Saturday, October 08, 2022
દેખ તમાશા વેઇટિંગકા
‘દેખ તમાશા લકડીકા’—એ બહુ જાણીતું ગીત છે. તેમાં જન્મથી મરણ સુધી માણસના જીવનમાં લાકડું કેવી રીતે સંકળાયેલું છે, તેની વાત હથોડાછાપ રીતે કરવામાં આવી છે. (હથોડાનો હાથો લાકડાનો જ હોય છે, એ જુદી વાત છે) ગુજરાતમાં-ભારતમાં એવું ગીત વેઇટિંગ માટે એટલે કે રાહ જોવા માટે પણ લખી શકાય. ભાવિ માતાપિતાનાં લગ્ન માટે હોલના બુકિંગથી રાહ જોવાનું શરૂ થાય છે અને કપરો કાળ હોય તો, અંતિમ યાત્રામાં પણ વેઇટિંગનો સામનો કરવો પડે છે.
બધાં પ્રકારનાં વેઇટિંગમાં સૌથી કંટાળો, ત્રાસ, ચીડ, અકળામણ, લાચારી, ધુંધવાટ, રોષ, બેચેની જેવી લાગણીઓ જન્માવતું વેઇટિંગ એટલે જમવા માટે રેસ્તોરાંમાં ગયા પછી રાહ જોવી પડે તે. લોકો આપણાં શાસ્ત્રો ધ્યાનથી વાંચતા નથી અને “આપણાં શાસ્ત્રો”માં શાનો સમાવેશ થાય છે, તેની પૂરી જાણકારી સુદ્ધાં ધરાવતા નથી. બાકી, જાણકારોને પાકી ખાતરી છે કે એકાદ શાસ્ત્રમાં તો લખ્યું હશે,“અર્થવ્યય દ્વારા અન્નપ્રાપ્તિ માટે પ્રવૃત્ત થતી વખતે પ્રતીક્ષાકર્મ સર્વથા ત્યાજ્ય છે.” ‘ગુજરાતી’માં કહી શકાય કે રૂપિયા ખર્ચીને રાહ શા માટે જોવી?
પરંતુ બ્રહ્માંડનાં કેટલાંક વણઉકલ્યાં રહસ્યોમાંનું એક રહસ્ય અથવા સંસ્કૃતિના પલટાયેલા પ્રવાહોમાંનો એક મોટો પલટો છેઃ સેંકડો લોકો રૂપિયા ખર્ચીને જમવા માટે પણ રાહ જોવાનું પસંદ કરે છે. જમવા જતી વખતે રસ્તામાં તેમણે ચાર ઠેકાણે ખોટી રીતે ઓવરટેક કર્યું હશે, બે ઠેકાણે તેમનું વાહન કોઈને અથડાતું બચ્યું હશે, એકાદ સિગ્નલ તોડ્યો હશે—ટૂંકમાં, તેમની એકંદર વર્તણૂંક ગરવા ગુજરાતી જેવી હશે. પરંતુ રેસ્તોરાંમાં પહોંચ્યા પછી, અચાનક તે ગુજરાતી મટીને હિમાલયવાસી બની જાય છે. અલબત્ત, તે પરિવર્તન ક્ષણમાત્રમાં નથી થતું.
રેસ્તોરાં પર પહોંચ્યા પછી ત્યાં ઉભેલાં લોકોને જોઈને ભોજનોત્સુકને લાગે છે, “નક્કી, આ બધા જમીને બહાર નીકળ્યા હશે અને આપણા માટે સરસ જગ્યા થઈ હશે.” પરંતુ ડુંગરાની જેમ દૂરથી રળિયામણું લાગતું ટોળું નજીક ગયા પછી અકારું લાગવા માંડે છે. કારણ કે, તે પણ રેસ્તોરાંના દરવાજાને કે વેઇટિંગ વિસ્તારને ઘેરો ઘાલીને, જગ્યા જીતી લેવાની ફિરાકમાં હોય એમ જણાય છે. શત્રુસૈન્ય ગમે તેટલું વિશાળ હોય, પણ યોદ્ધો જાણે છે કે યુદ્ધ સંખ્યાબળથી નહીં, આત્મબળથી જીતાય છે. એટલે, તે પોતાની ઓછી સંખ્યાનો અહેસાસ ખંખેરીને, ટોળું ભેદીને રેસ્તોરાંના મર્મસ્થાન સુધી એટલે કે તેના કાઉન્ટર સુધી પહોંચી જાય છે. ત્યાં બેઠેલા જણને તે માસુમિયતથી માહિતી આપે છે, “અમે આટલાં જણ છીએ. ક્યાં બેસવાનું છે?” અને સીધો બેઠકો ભણી ધસે છે.
રેસ્તોરાંનો કર્મચારી તેમને બને તેટલા વિવેકથી રોકવાનો અને એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે “આવો દાવ ખેલવામાં આજની સાંજે તમારો નંબર બારમો છે.” આ શબ્દોમાં તે આ વાત કહી શકતો નથી, એટલે “સર”,“સર”ની સરસરાટી સાથે તે વિનમ્રતાથી નિવેદન કરે છે કે “રાહ જુઓ. વારો આવશે એટલે બોલાવીશું.” કેટલાક ઠેકાણે તો નામ નોંધવા જેવી પ્રથા પણ રાખવામાં આવે છે. તેનાથી ગ્રાહકના પ્રતિક્ષાસમયમાં કશો ફરક નથી પડતો, પણ ગ્રાહકને માનસિક રીતે સારું લાગે છે કે તેણે આ ફાની દુનિયામાં જન્મ લીધા પછી અને સાંજે આ રેસ્તોરાંમાં જમવા આવવાનો (ભૂલભર્યો) નિર્ણય લીધા પછી, કમ સે કમ એક કામ તો ઠેકાણાસરનું કર્યું છે. હવે તેનું નામ નોંધાયું છે, તો ક્યારેક નંબર પણ લાગશે. ચોતરફ પોઝિટિવ થિંકિંગના મારાથી ગ્રસ્ત પ્રતિક્ષારત ગ્રાહક શરૂઆતમાં ભીડ અને રાહ જોવાની ક્રિયામાંથી એવું આશ્વાસન મેળવવા પ્રયાસ કરે છે કે “રેસ્તોરાં ખરેખર ઉત્તમ હોવું જોઈએ. નહીં તો આટલા બધા લોકો વેઇટિંગમાં હોય?”
કેટલાક લોકો ધૈર્યને બદલે પ્રભાવ વાપરી જુએ છે. જઈને તે મેનેજર જેવા લાગતા જણને કહે છે, “પાંચ જણનું એક ટેબલ. ક્યાં બેસવાનું છે? અને તમે ફલાણાસાહેબને તો ઓળખતા જ હશો. આપણા ખાસ મિત્ર થાય.” ખરેખર ગિરદી હોય ત્યારે રેસ્તોરાંવાળો સ્થિતપ્રજ્ઞતાથી અને સામેવાળાની સ્થિતપ્રજ્ઞતાની કસોટી થાય એવી રીતે કહી શકે છે,”હા, હા, કેમ નહીં? જુઓ, પેલા બેઠા તમારા સાહેબ. વીસ મિનિટથી વેઇટિંગમાં જ છે.”
પ્રગટાવેલા ધૈર્ય કરતાં ફરજિયાતપણે પાળવા પડતા ધૈર્યની અસર વિપરીત થાય છે. તેનાથી મન શાંત થવાને બદલે અશાંત થાય છે. માણસને રૂપિયાથી શાંતિ ખરીદવાના નિષ્ફળ પ્રયોગો કરવાની એટલી ટેવ પડી ગઈ છે કે અશાંતિનું સૌંદર્ય તે માણી શકતો નથી. છેવટે, પેટની બેચેની ચહેરા પર દેખાવા લાગે છે. ધીમે ધીમે તે ભૂલવા માંડે છે કે તે જમવા માટે આવ્યો છે કે રાહ જોવા માટે. મગજમાં ખલબલી મચ્યા પછી અનેક દિશામાંથી ઉત્તમ તો નહીં, પણ અવળચંડા વિચાર આવવા લાગે છે. “ગમે ઇશ્ક ગર ન હોતા, ગમે રોજગાર હોતા” એવા મિસરામાં તેને “ગમે રોજગાર”ની જગ્યાએ “ગમે ઇંતજાર” સંભળાવા લાગે છે. તે શરાબની અવેજીમાં મોબાઇલમાં દુઃખ ડૂબાડવાનો પ્રયાસ કરે છે, પણ થોડા સમય પછી તે પ્રયાસ છોડી દેવો પડે છે. કારણ કે, ભૂખની સાથે થાકની પણ લાગવા માંડે છે.
“પાનીમેં મિન પિયાસી”ની જેમ રેસ્તોરાંમાં ભૂખથી વ્યાકુળ થયેલા જણમાં ભૂખની લાગણી ટોચે પહોંચ્યા પછી ઓસરવા માંડે, ત્યારે અચાનક અંદરથી તેડું આવે છે,”સર...પ્લીઝ”. ત્યારે સમજાય છે કે વેઇટિંગવાળાને જમણની સાથે બુદ્ધત્વ ફ્રીમાં મળે છે.
No comments:
Post a Comment