Monday, January 16, 2012

હોમાયબહેનને અંગત અંજલિ

ગઇ કાલે સવારે (15-1-2012) હોમાય વ્યારાવાલાનું અવસાન થયું. ઉંમરઃ ફક્ત 98 વર્ષ.
'ફક્ત' એટલા માટે કે થોડા વખત પહેલાં જ એમણે બીરેનની અને મારી સાથેની વાતચીતમાં એવો ધોખો કર્યો હતો કે 'આજકાલ લોકો 60-70 વર્ષની ઉંમરે સિનિયર સિટિઝન થઇ જાય છે.'

હોમાયબહેન વિશે ઘણું લખાયું છે. હજું હું પણ 'ગુજરાત સમાચાર'ની રવિપૂર્તિ માટે લખવાનો છું. છતાં, તેમની સાથેના લગભગ દોઢેક દાયકાના સંપર્ક-પરિચયની સ્મૃતિ અહીં સમરસિયા મિત્રો સાથે વહેંચવાનું અને ગમગીની થોડી હળવી કરવાનું મન છે. મોટા ભાઇ બીરેન (કોઠારી) અને સ્કૂલ-કોલેજકાળના મિત્ર પરેશ પ્રજાપતિ પરિવારોને હોમાયબહેન સાથે એકદમ ઘરોબો હતો. ચરિત્રકાર સબીના ગડીહોક, ત્રણ દાયકા જૂનાં પાડોશી મિસિસ જયશ્રી મિશ્રા, મિસિસ હવેવાલા ઉપરાંત બીરેન-પરેશ જેવા ગણ્યાંગાંઠ્યાં લોકો સાથે કડક ધોરણ ધરાવતાં હોમાયબહેનની આત્મીયતા હતી. તેને કારણે વર્ષે બે-ત્રણ વાર વડોદરા જવાનું થાય ત્યારે બીરેન સાથે હું હોમાયબહેનને મળવા જતો.
(બીરેનના બ્લોગ પર હોમાયબહેનને આત્મીય અંજલિ માટે http://birenkothari.blogspot.com/2012/01/blog-post_15.html )

તેમની સાથેના સંપર્કની શરૂઆત 1997થી થઇ. (જુઓ નીચે મુકેલો અંતર્દેશીય પત્ર). રાજકોટના વડીલ મિત્ર-ફોટોગ્રાફર-કળાકાર રમેશ ઠાકરે હોમાયબહેન વિશે પહેલી વાર માહિતી આપી. મેં બીરેનને વાત કરી. બીરેને વડોદરામાં મહેનત કરીને તેમનું સરનામું શોધી કાઢ્યું. (ત્યારે તે વડોદરામાં આટલાં ઓવર-એક્ઝપોઝ્ડ ન હતાં) મેં તેમને ઇન્ટરવ્યુ માટે પત્ર લખ્યો. જવાબમાં પારસીશાઇ સૌજન્ય ધરાવતો તેમનો અંતર્દેશીય પત્ર આવ્યો. (તારીખ 30-6-97)



હોમાય વ્યારાવાલા સાથે પહેલી મુલાકાતઃ 1997માં
Homai Vyarawala- Urvish Kothari- 1997

...અને એક દાયકા પછી
Homai Vyarawala- Urvish Kothari, Oct 2010

તેમની સાથેની પહેલી મુલાકાતના આધારે થોડા સમય પછી એ વખતે વડોદરા, સુરત અને ભાવનગરમાં આવતી અને મારા સંપાદન તળે પ્રગટ થતી 'સંદેશ'ની મહેફિલ પૂર્તિમાં મેં બે ટેબ્લોઇડ પાનાં ભરીને તેમના વિશે (કવર) સ્ટોરી કરી હતી. તેનું પહેલું પાનું.(23-2-1999)


2005માં સરદાર પટેલ વિશેનું મારું પુસ્તક 'સરદારઃસાચો માણસ, સાચી વાત' પ્રકાશિત થયું તેમાં હોમાયબહેને પાડેલી અને સંભવતઃ ક્યાંય ન છપાયેલી બે ખાસ તસવીરો હતી. આ બન્ને હોમાયબહેને પોતાના નેગેટીવના ખજાનામાંથી ખોળી આપી હતી અને બીરેને તેની પ્રિન્ટ કરાવી હતી. તેમાંની એક તસવીર (નીચેની) સરદારના મૃત્યુના દિવસની છે. એ દિવસે હોમાયબહેન દિલ્હીમાં હતાં અને સરદારનું મૃત્યુ-અંતિમ યાત્રા મુંબઇમાં. પોતે ત્યાં જઇ ન શક્યાં તેનો વસવસો હળવો કરવા માટે, 'હિંદુસ્તાન ટાઇમ્સ'ની દિલ્હી ઓફિસની બહાર મુકાયેલા આ ન્યૂઝ ડિસ્પ્લે બોર્ડની તસવીર તેમણે લીધી, જેની પર તારીખની સાથે 'બ્રેકિંગ ન્યૂઝ' તરીકે લખાણ હતું- સરદાર પટેલ ડેડ.
આ તસવીર જોતાંવેંત પરમ મિત્ર-ઉત્તમ ડિઝાઇનર અપૂર્વ આશરની અને મારી એક જ લાગણી હતીઃ 'પુસ્તકનું બેક ટાઇટલ મળી ગયું.' બેક ટાઇટલ પર આ તસવીર ધરાવતું પુસ્તક ગુરુવત્ લેખક નગેન્દ્રવિજયને આપ્યું ત્યારે તેમણે આ તસવીરનાં અને તે લેનારની સૂઝ તથા ઇતિહાસદૃષ્ટિનાં દિલથી વખાણ કર્યાં હતાં.
(Photo: Homai Vyarawala)

'સરદારઃસાચો માણસ, સાચી વાત'ની એક નકલ લઇને બીરેન અને હું હોમાયબહેનને ઘેર ગયા. ઘણાં વર્ષોથી તે પુસ્તકો સ્વીકારતાં નહીં. રાખે તો પણ જોઇને-વાંચીને પાછું આપી દેવા માટે. આ પુસ્તક તેમણે લીધું અને જોઇને ઉપર સુંદર લખાણ સાથે પાછું આપી દીધું. પુસ્તકની આ નકલ મને સૌથી વહાલી છે. તેની પર હોમાયબહેને પુસ્તકની ગુણવત્તા કરતાં વિશેષ પોતાની નમ્રતાનો-મોટાઇનો પરિચય કરાવતાં લખ્યું છેઃ I feel very much honoured for having some of my photos of Sardar Patel published in this memorable book. - Homai Vyarawala, 19-3-05

અને આ બીજું સંભારણું. સબીના ગડીહોકે લખેલા તેમના વિશેના અદભૂત પુસ્તક- 'કેમેરા ક્રોનિકલ્સ ઓફ હોમાય વ્યારાવાલા'ની તેમણે ભેટ આપેલી નકલનું ઉઘડતું પાનું

હોમાયબહેને મૃત્યુ પછી પારસી પદ્ધતિથી આખરી વિદાય લેવાને બદલે અગ્નિસંસ્કાર કરાવવાની ઇચ્છા બીરેન, પરેશ અને બીજા મિત્રો આગળ વ્યક્ત કરી હતી. તેમનો તર્ક હતો કે પારસી પદ્ધતિ પ્રમાણે મૃત શરીર ગીધ જેવા પક્ષીઓનો ખોરાક બને, પણ હવે ગીધ રહ્યાં નથી. તેને કારણે ઘણી વાર લાંબા સમય સુધી મૃતદેહનો નિકાલ થતો નથી. એટલે તેમણે અગ્નિસંસ્કાર પર પસંદગી ઢોળી. તેનું ખોટું અર્થઘટન કરતાં મોટાં ભાગનાં અખબારોએ લખ્યું કે 'હિંદુ વિધિથી અંતિમ સંસ્કાર'. હકીકતે, તેમને સ્મશાને લઇ જતાં પહેલાં લગભગ અડધો કલાક સુધી તેમના ઘરે પારસી ધર્મપ્રાર્થના કરવામાં આવી હતી.
(નીચેની તસવીરમાં પારસી ધર્મગુરુ અને હોમાયબહેન સાથે દૂરનું સગપણ ધરાવતા મુંબઇ સ્થિતિ વીરાફ પાવરી, આજે સવારે સાડા આઠની આસપાસ.)

...અને આ વડોદરાનું એ સ્મશાન, જ્યાંથી હોમાયબહેને આખરી વિદાય લીધી

સ્મશાનમાં અપેક્ષા કરતાં બહુ ઓછા માણસ હતા માંડ પચાસેક હશે. તેમાં ફોટોગ્રાફરોનું ઝુંડ પણ ખરું. હોમાયબહેન જેવાં તસવીરકાર વિશેની પોસ્ટમાં એમની 'જ્ઞાતિ' વિશે શું લખવું? પણ એટલું ચોક્કસ યાદ આવે કે આ વ્યવસાયની ગરીમા જવા લાગી, એટલે હોમાયબહેન તેમાંથી નિવૃત્ત થઇ ગયાં હતાં. લાંબા લાંબા લેન્સ (જેને 'ઝૂમ'ને બદલે 'ઝૂમડા' કહેવાનું મન થાય એ) લઇને આવતા વ્યાવસાયિક તસવીરકારો વિશે મને બે વાતની હંમેશાં નવાઇ લાગે છે. એક તો, આટલા સરસ લેન્સ છતાં તેમને શા માટે વિષયની નજીક ઘેરા ઘાલવા પડે છે? અને બીજું, કોઇ એક જ સબ્જેક્ટની તેમને એકસામટીદસ-પંદર-પચીસ તસવીરો પાડવી પડે, એટલી બધી અસલામતી પોતાની આવડત વિશે તે શા માટે અનુભવતા હશે? કોઇ શિખાઉ ફોટોગ્રાફર એકના એક વિષયની ઢગલાબંધ ક્લિક્સ કરે તો સમજ્યા, પણ પોતાના ક્ષેત્રના આ ધુરંધરો, ફક્ત રોલના રૂપિયા નથી થતા એટલા માટે, અઢળક ક્લિક્સ કરીને શિખાઉની હરોળમાં આવવા શા માટે પ્રયાસ કરતા હશે?


હોમાયબહેનને વિદાય કરીને આવ્યા પછીઃ તેમના ઘરના દીવાનખાનામાં, ઉપર તેમની સાથેની વાતચીતની તસવીરો જ્યાં લેવાઇ છે એ જગ્યાએ, તેમના પ્રિય છોડની સામે પ્રકાશ રેલાવતો તેમની સ્મૃતિનો અખંડ દીવો, જે અમારા જેવા તેમના ઘણા પ્રેમીઓના હૃદયને કાયમ અજવાળતો-હૂંફ આપતો રહેશે.


(હોમાયબહેન વિશે આ બ્લોગ પર અગાઉ લખેલી પોસ્ટ્સની લિન્ક- કુલ છ પોસ્ટ)
http://urvishkothari-gujarati.blogspot.com/search/label/homai%20vyarawala

Saturday, January 14, 2012

ઉત્તરાયણઃ વીસ વર્ષ પહેલાંના Objects Of Desire

ઉત્તરાયણમાં અત્યારે કેટલીક ચીજો બહુ સામાન્ય બની ગઇ છે, પણ બે દાયકા પહેલાં તેમાંથી ઘણી વસ્તુઓ કમ સે કમ મહેમદાવાદ જેવા ગામમાં અને મધ્યમ આર્થિક સ્થિતિ ધરાવતા ઘણા લોકો માટે દુર્લભ અથવા બહુમૂલ્ય હતી. લગભગ Objects of Desireની કક્ષામાં. એવી કેટલીક ચીજોનું 'સ્નેહસ્મરણ'.

જાતજાતનાં પીપુડાં પહેલાં મોંમાં દબાવીને વગાડવાની દેશી પતાકડીઓ આવતી હતી, જે મોટે ભાગે કાળી નાની પીપુડીમાંથી કાઢીને મોમાં સરકાવવામાં આવતી હતી. હવે ફુગ્ગાથી ફ્લુટ જેવા વિવિધ પ્રકારનાં હવાદાર પીપુડાં છૂટથી મળે છે. બલ્કે, તેના અવાજ વિના પતંગ ન ચડે એવું ઘણા પ્રેમીઓ માનતા હશે. 

મ્યુઝિક સિસ્ટમઃ સાદાં કેસેટ પ્લેયરની વાત નથી, માણસની જેમ ધાબે ચઢીને ઘોંઘાટ મચાવી શકે એવાં મ્યુઝિક પ્લેયર પહેલાં જૂજ હતાં. સ્પીકર, એમ્પ્લીફાયર, પ્લેયરનો દાખડો ધાબે ચઢાવવામાં મુશ્કેલી પડે. એટલું જ નહીં, વડીલો આ ચીજો ઉપર લઇ જવાની પરવાનગી આપે કે કેમ, એ અગત્યનો સવાલ. હવે ધાબાં પર ધમધમતી મ્યુઝિક સિસ્ટમની બિલકુલ નવાઇ રહી નથી. 


ગુંદરપટ્ટીનો રોલ કોડી-દોઢ કોડી પતંગ સાથે મફત લેવાની ચીજ હતો. પછી વધારે પટ્ટી વધારે જોઇતી હોય તો થોડો મોટો રોલ ખરીદવો પડે. તેનો રંગ ખાખી હતો, જે પોલીસની વરદી કરતાં જુદો ખાખી હોવા છતાં એટલો જ સત્તાવાર લાગતો હતો. ઉત્તરાયણમાં પતંગોની સારવારનો સત્તાવાર રંગ હતો ખાખી. હવે ગુંદરપટ્ટીને બદલે આવાં સ્ટીકરની શીટ તૈયાર મળે છે. સ્ટીકર ઉખાડો ને પતંગ પર ચોંટાડી દો.  લાળરસથી ગુંદરપટ્ટી લગાડવાની કે ગુંદરપટ્ટી ચોંટી-ન ચોંટી એની ઝંઝટ નહીં.

ફિરકીનું સ્ટેન્ડઃ થોમસ આલ્વા એડિસન ગુજરાતમાં જન્મ્યો હોત તો તેની એકાદ હજાર પેટન્ટમાંથી એકાદ ચોક્કસ ફિરકીના અસરકારક સ્ટેન્ડની હોત. પિલ્લાંના આધુનિક અવતાર જેવી ફિરકી આવી ત્યારથી તેને પકડવા માટે એક જણની જરૂર પડે એવું પરાવલંબન સંકળાઇ ગયું હતું. દરેક વખતે ફિરકી પકડનાર માણસ ક્યાંથી લાવવા? એટલે જુદી જુદી તરકીબો અજમાવાઇ. ઇંટ નીચે કે પતરાની ધારમાં ફિરકીનો એક દાંડો દબાવીને ફિરકી મૂકવાથી કામ ચાલી જતું હતું. અહીં બતાવ્યું છે એવું સ્ટેન્ડ 'ક્રાંતિકારી શોધ' તરીકે આવ્યું ખરું, પણ કાર્યક્ષમતાની દૃષ્ટિએ તે મોટે ભાગે નકામું નીવડે છે. કોઇ એન.આઇ.ડી.-બહાદુર આવું શોધે તો પણ આપણને વાંધો નથી.

સુરતની દોરીઃસુરતના જમણની સાથોસાથ તેની દોરી પણ એટલી જ વખણાતી હતી, પણ એ લાવવાની ક્યાંથી? દરેક વખતે એવા મનસૂબા ઘડાય કે બધા મિત્રોએ ભેગા થઇને સુરતની દોરી મંગાવવી જોઇએ, પણ મોટે ભાગે એવી મહેચ્છાઓ સહેલાઇથી ફળીભૂત ન થતી. ક્યારેક કોઇ ઉત્સાહી જથ્થાબંધના ઓર્ડર લઇને સુરત મુકામે સંચરે ત્યારે જ એવું શક્ય બનતું.

કેપ-ગોગલ્સઃ ફક્ત કેપ કે ફક્ત ગોગલ્સ ઉત્તરાયણની એકમાત્ર લક્ઝરી ગણાતી હતી, પણ હવે એ બન્નેનું સંયોજન સહેલાઇથી મળી રહે છે. એ પહેરવા માટે પતંગ ચડાવવી ફરજિયાત નથી.

ચકાચક દોરીઃ ત્રીસેક વર્ષ પહેલાં ઘરની પતરાંની અગાસીમાં સરોશ વગેરે નાખેલી ગુલાબી લુગદીમાં દોરી પીવડાવવાની ક્રિયા થઇ હતી, એ હજુ યાદ છે. પણ હવે ગુજરાતના મેદાનમાં બરેલીના ઉસ્તાદો આવી ગયા છે.


બાયનોક્યુલરઃ હિંદી કોમેન્ટરીની ભાષામાં કહીએ તો 'ખચાખચ ભરેલા' ધાબામાં પહેલાં બાયનોક્યુલરમાંથી જેને જોઇ શકાય તેની તલાશ ચાલે અને પછી બાયનોક્યુલરની.

તુક્કલઃ શિયાળાની સાંજ વહેલી ઢળે અને અંધારું ઘેરાય એટલે દિવસે સ્થિર ગણીને જુદા તારવેલા પતંગ નીકળે. મોટે ભાગે મોટા (ભારે) સફેદ પતંગ. તેને થોડા ચડાવીને પછી તેની સાથે ફાનસ બંધાય. મોટા પતંગ માટે વપરાતો 'તુક્કલ' શબ્દ ફાનસ માટે જ વપરાતો હોય. આખા ગામમાં તુક્કલ ચઢાવનારા પતંગબાજ જૂજ હોય. બાકીના ધાબે તુક્કલ જોવા ચડે. પણ હવે તસવીરમાં છે એવા ગુબ્બારા આકાશે ચડતા અને ઊંચે ઊંચે જતા જોવા મળે છે. 

હાથે બાંધેલી પટ્ટીઓ તેની પર લાગેલા ઘસરકા, પટ્ટી પર અને હથેળીઓમાં લાગેલો ગુલાબી રંગ- આ બધું ઉત્તરાયણમાં કરેલી મઝા વિશે કશું કહ્યા વગર ઘણું કહી આપે છે.પહેલાં આંગળીએ પહેરવા માટે કપડાની ખોરી બનતી હતી. તેવી રબરની ખોરી પણ આવતી. ઘણા વખતથી આ પ્રકારની ટેપ ચાલે છે. 

લચ્છી પતંગ પકડતી વખતે તેની સાથે આવતી દોરીની આ રીતે લચ્છી બનાવવામાં આવતી હતી. 'ભાર દોરીમાં' પકડેલી પતંગની જાડી લચ્છી જોઇને શેર લોહી ચડતું હતું. પતંગને લગતા કૌશલ્યમાં અંગુઠા અને ટચલી આંગળીની મદદથી લચ્છી વીંટવાના કૌશલ્યનો સમાવેશ પણ થતો હતો. ઉત્તરાયણ પૂરી થયા પછી બહુરંગી લચ્છીઓના વિલિનીકરણમાંથી પરચૂરણ દોરીનું પિલ્લું બનાવવામાં આવતું હતું, જેનો ઉપયોગ પછીની ઉત્તરાયણના પહેલાંના દિવસોમાં પતંગ ચગાવવા કે પછી કન્ના બાંધવા થતો હતો. હવે લચ્છીઓનો એવો દબદબો રહ્યો નથી. 

પતંગ પકડતો કુદરતી 'ઝંડો' આકાશભરની પતંગો આબાદ ઝડપી લેતા વૃક્ષોને જોઇને ઘણી વાર એવું થતું કે આવો એકાદ 'ઝંડો' હાથવગો હોય તો બધી પતંગ આપણે જ પકડી પાડીએ.

Friday, January 13, 2012

ઉત્તર-અયનની પૂર્વ-તૈયારી

પતંગપ્રેમીઓને બ્લેક એન્ડ વ્હાઇટમાં પણ રંગ દેખાય

કાલની સવાર પડે એટલી વાર છે...
દે

મોબાઇલથી કન્ના બંધાતી હોત તો...

પતંગ સહકારી મંડળી


આંખોમેં ક્યા જી...

પતંગના 'કાન' પણ પારકી મા વીંધે

'કન્ના' ઉર્ફે 'કન્યા' શબ્દ સંસ્કૃત 'કર્ણ' પરથી બન્યો છે. 'કર્ણ'નો એક અર્થ છે 'સુકાન'.
  


સ્વેટરઃ સ્ટાઇલ કે શરણાગતિ?

ઉનાળામાં પહેરવાના ઝીણા સદરા ભલે ‘કૂલર’ ન કહેવાતા હોય, પણ શિયાળામાં પહેરાતા ડગલા ‘સ્વેટર’- સ્વેટ(પરસેવો) પેદા કરનાર- તરીકે ઓળખાય છે. નામ પરથી સ્પષ્ટ છે કે સ્વેટર અંગ્રેજ સંસ્કૃતિની દેન છે. સવારે પાંચ વાગ્યે ઉઠીને, માથે ટાઢાહિમ પાણીના લોટા રેડવાનો મહિમા ધરાવતા ભારતવર્ષમાં સ્વેટર ઉર્ફે પ્રસ્વેદકનું શું કામ? ‘સિદ્ધિ તેને જઇ વરે, જે પરસેવે નહાય’ના દેશ ભારતમાં પરસેવાનો મહિમા છે એ ખરું, પણ સ્વેટર પહેરવાથી થયેલો પરસેવો સિદ્ધિનો નહીં, બફારાનો સૂચક છે.

સ્વેટરનો વર્તમાન રંગીન અને વૈવિઘ્યપૂર્ણ લાગે, પણ તેનો ઇતિહાસ ખાસ પ્રભાવશાળી નથી. રાણા પ્રતાપ કે મહાબલિ અકબર શિયાળાટાણે સ્વેટર પહેરીને દરબારમાં બેઠા હોય અથવા કોઇ દરબારીને તેની હેસિયત કરતાં વધારે મોંધુ સ્વેટર પહેરીને આવવા બદલ દંડ કર્યો હોય એવું જાણ્યું નથી. અકબર-બિરબલની રમૂજોમાં ગામ આખાની પંચાત છે, પણ ક્યાંય સ્વેટરનો ઉલ્લેખ આવતો નથી. રણે ગયેલા પતિની રાહ જોતી રજપૂતાણીઓ કિલ્લામાં બેસીને સ્વેટર ગૂંથતી હોય એવું ઇતિહાસમાં ક્યાંય નોંધાયું નથી.

શિયાળામાં સ્વેટર પહેરવું એ સ્ટાઇલ છે કે શરણાગતિ, એના વિશે વ્યાપક મતભેદ છે. જનસમુહનો એક વર્ગ એવો છે, જેને નવરાત્રિની મોડી રાતે આછી આછી ઠંડીનો અહેસાસ થાય ત્યારથી સ્વેટરનાં સ્વપ્નાં આવવા લાગે છે. તેમનો સ્વેટરપ્રેમ એટલો તીવ્ર છે કે શરીરના ઉપરના ભાગની જેમ, પગનું સ્વેટર આવતું હોય તો એ પણ તે પહેરે. પહેરવા-ઓઢવાના પ્રેમીઓને શિયાળો વઘુ એક વસ્ત્ર પહેરવાની અને તેમાં પોતાની સ્ટાઇલ બતાવવાની તક પૂરી પાડે છે. એવા લોકો સાડી કે શર્ટની જેમ સ્વેટર પણ મેચિંગનાં રાખે છે.

મોંઘા ભાવનાં ફેશનેબલ સ્વેટર પહેરીને મહાલતા લોકોને જોઇને બીજો વર્ગ કતરાય છે. સ્વેટર પહેરીને સ્ટાઇલ મારનાર પ્રત્યે તેમના મનમાંથી ખીજ અને દયાનાં તરંગો છૂટે છેઃ ‘કેવા પામર છે આ લોકો? સહેજ ઠંડી પડી નથી કે ડગલા ચડાવ્યા નથી. આટલીક અમથી ઠંડી સહન ન થાય એવા માયકાંગલા જીવનમાં શું કરવાના? અને પાછા સ્વેટર પહેરીને ફેશનો મારે છે. આઝાદ રહીને ઠંડી વેઠવાને બદલે સ્વેટરની ગુલામીથી રાજી થતાં આ લોકોને કંઇ થતું નહીં હોય? ખરેખર, હવે સમજાય છે કે આપણે શા માટે આટલાં વર્ષ ગુલામ રહ્યા.’

આવા આક્રમક વિચાર ધરાવતા લોકોને સ્વેટર પહેરાવવું એ તોફાની ઘોડાને લગામ પહેરાવવા જેવું કામ છે. તેના માટે પહેલાં બળજબરી અને ભયનો સહારો લેવામાં આવે છે. શિયાળાનો પવન કેવો ખતરનાક હોઇ શકે, તે નાક-કાન-છાતી-માથામાં જાય તો તેનાં કેવાં ભયંકર પરિણામ આવે, એની ડરામણી સંભાવનાઓ સ્વેટર પ્રત્યે તિરસ્કાર ધરાવતા લોકોના લાભાર્થે પ્રસારિત કરવામાં આવે છે. પરંતુ શિયાળાનો પવન ખમી-ખાળી શકનારા પર આવી કથાઓના વાયરાની કશી અસર થતી નથી. તેમને એવું લાગે છે જાણે પોતે કોઇ ક્રાંતિકારી હોય ને સરકારી સાક્ષી બની જવા માટે તેમની સમજાવટ થતી હોય. પણ ‘અમારું કહ્યું માની લો તો સજા માફ ને ન માનો તો ફાંસી’ એવી સ્કીમ તેમના ક્રાંતિકારી મિજાજને ટાઢો પાડી શકતી નથી. સ્વેટર પહેરવું એ તેમને ઠંડી સામેના જંગમાં શરણાગતિ સ્વીકારી લેવા જેવું લાગે છે. તેમને શહીદી- એટલે કે શરદી- મંજૂર છે, શરણાગતિ નહીં.

બળપ્રયોગ અને દબાણ નિષ્ફળ નીવડતાં પ્રેમનો-પટામણીનો સહારો લેવામાં આવે છે. ‘જો તું સ્વેટર નહીં પહેરે તો હું પણ નહીં પહેરું અને મને કંઇ થાય તો જવાબદારી તારી.’ એવા ત્રાગાથી માંડીને ‘તને ઠંડી ન અડતી હોય તો કંઇ નહીં, મારો પ્રેમ અડે છે કે નહીં? સ્વેટર ન પહેરે તો મારા સમ.’ એવો લાગણીતરબોળ દુરાગ્રહ થાય છે. છેવટે, વચલા રસ્તા તરીકે માણસ ઘરમાંથી સ્વેટર પહેરીને નીકળે છે અને ઘરવાળાં જોઇ શકે ત્યાં સુધી એ પહેરેલું રાખે છે. ટ્રાફિકપોલીસના લાભાર્થે હેલ્મેટ પહેરતા અને પોલીસથી થોડા આગળ નીકળ્યા પછી તરત હેલ્મેટ કાઢી નાખતા લોકોની જેમ, પરાણે સ્વેટર પહેરનારા ઘરથી દૂર ગયા પછી સ્વેટર કાઢી નાખે છે.

હાથી જીવતો લાખનો ને મરેલો સવા લાખનો થાય તેમ, સ્વેટર પહેર્યું હોય ત્યારે તેનો ભાર મણ ને કાઢી નાખ્યા પછી એ સવા મણનો લાગે છે. તેની ગડી વાળતાં ખાસ્સો જાડો ટેકરો થાય છે, જે ઓફિસબેગમાં સમાતો નથી. હાથમાં પકડવા જતાં તે એક હાથ રોકી રાખે છે. તેને થાળે કેમ કરીને પાડવું એની ચિંતામાં ઘણી વાર ઠંડીનો અહેસાસ જતો રહે છે. છેવટે લોકો સ્વેટર પીઠ પર ને તેની બાંયો ગળામાં બાંધીને કે કમર પર બાંયોની ગાંઠ મારીને સ્વેટરના બંધન દ્વારા મુક્તિનો પ્રયાસ કરી જુએ છે. આ પદ્ધતિઓ ફેશનેબલ હોવા છતાં, તેમાં ‘ગાંઠ છૂટ્યાની વેળા’ ગમે ત્યારે આવી જવાનો અજંપો રહી શકે છે.

સ્વેટરમાં પ્રકારવૈવિઘ્યનો પાર નથી. આખી બાંયનું, અડધી બાંયનું, બાંડિયું, ‘વી’ ગળાનું, બંધ ગળાનું, જાડું, પાતળું, બટનવાળું, ચેઇનવાળું, અટેચ્ડ ટોપીવાળું, કોલરવાળું...આ ઉપરાંત બંડી, (જવાહર)જાકિટ અને અંગ્રેજી જેકેટ પણ સ્વેટર તરીકે ખપમાં લેવાય છે. આ દરેક ધારણ કરવાનો જુદો સલીકો અને અલગ શિસ્ત છે. સ્વેટરમાં સૌથી પહેલો પ્રશ્ન તેને ક્યાંથી પહેરવું - ગળેથી કે હાથથી- એ છે. મોટા ભાગના લોકો બાંયવાળા સ્વેટરમાં પહેલાં બે બાંયમાં પોતાના બે હાથ એવી રીતે નાખી દે છે, જાણે રીઢો ગુનેગાર સામે ધરાયેલી હાથકડીમાં પોતાનાં કાંડા આપી દેતો હોય. સ્વેટરની બાંયો ‘યે હાથ મુઝે દે દે ઠાકુર’ની મુદ્રામાં લટકતી હોય છે. તેમાં હાથ પ્રવેશી જાય પછી ગળાનો વારો આવે છે. અહીં ફરી એક વાર શહીદોની યાદ તાજી થાય છે. દેશ કાજે કુરબાન થતા શહીદો જે ઉત્સાહથી ફાંસીનો ગાળિયો પોતાના ગળામાં નાખી દે, એવી જ ઉત્સુકતાથી સ્વેટર પહેરનાર બન્ને બાંયો વચ્ચેનો ગાળિયો પોતાના ગળામાં પહેરાવે છે.

બીજી પદ્ધતિ જરા દુર્ગમ છે. તેમાં સૌથી પહેલાં સૂતરની આંટી પહેરવાની હોય એવી રીતે સ્વેટરનું ‘ગળું’ પોતાના ગળામાં ઉતારવામાં આવે છે. ત્યાર પછી બે બાંયોમાં વારાફરતી હાથ નાખવામાં આવે છે. હાથને આંખો હોતી નથી. એટલે ઘણી વાર હાથને બાંયનું પ્રવેશદ્વાર જડતું નથી. તે અટવાયા કરે છે. એક તરફ સ્વેટર ગળામાં ઉતારવાને કારણે વિખરાયેલા માથાના વાળ અને એમાં વળી બાંયમાં પ્રવેશવા માટે ફાંફાં મારતા હાથ- આ સમયે માણસની ચિડાવાની સંભાવનાઓ સૌથી વઘુ રહે છે. કોઇ માણસ આખી બાંયનું સ્વેટર કાઢતો કે પહેરતો હોય ત્યારે બને ત્યાં સુધી એને વતાવવો નહીં.

કફનની જેમ ઘણાં સ્વેટરને પણ ખિસ્સું હોતું નથી. એટલે સ્વેટર પહેર્યા પછી પુરૂષોને શર્ટના ખિસ્સા સુધી હાથ પહોંચાડીને, તેમાં ખૂણેખાંચરે પડેલી ચીજ બહાર કાઢવા માટે ભારે પુરુષાર્થ કરવો પડે છે. સ્વેટરની સુવિધા ગુમાવ્યા વિના તેનાથી પડતી અગવડો ટાળવા માટે કેટલાક લોકો બાંડિયું સ્વેટર શર્ટની નીચે પહેરે છે. તેનો ફાયદો એ છે કે દૂરથી જોતાં માણસે સ્વેટર નહીં, પણ બુલેટપ્રૂફ જેકેટ પહેર્યું હોય એવું લાગે. એ બહાને નેતા બનવાની થોડી પ્રેક્ટિસ પડે છે અને બુલેટપ્રૂફ જેકેટ પહેરીને વીઆઇપી દેખાનારાને કેવો અહેસાસ થતો હશે તેનો થોડો ખ્યાલ પણ આવે છે.

સ્વેટર સામાન્ય રીતે ઠંડી દૂર કરે છે, પરંતુ ઘણા નબળા મનના લોકોને બીજાએ પહેરેલું સ્વેટર જોઇને ઠંડી ચડી શકે છે. તેમના માટે શિયાળાનો પર્યાય ઠંડી નહીં, પણ સ્વેટર હોય છે.

Tuesday, January 10, 2012

પ્રલય ૨૦૧૨: ટાઢા પહોરની આગાહીનો ધીકતો ધંધો


મનુષ્યજાતિની કેટલીક પ્રિય કલ્પનાઓમાંની એક છેઃ સર્વનાશ. નોસ્ત્રાડેમસ જેવાની આગાહીઓનાં નામે ચાલતા ગપગોળા હોય કે ‘સ્કાયલેબ’ જેવી અવકાશી પ્રયોગશાળા પૃથ્વી પર ખાબકવાનો પ્રસંગ, અમુક દિવસ પૃથ્વી પર માણસજાતનો છેલ્લો દિવસ છે એવી ભયંકર કલ્પના કરવાની ઘણા લોકોને બહુ મઝા આવે છે. ફેસબુક-ટિ્‌વટર પહેલાંના યુગમાં પણ આવી કલ્પનાઓને ‘વાઇરલ’ થઇ જતાં- વાયુવેગે ફેલાઇ જતાં વાર લાગતી ન હતી.

બઢાવીચઢાવીને તેની વાતો કરવામાં લોકોને પડતો રસ હજુ ઓછો થયો નથી. પહેલાં ફક્ત લિખિત કે મૌખિક શબ્દથી ચલાવી લેવું પડતું હતું. પછી ફિલ્મો આવી. લોકો પોપકોર્ન ખાતાં ખાતાં પ્રલયનાં ખતરનાક દૃશ્યો માણતા થયા. પ્રલયની આગાહીઓ, અફવાઓ અને ગપગોળાથી પ્રસાર માઘ્યમો આડકતરો ધંધો અને બીજા અનેક સીધો ધંધો કરવા લાગ્યા.

ત્રણેક વર્ષ પહેલાં ‘૨૦૧૨’/2012 ફિલ્મ આવી ત્યારથી વર્ષ ૨૦૧૨માં સૃષ્ટિના અંતની અટકળો અને તેને લગતી ચર્ચાઓ ચગી છે. અમેરિકાની પ્રાચીન મય સભ્યતા/Maya Civilizationના કેલેન્ડરનો અંત ડિસેમ્બર ૨૧,૨૦૧૨ના રોજ આવે છે. એ હકીકત આગળ ધરીને ‘વર્ષ ૨૦૧૨ની ૨૧મી ડિસેમ્બર મનુષ્યજાતિનો છેલ્લો દિવસ છે’ એવું અર્થઘટન રજૂ વહેતું મૂકાયું હતું. ઘણા અભ્યાસીઓ પ્રલય ભાખતા અર્થઘટનને સ્વીકારતા નથી. તાર્કિક દૃષ્ટિએ મુખ્ય મુદ્દો કેલેન્ડરના અર્થઘટનનો અને એક કેલેન્ડરના અંત પછી ચક્રાકારે નવું કેલેન્ડર શરૂ થાય કે સૃષ્ટિનો અંત આવી જાય એ છે. પ્રલયના ગપગોળાને હસી કાઢતા લોકો (સાચી રીતે) એમ પણ કહે છે કે મય લોકો પોતાની સભ્યતાનો અંત ક્યારે આવવાનો એ તો જોઇ શક્યા નહીં- સૃષ્ટિનો અંત બહુ દૂરની વાત છે.

પ્રલયની આગાહીનો વિરોધ કરનારાની દલીલોનો પાયો નક્કર અભ્યાસ અને વિજ્ઞાન છે, પરંતુ પ્રલયની કલ્પના ફેલાવવી, તેનાથી ગભરાવું અને તેની રોકડી કરી લેવી એ માણસની મૂળભૂત વૃત્તિ-પ્રવૃત્તિ-પ્રકૃતિ છે. આ બન્નેનો મુકાબલો થાય ત્યારે સ્વાભાવિક રીતે જ માણસની વૃત્તિ તરફનું પલ્લું નમી જાય છે. એટલે ‘કશું થવાનું નથી’ એવું માનનારા ઘણા લોકો ‘તૈયારી રાખવામાં (થોડાં નાણાં સિવાય) શું જાય છે? એ બહાને થોડી મઝા કરીશું.’ એવું વલણ અપનાવે છે અને પ્રલયને ધંધાનો ટાઇમ બનાવી નાખવામાં મદદરૂપ થાય છે.

આંતરરાષ્ટ્રિય સામયિક ‘ટાઇમ’ના જાન્યુઆરી ૯,૨૦૧૨ના અંકમાં સૃષ્ટિના સંભવિત અંતને કેન્દ્રમાં રાખીને ઠંડે કલેજે અને ટાઢા પહોરે થોડાં સૂચન કરવામાં આવ્યાં છે. તેમાં વોશિંગ્ટનમાં શરૂ થનારા નવા રોલર કોસ્ટરમાં ઊભા રહેવાથી માંડીને ઘરમાં બેસીને ‘ગોડઝિલા’ ફિલ્મની નવી બહાર પડનારી હાઇ ડેફિનેશન ડીવીડી જોવાના વિકલ્પ આપવામાં આવ્યા છે. મરવાનું જ હોય તો સ્ટાઇલથી શા માટે ન મરવું? અને આ બઘું કર્યા પછી જીવી જઇએ તો મૂરખ બનવાનો રંજ નહીં.

જે આવવાનો નથી એવા પ્રલયને શાનથી વધાવવા માટે ઇન્ટરનેટ પર કોઇએ ‘રેવ ટુ ધ ગ્રેવ’ નાચતાં-ગાતાં કબરભેગા થાવ, એવો મસ્તીભર્યો વિચાર વહેતો મૂક્યો. સૃષ્ટિના ‘અંતિમ દિવસો’ (૨૦-૨૧ ડિસેમ્બર) દરમિયાન નાચગાનની પાર્ટી હોય તો કેવી મઝા આવે? એવો એ તુક્કો હવે તીર બની રહ્યો હોય એવું લાગે છે. ‘ટાઇમ’ની નોંધ પ્રમાણે, નોર્વેના પાટનગર ઓસ્લોમાં યોજાનારી એ પાર્ટીમાં ખરેખર લગભગ ૧૪ હજાર લોકોએ જોડાવાનો ઇરાદો (‘ફેસબુક’ દ્વારા) વ્યક્ત કર્યો છે.

અમેરિકામાં ૩૫ હજાર ડોલર ખર્ચવા સક્ષમ લોકો એક વર્ષ સુધી ટકી રહેવાય એટલી સાધનસામગ્રી ધરાવતા ભૂગર્ભ આવાસમાં જગ્યા નોંધાવી શકે છે. અમેરિકાનાં ચાર રાજ્યોમાં આ જાતના આવાસ ડિસેમ્બર મહિના સુધીમાં તૈયાર થઇ જશે. જેમને મંદીની ખાસ અસર ન થઇ હોય એવા માલેતુજારો માટે વધારે આકર્ષક સ્કીમ પણ છેઃ ૧૦ લાખ ડોલરમાં અમેરિકાના કાન્સાસ રાજ્યમાં આવેલા મિસાઇલ મથક પર અડધો માળ ખરીદી શકે છે. તેમાં મોટો સ્ક્રીન ધરાવતા એલઇડી ટીવીથી માંડીને બીજી ઘણી સુવિધાઓ મળે છે. આ બધી યોજનાઓ અત્યારે ‘દોડો, દોડો, બુકિંગ ચાલુ છે’ અવસ્થામાં છે.

‘૨૦૧૨’, ‘એન્ડ ઓફ ધ વર્લ્ડ’ જેવા શબ્દોના નામે ઇન્ટરનેટ પર વેબસાઇટ અને બ્લોગની ગીરદી જામી છે. ‘યુ ટ્યુબ’ પર ૨૦૧૨ અને પ્રલયને લગતા વિડીયોની સંખ્યા હજારોમાં નહીં, લાખમાં છે. ‘હાઉ ટુ સરવાઇવ ૨૦૧૨’ (પ્રલય સામે શી રીતે ટકી રહેવું)થી ‘કોન્કર ૨૦૧૨’ (પ્રલય પર જીત મેળવો) જેવાં અનેક ગતકડાં એકદમ ગંભીરતાપૂર્વક ઇન્ટરનેટ પર ચાલી રહ્યાં છે. ચોતરફ પ્રલય વિશે જાતજાતની અઘૂરી-અધકચરી-મનઘડંત-ખોટી અને ભેળસેળિયા માહિતીનો ભય અને આશાના સુવિધાજનક પેકિંગમાં વેપલો મંડાયો છે. ૨૦૧૨ના પ્રલયશાસ્ત્ર માટે વપરાતો ખાસ શબ્દ છેઃ ટુ થાઉઝન્ડ ટ્‌વેલોલોજી. તેને લગતાં પુસ્તકો, ફિલ્મો, ડોક્યુમેન્ટરી જેવી ચીજોની ઇ-હાટડીઓ ખુલી ગઇ છે.

પ્રલયની જૂની-નવી વાતો, નોસ્ત્રાડેમસ, મય સભ્યતાની ઐતિહાસિક માહિતી જેવા વિષયો પરની સામગ્રી ગ્રાહકોને લલચાવી રહી છે. ‘૨૦૧૨’, ‘ડૂમ્સડે’ (પ્રલય), ‘અપોકેલિપ્સ’ (કયામતની ઘડી જેવો સાક્ષાત્કારનો દિવસ), ‘એન્ડ ઓફ સિવિલાઇઝેશન’ (સભ્યતાનો અંત) જેવાં લેબલ ધરાવતી ચીજો ચપોચપ વેચાઇ જાય છે. એવી ચીજોમાં ટી-શર્ટ, ઘડિયાળો, રમકડાં, કેલેન્ડર, સિક્કાથી માંડીને આઇ-ફોન, આઇ-પેડ પર પ્રલયની ઘડીનું કાઉન્ટડાઉન કરતી એપ્લિકેશન્સ/એપ્સ સુધીનું વૈવિઘ્ય જોવા મળે છે. દુબઇની એક ફેશન કંપનીએ વર્ષ ૨૦૧૨ માટે ૧૩ પાનાં ધરાવતું એક ફેશનેબલ કેલેન્ડર કાઢ્‌યું છે. તેમાં ૧૨ મહિનાનાં ૧૨ પાનાં ઉપરાંત ૧૩મું પાનું પ્રલય પછીની નવી શરૂઆત માટે ગણવામાં આવ્યું છે.
(કેલેન્ડરની 12 'ભેદી' તસવીરો માટેઃ http://blog.thaeger.com/2012/01/03/armaggedon-fashion/)

જેના નામે પ્રલયની આગાહી ચગાવવામાં આવી છે તે મય સભ્યતામાં પણ આમજનતાને રસ પડવા માંડ્યો છે. આ સભ્યતાના અવશેષો મેક્સિકોમાં આવેલા છે. ત્યાં ડ્રગ્સના ધંધાને લીધે થતી હિંસાથી પ્રવાસન ઉદ્યોગ મંદીમાં ચાલતો હતો. મય સભ્યતાનું બજાર ઉંચકાયા પછી મેક્સિકોની સરકાર તેનો મહત્તમ લાભ લેવા આતુર છે. આ વર્ષે આશરે પાંચેક કરોડ પ્રવાસીઓ, પ્રલય આવે કે ન આવે, મય સભ્યતાનાં સ્થળો જોવા ઉમટી પડે એવી ધારણા છે. તેમના લાભાર્થે મય સભ્યતાના રીતરિવાજો, મંત્રો-શ્વ્લોકો અને ઘૂપ-અગરબત્તી સહિતના અનેક ખેલ ગોઠવવામાં આવ્યા છે. મેક્સિકોની જેમ હોન્ડુરાસ પણ મય સભ્યતાનું મથક હતું. આ બન્ને દેશોમાં ડિસેમ્બર ૨૧, ૨૦૧૨ના દિવસની અવળી ગણતરી દર્શાવતાં કાઉન્ટડાઉન ક્લોક અત્યારથી ગોઠવાઇ ચૂક્યાં છે, જે પ્રલયની તારીખે શૂન્યના આંકડે પહોંચશે.

પ્રલયના ધંધાનું સૌથી મોટું સુખ એ છે કે (જ્યોતિષના અમંગળ વરતારાની જેમ) પ્રલય ન થાય એટલે કે આગાહી ખોટી તો કોઇ ફરિયાદ કરતું નથી કે અદાલતમાં દાવા માંડતું નથી. ઊલટું લોકો હોંશેહોંશે ‘હાશ, બચી ગયા’ની રાહત અનુભવે છે. એટલે જ માણસજાત ‘સમજણી’ થઇ ત્યારથી પ્રલયની કલ્પનાઓ થતી રહી છે અને દરેક વખતે મનુષ્યો પ્રલયના બહાને વધારાની મોજમજા કરી લે છે.

જીવનની ફિલસૂફી પણ, આખરે તો, દરેક દિવસને જિંદગીનો છેલ્લો દિવસ ગણીને જીવી લેવાની છે. પણ ત્યાં સુધી પહોંચવા માટે ઘણાને પ્રલયની બીક જેવા પરિબળની જરૂર પડે છે.

Saturday, January 07, 2012

‘લાઇફ’ની એક તસવીર બરાબર કેટલા શબ્દો?


‘કોઇ પણ પ્રકારનું યુદ્ધ થાય તો ફોટો-મેગેઝીન માટે એ બહુ ઉપયોગી બને’- આવો વિચાર ‘લાઇફ’ /LIFE મેગેઝીનના આયોજન વખતે મુકવામાં આવ્યો ત્યારે એ કેવળ તરંગતુક્કો હતો. 

આઘાતજનક લાગે તો પણ સચ્ચાઇ એ છે કે મોટી દુર્ઘટનાની કથાઓ પ્રસાર માઘ્યમોને ફુલવાફાલવા માટે ઉત્તમ તકો પૂરી પાડે છે. ઇરાક પર અમેરિકાના આક્રમણ વખતે સી.એન.એન.ની લોકપ્રિયતામાં જબ્બર ઉછાળો આવ્યો હતો. ગુજરાતના ભૂકંપ- કોમી હિંસાને કારણે એ વખતની ગણીગાંઠી ન્યૂઝચેનલને પગદંડો જમાવવામાં ભારે મદદ મળી.પરંતુ ‘ટાઇમ’ અને ‘ફોર્ચ્યુન’ જેવાં સફળ સામયિકો શરૂ કરનાર હેન્રી લ્યુસે ૧૯૩૬માં અઠવાડિક તરીકે ‘લાઇફ’ બજારમાં મૂક્યું, ત્યારે ક્ષિતિજ પર યુદ્ધ ક્યાંય ડોકાતું ન હતું. 

‘લાઇફ’ની શરૂઆત અમેરિકાના સામાન્ય અને અસામાન્ય લોકોના જીવનની તસવીરોથી થઇ. પહેલા જ અંકમાં મુખપૃષ્ઠ પર વિખ્યાત મહિલા તસવીરકાર માર્ગારેટ બોર્ક-વ્હાઇટની તસવીર હતી. 


આલ્ફ્રેડ આઇસનસ્ટેટ/ Alfred Eisenstaedt જેવા જર્મન ફોટોગ્રાફર પહેલા અંકથી ‘લાઇફ’ સાથે સંકળાયેલા હતા. એ સિવાય ‘એસોસિએટેડ પ્રેસ’ જેવી સંસ્થા તરફથી કરારના ભાગરૂપે કંપનીને એટલા જથ્થામાં તસવીરો મળતી હતી કે તેમાંથી ઘણી બધી ‘ટાઇમ’ અને ‘ફોર્ચ્યુન’માં વપરાયા વિનાની પડી રહેતી. મામલો ‘વેસ્ટ’માંથી ‘બેસ્ટ’નો નહીં, પણ વણવપરાયેલા ‘બેસ્ટ’નો દૃષ્ટિપૂર્વક ઉપયોગ કરવાનો હતો. 

અમેરિકાના પહેલા ફોટોમેગેઝીન તરીકે ‘લાઇફ’નો સિક્કો ઝડપથી જામી ગયો અને શરૂ થયું બીજું વિશ્વયુદ્ધ. ‘લાઇફ’ના આયોજન વખતે કેવળ સૈદ્ધાંતિક મુદ્દા તરીકે રજૂ થયેલી યુદ્ધની કલ્પના વાસ્તવિકતા બની. વિશ્વયુદ્ધમાં ઘણા સમય સુધી અમેરિકા પક્ષકાર ન હતું. તેમ છતાં, ‘લાઇફ’ના તસવીરકારો અને પત્રકારો યુદ્ધના બધા મોરચા ખૂંદી વળ્યા.  લગભગ ૪૪ મહિનાનો એ સમયગાળો ફક્ત ‘લાઇફ’ના જ નહીં, પત્રકારત્વના અને યુદ્ધના દસ્તાવેજીકરણના ઇતિહાસમાં પણ યાદગાર છે. યુદ્ધની ભયાનકતા અને તેનાં વિવિધ સ્વરૂપોથી લાખો વાચકોને પરિચિત કરાવનાર ‘લાઇફ’ના દરેક તસવીરકારની કથા લખવી શક્ય નથી, પણ થોડા નમૂના પરથી - અને આ લેખની સાથે મુકેલી તસવીરો પરથી- તેમના અંદાજમિજાજનો ખ્યાલ આવશે. 

‘લાઇફ’ સાથે સંકળાયેલા ત્રણેક ડઝન તસવીરકારોમાં સૌથી જુદાં તરી આવતાં બે પાત્રો હતાં: માર્ગારેટ બોર્ક-વ્હાઇટ અને રોબર્ટ કાપા. ‘લાઇફ’નો ફોટોગ્રાફર કેવો હોય? અપ ટુ ડેટ, બહાદુર, જોખમથી ન ડરનાર, રંગીન મિજાજ, ફોટોગ્રાફીમાં નિપુણ, પાર્ટી હોય કે યુદ્ધનો મોરચો, એ બીજા ફોટોગ્રાફરથી જુદો તરી આવે. આ પ્રકારની છબી ઉભી કરવામાં કાપાનો મોટો ફાળો હતો. અર્નેસ્ટ હેમિંગ્વે જેવા લેખક તેના મિત્ર અને ઇન્ગ્રીડ બર્ગમેન જેવી અભિનેત્રી સાથે તેનાં ચક્કર ચાલતાં હોય. ‘યુદ્ધ હવે બુઢી અભિનેત્રી જેવું થતું જાય છે- ઓછું ફોટોજેનિક અને વઘુ ખતરનાક.’ આ પ્રકારનાં નિવેદનો આપવા માટે જાણીતા હંગેરીયન ફોટોગ્રાફર કાપા (અસલ નામઃ એન્દ્રે ફ્રીડમેન) નોર્મન્ડીના કિનારે મિત્રરાષ્ટ્રોના આક્રમણ (‘ડી-ડે’) જેવા અનેક ઐતિહાસિક યુદ્ધપ્રસંગોના ફોટોગ્રાફર હતા. પેરીસ જેવાં યુરોપનાં શહેરોમાં ને જર્મનીના લિપઝિગમાં મિત્રરાષ્ટ્રોએ નાઝીઓને હરાવ્યા. ત્યારે કાપા કેમેરા સાથે હાજર હતો. 

Robert Capa/ રોબર્ટ કાપા
લિપઝિગમાં એક મકાનની બારીમાંથી આખા રસ્તા પર નજર રાખી શકાય એ રીતે એક સૈનિક મશીનગન ગોઠવી રહ્યો હતો. કાપાએ તેને જોયો, પણ ફોટો ક્લિક કરે તે પહેલાં જ કોઇ ખૂણેથી ‘સ્નાઇપર’ કહેવાતા (નાઝી) શાર્પશૂટરની ગોળી આવી અને સૈનિકને વીંધી નાખ્યો.   યુદ્ધ હોય કે મોટી દુર્ઘટનાઓ, પત્રકારો અને તસવીરકારોએ મન કઠણ રાખીને કામ ચાલુ રાખવું પડે છે. તેમાંથી મળતાં નામ-નાણાં કેટલાક માટે પ્રેરક બળ બને છે, તો થોડા લોકો ‘અમારું આ જ કામ છે’ એ વિચારીને લાગણીઓ પર અંકુશ રાખવાનું શીખી જાય છે. કાપાએ સૈનિકને પટકાતો જોયો. સ્નાઇપરનું નિશાન આબાદ હતું. સૈનિકના મૃત શરીરમાંથી લોહીનો રેલો નીકળ્યો. કાપા પેટે ઘસડાતો એ સૈનિકની નજીક ગયો અને યુદ્ધની ભયંકરતાના દર્શન તરીકે, હજુ ઘડી પહેલાં હાલતાચાલતા એ સૈનિકના મૃતદેહનો ફોટો પાડ્યો. 

રોબર્ટ કાપાને લોકપ્રિય થવા માટે આ પ્રકારની તસવીરો ખેંચવાની જરૂર ન હતી. ઉત્તર આફ્રિકા, ઇટાલી, ફ્રાન્સ અને જર્મનીમાં જાન હથેળી પર રાખીને ફોટોગ્રાફી કરી ચૂકેલા કાપાને સૈનિકો સામેથી પોતાની ટુકડીમાં બોલાવતા. પોતાનાં વખાણ કરવા માટે જાણીતા કાપાએ ‘લાઇફ’ના એક સાથીને લખ્યું હતું,‘હું આજકાલ વધારે પડતો લોકપ્રિય થઇ રહ્યો છું.’ સૈનિકો દરેક ઓપરેશન વખતે કેવી રીતે પોતાને સાથે લઇ જવાનો આગ્રહ રાખતા હતા તેનું વર્ણન કરીને કાપાએ લખ્યું હતું,‘આ લોકપ્રિયતા જ કોઇ દહાડો મને મરવી નાખશે.’ આ ઉદ્‌ગાર કરુણ રીતે સાચા પડ્યા. વિયેતનામમાં ૧૯૫૪માં ફ્રેન્ચ સૈનિકટુકડીના આક્રમણની ફોટોગ્રાફી કરવા માટે ગયેલા કાપાનો પગ સુરંગ પર આવી ગયો. સુરંગ ફાટી અને ચાળીસ વર્ષની વયે, યુદ્ધના તસવીરકાર તરીકેની મજબૂત આંતરરાષ્ટ્રિય પ્રતિષ્ઠા સાથે કાપાનું મૃત્યુ થયું. 

યુદ્ધના મોરચે ફોટોગ્રાફરોને સૈનિકો સાથે જવાનું હોય, પરંતુ સલામતીની કોઇ ખાતરી નહીં. મિશન જેમ ખતરનાક, તેમ ફોટોગ્રાફરનું કામ વધારે અગત્યનું-પ્રતિષ્ઠાભર્યું અને જીવનું જોખમ મોટું. આખા વિશ્વયુદ્ધ દરમિયાન ‘લાઇફ’નો યુજીન સ્મિથ એકમાત્ર એવો ફોટોગ્રાફર હતો, જે જાપાન પરના હવાઇ હુમલામાં ફોટોગ્રાફર તરીકે સામેલ થયો.  ટોકિયો શહેર પરના એ હુમલામાં સાથે આવવું હોય તો અમેરિકાના ફૌજી અફસરે સ્મિથ સામે એક શરત મૂકીઃ  ‘કોઇ પણ કારણસર આપણું વિમાન જાપાનની ધરતી પર તૂટી પડે, તો તમને ઠાર મારવાની મને સત્તા હોવી જોઇએ.’  સ્મિથે સંભારણાંમાં લખ્યું છે કે ‘ગંભીર વિચાર કર્યા પછી મેં આ લેખિત શરત પર સહી કરી. અમારા જીવતા પકડાઇ જવાથી, ઇવો જીમા પર અમેરિકાના હુમલાની આગોતરી જાણકારી મળી જાય અને સેંકડો સૈનિકોના જીવ જોખમમાં મુકાય, એ શક્યતા ઘ્યાનમાં રાખતાં મને આ શરત વાજબી લાગી.’

યુજીન સ્મિથ/  W.Eugene Smith

એક તરફ ‘લાઇફ’ તસવીર માટે આ હદે જતું હોય, ત્યારે ઇવો જીમા પર અમેરિકન સૈન્યનો વિજય અને થોડા સૈનિકો ભેગા મળીને અમેરિકાનો ઘ્વજ ફરકાવે છે એવો ઐતિહાસિક ફોટો ‘લાઇફ’ના તંત્રી લોંગવેલે છાપવાની ના પાડી દીધી હતી. એક ફોટો એજન્સીના ફોટોગ્રાફરે ઝડપેલું એ દૃશ્ય અમેરિકાના સૈનિકોએ ખાસ ફોટો પડાવવા માટે ઊભું કરેલું છે એવું તેમને લાગ્યું હતું.


વિશ્વયુદ્ધના અંતની જાહેરાત પછી સાહજિક આવેગની ક્ષણને ઝડપી લેતો વિશ્વયુદ્ધના અંતને લગતો યાદગાર ફોટો હતોઃ લંડનના ટાઇમ સ્ક્વેરમાં એક યુવાન સૈનિકે અજાણી નર્સને ભાવવિભોર થઇને કરેલું ચુંબન. આલ્ફ્રેડ આઇસનસ્ટેટે પાડેલો એ ફોટો લોકસ્મૃતિમાં એટલો અંકાઇ ગયો છે કે વર્ષો પછી મહેનત કરીને એ પાત્રો સાથે એવું જ દૃશ્ય ફરી સર્જવામાં આવ્યું હતું. 
અસલી ફોટો (જમણે) અને તેની નવી આવૃ્ત્તિ- 90 વર્ષની ઉંમરે પહોંચેલાં એ જ નર્સ સાથે
‘લાઇફ’ જેવા તસવીરપ્રધાન સામયિકના એકેએક અંકમાં છપાયેલી તસવીરોની આવી કંઇક કથાઓ હશે. ‘લાઇફ’ તસવીરપ્રધાન ખરું, પણ તસવીરકારપ્રધાન ન હતું. તેના ઘણાખરા તસવીરકારોને પત્રકારો પ્રત્યે અને પત્રકારોને તસવીરકારો પ્રત્યે ઇર્ષ્યા અને અસંતોષની લાગણી રહેતી. બન્ને એકબીજા વિશે એવું માનતા કે આ લોકોને પોતાના કામ સિવાય- અને ઘણી વાર તો એમાં પણ- ખાસ ગતાગમ પડતી નથી. તસવીરકારો માટે વિષયો નક્કી કરવાનું કામ અથવા અવનવા વિષયો શોધી કાઢવાનું કામ મોટે ભાગે તંત્રીવિભાગના લોકો કરતા. કોઇ વાર ફોટોગ્રાફરે જાતે વિષય નક્કી કર્યો હોય તો પણ એક વાર તસવીરો ઓફિસમાં આપી દીધા પછી, તેની પસંદગી, પાનાં પર ગોઠવણ, ઓછુંવત્તું મહત્ત્વ અને તેને અનુરૂપ ફોટોલાઇન લખવા સહિતની આખી પ્રક્રિયામાંથી તેમને સદંતર બાકાત રાખવામાં આવતા હતા. તેના લીધે ફોટોગ્રાફરોને હંમેશાં એવું લાગતું કે તેમના કામને ન્યાય મળતો નથી. ઓફિસમાં બેેઠેલા પત્રકારોને હંમેશાં એ વાતની બળતરા રહેતી કે ‘લાઇફ’ના નામનો સૌથી વધારે ફાયદો ફોટોગ્રાફરોને મળે છે. એ મોટી હસ્તીઓ સાથે હળેમળે છે અને ક્યારેક તો લાભાર્થી કે લાભની અપેક્ષા ધરાવતી ફિલ્મી કે બીજી હસ્તીઓ સાથે, અંગતતાની તમામ હદ વટાવી દે છે. 

‘લાઇફ’ના ફોટોગ્રાફરોના વટ અને ઉત્તમ કામનો ભારતને અનુભવ ૧૯૪૬-૪૭-૪૮માં થયો. બીજા વિશ્વયુદ્ધમાંથી પરવારેલાં માર્ગારેટ બોર્ક-વ્હાઇટે ભારતના ઐતિહાસિક ઘટનાક્રમ, ભાગલાની કરુણતા, કુદરતી આપત્તિ, પાકિસ્તાનનું સર્જન અને મહત્ત્વના દેશનેતાઓની અનેક યાદગાર તસવીરો લીધી. ચરખા પાછળ બેઠેલા ગાંધીજીનો માર્ગારેટે પાડેલો ફોટો ગાંધીજીની ઉત્તમ તસવીરોમાં સ્થાન પામે છે. એવી જ રીતે, પલંગ પર બેઠેલા સરદાર અને નીચે બેઠેલાં મણિબહેનની જીવંત તસવીરો માર્ગારેટે લીધેલી છે. એ સમયગાળાના પોતાના અનુભવોનું સચિત્ર આલેખન તેમણે ‘હાફ વે ટુ ફ્રીડમ’ નામે પુસ્તકમાં કર્યું છે. ભારતના ઇતિહાસનો એ નોંધપાત્ર છતાં વિસરાઇ ગયેલો દસ્તાવેજ છે. 

હેલિકોપ્ટરમાંથી લટકતાં માર્ગારેટ બોર્કવ્હાઇટ- ભારત-પાકિસ્તાનની મુલાકાત વખતે સાડીમાં
મુખ્યત્વે પરાક્રમકેન્દ્રી પ્રસંગો સાંકળતા આ લેખમાં કુદરતી સૌંદર્ય, પ્રાકૃતિક અજાયબીઓ, પ્રાણીપક્ષીજગત, વિજ્ઞાન અને આખું વ્યક્તિત્વ ઉપસાવી આપે એવી ચહેરાની તસવીરો લેનારા અનેક ફોટોગ્રાફરોની કળા વિશે વાત થઇ શકી નથી. એ કસર પૂરી કરવા માટે ‘લાઇફ’ની વેબસાઇટ http://www.life.com/ પર જઇને તેનો તસવીરી ખજાનો જોઇ શકાય છે. એ સિવાય ‘ગૂગલ બુક્સ’ ‘લાઇફ’ના પહેલા અંકથી માંડીને બધા જ અંક મફત જોઇ-વાંચી શકાય, એ રીતે મુકવામાં આવ્યા છે. 
૧૯૩૬થી શરૂ થયેલા ‘લાઇફ’નો ટીવી યુગ પછી ૧૯૭૨માં અંત આવ્યો. ત્યાર પછી વખતોવખત તેનું પ્રકાશન થતું રહ્યું છે અને તસવીરોની બાબતમાં તેણે પોતાની વિશિષ્ટતા જાળવી રાખવાના ભરપૂર પ્રયાસ કર્યા છે. પરંતુ તેનો પહેલો અવતાર, ગુણવત્તા ઉપરાંત એ સમયમાં તેના અસ્તિત્ત્વને કારણે પણ પત્રકારત્વના ઇતિહાસનું  કદી ન ભૂલાય એવું પ્રકરણ બની રહ્યો છે. 
(સંદર્ભઃ ‘લાઇફ, ધ ગ્રેટ અમેરિકન મેગેઝીન’- લુડન વેઇનરાઇટ)

Thursday, January 05, 2012

ભારતની રાજધાની અમદાવાદ હોત તો?

ભારતની રાજધાની તરીકે દિલ્હીને સો વર્ષ પૂરાં થયાં. એ પ્રસંગે ‘તહલકા’ સામયિકમાં ભારતની રાજધાની દિલ્હીને બદલે બેંગ્લોર, કલકત્તા કે મુંબઇ હોત તો દેશ અત્યારે કેવો હોત, તેની કલ્પનાઓ રજૂ થઇ હતી. એ તરાહ પર વિચારી શકાય કે ૧૪મી ઓગસ્ટ, ૧૯૪૭ની મધરાતનું ઘ્વજવંદન લાલ કિલ્લા પર નહીં, ભદ્રના કિલ્લા પર થયું હોત અને એ વખતે સાડા પાંચ સદીનો ઇતિહાસ ધરાવતું અમદાવાદ ભારતની રાજધાની બન્યું હોત તો? કાલ્પનિક ઇતિહાસ કેવી રીતે લખાયો હોત?

(સત્યઘટના શૈલીમાં લખાયેલો આખો ઘટનાક્રમ સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાંની એક પણ લીટી સાચી માનવી નહીં- એ બનવાજોગ કે તાર્કિક લાગે તે જુદી વાત છે.)

***
આઝાદી સમયે ગુજરાત અને મુંબઇ-મહારાષ્ટ્ર એક હતાં. મરાઠી માણૂંસોએ માગણી કરી કે દેશની રાજધાની મુંબઇ થવી જોઇએ. એટલે હિંસક તોફાન ફાટી નીકળ્યાં. તેના જવાબમાં રાજધાની અમદાવાદમાંથી ખસવી ન જોઇએ એવી માગણી સાથે અમદાવાદમાં મરાઠીઓ વિરુદ્ધ તોફાન થયાં, જે જોતજોતાંમાં અમદાવાદની પરંપરા પ્રમાણે કોમી તોફાનોમાં ફેરવાઇ ગયાં. મોરારજી દેસાઇએ મુંબઇમાં રહ્યે રહ્યે અમદાવાદનાં તોફાન સામે ઉપવાસ કરવાની જાહેરાત કરી પણ સરદાર પટેલે તેમને કહેવડાવ્યું કે ‘બાપુ હજુ જીવે છે. તમે રહેવા દો.’ એટલે મોરારજીભાઇએ ઘૂંધવાઇને ઉપવાસનો વિચાર પડતો મૂક્યો.

મુંબઇમાં ગુજરાતીઓ વિરુદ્ધ તોફાનો પછી અમદાવાદમાં થયેલાં મરાઠીઓ વિરુદ્ધનાં તોફાનોને વાજબી ઠરાવવાને બદલે કે ન્યૂટનનો આઘાત-પ્રત્યાઘાતનો નિયમ ટાંકવાને બદલે સરદારે કડક હાથે કામ લીઘું. તોફાનો શમ્યા પછી પણ રાજધાનીના મુદ્દે ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચેનો ઉકળાટ ચાલુ રહ્યો, જેના કારણે આગળ જતાં બન્ને રાજ્યો અલગ પડ્યાં.

ગાંધી-સરદારની વિદાય પછી જવાહરલાલ નેહરુએ દેશની રાજધાની અમદાવાદથી અલાહાબાદ લઇ જવાનું વિચાર્યું, પણ પછી ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ના લેખક એવા જવાહરલાલનો ઇતિહાસ પાકો હોવાને કારણે ‘દિલ્હીથી દોલતાબાદ’ સાથે સરખામણી થવાની બીકે તેમણે ફેરબદલનો વિચાર પડતો મૂક્યો.

અમદાવાદમાં જવાહરલાલે શાહીબાગમાં જહાંગીરે બંધાવેલા મહેલમાં વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન રાખ્યું. રોજ સવારે તે નદીના પટમાં મોર્નિંગ વોક કરતી વખતે લોકોની ફરિયાદો સાંભળતા હતા. અમદાવાદમાં સંસદ અને રાષ્ટ્રપતિભવન ક્યાં કરવા એની સઘન તલાશ ચાલી. રાષ્ટ્રપતિભવન રાષ્ટ્રપિતાના આશ્રમની એકાદ કુટિરમાં કરવાનું સૂચન થયું, પણ દિલ્હીમાં વાઇસરોયનું રજવાડું જોયા પછી ભારતના રાષ્ટ્રપતિઓને સમજાયું હતું કે કુટિરો રાષ્ટ્રપિતા માટે બરાબર છે- રાષ્ટ્રપતિ માટે મહેલ જોઇએ. તેમના માટે શાહીબાગમાં વડાપ્રધાનના નિવાસસ્થાનની આજુબાજુ જગ્યા ફાળવવામાં આવી.

આગળ જતાં ઇંદિરા ગાંધી વડાપ્રધાન બન્યાં ત્યારે તેમણે વડાપ્રધાનના મહેલનું બાંધકામ વધારીને તેની એક બારી સાવ રાષ્ટ્રપતિભવન પાસે પડે એ રીતે તૈયાર કરાવી, જેથી કટોકટીના હુકમ પર રાષ્ટ્રપતિની સહી કરાવવામાં વાર ન લાગેઃ ફક્ત બારીમાંથી હુકમ લંબાવીને સામેની બારીમાં ઉભેલા રાષ્ટ્રપતિની સહી લઇ શકાય.

સરદાર પટેલે સૂચવ્યું હતું કે સંસદ બારે મહિના ને ત્રણસો પાંસઠે દિવસ તો ચાલુ હોતી નથી. પછી એના ભવ્ય મકાન પાછળ નકામો ખર્ચ શું કરવા કરવો? એને બદલે સંસદ ચાલુ હોય એના ચાર દહાડા પહેલાં નદીના પટમાં વિશાળ તંબુ ઉભા કરી દેવા અને ઉપર ભારતનો રાષ્ટ્રઘ્વજ ફરકાવી દેવો. એટલે સંસદ તૈયાર. પછી તેમણે સરદારશૈલીમાં એમ પણ કહ્યું કે ‘અમસ્તાં બધાં સરકસ અમદાવાદમાં આવી રીતે જ ઉતરે છે.’ જવાહરલાલ એ સાંભળીને ચીડાઇ ગયા હતા અને સરદાર ખડખડાટ હસી પડ્યા હતા. છેવટે સાંસદોના ખરીદ-વેચાણની ભાવિ સંભાવનાઓને ઘ્યાનમાં રાખીને, અત્યારે જ્યાં બજાર ભરાય છે તે રાણીના હજીરામાં સંસદ બેસાડવાનું નક્કી થયું. એ માટે આસપાસના વિસ્તારને ખાલી કરાવવાનું બિલકુલ અઘરું પડ્યું ન હતું. સંસદમાં થનારા શોરબકોરની કલ્પના માત્રથી આજુબાજુના સમજુ રહેવાસીઓ પોતાનાં ઘર વેચીસાટીને નદીપાર રહેવા જતા રહ્યા. એ રીતે નદીપારની વસ્તીમાં વધારો થયો અને પશ્ચિમ અમદાવાદ વિકસ્યું.

વડાપ્રધાન નેહરુની ચીન મુલાકાત પછી કાંકરિયાની આસપાસ ચાઇનીઝની લારીઓ ખુલી ગઇ હતી. ભાજીપાંઉ-પંજાબી-પિત્ઝા પહેલાં અમદાવાદમાં ‘મેઇનલેન્ડ ચાઇના’ પ્રકારની લાલ રંગે રંગાયેલી લારીઓ પાણીપુરીની સ્પર્ધા કરવા લાગી. કેટલાક ઉત્સાહીઓએ ચાઇનીઝ પાણીપુરી અથવા પાણીપુરીના ચણા-બટાટાના મસાલામાં નુડલ્સ ભેળવવાનાં શરૂ કર્યાં. અમદાવાદમાં ચાઇનીઝ ખાણીપીણીનો પગપેસારો જોઇને ચીનના જાસૂસોએ બેજિંગ ને મોકલેલા ખાનગી અહેવાલોમાં લખ્યું હતું કે ‘આ દેશને જીતવા માટે સૈન્યની જરૂર નથી. સોયા સોસ, નુડલ્સ ને મંચુરિયન કાફી છે.’

એટલે ચીને ૧૯૬૨માં ભારત પર લશ્કરી આક્રમણ કરવાને બદલે, તેની કંપનીઓને અમદાવાદમાં-ભારતમાં વેપાર માટે છૂટી મુકી દીધી. જવાહરલાલે ‘પંચશીલ’ અને વિશ્વશાંતિ માટે થઇને ચીનને ભારતમાં વેપાર કરવાની છૂટ આપી. ત્યાર પછી, ૧૯૬૪થી દર સ્વાતંત્ર્ય દિવસે અને પ્રજાસત્તાક દિને ભદ્રના કિલ્લા પર ફરકતા રાષ્ટ્રઘ્વજ ‘મેઇડ ઇન ચાઇના’ હતા.

ભારતનું ખુલેલું બજાર જોઇને અમેરિકા-રશિયા પણ પગપેસારો કરવા માટે ઉત્સુક બન્યાં. અમેરિકાના ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ અને રશિયાના અખબાર ‘પ્રવદા’એ પોતાની ગુજરાતી આવૃત્તિઓ શરૂ કરી. તેના કારણે ગુજરાતી પત્રકારત્વ આંતરરાષ્ટ્રિય ધોરણનું બન્યું કે આંતરરાષ્ટ્રિય પત્રકારત્વ ગુજરાતી ધોરણનું, એની કલ્પના થઇ શકતી નથી, પણ સામ્યવાદી ‘પ્રવદા’એ પોતાની ઓફિસ લાલ દરવાજા વિસ્તારમાં રાખી.

પાકિસ્તાને ૧૯૬૫માં કરેલા આક્રમણ વખતે અમદાવાદની પોળોમાં ઘણા લોકો રોજ રાતે ડંડા લઇને વારાફરતી જાગતા હતા- ચોકી કરતા હતા. તેમની સાથે ભજિયાં-ચાની દુકાનો પણ રાતભર ધમધમતી હતી. ઇંદિરા ગાંધીએ કટોકટી લાદતી વખતે અમદાવાદનાં ‘કોફીહાઉસ’ જેવા પાનના ગલ્લે ઉભા રહીને ચર્ચા કરવા ઉપર કડક પ્રતિબંધ ફરમાવ્યો. તેનો ભંગ કરનારને રોજ છ કલાક સુધી સુરેશ જોશીની નકલ કરનારા લેખકોનું ગદ્ય વંચાવવાની સખત કેદની સજા કરવામાં આવતી હતી. ગુજરાતીના ઘણા ફાજલ અઘ્યાપકોનું જેલમાં એ કામગીરી માટે પોસ્ટિંગ થયું હતું.

વેળાસર ઉદારીકરણ થઇ જવાને કારણે અને સાબરમતીનું પાણી પ્રજાસત્તાકનાં મૂળીયાંમાં ઉંડે સુધી ઉતરવાને લીધે ત્રાસવાદની સમસ્યા સાથે પનારો પાડવાનું સહેલું બન્યું. અમદાવાદમાં બેસનાર વડાપ્રધાને ત્રાસવાદીઓ પાસેથી યોગ્ય કંિમત વસૂલ કરીને કાયદેસર રીતે તેમને એ રાજ્યોનો વહીવટ સોંપી દીધો. પાકિસ્તાન સાથેનો કકળાટ કાયમી ધોરણે દૂર કરવા માટે એક વડાપ્રધાને પાકિસ્તાનને કાશ્મીર ૯૯ વર્ષની લીઝ પર આપી દીઘું- એ શરતે કે નકશામાં કાશ્મીર ભારતનો હિસ્સો રહેશે, ત્યાં રોડ, ફ્‌લાયઓવર, મૉલ-મલ્ટીપ્લેક્સ અને જેલમ-ચિનાબ જેવી નદીઓ પર પાકિસ્તાને રીવરફ્રન્ટ બાંધવા જેવો વિકાસ કરવા માટે પાકિસ્તાને અલગ બજેટ ફાળવવાનું રહેશે અને કાશ્મીર જનારા ભારતીય પ્રવાસીઓ તથા ફિલ્મ યુનિટને હોટેલથી માંડીને ખાણીપીણીમાં ૨૫ ટકા ડિસ્કાઉન્ટ આપવાનું રહેશે.

એકવીસમી સદીના પહેલા દાયકામાં ગુજરાતમાં એક મુખ્ય મંત્રી થયા. તેમણે ૨૦૧૧માં ચીનની મુલાકાત લીધા પછી જાહેર કર્યું હોત કે ‘૧૯૬૨માં ચીન ભારત પર આક્રમણ કરવાનું હતું. તેનાં સૈન્યો આપણી સરહદ સુધી આવી ગયાં હતાં, પણ મારા કહેવાથી તેમણે એ યોજના માંડવાળ કરી.’ એ મુખ્ય મંત્રીની બહાદુરી પર મોહી પડેલી પ્રજાએ તેમને વડાપ્રધાન બનાવવાનું નક્કી કર્યું- ભારતના નહીં, ચીનના વડાપ્રધાન.

***
કેટલીક કલ્પનાઓ એટલી વાસ્તવાભાસી હોય છે કે તેની સામે વાસ્તવિકતા કાલ્પનિક લાગે.

Tuesday, January 03, 2012

અન્ના-આંદોલનઃ ઉણપો અને ઉપલબ્ધિ

વર્ષ ૨૦૧૧નો અડધોઅડધ હિસ્સો હવે સમેટાઇ ચૂકેલા ભ્રષ્ટાચારવિરોધી જનલોકપાલ આંદોલનની ઉત્તેજનામાં વીત્યો. એક પછી એક મસમોટાં કૌભાંડોથી કંટાળેલા નાગરિકોના રોષને અન્ના હજારે અને તેમના સાથીદારોની ઝુંબેશનું વાહન મળ્યું. બેદાગ છબી, ગાંધીવાદી દેખાવ, આંદોલનમાં હિંસાની પરેજી, જાહેર કામોનો (મર્યાદિત ક્ષેત્રમાં) અનુભવ, ઉપવાસ કરવાની ક્ષમતા- આ લાક્ષણિકતાઓથી અન્ના છવાઇ ગયા. ભ્રષ્ટાચારથી ત્રાસેલા (પણ અંગત આચરણમાં ભ્રષ્ટાચારનો છોછ નહીં ધરાવનારા ઘણા) લોકોએ અન્નાને ખભે બેસાડ્યા.

અન્નાની સૌથી મોટી સફળતા એ રહી કે ‘કાયદાઓ બનાવવાનું કામ ભલે સંસદનું હોય, પણ એ પ્રક્રિયામાં નાગરિકોની સામેલગીરી હોઇ શકે-હોવી જોઇએ’ એવું તેમના આંદોલન થકી સરકારને ભાન થયું. સામાન્ય રીતે લોકશાહી રાજકારણ પ્રત્યે ઉદાસીન એવા નાગરિકોને તે સંયત ટોળાં તરીકે સડક પર ઉતરવા પ્રેરી શક્યા, એ તેમની બીજી નોંધપાત્ર સફળતા.

ભ્રષ્ટાચાર સામે અન્નામંડળની લડત ‘વિદેશી બેન્કોમાં ઠલવાયેલાં કાળાં નાણાં’ના મુદ્દે થતા વિપક્ષી ઘોંઘાટ કરતાં વધારે મુદ્દાસર અને વાસ્તવિકતાથી પ્રમાણમાં નજીક હતી. તેમના પક્ષે લોકકારણ-રાજકારણની સમજ ધરાવતા બે-ચાર ઠરેલ સલાહકાર હોત અને કેજરીવાલ-બેદી એન્ડ કંપનીને બદલે એવા લોકોએ આંદોલનને દિશા આપી હોત તો? સંભવ છે કે અન્નામંડળ ‘સર્વશક્તિમાન જનલોકપાલ’ના મોહમાંથી અને લોકસમર્થનના કેફમાંથી ઉગરી ગયું હોત. એટલું જ નહીં, કેટલાક ખરડાને વેગ આપીને સંસદ સુધી પહોંચાડવાનો વાજબી જશ પણ લઇ શક્યું હોત. જેમ કે, ન્યાયતંત્રના ઉત્તરદાયિત્વને લગતું જ્યુડિશ્યલ એકાઉન્ટેબિલીટી બિલ, નાગરિક અધિકાર પત્ર અને તેમની ફરિયાદોના નિવારણને લગતું સિટીઝન્સ ચાર્ટર એન્ડ ગ્રીવન્સ રીડ્રેસલ બિલ અને વ્હીસલ બ્લોઅર બિલ.

પરંતુ ઊંચી શરૂઆત પછી અન્નામંડળને કામ કઢાવવાને બદલે પોતાનો કક્કો ખરો કરાવવામાં અને સરકારને નમાવવામાં વધારે રસ પડતો હોય- વધારે મઝા આવતી હોય એવું લાગ્યું. તેનું પરિણામ એ આવ્યું કે સાવ શરૂઆતમાં અન્નાએ ઉપાડેલી ઝુંબેશ માટે સહાનુભૂતિ ધરાવનારા ઘણા લોકો સમય જતાં તેમના હળવા અને પછી તો આકરા ટીકાકાર બન્યા. બાકી રહેલું કામ અન્નાના મુગ્ધ સમજણવાળા, ‘તમે અન્નાની સાથે કે સામે?’ એવું પૂછનારા, લોકપ્રિયતાની વહેતી ગંગામાં હાથ ધોઇ લેવા તત્પર, સવાયા ‘દેશપ્રેમી’ ભક્તોએ પૂરું કર્યું.

ભાવિક ભક્તોની કુસેવા
દિલ્હીના રામલીલા મેદાનમાં ચરમસીમાએ પહોંચ્યાના થોડાં અઠવાડિયાં પછી મુંબઇના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં અન્ના-આંદોલનનો લોકજુવાળ ઓસરી ગયો. આ સચ્ચાઇ જીરવવાનું ઘણા અન્નાભક્તોને અઘરૂં પડી રહ્યું છે. સત્તાવાર કાર્યકર્તાઓ વાસ્તવિકતાથી આંખમીંચામણાં કરીને, મેદાન પર હાજર લોકોની સંખ્યાથી માંડીને લોકોના ઉત્સાહ બાબતે હજુ મનગમતી કલ્પનાઓમાં રાચવા માગે છે. તેમાંથી ઘણાખરા માટે અન્નાનું અસલી મહત્ત્વ તેમણે ઉપાડેલા મુદ્દાને કારણે ઓછું ને એ મુદ્દે ટોળાં એકઠાં કરવામાં તેમને મળેલી સફળતાને લીધે વધારે હતું. એવા લોકો અન્નાનો સિતારો બુલંદ હતો ત્યારે તેેમની માગણીઓના ગુણદોષ વિશે જરાસરખો વિચાર કરવાને બદલે, તેમની બિનશરતી આરતી ઉતારીને ધન્યતા અનુભવતા હતા. હવે તે શરમાઇને મોં છૂપાવી રહ્યા છે અથવા બેશરમ બનીને, પડ્યા પછી ટંગડી ઊંચી રાખવાની વેતરણમાં છે. અન્નાની પીછેહઠને તે ‘દુષ્ટ રાજકારણીઓ સામે એક સજ્જનની હાર’ ગણાવી રહ્યા છે અને અન્નાનો મુદ્દા આધારિત વિરોધ કરનારને વઘુ એક વાર તે દુર્જન ઠરાવી રહ્યા છે. એ બિચારાઓને આટલું જ ફાવે છે.

અન્ના-આંદોલનની કદાચ સૌથી વરવી આડપેદાશ છે તેના મતલબી, ઝનૂની, ભાવિક ભક્તો. તેમને અન્ના આંદોલનનું આગળ જણાવેલું વાસ્તવિક મહત્ત્વ સમજવામાં અને તેના થકી લોકકારણ મજબૂત બનાવવામાં ઝાઝો રસ નથી. તેમાંથી ઘણા ભાજપપ્રેમી-કોંગ્રેસવિરોધી જીવોને અન્ના-જુવાળ અને એ નિમિત્તે પેદા થયેલી સરકારવિરોધી લાગણીથી મઝા પડી ગઇ. અન્ના-આંદોલન વિશે માપસર પ્રશંસા અને મુદ્દાસર ટીકા કરનાર લોકો માટે તેમણે ચુનંદાં વિશેષણ વાપર્યાં- ‘કોંગ્રેસતરફી’ ને ‘દેશદ્રોહી’ પણ કહ્યા. એ જોશમાં તેમને ખ્યાલ ન રહ્યો કે અન્નાપ્રેમના-ભ્રષ્ટાચારવિરોધના ઓઢણા તળે તેમણે સંતાડેલો ‘આઇ લવ ભાજપ’નો બિલ્લો ઉછળીને બહાર દેખાઇ રહ્યો છે. (લોકાયુક્તની નિમણૂંકથી બચવા ધમપછાડા કરનારા ગુજરાતના મુખ્ય મંત્રી વિશે અન્નામંડળના ઘણા ગુજરાતી ભક્તોને ભાગ્યે જ કંઇ કહેવાનું હતું.)

કોંગ્રેસ, ભાજપ કે કોઇ પણ રાજકીય પક્ષ સાથે હોવું એ શરમનો નહીં, વ્યક્તિગત પસંદગીનો વિષય છે. પરંતુ અન્ના-આંદોલન જેવા પ્રસંગે ઉભી થયેલા નાગરિકઝુંબેશની મોટી તકને કેવળ કોંગ્રેસવિરોધ પૂરતી સીમિત કરી દેવી અને દાવો ‘ભ્રષ્ટાચારના વિરોધ’નો કરવો એ છેતરપીંડી છે. અન્નામંડળ જ્યાં સુધી કોંગ્રેસની સરકારને અદ્ધરજીવ રાખતું હોય ત્યાં સુધી, તે જે કરે તેને ઉછળી ઉછળીને ટેકો આપવો- ચીયરલીડરી કરવી એ મૂર્ખામીની હદનું ભોળપણ અથવા નાગરિક-ચળવળનો દ્રોહ છે. અન્ના-આંદોલનના કેટલાક ઝનૂની સમર્થકોએ દર્શાવી આપ્યું કે પક્ષીય ભક્તિ અને નાગરિકદ્રોહ નાગરિક-ચળવળના નામે પણ કરી શકાય છે.

આત્યંતિક શરૂઆત પછી અન્ના આંદોલન દિશાસુધાર-કોર્સ કરેક્શન કરીને પાટે ચડવાને બદલે વઘુ ને વઘુ ફંટાતું ગયું. મોટા પાયે લોકસમર્થનને કારણે, ભૂલો સુધારવાની તેમની પાસે એકથી વઘુ તકો હતી, પરંતુ નવા-મોટા સત્તાકેન્દ્ર જેવા જનલોકપાલ વિશેનો તેમનો દુરાગ્રહ છૂટ્યો નહીં. ટોળાંનું સમર્થન હોય ત્યાં સુધી પોતાનો દુરાગ્રહ પણ સત્યાગ્રહ જેવો લાગે છે, એ સત્ય હવે ટાઢા કલેજે વિચારતાં કદાચ અન્નામંડળને સમજાય.

લડાઇ પૂરી, કામ અઘુરું
અન્નાના પક્ષે લડાઇ ભલે ગુમાવાયેલી લાગતી હોય, પણ આ પ્રશ્ન ‘આરપારની લડાઇ’નો હતો જ નહીં. એટલે તેને હાર-જીતના ખાનામાં જોવાની જરૂર નથી. જે પ્રકારના સુધારા માટે જનલોકપાલની માગણી કરવામાં આવી, એવા સુધારા લાંબા ગાળે અને સતત પ્રયાસો પછી જ શક્ય બને. એટલે હાર જો ગણવી હોય તો એ નાગરિકપક્ષની નહીં, પણ અન્નામંડળના દુરાગ્રહોની થઇ ગણાય. ‘અન્નાની પીછેહઠ એટલે નેતાઓની જીત અને લોકોની હાર’ એવું ચોકઠું બેસાડી દેવાની અન્નાભક્તોની ઉત્સુકતા સમજી શકાય એવી છે, પણ એ સ્વીકારી શકાય એવી નથી.

હવે સંસદમાં રજૂ થયેલા અને જનલોકપાલના હેતુઓ સાથે સુસંગત એવા ખરડા વિશે અન્નામંડળ અને બીજા નાગરિકજૂથો સરકાર સાથે સંવાદ સાધે એ અપેક્ષિત છે. અન્નામંડળે સમજવું જોઇએ કે તેમના સમર્થકોમાંથી ઘણાખરા જનલોકપાલની આંટીધૂંટીમાં ઉતર્યા વિના, ફક્ત ભ્રષ્ટાચારના વિરોધ માટે જોડાયા હતા. તેમની લાગણી-માગણી કેજરીવાલ એન્ડ કંપની પ્રસ્તાવિત સર્વશક્તિમાન જનલોકપાલ માટે નહીં, પણ ભ્રષ્ટાચારઘટાડો અને ફરિયાદનિવારણ માટે ‘કંઇક થવું જોઇએ’ એવી હતી અને છે.

સંસદમાં રજૂ થયેલા જ્યુડિશ્યલ એકાઉન્ટેબિલીટી બિલ, વ્હીસલ બ્લોઅર બિલ અને સિટીઝન્સ ચાર્ટર બિલમાં લોકોની લાગણી ખાસ્સી હદે સંતોષી શકાય એવી સંભાવનાઓ છે. તેમાં રહેલી કચાશો પૂરવા અન્નામંડળ સહિતનાં નાગરિકજૂથો યોગ્ય સૂચનો કરી શકે- સરકાર અને વિપક્ષો પર દબાણ આણી શકે. હજુ સીબીઆઇને સરકાર અને લોકપાલ બન્નેના પ્રભાવથી સ્વાયત્ત બનાવવાની કામગીરી બાકી છે. ત્રીજા અને ચોથા વર્ગના સરકારી કર્મચારીઓ પર દેખરેખનો અસહ્ય બોજ લોકપાલ પર નાખવાને બદલે, નાગરિક અધિકારપત્ર અને ફરિયાદ નિવારણના માળખા અંતર્ગત તેની સાથે પનારો પાડી શકાય. નીચલા સ્તરે ભ્રષ્ટાચારમાંથી પેદા થતી બિનકાર્યક્ષમતા અંગે એ કાયદો ઉપયોગી નીવડે એમ છે.

‘જનલોકપાલ’ની માગણીની એક મોટી ખોડ એ હતી કે તેમાં સત્તાનું કેન્દ્રીકરણ થતું હતું. આજે નહીં તો કાલે એ મોટા ભ્રષ્ટાચારનું ઉદ્‌ભવસ્થાન બને અને બંધારણ-લોકશાહીના મૂળભૂત હાર્દને પણ જોખમાવે. તેને બદલે જનલોકપાલમાં સમાવિષ્ટ સીબીઆઇની સ્વાયત્તતાથી માંડીને સિટીઝન્સ ચાર્ટર (નાગરિક અધિકારપત્ર), ગ્રીવન્સ રીડ્રેસલ (ફરિયાદ નિવારણ), જ્યુડિશ્યલ એકાઉન્ટેબિલીટી (ન્યાયતંત્રની જવાબદેહી) જેવા મુદ્દા માટે જુદી જુદી વ્યવસ્થાઓ થાય એ વધારે ઇચ્છનીય અને વધારે વ્યવહારુ રસ્તો ગણાય. પરંતુ અન્નામંડળની અડિયલ માનસિકતાનો વઘુ એક નમૂનો ત્યારે જોવા મળ્યો, જ્યારે સરકારે સંસદમાં અલગથી દાખલ કરેલા સિટીઝન્સ ચાર્ટર બિલને અન્નાએ ગણકાર્યું નહીં. તેમણે એ બાબતને જનલોકપાલના તાબામાં મૂકવાનો દુરાગ્રહ ચાલુ રાખ્યો.

છેવટે રાજકારણમાં
અત્યાર સુધીની બિનરાજકીય ઝુંબેશ પછી અન્નામંડળે જાહેર કર્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણીઓમાં તે કોંગ્રેસ સામે અને બે વર્ષ પછી આવનારી લોકસભા ચૂંટણીઓમાં યુપીએ સરકાર સામે પ્રચાર કરશે. ‘જનલોકપાલનો વિરોધ કરનાર સૌ પક્ષો સામે પ્રચાર કરવો’ એવા અગાઉના દાવાને બદલે વાત હવે માત્ર કોંગ્રેસના વિરોધ પર આવીને અટકી છે. એ મોટા વિરોધાભાસને બાદ કરતાં, તેમનું ભાવિ રાજકીય વલણ જાહેર થાય એ વધારે સારું છે.

અન્નામંડળ કોંગ્રેસનો વિરોધ કરીને, કોઇ રાજકીય પક્ષ કે મોરચાના પલ્લામાં પોતાનું વજન મૂકવા ઇચ્છે અને બદલામાં તેની પાસેથી અમુક પગલાંની બાંહેધરી મેળવતો હોય તો સામાન્ય નાગરિકોને ભાજપ-કોંગ્રેસથી કશો ફરક પડતો નથી. કેજરીવાલ એન્ડ કંપની આગામી ચૂંટણીમાં નવો પક્ષ રચે અને જનલોકપાલ સાથે જોડાયેલા મુદ્દામાંથી અડધા મુદ્દા પણ હાથમાં લેવાનું- એ મુદ્દે વિધાનસભા-લોકસભામાં લડત આપવાનું વચન આપે, તો તેમની કાર્યપદ્ધતિ સામે વાંધા ધરાવતા વિરોધીઓ પણ તેમને મત આપવાનું પસંદ કરે. કારણ કે ત્યારે એ ઉદ્ધારકની નહીં, પણ જેવા છે તેવા પ્રતિનિધિની ભૂમિકામાં આવે છે. તેમની સરખામણી બીજા પક્ષોના ઉમેદવાર સાથે કરી શકાય છે અને તેમાં એમને બે આંગળ ઊંચા મૂકી શકાય છે.

પરંતુ રાજકારણની બહાર રહીને, પોતાના ‘જનઆંદોલન’નો પાક ભૂતના ભાઇ પલિત જેવો બીજો કોઇ રાજકીય પક્ષ લણી જાય એવી રીતે એમને ઝુંબેશ ચલાવવી હોય, જનલોકપાલની સર્વસત્તાધીશ-સમાંતર બાબુશાહી તેમને ઊભી કરવી હોય અને મૂળ હેતુ સુધી પહોંચવાને બદલે પોતાનો કક્કો ખરો કરવાનો આનંદ લેવો હોય, તો તેમની ‘પીછેહઠ’થી આપણે દુઃખી થવું જોઇએ? કે નવી, સર્વસમાવેશક, આત્યંતિકતા વગરની નાગરિક પહેલ માટે સજ્જ થવું જોઇએ?

Monday, January 02, 2012

700મી પોસ્ટઃ વાત વિશિષ્ટ મૈત્રીની

બ્લોગની 700મી પોસ્ટમાટે શું કરવું, એનો થોડો વિચાર કર્યા પછી ‘મૈત્રીનો સૂર્ય’ (સંપાદકઃ સુરેશ દલાલ)માટે લખેલો એક લેખ થોડા ફેરફાર અને ઘણી (પુસ્તકમાં નહીં આવેલી) યાદગાર તસવીરો સાથે અહીં મૂકવાનું મન થયું. આ પ્રસંગો મારા પત્રકારત્વમાં આવતાં પહેલાંના છે. જેમની વાત કરવાની છે, તેમને રૂઢ અર્થમાં ‘મિત્રો’ કહેવાય કે કેમ ખબર નથી, ફક્ત ત્રણ વાર,ત્રણે જુદાં જુદાં ઠેકાણે અમે મળ્યા છીએ. પણ અમારી મુલાકાત વખતે છલકાયેલા સૂર અને તેની સાથે વીંટળાયેલી લાગણીની ઉષ્માને કારણે, એ સંબંધને મિત્રાચારી કહેવાનું- એ રીતે યાદ કરવાનું બહુ ગમે છે.
***
મોટા ભાઇ બીરેન અને આઠ-નવ મિત્રો (મોટા ભાગનાં દંપતિ) સાથે 1993ની મધ્યમાં ઉદેપુર ફરવા ગયો હતો.ત્યારે બી.એસસી. કેમિસ્ટ્રીનો અભ્યાસ પૂરો થઇ ચૂક્યો હતો. અભ્યાસની સમાંતરે બંધાયેલો સંગીત, કળા અને વાચનના સંસ્કારનો કાચો પોપડો પાકો થવાની રૂપાંતર પ્રક્રિયા ત્યારે ચાલતી હતી. ઉદેપુરમાં ‘સહેલીયોંકી વાડી’ને બદલે ‘પપેટ થિએટર’માં વધારે રસ પડતો હતો. એ જાતના ધક્કાથી અમે સૌ ઉદેપુરથી થોડે દૂર આવેલા ‘શિલ્પગ્રામ’ ગયા.

‘શિલ્પગ્રામ’/Shilpgram વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટરે ઊભું કરેલું વિશાળ સંગ્રહાલય છે. ત્યાં પશ્ચિમ ભારતનાં ગામડાંમાં જોવા મળતા પરંપરાગત મકાનોનાં પૂર્ણ કદનાં મોડલ ઊભાં કરવામાં આવ્યાં છે. એ પ્રદેશોની સંસ્કૃતિની ઝલક પણ ત્યાં આવતા પ્રવાસીઓ સમક્ષ પીરસવામાં આવે છે. અમે ગયા ત્યારે રાજસ્થાની કળાકારોનું એક વૃંદ ત્યાં મોજુદ હતું. એ વખતે ઐશ્વર્યા રાય પર ‘નીમ્બુડા નીમ્બુડા’ પિક્ચરાઇઝ થવાનું બાકી હતું. રાજસ્થાની સંગીત/Folk Music Of Rajasthan ફેશનેબેલ બન્યું ન હતું. પણ કલાકારોના બુલંદ સ્વર અને સંગીતના સૂરતાલથી ખેંચાઇને અમે ત્યાં ગયા અને ત્યાં જ બેસી પડ્યા.
(શિલ્પગ્રામમાં- ડાબેથી બીજા સતારખાન)
બેઠા એટલે ગીતની મહેફિલ શરૂ થઇ.હાર્મોનિયમ, ઢોલક, ‘કમઇચા’ તરીકે ઓળખાતું તંતુવાદ્ય, કરતાલ (કે ખડતાલ) અને ચાર પુરુષ કળાકારોનો સ્વર. રાજસ્થાની ગીત અમે પહેલી વાર સાંભળ્યાં. તેમાંથી છલકાતાં મધુરતા, ઠેકો, કરતાલનાં કરતબ, ઢોલકની થાપ, કળાકારોના દેહાતી વજન ધરાવતા અવાજ- આ બધું શિલ્પગ્રામના ખુલ્લા આકાશ નીચે. ભરબપોરે નશો ચડવા લાગ્યો. અમને ઝૂમતા જોઇને કળાકારોને જોશ ચડ્યું. એ બમણા ઉત્સાહથી ગીત ગાવા લાગ્યા. ‘નીમ્બુડા નીમ્બુડા’ અમે પહેલી વાર ત્યારે સાંભળ્યું અને દિવસો સુધી એ મનમાં ગુંજતું રહ્યું.
થોડાં ગીત સાંભળ્યા પછી અમે ઊભા થવાની વાત કરી. હજુ આખું શિલ્પગ્રામ જોવાનું બાકી હતું, પણ વૃંદના એક કળાકાર સતારખાને આગ્રહપૂર્વક કહ્યું, ‘યે હમારી ઓરસે’ અને ‘દમાદમ મસ્ત કલંદર’ શરૂ થયું.
(ડાબેથીઃ ઉર્વીશ કોઠારી, બકુલ જોશી, હાર્મોનિયમ પર સતારખાન, સાથીદાર, રાજુ પટેલ, કામિની કોઠારી)
ગીત પૂરું થયા પછી ઘણા સમય સુધી તેની મસ્તી ઓસરી નહીં. કળાકારોની વિદાય લઇને અમે આગળ વધ્યા ત્યારે કલ્પના પણ ન હતી કે સતારખાન સાથે ફરી મુલાકાતનો જોગ થશે.
***
એ જ વર્ષે (1993) ઓક્ટોબરમાં અમે સપરિવાર અને ખરા અર્થમાં મિત્રમંડળ સહિત શિમલા-કુલુ-મનાલી/ Shimla-Kullu-Manali નો પ્રવાસ ગોઠવ્યો. શિમલાથી મનાલી જતાં વચ્ચે એક રાત કુલુમાં રોકાણ હતું. નવરાત્રિનો સમય હતો. કુલુના વિખ્યાત ‘દશેરા ઉત્સવ’ની શરૂઆત પણ એ જ રાતથી થવાની હતી.

ઢળતી સાંજે અમે કુલુ પહોંચ્યા. એક રાત પૂરતો હોટેલની રૂમનો બંદોબસ્ત કરવાનો હતો. બે-ત્રણ મિત્રો જુદી જુદી દિશામાં રૂમની તપાસ કરવા ગયા. બીરેન પણ તેમાં હતો. તપાસ દરમિયાન એક જગ્યાએ રૂમના અધખુલ્લા બારણામાંથી બીરેનને સંગીતના સૂર સંભળાયા. જિજ્ઞાસાથી તેણે રૂમમાં ડોકિયું કર્યું. અંદર રાજસ્થાની લોકકળાકારો બેઠા હતા. એમાં મોટા ભાગના જુવાનિયા હતા અને એક ચહેરો....એક ચહેરો બરાબર સતારખાન જેવો લાગતો હતો. નજરો મળી. થોડી ક્ષણો પછી બીરેને નામો યાદ રાખવાની તેની અદભૂત ક્ષમતા પ્રમાણે પૂછ્યું, ‘સતારખાન?’
સતારખાને વળતા ઉમળકાથી પૂછ્યું, ‘શિલિપગ્રામ?’

‘તમે અહીં ક્યાંથી?’ પ્રકારની પૃચ્છા થઇ.તેમાંથી જાણવા મળ્યું કે કુલુમાં દશેરા ઉત્સવની પહેલી રાત્રે રાજસ્થાની લોકસંગીતનો કાર્યક્રમ હતો. તેમાં ભાગ લેવા માટે સતારખાન અને તેમના બે સાળા સમંદરખાન-સાગરખાન માગણિયાર/ Sagar and Samandar Manganiyar, બીજા બે સાથીદારો સાથે રાજસ્થાનથી કુલુ આવ્યા હતા. સતારખાને સમંદર-સાગરની ઓળખાણ કરાવી. લોકકળાકાર તરીકે દેશવિદેશ ફરી ચૂકેલા ભાઇઓ તેમની કળામાં પારંગત હતા.સમંદર ગાવામાં ને સાગર ઢોલક વગાડવામાં. તેમના પિતા સિદ્દીક માંગણિયાર/Siddque Manganiyar સંગીતનાટક અકાદમીના પુરસ્કારથી સન્માનિત અને લોકસંગીતમાં જાણીતું નામ હતા.

બીરેને શાંતિથી મળવાના ઉત્સુકતાભર્યા વાયદા સાથે તેમની રજા લીધી, અમારી પાસે આવ્યો અને ખુશખબર આપ્યા. રાત્રે અમે સરકારી દશેરા ઉત્સવમાં ગયા. ત્યાં સમંદર-સાગરનાં માંડ બે-ત્રણ ગીત હતાં. એ પૂરાં કરીને અમે સાથે કાર્યક્રમમાંથી નીકળી ગયાં અને એમના ઉતારે પહોંચ્યાં. એમનો ઉતારો એક નિશાળમાં હતો. તેનું મકાન બરાબર નદીકિનારે હતું. કુલુમાં સાંકડા પટમાં પુરજોશ વહેતી બિયાસ નદીના કાંઠે નિશાળનો પાછળનો ભાગ અને ઓટલો પડતાં હતાં. વાતાવરણમાં મોડી સાંજની બેઠ્ઠી ઠંડક પથરાયેલી હતી. એ નિશાળના એક રૂમમાં મહેફિલ જામી. એક પછી એક રાજસ્થાની લોકગીતોનો દૌર શરૂ થયો. સ્થિતિ એવી થઇ જાણે આ કળાકારો સરકારી કાર્યક્રમ માટે નહીં, પણ અમારા માટે જ રાજસ્થાનથી હિમાચલ પ્રદેશ આવ્યા હોય.
(ઢોલક પર રમજાનચાચા, સાગર અને હાર્મોનિયમ પર સતારખાન)
(સ્કૂલના બંધ રૂમમાં મિત્રમંડળી સાથે વડીલમંડળીઃ ડાબે ટોપીવાળો સાગરખાન)
સાવ અજાણ્યા પ્રદેશમાં અમે અને અમારા રાજસ્થાની મિત્રો એક જ રાત માટે આવ્યા હોઇએ અને મેળાના માહોલમાં વિખૂટા પડવાને બદલે મળી જઇએ, એ રોમાંચ ઓછો હોય તેમ રાજસ્થાની સંગીતની મસ્તી તેમાં ઉમેરાઇ. રાત્રે સમારંભના સ્થળેથી કળાકારો સાથે ચાલતાં તેમના ઉતારા પર આવ્યા ત્યારે તેમણે અમને એમના રાજસ્થાની સાફા પહેરાવ્યા. તસવીરો લેવાઇ.
(ડાબેથીઃ બિનીત મોદી, સાગરખાન, સમંદરખાન, બીરેન, ચાચા
કામિની, સતારખાન, પરેશ પ્રજાપતિ. પાછળ વહેતી બિયાસ )
ગપ્પાંગોષ્ઠિ. ગીતસંગીત. એ મહેફિલ પર પૂર્ણવિરામ મૂકવાનું મન થતું ન હતું. કળાકારોની પણ એવી તૈયારી હતી કે તમે બેસતા હો તો સવાર પાડી દઇએ અને અહીંથી સીધા જ રાજસ્થાન જવા નીકળી જઇએ. પણ સાથે વડીલો હતા. એટલે બાર-સાડા બારે ગીતસંગીત અટકાવ્યું. અમે લોકો જવા નીકળ્યા એટલે એ લોકો થોડે સુધી મૂકવા આવ્યા. મનમાં આનંદનાં મોજાં ઉછાળા મારતાં હતાં. જરાય અપેક્ષા ન રાખી હોય એવા કળાકારો સાથેની મુલાકાતમાં જાણે વર્ષોજૂની દોસ્તી હોય એવો સ્નેહ છલકાય, તેને શું ગણવું? શું નામ આપવું? અને નામ પણ શા માટે આપવું?
***
કુલુમાં રાજસ્થાની મિત્રોની યાદગાર મહેફિલની તસવીરો જોઇને અમે તેનો આનંદ વાગોળતા હતા અને મિત્રો સાથે ફરી ક્યારે મુલાકાત થશે એ વિચારતા હતા. અચાનક, 1995માં એક દિવસ સમંદરખાન માંગણિયારનો ફોન આવ્યો. એ લોકોને એક કાર્યક્રમ માટે દીવ આવવાનું હતું. ‘ગુજરાત જઇએ છીએ તો મિત્રોને મળતા આવીએ’ એવી તેમની લાગણી હતી. અમે તેમને દીવથી અમદાવાદ આવવા માટે માર્ગદર્શન આપ્યું. કુલુની મહેફિલમાં બિનીત (મોદી)/Binit Modi સામેલ હતો. તે અમદાવાદમાં કળાકારોને કંપની આપે અને પછી મહેમદાવાદ લઇ આવે એવું નક્કી થયું. એ વખતે બીરેન આઇ.પી.સી.એલમાં કામ કરતો હતો, પણ મારી કારકિર્દીનું ઠેકાણું ન હતું. બિનીત ડેન્ટલ ચેર બનાવતી કંપની ‘સુઝડેન્ટ’માં કામ કરતો હતો, જ્યારે હું ‘નવનીતલાલ એન્ડ કંપની’માં ક્લાયન્ટ સર્વિસિંગમાં ટ્રેની તરીકે લમણાં લેતો હતો. અમારા બન્નેનો પગાર ત્રણ આંકડામાં હતો. બીરેનનો પગાર પ્રમાણમાં સારો, પણ એની આવક ઘરનો એકમાત્ર આધાર હતી. એ બધું બાજુ પર રાખીને રાજસ્થાની મિત્રોના સ્વાગતમાં કચાશ ન છોડવી એવું અમે નક્કી કર્યું.

અમારા પરિચયમાં નિમિત્ત બનનાર સતારખાન આ વખતે આવ્યા ન હતા. સમંદરખાન-સાગરખાન સાથે એક છોકરો જમીલખાન હતો. એ ગાવામાં અને ઢોલક વગાડવામાં પણ સાથ આપતો હતો. ત્રણેની મંડળીને અમે ‘વિશાલા’માં પાર્ટી આપવાનું નક્કી કર્યું. કુલુની મહેફિલમાં સામેલ મિત્રો પરેશ પ્રજાપતિ/Paresh Prajapati, બિનીત કે હું-અમારામાંથી કોઇની સ્થિતિ ‘વિશાલા’માં જવાય એવી ન હતી. હું ઘરેથી થોડા રૂપિયા લઇને ગયો હતો. એવું જ બીજા બન્ને મિત્રોનું. અમે ત્રણે ‘વિશાલા’ની બહાર ઊભા રહીને એક વાર અમારી ત્રણેની ‘રકમો’ તપાસી. ‘બધું બરાબર છે. વિશાલામાં વાસણ ઘસવાનો વારો નહીં આવે’ એવી રમૂજી-કમ-ગંભીર ખાતરી પછી અમે અંદર ગયા. રાજસ્થાની મિત્રોને ત્યાં મઝા આવી. ‘વિશાલા’માં ગવાતાં રાજસ્થાની ગીત તેમણે સાંભળ્યાં. એ ગાયકો સાથે થોડી વાતચીત કરી. રાત્રે છૂટા પડતી વખતે મહેમદાવાદ/Mahemdavad કાર્યક્રમ ગોઠવાયો.

બીજે દિવસની સાંજે એ લોકો મહેમદાવાદ આવ્યા. અમારા માટે એ ઉત્સવનો પ્રસંગ હતો. બીરેનના લગ્નમાં અમે જરાસરખી ધામધૂમ કરી ન હતી, પણ રાજસ્થાની મિત્રોની કાર્યક્રમ નિમિત્તે અમે મહેમદાવાદના ઘણા મિત્રોને આમંત્રણ આપ્યાં. ગાંધીનગરથી બીરેન મહેતા/Biren Mehta આવ્યો હતો. બિનીતે તેનાં કેટલાંક કુટુંબીજનોને કહ્યું હતું. એ પણ અમદાવાદથી આવ્યાં હતાં. અમદાવાદમાં એ વખતે બીજું મિત્રવર્તુળ ન હતું. રજનીકુમાર પંડ્યા સાથે આત્મીયતા થઇ હતી. તેમને અનુકૂળ ન હતું, પણ ગીતસંગીતના રેકોર્ડિંગ માટે બિનીત તેમનું રેકોર્ડર લઇ આવ્યો હતો. કાર્યક્રમ માટે બીરેન-કામિનીએ ત્રણ રૂમ જેટલી લંબાઇ ધરાવતો (જૂના) ઘરનો ત્રીજો માળ સજાવ્યો હતો.
સમંદરખાન સાથે ઢોલક પર જમીલ
સાંજે મહેમાન આવવાના શરૂ થયા. રાજસ્થાની મિત્રો પણ આવી ગયા. રાત્રે ઘરમાં બધાની જમવાની વ્યવસ્થા હતી. કળાકારોએ ‘કાર્યક્રમ પછી જમીશું’ એવું કહ્યું. બાકીના સૌ પરવારીને ઉપરના માળે ગયાં. ત્યાં તખતો સજાવેલો હતો. ગણ્યાંગાંઠ્યા લોકો સિવાય બાકીના લોકોને રાજસ્થાની સંગીતનો કશો પરિચય ન હતો.પણ સમંદરે બે હાથમાં કુલ ચાર લાકડાની છૂટ્ટી પટ્ટીઓ (કરતાલ) સાથે ગાવાનું શરૂ કર્યું એટલે વાતાવરણ બંધાઇ ગયું.

વિવિધ મુદ્રાઓ અને કરતબોમાં કરતાલ વગાડવાની અને સાથોસાથ ગાવાની સમંદરખાનની કમાલથી સંગીતની સાથે બહુ લેવાદેવા ન ધરાવતાં મિત્રો-મિત્રપત્નીઓ પણ મુગ્ધ થઇ ગયાં. એક મિત્રે કહ્યું, ‘પહેલેથી ખબર હોત કે આવો પ્રોગ્રામ છે તો વિડીયો કેમેરા લઇને આવત.’

વડોદરાથી બીરેનની સાથે ફાઇન આર્ટસમાં ભણતા બે બંગાળી મિત્રો અજય શર્મા અને રાજેશ શર્મા પણ આવ્યા હતા. રાજસ્થાની ગીતોની રમઝટથી વાતાવરણમાં વહેતી થયેલી વીજળીને કારણે બન્ને બંગાળી મિત્રો પણ ગાવા ઉશ્કેરાયા. તેમણે બંગાળનું એક લોકગીત ગાયું. એટલે સમંદરખાને એ જ ધૂન અને એ જ મીટર ધરાવતું એક રાજસ્થાની ગીત લલકાર્યું. પછી સમંદર-સાગર બંગાળી અને રાજસ્થાની શબ્દોનું ફ્યુઝન કરીને ગાવા લાગ્યા.
(ડાબેથીઃ સાગરખાન, રાજેશ શર્મા, અજય શર્મા, સમંદરખાન, જમીલખાન)
એવી રીતે ગુજરાતી ગીતનો પણ વારો આવી ગયો. ક્યાંકથી ભૂપેન હઝારિકાનું ‘દિલ હૂમ હૂમ કરે ‘  આવી ગયું ને સંગીતની ગલીમાં મનમોજથી ફરતાં ‘હો ગઇ આધી રાત અબ ઘર જાને દો’ પણ અડફેટે ચડી ગયું. એકાદ ગીતમાં સમંદર-સાગરે અમારી દોસ્તીની અને એ વખતે સાવ નાની એવી બીરેનની દીકરી શચિની વાત સાંકળી લીધી.

સમય વીતતો હતો, પણ કોને પરવા હતી? રાત ચડતાં થોડા મિત્રોએ વિદાય લીધી. છતાં ચાળીસ-પિસ્તાળીમાંથી પંદર-વીસ જણ બેઠા હતા. સમંદર-સાગર થાક્યા હોય એવું લાગતું ન હતું. પરોઢિયે ચારેક વાગ્યે મહેફિલનું સમાપન થયા પછી એ લોકો નીચે જમવા આવ્યા. તેમના ચહેરા પર ઉંઘનું નામોનિશાન ન મળે. જમીને સાગરખાન મિત્ર દિલીપ પંચાલ સાથે મહેમદાવાદની લટાર મારવા નીકળ્યા. નજીકના મંદિરમાં પરોઢિયાનું કીર્તન ચાલતું હતું, ત્યાં સાગરખાને થોડાં ભજન ગાયાં.

બીજા દિવસે ફરી કેટલાક મિત્રો ભેગા થયા. મસ્તીના આલમમાં ગીત ઓછાં પડતાં હોય તેમ ગીતોની સાથે ડાન્સ શરૂ થયો. ઘરના આગળના(ડ્રોઇંગ) રૂમમાં સમંદર, સાગર, બીરેન, પરેશ, નીલેશ પટેલ, બન્ને બંગાળી મિત્રો- બધા એકબીજાનો હાથ પકડીને ગાતા જાય અને ધમાકાભેર સ્ટેપ્સ લેતા જાય. નીલેશને બાદ કરતાં બીજા કોઇને અગાઉ આમ મન મૂકીને આવડે એવું નાચતાં જોયા ન હતા. ઘરમાં આ પહેલાં આટલી ધમાલમસ્તી ક્યારે થઇ હશે કોને ખબર? પણ એ દિવસની- એ સંગતની વાત જુદી હતી.

બપોરે છૂટા પડવાનો સમય આવ્યો. અમારા અને એમના મોઢે એક જ સવાલ હતોઃ ‘હવે ક્યાં અને ક્યારે મળવાનું થશે?’ તેનો જવાબ પણ સરખો હતોઃ ‘મળી જઇશું ક્યાંક. આવી જ રીતે.’ અમારા પરિચયને દોસ્તીમાં ફેરવાવામાં મુલાકાતોની સંખ્યા, સાથે વીતાવેલો સમય, પરિચયનો સમયગાળો- આ બધું ગૌણ હતું. આકસ્મિક સંજોગોમાં અણધાર્યા સ્થળે મળવું અને એકબીજા સાથે જુગજૂની દોસ્તી હોય તેમ, વચ્ચે વીતેલો સમય ઠેકીને સીધું અનુસંધાન સાધી લેવું, એ અમારી મૈત્રીનું વણલખ્યું બંધારણહતું.
(15-1-94નો એક પત્ર જે સમંદરે કોઇની પાસે સારા અક્ષરે લખાવ્યો હશે.
નીચે પોતાના અક્ષરમાં નોંધ છે કે 'સાગરને છ મહિના પેરીસ મોકલું છું.
પછી હું મંડળી સાથે જઇશ. તમારે કંઇ મંગાવવું હોય તો લખશો.')
મહેમદાવાદની મહેફિલ પછી થોડા સમય સુધી સમંદર-સાગર સાથે પત્રસંપર્ક ચાલુ રહ્યો..ટીવી પર બે-ત્રણ વાર સમંદરખાનની ગાયકીની ઝલક જોવા-સાંભળવા મળી. તેમની કળાનો ઉપયોગ મુખ્યત્વે શો-પીસ તરીકે થતો હોવાથી આખેઆખો કાર્યક્રમ તેમનો હોય એવું ભાગ્યે જ બને. પરંતુ એ વાત થઇ જાહેર કાર્યક્રમની. અમારી મુલાકાતોમાં વાતો ઓછી ને સંગીત વધારે. એ દિલથી ગાઇને પોતાનો પ્રેમ ઢોળે ને અમે દિલથી સાંભળીને તેનો પ્રતિસાદ આપે એટલે દોસ્તીની સર્કિટ પૂરી.

1995માં થયેલી અમારી મુલાકાતને હવે 16 વર્ષ થયાં. છતાં હજુ બહારગામ જવાનું થાય ત્યારે મનમાં ઊંડે ઊંડે એવી આશા રહે છે કે હમણાં કોઇ ખૂણેથી સમંદર-સાગર પ્રગટશે અને સ્થળકાળની પરવા કર્યા વિના અમારી દોસ્તી સૂરમાં ઢળીને વહેવા લાગશે.