Wednesday, April 20, 2022
નિબંધઃ એક નિબંધ
નિબંધો સાથે પહેલી વાર પનારો કાચી વયે પડતો હોય છે. આપણી શિક્ષણ પદ્ધતિમાં દરેક બાબતની મહત્તા તેના માર્ક પરથી નક્કી થાય છે. તેથી મોટા ભાગનાં વિદ્યાર્થીઓ માટે નિબંધ એટલે પરીક્ષામાં પાંચ-સાત-આઠ માર્કના પ્રશ્ન સ્વરૂપે દેખા દેતી ઘટના. તેનો ગુણભાર ધ્યાનમાં રાખીને ઉત્સાહી વિદ્યાર્થીઓ રેડીમેડ નિબંધો વાંચીને તૈયાર કરે છે. ત્રણેક દાયકા પહેલાં એ પ્રથા સર્વસ્વીકૃત હતી. ત્યારે ઉનાળાની બપોર, એક ચલણી નોટની આત્મકથા, એક ભીખારીની આત્મકથા, મારો પ્રવાસ, જો હું વડાપ્રધાન હોઉં તો... જેવા નિબંધ તૈયાર કરાવાતા હતા. અત્યારે સમય બારીક છે. એટલે, ‘જો હું વડાપ્રધાન હોઉં તો...’ એવો નિબંધ અપ્રસ્તુત બનીને રાજદ્રોહ-સમકક્ષ ગણાતો હોય તો પણ નવાઈ ન લાગવી જોઈએ. આટલા બધા નેતાઓ પોતપોતાની આકાંક્ષાઓ પર તાળાં મારીને બેઠા હોય ત્યારે અણસમજુ વિદ્યાર્થીઓ વડાપ્રધાન બનવાની કલ્પના સુદ્ધાં શી રીતે કરી શકે?
વિદ્યાર્થી અવસ્થાના સંસ્કારોને લીધે મોટા ભાગના લોકો નિબંધ સાહિત્યનો નહીં, પ્રશ્નનો જ પ્રકાર ગણે છે. લેખનક્ષેત્રે પ્રવેશ્યા પછી ખ્યાલ આવે છે કે નિબંધ સાહિત્યસ્વરૂપનો એવો ડગલો છે, જે નાના-મોટા સૌ કોઈને બંધ બેસી જાય. ઇસુ ખ્રિસ્ત પર ત્રાસ ગુજારનારાને તેઓ શું કરે છે તેની ખબર ન હતી, તેમ ઘણા કટારલેખકોને પણ તેઓ શું કરે છે—શું લખે છે, તેની ખબર નથી હોતી. એટલે કે, તે જે લખે છે તે સાહિત્યનો કયો પ્રકાર કહેવાય તેનો ખ્યાલ નથી હોતો. અધ્યાપકીય વિવેચકોને પૂછી શકાતું નથી. કારણ કે છાપામાં આવતી દરેક ચીજ માટે તેમની પાસે એક જ વિશેષણ ને એક જ વિશ્લેષણ હોય છેઃ લોકપ્રિય.
વિવચકોના અંતિમવાદથી બીજા છેડે લખનારનો અંતિમવાદ આવે છે. તેમાં તે કોલમમાં કંઈ પણ ગાંડુઘેલું લખે છે અને પછી દુનિયા સમક્ષ તેને નિબંધનો ડગલો પહેરાવીને રજૂ કરે છે. નિબંધનો ડગલો એટલો મોટો હોય છે કે તે ગમે તેને આવી રહે. પરંતુ નિબંધ તરીકે ઓળખાતાં ઘણાં લખાણ, માપનું એકેય કપડું ન મળવાને કારણે, પપ્પાનો કોટ પહેરીને ઉભેલાં ટાબરિયાં જેવાં લાગે છે. અલબત્ત, ટાબરિયાને તો પપ્પાનો કોટ પહેરીને મોટા થઈ ગયાનો ગૌરવવંતો અહેસાસ થાય છે.
નિબંધની વ્યાખ્યા અને ચ્યુઇંગ ગમ-બંનેને જેટલાં ખેંચવાં હોય એટલાં ખેંચી શકાય છે. તેને કારણે, સીધુંસાદું લખતાં ન આવડતું હોય એવા લોકો કંઈ પણ લખ્યા પછી તેને નિબંધ જાહેર કરી શકે છે. સાહિત્યવાળા સાથે થોડીઘણી ઉઠકબેઠક હોય તે પોતાના લખાણને લલિત નિબંધ પણ ઘોષિત કરી શકે છે. ભાત ચડ્યા કે નહીં, બટાટું બફાયું કે નહીં તે આંગળીથી દબાવીને નક્કી કરી શકાય છે, પણ કોઈ લેખ નિબંધ છે કે નહીં, તે નક્કી કરવું એટલું સહેલું નથી. નિબંધ હોવાનો દાવો કે આરોપ ધરાવતા લેખને કે તેના લખનારને સુદ્ધાં આંગળી અડાડીને નક્કી કરી શકાતું નથી. શબ્દ મૃત છે કે જીવીત તેને માપવાનાં સ્ટેથોસ્કોપ આવતાં નથી. બસ, આવુ એકાદ વાક્ય લેખમાં આવી જાય તો પણ આખેઆખા લેખને નિબંધની ઓળખ મળી શકે છે.
કેટલાક સાહિત્યકારો તરફ ઇન્ડિયન પીનલ કોડની કલમોના ભંગ બદલ આંગળી ચીંધી શકાય, પણ સાહિત્યપ્રકારો હજુ સુધી ઇન્ડિયન પીનલ કોડનો હિસ્સો બન્યા નથી. એટલે નિબંધ હોવાનો દાવો કરતી કોઈ કૃતિ કે કૃતિઓ નિબંધ છે કે નહીં, તે નક્કી કરવા માટે અદાલતે ચડી શકાતું નથી. જોકે અદાલતનું કાર્યક્ષેત્ર જે પ્રકારે વિસ્તર્યું છે—અને સરકારનું જે પ્રકારે સીમિત થયું છે—તે જોતાં એ દિવસ બહુ દૂર લાગતો નથી, જ્યારે સાહિત્યકૃતિના પ્રકાર માટે લેખક સામે વિવેચક, વિવેચક સામે લેખક કે એ બંને સામે વાચક સામે કોર્ટે ચડે.
કેટલાક લોકોને એવું હોય છે કે ‘હું તો કંઈ પણ લખું, મારાથી નિબંધ જેવું જ લખાઈ જાય છે. શું કરું? મારી આવડત મારા કાબૂમાં રહેતી નથી.’ તેમને એ સમજાવી શકાતું નથી કે તેમની આવડત નહીં, તેમની વિવેકબુદ્ધિ અને પરીક્ષણશક્તિ તેમના કાબૂમાં રહી નથી. એટલે તેમને સાવ અદ્ધરતાલ કરેલા શબ્દોના ચીતરડા અને ‘એક યહાં ગીરા, એક વહાં ગીરા’ જેવા પોતાના ફક્રરા વાંચીને પણ નિબંધની કીક આવે છે. પરંતુ, જૂની કહેવત પ્રમાણે, જેમ મિંયાની ભેંસને ડોબું ન કહેવાય તેમ, તેમના ચીતરડાને પ્રલાપ કહી શકાતો નથી. અને એ પ્રલાપ હોય તો પણ, પ્રલાપ તો નિર્બંધ જ હોય. એટલે તેમાંથી રેફ ખસી જાય તો તેમાં કોઈનું કશું ખસી જતું નથી.
બાવા બન્યા પછી હિંદી બોલના પડતા હૈ, તેમ નિબંધ લખવા માટે પ્રકૃતિવર્ણન અને સજીવારોપણ કરના પડતા હૈ. કોટની રાંગેથી ચડઉતર કરીને થાકી ગયેલો તડકો, ગર્ભમાં ટુંટિયુંવાળીને સૂતેલું અંધારું, ચિત્તાની ઝડપે દોડીને મારી સક્રિયતાને આંબી લેતી મારી આળસ...આવું થોડુંઘણું આવી જાય એટલે નિબંધ લખનારનું, અને નિબંધનું પણ, કામ તમામ થઈ જાય છે.
સારો નિબંધ લખવા માટે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડતું હશે, પણ કેવળ નિબંધ લખવા માટે અક્ષરજ્ઞાન હોવું અને લખેલું છપાય એટલું જ પૂરતું છે. સાહિત્યિકનો આભાસ કે ભ્રમ ધરાવતા કોઈ સામયિકમાં તે છપાય તો વધારે સારું. તેને નિબંધ તરીકે ઓળખાવનારા જ નહીં, બિરદાવનારા પણ કીડીને કણ અને હાથીને મણના ન્યાયે મળી રહે છે.
Samazane Wale Samaz Gaye Hai!
ReplyDeleteNa Samze Wo Anari Hai!!!