Wednesday, April 13, 2022
ચોક્સી ઉર્ફે અજય પરીખ
જૂની દુકાને વેપારી મુદ્રામાં અજય પરીખ ઉર્ફે ચો્કસી |
જીવતાં પ્રિયજનો વિશે લખતી વખતે એક વાત બહુ યાદ રાખવી પડેઃ એ હજુ જીવે છે અને લાંબું જીવવાનાં છે. એટલે તેમના વિશે એવું ને એટલું જ લખવું, જે બંને પક્ષો જીરવી શકે. હા, ટીકા જીરવવી પ્રમાણમાં ઓછી અઘરી છે, પણ વખાણ જીરવવાં અઘરાં છે.
ચોક્સી ઉર્ફે ચોક્સીકાકા ઉર્ફે પરમ મિત્ર અજય પરીખને જોકે બધું એકસરખું પચી જાય. ઓડકાર પણ ન આવે. હા, ક્યારેક ગુસ્સો કરે તો લગભગ શાકાહારી કહેવાય એવાં બે-ચાર સ્વસ્તિવચનો ચોપડાવે ને પૂરું. આપણને થાય કે ભલા માણસ, આવું કરવાનું? ગુસ્સો તો સરખો કરવો હતો. પણ એ ચોક્સી છે. તેમને ગુસ્સો કરતાં શીખવાડીએ તો પણ શીખે નહીં ને પ્રેમ કરતાં શીખવાડવું ન પડે.
અમારા—બીરેનના અને મારા—મહેમદાવાદના મિત્ર અજય પરીખ ઉર્ફે ચોક્સીની આજે વર્ષગાંઠ છે. આમ તો મહેમદાવાદના એ બધા મિત્રોની મંડળી (IYC) બીરેનના સહાધ્યાયીઓની. તેમાં મારો પ્રવેશ ઘણો મોડો થયેલો. પણ જેમની સાથે સૌથી પહેલાં ફાવતું થયું તેમાંના એક ચોક્સી.
ધીમે ધીમે બીરેનને અને બીજા મિત્રોને સંજોગોવશાત્ મહેમદાવાદ છોડીને બીજા ગામમાં-દેશમાં વસવાનું થયું. છેવટે મહેમદાવાદમાં અમે બે રહી ગયા. પણ પચીસ-ત્રીસ વર્ષ પહેલાંનો એક આખો ગાળો એવો હતો, જ્યારે બધા મિત્રો વિપુલ રાવલના 17, નારાયણ સોસાયટીમાં આવેલા બંગલે નિયમિત રાત્રે મળતા, ગપ્પાં મારતા અને છૂટા પડતા. વિપુલનું બિંદુ સાથે લગ્ન થયું, તેમને ત્યાં નીલ આવ્યો, એ બધો સમય ચોક્સી અને હું અચૂકપણે રાત્રે વિપુલના ઘરે જતા. તેમનાં મમ્મી-પપ્પા અને બહેન ટીની (મનીષા રાવલ-કાકા) સાથે પણ અમારો સત્સંગ ચાલતો હોય. ઘરે જવાનું એ હદે નિયમિત કે શિયાળો હોય તો શાલ લઈને અને ચોમાસું હોય તો છત્રી લઈને, પણ જવાનું એટલે જવાનું. એ લોકો ઘરે ન હોય તો પણ અમે જઈએ, કમ્પાઉન્ડની નાની ઝાંપલી ખોલીને હિંચકે બેસીએ ને પાછા આવીએ.
બારમા ધોરણ પછી મારે એડમિશન લેવાનું થયું ત્યારે મારી સાથે બીરેન નહીં, ચોક્સી હતા. બીરેન વડોદરા હોય અને આમ પણ, અમદાવાદનું અને ખરેખર તો ગમે ત્યાંનું કોઈ પણ કામ હોય તો એ ચોક્સીને જ કરવાનું હોય. તેમાં કશી ચર્ચા ન હોય. મિત્ર પ્રદીપ પંડ્યા રોજ અમદાવાદ જતા હતા, પણ તેમના નાના ભાઈ માટે બૂટ લાવવાના હોય તો તે પણ ચોક્સી લાવે. એ વખતે ચોક્સી ઇન્કમટેક્સ ટોફેલના કે એવા કશાક ક્લાસ ભરતા હતા. એટલે કાલુપુર સ્ટેશનેથી 47 નંબરની બસમાં બેસીને તે ઇન્કમટેક્સ જાય. મારું એમ.જી.સાયન્સમાં એડમિશન થયું, એટલે શરૂઆતના દિવસોમાં એ જ બસમાં તેમની સાથે હું જતો.
મહેમદાવાદની મિત્રમંડળીના મિત્ર મુકેશ પટેલને ગંભીર બીમારી માટે મુંબઈ ડોક્ટરને બતાવવા જવાનું થયું ત્યારે તેમની સાથે ચોક્સી અને હું મુંબઈ ગયા હતા. મુંબઈના એ ખ્યાતનામ ડોક્ટરે બધા કેસ જોઈ લીધા પછી અમને બંનેને એકલા બોલાવીને અમારી સમક્ષ માઠા સમાચાર બ્રેક કર્યા ત્યારે અમે બંને હાલી ગયા હતા. ચોક્સી કઠણ માણસ નથી. દેખીતા સંવેદનશીલોની યાદીમાં એ ન આવે. પણ તેમનામાં રહેલી ઋજુતાની ઘણા લોકો ભીરુતા સાથે ખોટી ભેળસેળ કરે છે. ચોક્સીને જેમના પ્રત્યે બહુ લાગણી હતી તે બિહારીકાકા ગુજરી ગયા તે રાત્રે હું તેમના ઘરે સૂતો હતો. ત્યારે મેં તેમની લાગણીવશતા જોઈ છે.
પરંતુ ચોક્સીનો સામાન્ય વ્યવહાર બધા સાથે હળવામળવાનો. એક સમયે તેમની દેખાદેખીમાં મેં બધાને તેમનાં વિશિષ્ટ સંબોધનો (જય સ્વામીનારાયણ, જય મહાદેવ, જયશ્રી કૃષ્ણ વગેરે)થી બોલાવવાનો પ્રયત્ન પણ કરી જોયો હતો. પછી મને થયું કે એ ચોક્સી માટે જ બરાબર છે. મને નહીં ફાવે. પત્રકારત્વમાં આવતાં પહેલાંના મારા એક વર્ષના બેકારીના ગાળામાં તેમની દુકાન મારા માટે મજબૂત ઠેકાણું હતી. સવારે પોસ્ટ ઓફિસેથી ટપાલ લઈને, લાયબ્રેરીમાંથી પુસ્તક લઈને તેમની દુકાને જવાનો, ચા પીવાનો અને ક્યારેક નાસ્તો કરવાનો નિત્ય ક્રમ હતો. એક વર્ષના એ ગાળામાં હું હતાશામાં ન સરી પડ્યો, તેમાં તેમની કહી બતાવ્યા વગરની હૂંફનો પણ ફાળો હતો.
ચોક્સી આમ રૂઢિચુસ્ત, પણ તેમને અમારા નીતિનિયમ વગરના ઘરમાં બહુ ફાવે. બેસતા વર્ષના દિવસે સવારે મિત્રોને ત્યાં જઈ આવ્યા પછી બપોરે એ અમારા ઘરે આવે અને આરામ કરે. ત્રીસ વર્ષ પહેલાં મહેમદાવાદમાં સેન્ડવીચની નવાઈ હતી ત્યારે, ઘરે સેન્ડવીચ બને તો ચોક્સીને અચૂક કહેવાનું. તેમના વિના સેન્ડવીચનો કાર્યક્રમ અમને અધૂરો લાગે. એવું કંઈ પણ હોય તો એમ થાય કે ચોક્સીને બોલાવો. તેમના વિશે બીરેને ફેસબુક પર તેની પોસ્ટમાં જે લખ્યું છે તેનું પુનરાવર્તન કરતો નથી. હવે તો તેમનાં પત્ની રશ્મિકા ઉપરાંત કેનેડા ગયેલા પુત્ર અર્પ અને અમદાવાદમાં ભણતા પુત્ર જય સાથે પણ દોસ્તી થઈ છે તેનો વધારાનો આનંદ છે.
મને સંબંધો પર લેબલ મારવાનું ગમતું નથી. એટલે તેમને મોટા ભાઈ જેવા કે એવું કશું કહ્યું નથી. એ પરમ મિત્ર છે ને તેનાથી વધારે કોઈ લેબલની જરૂર નથી.
હું પ્રામાણિકતાપૂર્વક માનું છું કે ચોક્સીએ—અને પછીનાં વર્ષોમાં બિનીત મોદીએ—મારું, અમારું એટલું બધું કામ, એટલા બધા પ્રેમભાવે કર્યું છે કે હવે તે અમારું એક પણ કામ ન કરે તો પણ અમે તેમના એટલા જ ઋણી રહીએ. તે મિત્રો છે, એટલે આવો હિસાબકિતાબ કરતા નથી. પણ કેટલીક વસ્તુઓ ઔપચારિકતાનો ખચકાટ મૂકીને પણ કહેવાવી જોઈએ. એટલે આ કહી.
Nice to read your thoughts on old friendship.Unfortunately theses types of friendship is rare now a days.I have many friends from mahemdabad during my commute from 1986 to 1990 ( Gujarat queen and 47/46). One of the friend Gopal Parikh (civil engineer from polytechnic) sadly passes away at construction site in maninagar in early 1990's.
ReplyDelete-Rajan Shah(Nadiad/Vancouver)
Excellent confession of true obligation and affection, good moral teaching for readers like me.
ReplyDeleteThanks Urvishbhai
Manhar Sutaria