Sunday, October 23, 2022
કૈસી યે પહેલી હાયે...
ગીતો, ગીતોની સર્જનપ્રક્રિયા, ગાયકો તે ગીતો કેવી રીતે ગાય છે, તેનું ઇન્ટરલ્યુડ મ્યુઝિક કેવી પ્રક્રિયાથી તૈયાર થાય છે--આ બધું મારા માટે કાયમી વિસ્મયનો વિષય છે.
શબ્દો-સંગીત-સૂરનું સંયોજન મને હંમેશાં જાદુઈ જ નહીં, દૈવી લાગ્યું છે. આસ્તિક ન હોવા છતાં, ઘડીભર એવું માનવાનું મન થાય છે કે આટલી પરફેક્ટ રચના કોઈ માણસ કે માણસોની શી રીતે હોય? નક્કી તેમાં કોઈ દૈવી તત્ત્વ હોવું જોઈએ એવો ભાવ મનમાં અને આંખોમાં પણ ઉભરાતો હોય છે.
અજિત મર્ચંટ જેવા સંગીતકાર સાથે કલાકોના સત્સંગમાં ઘણી વાર તાગ મેળવવાનો પ્રયાસ કર્યો. તેમની અતિપ્રસિદ્ધ રચના 'તારી આંખનો અફીણી'નો તો પૂરજેપૂરજો તેમણે મને છૂટો પાડીને, રીવર્સ એન્જિનિયર કરીને બતાવ્યો. છતાં, કોઈક તત્ત્વ એવું હોય છે, જે તર્કમાં પકડાતું નથી. સીધું મનને સ્પર્શી જાય છે.
આટલી લાંબી પ્રસ્તાવના પછી એક અતિશય જાણીતા ગીતની વાત. 'ઝિંદગી કૈસી હૈ પહેલી હાય'(આનંદ, મન્ના ડે, સલિલ ચૌધરી, યોગેશ) જેટલી વાર સાંભળું એટલી પહેલી વાર સાંભળ્યા જેવી આરપાર અસર થાય છે. હવે તો યુટ્યુબ પર મન્ના ડે તે ગીત લાઇવ ગાત હોય એવી વિડીયો પણ છે.
મૂળ ગીતની સરખામણીમાં લાઇવમાં વાદ્યો સાવ ઓછાં છે. છતાં, મન્ના ડે 'કભી યે હસાયે, કભી યેે રુલાયે'-માં જે રીતે 'હસાયે' અને 'રુલાયે' શબ્દો ઉચ્ચારે છે, બલ્કે ફંગોળે છે, તે એટલું સહજ લાગે છે કે તેમાં કશું નોંધપાત્ર ન લાગે. ( એક ગીતમાં મન્નાડેના અવાજ માટે 'સ્વરફંગોળ' એવો પ્રયોગ રજનીકુમાર પંડ્યાએ પહેલી વાર કર્યો હતો. તે એટલો આબાદ છે કે બીજો કોઈ શબ્દ તેની જગ્યાએ ગમતો નથી.)
પરંતુ આ જ ગીત યુટ્યુબ પર કવિતા કૃષ્ણમૂર્તિ જેવી તાલિમી ગાયિકાના અવાજમાં અનાયાસે સાંભળવા મળ્યું. તેમાં કવિતા કૃષ્ણમૂર્તિને 'હસાયે' અને 'રુલાયે'માં જે મહેનત પડી અને છતાં મન્ના ડે જેવી અસર તો ન જ આવી, એ જોઈને વધુ એક વાર મન્ના ડેની ગાયકી વિશે નતમસ્તક થઈ ગયો. મહાનતા અને સાહજિકતા વચ્ચે ઊંડો સંબંધ હોય છે.
***
મન્ના ડેના લાઇવ ગીતની લિન્ક
ફિલ્મ માટે રેકોર્ડ થયેલા, પૂરી ઓર્કેસ્ટ્રા સાથેના, ગીતની લિન્ક
અને જિજ્ઞાસા ખાતર સાંભળવાનું મન થાય તો કવિતા કૃષ્ણમૂર્તિના અવાજમાં એ ગીતની લિન્ક
No comments:
Post a Comment