Wednesday, April 27, 2022

ઓટીપી આવ્યો?

‘તમારે કદી ઓટીપીની રાહ જોવી પડી છે?’ એ સવાલ ‘ક્યા તુમને કભી કિસીસે પ્યાર કિયા?’—એ પ્રકારનો છે. વધુ ને વધુ ડિજિટલ બની રહેલી દુનિયામાં ઓટીપી સાથે પનારો પાડવો પડ્યો હોય એવા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ઓટીપીનું રાજકારણ જેવું હોય છેઃ તમે રાજકારણમાં રસ લો કે ન લો, રાજકારણ તમારામાં રસ લે છે અને તમને અસર પણ કરે છે. એવી જ રીતે,  જે લોકો ઓટીપીની, એટલે કે એક વાર આવતા (વન ટાઇમ) પાસવર્ડની માયામાં લપેટાયા નથી, એવા લોકોને પણ ઓટીપી વિશે ધરાર વાંચવું-સાંભળવું પડે છે.

સરકારના કોઈ પણ વિભાગને કશું કર્યા વગર કંઈક કર્યાનો સંતોષ લેવાની ઇચ્છા થાય ત્યારે તે જાહેર હિતમાં જાહેર ખબરો આપે છે. જેમ કે, ‘ઉનાળાની ગરમીથી બચવા માટે ઘરની બહાર ન નીકળશો. છાંયડામાં રહેજો.’ વગેરે. આ સલાહની સાથોસાથ  ‘જમવાનું કે પગાર અમે ઘરેબેઠાં પહોંચાડીશું‘—એવું કહે તો કોઈને તેમની સલાહમાં રસ પણ પડે. બાકી, નકરી લુખ્ખી સલાહોનો કોણ લેવાલ હોય? પણ સવાલ લેવાલનો નથી, ‘આપવાલ’નો છે. સરકારો અને જાહેર હિતમાં જાહેરખબરો આપનારા એટલી ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાએ બિરાજેલા હોય છે કે ‘કોઈ તેરા ગીત સુને ના સુને, તુ અપના ગીત સુનાયેજા’—એવી પંક્તિની જેમ, કોઈ તેમની સલાહ ન સાંભળે તો પણ (કે પછી, એટલે જ) તે સલાહો આપ્યે જાય છે, ડિજિટલ યુગમાં આવી એક સલાહ છેઃ કોઈની સાથે તમારો ઓટીપી શૅર ન કરશો. 

હકારાત્મક દૃષ્ટિથી વિચારતાં ઓટીપી-વિષયક સરકારી સલાહના બે ફાયદા છેઃ જેમને ઓટીપી સાથે પનારો પડતો હોય તેમને ટકોર થાય છે અને જેને ઓટીપી સાથે પનારો પડે એવી કોઈ લેવડદેવડ જ થતી ન હોય, એવા લોકો અંતરથી હાશકારો અનુભવે છે. તેમને થાય છે, ‘જોયું? આપણે આ બધું કરતા નથી, એનો કેટલો ફાયદો છે? છેતરાવાની ચિંતા જ નહીં.’ ધર્મના નામે, રાષ્ટ્રવાદના નામે, પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના નામે, વિશ્વગુરુ બનવાના નામે—એમ બધી બાબતમાં આખો વખત છેતરાતા રહેતા લોકોને કમ સે કમ એક ઠેકાણું એવું મળે છે, જ્યાં છેતરાવાનો ભય નથી. આ અહેસાસ તેમનામાં સુખનાં સ્પંદનો જગાડે છે. તેનાથી સરવાળે દેશનો હૅપીનેસ ઇન્ડેક્સ ઊંચો આવે છે. ઓટીપીનો હૅપીનેસ ઇન્ડેક્સ સાથેનો સંબંધ કોઈને વધુ પડતો કલ્પનાશીલ લાગી શકે, પણ વૉટ્સએપ પર આવતાં તોતિંગ જૂઠાણાં ગટગટાવી જનારા લોકો માટે એ તો કંઈ નથી. 

ઓટીપીની જરૂર મુખ્યત્વે ડિજિટલ લેવડદેવડમાં પડે છે. ઑનલાઇન ચૂકવણીની બધી વિધિ પૂરી થઈ ગયા પછી, છેલ્લે એક ખાલી ખાનું બાકી રહી જાય છે. બસ, મોબાઇલના એસ.એમ.એસ.માં ઓટીપી આવે ને એ ઓટીપી ખાલી ખાનામાં ટાઇપ કરી દઈએ, એટલે મિશન સંપન્ન. સામાન્ય સંજોગોમાં ઓટીપી રાહ જોવડાવ્યા વિના તરત આવી જતો હોય છે. પણ ક્યારેક ન બનવાનું બને છે. તે વખતે લેવડદેવડ કરનારની ડિજિટલ બૅન્કિંગથી માંડીને ઇશ્વર સુધીની શ્રદ્ધાની કસોટી થઈ શકે છે.

દૂરદર્શનના જમાનામાં ઘર ઉપર એન્ટેના લગાડવું પડતું અને ટીવી પર ચોખ્ખું દૃશ્ય ‘પકડવા’ માટે એક જણે પર ચડીને હાથથી એન્ટેના ફેરવવું પડતું હતું. તેની દિશા થોડી ફેરવ્યા પછી ‘આવ્યું?’ની પૂછપરછ શરૂ થતી. દૂરદર્શન નવું હતું ત્યારે મુંબઈ દૂરદર્શન પરથી આવતો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ‘ચિત્રહાર’ સરખો પકડવામાં જ ઘણી વાર કાર્યક્રમનો અડધો કલાકનો સમય વીતી જતો હતો. ઓટીપીમાં ક્યારેક એવું થાય છે. બધી વિધિ પૂરી થઈ હોય, બૅન્કની વિગતો ભરાઈ ગઈ હોય. બસ, ઓટીપી આવે એટલે કામ પૂરું થવાનું હોય. પણ કોણ જાણે કેમ, ઓટીપી આવતો જ નથી.

સલવાઈ પડેલો માણસ ઊંચોનીચો થવા માંડે. થોડી સેકન્ડ સુધી તો ફોનના મેસેજનું ફોલ્ડર જોયા કરે. પછી ફોલ્ડર બંધ કરીને ફરી ખોલે—કદાચ મેસેજ આવ્યો હોય ,પણ દેખાતો ન હોય. ત્યાં સુધીમાં ‘આવ્યો?’, ‘આવ્યો?’ની પૃચ્છાનું દબાણ ઊભું થવા લાગ્યું હોય. પૃચ્છા જેમ વધે, તેમ માણસની ચીડ વધે. પછી જે મનમાં આવે તેને તે અડફેટે લેવાનું શરૂ કરે. સૌથી પહેલાં મોબાઇલની સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ કેટલી ચોર છે અને રૂપિયા લઈને સર્વિસ નથી આપતી, તેનું ઉગ્ર વિવેચન ચાલે. પછી બૅન્કોનો વારો આવે અને ‘બૅન્કોમાં કામ કરનારા સારી રીતે વાત કરતા હોત-સહકાર આપતા હોત, તો ડિજિટલ થવાની જરૂર જ ન પડત’–એવો અભિપ્રાય વ્યક્ત થાય.

દરમિયાન, ઓટીપી ફરી મોકલવાનું બટન દબાવવાનું યાદ આવે. તે દબાવ્યા પછી ફરી પ્રતિક્ષા ચાલુ થાય. વચ્ચે તે પોતાનું ઇ-મેઇલ પણ જોઈ આવે કે ક્યાંક ત્યાં આવીને તો પડ્યો નથી. પણ ‘ઓટીપી ક્યાં નથી ફોલ્ડરમાં’, એ જોઈને તે રઘવાયો થાય. ‘ત્યાંથી મેસેજ આવતા હશે, પણ ફોનમાં કંઈક ગરબડ લાગે છે,’ એવું વિચારીને તે ફોન રીસ્ટાર્ટ કરી જુએ. છતાં મેળ ન પડે. છેવટે, થાકીહારીને તે ‘ફરી ક્યારેક પ્રયત્ન કરીશું’ એવું જાહેર કરીને રણમેદાન છોડી દે.

થોડા કલાક પછી તે ફરી આખી પ્રક્રિયા કરવા બેસે ત્યારે ફોનમાં બે-ત્રણ ઓટીપી આવીને પડેલા દેખાય, પણ સમય વીતી જવાને કારણે તે નકામા બની ચૂક્યા હોય. ત્યારે તેને બ્રહ્મજ્ઞાન થાય કે સમય સમય બલવાન, નહીં ઓટીપી બલવાન.

Tuesday, April 26, 2022

વિરોધ અને તરફેણઃ કેટલીક પ્રાથમિક સમજ

'આપ'ની કિન્નાખોરીને કારણે પંજાબ પોલીસ કુમાર વિશ્વાસના ઘરે પહોંચી અને મહારાષ્ટ્રની શિવ સેના સરકારે સાવ ફાલતુ કેસમાં સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની ધરપકડ કરીને તેમની સામે રાજદ્રોહ જેવો ગંભીર ગુનો ઠોકી દીધો.

એટલે જિજ્ઞેશ મેવાણીની એવી જ ધરપકડના મુદ્દે 'કાયદો કાયદાનું કામ કરશે'ની સુફિયાણી હાંકતા મોદીભક્તો આવી ગયા અને કહેવા લાગ્યા કે કુમાર વિશ્વાસ અને રાણા દંપતિ વિશે કેમ નથી બોલતા?

***

આ બહુ જૂનો દાવ છે. છતાં, જેમના માટે તે નવો હોય, તેમણે એ સમજી લેવા જેવો છે, જેથી ભક્તોની છેતરામણી, તર્કાભાસી દલીલથી ગુંચવાડો પેદા ન થાય.

દરેક વ્યકિતને બધા પક્ષ કે બધી ઘટનાઓ એકસરખી અનિષ્ટ લાગે એ જરૂરી નથી. જેમ કે, કોઈને ભાજપ સૌથી મોટું અનિષ્ટ લાગે, કોઈને કોંગ્રેસ સૌથી મોટું અનિષ્ટ લાગી શકે, તો કોઈને 'આપ' કે બીજા પક્ષ.

દરેક વ્યક્તિ દરેક કિસ્સા-પ્રસંગ-ઘટના પર પ્રતિક્રિયા આપે તે જરૂરી નથી. તે શક્ય પણ નથી.  તેની (ઉપર જણાવેલી) પ્રાથમિકતા, તેને મળતી માહિતી, સમયની અનુકૂળતા વગેરે બાબતોના આધારે તે કોઈ ઘટનાની પ્રતિક્રિયા આપે કે ન પણ આપે.

ધારો કે, મેવાણીની ધરપકડનો વિરોધ કરનાર કોઈએ કુમાર વિશ્વાસ કે રાણા દંપતિ વિશે પ્રતિક્રિયા ન આપી. 

- ત્યારે તે કુમાર વિશ્વાસની નોટિસ કે રાણા દંપતિની ધરપકડ વાજબી ઠરાવવા બેસી જાય છે?

- ‘આપ'નો-શિવ સેનાનો બચાવ કરવા દોડી જાય છે?

-  ‘કાયદો કાયદાનું કામ કરશે'--એવું ડહાપણ ડહોળવા બેસી જાય છે?

-  જો ના, તો તેનો અર્થ એ છે કે તેમની પ્રાથમિકતા મેવાણી સાથેના અન્યાયનો વિરોધ છે. 

તેનો અર્થ એવો નથી કે તેમને બીજા અન્યાય મંજૂર છે અને તે અન્યાયકર્તાઓના બચાવમાં છે.

- એવી જ રીતે, કોઈની પ્રાથમિકતા રાણાની ધરપકડ હોઈ શકે. એટલા માત્રથી તે મોદીભક્ત ન બની જાય.

પણ રાણાની ધરપકડ થઈ તે પહેલાં સુધી અને ત્યાર પછી પણ, ભાજપ સરકાર દ્વારા થતા અન્યાય વખતે તે સરકારના બચાવમાં ઉતરે, ‘કાયદો કાયદાનું કામ કરશે’—એવી માળા જપે, તેમને પાકા ભક્ત જાણવા. તેમના સગવડીયા સવાલોનો તાર્કિક જવાબ આપવાની તસ્દી લેવી નહીં.

કોઈ પણ પક્ષ કે સરકારની અન્યાયનો બચાવ કરવા અને બચાવ માટે વળતો હુમલો કરવા દોડી જનારા લોકો પાકા ભક્ત હોય છે. તેવા ભક્તો ભાજપમાં સૌથી મોટી સંખ્યામાં છે. તે સિવાયના તમામ પક્ષોમાં પણ ભક્તો છે. 

એક ઉદાહરણથી વાત કરુંઃ હું ભક્તોની કે નેતાઓની જેમ સામસામા અન્યાયના છેદ ઉડાડતો નથી. કોઈ ભાજપવાળાને રાણા સામેના અન્યાયનો વિરોધ કરવો હોય તો હું તેમાં ટેકો આપું જ અને ઇચ્છું કે મેવાણી સામેના અન્યાયના વિરોધમાં એ પણ જોડાય.

એવું થાય તો અન્યાયનો ભોગ બનેલાને ન્યાય મળે, નાગરિકો એક થાય અને નાગરિકધર્મનો જય થાય. 

***

આ સમજ બિનભક્તો માટે છે. ભક્તો આ રીતે વિચારવા રાજી હોત તો તે ભક્તો થોડા હોત? 

Wednesday, April 20, 2022

નિબંધઃ એક નિબંધ

નિબંધો સાથે પહેલી વાર પનારો કાચી વયે પડતો હોય છે. આપણી શિક્ષણ પદ્ધતિમાં દરેક બાબતની મહત્તા તેના માર્ક પરથી નક્કી થાય છે. તેથી મોટા ભાગનાં વિદ્યાર્થીઓ માટે નિબંધ એટલે પરીક્ષામાં પાંચ-સાત-આઠ માર્કના પ્રશ્ન સ્વરૂપે દેખા દેતી ઘટના. તેનો ગુણભાર ધ્યાનમાં રાખીને ઉત્સાહી વિદ્યાર્થીઓ રેડીમેડ નિબંધો વાંચીને તૈયાર કરે છે. ત્રણેક દાયકા પહેલાં એ પ્રથા સર્વસ્વીકૃત હતી. ત્યારે ઉનાળાની બપોર, એક ચલણી નોટની આત્મકથા, એક ભીખારીની આત્મકથા, મારો પ્રવાસ, જો હું વડાપ્રધાન હોઉં તો... જેવા નિબંધ તૈયાર કરાવાતા હતા. અત્યારે સમય બારીક છે. એટલે, ‘જો હું વડાપ્રધાન હોઉં તો...’ એવો નિબંધ અપ્રસ્તુત બનીને રાજદ્રોહ-સમકક્ષ ગણાતો હોય તો પણ નવાઈ ન લાગવી જોઈએ. આટલા બધા નેતાઓ પોતપોતાની આકાંક્ષાઓ પર તાળાં મારીને બેઠા હોય ત્યારે અણસમજુ વિદ્યાર્થીઓ વડાપ્રધાન બનવાની કલ્પના સુદ્ધાં શી રીતે કરી શકે?

વિદ્યાર્થી અવસ્થાના સંસ્કારોને લીધે મોટા ભાગના લોકો નિબંધ સાહિત્યનો નહીં, પ્રશ્નનો જ પ્રકાર ગણે છે. લેખનક્ષેત્રે પ્રવેશ્યા પછી ખ્યાલ આવે છે કે નિબંધ સાહિત્યસ્વરૂપનો એવો ડગલો છે, જે નાના-મોટા સૌ કોઈને બંધ બેસી જાય. ઇસુ ખ્રિસ્ત પર ત્રાસ ગુજારનારાને તેઓ શું કરે છે તેની ખબર ન હતી, તેમ ઘણા કટારલેખકોને પણ તેઓ શું કરે છે—શું લખે છે, તેની ખબર નથી હોતી. એટલે કે, તે જે લખે છે તે સાહિત્યનો કયો પ્રકાર કહેવાય તેનો ખ્યાલ નથી હોતો. અધ્યાપકીય વિવેચકોને પૂછી શકાતું નથી. કારણ કે છાપામાં આવતી દરેક ચીજ માટે તેમની પાસે એક જ વિશેષણ ને એક જ વિશ્લેષણ હોય છેઃ લોકપ્રિય.

વિવચકોના અંતિમવાદથી બીજા છેડે લખનારનો અંતિમવાદ આવે છે. તેમાં તે કોલમમાં કંઈ પણ ગાંડુઘેલું લખે છે અને પછી દુનિયા સમક્ષ તેને નિબંધનો ડગલો પહેરાવીને રજૂ કરે છે. નિબંધનો ડગલો એટલો મોટો હોય છે કે તે ગમે તેને આવી રહે. પરંતુ નિબંધ તરીકે ઓળખાતાં ઘણાં લખાણ, માપનું એકેય કપડું ન મળવાને કારણે, પપ્પાનો કોટ પહેરીને ઉભેલાં ટાબરિયાં જેવાં લાગે છે. અલબત્ત, ટાબરિયાને તો પપ્પાનો કોટ પહેરીને મોટા થઈ ગયાનો ગૌરવવંતો અહેસાસ થાય છે.

નિબંધની વ્યાખ્યા અને ચ્યુઇંગ ગમ-બંનેને જેટલાં ખેંચવાં હોય એટલાં ખેંચી શકાય છે. તેને કારણે, સીધુંસાદું લખતાં ન આવડતું હોય એવા લોકો કંઈ પણ લખ્યા પછી તેને નિબંધ જાહેર કરી શકે છે. સાહિત્યવાળા સાથે થોડીઘણી ઉઠકબેઠક હોય તે પોતાના લખાણને લલિત નિબંધ પણ ઘોષિત કરી શકે છે. ભાત ચડ્યા કે નહીં, બટાટું બફાયું કે નહીં તે આંગળીથી દબાવીને નક્કી કરી શકાય છે, પણ કોઈ લેખ નિબંધ છે કે નહીં, તે નક્કી કરવું એટલું સહેલું નથી. નિબંધ હોવાનો દાવો કે આરોપ ધરાવતા લેખને કે તેના લખનારને સુદ્ધાં આંગળી અડાડીને નક્કી કરી શકાતું નથી. શબ્દ મૃત છે કે જીવીત તેને માપવાનાં સ્ટેથોસ્કોપ આવતાં નથી. બસ, આવુ એકાદ વાક્ય લેખમાં આવી જાય તો પણ આખેઆખા લેખને નિબંધની ઓળખ મળી શકે છે.  

કેટલાક સાહિત્યકારો તરફ ઇન્ડિયન પીનલ કોડની કલમોના ભંગ બદલ આંગળી ચીંધી શકાય, પણ સાહિત્યપ્રકારો હજુ સુધી ઇન્ડિયન પીનલ કોડનો હિસ્સો બન્યા નથી. એટલે નિબંધ હોવાનો દાવો કરતી કોઈ કૃતિ કે કૃતિઓ નિબંધ છે કે નહીં, તે નક્કી કરવા માટે અદાલતે ચડી શકાતું નથી. જોકે અદાલતનું કાર્યક્ષેત્ર જે પ્રકારે વિસ્તર્યું છે—અને સરકારનું જે પ્રકારે સીમિત થયું છે—તે જોતાં એ દિવસ બહુ દૂર લાગતો નથી, જ્યારે સાહિત્યકૃતિના પ્રકાર માટે લેખક સામે વિવેચક, વિવેચક સામે લેખક કે એ બંને સામે વાચક સામે કોર્ટે ચડે.

કેટલાક લોકોને એવું હોય છે કે ‘હું તો કંઈ પણ લખું, મારાથી નિબંધ જેવું જ લખાઈ જાય છે. શું કરું?  મારી આવડત મારા કાબૂમાં રહેતી નથી.’ તેમને એ સમજાવી શકાતું નથી કે તેમની આવડત નહીં, તેમની વિવેકબુદ્ધિ અને પરીક્ષણશક્તિ તેમના કાબૂમાં રહી નથી. એટલે તેમને સાવ અદ્ધરતાલ કરેલા શબ્દોના ચીતરડા અને ‘એક યહાં ગીરા, એક વહાં ગીરા’ જેવા પોતાના ફક્રરા વાંચીને પણ નિબંધની કીક આવે છે. પરંતુ, જૂની કહેવત પ્રમાણે, જેમ મિંયાની ભેંસને ડોબું ન કહેવાય તેમ, તેમના ચીતરડાને પ્રલાપ કહી શકાતો નથી. અને એ પ્રલાપ હોય તો પણ, પ્રલાપ તો નિર્બંધ જ હોય. એટલે તેમાંથી રેફ ખસી જાય તો તેમાં કોઈનું કશું ખસી જતું નથી.

બાવા બન્યા પછી હિંદી બોલના પડતા હૈ, તેમ નિબંધ લખવા માટે પ્રકૃતિવર્ણન અને સજીવારોપણ કરના પડતા હૈ. કોટની રાંગેથી ચડઉતર કરીને થાકી ગયેલો તડકો, ગર્ભમાં ટુંટિયુંવાળીને સૂતેલું અંધારું, ચિત્તાની ઝડપે દોડીને મારી સક્રિયતાને આંબી લેતી મારી આળસ...આવું થોડુંઘણું આવી જાય એટલે નિબંધ લખનારનું, અને નિબંધનું પણ, કામ તમામ થઈ જાય છે.

સારો નિબંધ લખવા માટે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડતું હશે, પણ કેવળ નિબંધ લખવા માટે અક્ષરજ્ઞાન હોવું અને લખેલું છપાય એટલું જ પૂરતું છે. સાહિત્યિકનો આભાસ કે ભ્રમ ધરાવતા કોઈ સામયિકમાં તે છપાય તો વધારે સારું. તેને નિબંધ તરીકે ઓળખાવનારા જ નહીં, બિરદાવનારા પણ કીડીને કણ અને હાથીને મણના ન્યાયે મળી રહે છે.

Wednesday, April 13, 2022

ચોક્સી ઉર્ફે અજય પરીખ

જૂની દુકાને વેપારી મુદ્રામાં અજય પરીખ ઉર્ફે ચો્કસી

જીવતાં પ્રિયજનો વિશે લખતી વખતે એક વાત બહુ યાદ રાખવી પડેઃ એ હજુ જીવે છે અને લાંબું જીવવાનાં છે. એટલે તેમના વિશે એવું ને એટલું જ લખવું, જે બંને પક્ષો જીરવી શકે. હા, ટીકા જીરવવી પ્રમાણમાં ઓછી અઘરી છે, પણ વખાણ જીરવવાં અઘરાં છે. 

ચોક્સી ઉર્ફે ચોક્સીકાકા ઉર્ફે પરમ મિત્ર અજય પરીખને જોકે બધું એકસરખું પચી જાય. ઓડકાર પણ ન આવે. હા, ક્યારેક ગુસ્સો કરે તો લગભગ શાકાહારી કહેવાય એવાં બે-ચાર સ્વસ્તિવચનો ચોપડાવે ને પૂરું. આપણને થાય કે ભલા માણસ, આવું કરવાનું? ગુસ્સો તો સરખો કરવો હતો. પણ એ ચોક્સી છે. તેમને ગુસ્સો કરતાં શીખવાડીએ તો પણ શીખે નહીં ને પ્રેમ કરતાં શીખવાડવું ન પડે. 

અમારા—બીરેનના અને મારા—મહેમદાવાદના મિત્ર અજય પરીખ ઉર્ફે ચોક્સીની આજે વર્ષગાંઠ છે. આમ તો મહેમદાવાદના એ બધા મિત્રોની મંડળી (IYC) બીરેનના સહાધ્યાયીઓની. તેમાં મારો પ્રવેશ ઘણો મોડો થયેલો. પણ જેમની સાથે સૌથી પહેલાં ફાવતું થયું તેમાંના એક ચોક્સી. 

ધીમે ધીમે બીરેનને અને બીજા મિત્રોને સંજોગોવશાત્ મહેમદાવાદ છોડીને બીજા ગામમાં-દેશમાં વસવાનું થયું. છેવટે મહેમદાવાદમાં અમે બે રહી ગયા. પણ પચીસ-ત્રીસ વર્ષ પહેલાંનો એક આખો ગાળો એવો હતો, જ્યારે બધા મિત્રો વિપુલ રાવલના 17, નારાયણ સોસાયટીમાં આવેલા બંગલે નિયમિત રાત્રે મળતા, ગપ્પાં મારતા અને છૂટા પડતા. વિપુલનું બિંદુ સાથે લગ્ન થયું, તેમને ત્યાં નીલ આવ્યો, એ બધો સમય ચોક્સી અને હું અચૂકપણે રાત્રે વિપુલના ઘરે જતા. તેમનાં મમ્મી-પપ્પા અને બહેન ટીની (મનીષા રાવલ-કાકા) સાથે પણ અમારો સત્સંગ ચાલતો હોય. ઘરે જવાનું એ હદે નિયમિત કે શિયાળો હોય તો શાલ લઈને અને ચોમાસું હોય તો છત્રી લઈને, પણ જવાનું એટલે જવાનું. એ લોકો ઘરે ન હોય તો પણ અમે જઈએ, કમ્પાઉન્ડની નાની ઝાંપલી ખોલીને હિંચકે બેસીએ ને પાછા આવીએ. 

બારમા ધોરણ પછી મારે એડમિશન લેવાનું થયું ત્યારે મારી સાથે બીરેન નહીં, ચોક્સી હતા. બીરેન વડોદરા હોય અને આમ પણ, અમદાવાદનું અને ખરેખર તો ગમે ત્યાંનું કોઈ પણ કામ હોય તો એ ચોક્સીને જ કરવાનું હોય. તેમાં કશી ચર્ચા ન હોય. મિત્ર પ્રદીપ પંડ્યા રોજ અમદાવાદ જતા હતા, પણ તેમના નાના ભાઈ માટે બૂટ લાવવાના હોય તો તે પણ ચોક્સી લાવે. એ વખતે ચોક્સી ઇન્કમટેક્સ ટોફેલના કે એવા કશાક ક્લાસ ભરતા હતા. એટલે કાલુપુર સ્ટેશનેથી 47 નંબરની બસમાં બેસીને તે ઇન્કમટેક્સ જાય. મારું એમ.જી.સાયન્સમાં એડમિશન થયું, એટલે શરૂઆતના દિવસોમાં એ જ બસમાં તેમની સાથે હું જતો.

મહેમદાવાદની મિત્રમંડળીના મિત્ર મુકેશ પટેલને ગંભીર બીમારી માટે મુંબઈ ડોક્ટરને બતાવવા જવાનું થયું ત્યારે તેમની સાથે ચોક્સી અને હું મુંબઈ ગયા હતા. મુંબઈના એ ખ્યાતનામ ડોક્ટરે બધા કેસ જોઈ લીધા પછી અમને બંનેને એકલા બોલાવીને અમારી સમક્ષ માઠા સમાચાર બ્રેક કર્યા ત્યારે અમે બંને હાલી ગયા હતા. ચોક્સી કઠણ માણસ નથી. દેખીતા સંવેદનશીલોની યાદીમાં એ ન આવે. પણ તેમનામાં રહેલી ઋજુતાની ઘણા લોકો ભીરુતા સાથે ખોટી ભેળસેળ કરે છે. ચોક્સીને જેમના પ્રત્યે બહુ લાગણી હતી તે બિહારીકાકા ગુજરી ગયા તે રાત્રે હું તેમના ઘરે સૂતો હતો. ત્યારે મેં તેમની લાગણીવશતા જોઈ છે. 

પરંતુ ચોક્સીનો સામાન્ય વ્યવહાર બધા સાથે હળવામળવાનો. એક સમયે તેમની દેખાદેખીમાં મેં બધાને તેમનાં વિશિષ્ટ સંબોધનો (જય સ્વામીનારાયણ, જય મહાદેવ, જયશ્રી કૃષ્ણ વગેરે)થી બોલાવવાનો પ્રયત્ન પણ કરી જોયો હતો. પછી મને થયું કે એ ચોક્સી માટે જ બરાબર છે. મને નહીં ફાવે. પત્રકારત્વમાં આવતાં પહેલાંના મારા એક વર્ષના બેકારીના ગાળામાં તેમની દુકાન મારા માટે મજબૂત ઠેકાણું હતી. સવારે પોસ્ટ ઓફિસેથી ટપાલ લઈને, લાયબ્રેરીમાંથી પુસ્તક લઈને તેમની દુકાને જવાનો, ચા પીવાનો અને ક્યારેક નાસ્તો કરવાનો નિત્ય ક્રમ હતો. એક વર્ષના એ ગાળામાં હું હતાશામાં ન સરી પડ્યો, તેમાં તેમની કહી બતાવ્યા વગરની હૂંફનો પણ ફાળો હતો. 

ચોક્સી આમ રૂઢિચુસ્ત, પણ તેમને અમારા નીતિનિયમ વગરના ઘરમાં બહુ ફાવે. બેસતા વર્ષના દિવસે સવારે મિત્રોને ત્યાં જઈ આવ્યા પછી બપોરે એ અમારા ઘરે આવે અને આરામ કરે. ત્રીસ વર્ષ પહેલાં મહેમદાવાદમાં સેન્ડવીચની નવાઈ હતી ત્યારે, ઘરે સેન્ડવીચ બને તો ચોક્સીને અચૂક કહેવાનું. તેમના વિના સેન્ડવીચનો કાર્યક્રમ અમને અધૂરો લાગે. એવું કંઈ પણ હોય તો એમ થાય કે ચોક્સીને બોલાવો. તેમના વિશે બીરેને ફેસબુક પર તેની પોસ્ટમાં જે લખ્યું છે તેનું પુનરાવર્તન કરતો નથી. હવે તો તેમનાં પત્ની રશ્મિકા ઉપરાંત  કેનેડા ગયેલા પુત્ર અર્પ અને અમદાવાદમાં ભણતા પુત્ર જય સાથે પણ દોસ્તી થઈ છે તેનો વધારાનો આનંદ છે. 

મને સંબંધો પર લેબલ મારવાનું ગમતું નથી. એટલે તેમને મોટા ભાઈ જેવા કે એવું કશું કહ્યું નથી. એ પરમ મિત્ર છે ને તેનાથી વધારે કોઈ લેબલની જરૂર નથી. 

હું પ્રામાણિકતાપૂર્વક માનું છું કે ચોક્સીએ—અને પછીનાં વર્ષોમાં બિનીત મોદીએ—મારું, અમારું એટલું બધું કામ, એટલા બધા પ્રેમભાવે કર્યું છે કે હવે તે અમારું એક પણ કામ ન કરે તો પણ અમે તેમના એટલા જ ઋણી રહીએ. તે મિત્રો છે, એટલે આવો હિસાબકિતાબ કરતા નથી. પણ કેટલીક વસ્તુઓ ઔપચારિકતાનો ખચકાટ મૂકીને પણ કહેવાવી જોઈએ. એટલે આ કહી. 

Monday, April 04, 2022

ફોંતરાં-ચિંતન

મથાળાના બે અર્થ થાયઃ ફોંતરાં જેવું ચિંતન અથવા ફોંતરાં વિશે ચિંતન. તેમાંથી પહેલા અર્થ વિશે સુજ્ઞ ગુજરાતી વાચકો જાણે છે. ઓર્ગેનિક ખાણીપીણીને લીધે ફોંતરાના ગુણ સમજેલા કેટલાક લોકો તો માને છે કે એવા ચિંતનની ફોંતરાં સાથે સરખામણી કરવામાં ફોંતરાંનું અપમાન થાય છે. બીજી તરફ અનેક વાંચનારાંને (પહેલા પ્રકારના) ફોંતરાં-ચિંતનનું એટલું બંધાણ થઈ ચૂક્યું છે કે હસતાં હસતાં નહીં તો ટીકા કરતાં કરતાં પણ તે ફોંતરાં-ચિંતન વાંચે છે ને હવે પહેલાં જેવું નથી રહ્યું—એવો અહેસાસ વધુ એક વાર કરીને સંતોષ માને છે.

ફોંતરાં-ચિંતનની સરખામણીમાં અસલી ફોંતરાંની વાત જુદી છે. જેમ કે, સિંગનાં કે ચણાનાં ફોંતરાં. સીતાફળના પ્રેમી હોય એવા દરેક જણને એકાદ વાર તો વિચાર આવ્યો જ હશે કે બીયા વગરનાં સીતાફળ કેમ નથી આવતાં? એવી જ રીતે, ઉદારીકરણ પહેલાંના યુગમાં સીંગ-ચણા ખાતી વખતે ઘણાખરાને એકાદ વાર તો એવો વિચાર આવ્યો જ હશે કે અત્યારે ભગવાન પ્રસન્ન થઈને કંઈક માગવાનું કહે તો હું માગું, હે ભગવાન, આ સીંગ-ચણાનાં ફોંતરાં કાઢી આપો. આ લાગણીમાં અતિશયોક્તિ છે, પણ તે સાવ બિનપાયાદાર નથી.

ફોંતરાંવાળી ખારી સિંગ કે ફોંતરાંવાળા ચણા ખાવા બેઠેલા જણની મનોદશા જરા કલ્પી જુઓ. તેની 90 ટકા શક્તિ, તેનું 90 ટકા ધ્યાન સિંગ કે ચણાને રક્ષણાત્મક આવરણ પૂરું પાડતાં ફોંતરાંનો નિકાલ શી રીતે કરવો તેમાં હશે. હથેળીમાં સિંગ કે ચણા ભરેલા હોય, પણ એક-એક દાણો ફોંતરું કાઢીને, તપાસ્યા વિના મોંમાં મુકી ન શકાય—જેમ, એરપોર્ટ પર સિક્યોરિટીવાળો એક-એક જણને બધા બેગબિસ્તરા કઢાવીને તપાસ્યા વિના અંદર આવવા ન દે.

કપ અને હોઠ વચ્ચેના અંતરની જેમ, ફોંતરાવાળા ખાદ્યપદાર્થ અને મોં વચ્ચે પણ બસ હાથ ચલાવવા જેટલું જ અંતર હોય, ત્યારે ફોંતરાં વચ્ચે આડા હાથ દઈને ઊભાં રહે છે—જાણે સીંગ-ચણાની તે છેલ્લી સુરક્ષાહરોળ હોય. એવા સમયે અધીરા કે ઝીણવટના પ્રેમી ન હોય એવા લોકો ફોંતરાં કાઢવાની ઝંઝટમાં પડ્યા વિના, સીધેસીધા ખાવાની શરૂઆત કરી દે છે. એ દૃશ્ય જોઈને આગ્રહી લોકોનો જીવ કકળે છે. તે બોલી ઉઠે છે, અરે, અરે. ફોંતરાં તો કાઢવાં હતાં? એમ ને એમ જ...?’

ખાનાર બોલવાને બદલે કામ કરવામાં માનતા હોય તો તેમને આવી ચોખલિયાગીરીનો જવાબ આપવામાં રસ પડતો નથી. જવાબો આપવામાં સમય બગાડવાને બદલે તે ફોંતરાંયુક્ત સીંગ-ચણાના બીજા બે-ત્રણ ફાકડા મારવાનું વધારે પસંદ કરે છે. પરંતુ ફાકડા મારવા બેસી જનારામાંથી કેટલાક વિચારશીલ ટાઇપના હોય છે. તે, મોંમાં ઓરેલા સીંગ-ચણા ચાવતાં ચાવતાં, ફોંતરાં કાઢવાનો અનુરોધ કરનારને સમજાવે છે, જુઓ, તમારી લાગણી સાથે હું સંમત છું. સૈદ્ધાંતિક રીતે તમારી વાત ખોટી છે એવું નથી. પણ તમે વિચાર કરો. આપણે જ્યાં બેઠાં છીએ ત્યાં હું ફોંતરાં કાઢવા બેસું તો શું થાય? હથેળીમાં સીંગ (કે ચણા) લઈને હું મસળવાનું ચાલુ કરું એટલે હમણાં ફોંતરાં જુદાં પડી જાય, પણ પછી હું હથેળીમાં ફૂંક મારીશ તો એ બધાં ફોંતરાં પતંગીયાં બનીને આપણી આજુબાજુ ઉડવા લાગશે. ત્યારે તમે જ મને ઠપકો આપશો—અને ડસ્ટ બીન વાપરવાનું તો આપણી સંસ્કૃતિમાં કહ્યું નથી. ડસ્ટ બીન પાશ્ચાત્ય પ્રથા છે. સરવાળે, ફોંતરાં કાઢીને પછી તમારા જેવા ઘણાને નારાજ કરવા, એના કરતાં ફોંતરાં કાઢ્યા વિના તમને એકને નારાજ કરવા, એ વિશ્વશાંતિ માટે વધારે લાભદાયી નથી? શું કહો છો?’

આવું ગહન ચિંતન સાંભળીને ફોંતરાં કાઢવાના આગ્રહી માથું ખંજવાળવા લાગે છે. બીજા પ્રકારના વિચારશીલો બે ડગલાં આગળ વધીને સામેવાળાને તેમના અજ્ઞાન બદલ શરમમાં નાખતાં કહે છે, ઓહો, એનો અર્થ એ થયો કે તમને ખબર નથી લાગતી. આવું સાંભળીને ફોંતરાં નહીં કાઢ્યાની ટકોર કરનાર મૂંઝાય છે. તે સ્વસ્થતા પાછી મેળવે તે પહેલાં જ ફોંતરાભેર બુકડો મારી ગયેલો જણ કહે છે,જુઓ, તમે એ તો માનો છો ને કે કોઈ પણ વસ્તુ કૃત્રિમ કરતાં કુદરતી સ્વરૂપે વધારે સારી? જેમ કે, ખાતર. રસાયણ કરતાં સેન્દ્રીય વધારે સારું કે નહીં?’

સામેવાળો ન છૂટકે હકારમાં ડોકું ધુણાવતાં સવાલ પાછળ રહેલો તર્ક સમજવાની કોશિશ કરે છે, પણ તે પોતાના પ્રયાસમાં આગળ વધી શકે તે પહેલાં દલીલનો ઉત્તરાર્ધ આવે છે,ફોંતરાં એ તો અસલી ચીજ છે-ગુણકારી કુદરતી તત્ત્વ છે. તમે કોઈ દિવસ સાંભળ્યું કે ઘોડાએ ચણા ખાતાં પહેલાં ફોંતરાં કઢાવ્યાં? અને ફોંતરાંવાળા ચણા ખાવાથી તેની તબિયત શબ્દાર્થમાં ઘોડા જેવી રહે છે કે નહીં?  તેનો અર્થ શો થયો? એ જ કે ઘોડા જેવી તબિયત રાખવી હોય તો ચણા ને બીજું આવું જે કંઈ હોય તે ફોંતરાં સાથે ખાવ. ફોંતરાં ઓર્ગેનિક છે, કુદરતી છે, સત્ત્વશીલ છે... આપણે અન્નતપસ્યાના એ મુકામે પહોંચવાનું છે, જ્યાં આપણે સીંગ-ચણા કાઢી નાખીને ફક્ત ફોંતરાં ખાઈએ અને દુનિયા સમક્ષ ઉપદેશથી નહીં, પણ આચરણથી ફોંતરાંનું મહત્ત્વ સ્થાપિત કરીએ. આ વાતમાં વજન ઉમેરવા માટે અમેરિકાની એક યુનિવર્સિટીના સર્વેમાં જાણવા મળ્યું હતું કે... અથવા આયુર્વેદમાં લખ્યું છે કે... એવા ટેકા મૂકી શકાય.

કેમ કે, પોસ્ટ-ટ્રુથ યુગમાં ફોંતરાં સત્ય છે ને સીંગ-ચણા મિથ્યા.