Sunday, October 23, 2022

મહેફિલ હેમંતકુમાર અને વી. બલસારાની

ગીતો માણતો થયો ત્યાં સુધીમાં ગમતા ગાયકો-સંગીતકારોમાંથી મોટા ભાગના સિધાવી ગયા હતા. એ અર્થમાં ક્યારેક લાગે કે હું મોડો પડ્યો. બાકી, તેમને મળી શકાયું હોત. કદાચ કોઈક રીતે, તેમની એકાદ અનૌપચારિક મહેફિલમાં બેસવા મળ્યું હોત અને આજીવન યાદ રહી જાય એવી રસવર્ષામાં તરબોળ થયો હોત. 

તે વસવસો જરાતરા હળવો થાય એવી કેટલીક મહેફિલોમાં બેસવા મળ્યું, એને જીવનની ચરમ સફળતાઓમાં ગણું છું. 1992 કે 1993માં ફિલ્મસંગીતના ગુરુ નલિન શાહ સાથે પૂના જવા મળ્યું. ઉંમર માંડ એકવીસ-બાવીસની. શાસ્ત્રીય સંગીતમાં સમજ ત્યારે પણ ન પડે ને હજુ પણ નથી પડતી. છતાં, ફિલ્મસંગીતમાં બીરેન ને હું ઘાયલ. એ અવસ્થા અને માનસિકતામાં, પૂનાની એક સાંજે, સંગીતકાર રામ કદમના ઘરે મહેફિલ જામી. 

નલિનભાઈ, તેમના એલઆઇસીના યુવાન મિત્ર રણજિત કુલકર્ણી, બીજા એકાદ ભાઈ હતા અને હું. આટલા જ લોકો. રામ કદમે શાંતારામની મરાઠી ફિલ્મ 'પિંજરા' માં આપેલું સંગીત બહુ જાણીતું બન્યું હતું. પણ તે સાંજની મહેફિલ રામ કદમના સંગીત વિશે નહીં, મુખ્યત્વે 1940ના દાયકાના સંગીત વિશેની હતી. રામ કદમ પેટી (હાર્મોનિયમ) લઈને બેઠા હતા. અમે તેમને વીંટળાઈને બેઠા. 

રામ કદમે થોડા વખત માટે 1940ના દાયકાના વિખ્યાત સંગીતકાર-ગાયક રફીક ગઝનવી સાથે કામ કર્યું હતું. રફીક ગઝનવી વિશે મંટોએ લાંબું પ્રકરણ લખ્યું છે. (દસ્તાવેજ ભાગ-5, પાનાં 95-114) પણ ત્યારે એ વાંચ્યું ન હતું. મનમાં રફીક ગઝનવીની ઓળખ જૂની 'લૈલા મજનૂ'ના સંગીતકાર તરીકેની હતી. અમારી વ્યાખ્યા પ્રમાણેની 'જૂની' એટલે 1976ની નહી, 1945ની. મદન મોહનની નહીં, રફીક ગઝનવીની. તેનાં કેટલાંક ગીતની કેસેટ નલિનભાઈ પાસેથી મળી હતી અને તે બહુ ગમ્યાં હતાં. જા રહા હૈ કારવાં યે ઝિંદગી કા કારવાં, તુમ્હારી જાને તમન્ના સલામ કરતી હૈ-- જેવાં ગીત આજે પણ સાંભળીને રોમાંચ થાય છે. 

એ ફિલ્મમાં રફીક ગઝનવીએ પોતે એક ગીત ગાયું હતું, 'ઓ જાનેવાલે રાહી, મુઝકો ન ભૂલ જાના'. તેની ધૂન જરા પેચીદી હતી. ગાવામાં શાસ્ત્રીય ઉસ્તાદી માગી લે એવી. રામ કદમે તેમના હાર્મોનિયમ પર એ ગીત છેડ્યું અને સાથે, કેવળ સૂર પુરાવવા પૂરતું, ગાવાનું શરૂ કર્યું. ગાતા જાય, હાથ પેટી પર ફરતો જાય અને વચ્ચે વચ્ચે ગાવાનું રોકીને, એ ગીતમાં રફીક ગઝનવીએ કયા સૂર ક્યાં ને શા માટે લગાડ્યા છે, તેની વાત કરતા જાય. સાંભળીને એવું લાગે, જાણે બસ, દુનિયામાં બધું અટકી જાય ને આ ચાલ્યા જ કરે...ચાલ્યા જ કરે...

ગીતની વાત થાય એટલે શબ્દોની પણ ચર્ચા થાય. ગીતની બીજી લીટી હતી, 'મહમિલ કો જરા રોકો, સુન લો મેરા ફસાના'. તેમાં લોકજીભે 'મહમિલ'ને બદલે 'મહફિલ' ચડેલું. પાછી રોકવાની વાત. એટલે મહેફિલ રોકવાનું બંધ બેસે. તે વખતે નલિનભાઈએ કહ્યું કે મહમિલ એટલે ડોલી. લૈલા ડોલીમાં જઈ રહી છે અને મજનુ તેને થોભવા કહે છે. (આ લખતી વખતે મહમિલનો અર્થ તપાસી જોયો. ઊંટ પર મુકવાની અંબાડી અથવા ડોલી, જેમાં સ્ત્રીઓ બેસે છે.)

બીજી સાંજે રામ કદમને ફરી મળવાનું હતું. મેં નલિનભાઈને લગભગ દુરાગ્રહ કરીને એ બેઠકના રેકોર્ડિંગની વ્યવસ્થા માટે કહ્યું. તેમણે મહાપરાણે એકાદ પ્લેયર-કમ-રેકોર્ડરનો બંદોબસ્ત કર્યો. પણ પહોંચ્યા પછી જામનો દૌર શરૂ થયો. નલિનભાઈએ આગલા દિવસનો તંતુ આગળ વધારવા પ્રયાસ કર્યો, ત્યારે રામ કદમે હાથમાં પકડેલો પ્યાલો બતાવીને કહ્યું, "આને સ્પર્શ્યા પછી હું પેટીને અડતો નથી."

***

'સેહરા', 'ગીત ગાયા પથ્થરોંને' જેવી ફિલ્મોમાં યાદગાર ગીતો આપનાર, વિસરાયેલા અને બેહાલીમાં જીવતા સંગીતકાર રામલાલને 2003માં મળવાનું થયું. અઢી-ત્રણ કલાકની મુલાકાતમાં જીવનચરિત્રાત્મક વિગતો ઉપરાંત ગીતોની અને જુદાં જુદાં ગીતોમાં તેમણે વગાડેલી શરણાઈની વાત થઈ. ત્યારે તેમણે 'સેહરા'નાં ગમતાં ગીતો વિશે, તેમાં વાગેલાં વાદ્યો અને વાદ્યકારો વિશે થોડી વાત કરી હતી અને તે ગીતો પોતે ગાઈ પણ બતાવતા હતા.  એક ઓરડીમાં રહેતા એ સંગીતકારની સાથે મહેફિલ તો થઈ ન કહેવાય, પણ જ્યારે ગીતોની વાત ચાલતી અને તે ગાતા હતા, ત્યારે આસપાસની ઘેરી કરુણતા બે ઘડી વિસારે પડી જતી હતી. 

થોડાં વર્ષ પછી, રજનીકુમાર પંડ્યાના પ્રયાસોને કારણે, વિખ્યાત ભજનગાયિકા જુથિકા રોયની આત્મકથાનું ગુજરાતી પ્રકાશન અને તેમનું સન્માન અમદાવાદમાં શક્ય બન્યાં. કાર્યક્રમમાં જુથિકા રોય બે-ત્રણ ગીત ગાવાનાં હતાં. તેની તૈયારી વખતે અમે થોડા લોકો સાથે હતા. તેમાં મુંબઈસ્થિત સંગીતકાર-જાણકાર સંગીતપ્રેમી તુષાર ભાટિયા પણ હતા. જુથિકા રોયનો અવાજ સાવ ખળભળી ગયો હતો. છતાં, તે જુથિકા રોય હતાં. તુષાર ભાટિયા સિતાર પર 'મને ચાકર રાખોજી'નો અંતરો વગાડતા હતા ને સૂરમાં ક્યાંક ચૂક થઈ કે તરત જુથિકા રોયે તેમના નિર્મળ સ્મિત અને ભારે બંગાળી છાંટ ધરાવતા ઉચ્ચાર સાથે, એટલો ભાગ ગાઈને સુધાર્યું.  

સંગીતકાર અજિત મર્ચંટ સાથે પહેલી જ મુલાકાતથી કૌટુંબિક આત્મીયતા થયા પછી, તેમના ઘરે તે વગાડતા અને ગાતા હોય, કોઈ શબ્દ ભૂલે અને નીલમકાકી સામે જુએ એટલે કાકી તરત પૂર્તિ કરે, એવી અનેક મિની મહેફિલો થઈ. 

ફિલ્મસંગીતથી જરા અલગ, પણ મહેફિલરસની રીતે જરાય ઉતરતી નહીં, એવી મહેફિલો રાજસ્થાની લોકગાયક સમંદરખાન માંગણીયાર અને તેમના સાથીદારો સાથે બેસીને માણવા મળી છે. પહેલી વાર રાજસ્થાનના ઉદેપુર પાસે આવેલા 'શિલ્પગ્રામ'માં, પછી કુલ્લુ (મનાલી)માં નદી કાંઠે આવેલી એક નિશાળમાં તેમને અપાયેલા ઉતારે મોડી રાત સુધી, ત્યાર પછી 1995માં મહેમદાવાદના ઘરે અને વીસેક વર્ષ પછી ફરી મહેમદાવાદના ઘરે. તે મહેફિલોનો અને તેમાં રેલાયેલા ફ્રી સ્ટાઇલ સંગીતનો કેફ દિવસો સુધી મન પર છવાયેલો રહ્યો છે અને હજુ પણ એ યાદ કરવાની જ વાર, એટલો હૈયાવગો છે. 

***

ઉપર જણાવેલી અને જેનો ઉલ્લેખ ચૂક્યો હોઈશ એવી એ બધી મહેફિલોને જાનદાર અને આજીવન યાદગાર બનાવે એવાં બે મુખ્ય તત્ત્વોઃ સંગીત અને અનૌપચારિકતા. એટલે જ, યુટ્યુબ પર ધીમે ધીમે સામગ્રી મુકાવા લાગી, ત્યારે આવી ચીજોની સતત શોધ રહેતી હતી. તેમાં એક વાર એક વિડીયો મળી ગઈઃ વાદક-અરેન્જર વી.બલસારા અને હેમંતકુમારની અનૌપચારિક મહેફિલ. 

આમ તો એ બાકાયદા કેેમેરાથી રેકોર્ડ થયેલી છે. છતાં, તેમાં બલસારા કે હેમંતકુમાર, કોઈના પક્ષે કેમેરાની હાજરીનો ભાર વરતાતો નથી. આખી વાતચીત બંગાળીમાં છે. પણ વિડીયોને માણવામાં બંગાળી જરાય નડતરરૂપ નથી. હા, કોઈ બંગાળી મિત્ર થોડી મહેનત લઈને આખી વાતચીતનું નહીં તો, કમ સે કમ, તેમાં થયેલા અગત્યના મુદ્દાનું ગુજરાતી/અંગ્રેજી કરી આપે તો મઝા ઓર વધે ખરી. 

પરમ મિત્ર વિસ્તસ્પ હોડીવાલાનો ફેસબુક થકી પરિચય થયો તે પહેલાં, અમારા માટે વિસ્તસ્પ એક જઃ વિસ્તસ્પ બલસારા એટલે કે વી. બલસારા. ઉત્તમ વાદક, મુકેશનાં કેટલાંક બિનફિલ્મી ગીતોમાં તેમણે સંગીત આપેલું. પણ તે કેવા કમાલના વાદક છે અને કેટકેટલાં વાદ્યો કેટલી નિપુણતાથી, રમાડતા હોય એમ વગાડી જાણે છે, તે જાણવા માટે આખી વિડીયો અચૂક જોશો.  

હેમંતકુમારના પ્રેમીઓ માટે આ મહેફિલમાં કેટલીક ગજબની ચીજો છે. કઈ તેનું મીઠું રહસ્ય ખોલતો નથી. તમે સાંભળીને મઝા કરજો. તમારે સીધા ત્યાં સુધી પહોંચવું હોય તો તેના કાઉન્ટ અહીં લખ્યા છે.

1. 6ઃ52થી 

2. 20ઃ25થી

આ બંનેમાં હેમંતકુમાર જે રીતે, બેઠ્ઠાં બેઠ્ઠાં, કશાય આયાસ વિના, લગભગ વાત કરવાની ઢબે, છતાં જે મધુરતાથી ગાય છે, તે જોઈને રુંવાડાં ઊભાં થઈ જાય છે અને થાય છે કે ક્યાંથી આવ્યા હશે આ લોકો? અને ક્યાંથી લાવ્યા હશે આવી પ્રતિભા?

***

શક્ય હોય તો સમય કાઢીને આખી વિડીયો જ સાંભળવા જેવી છે. તે સંગીત અને વાદનની સાવ જુદી જ દુનિયામાં લઈ જશે, તેની ખાતરી. 







કૈસી યે પહેલી હાયે...

ગીતો, ગીતોની સર્જનપ્રક્રિયા, ગાયકો તે ગીતો કેવી રીતે ગાય છે, તેનું ઇન્ટરલ્યુડ મ્યુઝિક કેવી પ્રક્રિયાથી તૈયાર થાય છે--આ બધું મારા માટે કાયમી વિસ્મયનો વિષય છે. 

શબ્દો-સંગીત-સૂરનું સંયોજન મને હંમેશાં જાદુઈ જ નહીં, દૈવી લાગ્યું છે. આસ્તિક ન હોવા છતાં, ઘડીભર એવું માનવાનું મન થાય છે કે આટલી પરફેક્ટ રચના કોઈ માણસ કે માણસોની શી રીતે હોય? નક્કી તેમાં કોઈ દૈવી તત્ત્વ હોવું જોઈએ એવો ભાવ મનમાં અને આંખોમાં પણ ઉભરાતો હોય છે. 

અજિત મર્ચંટ જેવા સંગીતકાર સાથે કલાકોના સત્સંગમાં ઘણી વાર તાગ મેળવવાનો પ્રયાસ કર્યો. તેમની અતિપ્રસિદ્ધ રચના 'તારી આંખનો અફીણી'નો તો પૂરજેપૂરજો તેમણે મને છૂટો પાડીને, રીવર્સ એન્જિનિયર કરીને બતાવ્યો. છતાં, કોઈક તત્ત્વ એવું હોય છે, જે તર્કમાં પકડાતું નથી. સીધું મનને સ્પર્શી જાય છે. 

આટલી લાંબી પ્રસ્તાવના પછી એક અતિશય જાણીતા ગીતની વાત.  'ઝિંદગી કૈસી હૈ પહેલી હાય'(આનંદ, મન્ના ડે, સલિલ ચૌધરી, યોગેશ)  જેટલી વાર સાંભળું એટલી પહેલી વાર સાંભળ્યા જેવી આરપાર અસર થાય છે. હવે તો  યુટ્યુબ પર મન્ના ડે તે ગીત લાઇવ ગાત હોય એવી વિડીયો પણ છે. 

મૂળ ગીતની સરખામણીમાં લાઇવમાં વાદ્યો સાવ ઓછાં છે. છતાં, મન્ના ડે 'કભી યે હસાયે, કભી યેે રુલાયે'-માં જે રીતે 'હસાયે' અને 'રુલાયે' શબ્દો ઉચ્ચારે છે, બલ્કે ફંગોળે છે, તે એટલું સહજ લાગે છે કે તેમાં કશું નોંધપાત્ર ન લાગે.  ( એક ગીતમાં મન્નાડેના અવાજ માટે 'સ્વરફંગોળ' એવો પ્રયોગ રજનીકુમાર પંડ્યાએ પહેલી વાર કર્યો હતો. તે એટલો આબાદ છે કે બીજો કોઈ શબ્દ તેની જગ્યાએ ગમતો નથી.)

પરંતુ આ જ ગીત યુટ્યુબ પર કવિતા કૃષ્ણમૂર્તિ જેવી તાલિમી ગાયિકાના અવાજમાં અનાયાસે સાંભળવા મળ્યું. તેમાં કવિતા કૃષ્ણમૂર્તિને 'હસાયે' અને 'રુલાયે'માં જે મહેનત પડી અને છતાં મન્ના ડે જેવી અસર તો ન જ આવી, એ જોઈને વધુ એક વાર મન્ના ડેની ગાયકી વિશે નતમસ્તક થઈ ગયો. મહાનતા અને સાહજિકતા વચ્ચે ઊંડો સંબંધ હોય છે.

***

મન્ના ડેના લાઇવ ગીતની લિન્ક


ફિલ્મ માટે રેકોર્ડ થયેલા, પૂરી ઓર્કેસ્ટ્રા સાથેના, ગીતની લિન્ક 


અને જિજ્ઞાસા ખાતર સાંભળવાનું મન થાય તો કવિતા કૃષ્ણમૂર્તિના અવાજમાં એ ગીતની લિન્ક



Monday, October 17, 2022

વિદ્યાપીઠ-કાંડ : નવા કુલપતિની નિમણૂંકપ્રક્રિયાના વિરોધમાં નિવેદન અને આઠ ટ્રસ્ટીઓનાં રાજીનામાં

ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે આાચાર્ય દેવવ્રતને સત્તાવાર નિમંત્રણ 13 વિરુદ્ધ 9 મતથી અપાઈ ચૂક્યું હતું. તે મુદ્દે અકળાવનારા મૌન પછી, વિરોધમાં મત આપનારા નવમાંથી આઠ ટ્રસ્ટીઓએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તે આઠ ટ્રસ્ટીઓ છેઃ  ડો. સુદર્શન આયંગાર, ડો. અનામિક શાહ, ડો. મંદાબહેન પરીખ, ઉત્તમભાઈ પરમાર, ચૈતન્ય ભટ્ટ, નીતાબહેન હાર્ડીકર, માઇકલ મઝગાંવકર અને કપિલ શાહ.

(પોસ્ટ કર્યા પછીનો ઉમેરોઃ આ આઠમાંથી ચારની મુદત આવતી કાલે પૂરી થઈ રહી છેઃ મંદાબહેન, સુદર્શનભાઈ, માઇકલભાઈ અને કપિલભાઈ.)

નવા કુલપતિની નિમણૂંક માટે સરકારે અપનાવેલી પ્રયુક્તિઓનો વિરોધ કરતાં ઉપરના આઠ ઉપરાંત મતદાનમાં તેમની સાથે રહેલા નરસિંહભાઈ હઠીલા--એમ નવ જણે એક સંયુક્ત નિવેદન જારી કરીને આખરે મૌન તોડ્યું છે. તેમનું બે પાનાંનું આખું નિવેદન છેક નીચે મુક્યું છે. તેમાંથી કેટલાક મહત્ત્વના અંશઃ 

  • સરકારની આ ચેષ્ટા વિદ્યાપીઠના અસ્તિત્વના મૂળ ધ્યેયથી વિપરીત છે. તેના મૂળ ચરિત્ર પર મરણતોલ ઘા કર્યા બરાબર છે. તે અનૈતિક, ધમકીભરી, લોકશાહી વિરુદ્ધની અને સરકાર માટે લાંછનરૂપ છે અને અમે તેને સખત શબ્દોમાં વખોડીએ છીએ...
  • સરકારની આ ચાલને ટેકો આપનાર ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ  ગુજરાત વિદ્યાપીઠને વિશ્વચોકમાં ક્ષોભમય સ્થિતિમાં મૂકી દીધી છે. અમારે એમને પૂછવું છે કે શું તેમણે ગાંધીવિચારને છેહ દીધો હોય એવું નથી લાગતું? ગાંધીજીના વિચાર માત્ર પ્રાકૃતિક ખેતી, ગોસંવર્ધન કે કુદરતી ઉપચાર સુધી સીમિત નથી. તે તો તેમના કાર્યક્રમો છે. ખરું તત્ત્વ સર્વધર્મસમભાવ, લોકશાહી મૂલ્યોનું જતન, નાગરિક સ્વાતંત્ર્ય, સંસ્થાગત સ્વાયત્તતાની જાળવણી માટે તથા સરકારની ખુશામતખોરી છોડી, સત્ય અને અહિંસાના રસ્તે 'નો સર' કહેવાની હિંમતમાં છે. તેના વિના ગાંધી અધૂરો છે. અમને આશા છે કે ડર, લાલચ અને સોદાના ભાગ તરીકે તેમણે કરેલી ભૂલનું તેમને અચૂક પ્રાયશ્ચિત થશે...
  • અમને ખાતરી છે કે કુલપતિની પસંદગીનો નિર્ણય રાજકીય દબાણ હેઠળ, ડર અને લાલચના માર્યા, સૂચિત સંવાદની માગણી ઉવેખીને, આ હોદ્દા માટે અન્ય લાયક વ્યક્તિઓનો વિચાર કર્યા વિના, બિનજરૂરી ઉતાવળથી લેવાયો છે. તંત્રને સાચવવાની લ્હાયમાં મૂળ તત્ત્વને બલિદાનની વેદી પર ચઢાવી દેવાયું છે. 

દરમિયાન, આજે (સોમવારે, 17 ઓક્ટોબરના રોજ) વિદ્યાપીઠના પદવીદાન સમારંભના આગલા દિવસે થયેલી મંડળની બેઠકમાં આઠ ટ્રસ્ટીઓનાં રાજીનામાં ન  સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રસ્ટીઓ સાથે (તરફેણમાં મત આપનારા) આઠ સેવક ટ્રસ્ટીઓ અને અન્ય સેવકો સંવાદ કરશે. 

ઇન્ચાર્જ કુલસચિવની સહીથી બહાર પડેલી પ્રેસનોટમાં જણાવાયા પ્રમાણે, "આ સંવાદની ભૂમિકા ઉપર ભવિષ્યમાં ગુજરાત વિદ્યાપીઠ આગળ વધે તેવો આશાવાદ હાજર તમામ ટ્રસ્ટીશ્રીઓએ વ્યક્ત કર્યો હતો." 

રાજીનામું આપનારા આઠ ટ્રસ્ટીઓએ તેમના રાજીનામાના અસ્વીકાર અંગે કે સંવાદ અંગે કશો નિર્ણય લીધો જણાતો નથી. 

તે બીજા ટ્રસ્ટીઓ સાથે સંવાદ કરે કે ન કરે, પણ નિવેદનમાં વ્યક્ત કરેલી લાગણીને અનુસરીને, નિસબત ધરાવનારા બીજા લોકોને સાથે જોડવાની કોશિશ કરે અને "નીડર બનીને ગાંધીચીંધ્યા માર્ગે આગળ વધે", તે સૌથી પ્રાથમિક અને સૌથી મહત્ત્વની આવશ્યકતા છે. 




Saturday, October 08, 2022

દેખ તમાશા વેઇટિંગકા

દેખ તમાશા લકડીકા—એ બહુ જાણીતું ગીત છે. તેમાં જન્મથી મરણ સુધી માણસના જીવનમાં લાકડું કેવી રીતે સંકળાયેલું છે, તેની વાત હથોડાછાપ રીતે કરવામાં આવી છે. (હથોડાનો હાથો લાકડાનો જ હોય છે, એ જુદી વાત છે) ગુજરાતમાં-ભારતમાં એવું ગીત વેઇટિંગ માટે એટલે કે રાહ જોવા માટે પણ લખી શકાય. ભાવિ માતાપિતાનાં લગ્ન માટે હોલના બુકિંગથી રાહ જોવાનું શરૂ થાય છે અને કપરો કાળ હોય તો, અંતિમ યાત્રામાં પણ વેઇટિંગનો સામનો કરવો પડે છે.

બધાં પ્રકારનાં વેઇટિંગમાં સૌથી કંટાળો, ત્રાસ, ચીડ, અકળામણ, લાચારી, ધુંધવાટ, રોષ, બેચેની જેવી લાગણીઓ જન્માવતું વેઇટિંગ એટલે જમવા માટે રેસ્તોરાંમાં ગયા પછી રાહ જોવી પડે તે. લોકો આપણાં શાસ્ત્રો ધ્યાનથી વાંચતા નથી અને આપણાં શાસ્ત્રોમાં શાનો સમાવેશ થાય છે, તેની પૂરી જાણકારી સુદ્ધાં ધરાવતા નથી. બાકી, જાણકારોને પાકી ખાતરી છે કે એકાદ શાસ્ત્રમાં તો લખ્યું હશે,અર્થવ્યય દ્વારા અન્નપ્રાપ્તિ માટે પ્રવૃત્ત થતી વખતે પ્રતીક્ષાકર્મ સર્વથા ત્યાજ્ય છે. ગુજરાતીમાં કહી શકાય કે રૂપિયા ખર્ચીને રાહ શા માટે જોવી?

પરંતુ બ્રહ્માંડનાં કેટલાંક વણઉકલ્યાં રહસ્યોમાંનું એક રહસ્ય અથવા સંસ્કૃતિના પલટાયેલા પ્રવાહોમાંનો એક મોટો પલટો છેઃ સેંકડો લોકો રૂપિયા ખર્ચીને જમવા માટે પણ રાહ જોવાનું પસંદ કરે છે. જમવા જતી વખતે રસ્તામાં તેમણે ચાર ઠેકાણે ખોટી રીતે ઓવરટેક કર્યું હશે, બે ઠેકાણે તેમનું વાહન કોઈને અથડાતું બચ્યું હશે, એકાદ સિગ્નલ તોડ્યો હશે—ટૂંકમાં, તેમની એકંદર વર્તણૂંક ગરવા ગુજરાતી જેવી હશે. પરંતુ રેસ્તોરાંમાં પહોંચ્યા પછી, અચાનક તે ગુજરાતી મટીને હિમાલયવાસી બની જાય છે. અલબત્ત, તે પરિવર્તન ક્ષણમાત્રમાં નથી થતું.

રેસ્તોરાં પર પહોંચ્યા પછી ત્યાં ઉભેલાં લોકોને જોઈને ભોજનોત્સુકને લાગે છે, “નક્કી, આ બધા જમીને બહાર નીકળ્યા હશે અને આપણા માટે સરસ જગ્યા થઈ હશે. પરંતુ ડુંગરાની જેમ દૂરથી રળિયામણું લાગતું ટોળું નજીક ગયા પછી અકારું લાગવા માંડે છે. કારણ કે, તે પણ રેસ્તોરાંના દરવાજાને કે વેઇટિંગ વિસ્તારને ઘેરો ઘાલીને, જગ્યા જીતી લેવાની ફિરાકમાં હોય એમ જણાય છે. શત્રુસૈન્ય ગમે તેટલું વિશાળ હોય, પણ યોદ્ધો જાણે છે કે યુદ્ધ સંખ્યાબળથી નહીં, આત્મબળથી જીતાય છે. એટલે, તે પોતાની ઓછી સંખ્યાનો અહેસાસ ખંખેરીને, ટોળું ભેદીને રેસ્તોરાંના મર્મસ્થાન સુધી એટલે કે તેના કાઉન્ટર સુધી પહોંચી જાય છે. ત્યાં બેઠેલા જણને તે માસુમિયતથી માહિતી આપે છે, અમે આટલાં જણ છીએ. ક્યાં બેસવાનું છે?” અને સીધો બેઠકો ભણી ધસે છે.

રેસ્તોરાંનો કર્મચારી તેમને બને તેટલા વિવેકથી રોકવાનો અને એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે આવો દાવ ખેલવામાં આજની સાંજે તમારો નંબર બારમો છે. આ શબ્દોમાં તે આ વાત કહી શકતો નથી, એટલે સર,સરની સરસરાટી સાથે તે વિનમ્રતાથી નિવેદન કરે છે કે રાહ જુઓ. વારો આવશે એટલે બોલાવીશું. કેટલાક ઠેકાણે તો નામ નોંધવા જેવી પ્રથા પણ રાખવામાં આવે છે. તેનાથી ગ્રાહકના પ્રતિક્ષાસમયમાં કશો ફરક નથી પડતો, પણ ગ્રાહકને માનસિક રીતે સારું લાગે છે કે તેણે આ ફાની દુનિયામાં જન્મ લીધા પછી અને સાંજે આ રેસ્તોરાંમાં જમવા આવવાનો (ભૂલભર્યો) નિર્ણય લીધા પછી, કમ સે કમ એક કામ તો ઠેકાણાસરનું કર્યું છે. હવે તેનું નામ નોંધાયું છે, તો ક્યારેક નંબર પણ લાગશે. ચોતરફ પોઝિટિવ થિંકિંગના મારાથી ગ્રસ્ત પ્રતિક્ષારત ગ્રાહક શરૂઆતમાં ભીડ અને રાહ જોવાની ક્રિયામાંથી એવું આશ્વાસન મેળવવા પ્રયાસ કરે છે કે રેસ્તોરાં ખરેખર ઉત્તમ હોવું જોઈએ. નહીં તો આટલા બધા લોકો વેઇટિંગમાં હોય?”

કેટલાક લોકો ધૈર્યને બદલે પ્રભાવ વાપરી જુએ છે. જઈને તે મેનેજર જેવા લાગતા જણને કહે છે, પાંચ જણનું એક ટેબલ. ક્યાં બેસવાનું છે? અને તમે ફલાણાસાહેબને તો ઓળખતા જ હશો. આપણા ખાસ મિત્ર થાય. ખરેખર ગિરદી હોય ત્યારે રેસ્તોરાંવાળો સ્થિતપ્રજ્ઞતાથી અને સામેવાળાની સ્થિતપ્રજ્ઞતાની કસોટી થાય એવી રીતે કહી શકે છે,હા, હા, કેમ નહીં? જુઓ, પેલા બેઠા તમારા સાહેબ. વીસ મિનિટથી વેઇટિંગમાં જ છે.

પ્રગટાવેલા ધૈર્ય કરતાં ફરજિયાતપણે પાળવા પડતા ધૈર્યની અસર વિપરીત થાય છે. તેનાથી મન શાંત થવાને બદલે અશાંત થાય છે. માણસને રૂપિયાથી શાંતિ ખરીદવાના નિષ્ફળ પ્રયોગો કરવાની એટલી ટેવ પડી ગઈ છે કે અશાંતિનું સૌંદર્ય તે માણી શકતો નથી. છેવટે, પેટની બેચેની ચહેરા પર દેખાવા લાગે છે. ધીમે ધીમે તે ભૂલવા માંડે છે કે તે જમવા માટે આવ્યો છે કે રાહ જોવા માટે. મગજમાં ખલબલી મચ્યા પછી અનેક દિશામાંથી ઉત્તમ તો નહીં, પણ અવળચંડા વિચાર આવવા લાગે છે. ગમે ઇશ્ક ગર ન હોતા, ગમે રોજગાર હોતા એવા મિસરામાં તેને ગમે રોજગારની જગ્યાએ ગમે ઇંતજાર સંભળાવા લાગે છે. તે શરાબની અવેજીમાં મોબાઇલમાં દુઃખ ડૂબાડવાનો પ્રયાસ કરે છે, પણ થોડા સમય પછી તે પ્રયાસ છોડી દેવો પડે છે. કારણ કે, ભૂખની સાથે થાકની પણ લાગવા માંડે છે.

પાનીમેં મિન પિયાસીની જેમ રેસ્તોરાંમાં ભૂખથી વ્યાકુળ થયેલા જણમાં ભૂખની લાગણી ટોચે પહોંચ્યા પછી ઓસરવા માંડે, ત્યારે અચાનક અંદરથી તેડું આવે છે,સર...પ્લીઝ. ત્યારે સમજાય છે કે વેઇટિંગવાળાને જમણની સાથે બુદ્ધત્વ ફ્રીમાં મળે છે.  

Thursday, October 06, 2022

ગૂજરાત વિદ્યાપીઠ : કેટલાક અગત્યના મુદ્દા

ગૂજરાત વિદ્યાપીઠ વિશેની ચર્ચામાં કેટલાક મુદ્દા સૌથી મહત્ત્વના અને યાદ રાખવા જેવા છેઃ

1. વિદ્યાપીઠના ચાન્સેલર તરીકે, સરકારી પ્રતિનિધિ એવા ગવર્નરને નહીં, સંઘ પરિવાર સાથે સંકળાયેલા દેવવ્રતનું નામ સૂચવાયું છે. એટલે, મામલો સરકારીકરણનો પણ નહીં, તેને પણ ટપે એવા સંઘીકરણનો છે.

2. "સંઘમાં શો વાંધો છે?" એવું કેટલાક લોકો માસુમિયતથી ને કેટલાક લુચ્ચાઈથી પૂછે છે. જવાબ બહુ સાદો છેઃ સંઘ ગાંધીજીના વિચારોથી સામા છેડાની વિચારધારા ધરાવતી સંસ્થા છે. તેના પ્રતિનિધિને ગાંધીજીએ સ્થાપેલી સંસ્થામાં મુકવામાં દેખીતો ઔચિત્યનો ભંગ છે અને સંસ્થા કબજે કરી લેવાની માનસિકતા છે.

3. વિદ્યાપીઠનું ચાન્સેલર પદું સંઘને સોંપી દેવાની સંમતિ આપનાર વાઇસ ચાન્સેલર રાજેન્દ્રભાઈ ખીમાણી અને બીજા બાર જણે કયા હેતુથી, દેખીતા ઔચિત્યભંગનું આ પગલું લીધું? તે મુખ્ય સવાલ છે.

3. વધારે "ગુજરાતી"માં કહીએ તો, કોની સાથેની અને કઈ સમજૂતીના આધારે, સંઘની વ્યક્તિની તરફેણમાં આ તેર જણે મત આપ્યા છે? એવું કરવામાં તેમનાં કયાં હિત અથવા શાનો ભય અથવા હિત અને ભય-- બંને છે?

4. તેના જવાબમાં કોઈ કહે કે "અમે વિદ્યાપીઠના હિતમાં- વિદ્યાપીઠને બચાવવા માટે આ કરીએ છીએ." તો તેમને કહેજો કે આ સમય ટુચકા કહેવાનો નથી. 

કોઈ કહે કે "ગ્રાન્ટ ચાલુ કરાવવા માટે આ જરૂરી હતું" તો સીધી વાત છે.: વિદ્યાપીઠની ગવર્નિંગ કાઉન્સિલ વિદ્યાપીઠની માલિક નથી. વિદ્યાપીઠની પરંપરામાં પાયાનો ફેરફાર કરવા જેટલો મોટો નિર્ણય લેતા પહેલાં, તેમણે વ્યાપક વિમર્શ કરવો જોઈએ. ખાસ કરીને, ટ્ર્સ્ટીમંડળમાંથી નવ જણ તે નિર્ણયનો વિરોધ કરતા હોય ત્યારે, આટલી ઉતાવળ શંકા પ્રેરનારી છે. 

ટૂંકમાં, વિદ્યાપીઠના હિત માટે વિદ્યાપીઠને વધેરી નાખવાનો જવાબ બચાવ પૂરતો ઠીક, પણ કોમન સેન્સની રીતે  જરાય ગળે ઉતરે એમ નથી.  

5. બીજો વિકલ્પ છેઃ અંગત હિત માટે કે અંગત નુકસાન ટાળવા માટે વિદ્યાપીઠને સંઘના ચરણે ધરી દેવી. 
એવું નથી થઈ રહ્યું અને "સંઘની વ્યક્તિને ચાન્સેલરપદે બેસાડવાની હદે પગમાં પડી જવું પડે, એવું કશું અમે નથી કર્યું" -- એ લોકો સમક્ષ પુરવાર કરવાની જવાબદારી આ તેર જણની અથવા વિદ્યાપીઠના વીસી તરીકે રાજેન્દ્રભાઈ ખીમાણીની છે, જેમણે સંઘના ચાન્સેલરની તરફેણમાં મત આપ્યો છે.

7. વિદ્યાપીઠનું ચાન્સેલરપદું સંઘના ચરણે ધરી દેવાથી વિદ્યાપીઠને શો ફાયદો થશે? અને 13 જણમાંથી અંગત રીતે કોને શો ફાયદો થશે? અથવા ભવિષ્યમાં થનારું સંભવિત નુકસાન ઓછું થશે- નુકસાનમાંથી બચી જવાશે? તેનો પણ જવાબ આ તેર જણે આપવાનો રહે છે.

1. ડો. રાજેન્દ્ર ખીમાણી
2. પ્રો. કનુભાઈ નાયક
3. આયેશાબહેન પટેલ
4. સુરેશભાઈ રામાનુજ
5. વિશાલભાઈ ભાદાણી
6. જગદીશચંદ્ર સાવલિયા
7. જશવંતભાઈ પંડ્યા
8. રમેશભાઈ પટેલ
9. જગદીશચંદ્ર ગોઠી
10. અરુણભાઈ ગાંધી
11. નરેશભાઈ ચૌહાણ
12. પ્રવીણકુમાર શર્મા
13. મેહુલભાઈ પટેલ 

Wednesday, October 05, 2022

ગૂજરાત વિદ્યાપીઠનો શરમજનક ઘટનાક્રમ: જવાબદારી નિભાવવાની, નામોશીથી બચવાની છેલ્લી છેલ્લી તક

ગૂજરાત વિદ્યાપીઠ  Gujarat Vidyapith

ગૂજરાત વિદ્યાપીઠમાં ગઈ કાલે સાંજે થયેલી ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગમાં, વિદ્યાપીઠના ચાન્સેલર પદે આચાર્ય દેવવ્રતને નીમવાની દરખાસ્ત થઈ. તે અત્યારે ગુજરાતના રાજ્યપાલ છે, પણ તેમની નિમણૂંક હોદ્દાની રૂએ નહીં, થઈ, વ્યક્તિગત ધોરણે (સંભવતઃ સરકાર સાથે થયેલી ગોઠવણ પ્રમાણે) થઈ છે. હરિયાણાના આચાર્ય દેવવ્રત પતંજલિ પ્રોડક્ટ્સવાળા રામદેવના શિષ્ય છે. હરિયાણામાં ચાલતા એક ગુરુકુળના આચાર્યપદે લાંબો સમય રહેલા દેવવ્રતને 2015માં પહેલી વાર હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. તેમની નિમણૂંકમાં રામદેવની ભૂમિકા વિશે દેવવ્રતે કહ્યું હતું, “He has always been a guide and his blessings are with me” (તે હંમેશાં મારા માર્ગદર્શક રહ્યા છે અને તેમના આશીર્વાદ મારી સાથે જ છે. ધ ટ્રિબ્યુન, ઓગસ્ટ 5, 2015)

આ દેવવ્રતને હવે વિદ્યાપીઠના ચાન્સેલર બનાવવાની, ગાંધીસંસ્થા માટે શરમજનક કહેવાય એવી દરખાસ્ત ગઈ કાલે પસાર થઈ. કુલ 24 મતમાંથી દરખાસ્તની તરફેણમાં 13 જણે અને વિરોધમાં 9 જણે મત આપ્યા. બે જણ તટસ્થ રહ્યા.

***

ગૂજરાત વિદ્યાપીઠના માળખામાં સત્તાવાર અને મૂળભૂત પરિવર્તન આણે એટલું મોટું કાવતરું પાર પડ્યું ત્યારે, તેમાં કોનું શું વલણ હતું, તે લોકો સમક્ષ મુકાવું જરૂરી છે. 

વિદ્યાપીઠની ગવર્નિંગ કાઉન્સિલનાં 26 જણનાં નામ તેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેમાંથી (જેમનું રાજીનામું સ્વીકારાયું તે) ચાન્સેલર ઇલાબહેન ભટ્ટ અને ઇન ચાર્જ રજિસ્ટ્રાર ડો. નિખિલ ભટ્ટનો મતની યાદીમાં સમાવેશ કર્યો નથી. તે સિવાયના 24 જણના મત આ પ્રમાણે હતાઃ

દરખાસ્તનો વિરોધ કરનારા નવ જણનાં નામઃ (તેમાંથી મોટા ભાગના નાગરિક પ્રતિનિધિ તરીકે લેવાયેલા ટ્રસ્ટીઓ છે.) 

1. નરસિંહભાઈ હઠીલા

2. ડો. મંદાબહેન પરીખ

3. ડો. સુદર્શન આયંગાર

4. કપિલભાઈ શાહ

5. માઇકલ મઝગાંવકર

6. ઉત્તમભાઈ પરમાર

7. ચૈતન્યભાઈ ભટ્ટ

8. નીતાબહેન હાર્ડિકર

9. પ્રો. અનામિકભાઈ શાહ


ગાંધીસંસ્થા માટે શરમજનક એવી દરખાસ્તને ટેકો આપનારા તેર જણનાં નામ. (તેમાં મોટા ભાગના અધ્યાપક પ્રતિનિધિઓ છે.) 

1. ડો. રાજેન્દ્ર ખીમાણી

2. પ્રો. કનુભાઈ નાયક

3. આયેશાબહેન પટેલ

4. સુરેશભાઈ રામાનુજ

5. વિશાલભાઈ ભાદાણી

6. જગદીશચંદ્ર સાવલિયા

7. જશવંતભાઈ પંડ્યા

8. રમેશભાઈ પટેલ

9. જગદીશચંદ્ર ગોઠી

10. અરુણભાઈ ગાંધી

11. નરેશભાઈ ચૌહાણ

12. પ્રવીણકુમાર શર્મા

13. મેહુલભાઈ પટેલ 


તટસ્થ રહેલા એટલે કે એકેય બાજુ મત નહીં આપનારા બે સભ્યો

1. હસમુખભાઈ પટેલ

2. ચંદ્રવદનભાઈ શાહ


ગેરવાજબી દરખાસ્તનો વિરોધ કરનાર સૌને અભિનંદન. 

આ તેમના વિરોધનો અંત નહીં, શરૂઆત હોય એવી અપેક્ષા.

આ પ્રશ્ન ફક્ત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓનો નથી.

જેવા છે તેવા,  વ્યાપક નાગરિક સમાજનો પણ છે. 

ભૂતકાળ પ્રત્યે આંગળીચીંધામણાં કરીને વર્તમાનની જવાબદારીમાંથી છટકી શકાય નહીં,

વર્તમાનની જવાબદારી નિભાવવાની ને ભવિષ્યની નામોશીથી બચવાની આ છેલ્લી છેલ્લી તક છે. 

Tuesday, October 04, 2022

ગાંધી જયંતિએ...

ગાંધીજયંતિની સવાર. ફોન રણક્યો. અજાણ્યો નંબર. સ્પામ લખેલું આવ્યું. છતાં, ટાઇમપાસ ખાતર ઉપાડ્યો. સામેથી પરિચિત અવાજ સંભળાયો.

અવાજઃ હેલો...

જવાબઃ હા, બોલો ભાઈ. તમારો અવાજ બહુ જાણીતો લાગે છે, પણ મહેરબાની કરીને સવાર સવારમાં મને ના ઓળખ્યો?” ને બોલો હું કોણ બોલું છું?”—એવાં ઉખાણાં ન  પૂછતા. 

અવાજઃ (હસવાનો અવાજ)

જવાબઃ એમાં હસવા જેવું શું છે? મેં જોક કહી?

અવાજઃ તારો ઉકળાટ સાંભળીને લાગે છે કે તારા માથે બટેટું મૂકું, તો પાંચ મિનીટમાં બફાઈ જાય. (ફરી હસે છે.)

જવાબઃ એક મિનીટ...હું ક્યારનો વિચારું છું કે અવાજ જાણીતો છે... તમે...તમે ક્યાંક ગાંધીજી તો...?

અવાજઃ શું વાત છે? તું મારો અવાજ ઓળખી ગયો? બાકી દેશની સ્થિતિ વિશે જાણ્યા પછી, ઘણી વાર હું પણ મારો અવાજ ઓળખી શકતો નથી.

જવાબઃ અરે બાપુ... અમારા અંતરાત્માનો અવાજ ભલે ભૂલી જઈએ, પણ તમારો અવાજ ભૂલી જવાય? થોડા વખત પહેલાં જ, કોઈ ચેનલ પર તમારી ફિલ્મ આવતી હતી, ત્યારે પણ તમને બહુ યાદ કર્યા હતા...પણ તમે આજે, બીજી ઓક્ટોબરે, સવારના પહોરમાં ફ્રી ક્યાંથી?

ગાંધીજીઃ હું ક્યાં ગાંધીવાદી છું કે વર્ષમાં બે વાર બિઝી થઈ જાઉં.

જવાબઃ તમે પણ બાપુ...સિરીયસલી પૂછું છું, તમારે આજે ક્યાંય જવાનું નથી? પ્રાસંગિક સંબોધન માટે, ચરખો કાંતતો ફોટો પડાવવા માટે, સર્વધર્મપ્રાર્થનામાં, ગાંધીશ્રેણીના કોઈ વ્યાખ્યાનમાં...ક્યાંય નહીં?

ગાંધીજીઃ ઉપર આવી ગયા પછી બધું બંધ. આમ તો નીચે પણ એ બધું ક્યાં કરતો હતો? પેલું જીવન-સંદેશવાળું ભૂલી ગયો?

જવાબઃ ના,ના, એમ થોડું ભૂલાય? હમણાં જ સાબરમતી આશ્રમ ગયો ત્યારે મારું જીવન એ જ મારો સંદેશ લખેલા પાટીયા પાસે સેલ્ફી પાડેલી. બરાબર એ જ વખતે એક કાગડો ત્યાં આવીને બેસી ગયો, મને ખબર નહીં, પણ સોશિયલ મિડીયા પર એ ફોટો બહુ વાઇરલ થયો કે હવેના જમાનામાં કાગડા પણ બેશરમ થઈને કહી દે છે,મારું જીવન એ જ મારો સંદેશ.

ગાંધીજીઃ સારું, સારું. ટૂંકમાં, હું ક્યાંય બહાર જતો નથી—બીજી ઓક્ટોબરે અને ત્રીસમી જાન્યુઆરીએ તો ખાસ નહીં.

જવાબઃ પછી લોકો તમને ભૂલી જ જાય ને? બાકી, હવે તો તમને મારનારાને વધાવનારી વિચારધારાના લોકો પણ તમને ફૂલ ચડાવે છે.

ગાંધીજીઃ (હસીને) હવે મને ફૂલ ચડાવવાં સલામત છે. હું ક્યાં સામે સવાલ પૂછવાનો છું કે મને ફૂલ ચડાવતાં પહેલાં શું કરીને આવ્યા? અહીંથી જઈને શું કરવાના? અને હવે તો, મને ફૂલ ચડાવતી વખતે તમારા મનમાં શું ચાલે છે, તે પણ પૂછવું પડે એમ છે.

જવાબઃ કેમ આવી નેગેટીવ વાતો કરો છો?  મનમાં શું ચાલતું હોવાનું?

ગાંધીજીઃ એ તો તને ખબર. પૃથ્વી પર તું રહે છે કે હું? વચ્ચે સરદાર મજાકમાં મને પૂછતા હતા કે બાપુ, બેરિસ્ટર સાવરકરને અંગ્રેજોની માફી માગવાનું તમે કહેલું?” પછી હું કંઈ જવાબ આપું તે પહેલાં તેમણે પૃથ્વી પરના કેટલાક સમાચાર બતાવ્યા. તેમાં મારા નામે આવું લખેલું. એટલે, લોકો મને હારતોરા કરતી વખતે શું વિચારતા હશે?

જવાબઃ એ જ કે હવે પછી તમને કયા ખોટા વિવાદમાં સંડોવવા? કે તમને નીચા પાડી ન શકાય, તો કોને કોને તમારી ઊંચાઈ પર ગોઠવી દેવા?

ગાંધીજીઃ (હસે છે) સાચવજે. બહુ બુદ્ધિ ચલાવીશ તો રાજદ્રોહની તૈયારી રાખવી પડશે. અને રાજદ્રોહના કેસમાં મને મળેલો અંગ્રેજ ન્યાયાધીશ તો બિચારો સારો માણસ હતો. કહે કે તમારી સજા ઓછી થશે તો સૌથી વધારે ખુશી મને થશે. તું ન્યાયાધીશ સુધી પહોંચ્યા વિના, અધવચ્ચે જ ક્યાંક સબડી ન પડું.

જવાબઃ ના, ના કહેતાં તમે દેશનું ઘણું ધ્યાન રાખતા લાગો છો.

ગાંધીજીઃ સરદાર છે ને મારી પાસે? એટલે હળવા થવા સમાચાર વાંચી સંભળાવે છે, પણ એ વાંચીને અમે બેય દુઃખી થઈ જઈએ છીએ.

જવાબઃ આઝાદીના અમૃત કાળની ઉજવણીમાં મને તો એમ કે તમે મોજમાં ધુબાકા મારતા હશો. તમારા નામે કેટકેટલું ચાલે છે...

ગાંધીજીઃ મારા નામે જે બધું ચાલે છે, એની તો રામાયણ છે.

જવાબઃ હવે તો રામાયણ છે એવું પણ ન કહેતા...તમારા પ્રત્યે પ્રેમ છે, એટલે કહું છું. ભલે ને એ જૂનો ને જાણીતો શબ્દપ્રયોગ હોય, પણ ગુજરાતના કે ઉત્તર પ્રદેશના કોઈ ગામમાં કોઈકની લાગણી દુભાશે તો તમારે ક્યાં કોર્ટના ધક્કા ખાવાના?

ગાંધીજીઃ (નિઃસાસો નાખીને) હા ભાઈ, રામનો ને રામાયણનો ઉપયોગ લાગણી દુભાવવા પૂરતો ને લાગણી વટાવવા પૂરતો જ રહી ગયો છે...પણ હે, રામ તો બોલાય ને ?

જવાબઃ એ પણ વિચારવું પડે. કારણ કે તમને મારનારી વિચારધારાના લોકોને લાગે છે કે રામ પર તેમની મોનોપોલી છે. તેમનો માણસ તમને ગોળી મારે અને તમે હે રામ બોલો, તો પછી તેમના હિંદુત્વનું શું થાય?

એક વારનું હે રામ ભૂંસવામાં કેટલા દાયકા નીકળી ગયા. હવે ફરી કોઈએ આવી રીતે હે રામ નહીં બોલવાનું, એવો કાયદો હજુ થયો નથી, પણ થાય તો નવાઈ નહીં.

(એ સાંભળતાંની સાથે ફોન ફોન કટ થઈ જાય છે અને તેના સ્ક્રીન પર હે રામ લખેલું આવે છે,)