Monday, October 17, 2022

વિદ્યાપીઠ-કાંડ : નવા કુલપતિની નિમણૂંકપ્રક્રિયાના વિરોધમાં નિવેદન અને આઠ ટ્રસ્ટીઓનાં રાજીનામાં

ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે આાચાર્ય દેવવ્રતને સત્તાવાર નિમંત્રણ 13 વિરુદ્ધ 9 મતથી અપાઈ ચૂક્યું હતું. તે મુદ્દે અકળાવનારા મૌન પછી, વિરોધમાં મત આપનારા નવમાંથી આઠ ટ્રસ્ટીઓએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તે આઠ ટ્રસ્ટીઓ છેઃ  ડો. સુદર્શન આયંગાર, ડો. અનામિક શાહ, ડો. મંદાબહેન પરીખ, ઉત્તમભાઈ પરમાર, ચૈતન્ય ભટ્ટ, નીતાબહેન હાર્ડીકર, માઇકલ મઝગાંવકર અને કપિલ શાહ.

(પોસ્ટ કર્યા પછીનો ઉમેરોઃ આ આઠમાંથી ચારની મુદત આવતી કાલે પૂરી થઈ રહી છેઃ મંદાબહેન, સુદર્શનભાઈ, માઇકલભાઈ અને કપિલભાઈ.)

નવા કુલપતિની નિમણૂંક માટે સરકારે અપનાવેલી પ્રયુક્તિઓનો વિરોધ કરતાં ઉપરના આઠ ઉપરાંત મતદાનમાં તેમની સાથે રહેલા નરસિંહભાઈ હઠીલા--એમ નવ જણે એક સંયુક્ત નિવેદન જારી કરીને આખરે મૌન તોડ્યું છે. તેમનું બે પાનાંનું આખું નિવેદન છેક નીચે મુક્યું છે. તેમાંથી કેટલાક મહત્ત્વના અંશઃ 

  • સરકારની આ ચેષ્ટા વિદ્યાપીઠના અસ્તિત્વના મૂળ ધ્યેયથી વિપરીત છે. તેના મૂળ ચરિત્ર પર મરણતોલ ઘા કર્યા બરાબર છે. તે અનૈતિક, ધમકીભરી, લોકશાહી વિરુદ્ધની અને સરકાર માટે લાંછનરૂપ છે અને અમે તેને સખત શબ્દોમાં વખોડીએ છીએ...
  • સરકારની આ ચાલને ટેકો આપનાર ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ  ગુજરાત વિદ્યાપીઠને વિશ્વચોકમાં ક્ષોભમય સ્થિતિમાં મૂકી દીધી છે. અમારે એમને પૂછવું છે કે શું તેમણે ગાંધીવિચારને છેહ દીધો હોય એવું નથી લાગતું? ગાંધીજીના વિચાર માત્ર પ્રાકૃતિક ખેતી, ગોસંવર્ધન કે કુદરતી ઉપચાર સુધી સીમિત નથી. તે તો તેમના કાર્યક્રમો છે. ખરું તત્ત્વ સર્વધર્મસમભાવ, લોકશાહી મૂલ્યોનું જતન, નાગરિક સ્વાતંત્ર્ય, સંસ્થાગત સ્વાયત્તતાની જાળવણી માટે તથા સરકારની ખુશામતખોરી છોડી, સત્ય અને અહિંસાના રસ્તે 'નો સર' કહેવાની હિંમતમાં છે. તેના વિના ગાંધી અધૂરો છે. અમને આશા છે કે ડર, લાલચ અને સોદાના ભાગ તરીકે તેમણે કરેલી ભૂલનું તેમને અચૂક પ્રાયશ્ચિત થશે...
  • અમને ખાતરી છે કે કુલપતિની પસંદગીનો નિર્ણય રાજકીય દબાણ હેઠળ, ડર અને લાલચના માર્યા, સૂચિત સંવાદની માગણી ઉવેખીને, આ હોદ્દા માટે અન્ય લાયક વ્યક્તિઓનો વિચાર કર્યા વિના, બિનજરૂરી ઉતાવળથી લેવાયો છે. તંત્રને સાચવવાની લ્હાયમાં મૂળ તત્ત્વને બલિદાનની વેદી પર ચઢાવી દેવાયું છે. 

દરમિયાન, આજે (સોમવારે, 17 ઓક્ટોબરના રોજ) વિદ્યાપીઠના પદવીદાન સમારંભના આગલા દિવસે થયેલી મંડળની બેઠકમાં આઠ ટ્રસ્ટીઓનાં રાજીનામાં ન  સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રસ્ટીઓ સાથે (તરફેણમાં મત આપનારા) આઠ સેવક ટ્રસ્ટીઓ અને અન્ય સેવકો સંવાદ કરશે. 

ઇન્ચાર્જ કુલસચિવની સહીથી બહાર પડેલી પ્રેસનોટમાં જણાવાયા પ્રમાણે, "આ સંવાદની ભૂમિકા ઉપર ભવિષ્યમાં ગુજરાત વિદ્યાપીઠ આગળ વધે તેવો આશાવાદ હાજર તમામ ટ્રસ્ટીશ્રીઓએ વ્યક્ત કર્યો હતો." 

રાજીનામું આપનારા આઠ ટ્રસ્ટીઓએ તેમના રાજીનામાના અસ્વીકાર અંગે કે સંવાદ અંગે કશો નિર્ણય લીધો જણાતો નથી. 

તે બીજા ટ્રસ્ટીઓ સાથે સંવાદ કરે કે ન કરે, પણ નિવેદનમાં વ્યક્ત કરેલી લાગણીને અનુસરીને, નિસબત ધરાવનારા બીજા લોકોને સાથે જોડવાની કોશિશ કરે અને "નીડર બનીને ગાંધીચીંધ્યા માર્ગે આગળ વધે", તે સૌથી પ્રાથમિક અને સૌથી મહત્ત્વની આવશ્યકતા છે. 




No comments:

Post a Comment