Wednesday, April 27, 2022
ઓટીપી આવ્યો?
‘તમારે કદી ઓટીપીની રાહ જોવી પડી છે?’ એ સવાલ ‘ક્યા તુમને કભી કિસીસે પ્યાર કિયા?’—એ પ્રકારનો છે. વધુ ને વધુ ડિજિટલ બની રહેલી દુનિયામાં ઓટીપી સાથે પનારો પાડવો પડ્યો હોય એવા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ઓટીપીનું રાજકારણ જેવું હોય છેઃ તમે રાજકારણમાં રસ લો કે ન લો, રાજકારણ તમારામાં રસ લે છે અને તમને અસર પણ કરે છે. એવી જ રીતે, જે લોકો ઓટીપીની, એટલે કે એક વાર આવતા (વન ટાઇમ) પાસવર્ડની માયામાં લપેટાયા નથી, એવા લોકોને પણ ઓટીપી વિશે ધરાર વાંચવું-સાંભળવું પડે છે.
સરકારના કોઈ પણ વિભાગને કશું કર્યા વગર કંઈક કર્યાનો સંતોષ લેવાની ઇચ્છા થાય ત્યારે તે જાહેર હિતમાં જાહેર ખબરો આપે છે. જેમ કે, ‘ઉનાળાની ગરમીથી બચવા માટે ઘરની બહાર ન નીકળશો. છાંયડામાં રહેજો.’ વગેરે. આ સલાહની સાથોસાથ ‘જમવાનું કે પગાર અમે ઘરેબેઠાં પહોંચાડીશું‘—એવું કહે તો કોઈને તેમની સલાહમાં રસ પણ પડે. બાકી, નકરી લુખ્ખી સલાહોનો કોણ લેવાલ હોય? પણ સવાલ લેવાલનો નથી, ‘આપવાલ’નો છે. સરકારો અને જાહેર હિતમાં જાહેરખબરો આપનારા એટલી ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાએ બિરાજેલા હોય છે કે ‘કોઈ તેરા ગીત સુને ના સુને, તુ અપના ગીત સુનાયેજા’—એવી પંક્તિની જેમ, કોઈ તેમની સલાહ ન સાંભળે તો પણ (કે પછી, એટલે જ) તે સલાહો આપ્યે જાય છે, ડિજિટલ યુગમાં આવી એક સલાહ છેઃ કોઈની સાથે તમારો ઓટીપી શૅર ન કરશો.
હકારાત્મક દૃષ્ટિથી વિચારતાં ઓટીપી-વિષયક સરકારી સલાહના બે ફાયદા છેઃ જેમને ઓટીપી સાથે પનારો પડતો હોય તેમને ટકોર થાય છે અને જેને ઓટીપી સાથે પનારો પડે એવી કોઈ લેવડદેવડ જ થતી ન હોય, એવા લોકો અંતરથી હાશકારો અનુભવે છે. તેમને થાય છે, ‘જોયું? આપણે આ બધું કરતા નથી, એનો કેટલો ફાયદો છે? છેતરાવાની ચિંતા જ નહીં.’ ધર્મના નામે, રાષ્ટ્રવાદના નામે, પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના નામે, વિશ્વગુરુ બનવાના નામે—એમ બધી બાબતમાં આખો વખત છેતરાતા રહેતા લોકોને કમ સે કમ એક ઠેકાણું એવું મળે છે, જ્યાં છેતરાવાનો ભય નથી. આ અહેસાસ તેમનામાં સુખનાં સ્પંદનો જગાડે છે. તેનાથી સરવાળે દેશનો હૅપીનેસ ઇન્ડેક્સ ઊંચો આવે છે. ઓટીપીનો હૅપીનેસ ઇન્ડેક્સ સાથેનો સંબંધ કોઈને વધુ પડતો કલ્પનાશીલ લાગી શકે, પણ વૉટ્સએપ પર આવતાં તોતિંગ જૂઠાણાં ગટગટાવી જનારા લોકો માટે એ તો કંઈ નથી.
ઓટીપીની જરૂર મુખ્યત્વે ડિજિટલ લેવડદેવડમાં પડે છે. ઑનલાઇન ચૂકવણીની બધી વિધિ પૂરી થઈ ગયા પછી, છેલ્લે એક ખાલી ખાનું બાકી રહી જાય છે. બસ, મોબાઇલના એસ.એમ.એસ.માં ઓટીપી આવે ને એ ઓટીપી ખાલી ખાનામાં ટાઇપ કરી દઈએ, એટલે મિશન સંપન્ન. સામાન્ય સંજોગોમાં ઓટીપી રાહ જોવડાવ્યા વિના તરત આવી જતો હોય છે. પણ ક્યારેક ન બનવાનું બને છે. તે વખતે લેવડદેવડ કરનારની ડિજિટલ બૅન્કિંગથી માંડીને ઇશ્વર સુધીની શ્રદ્ધાની કસોટી થઈ શકે છે.
દૂરદર્શનના જમાનામાં ઘર ઉપર એન્ટેના લગાડવું પડતું અને ટીવી પર ચોખ્ખું દૃશ્ય ‘પકડવા’ માટે એક જણે પર ચડીને હાથથી એન્ટેના ફેરવવું પડતું હતું. તેની દિશા થોડી ફેરવ્યા પછી ‘આવ્યું?’ની પૂછપરછ શરૂ થતી. દૂરદર્શન નવું હતું ત્યારે મુંબઈ દૂરદર્શન પરથી આવતો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ‘ચિત્રહાર’ સરખો પકડવામાં જ ઘણી વાર કાર્યક્રમનો અડધો કલાકનો સમય વીતી જતો હતો. ઓટીપીમાં ક્યારેક એવું થાય છે. બધી વિધિ પૂરી થઈ હોય, બૅન્કની વિગતો ભરાઈ ગઈ હોય. બસ, ઓટીપી આવે એટલે કામ પૂરું થવાનું હોય. પણ કોણ જાણે કેમ, ઓટીપી આવતો જ નથી.
સલવાઈ પડેલો માણસ ઊંચોનીચો થવા માંડે. થોડી સેકન્ડ સુધી તો ફોનના મેસેજનું ફોલ્ડર જોયા કરે. પછી ફોલ્ડર બંધ કરીને ફરી ખોલે—કદાચ મેસેજ આવ્યો હોય ,પણ દેખાતો ન હોય. ત્યાં સુધીમાં ‘આવ્યો?’, ‘આવ્યો?’ની પૃચ્છાનું દબાણ ઊભું થવા લાગ્યું હોય. પૃચ્છા જેમ વધે, તેમ માણસની ચીડ વધે. પછી જે મનમાં આવે તેને તે અડફેટે લેવાનું શરૂ કરે. સૌથી પહેલાં મોબાઇલની સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ કેટલી ચોર છે અને રૂપિયા લઈને સર્વિસ નથી આપતી, તેનું ઉગ્ર વિવેચન ચાલે. પછી બૅન્કોનો વારો આવે અને ‘બૅન્કોમાં કામ કરનારા સારી રીતે વાત કરતા હોત-સહકાર આપતા હોત, તો ડિજિટલ થવાની જરૂર જ ન પડત’–એવો અભિપ્રાય વ્યક્ત થાય.
દરમિયાન, ઓટીપી ફરી મોકલવાનું બટન દબાવવાનું યાદ આવે. તે દબાવ્યા પછી ફરી પ્રતિક્ષા ચાલુ થાય. વચ્ચે તે પોતાનું ઇ-મેઇલ પણ જોઈ આવે કે ક્યાંક ત્યાં આવીને તો પડ્યો નથી. પણ ‘ઓટીપી ક્યાં નથી ફોલ્ડરમાં’, એ જોઈને તે રઘવાયો થાય. ‘ત્યાંથી મેસેજ આવતા હશે, પણ ફોનમાં કંઈક ગરબડ લાગે છે,’ એવું વિચારીને તે ફોન રીસ્ટાર્ટ કરી જુએ. છતાં મેળ ન પડે. છેવટે, થાકીહારીને તે ‘ફરી ક્યારેક પ્રયત્ન કરીશું’ એવું જાહેર કરીને રણમેદાન છોડી દે.
થોડા કલાક પછી તે ફરી આખી પ્રક્રિયા કરવા બેસે ત્યારે ફોનમાં બે-ત્રણ ઓટીપી આવીને પડેલા દેખાય, પણ સમય વીતી જવાને કારણે તે નકામા બની ચૂક્યા હોય. ત્યારે તેને બ્રહ્મજ્ઞાન થાય કે સમય સમય બલવાન, નહીં ઓટીપી બલવાન.
No comments:
Post a Comment