશોનો છેલ્લો આશરો છે—એવું અત્યંત જાણીતું અવતરણ જાણે કોઇએ ભારતના ભવિષ્ય તરીકે કહ્યું હોય એવું અત્યારે લાગે છે. આટલું વાંચીને બદમાશ એટલે શું?’, કોણ બદમાશ ને કોણ દેશભક્ત એ કેવી રીતે નક્કી થાય?’—આવા સવાલ ઊભા થઇ શકે. ઉશ્કેરણીભર્યા પ્રચારનો માહોલ પણ એવો છે કે ભલભલાના દિમાગનો કાંટો હાલી જાય.

એક તરફ પાકિસ્તાન ભારતીય સૈનિકો પર હુમલા કરી રહ્યું હોય ને આપણા સૈનિકો શહીદ થઇ રહ્યા હોય, ત્યારે પાકિસ્તાની કલાકારો મુંબઇની ફિલ્મોમાં કેવી રીતે કામ કરી શકે? અને એમના અભિનયવાળી જે ફિલ્મો તૈયાર થઇ ગઇ, તે કેવી રીતે રજૂ થઇ શકે?’ આવું તોફાન થોડા વખતથી ચાલે છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને તેમાંથી અલગ પડેલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો આ જ ધંધો છેઃ પોતાના રાજકીય હિતને (અને હવે તો પોતાનું અસ્તિત્ત્વ પુરવાર કરવાના ઉધામાને) હિંદુ હિત અને દેશહિતના વાઘા પહેરાવીને રજૂ કરવું.

આ ચર્ચામાં આગળ જતાં પહેલાં કેટલાક સાદા સવાલઃ માથે ત્રિરંગો બાંધીને કે ભારતમાતાકી જયનાં સૂત્રો પોકારીને બેન્ક લૂંટવામાં આવે તો એને રાષ્ટ્રવાદી લૂંટ કહેવાય? હાથમાં ત્રિરંગો લઇને સરેઆમ ધાકધમકી આપતા-ખંડણી લેતા ને મારામારી કરનારા દેશપ્રેમી ગણાય? જેમનો જવાબ હા હોય, તેમણે દેશપ્રેમી કે રાષ્ટ્રવાદી તરીકે પોરસાવાને બદલે, પોતપોતાને માફક આવે એવા રાજકીય પક્ષમાં વેળાસર ભરતી થઇ જવું. કારણ આ દેશપ્રેમ નહીં,  અનિષ્ટપ્રેમ છે અને આવા લોકોને બે હાથ પહોળા કરીને આવકારે એવા પક્ષો આપણે ત્યાં છે જ.

જેમને લાગે કે દેશભક્તિના નામે આવું તો થતું હશે? ઊલટું આવું કરવાથી ત્રિરંગાનું અને દેશનું અપમાન થાય.—એવા ધોરણસરના લોકો માટે વધુ સવાલઃ દેશપ્રેમના નામે અને પાકિસ્તાનના વિરોધના નામે પોતાના દેશવાસીઓ સામે ધીક્કારઝુંબેશ ફેલાવવી, તેમને ધાકધમકીઓ આપવી, તેમની ફિલ્મો અટકાવવી એ બધું શી રીતે દેશભક્તિ કહેવાય? પાકિસ્તાનના વિરોધમાં આંખે પાટા બાંધીને (કે ખુલ્લી આંખે) ઝેરીલા રાજકીય પક્ષોના ખોળામાં બેસી જનારા લોકો બીજાની દેશભક્તિનાં પ્રમાણપત્રો ફાડે એ દેશની કરુણતા નથી?

એક અહેવાલ પ્રમાણે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે અને પાકિસ્તાની કલાકારો ધરાવતી ત્રણ ફિલ્મોના નિર્માતાઓએ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીને ત્યાં બેઠક કરી. ત્યાં એવું રાષ્ટ્રવાદી સમાધાન થયું કે એ નિર્માતાઓ સૈન્ય રાહતફંડમાં પાંચ કરોડ રૂપિયા જમા કરાવે, ફિલ્મની શરૂઆતમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપે અને ભવિષ્યમાં કોઇ પાકિસ્તાની કલાકારને કામ ન આપવાની બાંહેધરી આપે તો જ તેમની ફિલ્મો રજૂ થશે. નહીંતર મનસેના દેશભક્તિના ઠેકેદારો થિએટરોમાં તોડફોડથી માંડીને કંઇક તોફાન કરશે.

કોઇ એ તો કહે કે દેશ એટલે શું અથવા કોણ? અને દેશભક્તિની ખંડણીઓ, ભલે સૈન્યના નામે, પણ કોણ ઉઘરાવી રહ્યું છે? જે નેતાઓ ક્રયારેક ગુજરાતના, ક્યારેક બિહારના, તો ક્યારેક ઉત્તર પ્રદેશના ભારતીયોને મહારાષ્ટ્રમાંથી તગેડી મૂકવાની હાકલો કરે છે, મન પડે ત્યારે તેમની વિરુદ્ધ ધીક્કારઝુંબેશો ચલાવે છે, એ શિવસેના-મનસે કયા મોઢે દેશની અને દેશપ્રેમની વાતો કરી શકે? એમનો સઘળો દેશપ્રેમ બીજાના સગવડીયા વિરોધ તરીકે જ કેમ વ્યક્ત થાય છે?  કારણ સીધું છેઃ તેમનું રાજકારણ આટલાં વર્ષોથી આવાં  તોફાનનાજોરે ચાલ્યું છે. એ ચાલ્યું છે, તેના કરતાં વધારે ચિંતાજનક વાત એ છે કે તેને ચાલવા દેવાયું છે. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીથી માંડીને દેશના ગૃહમંત્રી-પ્રધાનમંત્રી સુધીના સૌ દેશભક્તિના નામે ચાલતી ગુંડાગીરીનો વિરોધ કરે તો પણ કેવી રીતે? એ બધાં પણ આ જ પાણીનાં માછલાં છે ને એ અહીં સુધી પહોંચ્યા એમાં આવી તરકીબોનો ફાળો ઓછો નથી.

પાકિસ્તાની કલાકારોએ ભારતીય ફિલ્મોમાં કામ કરવું જોઇએ કે નહીં, એ વ્યાવસાયિક પરિબળો દ્વારા નક્કી થાય તો ઉત્તમ. છતાં, બન્ને દેશો વચ્ચે તનાવભરી સ્થિતિ હોય ત્યારે જો કોઇ નિર્ણય લે તો એ ભારતની સરકાર લઇ શકે. પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી શાણપણ ઉચરતા હોય ને મહારાષ્ટ્રમાં આવી કાંડામરોડ ચાલતી હોય, ત્યારે તેને કેવળ સંયોગ ગણીને આગળ વધી જવાનું? કે પછી અમારે આ જ કરવું છે, પણ હવે સત્તામાં આવ્યા એટલે ખુલ્લેઆમ કરી શકતા નથી. પણ છીએ તમારી સાથે જ. એવી માનસિકતાની અભિવ્યક્તિ ગણવાની? સૈન્યમાંથી કેટલાક સૂર ઉઠ્યા છે કે ભાઇ, અમને તમારા રાજકારણમાં ન નાખો. એવા અવાજ સત્તાધારી ભાજપમાંથી ઉઠવા જોઇતા હતા. કારણ કે તેમને તો સૈન્યની બહુ વધારે પડી છે. (ભલે સંરક્ષણ મંત્રીએ સર્જિકલ સ્ટ્રાઇકના બીજા દિવસે નોકરી દરમિયાન વિકલાંગ બનેલા સૈનિકોના પેન્શમાં ધરખમ ઘટાડો કરી દીધો હોય.) પરંતુ રાજ ઠાકરે ટાઇપના લોકો આવી ધોરાજી હંકારે ત્યારે પોતાને અનુકૂળ હોય ત્યાં સુધી સરકારો મોઢામાં મગ ભરીને બેસી રહે છે અથવા સ્થિતપ્રજ્ઞતાથી શાણપણવચનો ઉચ્ચારીને આડું જોઇ જાય છે. તેમને એ ખબર પડતી નથી કે ખરો દેશદ્રોહ પાકિસ્તાની કલાકારોને ફિલ્મોમાં લેવામાં નહીં, પણ દેશભક્તિના નામે ગુંડાગીરી ચલાવવામાં ને ચાલવા દેવામાં છે.

દેશ અને દેશભક્તિ એ કોઇ રાજકીય પક્ષની બાપીકી જાગીર નથી. કોઇનો તેના પર અધિકાર નથી. દેશ અને દેશભક્તિની આખરી અને સર્વોચ્ચ કસોટી દેશના નેતાઓ કે રાજકીય પક્ષો કે રીમોટ કન્ટ્રોલ સાંસ્કૃતિક સંગઠનો પ્રત્યેની નહીં, દેશના બંધારણ પ્રત્યેની વફાદારી છે. દેશના બંધારણને માન આપ્યા વિના દેશભક્તિના દાવા કરે તેવા દેશભક્તોથી અને તેમની આરતી ઉતારનારાઓથી ચેતવું. જે લોકો પોતાના સ્વાર્થ માટે દેશભક્તિને વટાવી ખાય તે કોઇ પણ હદે જઇ શકે.

બાળ ઠાકરેએ મુંબઇમાં એકહથ્થુ રાજ ચલાવ્યું. લતા મંગેશકરો, અમિતાભ બચ્ચનો અને સચિન તેંડુલકરો બાળ ઠાકરેના દરબારમાં હાજરી આપવાના સ્વરૂપે મુંબઇમાં રહેવાની ખંડણી ભરી આવતા હતા. પણ તેમની ગુંડાગીરી સામે એક શબ્દ બોલતાં આ મહાનુભાવોની જીભ ઝલાઇ જતી હતી. કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પોતાના સ્વાર્થ ખાતર ઠાકરેને મોકળું મેદાન આપ્યું અને પછી બોટલમાંથી બહાર નીકળેલા જીનને પાછો બોટલમાં પુરવાની તેમનામાં હામ ન રહી. ઠાકરે હોય કે તેમના અનુગામીઓ, તેમના વિરોધનું કોઇ ધોરણ નથી. તેમને પોતાની સત્તા (ન્યૂસન્સ વેલ્યુ) પર સત્તાવાર મંજૂરીની મહોર ખપે છે. કમનસીબી એ છે કે ફિલમવાળા કે બીજા ધંધાદારીઓ તો ઠીક, ચૂંટાયેલી સરકારો પણ સક્રિયતાથી કે નિષ્ક્રિયતાથી આવી મહોર મારી આપે છે.


લેખના આરંભે બદમાશીની અને દેશભક્તિની વ્યાખ્યાની વાત કરી હતી. મનમાં પક્ષકારણનાં જાળાં ન બાઝ્યાં હોય તો આ બન્ને વચ્ચે કશો સમજફેર થાય એમ નથી. બન્ને વચ્ચે ભેદરેખા પાતળી નહીં, ભારત-પાકિસ્તાન વચ્ચેની અંકુશરેખા કરતાં વધારે સ્પષ્ટ છે. દેશના બંધારણને આદર આપનારા, તેનો ભંગ નહીં કરનારા અને તેનો ભંગ કરે તેમનો વિરોધ કરનારા દેશના સાચા નાગરિકો છે. તેમને બીજા લોકો પાસેથી દેશપ્રેમી તરીકેના બિલ્લાની જરૂર નથી. દેશપ્રેમના દાવા કરીને દેશના નાગરિકોને રંજાડનારા અને કાયદો હાથમાં લેનારા દેશના સાચા દ્રોહી છે. પાકિસ્તાન તો સરહદ પર નડે છે. આ લોકો આપણી વચ્ચે રહીને, દેશના-નાગરિકત્વના-બંધારણના પોતને અને સરવાળે દેશને નબળો પાડે છે.