Tuesday, October 04, 2022

ગાંધી જયંતિએ...

ગાંધીજયંતિની સવાર. ફોન રણક્યો. અજાણ્યો નંબર. સ્પામ લખેલું આવ્યું. છતાં, ટાઇમપાસ ખાતર ઉપાડ્યો. સામેથી પરિચિત અવાજ સંભળાયો.

અવાજઃ હેલો...

જવાબઃ હા, બોલો ભાઈ. તમારો અવાજ બહુ જાણીતો લાગે છે, પણ મહેરબાની કરીને સવાર સવારમાં મને ના ઓળખ્યો?” ને બોલો હું કોણ બોલું છું?”—એવાં ઉખાણાં ન  પૂછતા. 

અવાજઃ (હસવાનો અવાજ)

જવાબઃ એમાં હસવા જેવું શું છે? મેં જોક કહી?

અવાજઃ તારો ઉકળાટ સાંભળીને લાગે છે કે તારા માથે બટેટું મૂકું, તો પાંચ મિનીટમાં બફાઈ જાય. (ફરી હસે છે.)

જવાબઃ એક મિનીટ...હું ક્યારનો વિચારું છું કે અવાજ જાણીતો છે... તમે...તમે ક્યાંક ગાંધીજી તો...?

અવાજઃ શું વાત છે? તું મારો અવાજ ઓળખી ગયો? બાકી દેશની સ્થિતિ વિશે જાણ્યા પછી, ઘણી વાર હું પણ મારો અવાજ ઓળખી શકતો નથી.

જવાબઃ અરે બાપુ... અમારા અંતરાત્માનો અવાજ ભલે ભૂલી જઈએ, પણ તમારો અવાજ ભૂલી જવાય? થોડા વખત પહેલાં જ, કોઈ ચેનલ પર તમારી ફિલ્મ આવતી હતી, ત્યારે પણ તમને બહુ યાદ કર્યા હતા...પણ તમે આજે, બીજી ઓક્ટોબરે, સવારના પહોરમાં ફ્રી ક્યાંથી?

ગાંધીજીઃ હું ક્યાં ગાંધીવાદી છું કે વર્ષમાં બે વાર બિઝી થઈ જાઉં.

જવાબઃ તમે પણ બાપુ...સિરીયસલી પૂછું છું, તમારે આજે ક્યાંય જવાનું નથી? પ્રાસંગિક સંબોધન માટે, ચરખો કાંતતો ફોટો પડાવવા માટે, સર્વધર્મપ્રાર્થનામાં, ગાંધીશ્રેણીના કોઈ વ્યાખ્યાનમાં...ક્યાંય નહીં?

ગાંધીજીઃ ઉપર આવી ગયા પછી બધું બંધ. આમ તો નીચે પણ એ બધું ક્યાં કરતો હતો? પેલું જીવન-સંદેશવાળું ભૂલી ગયો?

જવાબઃ ના,ના, એમ થોડું ભૂલાય? હમણાં જ સાબરમતી આશ્રમ ગયો ત્યારે મારું જીવન એ જ મારો સંદેશ લખેલા પાટીયા પાસે સેલ્ફી પાડેલી. બરાબર એ જ વખતે એક કાગડો ત્યાં આવીને બેસી ગયો, મને ખબર નહીં, પણ સોશિયલ મિડીયા પર એ ફોટો બહુ વાઇરલ થયો કે હવેના જમાનામાં કાગડા પણ બેશરમ થઈને કહી દે છે,મારું જીવન એ જ મારો સંદેશ.

ગાંધીજીઃ સારું, સારું. ટૂંકમાં, હું ક્યાંય બહાર જતો નથી—બીજી ઓક્ટોબરે અને ત્રીસમી જાન્યુઆરીએ તો ખાસ નહીં.

જવાબઃ પછી લોકો તમને ભૂલી જ જાય ને? બાકી, હવે તો તમને મારનારાને વધાવનારી વિચારધારાના લોકો પણ તમને ફૂલ ચડાવે છે.

ગાંધીજીઃ (હસીને) હવે મને ફૂલ ચડાવવાં સલામત છે. હું ક્યાં સામે સવાલ પૂછવાનો છું કે મને ફૂલ ચડાવતાં પહેલાં શું કરીને આવ્યા? અહીંથી જઈને શું કરવાના? અને હવે તો, મને ફૂલ ચડાવતી વખતે તમારા મનમાં શું ચાલે છે, તે પણ પૂછવું પડે એમ છે.

જવાબઃ કેમ આવી નેગેટીવ વાતો કરો છો?  મનમાં શું ચાલતું હોવાનું?

ગાંધીજીઃ એ તો તને ખબર. પૃથ્વી પર તું રહે છે કે હું? વચ્ચે સરદાર મજાકમાં મને પૂછતા હતા કે બાપુ, બેરિસ્ટર સાવરકરને અંગ્રેજોની માફી માગવાનું તમે કહેલું?” પછી હું કંઈ જવાબ આપું તે પહેલાં તેમણે પૃથ્વી પરના કેટલાક સમાચાર બતાવ્યા. તેમાં મારા નામે આવું લખેલું. એટલે, લોકો મને હારતોરા કરતી વખતે શું વિચારતા હશે?

જવાબઃ એ જ કે હવે પછી તમને કયા ખોટા વિવાદમાં સંડોવવા? કે તમને નીચા પાડી ન શકાય, તો કોને કોને તમારી ઊંચાઈ પર ગોઠવી દેવા?

ગાંધીજીઃ (હસે છે) સાચવજે. બહુ બુદ્ધિ ચલાવીશ તો રાજદ્રોહની તૈયારી રાખવી પડશે. અને રાજદ્રોહના કેસમાં મને મળેલો અંગ્રેજ ન્યાયાધીશ તો બિચારો સારો માણસ હતો. કહે કે તમારી સજા ઓછી થશે તો સૌથી વધારે ખુશી મને થશે. તું ન્યાયાધીશ સુધી પહોંચ્યા વિના, અધવચ્ચે જ ક્યાંક સબડી ન પડું.

જવાબઃ ના, ના કહેતાં તમે દેશનું ઘણું ધ્યાન રાખતા લાગો છો.

ગાંધીજીઃ સરદાર છે ને મારી પાસે? એટલે હળવા થવા સમાચાર વાંચી સંભળાવે છે, પણ એ વાંચીને અમે બેય દુઃખી થઈ જઈએ છીએ.

જવાબઃ આઝાદીના અમૃત કાળની ઉજવણીમાં મને તો એમ કે તમે મોજમાં ધુબાકા મારતા હશો. તમારા નામે કેટકેટલું ચાલે છે...

ગાંધીજીઃ મારા નામે જે બધું ચાલે છે, એની તો રામાયણ છે.

જવાબઃ હવે તો રામાયણ છે એવું પણ ન કહેતા...તમારા પ્રત્યે પ્રેમ છે, એટલે કહું છું. ભલે ને એ જૂનો ને જાણીતો શબ્દપ્રયોગ હોય, પણ ગુજરાતના કે ઉત્તર પ્રદેશના કોઈ ગામમાં કોઈકની લાગણી દુભાશે તો તમારે ક્યાં કોર્ટના ધક્કા ખાવાના?

ગાંધીજીઃ (નિઃસાસો નાખીને) હા ભાઈ, રામનો ને રામાયણનો ઉપયોગ લાગણી દુભાવવા પૂરતો ને લાગણી વટાવવા પૂરતો જ રહી ગયો છે...પણ હે, રામ તો બોલાય ને ?

જવાબઃ એ પણ વિચારવું પડે. કારણ કે તમને મારનારી વિચારધારાના લોકોને લાગે છે કે રામ પર તેમની મોનોપોલી છે. તેમનો માણસ તમને ગોળી મારે અને તમે હે રામ બોલો, તો પછી તેમના હિંદુત્વનું શું થાય?

એક વારનું હે રામ ભૂંસવામાં કેટલા દાયકા નીકળી ગયા. હવે ફરી કોઈએ આવી રીતે હે રામ નહીં બોલવાનું, એવો કાયદો હજુ થયો નથી, પણ થાય તો નવાઈ નહીં.

(એ સાંભળતાંની સાથે ફોન ફોન કટ થઈ જાય છે અને તેના સ્ક્રીન પર હે રામ લખેલું આવે છે,)

1 comment:

  1. highly beatuful and timely satire!!! Congratulations!

    ReplyDelete