Tuesday, July 24, 2012
જય હિંદ, કેપ્ટન લક્ષ્મી
1997માં ભારતની આઝાદીનાં પચાસ વર્ષની ઉજવણી થવાની હતી ત્યારે, કંઇક જુદું અને એક્સક્લુઝિવ કરવાની તાલાવેલીમાં કેપ્ટન લક્ષ્મીનો પતો મળ્યો. ખબર પડી કે તે મૃણાલિની સારાભાઇનાં મોટાં બહેન થાય અને કાનપુરમાં રહે છે. ત્યાર પછી મોટા ભાઇ બીરેન સાથે કાનપુર જઇને તેમનો વિગતવાર અને યાદગાર ઇન્ટરવ્યુ કર્યો. તે પાંચ હપ્તાની લેખમાળા તરીકે 'સંદેશ'માં પ્રકાશિત થયો તેના થોડા દિવસ પછી, ઉજવણી માટે મુંબઇ ગયેલાં લક્ષ્મી સહગલ સમાચારોમાં આવતાં થયાં. છેક 1997 સુધી તેમને 'પદ્મશ્રી' સુદ્ધાં મળ્યો ન હતો. બીજા વર્ષે તેમને 'પદ્મવિભૂષણ' અપાયો. ( 'સન્માનિત કરાયાં' એવું લખવાનો જીવ ચાલતો નથી.)
ડો.લક્ષ્મી સહગલ સાથે ચાર દિવસ રોજ દોઢ-બે કલાક ગાળવાના થયા હોય એટલે વાતોનો અઢળક ખજાનો મળ્યો હોય. પરંતુ તેમાંની ઘણી વાતો મારે આગામી કોલમમાં લખવાની હોવાથી, અહીં એ લખવાની લાલચ ટાળું છું. પરંતુ ડો. લક્ષ્મી સહગલની મુલાકાત નિમિત્તે ઉપલબ્ધ બનેલો અણમોલ તસવીરી ખજાનો (તેમાંથી કોલમનો ભાગ બાદ કરીને) અહીં મૂકવામાં વાંધો નથી. બલકે, એ અહીં મૂકાય અને સહૃદયો સાથે વહેંચાય, એમાં જ તેની સાર્થકતા છે- અને એ જ કેપ્ટન લક્ષ્મી સહગલને આજના દિવસે મારી આદરાંજલિ છે.
કેપ્ટન લક્ષ્મી વિશેના જીવન વિશેની વિગતોની થોડી પ્રસાદી બીરેને બ્લોગ પર મૂકી છે. એ વાંચવાથી તેમના જીવનનો આલેખ નજર સામે આવી જાય છે.
http://birenkothari.blogspot.in/2012/07/blog-post_23.html
(બધી રંગીન તસવીરોઃ બીરેન કોઠારી- ઉર્વીશ કોઠારી/ All Color Pics: Biren Kothari- Urvish Kothari)
Please click for larger pics/ તસવીરો મોટી જોવા માટે તેની પર ક્લિક કરશો.
![]() |
| Dr.Lakshmi Sehgal at her Kanpur residence ( All Pics of 1997 in this blog : Biren & Urvish Kothari) |
![]() |
| સુભાષચંદ્ર બોઝ, કેપ્ટન લક્ષ્મી અને રાણી ઝાંસી રેજિમેન્ટનાં 'જવાનો' Subhashchandra Bose with Captain Lakshmi Sehgal & Rani Jhansi regiment |
![]() |
| Dr.Lakshmi Sehgal |
![]() |
| Rare Family photo of Swaminathan family : S.Swaminathan (father), Ammu Swaminathan (mother) Lakshmi (between parents) younger sister Mrinalini (Sarabhai) & brother |
કેપ્ટન બન્યા પહેલાંનાં ડોક્ટર લક્ષ્મી
![]() |
| Dr.Lakshmi before she joined INA |
![]() |
| Dr.Lakshmi at Singapore |
અને આ રાણી ઝાંસી રેજિમેન્ટનાં કેપ્ટન લક્ષ્મી
![]() |
| Captain Lakshmi of Rani Jhansi Regiment, INA |
આઝાદ હિંદ ફોજના જમાનામાં જાપાની સરકારે જારી કરેલી ભારતીય રૂપિયાની ચલણી નોટઃ કેપ્ટન લક્ષ્મીના ઘરે આ નોટ જાળવીને ફ્રેમ કરીને રાખવામાં આવી હતી
'જન્મભૂમિ' જૂથના અમૃતલાલ શેઠે જોખમ ખેડીને બર્માની મુલાકાત લઇને આઝાદ હિંદ ફૌજની વિગતવાર માહિતી સંભવતઃ પહેલી વાર લોકો સમક્ષ રજૂ કરી. 'જન્મભૂમિ પ્રકાશન મંદિર' દ્વારા 5 નવેમ્બર, 1945ના રોજ અંગ્રેજીમાં `Jai Hind' પુસ્તક પ્રકાશિત થયું, જે આઝાદ હિંદ ફોજના એક સૈનિકની ડાયરી સ્વરૂપે હતું. સંપાદકો હતાઃ વિઠ્ઠલભાઇ ઝવેરી અને સોલી બાટલીવાળા. તરત ડિસેમ્બર, 1945માં કરસનદાસ માણેકે કરેલો તેનો ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ થયો. આઝાદ હિંદ ફોજ વિશે સચિત્ર વિગતો આપતું કદાચ એ પહેલું પુસ્તક હતું.
![]() |
| Captain Lakshmi with Amrutlal Sheth of Janmabhoomi Group |
આઝાદ હિંદ ફોજ થકી પરિચયમાં આવીને પરણેલાં
કેપ્ટન પ્રેમકુમાર સહગલ અને કેપ્ટન લક્ષ્મી
![]() |
| Captain Premkumar Sehgal & Captain Lakshmi |
યુ્દ્ધમાં પકડાયેલા આઝાદ હિંદ ફોજના ત્રણ મુખ્ય અફસરો લેફ્ટનન્ટ ગુરુબક્ષસિંઘ ધિલ્લોં, કેપ્ટન પ્રેમકુમાર સહગલ અને કેપ્ટન શાહનવાઝ ખાન પર અંગ્રેજ સરકારે લાલ કિલ્લામાં રાજદ્રોહનો મુકદ્દમો ચલાવ્યો. સરકાર પક્ષે વકીલ નૌશીરવાન એન્જિનિયર હતા અને બચાવ પક્ષે ભૂલાભાઇ દેસાઇની આગેવાની હેઠળ વકીલસમુહ હતો, જેમાં પ્રેક્ટિસ છોડ્યાનાં વર્ષો પછી જવાહરલાલ નેહરુ પણ વકીલનો કોટ પહેરીને હાજર રહ્યા હતા. આ કેસ ચાલુ તો થયો, પણ લોકલાગણી એટલી પ્રબળ બની કે આખરે અંગ્રેજોએ આ ત્રણેને નિર્દોષ જાહેર કરવા પડ્યા. આ ભવ્ય વિજય પછી દેશમાં લાલ કિલ્લાના ત્રણે 'આરોપી'નાં વિજયસરઘસ નીકળ્યાં અને તેમનાં સામૈયાં થયાં. એ ત્રણેને લાલ કિલ્લાના સિંહ તરીકે ચિતરતું નીચેનું કાર્ટૂન ઝવેરચંદ મેઘાણી સંપાદિત પુસ્તક 'લાલ કિલ્લાનો મુકદ્દમો' (ભારતી પ્રકાશન મંદિર, ભાવનગર, 23-1-1946)નું છે.
આઝાદીનાં પચાસ વર્ષની ઉજવણી નિમિત્તે લાલ કિલ્લાના મુકદ્દમાની સ્મૃતિમાં જારી કરાયેલી ત્રણે જવાનોનાં નામ-ચિત્રો ધરાવતી ટપાલટિકીટ (બ્રોશરનો ફોટો)
પુત્રી સુભાષિની (અલી) સાથે ડો. લક્ષ્મી સહગલ
![]() |
| Dr. Lakshmi Sehgal with daughter Subhasini (Ali) |
વર્ષો પછી, ભારતની આઝાદીની સુવર્ણ જયંતિ નજીક આવતી હતી ત્યારે વિસરાઇ ગયેલાં પાત્રોની શોધમાં કેપ્ટન લક્ષ્મીનું નામ શી રીતે મનમાં આવ્યું એ યાદ આવતું નથી. મોટે ભાગે રજનીકુમાર પંડ્યા થકી એવી ખબર પડી કે કેપ્ટન લક્ષ્મી મૃણાલિની સારાભાઇનાં મોટાં બહેન થાય. એટલે હું નિર્દોષભાવે, કેપ્ટન લક્ષ્મી જેવું ઐતિહાસિક પાત્ર અત્યાર સુધી તો ન જ હોય એવા ખ્યાલ સાથે, 'દર્પણ'ની ઓફિસ પર તપાસ કરવા ગયો. ત્યાં બાંધ્યા ભારે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે કેપ્ટન લક્ષ્મી કાનપુરમાં કડેધડે છે. ત્યાંથી સરનામું મળ્યું એટલે કેપ્ટન લક્ષ્મીને પત્ર મળ્યો. તેમનો આ જવાબ
પછી શું? એ વખતે હું 'સંદેશ'માં હતો. પત્રકારત્વમાં માંડ બે વર્ષ પણ પૂરાં થયાં ન હતાં. પણ આ મૂળ રસનો મામલો હતો. 'સંદેશ'ના તંત્રી ફાલ્ગુનભાઇને વાત કરી. તેમણે રજા આપી, એટલે અમે- મેં અને બીરેને- વેળાસર કાનપુરની ટિકીટ કઢાવી અને પહોંચી ગયા.
સિવિલ લાઇન્સ, કાનપુરમાં આવેલા તેમના ઘરે ચાર દિવસ સુધી રોજ તેમને દોઢ-બે કલાક મળવાનું થતું. તેમનો કડપ ભારે. તબિયત અડીખમ. ચાલ ટટાર. અવાજ બુલંદ. મિજાજ એથી પણ વધારે બુલંદ. પણ પહેલા દિવસની વાતચીત પછી ખાસ્સાં અનૌપચારિક થઇ ગયાં. તેમનું અંગ્રેજી ફડફડાટ, પણ હિંદી ઠીક ઠીક ગરબડીયું. વાતવાતમાં આઝાદ હિંદ ફોજ માટે કરાયેલા 'જનગણમન' ના હિંદી અનુવાદની વાત નીકળી. મેં એ ગીત સંભળાવવા કહ્યું, એટલે 'રાષ્ટ્રગીત છે. એ ગાવા માટે ઊભા થવું પડે' એમ કહીને 82 વર્ષની ઉંમરે ફટાક દઇને ખુરશી પરથી ઊભાં થઇ ગયાં. એ પ્રસંગનો યાદગાર ફોટો.
![]() |
| આઝાદ હિંદ ફોજનું રાષ્ટ્રગીત ગાતાં લક્ષ્મી સહગલ- ઉર્વીશ કોઠારી Captain Lakshmi Sehgal- Urvish Kothari |
![]() |
| Dr.Lakshmi Sehgal at her Kanpur Clinic, August,1997 (Dr.Shobha Vij writing) |
![]() |
| Dr. Lakshmi Sehgal with Biren Kothari/ બીરેન કોઠારી સાથે |
એમની દિવાલ પરની ફ્રેમમાં લાગેલી વિવિધ તસવીરો અને તેમાંના પાત્રોની ઓળખાણ (ઉર્વીશ કોઠારી સાથે). સામેની ફ્રેમમાં યુવાન પ્રેમકુમાર સહગલની તસવીર
![]() |
| Dr.Lakshmi Sehgal with Urvish Kothari |
કાનપુરથી પાછા ફર્યા પછી 'સંદેશ'માં કેપ્ટન લક્ષ્મી વિશે કરેલી પાંચ હપ્તાની સિરીઝનો પહેલો હપ્તો.
તારીખ 15 ઓગસ્ટ, 1997
અને છેલ્લે એક સાવ અંગત યાદગીરીઃ
મારા લગ્ન નિમિત્તે ડો.લક્ષ્મી સહગલે પોતાના હસ્તાક્ષરમાં મોકલેલું શુભેચ્છા કાર્ડ
નીચે તેમની સહી અને આખું સરનામું છેઃ 15/241, સિવિલ લાઇન્સ, કાનપુર
નીચે તેમની સહી અને આખું સરનામું છેઃ 15/241, સિવિલ લાઇન્સ, કાનપુર
અલવિદા...
Sunday, July 22, 2012
ગાંધીજી-ચેપ્લિનઃ એક વિશિષ્ટ મુલાકાત
ચાર્લી ચેપ્લિન અને ગાંધીજી- વીસમી સદીનાં બે વિરાટ વ્યક્તિત્વો. સમાજના ગરીબ વર્ગ પ્રત્યેની તેમની લાગણી, સત્તાધીશો પ્રત્યેનો અવિશ્વાસ અને આપખુદશાહી સામેનો તેમનો વિરોધ જગજાહેર હતાં. તેમ છતાં, તેમની વર્તણૂંકમાં લોકોને ઘણી વાર આપખુદશાહીની ગંધ આવતી હતી. બાકીની તમામ બાબતોમાં બન્ને વચ્ચે સામ્ય શોધવું અઘરું - અને એ શોધવાની જરૂર પણ શી છે? બન્નેનું પ્રદાન અનન્ય છે.
ગાંધીજીના વ્યક્તિત્વની વિલક્ષણતાઓને લીધે ઘણી વાર એવી કલ્પના કરવાનું મન થાય કે એ પોતાની હળવાશ અને રમૂજવૃત્તિ સાથે તેમના કટ્ટર ટીકાકાર ચર્ચિલ, ઘાતકી તરંગી હિટલર કે આઇન્સ્ટાઇન જેવા યુગસર્જક વિજ્ઞાનીને રૂબરૂ મળી શક્યા હોત તો? ૧૯૩૧માં ગોળમેજી પરિષદ વખતની યુરોપયાત્રા વખતે એ ઇટાલીના ફાસિસ્ટ શાસક મુસોલિનીને મળ્યા હતા. ગાંધીજીના પ્રશંસક-વિદ્વાન રોમાં રોલાંને લાગતું હતું કે ગાંધીજી રોમ જશે, તો મુસોલિનીનું ફાસિસ્ટ તંત્ર ગાંધીજીની મુલાકાતનો પોતાના ફાયદામાં દુરુપયોગ કરશે. (કોઇ પણ હકીકતને તોડીમરોડીને તેને પોતાના ફાયદાની દિશામાં લઇ જવી, એ ફાસિસ્ટ કાર્યપદ્ધતિની ખાસિયત હોય છે.)
એટલે રોલાંની સલાહ પ્રમાણે, ગાંધીજી ઇટાલીની સરકારના સત્તાવાર મહેમાન થવાને બદલે રોલાંના એક મિત્રના ઘરે ઉતર્યા. થોડાં વર્ષ પછી બીજા વિશ્વયુદ્ધમાં હિટલરને સાથ આપનાર અને કેટલીક બાબતોમાં હિટલરના પ્રેરણાપુરૂષ એવા મુસોલિની સાથે ગાંધીજીની મુલાકાત થઇ ખરી, પણ ગાંધીજી મુસોલિનીના દેખાડાથી અંજાય એમ ન હતા. મુસોલિની ગાંધીજી સાથે બહુ વિવેકથી વર્ત્યો. સામાન્ય રસમ એવી હતી કે મુલાકાતીને એક લાંબો ઓરડો વીંધીને મુસોલીની સુધી પહોંચવું પડે. ત્યાં એ શાહી ઠાઠથી બેઠો હોય. પરંતુ ગાંધીજીના કિસ્સામાં એ પોતે સામે ચાલીને તેમને લેવા આવ્યો અને મુલાકાત પૂરી થયા પછી મૂકવા પણ ગયો.
![]() |
| Gandhi-Musolini |
મુસોલિની અને મુખ્યત્વે હિટલરની આપખુદશાહીને ‘ધ ગ્રેટ ડિક્ટેટર’ ફિલ્મ દ્વારા હાસ્યાસ્પદ બનાવનાર ચાર્લી ચેપ્લિન એવી જ એક હસ્તી હતો, જેની ગાંધીજી સાથે મુલાકાત થઇ હોત તો? એવો વિચાર આવે. યોગાનુયોગે ગાંધીજી-ચેપ્લિનની મુલાકાત થઇ હતી. ભલે એ બહુ લાંબી કે વિસ્તૃત ન હતી, પરંતુ ઐતિહાસિક ચોક્કસ હતી. ગાંધીજી સ્વાભાવિક રીતે જ ચાર્લી ચેપ્લિનના નામ કે કામથી પરિચિત ન હતા. પણ ગોળમેજી પરિષદ (૧૯૩૧) નિમિત્તે લંડન ગયેલા ગાંધીજી તમામ પ્રકારના લોકોને મળતા હતા અને ભારતની આઝાદીની તરફેણમાં મત કેળવવાનો પ્રયાસ કરતા હતા.
ચેપ્લિન એ વખતે ‘સીટી લાઇટ્સ’ ફિલ્મની રજૂઆત અને તેના પ્રચાર માટે લંડન આવ્યા હતા. કોઇ મિત્રે ચેપ્લિન સમક્ષ ગાંધીજીને મળવાની દરખાસ્ત મૂકી. આત્મકથામાં ચેપ્લિને નોંઘ્યું છે કે ગાંધીજીની અહિંસક ચળવળ અને યંત્રોના વિરોધથી તે પરિચિત હતા. તેમની રાજકીય મુત્સદ્દીગીરી અને દૃઢ મનોબળ માટે ચેપ્લિનના મનમાં આદર હતો. એટલે તેમણે ગાંધીજીને મળવા માટે હા પાડી.
ગાંધીજીએ સ્વાભાવિક રીતે જ ચેપ્લિનનું નામ સાંભળ્યું ન હતું. ફિલ્મ જોવાનો તો પ્રશ્ન જ ક્યાં? પણ તેમને કહેવામાં આવ્યું કે ચેપ્લિન કચડાયેલા-પીડિત લોકોની લાગણીને વાચા આપતી ફિલ્મો બનાવે છે- એટલે એ પણ મળવા માટે તૈયાર થયા. તેમની મુલાકાત કોઇ ભવ્ય હોટેલમાં નહીં, પણ એક ભારતીય ડોક્ટર કતિયાલના ઘરે ૨૨ સપ્ટેમ્બર, ૨૯૩૧ના રોજ થઇ.
ચેપ્લિન વહેલા પહોંચી ગયા હતા. એ વિસ્તાર લંડનનો શ્રમજીવી ભાગ ગણાતો હતો. થોડી વારમાં ગાંધીજી આવ્યા. મકાનની બહાર ભેગા થયેલા લોકોએ તેમને હર્ષનાદોથી વધાવી લીધા. દરમિયાન, ગાંધીજી સાથે શું વાત કરવી, એ વિચારતા ચેપ્લિને આત્મકથામાં લખ્યું છે,‘ભીડભાડથી ભરચક શ્રમજીવી વિસ્તારમાં એ વિચિત્ર દૃશ્ય હતું..મકાનમાં ઉપર આવીને તેમણે બારીમાંથી લોકોને દર્શન આપ્યાં. પછી મને ઇશારો કર્યો. એટલે અમે બન્નેએ બારી પાસે ઊભા રહીને લોકોનું અભિવાદન કર્યું.’ (જુઓ વિડીઓ)
ગાંધીજીની સાથે સરોજિની નાયડુ, મહાદેવ દેસાઇ અને બીજા કેટલાક સાથીદારો હતા. મહાદેવભાઇએ તેમની ડાયરીમાં ચેપ્લિન વિશે મનમાં પડેલી પહેલી છાપ આ શબ્દોમાં મૂકી છેઃ ‘મિ.ચેપ્લિન મને મળતાવડા, નિરભિમાન સજ્જન લાગ્યા. ચિત્રપટ પર જેવા દેખાય છે તેવા તો જરાયે ન દેખાયા, પણ પોતાના સ્વરૂપને છુપાવવામાં જ કદાચ એમની કળા રહેલી હશે.’
![]() |
| Chaplin- Gandhi |
બન્ને મહાનુભાવો આવી ગયા પછી પણ કોઇ બહેન અવિરતપણે બોલતાં હતાં. સરોજિની નાયડુએ તેમને ચૂપ થવા કહ્યું. ત્યાર પછી ચેપ્લિને ગળું ખોંખારીને વાત શરૂ કરી અને ભારતની આઝાદીની લડત પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીને કહ્યું, ‘મશીનરી પ્રત્યેની તમારી નફરત અંગે મારા મનમાં ગૂંચવાડો છે.’
ગાંધીજી લંડન ગયા એ વખતે અમેરિકામાં હેન્રી ફોર્ડની પહેલથી ‘માસ પ્રોડક્શન’નો યુગ શરૂ થઇ ચૂક્યો હતો. ફોર્ડે એસેમ્બલી લાઇન પદ્ધતિ અપનાવીને કારનું ઉત્પાદન ઝડપી બનાવી દીઘું : દરેક કારીગર પોતાની જગ્યાએ જ રહે અને તેનું કામ તેની જગ્યાએ આવતું જાય- દા.ત. એક કારીગરને અમુક પૂરજામાં સ્ક્રૂ ફીટ કરવાના હોય તો એવા પૂરજા કન્વેયર બેલ્ટ થકી સતત આવતા રહે. કારીગર પોતાની જગ્યાએ ઊભો ઊભો બસ સ્ક્રૂ ફીટ કરતો રહે.
![]() |
| Chaplin-Gandhi- Sarojini Naidu (standing) |
ગાંધીજીએ ચેપ્લિનને પોતાના વિરોધ માટેની સમજૂતી આપતાં કહ્યું,‘યંત્રોને કારણે અમે ઇંગ્લેન્ડ પર આધાર રાખતા થઇ ગયા હતા. એટલે પરાધીનતા નાબૂદ કરવાનો એક જ ઉપાય છેઃ મશીનરીથી બનતી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવો. એટલે અમે દરેક જણ પોતાના ખપ પૂરતું સૂતર કાંતે અને પોતાનાં વસ્ત્રો જાતે બનાવે, એને રાષ્ટ્રિય ફરજ જેવું બનાવી દીઘું છે. ઇંગ્લેન્ડ જેવા શક્તિશાળી દેશ પર આક્રમણ કરવાની અમારી આ પદ્ધતિ છે.’
![]() |
| ચેપ્લિન-ગાંધીઃ ચેપ્લિનના ભારતમાં બહાર પડેલા ફર્સ્ટ ડે કવર પર |
ચેપ્લિને તેમને પૂછ્યું, ‘એટલે આ સવાલ એકલા હિંદુસ્તાન પૂરતો જ છે? હિંદુસ્તાનમાં રશિયા જેવી સ્વતંત્રતા હોય અને તમે બેકારોને બીજું કામ આપી શકો, સંપત્તિની સમાન વહેંચણી કરાવી શકો તો તમે યંત્રોનો તિરસ્કાર નહીં કરો?’
ગાંધીજીએ કહ્યું: ચોક્કસ. (એ સંજોગોમાં યંત્રોનો તિરસ્કાર ન કરું.)
મહાદેવભાઇએ લખ્યું છે કે ‘આ સવાલ ગાંધીજી જોડે સેંકડો વાર ચર્ચાઇ ચૂક્યો છે, પણ શાસ્ત્રજ્ઞ નહીં એવા કોઇ પરદેશીને આટલી ઝડપથી સ્થિતિ સમજી જતાં મેં જોયો નથી. એનું કારણ એ હશે કે એમને (ચેપ્લિનને) અગાઉથી બાંધેલા કશા રાગદ્વેષ નથી અને એમનામાં સહૃદયતા તો છે જ.’
ચેપ્લિને માણસ પર પ્રભાવી થઇ જતાં મશીનો પર બનાવેલી ફિલ્મ ‘મોડર્ન ટાઇમ્સ’માં ગાંધીપ્રકારની ચિંતા ઓછી ને એસેમ્બલી લાઇનની પાશ્ચાત્ય સમસ્યા વિશેની ચિંતા વધારે છે. છતાં, ગાંધીજી અને ચેપ્લિનની મુલાકાતની ફળશ્રુતિ કેવળ સ્થૂળ અર્થમાં (કોઇ ફિલ્મ પર પ્રભાવના રૂપે) કાઢવાની જરૂર ન હોય. પ્રેમીઓ-ચાહકો-અભ્યાસીઓ માટે ગાંધીજી-ચેપ્લિન મળ્યા હોય અને સાથે બેઠા હોય એ વાત જ પૂરતી રોમાંચકારી છે.
Labels:
Chaplin,
Gandhi/ગાંધી,
history/ઇતિહાસ
Wednesday, July 18, 2012
જુદા છે પ્રકારો બગાસે બગાસે
દુનિયામાં ઘણી ચેપી ચીજોના ઇલાજ શોધાયા છે, પણ હજુ સુધી બગાસાનું ઓસડ મળ્યું નથી. ખરી વાત તો એ છે કે બગાસાને કોઇ ગંભીરતાથી લેતું નથી. ફક્ત બગાસું જ નહીં, કોઇ પણ મુદ્દે ઠરીને વાત કરવાની આવે એટલે લોકોને બગાસાં આવવા લાગે છે. હકીકતમાં બગાસું મનુષ્યદેહ ધારણ કર્યા પછીની કેટલીક આવશ્યક ક્રિયાઓમાંની એક છે. આઘ્યાત્મિક પરિભાષામાં તેને ‘દેહધર્મ’ ગણાવવામાં ખાસ અતિશયોક્તિ નથી. ચોકલેટી ચિંતકો તેને નિદ્રારાણીનું છડીદાર ગણાવી શકે છે. ઘણા લોકો બુલંદ અવાજે બગાસાં ખાય ત્યારે તે રીતસર છડી પોકારતા હોય એવું લાગે છે.
બગાસામાં છીંક જેટલું સ્વરવૈવિઘ્ય નથી. બગાસું ખાનાર મનુષ્યના મોંમાંથી મોટે ભાગે અસ્પષ્ટ ઉદ્ગાર અને અવાજ નીકળે છે. તેનો ભાવાનુવાદ કરવામાં આવે તો? એ કંઇક આ પ્રમાણે થાયઃ ‘બાઅદબ, બામુલાહિજા, હોશિયાર. મલિકા-એ-નીંદકી સવારી આ રહી હૈ.’ મલિકા-એ-નીંદનું સામ્રાજ્ય એક જમાનાની મલિકા-એ-હિંદ રાણી વિક્ટોરિયા કરતાં પણ મોટું છે. આસ્તિકો કર્મને જે જશ આપે છે, તે બગાસાને પણ આપી શકાયઃ બગાસું કોઇને છોડતું નથી.
વૈજ્ઞાનિક મૂલ્યાંકનમાં બગાસાને ઉત્સર્જન ક્રિયા ગણી શકાય, પરંતુ છીંક અને અન્ય ક્રિયાઓની સરખામણીમાં બગાસું સૌથી નિર્દોષ છે. તેમાં બિનહાનિકારક હવા સિવાય બીજી કોઇ ચીજ બહાર ફેંકાતી નથી. તેમ છતાં, બાકી બધાં ઉત્સર્જનો કરતાં તે અસરકારક નીવડી શકે છે. કારણ કે બાકીની ક્રિયાઓ શરીરનો મેલ કાઢે છે, જ્યારે બગાસાનો ઉપયોગ ઘણી વાર મન પર જામતો મેલ અટકાવવા માટે કરવામાં આવે છે.
સેમિનાર, ભાષણબાજી, વાર્તાલાપ જેવા સત્તાવાર કાર્યક્રમોમાં વક્તાઓ શ્રોતાઓ પર પૂરજોશમાં તૂટી પડ્યા હોય, ત્યાર થોડી વાર પછી શ્રોતાઓની ધીરજનો છેડો આવે છે. તેમના મનમાં અકળામણ જાગે છે. વઘુ સમય વીતે એટલે અકળામણમાં આથો આવતાં ખુન્નસ પેદા થાય છે. કેટલીક જગ્યાએ શ્રોતાસંખ્યા એટલી ઓછી હોય છે કે ચાલુ કાર્યક્રમે વાતો કરવાથી માંડીને સુઇ જવા જેવા સન્માનજનક વિકલ્પો ઉપલબ્ધ હોતા નથી. એવા વખતે બગાસું તેમની વહારે આવે છે. કેટલાક શ્રોતાઓ વારંવાર વક્તાનું ઘ્યાન પડે એ રીતે બગાસાં ખાવાનું શરૂ કરે છે. એમ કરવાથી રીઢા વક્તાઓ પર કશી અસર થતી નથી, પણ શ્રોતાઓનું ખુન્નસ અહિંસક માર્ગે બહાર આવી જતાં, તેમનું માનસિક સંતુલન ખોરવાઇ જતું અટકે છે.
વધારે વ્યાપક સ્તરે વિચારીએ તો, બગાસું અભિવ્યક્તિસ્વાતંત્ર્યનું અને અભિવ્યક્તિસ્વાતંત્ર્ય લોકશાહીનું પ્રતીક હોવાથી, બગાસું લોકશાહીનું પ્રતીક છે. નાગરિકશાસ્ત્રમાં બગાસાં વિશેનો એકાદ પાઠ મૂકવાનું હજુ સુધી કોઇને સૂઝ્યું કેમ નહીં હોય? એ જુદી વાત છે કે નાગરિકશાસ્ત્રની વાત આવે એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ બગાસાં ખાવા લાગે છે. બગાસાંની લોકપ્રિયતા અને લોકો દ્વારા થતા મોકળા મને થતા તેના પ્રયોગને કારણે એટલું સાબીત થાય છે કે લોકશાહીનાં મૂળભૂત મૂલ્યો આત્મસાત્ કરવા માટે નાગરિકશાસ્ત્ર વાંચવું ફરજિયાત નથી.
બગાસું પ્રાકૃતિક ક્રિયા હોવાથી, પ્રાકૃત ઢબે (દેશી રીતે) બગાસું ખાવામાં જેટલા આનંદ અને સંતોષનો અનુભવ થાય છે, એટલો શિષ્ટ બગાસામાં લાગતો નથી. ઘણા લોકો બગાસું આવે ત્યારે મોં પર હાથ, હથેળી કે રૂમાલ ઢાંકીને, આડું જોઇને એવી રીતે બગાસું ખાય છે, જાણે કોઇ ન કરવા જેવું કામ કરતા હોય. સદ્ભાગ્યે, ‘પ્યાર કિયા કોઇ ચોરી નહીં કી’ જેવી ખુમારી બગાસા માટે ધરાવનારા લોકો હજુ મોજૂદ છે. એ લોકો માને છે કે આજુબાજુના લોકોને ખ્યાલ પણ ન આવે તો એવું બગાસું ખાવામાં શો સ્વાદ છે? કલ્પના કરો : હોલમાં કે ક્લાસમાં છેલ્લી લાઇનમાં બેઠાં બેઠાં છેક સ્ટેજ સુધી સંભળાય એવું બગાસું ખાવાની કેવી મઝા આવે?
છીંકની જેમ બગાસું મૂળભૂત રીતે અનૈચ્છિક ક્રિયા છે. પણ વિજ્ઞાન કૃત્રિમ વરસાદ લાવી શકતું હોય તો કૃત્રિમ બગાસાં શી મોટી વાત છે? માથું દુઃખે ત્યારે ઘણા લોકો રૂમાલનો વળ ચડાવેલો એક છેડો નાકમાં નાખીને, કૃત્રિમ છીંકો ખાતા અને માથાનો ભાર હળવો કરવા મથતા જોવા મળે છે. પરંતુ કૃત્રિમ બગાસું ખાવામાં એવો કોઇ ઉદ્યમ કરવાની જરૂર નથી. ગમે તેવી શિખાઉ વ્યક્તિ પણ તબિયતથી નકલી બગાસાં ખાઇ શકે છે વાયરલેસ પદ્ધતિથી વક્તાને સંદેશો મોકલી શકે છે કે ‘બહુ થયું. હવે બસ કરો.’
ખાવાની વાત કરીએ તો છીંક અને બગાસા વચ્ચે સાદા પાણીમાં અને મિનરલ વોટરમાં બનાવેલી પાણીપુરી જેવો, શિષ્ટતાનો તફાવત હોય છે. છીંક ગમે તેટલી સભ્યતાથી ખાવા છતાં, તેમાં કોઇને શિષ્ટાચારનો ભંગ લાગી શકે છે. પ્રેમમાં પડ્યા પછી મન પર ને છીંક આવે ત્યારે મુખભાવ પર કાબૂ રાખવો બહુ મુશ્કેલ હોય છે. કેટલાક લોકો એટલા મોટા અવાજે છીંક ખાય છે કે એવું લાગે, જાણે અંદર સાયલેન્સર મૂકવાનું રહી ગયું હશે- અથવા ઘોંઘાટિયા ફટફટિયાને જોઇને ઓટોમોબાઇલના જાણકારો કહે છે તેમ, સાયલેન્સર ફાટી ગયું હશે. તેની સરખામણીમાં મોટા અવાજે બગાસાં ખાનારા ઓછા હોય છે. શાંતિથી બગાસું ખાઇને પણ સામે બેઠેલા માણસને અશાંત કરી શકાતા હોય, તો અવાજ શા માટે કરવો?
આયુર્વેદમાં કે એલોપથીમાં બગાસાંના પ્રકાર પાડ્યા નથી. ફ્રોઇડ જેવાએ સ્વપ્નાંનું પૃથક્કરણ કર્યું છે, પણ બગાસાંનો અભ્યાસ કરવાની તસ્દી લીધી નથી. ‘બગાસાંભેદ’ જેવા કોઇ ગ્રંથનો સંસ્કૃતમાંથી થયેલો અનુવાદ હજુ સુધી જોવામાં આવ્યો નથી. ચંદ્રમુખી નાયિકા બગાસું ખાય ત્યારે તેનું મુખારવિંદ કેવું લાગે અને પદ્મિની નારીના બગાસાની સાઇઝ કઇ હોય, એની વાતો કાલિદાસ-ભતૃહરિના મસાલામાંથી ચાલતા જંક ફુડના ખુમચામાંથી મળતી નથી. ઉમાશંકર જેવાએ ફેંકાયેલા ગોટલા પર કવિતા લખી છે, પણ કોઇ ગુજરાતી કવિએ ‘બગાસું ગાતી પ્રિયાને’ જેવું છંદોબદ્ધ કાવ્ય લખ્યું હોય એવું જાણમાં નથી.(આમ કહીને કવિઓને ઉશ્કેરવાનો કોઇ આશય નથી અને એવું થાય તો એમાં આ લખનારની કોઇ જવાબદારી રહેશે નહીં.)
બગાસાં ખાવામાં શું મળે? એવો સવાલ કોઇને થઇ શકે. ભૌતિકવાદના આ યુગમાં દરેક બાબત આ ફુટપટ્ટીથી મપાતી હોય ત્યારે બગાસું તેમાંથી શા માટે બાકાત રહે? પરંતુ કોઇ દાનવીરને (તકતી વગરનું) દાન કરવામાં કે કોઇ સંગીતકારને એકાંતમાં બેસીને સંગીતસાધના કરવામાં જેવો આનંદ આવે છે, એવી અનુભૂતિ થોડી સેકંડો પૂરતી બગાસાથી મેળવી શકાય છે. એ સર્વજનસુલભ છે. ગરીબોને બગાસાં ખાવા માટે બીપીએલ કાર્ડની જરૂર પડતી નથી ને અમીરોને બગાસાં ખાવા પર ટેક્સ લાગતો નથી.
રાત કોઇને અંધકારનો પર્યાય લાગે છે તો કોઇને તે પ્રભાતના આગમનની ખાતરી આપે છે. એવી જ રીતે બગાસાં ખાવાથી ઉંઘની જાહેરાત કરી શકાય છે તેમ, ઉંઘી ઉઠ્યા પછી ઉંઘ બરાબર પૂરી થઇ અને ઉંઘવાનો બહુ આનંદ આવ્યો, એવો સંદેશ પણ બગાસાં દ્વારા આપી શકાય છે- શરત એટલી કે જેને સંદેશ આપવાનો છે તે બગાસાં ખાતો ન હોવો જોઇએ.
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ
Tuesday, July 17, 2012
‘બોસોન’ખ્યાત સત્યેન્દ્રનાથ બોઝ : ફરક પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠાનો
![]() |
| SN Bose/ સત્યેન્દ્રનાથ બોઝ |
કેપ્ટન લક્ષ્મી ઉર્ફે લેફ્ટનન્ટ કર્નલ લક્ષ્મી સહગલ. આઝાદ હિંદ ફોજની રાણી ઝાંસી રેજિમેન્ટનાં વડા. સુભાષચંદ્ર બોઝનાં અંતેવાસી. ઐતિહાસિક પાત્ર. તેમનું નામ પડતાં જ, પરિચિતોના ચહેરા પર આદર-અહોભાવની લાગણી પથરાઇ જાય. પરંતુ કેપ્ટન લક્ષ્મીનાં ગુણગાન અધવચ્ચેથી અટકાવીને કહેવામાં આવે કે ‘એ હજુ આપણી વચ્ચે હયાત છે’ તો?
સંભવ છે. સાંભળનારની પ્રતિક્રિયા એટલી જ તીવ્ર રહે. બસ, ચહેરા પર અહોભાવના જગ્યાએ આશ્ચર્ય - અવિશ્વાસ અને જીભે ‘ના હોય!’ જેવા શબ્દો આવી જાય.
ભજનગાયિકા જુથિકા રોય. આઝાદી પહેલાંના સમયમાં આઘુનિક મીરાં તરીકે ઓળખાતાં. તેમનાં ભજનની રેકોર્ડ ઘરમાં હોવી એ સંસ્કારિતાની નિશાની ગણાતી. ગાંધીજી જેવા ગાંધીજીએ તેમનાં ભજન સાંભળ્યાં હતાં. પેઢીઓની પેઢીઓ તેમનાં ભજન સાંભળીને મોટી અને તેમના પ્રત્યે ધન્યભાવ અનુભવતી થઇ. તેમનું નામ પડે એટલે ‘ઓહોહો’ થઇ જાય. પરંતુ બીજા તો ઠીક, જુથિકા રોયના ચાહકોમાંથી કેટલા જાણતા હશે કે જુથિકાજી હજુ આ જ દુનિયામાં- કોલકાતામાં - છે?’ અને આ જાણતા લોકોએ પણ છાપાંમાં કે ચેનલો પર એમના વિશે - કે લક્ષ્મી સહગલ વિશે- છેલ્લે ક્યારે વાંચ્યું-સાંભળ્યું? ‘ગુગલ ન્યૂઝ’ પર લક્ષ્મી સહગલનો એકમાત્ર રેફરન્સ ૧૦ વર્ષ પહેલાં તે ડો.અબ્દુલ કલામ સામે રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડ્યાં તેનો બતાવે છે અને જુથિકા રોય? એમનું તો ‘ગુગલ ન્યૂઝ’ પર અસ્તિત્ત્વ જ નથી. (અહીં સર્ચએન્જિન ગૂગલની નહીં, પણ તેના સમાચારવિભાગની વાત છે.)
પ્રમાણમાં ઘણાં લોકપ્રિય અને સંખ્યાબંધ લોકોને સ્પર્શે એવા ક્ષેત્ર સાથે સંબંધ ધરાવતી લક્ષ્મી સહગલ- જુથિકા રોય જેવી હસ્તીઓની આ સ્થિતિ હોય, તો ભાગ્યે જ કોઇને ટપ્પી પડે એવા વિષયમાં પ્રચંડ પ્રદાન કરનાર સદ્ગત વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝ વિસરાઇ જાય એમાં શી નવાઇ?
બોઝ-આઇન્સ્ટાઇન સંબંધો
હિગ્સ બોસોન કણની સંભવિત ઓળખ પછી થયેલાં ઉજવણાંમાં જીવીત બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સના જયજયકારની સાથે ૧૯૭૪માં અવસાન પામેલા ભારતીય વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝનો પણ ઉલ્લેખ થયો. બ્રહ્માંડના મૂળભૂત કણોના બે મુખ્ય પ્રકારમાંથી એકનું નામ ‘બોઝ’ પરથી ‘બોસોન’ રખાયું હતું. એટલે એક રીતે, સત્યેન્દ્રનાથને યાદ કર્યા વિના છૂટકો ન હતો. છતાં, ઉજવણીના માહોલમાં થોડો ગણગણાટ એવો પણ થયો કે ‘સત્યેન્દ્રનાથ ભૂલાઇ ગયા. તેમનો થવો જોઇએ એટલો જયજયકાર ન મળ્યો.’ વધારે સાદા શબ્દોમાં કહીએ તો, તેમને (મરણોપરાંત) જોરદાર પ્રસિદ્ધિ ન મળી.
સત્યેન્દ્રનાથ ધારો કે હિગ્સ બોસોનની શોધ જોવા જીવીત હોત, તો તેમને પણ હિગ્સ અને બીજા સાથી વિજ્ઞાનીઓની જેમ ખાસ આમંત્રિત તરીકે બોલાવાય હોત. પરંતુ સત્યેન્દ્રનાથ પ્રસિદ્ધિના પ્રકાશપુંજમાં ઝળહળવા ઉપડી ગયા હોત કે પછી ઘરે બેસીને તેમનાં પ્રિય વાદ્ય- ઇસરાજ અથવા વાંસળી- વગાડીને પરમ તૃપ્તિ અનુભવતા હોત?
આ સવાલનો જવાબ કલ્પનાનો પ્રદેશ છે, પણ નોંધાયેલી-નક્કર હકીકત એ છે કે ભારત સરકારના પ્રકાશન વિભાગ તરફથી તૈયાર થતા એક પુસ્તકના લેખક સત્યેન્દ્રનાથને મળવા ગયા- તેમનું શબ્દચિત્ર આલેખવાની વાત કરી, ત્યારે સત્યેન્દ્રનાથે એ કામને ‘સમયનો બગાડ’ ગણાવ્યું હતું. (જેની પર ‘બઘું મળે છે’ એવા‘ગુગલ’ પર સત્યેન્દ્રનાથના ફોટો એટલા ઓછા છે કે આંગળીના વેઢા વધી પડે.)
પ્રસિદ્ધિ પ્રત્યે તેમની ઉદાસીનતામાં દંભ નહીં, પણ જીવનદર્શન અંગેની સ્પષ્ટતા કારણભૂત હતી. ભૌતિકશાસ્ત્રમાં તેમનું પ્રદાન એવું હતું કે એ બદલ તેમને નોબેલ પારિતોષિક મળવું જોઇએ, એવી ઘણાની લાગણી હતી. છતાં, તેમણે પોતે પીએચ.ડી.ની ડિગ્રી મેળવવાનો પણ પ્રયાસ કર્યો ન હતો. આઇન્સ્ટાઇન સહિત અનેક ઘુરંધરો સાથે નિકટનો પરિચય હોવા છતાં, સત્યેન્દ્રનાથે નોબેલ પારિતોષિક માટે કદી પ્રયાસ તો ઠીક, એ ન મળ્યાનો વસવસો પણ ન કર્યો.
હા, એક વાર તેમણે ભારે ખચકાટ સાથે આઇન્સ્ટાઇનની ભલામણ માગી હતી. ઢાકા યુનિવર્સિટીમાં તે રીડર તરીકે કામ કરતા હતા. વિજ્ઞાનજગતના સાંપ્રત પ્રવાહોના અભ્યાસ માટે તે બે વર્ષ યુરોપ ગયા. ત્યાં અનેક વિજ્ઞાનીઓ ઉપરાંત આઇન્સ્ટાઇનને પણ મળ્યા. ફળદાયી પ્રવાસ પછી પાછા ફરેલા સત્યેન્દ્રનાથને મિત્રોએ સૂચવ્યું કે તેમણે ઢાકા યુનિવર્સિટીમાં ફિઝિક્સ ડીપાર્ટમેન્ટમાં પ્રોફેસરના હોદ્દા માટે અરજી કરવી જોઇએ અને એ માટે આઇન્સ્ટાઇન પાસેથી ભલામણપત્ર માગવો જોઇએ.
સત્યેન્દ્રનાથની વિનંતીથી ખુદ આઇન્સ્ટાઇનને નવાઇ લાગી. તેમને થયું કે બોઝને વળી મારી ભલામણની શી જરૂર? એ પોતે એમની આવડતના બળે હોદ્દા માટે લાયક છે. પરંતુ સાપેક્ષવાદના શોધકને એ ન સમજાયું કે ભારતમાં લાયકાત એ સાપેક્ષ બાબત છે. આઇન્સ્ટાઇને ઉમળકાથી લખી આપેલા ભલામણપત્ર પછી પણ સત્યેન્દ્રનાથને એ હોદ્દો ન મળ્યો. તેમની જગ્યાએ બીજા એક ‘બોઝ’- ડી.એમ.બોઝ-ને પ્રોફેસરપદું આપવામાં આવ્યું. તેમણે અસ્વીકાર કરતાં તેમની જગ્યાએ, એટલે કે આઇન્સ્ટાઇનના હકારથી નહીં, પણ ડી.એમ.બોઝના નકારથી, સત્યેન્દ્રનાથને પ્રોફેસર તરીકે નીમવામાં આવ્યા.
એકલવ્યવત્ સત્યેન્દ્રનાથ માટે આઇન્સ્ટાઇન ગુરુ દ્રોણ હતા. પણ આ ગુરુએ શિષ્યનો અંગુઠો માગી લેવાને બદલે તેની સાથે હાથ મિલાવ્યા. ઢાકા યુનિવર્સિટીમાં રીડર તરીકે વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સત્યેન્દ્રનાથે એક પેપર (સંશોધન લેખ) તૈયાર કર્યો હતો. તેનું અંગ્રેજી શીર્ષક હતું : ‘પ્લાન્ક્સ લૉ એન્ડ લાઇટ ક્વોન્ટમ હાઇપોથીસીસ’. તેમનાં અગાઉનાં પેપર પ્રકાશિત કરનાર ફિલોસોફિકલ મેગેઝીને આ પેપર સાભાર પરત મોકલ્યું. એટલે સત્યેન્દ્રનાથે આઇન્સ્ટાઇન સાથે કશો પરિચય ન હોવા છતાં, તેમને એ સંશોધન લેખ મોકલી આપ્યો. સાથેના પત્ર (૪ જુન, ૧૯૨૪)માં પેપરના વિષયવસ્તુ વિશે ટૂંકમાં જણાવીને લખ્યું,
‘જો તમને લાગે કે આ પેપર પ્રકાશનયોગ્ય છે અને જો તમે ફિઝિક્સ વિશેના જર્મન સામયિકમાં એના પ્રકાશન માટે યથાયોગ્ય તજવીજ કરશો તો હું આપનો આભારી રહીશ. તમે મને બિલકુલ ઓળખતા નથી. છતાં તમને આ વિનંતી કરવામાં હું કશો ખચકાટ અનુભવતો નથી. કારણ કે અમે તમારા શિષ્યો છીએ અને તમારાં લખાણમાંથી જ્ઞાનલાભ મેળવીએ છીએ. તમને યાદ હશે કે નહીં જાણતો નથી, પણ તમારા જનરલ રીલેટીવીટી અંગેના પેપરના અંગ્રેજી અનુવાદ માટે કલકત્તાથી કોઇએ તમારી પરવાનગી મંગાવી હતી અને તમે એ આપી પણ હતી...તમારા એ પેપરનો અનુવાદ કરનાર હું જ હતો.’
આઇન્સ્ટાઇને આ પત્રનો જવાબ આપ્યો. એટલું જ નહીં, સત્યેન્દ્રનાથના પેપરનો જર્મન અનુવાદ જાતે કર્યો, જે ભૌતિકશાસ્ત્રના સામયિકના ઓગસ્ટ, ૧૯૨૪ના અંકમાં પ્રગટ થયો. તેની સાથે અનુવાદકની નોંધમાં આઇન્સ્ટાઇને આ સંશોધનને ‘એન ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ફોરવર્ડ’ (પ્રગતિની દિશામાં નોંધપાત્ર પગલું) ગણાવ્યું.
આઇન્સ્ટાઇન સાથે સત્યેન્દ્રનાથનો અંગત પરિચય વિજ્ઞાનજગતમાં અમર બન્યો ‘બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટેસ્ટિક્સ’ અને ‘બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ’ થકી. અત્યંત નીચા તાપમાને પરમાણુઓ નવી અવસ્થા પ્રાપ્ત કરે છે, જે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ તરીકે ઓળખાય છે. એની ટેકનિકલ ચર્ચાને બદલે, નામ અને પ્રતિષ્ઠાની જ વાત કરતા હોઇએ ત્યારે યાદ રહે કે આ બન્ને પારિભાષિક નામોમાં પહેલું નામ બોઝનું મૂકાયું છે. કારણ કે તેના મૂળ જન્મદાતા સત્યેન્દ્રનાથ બોઝ હતા. આઇન્સ્ટાઇને બોઝના સંશોધનને આગળ વધાર્યું હતું.
અમરત્વની સામગ્રી
બોસોન અને બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટેસ્ટિક્સ- આ બન્ને સંશોધનો ભૌતિકશાસ્ત્રમાં સત્યેન્દ્રનાથ બોઝનું નામ અમર બનાવવા માટે પૂરતાં છે, પરંતુ ‘અમરત્વ’ની વાત કરીએ ત્યારે યાદ રાખવું પડે કે તેનો સીધો સંબંધ પ્રસિદ્ધિ સાથે નહીં, પ્રતિષ્ઠા સાથે હોય છે. પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિનો સહિયારો ઝળહળાટ (આઇન્સ્ટાઇન જેવા) બહુ ઓછા કિસ્સામાં દાયકાઓ સુધી ટકે છે. તેના માટે પ્રદાન ઉપરાંત દેશકાળથી માંડીને સમાજ-સંસ્કૃતિ જેવાં અનેક પરિબળ કારણભૂત હોય છે. ભારતમાં સત્યેન્દ્રનાથ બોઝનું નામ સુદ્ધાં સાંભળ્યા વિના વિદ્યાર્થી બારમું સાયન્સ કે ભલું હોય તો સાયન્સ ગ્રેજ્યુએટ થઇ જાય, એ બિલકુલ બનવાજોગ છે.
ફક્ત સાયન્સ જ શા માટે, કોઇ પણ વિદ્યાશાખામાં ભણનારને પરિચય હોવો ઘટે, એવું વૈવિઘ્યપૂર્ણ અને મજબૂત સત્યેન્દ્રનાથનું કામ હતું. માતૃભાષામાં વિજ્ઞાન શીખવવા માટેના તેમના પ્રયાસથી માંડીને શાસ્ત્રીય સંગીતના જ્ઞાન સુધી તેમનો વ્યાપ હોવા છતાં, (પ્રસિદ્ધિ માટેની પૂર્વશરત ગણાય એવી) પોતાના કામ સિવાયની પંચાતમાં તેમને રસ ન હતો. તેમની સાદગી-સરળતા અને એકાગ્રતાનાં અનેક ઉદાહરણ વાંચવા મળે છે. કાર્યક્રમોમાં બેઠા પછી આંખ બંધ કરી દેવાની તેમની પદ્ધતિથી ઘણાને ગેરસમજણ થતી હતી. પરંતુ એકથી વધારે પ્રસંગે તેમણે એ અવસ્થામાં પોતાની જાગૃતિનો પરચો આપ્યો હતો. એક વાર તો, વિખ્યાત વિજ્ઞાની નીલ્સ બોહ્ર પ્રવચન દરમિયાન કંઇક સમજાવતી વખતે અટક્યા-અટવાયા અને મંચ પર બેઠેલા સત્યેન્દ્રનાથ સામે જોઇને તેમણે કહ્યું,‘કેન પ્રોફેસર બોઝ હેલ્પ મી?’ શ્રોતાઓના આશ્ચર્ય વચ્ચે, આંખો ખોલીને સત્યેન્દ્રનાથ ઊભા થયા, બોહ્ર જે કહેવા માગતા હતા તે સમજાવી દીઘું અને ફરી પાછા આંખો બંધ કરીને બેસી ગયા.
![]() |
| Nehru- SN Bose/ જવાહરલાલ નેહરુ- સત્યેન્દ્રનાથ બોઝ |
તેમ છતાં, લિમ્કા બુક કે ગિનેસ બુકમાં રેકોર્ડ નોંધાવનારને કે ફિલ્મમાં આઇટેમ સોંગ કરનારને વધારે પ્રસિદ્ધિ મળતી હોય, તો એવી પ્રસિદ્ધિ સત્યેન્દ્રનાથ બોઝને ન મળ્યાનો બહુ ધોખો કેવો? તેમનો પરિચય નવી પેઢીઓને સહેલાઇથી થતો રહે એટલું જ જરૂરી અને પૂરતું છે.
Labels:
einstein/આઇન્સ્ટાઇન,
Higgs Boson,
science/વિજ્ઞાન
Sunday, July 15, 2012
બહુચર્ચિત હિગ્સ બોસોન અને ભૌતિકશાસ્ત્રનું સ્ટાન્ડર્ડ મોડેલ: સરળ પ્રાથમિક સમજૂતી
‘ગૉડ પાર્ટિકલ’ જેવા ગેરરસ્તે દોરનારા ઉપનામથી ઓળખાતા હિગ્સ બોસોન કણનું અસ્તિત્ત્વ પુરવાર થતાં, મોટા ભાગના લોકોના મનમાં સાદો સવાલ થયોઃ એમાં આપણે શી લેવાદેવા?
લેવાદેવાનો મતલબ આર્થિક કે બીજા ફાયદાને લગતો હોય તો જવાબ છેઃ અત્યારે તેનાથી કશો ફાયદો નહીં. પરંતુ ‘હિગ્સ બોસોન સાથે આપણે શો સંબંધ?’ એવું માની લેવાની જરૂર નથી. આ મામલો પહેલી નજરે ભૌતિકશાસ્ત્ર/ફિઝિક્સનો લાગે, પરંતુ જીવવિજ્ઞાન સહિત બીજી ઘણી શાખાઓ સાથે તેનો સંબંધ નીકળે એવો છે.
ઉદાહરણ તરીકે આપણી એટલે કે માણસોની અથવા વધારે વિશાળ અર્થમાં કહીએ તો સજીવોની વાત કરીએ. દરેક સજીવના શરીરનો નાનામાં નાનો એકમ એટલે કોષ. એ કોષ રસાયણોના બનેલા હોય છે. રસાયણોનો દરેક અણુ (મોલિક્યુલ) બે કે વઘુ પરમાણુઓ (એટમ)ના જોડાણથી બને છે. દા.ત. હાઇડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનના એક પરમાણુથી બનેલું પાણી.
પરમાણુના ત્રણ ઘટક હોય છેઃ પોઝિટિવ ચાર્જ/ધન ભાર ધરાવતા પ્રોટોન, નેગેટિવ ચાર્જ/ ૠણ ભાર ધરાવતા ઇલેક્ટ્રોન અને તટસ્થ એવા ન્યુટ્રોન. અણુના કેન્દ્ર ઉર્ફે નાભિ ઉર્ફે ન્યુક્લિઅસમાં પ્રોટોન-ન્યુટ્રોન ગોઠવાયેલા હોય અને તેની ફરતે ઇલેક્ટ્રોન.
તો શું એમ માની લેવું કે બ્રહ્માંડનો દરેક પદાર્થ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો છે? એવું ત્યારે જ માની શકાય જ્યારે આ ત્રણે સબએટમિક- એટમ(પરમાણુ)થી નાના- કણોનું વઘુ વિભાજન શક્ય ન હોય. આ ચર્ચા શરૂ થાય એ સાથે જ રસાયણશાસ્ત્ર-જીવશાસ્ત્રનો વિભાગ પૂરો થાય અને ભૌતિકશાસ્ત્ર- પાર્ટિકલ ફિઝિક્સ-ની અને તેના સ્ટાન્ડર્ડ મોડેલની હદ શરૂ થાય.
૧૯મી સદીમાં વિવિધ સંશોધકોએ ઇલેક્ટ્રોનનું અસ્તિત્ત્વ ઓળખી કાઢ્યું, ત્યાર પછી સ્પષ્ટ થયું કે ઇલેક્ટ્રોનનું વિભાજન શક્ય નથી. તે બીજા કશાના બનેલા નથી. એટલે કે ઇલેક્ટ્રોન સૃષ્ટિના આરંભે પેદા થયેલા મૂળભૂત કણોમાંના એક છે. બાકી રહ્યા પ્રોટોન અને ન્યુટ્રોન. તેમની ‘તોડફોડ’ કરતાં અંદરથી શું નીકળે છે તે તપાસવાનું હતું. એ માટે બીજી પદ્ધતિ હતીઃ સાંયોગિક પુરાવા કે સમીકરણોની મગજમારી આધારિત અનુમાનો. ઇલેક્ટ્રોનના કિસ્સામાં પણ, પ્રયોગશાળામાં તેની ઓળખપરેડ થઇ, તેના દોઢેક દાયકા પહેલાં સૈદ્ધાંતિક રીતે ઇલેક્ટ્રોન જેવો કોઇ કણ હોવો જોઇએ એવું અનુમાન વૈજ્ઞાનિકો કરી ચૂક્યા હતા.
મોટા ભાગના મૂળભત કણોની બાબતમાં પણ એવું જ બન્યું: પહેલાં થિયરીમાં તેમના વિશે કલ્પના થઇ, તેમના ગુણધર્મો નક્કી થયા અને ત્યાર પછી તેમનું અસ્તિત્ત્વ પુરવાર થયું. વીસમી સદીના પહેલા દાયકામાં આઇન્સ્ટાઇને પ્રકાશના મૂળભૂત કણ તરીકે ફોટોનની કલ્પના કરી અને બીજા દાયકામાં તેનું અસ્તિત્ત્વ પુરવાર થયું.
૧૯૬૦ સુધી મૂળભૂત કણોની શોધનું કામ ધીમી ગતિએ ચાલ્યું. ત્યાં સુધી ઇલેક્ટ્રોન-ફોટોન સહિત ફક્ત ચાર મૂળભૂત કણની નક્કર હાજરી નોંધાઇ હતી. ત્યાર પછીના બે દાયકામાં કણોની મહાશક્તિશાળી ટક્કર શક્ય બનાવતાં ‘પાર્ટિકલ એક્સલરેટર’ કમ કરતાં થયાં. તેમના પ્રતાપે મૂળભૂત કણોની ઓળખનું કામ ઝડપી બન્યું. ૧૯૮૩ સુધીમાં બીજા ૧૦ મૂળભૂત કણો ઓળખી શકાયા. ત્યાર પહેલાંથી સંશોધકોએ સૈદ્ધાંતિક રીતે તારવ્યું હતું કે આખું બ્રહ્માંડ ૧૬ મૂળભૂત કણોનું બનેલું છે.
બ્રહ્માંડના મૂળભૂત કણો, તેમની વર્તણૂંક અને તેમની વચ્ચેના સંબંધોને સમજવાના સહિયારા પ્રયાસોમાંથી ભૌતિકશાસ્ત્રના ‘સ્ટાન્ડર્ડ મોડેલ’નો ઉદ્ભવ થયો. તેમાં ૧૬ મૂળભૂત કણ બે ભાગમાં વહેંચાયેલા હતાઃ ૧૨ ફર્મિઓન (અમેરિકન ભૌતિકશાસ્ત્રી અન્રિકો ફર્મીના નામ પરથી) અને અને ૪ બોસોન (ભારતીય ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝના નામે).
બોસોન અને ફર્મિઓન વચ્ચે શો તફાવત? તેના સીધાસાદા જવાબ માટે એટલું યાદ કરી લઇએ કે બ્રહ્માંડમાં ચાર પ્રકારનાં બળ ‘આદિ’ ગણવામાં આવે છેઃ ગ્રેવિટેશનલ ફોર્સ (ગુરૂત્વાકર્ષણ બળ), ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ (વિદ્યુતચુંબકીય બળ), સ્ટ્રોંગ ફોર્સ અને વીક ફોર્સ. આ ચારમાંથી ગુરૂત્વાકર્ષણ સિવાયનાં ત્રણે બળ સળંગ ક્ષેત્રની જેમ વર્તે છે, પરંતુ તેમના મૂળભૂત ઘટક તરીકે કણ હોય છે (જેમ રણ આખું સળંગ હોવા છતાં, રેતીના કણોનું બનેલું હોય છે.) આ ત્રણે બળોના મૂળભત ઘટક કણો ‘બોસોન’ કહેવાય છે.
નામ પાડીને વાત કરીએ તો, આઇન્સ્ટાઇને ઓળખી પાડેલા ફોટોન વિદ્યુતચુંબકીય બળના વાહક છે. ગ્લુઓન કણો સ્ટ્રોંગ ફોર્સના વાહક છે, જે પરમાણુની નાભિમાં રહેલી ‘સામગ્રી’ને વેરવિખેર થવા દેતા નથી. ડબલ્યુ અને ઝેડ એમ બે પ્રકારના બોસોન વીક ફોર્સના મૂળભૂત કણ છે. આ વીક ફોર્સને કારણે, આપમેળે વિઘટન પામવાનો રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ શક્ય બને છે.
આમ, ‘ફોર્સ કેરીઅર’ (બળના વાહક એવા) ચાર બોસોન સિવાય બાર ફર્મિઓનની વસ્તી ગણતરી આ પ્રમાણે છેઃ છ જાતના ક્વાર્ક અને છ જાતના લેપ્ટોન. (ગુણધર્મની રીતે ઇલેક્ટ્રોન લેપ્ટોનના ખાનામાં ગણાય છે.) ક્વાર્ક અને લેપ્ટોનનાં અટપટાં નામોમાં ઉતરવાની અહીં જરૂર નથી, પણ કહેવાનું તાત્પર્ય એટલું કે મૂળભૂત ૧૨ કણ અને મૂળભૂત ત્રણ બળ વચ્ચેની ક્રિયાપ્રક્રિયામાંથી બ્રહ્માંડભરના પદાર્થોનું સર્જન થયું છે.
સ્ટાન્ડર્ડ મોડેલના સમર્થક એવા સંશોધકોએ અણુના છેક મૂળ સુધી- ક્વાર્ક અને લેપ્ટોન સુધી- પહોંચીને બ્રહ્માંડ શાનું બનેલું છે તેનો ખુલાસો તો આપ્યો, પણ તેમાં મોટો સવાલ એ ઊભો રહ્યો કે તમામ ૧૬ મૂળભૂત કણોનું દળ ક્યાંથી આવ્યું? સ્ટાન્ડર્ડ મોડેલનાં સમીકરણો પ્રમાણે તમામ મૂળભૂત કણો પેદા થયા ત્યારે તો દળ વગરના હતા અને પ્રકાશની ઝડપે ગતિ કરતા હતા.
દળની ગૂંચ ઉકેલવા માટે પીટર હિગ્સ સહિતના છ વિજ્ઞાનીઓએ એવા એક ક્ષેત્ર (ફિલ્ડ)ની કલ્પના કરી, જેમાં રગદોળાવાને કે ખૂંપવાને કારણે કણોની ઝડપ ઓછી થઇ અને તેમણે ઓછાવત્તા પ્રમાણમાં દળ મેળવ્યું. આ સંશોધન સહિયારું હોવા છતાં, એ ક્ષેત્ર ‘હિગ્સ ફિલ્ડ’ તરીકે ઓળખાયું અને ‘ફોર્સ કેરીઅર’ એવા તેના મૂળભૂત ઘટકો હિગ્સ બોસોન પાર્ટિકલ કહેવાયા.
આમ, હિગ્સ પાર્ટિકલ એ ૧૬ મૂળભૂત કણની યાદીમાં ૧૭મો કણ નથી, પણ એ બાકીના મૂળભૂત કણોને દળ આપનાર હિગ્સ ફિલ્ડનો ઘટક કણ છે. જીનીવાના લાર્જ હેડ્રન કોલાઇડરમાં પ્રોટોનની જોરદાર ટક્કરના પરિણામે હિગ્સ બોસોન જેવા કણનો અણસાર વર્તાયો છે. સંશોધકો પૂરતા અભ્યાસ પછી તેના અસ્તિત્ત્વનું પાકું પ્રમાણપત્ર ફાડી આપે, એ સાથે જ સ્ટાન્ડર્ડ મોડેલ માટે ખૂટતી છેલ્લી પ્રેક્ટિકલ સાબિતી મળી જશે.
એવું થયા પછી પણ ભૌતિકશાસ્ત્રીઓનું કામ ઘટવાનું નથી. બ્રહ્માંડનો દૃશ્ય પદાર્થ માંડ ૪ ટકા છે. બાકીનું ૯૬ ટકા બ્રહ્માંડ અદૃશ્ય એવી ડાર્ક એનર્જીનું બનેલું છે. આ ડાર્ક એનર્જી શાની બનેલી છે એની કશી વાત સ્ટાન્ડર્ડ મોડેલમાં આવતી નથી. સ્ટાન્ડર્ડ મોડેલનાં સમીકરણોમાંથી ગુરૂત્વાકર્ષણ પણ બાકાત છે. અરે, હિગ્સ ફિલ્ડને લગતા ખુલાસા પણ હજી મેળવવાના રહેશે. હિગ્સ ફિલ્ડ એક જ છે કે જુદાં જુદાં? બધા મૂળભૂત કણોએ એક જ હિગ્સ ફિલ્ડમાંથી જુદું જુદું દળ મેળવ્યું છે કે એક જ ફિલ્ડમાંથી? અત્યારને જેમને મૂળભૂત કણો ધારી લેવાયા છે તેમાંથી કોઇનું લાર્જ હેડ્રન કોલાઇડર જેવા શક્તિશાળી પાર્ટિકલ એક્સલરેટરની મદદથી વિભાજન શક્ય બનશે?
હિગ્સ બોસોનનો અણસાર મળ્યા પછી શ્રદ્ધાળુઓ ભલે ‘ગૉડ પાર્ટિકલ’ને લગતી અટકળોના પતંગ ઉડાડતા રહે, સંશોધકો માટે હવે નવેસરથી કમર કસીને કામે ચડવાનો સમય છે.
![]() |
| માનવજિજ્ઞાસા અને વૈજ્ઞાનિક પદ્ધતિનું સહિયારું સર્જન : કાર્ટૂનસૌજન્યઃ સ્ટીવ બેન્સન |
ઉદાહરણ તરીકે આપણી એટલે કે માણસોની અથવા વધારે વિશાળ અર્થમાં કહીએ તો સજીવોની વાત કરીએ. દરેક સજીવના શરીરનો નાનામાં નાનો એકમ એટલે કોષ. એ કોષ રસાયણોના બનેલા હોય છે. રસાયણોનો દરેક અણુ (મોલિક્યુલ) બે કે વઘુ પરમાણુઓ (એટમ)ના જોડાણથી બને છે. દા.ત. હાઇડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનના એક પરમાણુથી બનેલું પાણી.
પરમાણુના ત્રણ ઘટક હોય છેઃ પોઝિટિવ ચાર્જ/ધન ભાર ધરાવતા પ્રોટોન, નેગેટિવ ચાર્જ/ ૠણ ભાર ધરાવતા ઇલેક્ટ્રોન અને તટસ્થ એવા ન્યુટ્રોન. અણુના કેન્દ્ર ઉર્ફે નાભિ ઉર્ફે ન્યુક્લિઅસમાં પ્રોટોન-ન્યુટ્રોન ગોઠવાયેલા હોય અને તેની ફરતે ઇલેક્ટ્રોન.
તો શું એમ માની લેવું કે બ્રહ્માંડનો દરેક પદાર્થ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો છે? એવું ત્યારે જ માની શકાય જ્યારે આ ત્રણે સબએટમિક- એટમ(પરમાણુ)થી નાના- કણોનું વઘુ વિભાજન શક્ય ન હોય. આ ચર્ચા શરૂ થાય એ સાથે જ રસાયણશાસ્ત્ર-જીવશાસ્ત્રનો વિભાગ પૂરો થાય અને ભૌતિકશાસ્ત્ર- પાર્ટિકલ ફિઝિક્સ-ની અને તેના સ્ટાન્ડર્ડ મોડેલની હદ શરૂ થાય.
૧૯મી સદીમાં વિવિધ સંશોધકોએ ઇલેક્ટ્રોનનું અસ્તિત્ત્વ ઓળખી કાઢ્યું, ત્યાર પછી સ્પષ્ટ થયું કે ઇલેક્ટ્રોનનું વિભાજન શક્ય નથી. તે બીજા કશાના બનેલા નથી. એટલે કે ઇલેક્ટ્રોન સૃષ્ટિના આરંભે પેદા થયેલા મૂળભૂત કણોમાંના એક છે. બાકી રહ્યા પ્રોટોન અને ન્યુટ્રોન. તેમની ‘તોડફોડ’ કરતાં અંદરથી શું નીકળે છે તે તપાસવાનું હતું. એ માટે બીજી પદ્ધતિ હતીઃ સાંયોગિક પુરાવા કે સમીકરણોની મગજમારી આધારિત અનુમાનો. ઇલેક્ટ્રોનના કિસ્સામાં પણ, પ્રયોગશાળામાં તેની ઓળખપરેડ થઇ, તેના દોઢેક દાયકા પહેલાં સૈદ્ધાંતિક રીતે ઇલેક્ટ્રોન જેવો કોઇ કણ હોવો જોઇએ એવું અનુમાન વૈજ્ઞાનિકો કરી ચૂક્યા હતા.
મોટા ભાગના મૂળભત કણોની બાબતમાં પણ એવું જ બન્યું: પહેલાં થિયરીમાં તેમના વિશે કલ્પના થઇ, તેમના ગુણધર્મો નક્કી થયા અને ત્યાર પછી તેમનું અસ્તિત્ત્વ પુરવાર થયું. વીસમી સદીના પહેલા દાયકામાં આઇન્સ્ટાઇને પ્રકાશના મૂળભૂત કણ તરીકે ફોટોનની કલ્પના કરી અને બીજા દાયકામાં તેનું અસ્તિત્ત્વ પુરવાર થયું.
૧૯૬૦ સુધી મૂળભૂત કણોની શોધનું કામ ધીમી ગતિએ ચાલ્યું. ત્યાં સુધી ઇલેક્ટ્રોન-ફોટોન સહિત ફક્ત ચાર મૂળભૂત કણની નક્કર હાજરી નોંધાઇ હતી. ત્યાર પછીના બે દાયકામાં કણોની મહાશક્તિશાળી ટક્કર શક્ય બનાવતાં ‘પાર્ટિકલ એક્સલરેટર’ કમ કરતાં થયાં. તેમના પ્રતાપે મૂળભૂત કણોની ઓળખનું કામ ઝડપી બન્યું. ૧૯૮૩ સુધીમાં બીજા ૧૦ મૂળભૂત કણો ઓળખી શકાયા. ત્યાર પહેલાંથી સંશોધકોએ સૈદ્ધાંતિક રીતે તારવ્યું હતું કે આખું બ્રહ્માંડ ૧૬ મૂળભૂત કણોનું બનેલું છે.
બ્રહ્માંડના મૂળભૂત કણો, તેમની વર્તણૂંક અને તેમની વચ્ચેના સંબંધોને સમજવાના સહિયારા પ્રયાસોમાંથી ભૌતિકશાસ્ત્રના ‘સ્ટાન્ડર્ડ મોડેલ’નો ઉદ્ભવ થયો. તેમાં ૧૬ મૂળભૂત કણ બે ભાગમાં વહેંચાયેલા હતાઃ ૧૨ ફર્મિઓન (અમેરિકન ભૌતિકશાસ્ત્રી અન્રિકો ફર્મીના નામ પરથી) અને અને ૪ બોસોન (ભારતીય ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝના નામે).
બોસોન અને ફર્મિઓન વચ્ચે શો તફાવત? તેના સીધાસાદા જવાબ માટે એટલું યાદ કરી લઇએ કે બ્રહ્માંડમાં ચાર પ્રકારનાં બળ ‘આદિ’ ગણવામાં આવે છેઃ ગ્રેવિટેશનલ ફોર્સ (ગુરૂત્વાકર્ષણ બળ), ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ (વિદ્યુતચુંબકીય બળ), સ્ટ્રોંગ ફોર્સ અને વીક ફોર્સ. આ ચારમાંથી ગુરૂત્વાકર્ષણ સિવાયનાં ત્રણે બળ સળંગ ક્ષેત્રની જેમ વર્તે છે, પરંતુ તેમના મૂળભૂત ઘટક તરીકે કણ હોય છે (જેમ રણ આખું સળંગ હોવા છતાં, રેતીના કણોનું બનેલું હોય છે.) આ ત્રણે બળોના મૂળભત ઘટક કણો ‘બોસોન’ કહેવાય છે.
નામ પાડીને વાત કરીએ તો, આઇન્સ્ટાઇને ઓળખી પાડેલા ફોટોન વિદ્યુતચુંબકીય બળના વાહક છે. ગ્લુઓન કણો સ્ટ્રોંગ ફોર્સના વાહક છે, જે પરમાણુની નાભિમાં રહેલી ‘સામગ્રી’ને વેરવિખેર થવા દેતા નથી. ડબલ્યુ અને ઝેડ એમ બે પ્રકારના બોસોન વીક ફોર્સના મૂળભૂત કણ છે. આ વીક ફોર્સને કારણે, આપમેળે વિઘટન પામવાનો રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ શક્ય બને છે.
આમ, ‘ફોર્સ કેરીઅર’ (બળના વાહક એવા) ચાર બોસોન સિવાય બાર ફર્મિઓનની વસ્તી ગણતરી આ પ્રમાણે છેઃ છ જાતના ક્વાર્ક અને છ જાતના લેપ્ટોન. (ગુણધર્મની રીતે ઇલેક્ટ્રોન લેપ્ટોનના ખાનામાં ગણાય છે.) ક્વાર્ક અને લેપ્ટોનનાં અટપટાં નામોમાં ઉતરવાની અહીં જરૂર નથી, પણ કહેવાનું તાત્પર્ય એટલું કે મૂળભૂત ૧૨ કણ અને મૂળભૂત ત્રણ બળ વચ્ચેની ક્રિયાપ્રક્રિયામાંથી બ્રહ્માંડભરના પદાર્થોનું સર્જન થયું છે.
સ્ટાન્ડર્ડ મોડેલના સમર્થક એવા સંશોધકોએ અણુના છેક મૂળ સુધી- ક્વાર્ક અને લેપ્ટોન સુધી- પહોંચીને બ્રહ્માંડ શાનું બનેલું છે તેનો ખુલાસો તો આપ્યો, પણ તેમાં મોટો સવાલ એ ઊભો રહ્યો કે તમામ ૧૬ મૂળભૂત કણોનું દળ ક્યાંથી આવ્યું? સ્ટાન્ડર્ડ મોડેલનાં સમીકરણો પ્રમાણે તમામ મૂળભૂત કણો પેદા થયા ત્યારે તો દળ વગરના હતા અને પ્રકાશની ઝડપે ગતિ કરતા હતા.
દળની ગૂંચ ઉકેલવા માટે પીટર હિગ્સ સહિતના છ વિજ્ઞાનીઓએ એવા એક ક્ષેત્ર (ફિલ્ડ)ની કલ્પના કરી, જેમાં રગદોળાવાને કે ખૂંપવાને કારણે કણોની ઝડપ ઓછી થઇ અને તેમણે ઓછાવત્તા પ્રમાણમાં દળ મેળવ્યું. આ સંશોધન સહિયારું હોવા છતાં, એ ક્ષેત્ર ‘હિગ્સ ફિલ્ડ’ તરીકે ઓળખાયું અને ‘ફોર્સ કેરીઅર’ એવા તેના મૂળભૂત ઘટકો હિગ્સ બોસોન પાર્ટિકલ કહેવાયા.
આમ, હિગ્સ પાર્ટિકલ એ ૧૬ મૂળભૂત કણની યાદીમાં ૧૭મો કણ નથી, પણ એ બાકીના મૂળભૂત કણોને દળ આપનાર હિગ્સ ફિલ્ડનો ઘટક કણ છે. જીનીવાના લાર્જ હેડ્રન કોલાઇડરમાં પ્રોટોનની જોરદાર ટક્કરના પરિણામે હિગ્સ બોસોન જેવા કણનો અણસાર વર્તાયો છે. સંશોધકો પૂરતા અભ્યાસ પછી તેના અસ્તિત્ત્વનું પાકું પ્રમાણપત્ર ફાડી આપે, એ સાથે જ સ્ટાન્ડર્ડ મોડેલ માટે ખૂટતી છેલ્લી પ્રેક્ટિકલ સાબિતી મળી જશે.
એવું થયા પછી પણ ભૌતિકશાસ્ત્રીઓનું કામ ઘટવાનું નથી. બ્રહ્માંડનો દૃશ્ય પદાર્થ માંડ ૪ ટકા છે. બાકીનું ૯૬ ટકા બ્રહ્માંડ અદૃશ્ય એવી ડાર્ક એનર્જીનું બનેલું છે. આ ડાર્ક એનર્જી શાની બનેલી છે એની કશી વાત સ્ટાન્ડર્ડ મોડેલમાં આવતી નથી. સ્ટાન્ડર્ડ મોડેલનાં સમીકરણોમાંથી ગુરૂત્વાકર્ષણ પણ બાકાત છે. અરે, હિગ્સ ફિલ્ડને લગતા ખુલાસા પણ હજી મેળવવાના રહેશે. હિગ્સ ફિલ્ડ એક જ છે કે જુદાં જુદાં? બધા મૂળભૂત કણોએ એક જ હિગ્સ ફિલ્ડમાંથી જુદું જુદું દળ મેળવ્યું છે કે એક જ ફિલ્ડમાંથી? અત્યારને જેમને મૂળભૂત કણો ધારી લેવાયા છે તેમાંથી કોઇનું લાર્જ હેડ્રન કોલાઇડર જેવા શક્તિશાળી પાર્ટિકલ એક્સલરેટરની મદદથી વિભાજન શક્ય બનશે?
હિગ્સ બોસોનનો અણસાર મળ્યા પછી શ્રદ્ધાળુઓ ભલે ‘ગૉડ પાર્ટિકલ’ને લગતી અટકળોના પતંગ ઉડાડતા રહે, સંશોધકો માટે હવે નવેસરથી કમર કસીને કામે ચડવાનો સમય છે.
Labels:
Higgs Boson,
science/વિજ્ઞાન
Friday, July 13, 2012
દારાસિંઘને અંજલિઃ ‘હનુમાન’ બન્યા પછી તેમને કેવી મુશ્કેલી પડતી હતી?
બધાં
વેજીટેબલ ઘી જેમ ‘ડાલડા’ કહેવાતાં ને ‘પોલ્સન’ બટરનો પર્યાય હતા, એ જમાનામાં
પહેલવાન એટલે બસ એક જ. દારાસિંઘ.
![]() |
| DaraSingh (courtesy: santabanta.com) |
![]() |
| રંધાવા (ડાબે) અને દારાસિંઘ/ Randhawa and DaraSingh |
બીજા બધા હોય. એમ તો દારાસિંઘનો ભાઇ રંધાવા પણ
ખરો. છતાં દારાસિંઘ એટલે દારાસિંઘ. દારાસિંઘની કુસ્તી કે તેમની ફિલ્મો- બન્નેમાંથી
કશું એ વખતે જોવા મળ્યું ન હતું. દારાસિંઘનું અને રંધાવાનું નામ પણ પહેલી વાર
પ્રાથમિક શાળામાં ભણતી વખતે, પંજાબી મૂળિયાં ધરાવતા એક સહાધ્યાયી પાસેથી સાંભળ્યું
હતું. ‘રંધાવા’ જેવું નામ સાંભળીને રમૂજ પણ અનુભવી હતી. એ અરસામાં કોઇક રીતે
દારાસિંઘ અને કિંગકોંગ ટાઇપના મુકાબલા વિશે પણ જાણવા-સાંભળવા મળતું હતું. તેમાં
અપાતી લોહિયાળ ચુનૌતી અને ફેંકાતા વિકરાળ પડકાર ડબલ્યુડબલ્યુએફના પૂર્વરંગ જેવા
લાગતા હતા. દારાસિંઘના પરદેશી હરીફોનાં શરીર જેવાં જ વજનદાર તેમનાં નામ રહેતાં.
![]() |
| DaraSingh Wrestling Bout Ad-1 |
![]() |
| DaraSingh-Randhawa Wrestling Bout Ad-2 |
કદાચ એકાદ મુકાબલો
જોવાનો મળ્યો હોત તો તેની ગંભીરતા સમજાત. (આ વિશે પ્રિય કાર્ટૂનિસ્ટ અને મિત્ર
હેમંત મોરપરિયાએ કાર્ટૂન તથા નાનો લેખ કર્યાં છે. તેની લિન્ક)
મોટા થયા પછી દારાસિંઘ અને મુમતાઝની ટારઝન
અને જેન જેવી જોડી ક્યારેક જોવા મળી. (ટારઝન-જેન યાદ આવતાં જ આડવાત તરીકે એક મસ્ત
કાર્ટૂન યાદ આવે છે, જેમાં ટારઝન ‘જેન્સ ડીફેન્સ વીકલી’ વાંચી રહ્યો હતોઃ-))
![]() |
| DaraSingh- Mumtaz |
દારાસિંઘને અંજલિમાં વ્યાપક રીતે એવું લખાયું કે તે હિંદી સિનેમાના ‘ઓરિજિનલ
હીમેન’ હતા. આ વાત ઐતિહાસિક દૃષ્ટિએ સાચી નથી. કાયદેસરના પહેલવાન તરીકે ફિલ્મોમાં
આવનારા દારાસિંઘ પહેલા હશે, પણ હિંદી ફિલ્મોના પહેલા ‘હીમેન’ તરીકે સુગઠિત કદકાઠી
ધરાવતા પ્રેમનાથનું નામ લેવું પડે. (પ્રેમનાથના એ ‘ગુણ’ પર મધુબાલાથી માંડીને એ
સમયની અનેક સુંદરીઓ મોહિત થઇ હતી) અને પ્રેમનાથથી પણ પહેલાં પૃથ્વીરાજ કપૂર હતા. તેમને કેમ 'હીમેન' ગણવા એ જાણવા માટે નીચેની તસવીરમાં દેખાતા પૃથ્વીરાજના બાવડા પર એક નજર નાખવી પૂરતી થઇ પડશે.
![]() |
| Prithviraj Kapoor |
| Premnath |
![]() |
| ધર્મેન્દ્ર - પૃથ્વીરાજ કપુર/Two HeMen: young Dharmendra with Prithviraj Kapoor |
સમજણમાં દારા સિંઘનો હનુમાન અવતાર અને
સાંસદ અવતાર જોવા મળ્યાં. એ સિવાય ‘મિલ્કફુડ દેસી ઘી’ની
જાહેરાતમાં પણ દારાસિંઘ ટીવી પર 'ભઇ વાહ' બોલતા જોવા મળતા હતા.
‘રામાયણ’ જેવી વિલંબિત ગતિએ ચાલેલી મહાલોકપ્રિય
સિરીયલમાં દારાસિંઘનું હનુમાન તરીકેનું કાસ્ટિંગ કેવું આબાદ હતું, તેનો દારાસિંઘના
જ એક યાદ રહી ગયેલા અવતરણ પરથી આવશે.
સિરીયલ પૂરી થયા પછી હનુમાન તરીકેની પ્રચંડ
લોકપ્રિયતાના અરસામાં દારાસિંઘે એક ઇન્ટરવ્યુમાં તેમના વ્યક્તિત્વની ખાસિયત જેવી
માસૂમિયત સાથે કહ્યું હતું કે ‘હનુમાનનો રોલ કર્યા પછી હું ભારે મુસીબતમાં આવી
પડ્યો છું. એક કુસ્તીબાજ તરીકે હું બે હાથ જોડીને આંખ મીંચીને હનુમાનનું સ્મરણ
કરવા ટેવાયેલો છું, પણ હવે (રામાયણમાં હનુમાનનો રોલ કર્યા પછી) હું જ્યારે આંખ
મીંચીને હનુમાનનું સ્મરણ કરું છું, ત્યારે મને મારો જ ચહેરો દેખાય છે.’
![]() |
| જય હનુમાન? |
દારાસિંઘને વિદાયસલામ.
Labels:
ad,
film/ફિલ્મ,
religion,
sports
Wednesday, July 11, 2012
ગ્રાહક રામાયણ ઉર્ફે કસ્ટેમર ‘કેર'
ગાંધીજીએ ભલે કહ્યું હોય કે ગ્રાહક દેવતા સમાન છે,
પણ દુકાનદારોને અમુક પ્રકારના ગ્રાહકો
સળગતા દેવતા સમાન લાગતા હોય છે. દુકાનદારો અને ગ્રાહકો વચ્ચેના સંબંધને
ઉંદર-બિલાડીના સંબંધ સાથે સરખાવી શકાય. ફરક એટલો કે તેમાં બન્ને પોતાને બિલાડી
અને સામેવાળાને ઉંદર ગણે છે. દુકાનદાર માને છે કે હું ઢગલાબંધ રૂપિયા ખર્ચીને
દુકાન ખોલીને બેઠો છું, એટલે
મારો હાથ ઉપર રહેવો જોઇએ. ગ્રાહક માને છે કે બીજી દુકાનો છોડીને હું આ દુકાને
રૂપિયા ખર્ચવા આવ્યો છું, એટલે
મારું મહત્ત્વ વધારે છે. અલબત્ત, મનમાં
થતી ઘણી લાગણીઓની જેમ આ લાગણી જાહેરમાં વ્યક્ત કરી શકાતી નથી અને તેનાથી પીછો પણ
છોડાવી શકાતો નથી. એટલે, સભ્ય
સમાજમાં સ્વીકાર્ય બને એ રીતે પોતાનું પલ્લું ઊંચું રાખવા માટે ગ્રાહક જાતજાતના
પેંતરા કરે છે.
પહેલાં
અહીં એક કાકા બેસતા હતા
પોતાની જાતને
વફાદાર અને જૂના ગ્રાહક તરીકે સ્થાપિત કરવાથી ખરીદીમાં ફાયદો થતો હોવાનું કેટલાક
ગ્રાહકો માને છે, પણ વફાદારી
બતાવવી શી રીતે? ‘જુઓ, ૧૯૮૬થી અત્યાર સુધી મેં તમારી દુકાને કરેલી
ખરીદીનાં બિલ'- એવી રજૂઆત ભાગ્યે
જ કોઇ ગ્રાહક કરી શકે. વધારે મહત્ત્વનો મુદ્દોઃ ગ્રાહક ખરેખર જૂનો હોય અને ફાયદો
મેળવે તેમાં શી નવાઇ? પહેલી વાર દુકાનનું પગથિયું ચડનાર ગ્રાહક
પોતાની વફાદારી સાબીત કરી આપે, એમાં
સાચી કળા છે. આવા કળાકારો વિવિધ સંવાદો અવકાશમાં તરતા મુકે છે- એ આશાએ કે તેનાથી
દુકાન અને દુકાનદાર સાથે લાગણીનો સંબંધ સ્થાપિત કરીને, ‘મારી પાસેથી તમે ઓછા રૂપિયા જ લેશો’ એવું નૈતિક દબાણ
દુકાનદાર પર ઊભું કરી શકાય.
કાઉન્ટર
પર ઊભેલા યુવાન માલિકને જોઇને ગ્રાહક કહી શકે છે,‘પહેલાં હું આવતો હતો ત્યારે અહીં એક કાકા બેસતા હતા.'
લગભગ દરેક દુકાને પહેલાં કોઇ કાકા બેસી
ચૂક્યા હોય છે. શક્ય છે કે યુવાનને પોતાના સદ્ગત પિતાજી યાદ આવી જાય અને તેમને
આટલા પ્રેમથી સંભારનાર પ્રત્યે તેના મનમાં કૂણી લાગણી જન્મે. થડા પર યુવાનને
બદલે ખુદ કાકા જ બેઠેલા હોય ત્યારે શું કરવું? તેમની સમક્ષ ચતુર ગ્રાહક પેંતરો બદલે છે,‘હું ચડ્ડી પહેરતો હતો ત્યારનો અહીં આવું છું.
એ વખતે તમે મૂછો રાખતા હતા અને તમારા વાળ પણ કાળા ભમ્મર હતા.' એ સાંભળીને કાકાને પોતાની જુવાની યાદ કરાવનાર
પ્રત્યે ભાવ જાગે અને વસ્તુના ભાવમાં ફરક પડે એવી શક્યતા રહે છે.
છેક પાંજરાપોળથી આવું છું
કેટલાક
ગ્રાહકો દુકાનદારની લાગણીને બદલે તેની સહાનુભૂતિ જીતવાનો પ્રયત્ન કરે છે. દુકાનની
અંદર પહોંચ્યા પછી બે મિનીટ સુધી એ હાંફે છે. કાઉન્ટર પરનો માણસ આંખના ઇશારાથી ‘શું જોઇએ?' પૂછે, એટલે
આ જાતના ગ્રાહક હાથના ઇશારાથી ઠપકાભરી નજરે સંકેત કરે છે,‘બે મિનીટ શ્વાસ તો ખાવા દો, ભલા માણસ.' કોઇ દુકાનદાર દ્રવી જાય તો માણસ પાસે પાણી મંગાવીને તેમને પાય છે. સ્વસ્થ
થયા પછી ગ્રાહક ચીજવસ્તુ પસંદ કરે છે. છેલ્લે બિલ ચૂકવવાનું થાય, ત્યારે એ દુકાનદાર સામે અપેક્ષાભરી નજરે
જોઇને કહે છે,‘હું છેક મણિનગરથી
આવું છું. અમારે ત્યાં બે-ચાર દુકાનો છે, પણ મને ખબર છે કે અહીંના જેવું ક્યાંય નહીં મળે. એટલે આટલા તડકામાં,
સાયકલ લઇને તૂટતો તૂટતો સ્પેશ્યલ આવ્યો
છું. પાછો તૂટતો તૂટતો જવાનો છું. ભાવમાં તમે સમજજો પાછા.' સજ્જન દુકાનદાર એમને કહી શકતો નથી કે તમે મણિનગરને
બદલે માણેકચોકમાં ઘર લઇ લો, જેથી
મારે ભાવમાં સમજવું ન પડે.
હસમુખ હોલસેલને ઓળખો? અમારે એમની જોડે ઘર જેવું
કેટલાક ગ્રાહકો દુકાનદારોને લાગણીથી નહીં, પણ પોતાની પહોંચથી પ્રભાવિત કરી જુએ છે. માલ જોતાં જોતાં એ દુકાનદારને
પૂછે છે,‘પેલા હસમુખ હોલસેલને ઓળખો? એ અમારા વેવાઇના માસીનો છોકરો થાય. તમારી દુકાનનું ઠેકાણું એણે જ
દેખાડયું. કહે, ‘આપણું નામ દેજો તમતમારે, એટલે વાજબી ગણીને જ લેશે.'
અથવા ‘મનુ મૂળજીને ઓળખો? એને અમારે ઘર જેવું, પણ તકલીફ શું છે કે એ પૈસા લેતા નથી. આપણાથી દર વખતે મફત થોડું લેવાય, હેં?'
મોબાઇલના જમાનામાં ઓળખાણનો પ્રભાવ પાથરવાનું
વધારે સહેલું બન્યું છે. દુકાનમાં માલ જોતી વખતે મોબાઇલ રણકે એટલે ગ્રાહક મ્યાનમાંથી
તલવારની જેમ કવરમાંથી મોબાઇલ કાઢે છે,‘હેલ્લો, રાઠોડસાહેબ. બોલો, બોલો.' પછી ઇન્સ્ટ્રુમેન્ટથી
મોં થોડું દૂર લઇ જઇને, દુકાનદાર ભણી જોઇને કહે છે,‘સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર રાઠોડસાહેબ...આપણે ઘર જેવો સંબંધ... કંઇ
કામકાજ હોય તો કહેજો...પતાવી દેશે...' અને દુકાનદાર ખરેખર
કામ ચીંધે ત્યારે? ‘સરકારી નોકરીઓમાં બદલીનું કેવું હોય છે, તમને ક્યાં નથી ખબર? આજે અહીં તો કાલે ક્યાંના ક્યાં. રાઠોડસાહેબ
ગયા અઠવાડિયે જ ભાવનગર ગયા. ત્યાંનું કંઇ હોય તો બેધડક કહેજો.'
નાસિકમાં તો એક સાથે ૧૯ દુકાનોની લાઇન છે
કેટલાક ગ્રાહકો અઠંગ પ્રવાસી હોય છે. ખરીદી
વખતે એ લોકો પ્રવાસમાંથી સંચિત કરેલા જ્ઞાનનો છૂટથી ઉપયોગ કરે છે. એવા ગ્રાહકો
દુકાને મીઠું લેવા જાય તો કહેશે,‘હું એક વાર રતનપુર ગયો હતો. ત્યાં એક સાથે
મીઠાની ૨૭ ઘંટીઓ અને મીઠું મણના ભાવે જ મળે. ઊપાડો તમતમારે.' અથવા કોપરાનું છીણ લેવા જનાર કહેશે,‘ગઇ સાલ કેરળના અટ્ટમપટ્ટમમાં જોયું હોય તો! એક સાથ કોપરાની આઇટેમોની ૧૩
દુકાનો અને તમારી સામે જ તાજા કોપરામાંથી તમે કહો એ બનાવી આપે.' દુકાનદાર માટે આ જાતના સંદેશા પાછળની ગર્ભિત ચીમકી : તમે જેના આટલા બધા
રૂપિયા માગો છો, એ ચીજ ગધેડે ગવાતી મેં જોઇ છે. મને કાચોપોચો ન
સમજશો અને ભાવ વાજબી કરજો.'
આ જાતના
ગ્રાહકોમાં નાસિક-રતનપુરને બદલે સ્થાનિક ગંજબજાર અને મેઇન માર્કેટના ભાવની દુહાઇ
આપનારા ‘જુનિયર' કેટગરીના લોકો પણ હોય છે. કોઇ પણ ચીજનો ભાવ
સાંભળીને એ લગભગ ચિત્કારી ઊઠે છે,‘એક
કિલોના રૂ. 55? આટલા બધા હોતા
હશે? માણેકચોકમાં તો 35 રૂપિયે
કિલો મળે છે. મારા સાળાની ત્યાં જ દુકાન છે. એને ફોન કરું તો ત્યાંથી લઇને,
ઘેર આવીને આપી જાય.'
પાકું બિલ બનાવીને નીચે સહી કરજો
કેટલાક
ગ્રાહકો હરતાફરતા ‘ગ્રાહક
સુરક્ષા મંડળ' જેવા હોય છે.
નાનામાં નાની વાત પર દુકાનદારનો (શાબ્દિક રીતે) કાંઠલો પકડીને કાનૂની કાર્યવાહીની
ધમકી આપ્યા સિવાય તેમને ચેન પડતું નથી. દુકાનદાર ‘આવો સાહેબ' કહે, તો એ મનમાં વિચારે
છે,‘આ જેટલી વાર સાહેબ કહેશે
એટલો વસ્તુની કિંમત પર ‘સાહેબ-ચાર્જ'
(એટલે કે ‘સર'ચાર્જ)
લગાડશે. હું એવી રીતે નહીં છેતરાઉં.' માથાભારે દુકાનદારો સાથે આવા ગ્રાહકોની ટક્કર ભારત-પાકિસ્તાનની ક્રિકેટ
મેચ જેવી રસાકસીભરી બને છે, પણ
દુકાનદાર ઢીલોપોચો હોય ત્યારે મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઝિમ્બાબ્વેની હોય એવું
લાગે છે.
દુકાનદાર વસ્તુનું
પેકેટ આપે એટલે જાગ્રત ગ્રાહક વજનથી માંડીને કિંમત સુધીની બધી બાબતે જીભાજોડી કરે
છે, કકળાટ મચાવે છે, બીજા બે-ચાર ગ્રાહકોનો બહારથી ટેકો મેળવવાનો
પ્રયાસ કરે છે અને દુકાન છોડતાં સુધીમાં વાતાવરણ એટલું ગરમ કરી મૂકે છે કે તેના
ગયા પછી દુકાનદારને અડધી સ્પેશ્યલ ચા મંગાવવી પડે. દુકાનદાર માથાભારે હોય અને
કોઇ રીતે દબાણમાં ન આવે ત્યારે છેલ્લા ઉપાય તરીકે ગ્રાહક કડકાઇથી કહે છે,‘પાકું બિલ બનાવીને નીચે સહી કરજો.' (જેથી મને આગળ કાનૂની કાર્યવાહી કરવામાં સરળતા
પડે.) ‘પાકું બિલ' અને ‘સહી' જેવા શબ્દો
સાંભળીને દુકાનદાર પીગળે તો ઠીક છે, નહીંતર દુકાનની બહાર જઇને બિલ ફાડી નાખતાં ક્યાં વાર લાગે છે?
આવા ધંધા કરો છો?
ગ્રાહક
અધિકારો પ્રત્યે જાગૃતિ હોવી સારી વાત છે, પણ કેટલાક લોકો ગ્રાહકસુરક્ષાના બહાને પોતાનો વીરરસ
સંતોષે છે. એ લોકો દુકાનમાં કંઇક લેવા
માટે નહીં, પણ કંઇક - ગાળો,
ઉપદેશ, શ્રાપ, ધમકી
ઇત્યાદિ- આપવા માટે જાય છે. દુકાનમાં પેઠા પછી તેમને એક મુદ્દો મળવો જોઇએ,
બસ. - અને એ પણ ન મળે, તો ઊભો કરી લેતાં તેમને આવડે છે. પંદર મિનીટ
સુધી લમણાંઝીક કર્યા પછી દુકાનદારનું મોં સહેજ બગડે, એટલે આ મહાશયો તાડુકે છે,‘એમાં ડાચું શાનું બગાડો છો? તમારી પાસે કંઇ ભીખ લેવા નથી આવ્યા. એવું હોય તો
દિવેલનો ધંધો કરો મિસ્ટર. તમારા જેવા લોકો માટે તો, દુકાન પર કેવી રીતે વર્તવું તેના કોચિંગ ક્લાસ ચલાવવા
જોઇએ. કોણ જાણે, ક્યાંથી ધંધો
કરવા નીકળી પડયા છે. આવું ને આવું કરશો તો કોઇ તમારી દુકાનનું પગથિયું નહીં ચડે,
સમજ્યા?'
ચકિત અથવા
ઉત્તેજિત દુકાનદાર પ્રતિવાદ કરવા જાય, એટલે વાણીશુરા ગ્રાહકને બમણું જોર ચડે છે, ‘હાથ હવામાં શાના ઊલાળો છો? અને બાંયો ચડાવીને બીજાને બીવડાવજો. ભરબજારે દુકાન
લઇને બેઠા છો ને મવાલીગીરી કરતાં શરમ નથી આવતી? હાથમાં બહુ ખંજવાળ આવતી હોય તો કરિયાણું છોડીને સોપારી
લેવાનો ધંધો ચાલુ કરો.'
આવા ગ્રાહક દુકાનની બહાર નીકળે ત્યારે તેમના પર પરમ સંતોષ અને આંતરિક તૃપ્તિના ભાવ જોવા મળે છે, જે મેળવવા માટે ઘણાને હિમાલય જવું પડે છે.
Labels:
Gujarat/ગુજરાત,
humor-satire/હાસ્ય-વ્યંગ
Tuesday, July 10, 2012
‘ગૉડ પાર્ટિકલ’ : હલ્લાગુલ્લા અને હકીકત
જુલાઇ ૪,૨૦૧૨. યુરોપીઅન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લીઅર રીસર્ચ (યુરોપીઅન ટૂંકાક્ષરીઃ ‘સર્ન’) દ્વારા હિગ્સ બોસોન/ Higgs Boson જેવા પાર્ટિકલનો અણસાર મળ્યાની જાહેરાત થઇ. એ સાથે જ ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો. હિગ્સ બોસોનની કલ્પના સાથે સંકળાયેલા ૮૩ વર્ષના બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સ સહિત દુનિયાભરના ભૌતિકશાસ્ત્રીઓ રોમાંચિત બન્યા.
![]() |
| હિગ્સ બોસોનની જાહેરાત પછી પીટર હિગ્સ/Peter Higgs (right) |
બ્રહ્માંડના સર્જન માટે કારણભૂત એવા બિગ બેન્ગ પછી તરતની ઘડીઓમાં હિગ્સ-બોસોનનું મહત્ત્વ જોતાં, આમજનતામાં પ્રચારપ્રસાર માટે તેને નામ અપાયું :‘ગૉડ પાર્ટિકલ’. આ નામથી લોકોને તેનું મહત્ત્વ સમજાવવાની જરૂર ન રહે એ ખરું, પણ એ નામ ધરાર ગેરરસ્તે દોરનારું હતું. તેના પાપે શુદ્ધ વિજ્ઞાનની ભગવાન સાથે ભૂલભરેલી ભેળસેળ થતી હતી. તેથી ઘણાખરા વિજ્ઞાનીઓ હિગ્સ બોસોનને ‘ગૉડ પાર્ટિકલ’ તરીકે ઓળખવા રાજી નથી.
હિગ્સ-બોસોનના અસ્તિત્ત્વ અંગેની જાહેરાત પછી પણ ‘ગૉડ પાર્ટિકલ’ અને ‘ગૉડ’ વચ્ચેનો ગોટાળો ચાલુ રહ્યો છે. ઘણાં લખાણોમાં ‘ગૉડ પાર્ટિકલ’ને ઇશ્વરીય કે દૈવી તત્ત્વ ગણાવીને, તેના અસ્તિત્ત્વથી ‘માણસે ભગવાન સાથે સંકળાયેલું દૈવી તત્ત્વ શોધી કાઢ્યું’ અથવા ‘માણસ ભગવાનની શોધમાં સાવ નજીક પહોંચી ગયો’- એવાં ભૂલભરેલાં અર્થઘટન થયાં. એ સિવાય બીજી ઘણી ગૂંચો સર્જાઇ છે. તેના તાણાવાણા છૂટા પાડીને, હિગ્સ બોસોનનો આખો મામલો, બને એટલા સરળ શબ્દોમાં સમજવાની કોશિશ કરીએ.
હિગ્સ-બોસોનનો મહિમા
ભૌતિકશાસ્ત્રીઓના અનુમાન પ્રમાણે, ૧૩.૭ અબજ વર્ષ પહેલાં એક બિગ બેન્ગ એટલે કે મહાવિસ્ફોટ થયો. તેમાંથી દળ (માસ) વગરના કણો અને રેડિએશન (વિકિરણ) સ્વરૂપે એનર્જી (ઊર્જા) પેદા થયાં.
પણ એક મિનીટ. જે દળ વગરના હોય તેમને કણ કેવી રીતે કહેવાય? તેનો જવાબ છેઃ ‘કણ’ વિશેની સામાન્ય સમજણ કરતાં ભૌતિકશાસ્ત્રનો ખ્યાલ સાવ અલગ છે. કણની વર્તણૂંક અને બ્રહ્માંડમાં તેમની ભૂમિકા સમજાવતાં સમીકરણોમાં કણોને દળવિહીન- માસલેસ ગણવામાં આવ્યા છે.
કણો દળ ધરાવે છે એવું ધારવામાં આવે તેની સાથે જ, બ્રહ્માંડની રચના સમજાવતાં - અને અત્યાર લગી સાચાં નીવડેલાં- સમીકરણ ખોટાં પુરવાર થાય. માટે, એવો રસ્તો કાઢવો પડે કે જેથી સાપ ન મરે અને લાઠી ન તૂટે. કણોની મૂળભૂત પ્રકૃતિ દળવિહીન રહે, છતાં વાસ્તવિક દુનિયામાં જોવા મળતા કણના દળનો ખુલાસો આપી શકાય.
આ હેતુ માટે ‘હિગ્સ ફિલ્ડ’ની કલ્પના કરવામાં આવીઃ બિગ બેન્ગ પછી પેદા થયેલા દળ વગરના કણ અદૃશ્ય રગડા જેવા ‘હિગ્સ ફિલ્ડ’માં આવ્યા. તેમને ઓછાવત્તા પ્રમાણમાં ‘રગડો’ ચોંટ્યો, એટલે તે દળ ધરાવતા થયા અને તેમની ઝડપમાં ઘટાડો થયો. ક્વાર્ક અને ઇલેક્ટ્રોન જેવા બધા કણોને રગડો એકસરખો ચોંટ્યો નહીં. એટલે તેમનું દળ જુદું જુદું હોય છે. પ્રકાશના મૂળભૂત ઘટક એવા ફોટોન કણો દળવિહીન હોય છે. તેનો અર્થ એ થયો કે હિગ્સ ફિલ્ડમાંથી તે પાણીમાં માછલું તરી નીકળે એમ પસાર થઇ ગયા. હિગ્સ ફિલ્ડનો રગડો તેમને ચોંટ્યો નહીં. એટલે તેમની પ્રકાશઝડપ જળવાઇ રહી.
કણોના દળની સમસ્યાનો નીવેડો તો જાણે હિગ્સ ફિલ્ડની કલ્પનાથી આવી ગયો, પણ હિગ્સ ફિલ્ડ પોતે શાનું બનેલું હોય? બ્રહ્માંડનાં ચાર મૂળભૂત પરિબળોમાંથી ગુરૂત્વાકર્ષણને બાદ કરતાં બાકીનાં ત્રણ- ઇલેક્ટ્રો મેગ્નેટિઝમ/ વિદ્યુત ચુંબકત્વ, વીક ફોર્સ અને સ્ટ્રોંગ ફોર્સ વર્તે છે આખા ક્ષેત્ર/ફિલ્ડની જેમ, પણ તે મૂળભૂત રીતે કણોના બનેલા હોય છે.
બરફગોળો બરફની અસંખ્ય કરચોનો બનેલો હોય છે. છતાં, તેનું અસ્તિત્ત્વ અને તેની અસર આખા બરફગોળા તરીકે નથી હોતાં? એવી જ રીતે, બધા કણોને દળ આપનાર હિગ્સ ફિલ્ડની અસર ભલે આખા રગડા તરીકે થતી હોય, પણ એ રગડો અનેક મૂળભૂત કણોનો બનેલો હોવો જોઇએ.
પરમાણુથી નાના- સબએટમિક- કણો તેમના ગુણધર્મોના આધારે ફર્મિઓન અને બોસોન એમ બે ભાગમાં વહેંચાયેલા છે. તેમાંથી હિગ્સ ફિલ્ડના કણ ‘બોસોન’ પ્રકારના હોવાથી, તે હિગ્સ બોસોન તરીકે ઓળખાયા. આગળ જણાવ્યું તેમ, ભૌતિકશાસ્ત્રના સ્ટાન્ડર્ડ મોડેલ પ્રમાણે, હિગ્સ ફિલ્ડ દળ વગરના કણોને દળ બક્ષે છે. એ હિસાબે હિગ્સ ફિલ્ડના ઘટકકણ એવા હિગ્સ બોસોન પોતે બાકીના બધા જાણીતા કણો કરતાં ઘણા વધારે દમદાર- દળદાર હોવા જોઇએ.એવું ભૌતિકશાસ્ત્રીઓનું ગણતરીપૂર્વકનું અનુમાન હતું.
કલ્પનાને સાચી પાડતો પ્રયોગ
અત્યાર લગી ઓઝલ રહેલા હિગ્સ બોસોનની ભાળ શી રીતે મેળવવી? એ માટે બિગ બેન્ગ જેવા સંજોગો સર્જવા પડે. આ હેતુથી જીનીવા (સ્વિત્ઝર્લેન્ડ)માં લાર્જ હેડ્રન કોલાઇડર ઊભું કરવામાં આવ્યું. તેની ૨૭ કિલોમીટર લાંબી ટનલમાં પ્રકાશની ગતિથી થોડીક જ ઓછી ગતિ ધરાવતા પ્રોટોન વચ્ચે અનેક ટક્કરો થઇ. બિગ બેન્ગ નહીં, સ્મોલ બેન્ગ હી સહી.
ટક્કરો નાના પાયે થવા છતાં, પરિસ્થિતિ અને પરિબળો બિગ બેન્ગ સાથે સામ્ય ધરાવતાં હોવાથી, આ ટક્કરમાંથી પણ ઉર્જા અને કણો છૂટાં પડવાં જોઇએ. ભૌતિકશાસ્ત્રીઓના અનુમાન પ્રમાણે, હિગ્સ ફિલ્ડ રચાવું જોઇએ અને તેમાંથી દળ મેળવીને ક્વાર્ક અને ઇલેક્ટ્રોન જેવા જાણીતા કણો ઉપરાંત બનવા જોઇએ.
હિગ્સ ફિલ્ડ એટલે હિગ્સ બોસોન કણોનો સમુહ, પણ તેમની મુશ્કેલી એ છે કે તેમનું અસ્તિત્ત્વ કલ્પી પણ ન શકાય એટલા ઓછા સમય માટે હોય છે. એ ગણતરીમાં ‘પલ-દો પલ’ તો યુગ જેવડાં લાગે. ભૌતિકશાસ્ત્રીઓના મતે, હિગ્સ બોસોન પેદા થાય તો પણ તે માંડ એક ઝેપ્ટોસેકન્ડ ટકે.
હવે આ ઝેપ્ટો સેકન્ડ એટલે શું? જવાબ છેઃ (મન મજબૂત કરીને વાંચજો) એક સેકન્ડના એક અબજમા ભાગનો એક અબજમો ભાગ અને તેનો પણ એક હજારમો ભાગ. આટલા સમય માટે પેદા થતા હિગ્સ બોસોનને ઝડપવો એટલે વીજળીના ઝબકારે મોતી પરોવવા કરતાં ઘણું વધારે કપરું કામ. વળી, હિગ્સ બોસોન કહેવાય ભલે પાર્ટિકલ, પણ તેનું અસ્તિત્ત્વ કંઇ નરી આંખે જોવાનું ન હોય. તેનું અસ્તિત્ત્વ ફક્ત વઘુ પડતા દળથી ઓળખવાનું હોય.
લાર્જ હેડ્રન કોલાઇડરમાં ટક્કર થાય ત્યારે સેકંડની લાખો તસવીરો લેવાતી હોય. દર સેકન્ડે ૩૦ લાખ ડીવીડી ભરાય એટલો ડેટા પેદા થતો હોય, જેનું ૩૪ દેશોનાં ૧૦ હજાર કમ્પ્યુટર પર પૃથક્કરણ થાય. ૧૦ હજાર ભૌતિકશાસ્ત્રીઓ એ પરિણામોનો અભ્યાસ કરે. આ રીતે થતી પરિણામોની ચકાસણીમાં બે જુદી જુદી સંશોધક ટુકડીઓને અલગ અલગ રીતે, ૧૨૫ અબજ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું જંગી દળ ધરાવતા, પરમાણુથી પણ નાના કણની એંધાણી મળી.
બ્રહ્માંડના બધા મૂળભૂત કણો વિશે ભૌતિકશાસ્ત્રીઓ જાણતા હતા, પણ તેમાંથી એકેયનું દળ આટલું ન હતું. બીજી તરફ, હિગ્સ સહિતના ઘણા ભૌતિકશાસ્ત્રીઓએ જે હિગ્સ ફિલ્ડની કલ્પના કરી હતી, તેના ઘટકો આટલા દળદાર હતા. લાર્જ હેડ્રન કોલાઇડરમાંથી મળેલાં પરિણામનો એ કલ્પના સાથે મેળ ખાધો. એટલે પૂરતી ચકાસણી કર્યા પછી, સલામતીપૂર્વક એવી જાહેરાત કરવામાં આવી કે પ્રોટોનની ટક્કરમાં તેમને પ્રચંડ દળ ધરાવતો નવો કણ લાઘ્યો છે, જે હિગ્સ બોસોન જેવો હોવાની સંભાવના છે.
આટલા વર્ણન પરથી એ સ્પષ્ટ છે કે હિગ્સ બોસોનની આખી વાતમાં કશું દૈવી કે ઇશ્વરીય નથી. બઘું સદંતર ભૌતિક અને વૈજ્ઞાનિક છે.
હવે શું ?
ભૌતિકશાસ્ત્રનું વર્ષ ૨૦૦૪ માટેનું નોબેલ પારિતોષિક મેળવનાર ડેવિડ ગ્રોસે કહ્યું છે તેમ, ‘અત્યારે હાથ લાગેલો જણાતો કણ હિગ્સ બોસોન નહીં, પણ હિગ્સ કણ છે- ઇટ્સ નોટ ધ હિગ્સ બોસોન બટ એ હિગ્સ.’ આ કણ બોસોનની વ્યાખ્યા પ્રમાણેનાં લક્ષણો ધરાવે છે કે કેમ તેની પૂરી ચકાસણી હજુ થશે.
હિગ્સ બોસોનના અસ્તિત્ત્વની પાકી ખાતરી થઇ જાય, તો સૃષ્ટિના મૂળભૂત ઘટકકણો/ બિલ્ડિંગ બ્લોક્સ વિશેની યાદી સંપૂર્ણ બને છે અથવા એમ કહી શકાય કે, અત્યાર સુધીની જેટલા ઘટકોની કલ્પના કરવામાં આવી હતી એ સૌનું અસ્તિત્ત્વ પુરવાર થાય છે. પરંતુ લાર્જ હેડ્રન કોલાઇડરમાં થતી ટક્કરોમાંથી બીજા, અજાણ્યા કણો મળી આવવાની શક્યતા પણ ઊભી રહે છે. એ સિવાય ઘણા સવાલ પણ ઊભા થાય. જેમ કે, ૧૨૫ અબજ ઇલેક્ટ્રોન વોલ્ટનું દળ ધરાવતો અને અત્યારે ‘હિગ્સ બોસોન’ માની લેવાયેલો કણ તે હિગ્સ બોસોનનો એકમાત્ર પ્રકાર છે કે તેના બીજા વઘુ-ઓછું દળ ધરાવતા પ્રકારો પણ છે? એકથી વધારે પ્રકારના હિગ્સ બોસોન હોય તો તેમના વિઘટનનાં પરિણામ જુદાં જુદાં આવે છે? એવી જિજ્ઞાસા શમાવવા માટે, વઘુ પ્રયોગો અને પરિણામોનાં વઘુ પૃથક્કરણોની રાહ જોવી પડશે. હિગ્સ બોસોન તરીકે મનાયેલા કણનું અસ્તિત્ત્વ સાબીત થયા પછી, તેનાં લક્ષણો અને ગુણધર્મોની ચકાસણીનું તથા તે બીજા કણો સાથે કેવી રીતે વર્તે છે, તે જાણવાનું કામ વર્ષો સુધી ચાલશે.
ભૌતિકશાસ્ત્રની ઘણી શોધોની જેમ હિગ્સ બોસોનના અસ્તિત્ત્વનું પ્રમાણ અત્યારે સામાન્ય માણસને કશા કામમાં આવે એવું જણાતું નથી. પરંતુ બ્રહ્માંડની ઉત્પત્તિ અને તેનો વિસ્તાર જાણવાની અદમ્ય જિજ્ઞાસા મનુષ્યને બીજાં પ્રાણીઓથી જુદો પાડતું મહત્ત્વનું લક્ષણ છે. એ સફરમાં જ્ઞાનની સાથે આડપેદાશ તરીકે ભૌતિક સુખસગવડની ચીજો નીપજી આવતી હોય છે. એક સદી પહેલાં,ઇ.સ. ૧૮૯૭માં ઇલેક્ટ્રોનનું અસ્તિત્ત્વ પુરવાર થયું ત્યારે લોકોને ભાગ્યે જ અંદાજ હશે કે તે વીજળી જેવી માનવજીવનમાં મહત્ત્વનો ફેરફાર આણનારી શોધ માટે કારણભૂત બનશે. એવી જ રીતે, હિગ્સ બોસોનની ભાળ મેળવવા નિમિત્તે થતા પ્રયોગોના આડફાયદા અત્યારે દેખાતા નથી, પણ ભવિષ્યમાં એ નહીં જ મળે એવું શી રીતે કહેવાય?
પણ ત્યાં સુધી ‘હિગ્સ બોસોન’ને તેના બગડેલા નામ (‘ગૉડ પાર્ટિકલ’)ને બદલે સાચા નામે ઓળખવાની ટેવ પાડી લેવામાં કશું ખોટું નથી.
Labels:
Higgs Boson,
science/વિજ્ઞાન
Sunday, July 08, 2012
ચશ્મે બદ્દૂર: જાદુઇ ચિરાગની કમ્પ્યુટર આવૃત્તિ જેવા ‘ગુગલ ગ્લાસ’
કાચ વગરની, અડધીપડધી ફ્રેમ પહેરીને નીકળેલો એક માણસ ઘરની બહાર નીકળે એટલે તેને જમણી આંખની સામેના ટચૂકડા જણાતા ડિસ્પ્લે પર, બહાર કેટલું તાપમાન છે તેનો આંકડો દેખાય છે. એટલામાં આંખ સામેના સ્ક્રીનના ખૂણે મિત્રનો મેસેજ આવે છેઃ ‘મળવું છે?’
ફ્રેમ પહેરનાર માણસ મૌખિક જવાબ આપે છેઃ ‘બપોરે બે વાગ્યે, સ્ટ્રેન્ડ બુક સ્ટોલ પાસે.’ એટલે બોલાયેલો સંદેશો સામા છેડે લેખિત સ્વરૂપમાં પહોંચી જાય છે. ફ્રેમધારી માણસ રસ્તા પર આગળ વધે તેમ આંખ સામેના સ્ક્રીન પર રસ્તાના નકશા આવતા જાય છે. અજાણી જગ્યાએ પહોંચવાનું હોય અને માણસ એ જગ્યાનું નામ બોલે, એટલે સ્ક્રીન પર ત્યાં સુધી પહોંચવાનો નકશો આવી જાય. રસ્તે આવતો એકાદ સબ-વે બંધ હોય તો એની માહિતી પણ મળી જાય છે. રસ્તામાં તે એક કાર્યક્રમનું પોસ્ટર જોઇને મૌખિક આદેશ આપે છે, એટલે કાર્યક્રમની ટિકિટોનું બુકિંગ થઇ જાય છે. એક દૃશ્યનો ફોટો પાડીને પોતાના સર્કલમાં શેર કરવાનો આદેશ આપતાં જ, ફોટો પડી જાય છે અને સૌ મિત્રોને પહોંચી જાય છે. આંખ સામેના એ સ્ક્રીનની મદદથી તે વિડીયો ચેટંિગ કરી શકે છે, પોતાને જે દૃશ્ય દેખાતું હોય તેની વિડીયો લાઇવ ઇન્ટરનેટ પર બતાવી શકે છે, ચાલતાં ચાલતાં હાથ ઝુલાવતાં ઝુલાવતાં એ ફેસબુક પર સ્ટેટસ મુકી શકે છે અને મેસેજ મોકલી શકે છે....
આ વર્ણન કોઇ વિજ્ઞાનકથાનું નહીં, પણ ‘ગુગલ’ના તિલસ્મી ગ્લાસ (ચશ્મા)ની કામગીરી દર્શાતા વિડીયોનું છે. હમણાં સુધી ‘ગુગલ’ કંપનીના ‘પ્રોજેક્ટ ગ્લાસ’/ Project Glass વિશે સાવ ઓછી માહિતી ઉપલબ્ધ હતી, પરંતુ ગયા સપ્તાહે સાન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલી ગુગલની ડેવલપર્સ માટેની વાર્ષિક કોન્ફરન્સમાં ગુગલ ગ્લાસ/ Google Glassના કેટલાક પરચા જાહેર થયા. જેમ કે, કેટલાક સાહસિકોએ ગુગલ ગ્લાસ સાથે વિમાન (ઝેપેલીન) માંથી નીચે ઝંપલાવ્યું અને તેમની આંખે દેખાતો નજારો કોન્ફરન્સ હોલના પડદા પર, સૌની સામે લાઇવ રજૂ કર્યો.
ગુગલ ગ્લાસની ચમત્કારિક લાગે એવી કામગીરી વિશે જાણીને ‘સિક્સ્થ સેન્સ’થી જાણીતા ગુજરાતી પ્રણવ મિસ્ત્રીની યાદ આવે. પહેરી શકાય એવી (વેરેબલ) કમ્પ્યુટર ટેકનોલોજીના ક્ષેત્રે ક્રાંતિકારી સંશોધનો માટે પ્રણવ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવે છે. એ સિવાય હૃદયના ધબકારા અને બ્લડસુગરનું લેવલ માપતાં સાધનોથી માંડીને દોડવાની ઝડપ, કપાયેલું અંતર, બળેલી કેલરી જેવાં અનેક નાનાંમોટાં કામ અને શારીરિક માહિતી પૂરી પાડતાં સાધનો અત્યારે ઉપલબ્ધ છે. પરંતુ ભવિષ્યની પ્રચંડ શક્યતાઓ ઘ્યાનમાં રાખતાં આ બઘું સાવ આરંભિક- નર્સરીની કક્ષાનું લાગે. માઇક્રોસોફ્ટ, એપલ અને ગુગલ જેવી અગ્રણી કંપનીઓ તેનાથી ઘણી આગળ વધવા માગે છે. તે કમ્પ્યુટરને પહેરી શકાય એવાં કરવાને બદલે, કમ્પ્યુટિંગ ટેકનોલોજીને સીધાસરળ સ્વરૂપે, કશી અડચણ વિના પહેરી શકાય એ રીતે રજૂ કરવા માગે છે. લેખની શરૂઆતમાં આપેલું વર્ણન તેનો એક નમૂનો છે.
ગુગલ ગ્લાસનું વર્તમાન, પ્રાયોગિક-પ્રોટોટાઇપ સ્વરૂપ કેમેરા, ટચ પેડ, જાયરોસ્કોપ, એક્સલરોમીટર, કંપાસ, ટચૂકડાં માઇક્રોસ્કોપ અને સ્પીકર જેવાં સાધનો અને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમથી સજ્જ છે. ઇન્ટરનેટ સાથે તેનું જોડાણ વાઇ-ફાઇ અને બ્લૂ ટૂથ વડે થાય છે. બેટરીથી ચાલતા ચશ્માને ચાલુ-બંધ કરવા માટે બાજુ પર બટન છે. તેનાથી તસવીરો પણ ખેંચી શકાય છે. તસવીરો માટે બીજો વિકલ્પ છેઃ દર દસ સેકન્ડે આપમેળે ફોટો ક્લિક થયા કરે. એ રીતે બાઇક ચલાવતાં કે પહાડ ચડતાં આજુબાજુનાં દૃશ્યોની તસવીર સતત ખેંચી શકાય. કેમેરા હાથને બદલે આપણી આંખમાં જ હોય તો કેવી આશ્ચર્યજનક તસવીરો લઇ શકાય તેનો એક નમૂનોઃ
ફ્રેમની બાજુ પર રહેલા ટચપેડ ઉપરાંત (જાયરોસ્કોપના પ્રતાપે) માથું હલાવવા જેવી ચેષ્ટાઓથી પણ ચશ્માને કમાન્ડ આપી શકાય, એવી ગણતરી છે.
‘હેન્ડ્સ ફ્રી કેમેરા-કમ-સ્માર્ટ ફોન’ની ગરજ સારતા ગુગલ ગ્લાસના ઉપયોગોની શક્યતાનો પાર નથી. તેના થકી ફક્ત સાહસયાત્રાઓનું જ નહીં, કૌટુંબિક મેળાવડા અને મિત્રો સાથેની ગપ્પાંગોષ્ઠિનું પણ લાઇવ વિડીયો સ્ટ્રીમિંગ થઇ શકે છે. ખરીદી કરતી વખતે લાઇવ વિડીયો ચેટના અંદાજમાં ચીજવસ્તુની પસંદગીથી માંડીને ભાવતાલ વિશેનું માર્ગદર્શન આપી-લઇ શકાય છે. આવાં કામોની યાદી અનંત છે. એક વિકલ્પ સર્ચની સુવિધા ઉમેરવાનો પણ છે. જો એ શક્ય બને તો પછી, ચશ્માનું બટન દબાવીને મૌખિક સવાલ પૂછવાનોઃ ‘ભારતની રાજધાની કઇ?’ તરત આંખ સામે ‘દિલ્હી’નું નામ અને ભલું હોય તો નકશામાં દિલ્હીનું સ્થાન પણ આવી જશે.
આવતા વર્ષે ૧૫૦૦ ડોલરમાં ફક્ત ડેવલપર્સ માટે ઉપલબ્ધ થનારા ગુગલ ગ્લાસમાં હજુ ઘણું કામ થવું બાકી છે, પરંતુ તેનો પાયો જે રીતે મંડાયો છે એ જોતાં, ગુગલ ગ્લાસ વાસ્તવિકતા બને તે થોડાં વર્ષનો જ મામલો છે. કંપની ૨૦૧૪થી સામાન્ય ગ્રાહકો માટે બત્રીસ લક્ષણા ગુગલ ગ્લાસ (૧૫૦૦ ડોલર કરતાં ઘણી ઓછી કિંમતે) બજારમાં મૂકવા ધારે છે. તેના અત્યારે કરાયેલા બધા દાવા સાચા પડે તો, એ ગ્લાસ પહેરનારને સ્માર્ટફોન કે ટેબ્લેટ વાપરવાની ખાસ જરૂર નહીં રહે. કારણ કે તેમના થકી કરવાનાં બધાં કામ, ખુલ્લા હાથે અને મૌખિક આદેશથી, ચશ્મા વડે પાર પડી જશે. સ્માર્ટફોન-ટેબ્લેટની ઉપયોગીતા અનેક ગણી વધારી મૂકતાં એપ્સ (જુદી જુદી એપ્લિકેશન્સ) ગુગલ ગ્લાસમાં પણ સામેલ કરવામાં આવશે.
એક તરફ ગુગલ ગ્લાસ ટેકનોલોજીની ઉત્ક્રાંતિને નવી દિશા આપી શકે એવા મનાય છે, તો તેને લગતા કેટલાક સવાલ પણ પૂછાઇ રહ્યા છે. સૌથી પહેલો અને પ્રાથમિક સવાલ ચશ્માના વજનને લગતો અને નંબર ન હોય એવો માણસ ચશ્મા પહેરવાનું પસંદ કરશે કે કેમ, એ છે. ગુગલના કર્મચારીઓ સિવાયના બીજા કેટલાક ચશ્મા પહેરી જોનારા એકમતે સ્વીકારે છે કે તેનું વજન બહુ ઓછું છે અને ચશ્મા પહેર્યાનો ભાર જરાય લાગતો નથી. ‘પ્રોજેક્ટ ગ્લાસ’ સાથે સંકળાયેલા લોકોનો દાવો છે કે આંખ સામેના સ્ક્રીન પર મેસેજ કે બીજી માહિતી તરીકે આવતો રહેતો ડેટા આંખને તેની સામાન્ય કામગીરીમાં બિલકુલ અવરોધરૂપ નહીં બને. ફ્રેમ પર સ્ક્રીન એવી રીતે ગોઠવવામાં આવ્યો છે કે આંખ તેની સહેલાઇથી અવગણના કરી શકે અને ઇચ્છે ત્યારે જ સ્ક્રીન પર જોઇ શકે.
ફોન અને ટેબ્લેટને કારણે માણસોને સતત સ્ક્રીનમાં મોં ખોસીને આજુબાજુના જીવતાજાગતા માણસોને અવગણવાની આદત પડતી જાય છે, ત્યારે ગુગલ ગ્લાસથી એ સમસ્યા વઘુ નહીં વકરે? એવા સવાલનો કંપની તરફથી અપાતો જવાબ ‘ના’ છે, પરંતુ નવી ટેકનોલોજીના ઉપયોગ અને તેની આડઅસરો વિશે પહેલેથી ખાતરીપૂર્વક કંઇ જ કહી શકાતું નથી.
ગુગલ ગ્લાસ પોતે પ્રોસેસિંગ અને ડેટા સ્ટોરેજની સારી એવી ક્ષમતા ધરાવે છે. છતાં, તેનો એક મૂળભૂત આશય ડેટા સ્ટોરેજ કરતાં ડેટા શેરિંગનો- એટલે કે પોતાના વર્તુળોને તસવીરો અને વિડીયો મોકલતા રહેવાનો વધારે છે. ગ્લાસમાં સ્ટોર થયેલો ડેટા ફોન, ટેબ્લેટ કે કમ્પ્યુટરમાં લઇ શકાય છે. પરંતુ સવાલ એ થાય કે તસવીરો અને વિડીયો લેવાનું આટલું સહેલું બની ગયા પછી, તેમનો કેવો ખડકલો થશે? અને તેનો યથાયોગ્ય વહીવટ- તેમની સરખી ગોઠવણ કેવી રીતે શક્ય બનશે?
બીજી તરફ, ‘વેરેબલ કમ્પ્યુટર’થી બહુ અંજાતા ન હોય એવા લોકો પણ, કોઇ પણ જાતની મહેનત કે તકલીફ વિના પોતાના જીવનનું સતત રેકોર્ડિંગ કે શૂટિંગ થતું રહે એ ખ્યાલથી આશ્ચર્યચકિત થયા છે. એવા એક ઉત્સાહીએ ગણી કાઢ્યું છે કે રોજના છ કલાકની ઉંઘ બાદ કરતાં બાકીના બધા સમયનું રેકોર્ડિંગગ કરવાનું હોય તો વર્ષના ૪૫ ટેરાબાઇટના હિસાબે ૮૦ વર્ષનો ૪.૫ પેટાબાઇટ ડેટા થાય. ડેટાના ‘ટેરા’ અને ‘પેટા’ જેવા એકમો હજુ રોજબરોજના વપરાશમાં આવ્યા નથી, પણ જે રીતે ગીગાબાઇટની ક્ષમતા સામાન્ય અને સસ્તી બની છે એ જોતાં, નજીકના ભવિષ્યમાં ટેરા (૧ હજાર ગીગાબાઇટ) અને પેટા (૧૦ લાખ ગીગાબાઇટ) પણ સામાન્ય બની જાય તો નવાઇ નહીં. ડેટાના આટલા ખડકલાની સામાજિક, માનસિક આડઅસરો થવાની પૂરી શક્યતા છે, પણ વેરેબલ ટેકનોલોજીના અશ્વમેધ યજ્ઞનો ઘોડો કોઇ અટકાવી શકે, એવું અત્યારે તો લાગતું નથી.
કાચ વગરની ફ્રેમ પહેરીને ફરનારાનો દેખાવ અત્યારે ભલે વિચિત્ર લાગતો હોય, પણ ગુગલ ગ્લાસ સફળ થશે તો એકાદ દાયકામાં હાથમાં ફોન કે ટેબ્લેટ લઇને ફરનારા એવા વિચિત્ર દેખાતા થઇ જશે.
Subscribe to:
Posts (Atom)












































