Friday, December 20, 2019
CAA + NRCના વિરોધ નિમિત્તે થોડી વાતો
- પથરાબાજી કે બંધનાં એલાનોથી વિરોધને મદદ નહીં મળે, વિરોધના માર્ક ઘટશે ને તોફાનની વાજબી ટીકાના પૂરમાં મુદ્દો તણાઈ જશે.
- સરકારે શાંતિપૂર્ણ ઢબે તેની નીતિનો વિરોધ કરવાની રજા આપવી રહી. (અમદાવાદમાં પોલીસ પરવાનગી આપવામાં આઘીપાછી થાય છે, પણ ડીટેઇન કરેલા લોકો સાથે અત્યાર સુધી સારી રીતે વર્તી છે.)
- સરકાર શાંતિપૂર્ણ વિરોધની રજા ન આપે ૧૪૪મી કલમ લગાડ્યા કરે, તો શાંતિપૂર્ણ છતાં અસરકારક ઢબે વિરોધ વ્યક્ત કરતા લોકોએ શું કરવું? સરકાર તો સત્તાના નશામાં જવાબ આપવાનું ભૂલી જ ગઈ છે. એ સંજોગોમાં સરકારની તરફેણ કરતા લોકો આનો જવાબ વિચારી શકે છે.
- કાયદામાં ધર્મ આધારિત ભેદભાવ ઘુસાડવાનો ધંધો સરકારે કર્યો છે. માટે, ધર્મને વચ્ચે લાવવાનો આરોપ કાયદાનો વિરોધ કરનારા પર ન મૂકો. તમે એવો આરોપ મુકશો તો તમારી સમજ, સ્પષ્ટતા કે દાનત માટે સવાલ થશે.
- કેટલાક વળી એવા ઉત્સાહી હોય છે કે ‘ક્યાં સુધી ધીક્કાર ફેલાવશો?’ એવું કાયદાનો વિરોધ કરનારને પૂછે છે. તેમનો સવાલ તો વાજબી છે, પણ તે વડાપ્રધાન-ગૃહમંત્રીને પૂછાય ત્યારે.
- કાયદાનો વિરોધ કરનાર કોઈ એવું નથી કહેતા કે પાકિસ્તાની મુસ્લિમોને નાગરિકતા આપો. પાકિસ્તાનમાં બિનમુસ્લિમોને તેમના ધર્મને લીધે વેઠવું પડે છે એ હકીકત છે. પાકિસ્તાનનું ખાતું એવું છે કે ત્યાં શિયા અને અહેમદીયા મુસ્લિમોને પણ તેમના ધર્મને લીધે વેઠવું પડે છે.
- અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે ક્યારેય ધર્મના આધારે વસ્તીની અવરજવર થઈ નથી કે નથી તેની સાથે કોઈ તથાકથિત ‘વિભાજનનો અધૂરો એજેન્ડા’. અને ‘એક જમાનામાં અફઘાનિસ્તાન ભારતનો ભાગ હતું’—એવી દલીલ કરતી વખતે એટલું વિચારજો કે એક જમાનામાં પૃથ્વીના સાત ખંડ ન હતા, જમીનનો આખો, સળંગ એક જ ભાગ હતો.
- ઇશાન ભારત સિવાયનાં રાજ્યોમાં થતા વિરોધનો મુદ્દો અને માગણી એ છે કે નક્કી થયેલી તારીખ સુધીમાં ભારતમાં આવેલા ને ગેરકાયદે રહેતા લોકોને નાગરિકત્વ આપવું કે નહીં, તેનો નિર્ણય ધર્મના આધારે ન થાય. જો એવું જો કાયદેસર ઠરાવવામાં તો એ કાયદો અન્યાયી કહેવાય.
- કાલે ઉઠીને અમેરિકા એવું નક્કી કરે કે તેને ત્યાં જેટલા લોકો ગેરકાયદેસર રહે છે, તેમાંથી ચોક્કસ તારીખ પહેલાં આવેલા ખ્રિસ્તી, યહુદી, મુસ્લિમ, બૌદ્ધ લોકોને કાયદેસર નાગરિકત્વ આપી દેવામાં આવશે અને બાકીના ધર્મીઓ (હિંદુઓ) ગેરકાયદેસર ગણાશે. તો આપણી શી પ્રતિક્રિયા હશે? કોઈ એવી ઠાવકાઈ બતાવશે કે ‘ચિંતા ન કરો. એ તો નાગરિકો માટે નથી, ઘૂસણખોરો માટે છે?’
- કોઈએ એવું માની લેવાની જરૂર નથી કે આ સરકાર અમુક કોમની વિરોધી છે. આ સરકારને એ બધા સામે વાંધો પડી શકે છે, જે તેની આંખે જોતા નથી, તેની યોજનાઓમાં વચ્ચે આવે છે, ને જાહેર હિત અંગે પાયાના સવાલો કરે છે, સરકારી જૂઠાણાંને-આપખુદ નિર્ણયોને પડકારે છે. તેમાં બંધારણીય સંસ્થાઓ પણ હોઈ શકે, સરકારી હોદ્દેદારો હોઈ શકે અને વ્યક્તિઓ કે સમુદાયો પણ હોઈ શકે.
- આજે તમને લાગતું હોય કે કોઈની સાથે કાયદેસર અન્યાય થાય, તેનાથી તમને શો ફરક પડે છે? પણ લોકોમાં અંદરોઅંદર ભાગલા પાડીને, તેમની વચ્ચે વેરઝેર વધારીને ચૂંટણીઓ જીતી લેવામાં માનતી અને ચૂંટણીઓ ન જીતાય તો પછી ભ્રષ્ટાચારવિરોધની વાતો કરતાં કરતાં વિરોધ પક્ષના સભ્યોને ખરીદી લઈને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરતી સરકારોને પોતાની સત્તા સિવાય કોઈ વહાલું નથી હોતું.
- તમને કશું નથી થયું, તેનો અર્થ એ છે કે તમે તેના સ્વાર્થમાં હજુ નડતરરૂપ નથી બન્યા અથવા (નોટબંધી જેવા ઘણા પ્રસંગે) તમારી સાથે જે થવાનું હતું તે થયું હોવા છતાં, તમે તેને અવગણ્યું છે.
- સત્તાકીય કે બીજો સ્વાર્થ સાધવાનો થશે, ત્યારે તમારી ગમે તેટલી વફાદારીની કશી કિંમત નહીં આવે ને સરકારો તમારું પણ નહીં જ સાંભળે. કારણ કે તેને સાંભળવાની ટેવ રહી જ નથી અને તે જ્યારે ટીકાકારોનું સાંભળતી ન હતી-તેમને ધુત્કારી કાઢતી હતી, ત્યારે તમે જ તેના ચીઅર લીડર બન્યા હતા. (અર્નબ ગોસ્વામી આ જ્ઞાનના તાજા લાભાર્થી છે. તવલીન સિંઘને તેમના કરતાં થોડું વહેલું એ જ્ઞાન મળ્યું.)
- તમને જ્યારે લાગતું હતું કે એ તમારું સાંભળે છે, ત્યારે એ તો ખરેખર તમારો ભ્રમ હતો. સરકાર તમારું પણ સાંભળતી ન હતી, તમે એના પડઘા પાડતા ફરતા હતા ને એના પડઘાને પોતાનો કે દેશનો અવાજ ગણીને રાજી થતા હતા.
- વિચારવામાં ક્યારેય મોડું થયું નથી. સવાલ ફક્ત સરકારની બદદાનતનો નથી. દેશ તરીકે આપણા સૌના દેશવાસીઓના શક્ય એટલા શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો છે, ભારતની ઉજ્જવળ સાંસ્કૃતિક પરંપરાનો છે, ‘યુનાનો મિસ્ર રોમાં સબ મિટ ગયે જહાં સે’, ત્યાર પછી પણ જે ટકી રહ્યું તે હિંદ સર્વસમાવેશક છે. તે ટક્યું તેમાં બધાને પોતાનામાં સમાવી લેવાના તેના ગુણનો મોટો ફાળો છે. તેની એ તાકાતને નબળાઈમાં ખપાવવી ને તેને પાછી દેશભક્તિ ગણવી, એ ખોટનો સોદો છે.
- ‘એક દેશ, એક---‘ આ પ્રકારનાં સૂત્રોથી ભરમાશો નહીં. કેમ કે, તેનો સાદો અર્થ થાય છેઃ 'એક દેશ, (અમારી) એકહથ્થુ સત્તા'. દેશના લોકોને વહેંચીને એક દેશ બનાવવાની વાતો કરનારાથી ચેતજો.
- આપણને સર્વસમાવેશક ભારત ખપે છે. આપણને ધર્માંધ પાકિસ્તાનના રવાડે ચડવા થનગનતું હોય એવું ભારત નહીં.
Tuesday, December 17, 2019
સિટીઝન અમૅન્ડમૅન્ટ બિલ (CAB), ૨૦૧૯ : અગત્યના મુદ્દા
( ઉર્વીશ કોઠારી, 'નિરીક્ષક', ૧૬ ડિસેમ્બર, ૨૦૧૯માંથી)
ભારતીય નાગરિકતાના એક નિયમમાં પાયાનો ફેરફાર કરતો ખરડો લોકસભા પછી રાજ્યસભામાં પણ પસાર થઈ ગયો છે.સંસદીય લોકશાહીની કલ્પના થાય ત્યારે તેમાં એક ભયસ્થાન હોય છેઃ Brute Majority/આંકડાકીય બહુમતીનું નકરી દાદાગીરી જેવું જોર. વર્તમાન સરકાર પાસે એવી બહુમતી છે. રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે એમની પાસે પણ એવી બહુમતી હતી. આવી બહુમતી હોય ત્યારે, કેવળ સંખ્યાના જોરે (અલબત્ત લોકોના નામે) સરકાર ઇચ્છે તેવો કાયદો બનાવી શકે. તેમાં બે જ અડચણ હોયઃ ૧) રાષ્ટ્રપતિ સહી કરે તો જ ખરડો કાયદો બને. રાષ્ટ્રપતિ પોતાના નીમેલા હોય, તો આ અડચણ રહેતીનથી. ૨) કાયદો ઘડવાની સર્વોપરી સત્તા સંસદ પાસે છે. છતાં, તે બ્રુટ મેજોરિટીના જોરે બંધારણના હાર્દથી વિપરીત કાયદા ઘડે તો સર્વોચ્ચ અદાલતમાં તેને પડકારી શકાય છે અને સર્વોચ્ચ અદાલત તે કાયદાને રદબાતલ કરી શકે છે. (યાદ આવે છે ત્યાં સુધી, રાજીવ ગાંધીની સરકાર ડીફેમેશન બિલ લાવી હતી. પણ તેનો વ્યાપક લોકવિરોધ થતાં એ ખરડો પડતો મૂકવો પડેલો. તેનું એક કારણ એ પણ હતું કે તેમાં રેલો સીધો છાપાં-મેગેઝીન પર આવતો હતો.) ત્રીજી સંભવિત અડચણ હોઈ શકે લોકોનો વિરોધ.
વર્તમાન સરકારે નાગરિકતાને લગતા કાયદામાં ફેરફાર બંને ગૃહોમાંથી પસાર કરાવી દીધો, તેનો ઠીક ઠીક વિરોધ થયો છે—અને વર્તમાન સરકારની કાર્યપદ્ધતિની ખાસિયત પ્રમાણે, એ વિરોધનો પણ વિરોધ થઈ રહ્યો છે. એ સંજોગોમાં આ ખરડાનો વિરોધ કેમ થયો એ સમજવું જરૂરી બની જાય છે. આ ખરડા થકી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ડિસેમ્બર, ૨૦૧૪ સુધી ભારતમાં વસેલા અને ભારતની નાગરિકતા ન ધરાવતા હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ લોકોને ભારતનું નાગરિકપદું આપવામાં આવશે. આ યાદીમાંથી મુસ્લિમોની બાદબાકી કરવામાં આવી છે.
કાયદામાં થયેલા આ ફેરફાર (અમૅન્ડમૅન્ટ) પ્રત્યે વાંધાનાં મુખ્ય બે સાવ જુદા જુદાં કારણ છેઃ
૧) બીજા દેશોમાંથી આશ્રય લેનાર કે ઘૂસણખોરી કરનારને ધર્મના આધારે નાગરિકતા આપવાનો નિર્ણય. ભારતના બંધારણ પ્રમાણે અને ભારતની પરંપરા પ્રમાણે ધર્મ એ નાગરિકતાનો આધાર બની શકે નહીં અને બનવો પણ જોઈએ નહીં. એ પાકિસ્તાન કે અફઘાનિસ્તાનમાં બનતો હોય તો ભલે, પણ ભારતમાં તો નહીં જ. માટે, આ બાબતની ઉગ્ર ટીકા થઈ રહી છે.
૨) ઇશાન ભારતનાં રાજ્યોમાં પ્રશ્ન જુદો છે. ત્યાંની મુખ્ય ચિંતા સ્થાનિક સંસ્કૃતિ અને સ્થાનિક વસ્તીનું પ્રમાણ જાળવવાની છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેમને (દા.ત. આસામને) મુસ્લિમ બાંગ્લાદેશીઓ જેટલો જ વાંધો હિંદુ બાંગ્લાદેશીઓ સામે પણ છે. કેમ કે, સવાલ ફક્ત હિંદુ-મુસ્લિમનો નહીં, આસામી સંસ્કૃતિ વિરુદ્ધ બંગાળી સંસ્કૃતિનો પણ છે. એવી જ રીતે, ઈશાન ભારતમાં બીજે, બિનમુસ્લિમોને નાગરિકત્વ આપવામાં આવે તેના કારણે, સ્થાનિક જાતિઓ અને સમુદાયોના પ્રમાણમાં નોંધપાત્ર ફેરફાર થશે અને સરવાળે સ્થાનિકોનું મહત્ત્વ ઘટી જશે, એવી બીક વિરોધનું મુખ્ય કારણ છે. મણિપુરમાં નવી જોગવાઈ લાગુ નહીં પડે, તેવી સ્પષ્ટતા છતાં ત્યાંના લોકોને સરકાર પર ભરોસો નથી. એટલે તે પણ વિરોધ કરી રહ્યા છે.
આમ, કહી શકાય કે સરકારે જુદાં જુદાં કારણ, જુદી જુદી ગંભીરતા અને જુદી જુદી અસરો ધરાવતા બે મોરચા એક સાથે ખોલી નાખ્યા છે. આવું કરવાની શી જરૂર હતી? તેના બે-ત્રણ જવાબ છે.
*
બાંગલાદેશી ઘુસણખોરો એ ભાજપનો-સંઘ પરિવારનો પ્રિય મુદ્દો છે. અલબત્ત, તેમની ઘુસણખોરોની વ્યાખ્યામાં ફક્ત મુસ્લિમ ઘુસણખોરો આવે છે, જ્યારે આસામી લોકોને બાંગલાદેશથી ગેરકાયદે આવેલા મુસ્લિમ અને હિંદુ બન્ને ઘુસણખોરો સામે વાંધો છે. મુસ્લિમોની સંખ્યા ઘણી મોટી છે, એટલે અને પરંપરાગત કારણોસર તેમની સામે વાંધો પણ મોટો હોય. હિંદુઓની સંખ્યા નાની છે. એટલે ‘બધા મુસ્લિમ ઘુસણખોરોને નાગરિકતામાંથી બાકાત કરી નાખો, તો અમે થોડા હિંદુ ઘુસણખોરોને સ્વીકારી પણ લઈએ’—એવું સમાધાન આસામમાં અમુક વર્ગને લોકોને કદાચ સ્વીકાર્ય બને.
ભાજપ સરકારે આસામમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) નો કાર્યક્રમ ઉપાડીને રાજ્યના લોકોની નાગરિકતાની તપાસ ચલાવી અને નાગરિકોની નવેસરથી યાદી બનાવી, ત્યારે આસામના લોકોની અને ભાજપના સમર્થકોની અપેક્ષા ઉપર પ્રમાણે બને એવી હશે. તેને બદલે થયું એવું કે આસામમાં 3.11 કરોડ લોકોનાં નામ કાયદેસર નાગરિક તરીકેની યાદીમાં આવ્યાં અને આશરે 19 લાખ લોકો તેમાંથી બાકાત રહી ગયા.તેમાંથી આશરે 12 લાખ હિંદુ હતા.
અપેક્ષાથી વિપરીત, આટલી મોટી સંખ્યામાં હિંદુઓ કાયદેસરની નાગરિકતાથી બાકાત રહી ગયા, એટલે ભાજપશાસિત રાજ્ય સરકારના મંત્રીઓથી માંડીને સંઘ પરિવાર સુધીના બધાએ NRCની આખરી યાદીનો વિરોધ કર્યો. હવે આ બારેક લાખ હિંદુઓને કાયદેસરના નાગરિક બનાવવા હોય—અને એ સિવાયના પાંચેક લાખ મુસ્લિમોને નાગરિકતા ન આપવી હોય તો—તો નાગરિકતાના કાયદામાં ધર્મઆધારિત ફેરફાર કરવો પડે. તે આ ફેરફાર કર્યો.
આમ કરોડોના ખર્ચે થયેલી કવાયત અને અનેક લોકોની હેરાનગતિ પછી (નોટબંધીની જેમ જ) આસામમાં સિટિઝન રજિસ્ટરનો હેતુ સિદ્ધ થયો નહીં. ઊલટું, ગેરકાયદે જાહેર થયેલા હિંદુઓનો પ્રશ્ન ઊભો થયો, જેના માટે મુસ્લિમોને બાકાત રાખીને બીજા બધાને નાગરિકતા આપવાનો ફેરફાર કરવાનો વારો આવ્યો.
*
ફરી સિટિઝન અમૅન્ડમૅન્ટ બિલ અંગેના મુખ્ય વાંધાની વાત (જે ઇશાન ભારતમાં થઈ રહેલા વિરોધ કરતાં પણ વધારે વ્યાપક, વધારે પાયાની છે). હવે તો રાષ્ટ્રપતિએ તેની પર સહી કરી દીધી હોવાથી તે ફેરફાર કાયદાનો હિસ્સો બની જશે. તેમાં પહેલી વાર ચોક્કસ સંજોગોમાં ભારતના નાગરિકત્વ માટે ધર્મને માપદંડ તરીકે રાખવામાં આવ્યો છે અને મુસ્લિમો પ્રત્યેના વિરોધને, ભલે ગમે તેટલું નિર્દોષ કે અવિરોધી લાગે એવું મહોરું પહેરાવીને પણ, કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
- સાંસદોમાં જે ખરડો વાચન માટે વહેંચવામાં આવ્યો તેમાં અને ત્યાર પહેલાંની ચર્ચામાં એક શબ્દ બહુ અગત્યનો હતોઃ ‘પર્સીક્યુશન’. એટલે કે, સતામણી. ભારત, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી સતાવાયેલા બિનમુસ્લિમો માટે આ ફેરફાર થઈ રહ્યો છે. પરંતુ પસાર થયેલા ખરડામાં ‘પર્સીક્યુશન’નો ઉલ્લેખ જ નથી. (https://www.telegraphindia.com/india/persecution-hole-in-citizenship-amendment-bill-fuels-theories/cid/1726169) તેનું એક સંભવિત કારણ એ હોઈ શકે છે કે ૨૦૧૪ પહેલાંના અરસામાં પાકિસ્તાન, બાંગલાદેશ કે અફઘાનિસ્તાનમાં ધાર્મિક કારણોસર સતામણી થઈ હતી, એવું પુરવાર શી રીતે થઈ શકે? સામાન્ય સંજોગોમાં તેના પુરાવા શી રીતે હોય? એટલે, ખરડાની ચર્ચામાં ધાર્મિક સતામણી કેન્દ્રસ્થાને રહી, પણ કાયદામાં એ શબ્દની, ખરું જોતાં એ માપદંડની, બાદબાકી થઈ ગઈ.
- ભાગલા ને પાકિસ્તાન-બાંગ્લાદેશમાં ધાર્મિક સતામણી પામેલા બિનમુસ્લિમો—આટલે સુધીનો સરકારી એજેન્ડા તેમની અત્યાર લગીની ચાલચલગત પ્રમાણેનો હતો. પણ પાકિસ્તાન, બાંગ્લાદેશની સાથે અફઘાનિસ્તાનનો ઉમેરો કરીને આ સરકારે તેમની વિભાજનકારી નીતિ તથા હિંદુ રાષ્ટ્રના એજેન્ડામાં નવું પરિમાણ ઉમેર્યું. ભાગલા પછીના કોઈ પણ તબક્કે અફઘાનિસ્તાન સાથે ભારતની સરહદ મળતી નથી. પરંતુ ત્યાં ઇસ્લામી રાજ્ય છે, એટલે ત્યાં સતાવાયેલા બિનમુસ્લિમ અહીં આવ્યા હોય તો તેમને પણ આશરો આપવો—એવું નક્કી કરવામાં આવ્યું.
તેનો આડકતરો સંદેશો એ થાય કે જેમ સતાવાયેલા યહુદીઓ માટે ઇઝરાઇલ છે, તેમ સતાવાયેલા હિંદુઓ (અને સાવ ચોખ્ખેચોખ્ખું હજું કહેવાતું નથી એટલે, સાથે શીખો, ખ્રિસ્તીઓ, જૈનો, બૌદ્ધો) માટે ભારત છે. આવો ભેદભાવ ત્યારે વાજબી ગણાય, જ્યારે સતાવાયેલા ભારતીયોને (હિંદુઓને કે બીજાઓને)અન્ય કોઈ દેશ સંઘરતો ન હોય અથવા બધે તેમની ધર્મના લીધે અમુક પ્રકારેસતામણી થતી હોય(જેવું યહુદીઓના કિસ્સામાં હતું). પરંતુ હિંદુ અને બાકીના ધર્મી ભારતીયો પશ્ચિમી દેશોથી માંડીને ઇસ્લામી શાસન ધરાવતા અખાતી દેશોમાં બધે વસે છે. એવા સંજોગોમાં હિંદુ રાષ્ટ્રનો આભાસ આવા ભેદભાવથી આપી શકાય અને તેનો રાજકીય લાભ ખાટી શકાય.
કાયદામાં ફેરફાર કરનારાને ખબર છે કે સર્વોચ્ચ અદાલતમાં આ ફેરફારને પડકારવામાં આવશે અને કદાચ અદાલત તેને રદ પણ કરી દે. એવું થાય તો, નાક તો છે નહીં, એટલે એ ચિંતા નથી. પણ પોતે આવો ફેરફાર કરીને હિંદુ હિતનું (ને મુસ્લિમોને બાકાત રાખવાનું) મહાન કામ કર્યું, એવા સંદેશાના ઢોલ વગાડીને હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ તો ઊભું કરી જ શકાશે (બલ્કે, એવું ધ્રુવીકરણ ઊભું થઈ જ રહ્યું છે. તેમાં પંખો નવેસરથી ચાલુ કરવાનો તો છે નહીં, એક-બે પર ચાલતો હોય તેને જ છ પર લઈ જવાનો હોય) રામ મંદિર-૩૭૦નો કાર્યક્રમ પૂરો થયા પછી પણ મંદી પીછો ન છોડતી હોય, ત્યારે નાગરિકતાના નિયમમાં ફેરફાર અને નાગરિકતાનું રજિસ્ટર આવતી ચૂંટણી માટે કોમી ધ્રુવીકરણના નવા મુદ્દા તરીકે બહુ કામના બની શકે છે—અદાલત ફેરફાર રદ કરે તો પણ. અને કોઈ કારણસર અદાલત ફેરફાર બહાલ રાખે, તો કથિત હિંદુહિત અને અકથિત મુસ્લિમવિરોધના મુગટમાં વધુ એક પીછું.
*
નાગરિકતાના કાયદામાં ફેરફાર કરીને અમિત શાહ આસામમાં તેમની જ સરકારની નાગરિકતા ચકાસણી કવાયતમાં નાપાસ થયેલા બારેક લાખ હિંદુઓને નાગરિકતા અપાવી દેશે. કારણ કે તે હિંદુ છે. તેનાથી રાષ્ટ્રીય સ્તરે હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણનો તેમનો એજેન્ડા તો સચવાઈ જશે, પણ હિંદુ-મુસ્લિમ બંને ધર્મના બાંગલાદેશી ઘુસણખોરોનો વિરોધ કરતા આસામીઓના અજંપાનું શું? તેમને બાર લાખ હિંદુઓને નવા કાયદા પ્રમાણે નાગરિકતા મળે તેની સામે વાંધો ન હોય તો પણ, તે એનાથી ઘણી મોટી સંખ્યામાં મુસ્લિમોને ઘુસણખોર જાહેર કરીને તેમને બહાર કાઢવા માટે દબાણ નહીં કરે? અથવા સરકારે આસામીઓને રીઝવવા માટે નવેસરથી, મુસ્લિમ ઘૂસણખોરો સામે ચીપીયા પછાડવાના બાકી રહેશે.
આસામના અનુભવ પછી પણ અમિત શાહ ભારતભરમાં સિટિઝન રજિસ્ટર લાગુ કરવા માગે છે, એ તેમની ધ્રુવીકરણ માટેની પ્રતિબદ્ધતા સૂચવે છે. તે જાણે છે કે નાગરિકોને બે ભાગમાં વહેંચી દઈએ અને ઠીક ઠીક માત્રામાં હિંદુઓના મનમાં મુસ્લિમવિરોધનું તાપણું ગમે તેમ કરીને સળગતું રાખીએ, તેને હવા આપ્યા કરીએ, તો (તો જ) આપણું રાજકીય ભવિષ્ય સુરક્ષિત છે. બાકી, નબળામાં નબળા વિપક્ષ છતાં આર્થિક સમસ્યાઓના સ્ટીમ રોલર નીચે કચડાઈ જવાનો વારો આવશે. એટલે તે અને હવે તેમની પાછળ અદૃશ્ય હાથ તરીકે કામ કરતા તેમના સાહેબ દેશની એકતાના નામે દેશના નાગરિકોને વિભાજિત કરી રહ્યા છે અને અસ્થિરતા ફેલાવી રહ્યા છે. સમસ્યા ઉકેલવાના નામે નવી સમસ્યાઓ ઊભી કરીને, તેમાંથી પોતાનો ફાયદો કેવી રીતે કાઢી લેવો, તેની વેતરણ કરવી એ ચાણક્યબુદ્ધિ નથી, નીતાંત દુષ્ટ બુદ્ધિ છે.
માટે CAB અને NCRના વિરોધનો વિરોધ કરતી વખતે, સરકારી ટીકાકારોની ટીકામાં રહેલાં છીંડાં જરૂર બતાવીએ ને એ બાબતે તેમની ટીકા કરીએ, તેમનો રાજકીય એજેન્ડા હોય તો જરૂર ખુલ્લો પાડીએ,પણ વ્યાપક અનિષ્ટની ગંભીરતા પરથી નજર હઠાવ્યા વિના.
વિરોધીઓની ટીકામાં રહેલાં (વાજબી) છીંડાં દર્શાવવામાં, આપણે વ્યાપક અનિષ્ટને નજરઅંદાજ કરી બેસીએ કે તેની ગંભીરતાને વિરોધીઓની મર્યાદા સામે મૂકીને, સામસામો છેદ ઉડાડી દેવામાં આપણે જાણેઅજાણે સરકારના સાથીદાર તો નથી બની જતા ને? એ વિચારવાનું છે.
નોંધઃ આ લેખ લખાયા પછી ખરડો કાયદો બની જતાં તે હવે બિલને બદલે એક્ટ તરીકે ઓળખાય છેઃ CAB નહીં, CAA.
કાયદાના આ ફેરફારના વિરોધમાં જામીયા મિલીયા યુનિવર્સિટીથી શરૂઆત થયા પછી દેશભરમાં અલગ અલગ ઠેકાણે તેનો વિરોધ થઈ રહ્યો છે. ગમે તેવા વિરોધમાં હિંસા ભળે, તો તે વિરોધના મુદ્દાને મોળો પાડી નાખે. એટલે હિંસાથી તો દૂર જ રહેવા જેવું છે. સાથોસાથ, હિંસાની ટીકા કરવા જતાં, વિરોધના મૂળ મુદ્દાને વખોડી કાઢવા જેવો નથી. બલ્કે, કાયદાના ફેરફારની વિરોધમાં સાથે ઊભા રહેવા જેવું છે. કેમ કે, તેમાં જે થયું ને જે થઈ શકે એમ છે, એ બંનેનો વિરોધ છે.
Monday, December 16, 2019
રાજાની ‘બાળ’વાર્તા
એક ગામ હતું. કદાચ દેશ પણ હોય. તેમાં એક રાજા હતો. એ કદાચ ચૂંટાયેલો પણ હોય. તેને એક જ શોખઃ ઈતિહાસમાં અમર થવાનો. સવારે ઊઠીને તે અરીસામાં જુએ અને વિચારે, ‘એવું તે શું કરું, જેથી ઈતિહાસના ચોપડે મારું નામ અમર થઈ જાય?’ તેને થયું કે દરબારીઓને પૂછવું જોઈએ.
તેના રાજમાં દરબારીઓનો તોટો નહીં. એકથી એક ચડિયાતાઃ કોઈ તેની બુદ્ધિ વખાણે, તો કોઈ ભાષણ. કોઈ તેની નિર્ણયશક્તિ વખાણે, તો કોઈ મક્કમતા. વખાણ જ વખાણ...દરબારીઓ જ દરબારીઓ. તેના રાજમાં રૈયતના બે જ ભાગઃ દરબારી ને દુશ્મન. રાજપ્રેમી ને રાજદ્રોહી. રાજા ‘દુશ્મનો’નું કહેલું કંઈ કરે નહીં ને દરબારીઓને કંઈ પૂછે નહીં. દરબારીઓનું એક જ કામઃ રાજા જે કરે તેની બિરદાવલી ગાવાનું, રાજાના ‘દુશ્મનો’ પર તૂટી પડવાનું અને પોતાના રાજપ્રેમને દેશપ્રેમ તરીકે જાહેર કરીને રાજી થવાનું.
રાજાને એક દિવસ મન થયું કે રાજમાં ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે. નાણાંબંધી કરી દઈએ તો કેવું? હવે ‘કેવું?’નો શો જવાબ હોય? રાજાને સૂઝે તે સોના જેવું. તેમાં જ્ઞાનીનું-વિદ્વાનનું શું કામ? રાજાના રાજમાં ‘હાર્વર્ડ’નો નહીં, ‘હાર્ડ વર્ક’નો મહિમા. રાજા તુક્કા છોડે ને પ્રજા ‘હાર્ડ વર્ક’ કરે. હાર્ડ વર્કમાંથી કોઈ બાકાત નહીં—દરબારી પણ નહીં ને દુશ્મન પણ નહીં. ફેર એટલો કે ‘દુશ્મનો’ તર્ક કરે, ટીકા કરે, બિનદરબારી-દરબારી સૌના હિતની વાત કરે, જ્યારે ‘દરબારીઓ’ મોઢા પર રાજાના હસતા મોઢાનું મહોરું ચઢાવીને, હાર્ડ વર્ક કરે અને રાજને દેશ ગણીને રાજી થાય.
રાજાએ તો કરી દીધી નાણાંબંધી. લોકો હેરાનપરેશાન. ધંધારોજગાર ભાંગી પડ્યા. પોતાના પૈસા લેવા લાઇન લગાડવી પડી. પણ રાજાએ જાહેર કરી દીધું કે અમીર ભ્રષ્ટાચારીઓની સાન ઠેકાણે આવી ગઈ છે ને ત્રાસવાદીઓ રૂપિયા વિના ટળવળી રહ્યા છે. માટે, ધીરજ ધરો. બે મહિનામાં બધું ઠીક થઈ જશે.
બે વર્ષ થયાં. કશું ઠીક ન થયું, પણ કબૂલે તો રાજા શાનો? પછી તેને થયું કે ઈતિહાસમાં અમર થવા માટે આટલું પૂરતું નથી. એટલે, થોડા થોડા વખતે રાજા અવનવાં ગતકડાં કાઢે, અડધી રાતે દરબાર ભરે, ઘડીમાં એક વસ્તુ ફરજિયાત કરે, તો ઘડીમાં બીજી. ‘આવતા મહિનાથી ગાડાને લાકડાનાં પૈડાં નહીં, ટાયર જ હોવાં જોઈએ. ટાયર નહીં હોય, તે ગાડાને આકરો દંડ કરવામાં આવશે’ એવો હુકમ છૂટે. ભલે ને રાજમાં ત્યારે બધાં ગાડાંને થઈ રહે એટલાં ટાયર જ ન હોય. લાકડાનાં પૈડાંનું શું કરવું એનું પણ કશું વિચાર્યું ન હોય, છતાં આવા નિર્ણય ક્રાંતિકારી કહેવાય. તે લેતાં પહેલાં પરિણામો વિચારે તેને કાળીયાં કૂતરાં કરડે. ને નિર્ણય જાહેર થઈ ગયા પછી જે પરિણામોની વાત કરે, તેને...રાજપ્રેમીઓ કરડે. નિર્ણયના અમલની વ્યવસ્થા ન હોય તેમાં રાજા શું કરે? ‘દેશપ્રેમ’ની (રાજપ્રેમની) સાબિતી તો લોકોએ આપવાની.
આમ, નિર્ણય-નિર્ણય રમતાં રમતાં રાજાને તો મઝા પડી ગઈ. આ રમતમાં ફાયદો એવો કે રાજા ગમે તે કરે, તો પણ લોકો બે ભાગમાં વહેંચાઈ જાય. રાજા છીંક ખાય તો દરબારીઓ કહેશે, ‘જોયું? કેવી ઐતિહાસિક ને છપ્પન ગામ દૂર સંભળાય એવી છીંક હતી. દુશ્મનોના હાંજા ગગડી ગયા.’ અને ‘રાજદ્રોહીઓ’ કહે, ‘રાજાને શરદી થઈ છે. દવા કરાવો. નહીંતર સળેખમ થઈ જશે ને ભલું હશે તો ટાઢીયા તાવમાં રાજા લવરી કરવા ચડી જશે.’ રાજપ્રેમીઓમાં પણ બહુ પ્રકાર ને રાજદ્રોહીઓમાં પણ ઘણું વૈવિધ્ય. છતાં, દરેક બાજુને એક જ રંગમાં રંગી નાખવાનું સામેવાળાને એટલું ફાવી ગયેલું કે રાજાને મઝા થઈ ગઈ. તેને થયું કે આવી રીતે આ લોકો લડતા રહે, તો આપણું રાજ ચાલ્યા જ કરે ને છેવટે કંઈ નહીં તો સૌથી લાંબું રાજ કરવા બદલ પણ ઈતિહાસમાં નામ થઈ જાય—આપણી મૂળ સ્કીમ તો એ જ છે ને.
રાજમાં સામાન્ય માણસના માથે મુસીબતોના પહાડ ખડકાયેલા. ખાવાનું મોઘું, ભણવાનું મોંઘું, બીમાર પડવાનું મોંઘું. નોકરી મળે નહીં, ધંધા ચાલે નહીં. પણ આવું કહો એટલે રાજપ્રેમીઓ આવી જાય,’આવું કંઈ પહેલી વાર થયું છે? પહેલાં આ બધું ચાલતું હતું ત્યારે તમે ક્યાં હતા?’ ધીમે ધીમે થોડા,બહુ થોડા રાજપ્રેમીઓને વિચાર આવ્યો, ‘પહેલાં બધું ચાલતું હતું, એટલે તો આપણે એ રાજ ઉથલાવી નાખ્યું. પછી પણ એવું ને એવું જ સહેવાનું? ને ઉપરથી દાદાગીરી?’
લોકો પોતાની મેળે સ્વસ્થતાથી વિચારતા થાય તેનાથી મોટો રાજદ્રોહ કે વિદ્રોહ કયો હોય? પણ રાજાને ઈતિહાસમાં નામ અમર કરવાનું. તે કંઈ એમ હાર માને? લોકોને રોવડાવે કે નશો ચડાવે એવાં અનેક પગલાં લીધાં પછી પણ વિરોધની ચણભણ ચાલુ રહી. એટલે રાજાએ નવું ગતકડું કાઢ્યું : ચાલો, અમુક લોકોની વફાદારીની કસોટી કરો, તેમની વફાદારીના પુરાવા માગો, અમુક લોકોને છાનામાના નહીં, ખુલ્લેઆમ બાકાત કરતો કાયદો લાવો. પછી? તેનો જોરદાર વિરોધ થશે ને ફરી લોકો બે ભાગમાં વહેંચાશે. એટલે આપણું કામ થઈ ગયું. આપણું શાસન અમર-આપણું નામ પણ ઈતિહાસમાં અમર.’
--ઈતિહાસમાં અમર તો ખરું, પણ ‘તરંગી મહંમદ તઘલક અને ભાગલાવાદી મહંમદઅલી ઝીણાની સાથે’ એવું કોણ બોલ્યું?

Labels:
demonetization,
humour,
Narendra Modi/નરેન્દ્ર મોદી,
politics
Thursday, November 07, 2019
ટુકડે ટુકડે કટોકટી
મૈત્રી વિદ્યાપીઠ, સુરેન્દ્રનગરના ઉપક્રમે ૧૫ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ ‘દર્શક વ્યાખ્યાનમાળા’ના ચોથા મણકામાં આપેલા પ્રવચનનો સંપાદિત પાઠ (નિરીક્ષક, ૧ નવેમ્બર, ૨૦૧૯)
નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળી ‘દર્શક’--આ બંનેનાં લખાણનો પરિચય બહુ મોડેથી થયો. ભણવામાં ‘દર્શક’ની નવલકથામાંથી કે નાટકમાંથી પાઠ આવતા હશે. પણ થોડાં વર્ષ પહેલાં તેમની સોક્રેટિસ અને લોકશાહી વિશેની પુસ્તિકા વાંચીને મનમાં ઘણા ચમકારા થયા. ત્યાર પછી તેમનાં એ પ્રકારનાં વધુ લખાણ વાંચ્યાં. સાથોસાથ, ‘વાગીશ્વરીનાં કર્ણફુલ’માં તેમણે ક્લાસિક કૃતિઓનું જે રીતે (રસાસ્વાદલક્ષી) વિવેચન કર્યું, તેમાં પણ ‘દર્શક’ની સૂઝ, સ્પષ્ટતા, ઊંડાણ, ચોટદાર અભિવ્યક્તિ, સરળતા ઉપરાંત લોકશાહી અને નાગરિકધર્મ વિશેની નિસબત બહુ સ્પર્શ્યાં. એ વિષયોમાં ‘દર્શક’નાં કેટલાંક લખાણના પ્રકાશમાં આજની સ્થિતિની થોડી વાત કરવી છે.
થોડા સમય પહેલાં ક્યાંક વાંચવામાં આવ્યું : જુલિયસ સીઝર પર લોકશાહીની હત્યાનો આરોપ થયો, ત્યારે સિઝરે એ મતલબનું કહ્યું કે લોકશાહી મરેલી જ હતી. મેં તો તેનું મડદું બહાર ફેંક્યું છે. એટલે કે, એક અર્થમાં સારું થયું. લોકોને વાસ્તવિકતાની ખબર પડી કે હવે ખરેખર લોકશાહી નથી. વર્તમાન સરકારની કામગીરીનું પણ ઘણા લોકો આ ધોરણે મૂલ્યાંકન કરે છેઃ લોકશાહીનું અને બંધારણીય સંસ્થાઓનું ખૂન તો કોંગ્રેસે કરી જ નાખેલું. એ આરોપ વર્તમાન સરકાર પર મૂકી શકાય તેમ નથી.
એ આરોપ છે તો સાચો. ન્યાયતંત્રથી માંડીને બીજી અનેક બંધારણીય સંસ્થાઓ કોંગ્રેસના, ખાસ કરીને ઇંદિરા ગાંધીના રાજમાં કોમ્પ્રોમાઇઝ્ડ થઈ. લોકશાહીનું શીલ લૂંટાયું, સત્વ ખંડિત થયું. ‘દર્શકે’ પણ ઇંદિરા ગાંધીને ‘ખરાં મેકિયાવેલિયન’ ગણાવીને લખ્યું હતું, ‘મેકિયાવેલી કહે છે, જે પ્રજા માટે રાજ્ય કામ કરે છે તે પ્રજા હકીકતમાં ભોળી અને બીકણ છે, તો બીજી બાજુ લોભી અને લાલચુ છે. તેને તત્કાળ સુખની ઝંખના છે. એટલે તેને કોઈ સિદ્ધાંતો જ નથી કે નથી કોઈ આદર્શની ભાવના. અરે, તમે લાંબા ગાળે કોઈ નંદનવન ઊભું કરવાની યોજના કરો તેની પણ કંઈ પડી નથી. તો તત્કાળ ખરેખર કંઈ આપી દો તેવું પણ નથી. હા, તેમને તત્કાળ કંઈક મળી ગયું તેવો ભ્રમ થવો જોઈએ... લોકોને કશું દઈ દેવું અનિવાર્ય નથી. સત્તા માટે કંઈ પણ કરવું તે ખોટું પણ નથી. પ્રજાને વચનો-દેખાવ દ્વારા જીતી લો. લોકોને મંદિરમાં જવાનું-શ્રદ્ધા રાખવાનું ગમે છે. તો તમે પણ મંદિરમાં જાવ. તમને શ્રદ્ધા છે તેવો દેખાવ કરો...આપણાં ઇન્દિરાજી ખરાં મેકિયાવેલિયન જ હતાં. તેમણે એ રીતે જ વહીવટ ચલાવ્યો અને બરાબર ચૂંટાયાં.’ (સોક્રેટિસથી માર્ક્સ, પૃ. ૭૭)
આ વાત આગળ કરીને ઘણા એવું સૂચવે છે કે 'ઇંદિરા ગાંધીએ જે કર્યું, તે વધારે અસરકારક રીતે નરેન્દ્ર મોદી કરે છે. તેમાં આભ તૂટી પડ્યું હોય એવો કકળાટ શાનો?’ અને સોશિયલ મિડીયા કે ટીવી ચેનલો પર એવા નોકરિયાત કે ફ્રીલાન્સર પ્રશ્નકર્તાઓ પણ મળી રહેવાના કે 'ઇંદિરા ગાંધી આ બધું કરતાં હતાં ત્યારે તમે બધા ક્યાં હતા?’
આપણે વાત ‘દર્શક’ નિમિત્તે લોકશાહીની અને વર્તમાન સ્થિતિની કરવાની છે. એટલે આવા સવાલના જવાબ આપવા પણ પડે. તો, બીજા સવાલનો જવાબ પહેલોઃ તમે ક્યાં હતા? મારું તો જાણે સમજ્યા-- ઇંદિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે હું બાળમંદિરમાં હતો--પણ પ્રકાશભાઈ જેવા મોટા ભાગના લોકો હોવા જોઈએ ત્યાં જ હતા--જેલમાં. ટૂંકમાં, જે અત્યારે આ સરકારની બિનલોકશાહી રીતરસમનો વિરોધ કરે છે, તેમાંના ઘણા ખરા ઇંદિરા ગાંધીની બિનલોકશાહી રીતરસમોના પણ વિરોધી હતા અથવા ધીમે ધીમે બન્યા હતા.
હવે પહેલો સવાલઃ તો આભ તૂટી પડ્યું હોય એવું કેમ લાગે છે?
કારણ કે, ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી દેખીતી હતી. એટલે તેની સામેની લડાઈ સહિયારી અને એકજૂથ બની. અત્યારની કટોકટી દેખીતી નથી. કોઈ દલીલ કરી શકે, ’તમે આટલું બોલી શકો છો, એ જ દેશની ધબકતી લોકશાહીનો પુરાવો નથી? ’
પણ જેમ ચૂંટણીઓ યોજી દેવી ને મત આપી દેવો એ જ લોકશાહી નથી, તેમ આટલું બોલી શકાય છે એટલા માત્રથી લોકશાહીને ધબકતી જાહેર કરી દેવાય નહીં. કેમ કે, વર્તમાન શાસકોનો અભિગમ જુદો છે. તેમનો જ પ્રિય શબ્દપ્રયોગ વાપરીને કહું તો, તે ટુકડે ટુકડે કટોકટી આણી રહ્યા છે. ના, આણી ચૂક્યા છે. દેશની એકેએક બંધારણીય સંસ્થાઓ પહેલાં ક્યારેય નહીં એટલી ભાંગેલી (કોમ્પ્રોમાઇઝ્ડ) અથવા નિર્વીર્ય બની છે. ન્યાયતંત્ર પ્રત્યેનો આદર જાળવી રાખવા માટે અપવાદો સામે જોવું પડે એવી સ્થિતિ છે. ઘણા વખતથી એકંદરે ઠેકાણાસરની કામગીરી કરતું ઇલેક્શન કમિશન હવે સત્તાધારી પક્ષના મેળાપીપણામાં ચાલતું ને નિર્ણયો લેતું હોય એવા આરોપ થાય છે.
દેશની નીતિ જેના આધારે ઘડવામાં આવે છે અને દેશની પરિસ્થિતિનો ચિતાર જેની પરથી મળે છે, એ છે સરકારી આંકડા. પણ આંકડા જાહેર કરતી સંસ્થાઓનો એવો ઘડોલાડવો કરી નાખવામાં આવ્યો છે કે ત્યાંથી આંકડા આવતા જ બંધ થઈ ગયા. કોઈ પત્રકાર તેનો ધર્મ અદા કરીને આંકડા લીક કરે, તો લીક કરનારને નૈતિકતાના ઉપદેશ આપવાના, પણ સાચા આંકડા પોતે બેઠક તળે દબાવીને બેસી ગયા છે, એવું નહીં કહેવાનું. લીક થયેલા આંકડા જૂઠા જાહેર કરવાના. પોતાને અનુકૂળ આંકડા ન આવે, તો ગણતરીની રીત બદલી નાખવાની.
'કેગ'ના અહેવાલની શી દશા હતી, એ પણ રાફેલના વિવાદ વખતે જોયું. એ વખતે 'ધ હિંદુ' અખબારના એન. રામ એવી વિસ્ફોટક નોંધો લઈ આવ્યા, જેમાં યોગ્ય પ્રક્રિયાનું પાલન થયું નથી એવા સંકેત હતા. પછી શું થયું? કંઈ નહીં. ચૂંટણી જીત્યા એટલે બધી ચર્ચા પૂરી. એવો એક શ્લોક હતો કે સર્વે ગુણાઃ કાન્ચનમાશ્રયન્તિ. બધા ગુણો સોનામાં સમાઈ જાય છે. એવું જ. ચૂંટણી જીત્યા એટલે બધું સાચું થઈ ગયું. હવે રાફેલનો સોદો યાદ કરો, ત્યારે રાફેલ વિમાન કેટલું સારું છે એની વાતો થાય. અલ્યા ભાઈ, એમ તો બોફર્સની તોપ ક્યાં ખોટી હતી? કારગીલ પાછું મેળવવામાં તેનો કેટલો મોટો ફાળો હતો, પૂછો કોઈ જાણકારને. એટલે તેમાં થયેલી કટકી ભૂલી જવાની?
વાત ચાલતી હતી ટુકડે ટુકડે આવી ગયેલી કટોકટીની. અત્યારે મુદ્દા એવી રીતે ઊભા કરવામાં આવે છે, જેથી વિરોધ કરનારા એકજૂથ ન થાય. સરકારને તેની બહુ ફાવટ છે. એટલે જેમને 'લીબરલ'ની ગાળ પડે છે એવા લોકો પણ વહેંચાયેલા રહે છે. કેમ કે, તે પ્રશ્ન આધારિત વિચારે છે ને એકબીજા સાથે મતભેદમાં ઉતરે છે, પણ બધા પ્રશ્નોને જોડતી અને તેના મૂળ જેવી વ્યાપક કટોકટીને તે જોઈ શકતા નથી. લોકો ગ્લોબલ વોર્મિંગને લીધે ઓગળતી બરફની ચાદરોની વાત કરે છે. એ તો ખેર બહુ અગત્યની છે, પણ ઘરઆંગણે ટુકડે ટુકડે કરીને લોકશાહીની ચાદર ઓગળી રહી છે ને આપણને ખબર પડતી નથી. આપણે એક ટુકડો જોઈએ છીએ, પણ તે ટુકડો કઈ ચાદરનો ભાગ છે અને એ આખી ચાદરમાં શું થઈ રહ્યું છે ને કેટલું બાકી રહ્યું છે, તે આપણે જોતા નથી.
લોકશાહીની એ ચાદરને ઇંદિરા ગાંધીએ ઘણું નુકસાન પહોંચાડ્યું. પણ ત્યાર પછીના ગાળામાં એ ચાદરે પોતાનું પોત ઠીક ઠીક પ્રમાણમાં પાછું મેળવ્યું હતું. આ ચાદરની એ ખૂબી છે. તે નષ્ટ થાય, તેમ ફરી બને પણ ખરી. ઉદાહરણ તરીકે, ટી. એન. શેષન ઇંદિરા ગાંધી પછીના યુગમાં મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા અને તેમણે ચૂંટણી પંચના બંધારણીય દાંતનહોરનો લોકોને પરચો આપ્યો. એવી જ રીતે, કેગની સક્રિયતા કે સીવીસી જેવી બંધારણીય સંસ્થાની સક્રિયતા પણ ઇંદિરા ગાંધીએ લોકશાહીની ચાદર છિન્નભિન્ન કર્યા પછીની છે.
વર્તમાન સરકારે આ બધું એક સાથે નહીં, એક-એક કરીને, ટુકડે ટુકડે ખતમ કર્યું છે. સરકારની સમાંતરે ચાલીને લોકશાહીને તંદુરસ્ત બનાવવામાં કે તેની બિમારી ઘટાડવામાં બંધારણીય સંસ્થાઓ મદદરૂપ બનતી હતી. વર્તમાન સરકારે તે બધી પર બિનસત્તાવાર કબજો કરી લીધો છે. રીઝર્વ બેન્કમાં પણ કેવા ખેલ ચાલ્યા હશે ને સરકારના નીમેલા ગવર્નરોએ પણ કેમ રાજીનામાં આપવા પડ્યાં હશે, તે ધારી શકાય એવું છે.
આમ, એક તરફ ટુકડે ટુકડે લોકશાહી ખતમ કરવાનો કાર્યક્રમ પૂરબહારમાં છે, ત્યારે નાગરિકોનું ધ્યાન બીજે ભટકાવવા માટેની તરકીબો પણ ચાલુ છે. હાથચાલાકીનો એ તો જૂનો નિયમ છે. ડાબા હાથમાંથી કશું ગાયબ કરવું હોય તો જમણા હાથે એવું કંઈક કરવાનું કે લોકોનું ધ્યાન જમણા હાથ પર કેન્દ્રીત થઈ જાય. સરકાર એ ખેલમાં બહુ પાવરધી છે. એટલે વડાપ્રધાન ટ્વિટર પર અમથા અમથા સક્રિય હોય, પણ તેમની સરકારની નીચે રેલો આણનારો મુદ્દો આવે એટલે તે ચૂપ થઈ જાય. વડાપ્રધાન અમેરિકા જઈને 'હાઉડી'કરી આવે, પણ ઘેર માનીતા (પાળીતા) પત્રકારો અને ઇન્ટરવ્યુકારો સિવાય બીજા કોઈ સાથે વાત ન કરે. ગાંધીજીને સ્વચ્છતાની બાટલીમાં પૂરી દે ને ઉપરથી બૂચ બંધ. હવે તો ગાંધીજીને પ્લાસ્ટિકની થેલીઓ સામેના વિરોધ ખાતે ખતવી દે. અને બુદ્ધિશાળી લોકો પણ આ પગલાની કુટિલતા સમજવાને બદલે ભોળપણથી કહે, ‘સ્વચ્છતા ઝુંબેશ તો સરસ જ છે. તેમાં ખોટું શું કર્યું?’
વર્તમાન રાજમાં નાગરિક સંગઠનોનું સ્થાન સાયબર સેલ અને સોશિયલ મિડીયા પરના ટ્રોલે લીધું છે. એટલે, સરકાર ટુકડે ટુકડે કટોકટી આણી શકી છે અને હજુ નાગરિકોમાં તેનો અહેસાસ નથી. તે દર્શાવે છે કે સૌથી મોટી કટોકટી નાગરિકતાની છે.
***
નાગરિકોના ઘડતર વિશે 'દર્શક'ના વિચારોમાં જતાં પહેલાં થોડી વાત ભારતીય સંસ્કૃતિની પણ કરી લઈએ. રાફેલના પૈડા નીચે નીચે લીંબુ કે ચંદ્રયાન-૨ની પ્રતિકૃતિ તિરુપતિના મંદિરમાં--એ ભારતીય સંસ્કૃતિ નથી. એ વ્યક્તિગત શ્રદ્ધાના કે માન્યતાના મામલા છે. તે ધર્મ કે સંસ્કૃતિ, કશું જ નથી. એનઆરઆઈઓ માટે પરદેશમાં ફૂલેલાફાલેલા ફિરકા ને સંપ્રદાયો ભારતીય સંસ્કૃતિના સમાનાર્થી છે. પ્રાચીન ભારતમાંથી સાચું ગૌરવ લેવા જેવું એટલું બધું છે કે ગણેશની પ્લાસ્ટિક સર્જરી જેવાં તકલાદી ગૌરવ લેવાની જરૂર નથી. તેનાથી તો ઉલટું સાચી સિદ્ધિઓને ઝાંખપ લાગે છે.
ભારતની ખરેખરી સંસ્કૃતિ કેવી હતી? તેમાં લોકશાહી, રાજાપ્રજાના સંબંધો અને વૈચારિક સ્વતંત્રતા કેવાં હતાં? તેના વિશે 'આપણો વૈભવ અને વારસો'માં 'દર્શકે' સરસ અજવાળું કર્યું છે. 'મહાભારતના યુદ્ધ પછીના ઉપનિષદ યુગમાં ઋષિઓ પાછા અરણ્યમાં ચાલ્યા ગયા...તેમણે જીવનના ગૂઢ પ્રશ્નો વિશે જે ચર્ચાઓ કરી, અનુમાનો બાંધ્યાં, જે કાચા-પાકા, કામચલાઉ કે સ્થિર નિયમો તારવ્યા તેની નોંધ તે ઉપનિષદ છે. તેમાં એક વસ્તુ સર્વમાન્ય છે. જીવનના મર્મને ઉકેલવાની તીવ્ર જિજ્ઞાસા. જુદા જુદા મુનિઓ જુદી જુદી દિશામાં ચાલ્યા ને પોતાની મર્યાદા આવતાં અટકી પડ્યા.’ આટલું લખીને 'દર્શકે' હિંદુ ધર્મને બંધિયાર કરવા ઉત્સુક લોકો માટે સ્પષ્ટતાથી નોંધ્યું છે, 'એ કાળે વિચારનું કેટલું મોટું સ્વાતંત્ર્ય હશે એનો એ પુરાવો છે. જે લોકો એકમત હતા તેમનું જ લખાણ સચવાયું નથી. યજ્ઞનો મહિમા ગાનારા, યજ્ઞ વિશે ઉપેક્ષા સેવનારા, યજ્ઞને ઓછું મહત્ત્વ આપવાવાળા સૌ એમાં છે.’ ('આપણો વૈભવ અને વારસો', પૃ. ૬૮-૬૯)
આપણી સંસ્કૃતિનાં સૌથી ઉજ્જવળ પાસાંમાંનો એક અને વર્તમાનમાં સૌથી લાગુ પડે એવો ભાગ શાસક તથા શાસિત વચ્ચેના સંબંધનો હતો. એ વખતે લોકશાહી તો ક્યાં હતી? છતાં, રાજાશાહીમાં લોકોનો દરજ્જો 'બિચારી રૈયત'નો ન હતો. 'આપણા પૂર્વજોના મતે રાજા, એ પ્રજાએ પસંદ કરેલ સેવક હતો. એને રક્ષણ ઉપરાંત બીજાં કર્તવ્યો સોંપાયાં હતાં. ને જો એ નિષ્ફળ જાય તો પ્રજા એને પદભ્રષ્ટ કરવાને અધિકારી હતી. સાદી ભાષામાં કહીએ તો પ્રજા અને રાજા વચ્ચે એક કરાર થતો અને એ કરારના પાલન પેટે એને ઉત્પન્નનો છઠ્ઠો ભાગ મળતો હતો. શાસ્ત્રમાં આ ભાગને સ્પષ્ટપણે 'વેતન'એવું નામ આપ્યું છે.’ (આ.વૈ.વા.પૃ. ૧૬૬)
સિંહાસને બેસતાં પહેલાં રાજાને કહેવામાં આવતું કે 'રાષ્ટ્ર તમને સોંપાય છે--ખેતી માટે, વિકાસ માટે, કલ્યાણ માટે, સમૃદ્ધિ માટે. એટલે આ રાજ્ય તમારું નથી. તમને ચોક્કસ હેતુ સર સોંપાતું ન્યાસ (ટ્રસ્ટ) છે. અને ઐતરેય બ્રાહ્મણમાં જણાવ્યા પ્રમાણે રાજાએ પ્રતિજ્ઞા લેવી પડતી, હું જો તમને પીડું તો મારું સઘળું પુણ્ય, મારું સ્વર્ગ, મારું આયુષ્ય ને મારી સંતતિ નષ્ટ થાઓ.’ તેમ છતાં અને વારેવારે અપાતા રાજધર્મના ઉપદેશ છતાં, રાજા ફરજ પાળશે એવું આપણા પૂર્વજો માની લેતા ન હતા. એટલે, 'દર્શકે'નોંધ્યું છે કે 'એમણે વેદકાળમાં સમિતિ-સભાની રચના કરી હતી. તે છેક બુદ્ધકાળ સુધી જુદા જુદા સ્વરૂપે ચાલુ રહી. છતાં, જે રાજા પોતાનો ધર્મ ચૂકતો તેને માટે સ્પષ્ટ હતું--મૃત્યુ. (શ્લોક) હું તમારું રક્ષણ કરીશ એમ બોલીને જે રાજા રક્ષણ કરે નહીં, તેનો હડકાયા કૂતરાની જેમ તત્કાળ સૌએ વધ કરવો.’ (આ.વૈ.વા.પૃ.૧૬૭)
ભારતનાં ગણરાજ્યોની પરંપરાના અભ્યાસ પરથી 'દર્શકે' તારણ કાઢ્યું કે 'શક્તિ એ મુક્તિની દાસી થવી જોઈએ આ વાત ગણરાજ્યોના પ્રજાજનોને ધાવણમાં શીખવાતી હતી... આપણા આજ સુધીના ઇતિહાસના શ્રેષ્ઠ પુરુષો કહેવાય એવા ત્રણ—શ્રીકૃષ્ણ, બુદ્ધ ને મહાવીર—ગણરાજ્યોમાં જન્મ્યા ને ઉછર્યા હતા. (આ.વૈ.વા.,પૃ. ૧૭૪-૫) ભારતીય પરંપરાની જિજ્ઞાસા અને મોકળાશ વિશે ખાસ ધ્યાન દોરતાં 'દર્શકે' લખ્યું કે તેના લીધે જ 'પુરોહિતધર્મનું ઉન્મૂલન કરનાર બુદ્ધને કે ઈશ્વરના અસ્તિત્વનો જ ઇન્કાર કરનાર સાંખ્યવાદીઓને એમના વિરોધી સમુહે ન તો પહાણા માર્યા કે ન તો સોક્રેટિસની માફક એમને ઝેર પીવાની ફરજ પાડી.’ (આ.વૈ.વા.,પૃ. ૧૭૭)
વૈદિક યુગથી બૌદ્ધ યુગ સુધી રાજાપ્રજા વચ્ચે કરાર હતો. પછી બ્રાહ્મણ પુરોહિતોએ રાજનીતિ વિશેના ગ્રંથ લખવાનું શરૂ કર્યું. તેમાં ગણરાજ્યોનો વિરોધ, એકચક્રી રાજ્યની તરફેણ અને રાજા દેવાંશી છે તેવા વિચારની સ્થાપના કરવામાં આવી અને ધીમે ધીમે બ્રાહ્મણોની સર્વોપરિતા સ્થપાઈ. (આ.વૈ.વા.,પૃ. ૧૯૯)
***
ભારતની સંસ્કૃતિમાં દર્શકે જેમ રાજાપ્રજાના સંબંધો પર અને તેના લોકશાહી મિજાજ પર પ્રકાશ પાડ્યો, તેમ ગ્રીસની અને સોક્રેટિસની વાતમાં પણ તેમણે વર્તમાન લોકશાહીની વાતનો સંદર્ભ જાળવી રાખ્યો. 'સોક્રેટીસથી માર્ક્સ'માં તેમણે એથેન્સની લોકશાહી વિશે પેરિક્લીઝનું નિવેદન આપ્યું છે કે 'આપણે ત્યાં જે નાગરિક જાહેર પ્રશ્નોમાં રસ લેતો નથી તે નિરુપદ્રવી નહીં, પણ નકામો ગણાય છે.’ દર્શકે લખ્યું હતું, ’સોક્રેટિસ ઇચ્છતો હતો કે લોકશાહીનું ટોળાશાહીમાં, ઘેટાશાહીમાં, લાંચરુશ્ચવતથી ખરડાયેલી મતશાહીમાં પરિવર્તન ન થાય અને તે માટે જીવનભર મથ્યો...બીજી રીતે વિચારીએ તો સોક્રેટિસે જિંદગી આખી લોકોને તેમના અધિકારોની સુરક્ષા કરી શકે તે માટે જ્ઞાન-ડહાપણ આપવાની કોશિશ કરી...તેણે સતત લોકોને ચેતવ્યા કર્યા, સમજાવ્યા જ કર્યા કે ભાઈ તમે ખોટે રસ્તે છો. આ રસ્તે તમે ચડો છો તેમાં તમને અને લોકશાહીને નુકસાન થશે.’ ('સોક્રેટીસથી માર્ક્સ', પૃ. ૩૫)
શું સોક્રેટિસનો જમાનો કે શું અત્યારનો, લોકોને ખોટે રસ્તે ચડાવવામાં બુદ્ધિશાળી-પ્રભાવશાળી વક્તાઓની પણ ભૂમિકા હતી. સોક્રેટિસના જમાનામાં તે 'સોફિસ્ટ' કહેવાતા. અત્યારના જમાનામાં ચિંતક કે વક્તા તરીકેની ઓળખ ધરાવતા ઘણા નમૂના આપણને આંખ સામે દેખાય. એવા લોકો સાથે ચર્ચા કર્યા પછી સોક્રેટિસે તેમને (દર્શકના ગુજરાતીમાં) ‘બુદ્ધિની વારવનિતાઓ’ ગણાવ્યા હતા અને તેમની ટૂંકી ઓળખ બુદ્ધિની મદદથી સારાને ખરાબ અને ખરાબને સારું દેખાડી શકે તે સોફિસ્ટ. ‘લોકોના મત મેળવવા માટે ચાતુરી જોઈએ, આકર્ષણ ઊભું થવું જોઈએ, દલીલો જોઈએ, છટા જોઈએ, લોકોને આંજી નાખવા માટેની કળા જોઈએ-- આ બધું સોફિસ્ટો પૈસા લઈને ઉચ્ચ વર્ગના લોકોને શીખવતા હતા. તેમણે શીખવાડ્યું કે સામાજિક કાયદા તો માણસે પોતાની સગવડ માટે કર્યા છે. સગવડ હોય ત્યારે પાળવા ને ન હોય ત્યારે નહીં. તેમાં કશું સનાતન સત્ય જેવું ન હોય.’ આટલું કહીને દર્શકે લખ્યું હતું, 'લોકશાહીમાં સોફિસ્ટો તો હોવાના જ, પણ સોક્રેટિસ નથી હોતા એની ચિંતા છે. ' (સોક્રેટિસઃ લોકશાહીના સંદર્ભમાં, પૃ.૨૨-૨૩)
સત્તાનું વિકેન્દ્રીકરણ બહુ જાણીતો પ્રયોગ છે, પણ દર્શકે તેને વધારે સ્પષ્ટતાથી અને જુદી રીતે સમજાવ્યો હતો, 'લોકશાહી પોલીસેન્ટર્ડ સોસાયટી (બહુકેન્દ્રી સમાજ) છે. લોકશાહીમાં સત્તાનાં વિવિધ કે્દ્રો હોય છે. મજૂરોનું એક કેન્દ્ર હોય છે, માલિકોનું બીજું, ખેડૂતોનું ત્રીજું. આ ભાતભાતનાં જુદાં જુદાં સત્તાનાં--બળનાં કેન્દ્રો, વિચારનાં કેન્દ્રો, અનુભવનાં કેન્દ્રો, તે બધાં જ્યારે અનુભવોની અભિવ્યક્તિ કરે છે ત્યારે તેમાંથી એક સરવાળો નીકળે છે કે આ કરો તો લગભગ સર્વને માન્ય રહેશે. જે રાજ્યપદ્ધતિની અંદર આ પોલીસેન્ટર્ડ સોસાયટીનો ખાયલ જ ન હોય અને એકકેન્દ્રી (અત્યારની પરિભાષામાં કહીએ તો, સમરસ) સમાજ મનમાં હોય તે લોકશાહીની ગમે તેટલી વાતો કરતા હોય તો પણ ખરેખર એ લોકશાહીમાં માનતા નથી. રાજ્યનો અંકુશ એક વસ્તુ અને રાજ્ય સિવાય બીજાં સત્તાકેન્દ્રો જ ન હોય એ બીજી વસ્તુ છે...આવું થતા આગળ જતાં મતદારોનો પણ એકડો નીકળી જવાનો.' (સદીનું સરવૈયું, પૃ. ૯૦-૯૧)
લોકશાહીમાં યેનકેનપ્રકારેણ, મતદારોને બહેકાવીને અથવા તેમને અવળા પાટે દોરીને ચૂંટણીઓ જીતી જનારા નેતાઓ પછી જનતાજનાર્દનનો મહિમા કરતા જોવા મળે છે. એ સ્થિતિ નવી નથી. તેના વિશે દર્શકની તપાસ અને નિદાન સ્પષ્ટ હતાં. એક તો, તેમણે કહ્યું કે ટોળાશાહીના નામે લોકશાહીને ખપાવી દેવાનું જે રાજકારણીઓ કરી રહ્યા છે, તેઓ લોકશાહીના મોટામાં મોટા ઘાતકો છે. બીજું, તેમણે કેટલીક પાયાની માન્યતાઓ સામે સવાલ ઉઠાવ્યા. આ માન્યતાઓ કઈ?
૧) મતદારો સર્વસામાન્ય હિત સમજી શકે છે. ૨) સમજી શકે છે એટલું જ નહીં, બીજી લાલચોને વશ થયા વિના સાચી રીતે મત આપી શકે છે. ૩) આવું કોઈમાં ન હોય તો સમજાવટથી તેનામાં આવી શકે છે. અને તેમણે લખ્યું કે, 'જે આવી સમજાવટ કરે નહીં,ઊલટું સમજશક્તિ નષ્ટ થાય તેવી લાલચો આપી, અંધ જૂથ કે સ્થાનિક અભિમાન ચગાવી મતો લેવાની કરામત કરે તેને લોકશાહીના ઘાતકો જ કહેવા જોઈએ ને?' (સોક્રેટિસઃ લોકશાહીના સંદર્ભમાં, પૃ. ૮)
સોક્રેટિસ વિશે વાત કરતાં અને એ સિવાય પણ દર્શકે સૌથી વધુ ભાર મતદારોની કેળવણી પર મૂક્યો હતો. સોક્રેટિસને ટાંકીને તેમણે લખ્યું હતું, 'મૂલ્ય-પરિવર્તન કર્યા વિનાની લોકશાહી એ ભયજનક છે... લોકશાહીમાં મત એટલો જરૂરી નથી, પક્ષ એટલો જરૂરી નથી, બંધારણ પણ પછીના નંબરે આવે. પહેલી જરૂર મતદારોની કેળવણીની છે. એટલે જ હું રાજનીતિમાં પડ્યો નથી. મારે એક જ સત્તા જોઈએ છેઃ મતદારોને કેળવવાની એ રાજકારણીઓને પસંદ પડતું નથી.'
દરેક સમયનો સવાલ એ હોય છે કે મતદારોને કેળવવા કેવી રીતે? ચારેક દાયકા પહેલાં 'દર્શકે' લખ્યું હતું, 'કેળવવાની હિંમત નથી, કેળવવાની કોઈની ધીરજ નથી, કેળવવાની કોઈની તૈયારી નથી અને કેળવવા માટે જોઈતું સાતત્ય નથી.' અને 'પ્રોપેગન્ડા એ કેળવણી નથી. એ તો જાગીરી પ્રચાર છે, સત્ય નહીં. આ ચાલે તો પછી મતદાર જેવી કોઈ ચીજ જ નહીં રહે. કારણ કે મતદારને આપણે તું વિચારીને મત આપ તેમ કહીએ છીએ. પ્રચારનાં માધ્યમો રાજ્યનાં છે. શિક્ષણનું તમે રાષ્ટ્રીયકરણ કરો એટલે પછી બધા એકસરખો વિચાર કરતા થઈ જશે. અભિપ્રાયો હશે, વિચાર નહીં હોય... જ્યારે તમે મતદારોને કેળવણી નથી આપતા ત્યારે તમારે મતદારોને કોઈ ને કોઈ રીતે રીઝવવા પડે છે...લોકશાહીમાં મતદારોને ન કેળવો તો એની સમજદારી વિશે આશા ન રાખવી અને તો આ બધી જ ગરબડો ચાલુ રહેવાની.' (સદીનું સરવૈયું, પૃ. ૮૯-૯૦)
ચૂંટણીશાહી બનીને રહી ગયેલી લોકશાહીમાં એક સમજ એવી પણ બની છે કે લોકોને તેમને લાયક હોય એવા નેતાઓ મળે છે. પણ એ બાબતમાં દર્શકનું દર્શન જુદું હતું. તેમણે લખ્યું હતું, 'કોઈ પણ સમાજ ઉન્નત થાય તે પહેલાં તે સમાજના નેતાઓ તે પરિસ્થિતિ, તે પ્રજા ને તેમના પ્રશ્નો કરતાંયે ચાર આંગળ ઊંચાં આવે તે પ્રથમ જરૂરિયાત છે. સમગ્ર પ્રજાનો સ્તર ઊંચે આવતાં બહુ વાર લાગે છે. પણ તે છતાંયે તે સમાજની આગેવાની દીર્ઘદર્શી ને નિઃસ્વાર્થ હોય તો પ્રગતિ અટકતી નથી. ને નેતાઓ જ જ્યારે હીન કક્ષાએ ઊતરી પડે છે ત્યારે પ્રજા પરાજિત થાય તે વાતની ઈતિહાસે વારે વારે સાહેદી આપી છે.' (વાગીશ્વરીનાં કર્ણફુલ, પૃ. ૧૪૮)
'દર્શક'ની કમાલ એ છે કે તેમણે ઉત્તમ સાહિત્યનું જે વિવેચન કર્યું તેમાં પણ લોકશાહી માટેની અને નાગરિકઘડતર માટેની તેમની નિસબત દેખાઈ આવે છે. 'વાગીશ્વરીનાં કર્ણફૂલ'માં તેમણે 'વોર એન્ડ પીસ' (ટોલ્સ્ટોય) અને 'ઘરેબાહિરે' (ટાગોર) જેવી મહાન કૃતિઓનું વિવેચન કર્યું. વિવેચન કેટલું માર્મિક, રસાસ્વાદ કરાવનારું, વિશ્લેષણ કરનારું અને છતાં પરિભાષાથી મુક્ત, સરળ હોઈ શકે તેનો એ ઉત્તમ નમૂનો છે. સાથોસાથ, 'ઘરેબાહિરે'ના તેમના વિવેચનમાંથી તેમણે ટાંકેલા ફક્ત ત્રણ નમુના આપું છું. તે પાત્રના સંવાદ છે, પણ તેમાં વ્યક્ત થતી રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને દેશના લોકો વિશેની સમજને કારણે ટાગોરની સાથોસાથ 'દર્શક' માટે પણ વિશેષ ભાવ થાય. બંગભંગની ચળવળ પછીના અરસામાં 'રાષ્ટ્રવાદ'ની ભરતી અને તેનાં ભયસ્થાનો ચીંધતાં નવલકથાનું એક પાત્ર કહે છે, ‘જ્યારે તમે દેશને દેવ તરીકે મનાવીને, અન્યાયને કર્તવ્ય તરીકે, અધર્મને પુણ્ય તરીકે ચલાવી દેવા ઇચ્છો છો ત્યારે મારા હૃદયને આઘાત લાગે છે.’(વા.ક., પૃ. ૧૧૯) એ જ પાત્ર અન્ય પ્રસંગે કહે છે, ’દેશને માટે જુલમ કરવો એટલે દેશ ઉપર જ જુલમ કરવો’. (વા.ક., પૃ. ૧૨૫) અને લોકશાહી જ નહીં, સ્વતંત્રતાને વ્યાખ્યાયિત કરતો આ સંવાદ, ‘માણસે કેવાં કપડાં પહેરવાં, કઈ દુકાનેથી માલ ખરીદવો, શું ખાવું, કોની સાથે બેસીને ખાવું, એ પણ જો ભયના દોર વડે નક્કી કરવામાં આવે તો માણસની સ્વતંત્રતાનો ધરમૂળથી જ ઇનકાર કરવામાં આવે છે એમ કહેવાય.’ (વા.ક., પૃ. ૧૨૫)
છેલ્લે તેમની પુસ્તિકા ’આપણો સ્વરાજધર્મ’માંથી સૌના વિચાર માટે થોડા મુદ્દા ટાંકીને સમાપન કરું.
- લોકશાહીની સાચી કસોટી, પ્રતિકૂળ વિચારો કે યોજનાઓ સીધા કે આડકતરા દબાણ વિના પ્રગટ કરવાની મોકળાશમાં છે.
-સાચું સ્વરાજ થોડા માણસો સત્તા પ્રાપ્ત કરે તેમાંથી નહીં આવે, પણ સત્તાનો દુરુપયોગ થાય ત્યારે તેનો વિરોધ કરવાની સૌ શક્તિ મેળવે તેનાથી આવશે. (ગાંધીજી)
-અવતારવાદ ધાર્મિક ક્ષેત્રમાંથી આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં આવ્યો છે.
-નાગરિકને વામણો કરીને કદી મહાન ધ્યેય સિદ્ધ થઈ શકે નહીં.

Tuesday, October 29, 2019
એક વર્ષના ગાળામાં બે પ્રિય વડીલોની વિદાય : નરેન્દ્રકાકા અને શૈલેષકાકા
Shailesh K. Parikh/ શૈલેષ પરીખ |
અત્યારનો જમાનો સગપણનો નહીં, સંબંધનો છે. ગમે તેટલા નજીકના સગપણવાળા સાથે નિકટતા ન હોય ને મિત્રમંડળ સાથે કૌટુંબિક-આત્મીય સંબંધો હોય, એની નવાઈ નથી. બલ્કે, ઘણુંખરું તો એ જ સામાન્ય ક્રમ બની ગયો છે. અમારા જેવા (મારા ને બીરેન જેવા) બિનસામાજિક લોકો માટે તો ખાસ. તેમાં બે ભવ્ય અપવાદ એટલે નરેન્દ્ર રમણલાલ દેસાઈ-નરેન્દ્રકાકા અને શૈલેષ કાંતિલાલ પરીખ-શૈલેષકાકા.
બંને મારા પપ્પાના પિતરાઈ-અત્યારની પરિભાષામાં કહીએ તો, ફર્સ્ટ કઝિન. નરેન્દ્રકાકા પપ્પાના સગા મામાનો છોકરો અને શૈલેષકાકા સગાં માસીનો છોકરો. બંને વ્યાવસાયિક રીતે સફળ. નરેન્દ્રકાકા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં અમદાવાદ હતા અને શૈલેષકાકા ખાનદાની સોલિસિટર. (તેમના પિતા પણ સોલિસિટર હતા). અમે જોયા ત્યારથી તો મુંબઈમાં પેડર રોડના મુખ્ય રસ્તા પર એક મોટા ફ્લેટમાં તે રહે. બંને કાકાઓની પ્રકૃતિ એકદમ જુદી. નરેન્દ્રકાકા તોફાની, શૈલેષકાકા શાંત. નરેન્દ્રકાકાને છૂટથી બોલવા જોઈએ, શૈલેષકાકા તોળીને બોલે. નરેન્દ્રકાકા મહેમદાવાદી તરીકેનો બિલ્લો ગૌરવથી લગાડીને ફરે અને શહેરીકરણ ને સમૃદ્ધિ પછી પણ, બોલવામાં જૂના મહેમદાવાદની છાંટ ધરાર લઈ આવે—જૂની કહેવતોનો છૂટથી પ્રયોગ કરે. (ઝાંઝરી વેચીને શેઠાણી ન કહેવડાવાય—એ તેમની પ્રિય કહેવતોમાંની એક) શૈલેષકાકા મુંબઈના સોલિસિટર. ‘રીડર્સ ડાયજેસ્ટ’ના- તારક મહેતાના ઊલ્ટા ચશ્માના પ્રેમી વાચક. તેમની વાતોમાં જૂના સ્નેહીઓ-કુટુંબીઓનાં ખબરઅંતર અને જૂના દિવસોની વાતો વધારે હોય. આવા દેખીતા વિરોધાભાસ છતાં બંનેનો એકબીજા માટેનો-એકબીજાનાં પરિવાર માટેનો અને અમારા પરિવાર માટેનો ભાવ ઊંડો, લાગણી પ્રબળ.
બંને કાકાઓને તેમના પિતરાઈ (મારા પપ્પા) સાથે ગાઢ સંબંધ હોય તેમાં કશી નવાઈ ન ગણાય. કેમ કે, મહેમદાવાદમાં કૌટુંબિક રીતે અમારું ઘર એટલે ‘મોટું ઘર’. અમદાવાદ-મુંબઈથી વેકેશનમાં પપ્પાનાં મામા-માસીઓ કે તેમનાં સંતાનો વેકેશનમાં અમારા જૂના ઘરે આવીને પંદર દિવસ-મહિનો રહે, એ દિવસોમાં થઈ શકતી મઝા કરે, નદીએ નહાવા જાય, ઘરમાં ધમાલ કરે, કૌટુંબિક શિક્ષક-વડીલ કનુકાકા પાસે ભણે (અમારા કુટુંબના એ વિશિષ્ટ પાત્ર વિશે બીરેનના બ્લોગની લિન્ક http://birenkothari.blogspot.com/search/label/Kanukaka)
પણ આ કાકાઓ સાથેના અમારા સંબંધની ખાસિયત એ હતી કે પપ્પા સાથે તેમને માપસરનો સારો સંબંધ હતો, જે અમારા બંને ભાઈઓ સાથે પહેલાં કરતાં વધારે, એકદમ ગાઢ બન્યો. એટલું જ નહીં, તે પછીની પેઢી સુધી વિસ્તર્યો. તેમાં શૈલેષકાકાનાં પત્ની રેખાકાકીના અત્યંત ઉત્સાહી, પ્રેમાળ સ્વભાવનો ફાળો પણ મોટો. શૈલેષકાકાની એકની એક પુત્રી પૌલા, તેના પતિ કપિલભાઈ, નરેન્દ્રકાકાનાં સંતાનો સોનલ વખારિયા-દેસાઈ અને આશિષ દેસાઈ પણ અમારી સાથે એટલા પ્રેમથી જોડાયાં ને લોહીના સગપણની ઔપચારિકતાને વળોટીને નજીકનાં સ્નેહી બન્યાં. કૌટુંબિક સંબંધોના આથમતા યુગમાં, ભત્રીજાઓ સાથે સંબંધ પહેલાં કરતાં વધારે ગાઢ બને અને ધીમે ધીમે તેમાંથી સ્વતંત્ર સંબંધો-ગાઢ આત્મીયતા જન્મે, એવંં અમારા સંબંધમાં થયું.
L to R, sitting : Paula Marwaha, Pooja, Sonal Vakharia-Desai, Sahil ; Standing : Hiral Ashish Desai, Ashish N. Desai, Narendra Desai, Swati Desai |
***
નરેન્દ્રકાકા સાથે પરિચય-આત્મીયતા પ્રમાણમાં વહેલાં થયેલાં. તેનું એક કારણ ભૌગોલિક. તે અમદાવાદમાં રહેતા હોવાને કારણે ઘરે અવરજવર થાય. સરખામણીએ શૈલેષકાકા સાથેનો પરિચય મોડો થયો. પહેલાં મુંબઈ મારા સગા મોટા કાકાને ઘેર રહેવા જઈએ, ત્યારે એક સાંજે શૈલેષકાકાને ઘેર જમવાનો કાર્યક્રમ હોય. તેમનાં બહેન-બનેવી ઉષાફોઈ-અનિલફુઆ પણ મોટે ભાગે હોય. પરંતુ એ મિલન મુખ્યત્વે વડીલોનું હોય. અમારે તો મોટા કાકાના છોકરાઓ સાથે પેડર રોડ પર (ફિલ્મ્સ ડિવિઝનની સામેના ભાગમાં) ચોથા માળે બારીમાંથી નીચે જતોઆવતો ટ્રાફિક જોવાનો હોય. (નાનપણમાં એવા ટ્રાફિકનું દૃશ્ય પણ થોડા સમય માટે રોમાંચક લાગતું હતું.)
મોટા કાકાની દિકરીના લગ્નનો પ્રસંગ મહેમદાવાદમાં ઉજવ્યો, ત્યારે શૈલેષકાકા સપરિવાર મહેમદાવાદ આવ્યા. એ વખતે મારાથી દોઢેક વર્ષ મોટી તેમની પુત્રી પૌલા સાથે અમારે દોસ્તી થઈ. તેમાં ઘણી બધી ક્રેડિટ પૌલાની. કેમ કે, એ સાઉથ મુંબઈમાં રહેતી, અંગ્રેજી મિડીયમમાં ભણતી સમૃદ્ધ પરિવારની એકની એક દીકરી અને અમે બંને પાકા મહેમદાવાદી. છતાં, સમજણમાં અમારી વચ્ચે પહેલી મુલાકાત પછી પત્રવ્યવહાર શરૂ થયો અને એવો નાતો બંધાયો, જે હજુ પણ એટલો જ મજબૂત છે. વખતોવખત અમારાં ત્રણેનાં લગ્ન થયાં. પૌલા બાજુના જ ફ્લેટમાં રહેતા કપિલભાઈ મારવાહા સાથે પરણી. તેમના દાંપત્યજીવનનાં શરૂઆતનાં વર્ષોમાં બીરેન અને હું પ્રસંગે પ્રસંગે અવનવાં કાર્ડ બનાવતા-સર્જકતાની છાંટ ધરાવતી સામગ્રી અંગ્રેજીમાં તૈયાર કરતા અને તે બંને જ નહીં, આખું પરિવાર અમારી સામગ્રીને વધાવતું. ‘અમારા મહેમદાવાદવાળા કઝિન અનિલભાઈના દીકરાઓ’થી ધીમે ધીમે અમારી સ્વતંત્ર ઓળખ પ્રસ્થાપિત થવા લાગી હતી.
પૌલાનું લગ્ન ૧૯૯૨માં થયું, પણ અમારી સ્વતંત્ર ઓળખ અને સ્વતંત્ર સમીકરણો રચાવાની શરૂઆત ૧૯૯૦ની અમારી મુલાકાતથી થઈ. (એ વાતને ત્રીસેક વર્ષનો ગાળો વીતી ગયો, એ વિચારીને નવાઈ લાગે છે.) બીરેન અને હું જૂના ફિલ્મસંગીત સાથે સંકળાયેલાં ગમતાં કલાકારોને મળવા માટે મુંબઈ ગયા. એ વખતે પહેલી વાર અમે આ રીતે સ્વતંત્રપણે શૈલેષકાકાને ત્યાં રહ્યા. ત્યારે તેમના મોટા કહેવાય એવા ફ્લેટમાં પણ મેળાવડો ભરાયેલો હતો. પૌલાનાં મુંબઈ રહેતાં માસી અને તેમની દીકરીઓ ઋજુતા અને શીતલ, અમદાવાદ રહેતાં માસી-માસા અને તેમની દીકરી નિયતિ, તેના મામાનો દીકરો સૌરીન, તેનાં નાના-નાની ઉપરાંત અમદાવાદથી નરેન્દ્રકાકા અને તેમનો દીકરો આશિષ. આટલા મોટા ઝુંડમાં વળી અમે બે ઉમેરાયા. આમ તો મુંઝવણભરી સ્થિતિ થાય, પણ શૈલેષકાકા-રેખાકાકી-પૌલાનો ફ્લેટ મોટો અને મન તો વળી એના કરતાં ઘણું મોટું. એટલે અમે બધાં સુખેથી સમાઈ ગયાં. એ વખતે યાદ છે કે શૈલેષકાકા અમને બધાને કોઈ સાઉથ ઇન્ડિયન રેસ્તોરાંમાં જમવા લઈ ગયા હતા. અમારું ત્યાં જવાનું એક કારણ પૌલા સાથે શરૂ થયેલો પત્રવ્યવહાર અને બીજું કારણ એ હતું કે અમારી યાદીમાંથી ત્રણ જણ તેમના ઘરથી ચાલતા જવાય એટલા નજીક હતાઃ આશા ભોસલે, સલિલ ચૌધરી અને શ્યામ બેનેગલ. અમે—મહેમદાવાદીઓએ—આશા ભોસલેને મળવા જવાની અમારી યોજનાની વાત કરી, એટલે ઘડીભર તો મોટા વૃંદમાં શંકાનું મોજું ફેલાઈ ગયું. ‘એ લોકો આવી રીતે મળે?’ એવા પ્રકારના અનેક સવાલો થયા. તેના જવાબ તો અમારી પાસે પણ ન હતા. છતાં, બહુ ખબર ન હોવાને કારણે એક પ્રકારનો (આપણે ક્યાં કશું ખોવાનું છે? એવો) આત્મવિશ્વાસ હતો. એટલે કશી અપોઇન્ટમેન્ટ વગર કે કશી એવી દેખીતી લાયકાત-ઓળખાણ વિના બીરેન, હું અને પૌલા પાંચેક મિનીટના અંતરે આવેલા ‘પ્રભુ કુંજ’માં આશા ભોસલેને મળવા પહોંચ્યાં. ત્યાર પછી જે થયું, તે અલગથી બ્લોગમાં લખ્યું છે. (http://urvishkothari-gujarati.blogspot.com/2010/05/400.html) પણ એ અમારા ત્રણે માટે ચમત્કારથી કમ ન હતું.
આશા ભોસલે અમને મળ્યાં અને શાંતિથી અમારી સાથે વાતો કરી, એ જ મુંબઈ-મુલાકાતમાં એક મિત્રની ઓળખાણથી શૈલેષકાકા અમને નૌશાદને મળવા તેમના બંગલે લઈ ગયા. ઝાઝી વાતો ન થઈ. ફોટા પણ ફ્લેશ ન ચાલવાથી સરખા ન આવ્યા. છતાં મળવાનું તો થયું. શૈલેષકાકાના એક ક્લાયન્ટ સુશીલકુમાર જૂની ફિલ્મોમાં હીરો તરીકે કામ કરી ચૂક્યા હતા. અમારો રસ જાણીને શૈલેષકાકાએ એક વાર સુશીલકુમારને ઘરે જમવા બોલાવ્યા. પછી તો વાતોનો દૌર જામ્યો. નિયમિત જીવન અને વહેલા સુવા-વહેલા ઉઠવા ટેવાયેલા શૈલેષકાકાને ત્યાં એક પછી એક વિકેટો પડતી ગઈ. છેવટે સુશીલકુમાર, કાકા અને અમે રહી ગયા. ત્યારે સુશીલકુમારે માંડ વાત સંકેલી.
૧૯૯૦ની અમારી ફિલ્મસંગીતવિષયક મુલાકાતોના ક્ષેત્રની સાથોસાથ શૈલેષકાકા-રેખાકાકી-પૌલા સાથેના સંબંધોમાં પણ જાણે એક નવું આવરણ ઉમેરાયું. ત્યાર પછી એ ત્રણે સાથે અમારા સંબંધો સમુહગત અને વ્યક્તિગત રીતે વધુ ને વધુ મજબૂત બનતા ગયા. બિનસામાજિકતા માટે જાણીતા એવા પૌલાના પતિ કપિલભાઈ પણ વિવાહના સમયથી અમારી સાથે એટલા ભળી ગયા કે અમે જઈએ ત્યારે તે સમય કાઢીને પણ અચૂક મળવા આવે અને નિરાંતે ગપ્પાંગોષ્ઠિ ચાલે. બીરેન અને હું નવેસરથી પરીખ પરિવારની નિકટ આવ્યા અને સગપણને ટપી જાય એવો સંબંધ બંધાયો, એ બાબતે શૈલેષકાકા બહુ આનંદ અને સંતોષ વ્યક્ત કરતા હતા. એ વાતનો જશ તે અમને આપતા હતા, પણ અમે તેમને સાચી રીતે સમજાવતા હતા કે એ જશ તેમનો અને તેમના પરિવારનો હતો. બાકી, મુંબઈ જેવા શહેરમાં અને એ પણ દક્ષિણ મુંબઈમાં બે મહેમદાવાદી ભત્રીજાઓને કોઈ શા માટે ભાવ આપે?
(L: Paula, Pooja, Sahil, R: Kapil Marwaha, Paula, Pooja) |
ધીમે ધીમે એવો ક્રમ શરૂ થયો કે મુંબઈ જઈએ ત્યારે શૈલેષકાકાને ત્યાં રાત રોકાવાનું જ હોય. રાત્રે સામાન્ય રીતે નવ વાગ્યે સુઈ જનાર કાકા-કાકી અમારી સાથે અગીયાર-સાડા અગીયાર-બાર સુધી બેસે, અવનવી વાતો કરે, જૂના દિવસો-મહેમદાવાદનાં સ્મરણ તાજાં કરે. બાજુના ફ્લેટમાં રહેતી પૌલા પણ વહેલી સવારે ઉઠી હોવા છતાં, રાત્રે બધું પરવારીને અમારી મહેફિલમાં જોડાય ને એમ અમે સાડા અગીયાર-બાર વગાડીએ. ક્યારેક બિનીત મોદી, પરેશ પ્રજાપતિ, અભિષેક શાહ જેવા મિત્રો સાથે પણ ત્યાં રાત રોકાઈએ. ત્રણે જણનો સ્વભાવ એટલો પ્રેમાળ અને કાકીની મહેમાનગતિ એવી નમૂનેદાર કે ત્યાં મિત્રો સાથે જતાં પણ સંકોચ ન થાય.
શૈલેષકાકાને પહેલેથી કરોડરજ્જુની તકલીફ હતી. એટલે ટટ્ટાર બેસવામાં મુશ્કેલી પડે. સ્વભાવના પણ તે નરમ. કાકી સામાજિક રીતે અને જ્ઞાતિની કે બીજી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં અત્યંત સક્રિય. એ અને પૌલા સારું ગાય પણ ખરાં. પ્રસંગો-કાર્યક્રમોના આયોજનમાં પણ મઝા કરાવે. અમે હાઉસી એટલે શું તે પહેલી વાર પચીસેક વર્ષ પહેલાં તેમના ઘરે જાણ્યું ને રમ્યા. તેમના ઘરે આવતા બીજા લોકો સાથે પણ તે અમારી પ્રેમથી ઓળખાણ કરાવે—અને તે પણ એવા સમયે, જ્યારે અમારા બંનેમાંથી કોઈનો લખવા સાથે કશો સંબંધ ન હતો કે એવો કોઈ સામાજિક દરજ્જો પણ નહીં.
શૈલેષકાકા આખા કુટુંબમાં તેમની ચોક્સાઈ અને ચીવટ માટે જાણીતા. અમારા બૃહદ પરિવારમાં નરેન્દ્રકાકા, શૈલેષકાકા અને ત્રીજા એક કાકા વયજૂથમાં સરખા. એટલે નરેન્દ્રકાકા તેમના ખાસ અંદાજમાં કહે, ‘અમારા ત્રણેમાં શૈલેષ અતિ ચોક્કસ, --- અતિ લબાડ અને હું વચ્ચે.’ શૈલેષકાકાને ત્યાં તેમના પત્તા રમનારા મિત્રો ભેગા થયા હોય ત્યારે કાકા એક બાજુ પર બેસીને રીડર્સ ડાયજેસ્ટ વાંચે. મિત્રો તેમને પત્તાં રમવાનો આગ્રહ કરે, ત્યારે કાકા તેમને કહે, ‘હું તમને રીડર્સ ડાયજેસ્ટ વાંચવાનું કહું છું? તમારે મને પત્તાં રમવાનું નહીં કહેવાનું.’ કાકા રીડર્સ ડાયજેસ્ટના એવા પ્રેમી કે અમારો સંપર્ક થયા પછી તેમણે અમારા માટે રીડર્સ ડાયજેસ્ટનું એક વર્ષનું લવાજમ ભર્યું હતું અને મહેમદાવાદના સરનામે રીડર્સ ડાયજેસ્ટના અંકો આવતા હતા. (જોકે, ઘરના સરનામે અંકો આવવાનો ભારે રોમાંચ પૌલા અને કપિલભાઈએ અમને આપ્યો હતો. તેમને છ મહિના અમેરિકા જવાનું થયું, ત્યારે અમે હકથી પૌલાને કહ્યું હતું કે ‘શક્ય હોય તો અમારા પ્રિય ‘મૅડ’/MAD મેગેઝીનનું લવાજમ ભરજે. મુંબઈની ફૂટપાથો પરથી સેકન્ડ હેન્ડ તો ઘણાં ખરીદ્યાં છે, પણ એક એવી ઇચ્છા છે કે તે મહેમદાવાદના સરનામે આવે તો મઝા પડી જાય.’ પૌલા સાથે એવી નિકટતા કે તેને આવું કહેવાય. અને તેણે પણ યાદ રાખીને લવાજમ ભર્યું. એટલે લુહારવાડ, મહેમદાવાદ-૩૮૭૧૩૦ના સરનામે 'મૅડ'ની લવાજમધારકો માટેની ખાસ, ઉપરનું અલગ સફેદ પૂંઠું ધરાવતી નકલ, એક વર્ષ સુધી આવી હતી.)
ઘણાં વર્ષોથી શૈલેષકાકાએ પ્રેક્ટિસ તો બંધ કરી હતી. છતાં ઘરની સામે આવેલી બેન્કમાં જવાનો ક્રમ તેમણે રાખ્યો હતો. ઉપરાંત, તેમના રોકાણથી માંડીને નાનીમોટી કાયદાકીય અને બીજી બાબતોમાં પણ તે બહુ ચોક્સાઈથી કામ લેતા. તેમના જમાઈ કપિલભાઈ પણ આજના જમાનામાં દુર્લભ કહેવાય એવી ચોક્સાઈ ને એવા પ્રેમનું મિશ્રણ. એટલે તે પણ કાકાનું બરાબર ધ્યાન રાખે. બંને જણને બરાબર ફાવે. કાકાએ રોજિંદી પ્રવૃત્તિ તરીકે પણ ઘરની સામે આવેલી બેન્કમાં જવાનું રાખ્યું હતું. એ ઘરેથી થોડા જોક્સ વાંચે અને બેન્કમાં જઈને સ્ટાફને એ જોક્સ કહે. એ ન કહે, તો સ્ટાફ સામેથી ફરમાઈશ કરે. સ્ટાફવાળા ‘પારીખસાબ’ને ચા પીવડાવે. માર્ચ એન્ડિંગ વખતે દૂર દૂરથી આવનારા સ્ટાફના લોકોને કાકી વારાફરતી ઘરે બોલાવીને ચા-નાસ્તો કરાવે. મુંબઈમાં આવા સંબંધો ઓછા જોવા મળે. પણ કાકા-કાકી અને તેમની સાથેના સંસ્કારને કારણે પૌલા પણ એવા સંબંધોમાં કુશળ બની અને ગણતરી વગર, કેવળ પ્રેમ અને લાગણીથી વ્યવહાર કરવાનો દુર્લભ ગુણ આત્મસાત્ કર્યો.
***
છેલ્લાં થોડાં વર્ષોમાં કાકાની તબિયત લથડી હતી. કરોડરજ્જુની તકલીફ વકરી. બહાર નીકળવાનું ઓછું ને પછી બંધ થયું. અમે જઈએ ત્યારે રાત્રે જાગવાની મુદત પણ ઘટવા લાગી. કાકી અને પૌલા બેઠાં હોય. પણ કાકાને સુઈ જવું પડે. છતાં ફોનથી કાકા સતત સંપર્ક રાખે. નરેન્દ્રકાકાને ફોન કરે, અમને ફોન કરે, એકબીજાના સમાચાર જણાવે. એક વાર કાકા-કાકી અમદાવાદ આવ્યાં ત્યારે નરેન્દ્રકાકાને સાથે લઈને મહેમદાવાદ આવ્યાં હતાં. એ રાત્રે થયેલી બેઠક યાદગાર હતી. બંને કાકાઓ વર્તમાનની વાસ્તવિકતાઓ અને ભૂતકાળની સ્મૃતિઓમાં એવા ખોવાઈ ગયા હતા કે વાતાવરણ લાગણીસભર બની ગયું અને અમે એ લાગણીથી ભીંજાયા.
(L to R : Narendrakaka, Rekhakaki, Shaileshkaka at Mahemdavad) |
નરેન્દ્રકાકા ગયા એ અરસામાં શૈલેષકાકાની તબિયત પણ મંદ પડતી હતી. અગાઉ એક-બે વાર ઘરની પાડોશમાં આવેલી જસલોક હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. પણ દોઢ-બે મહિના પહેલાં કપિલભાઈનો ફોન આવ્યો. તેમણે અને પૌલાએ ખાસ એ કહેવા માટે ફોન કર્યો હતો કે શૈલેષકાકાને અલ્ઝાઇમર્સની બિમારી છે અને એ બિમારીમાં ધીમે ધીમે સ્મૃતિભ્રંશ વધશે. માટે ઉતાવળથી કે દોડીને નહીં, પણ અનુકૂળતાએ આવી જવું. બીરેનની અને મારી સાથે કાકાની આત્મીયતા જાણીને તેમણે ખાસ આ ફોન કર્યો હતો. એટલે હું 'જલસો'નું કામ પૂરું કરીને, બે દિવસ મુંબઈ જઈ આવ્યો. સાંજે કાકાને ત્યાં પહોંચ્યો અને તેમને પથારીમાં જોયા, ત્યારે મનમાં ઉગેલો એક શબ્દ હતોઃ વાઇન્ડિંગ પ્રોસેસ. કાકાનું શરીર ક્ષીણ થઈ ગયું હતું. બોલતાં શ્રમ પડતો હતો. અલ્ઝાઇમર્સની તો શરૂઆત હતી. છતાં, બીજી બધી તકલીફોથી તે ગ્રસ્ત હતા. તેમની સાથે વાતો કરી. તેમને કશું આશ્વાસન આપી શકાય તેમ તો ન હતું. પણ પ્રસન્નતાપૂર્વક થઈ શકે એટલી વાતો કરી. આખા દિવસમાં સમય પસાર કરવા શું થઈ શકે એવી પણ થોડી વાતો કરી. પરંતુ એ બધું તો પૌલા-કપિલભાઈ અને રેખાકાકી કરી જ ચૂક્યાં હોય. પૌલાનાં સંતાનોમાં પૂજા વેટરનરીમાં માસ્ટર્સ કરે છે ને નાનો સાહિલ કમ્પ્યુટર એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં. બંનેને પણ નાના-નાની સાથે ઘણી માયા. પૂજા ગૌહત્તી (આસામ) ભણે છે. એટલે તેની સાથે ફોન પર વાત થઈ. સાહિલ મળ્યો. રાત્રે અમે રાબેતા મુંજબ બેઠાં, પણ કાકાને તો સમ ખાવા પૂરતું જમીને અંદર જતા રહેવું પડ્યું. કાકી અને પૌલા સાથે હું બેઠો. અગીયારેક વાગ્યા સુધી વાતો કરી. બીજા દિવસે સવારે કપિલભાઈ મળ્યા. તેમણે કહ્યું કે ‘તને નહીં ખબર પડે, પણ અમે રોજ જોઈએ છે એટલે સમજાય છે કે તને જોઈને શૈલેષભાઈના ચહેરા પર ચમક આવી હતી.’ મેં કહ્યું કે તેમની સ્મૃતિ સારી હતી, ત્યારે હું તેમને મળી શક્યો, એ બદલ મને બહુ સારું લાગ્યું.
ઘરેથી નીકળ્યો ત્યારે અમારા બંને વચ્ચે કે કદાચ અમારા બધા વચ્ચે નહીં કહેવાયેલી, પણ બધાના મનમાં રમતી લાગણી હતી કે ખબર નહીં, હવે ફરી કાકાને મળવાનું થાય કે નહીં. એવું જ થયું. આજે સવારે કપિલભાઈના ફોનથી જાણ્યું કે અમારી એ મુલાકાત છેલ્લી જ હતી. પણ આવી લાગણીઓ સદેહે મુલાકાતની મોહતાજ હોતી નથી. તેમની સાથે ગાળેલાં અને તેમના પ્રેમથી ભીંજાયાનાં વર્ષોનો ગાળો એટલો લાંબો છે કે નરેન્દ્રકાકા અને શૈલેષકાકા બંને જુદી જુદી રીતે અમારી સ્મૃતિનો અને અમારી ભાવસૃષ્ટિનો કાયમી હિસ્સો બની રહેશે.
Labels:
Obit/અંજલિ,
Urvish Kothari/ઉર્વીશ કોઠારી
Monday, September 30, 2019
ગાંધી-150 : સ્વચ્છતા-પદયાત્રાઓથી આગળ
જૂનાં વાસણની જેમ મહાન વ્યક્તિત્વોની સ્મૃતિને પણ સમયાંતરે માંજવી પડે છે. તેની પર ચડેલાં કાળનાં ને ઉપેક્ષાનાં, ઇરાદાપૂર્વકની અને અજ્ઞાનવશ ફેલાયેલી ગેરસમજણોનાં આવરણ દૂર કરવાં પડે છે. ગાંધીજીના જન્મને દોઢસો વર્ષ પૂરાં થવાના ટાણે સરકાર તરફથી મોટા પાયે ઉજવણાંનું આયોજન છે. પરંતુ ગાંધીજીનું વ્યક્તિત્વ- તેમનું જીવનકાર્ય એટલાં વ્યાપક હતાં અને તેમણે ચીંધલાં ઘણાંખરાં મૂલ્યો એટલાં શાશ્વત છે કે તેમની સ્મૃતિ જાળવી રાખવાનું કામ સરકારોના ભરોસે છોડી શકાય નહીં. સરકારોની આદત સ્વાર્થનું તારવી લેવાની અને પોતાનો ધંધો આગળ ચાલે એવાં સગવડીયાં અર્થઘટન કરવાની હોય છે. ભૂતકાળમાં કાર્લ માર્ક્સ જેવા વિચારકના નામે રશિયન સરકારે ને નિત્શે જેવા ફિલસૂફના નામે હિટલરની નાઝી સરકારે એવાં અનર્થઘટનો કર્યાં હતાં કે એ બંને મહાનુભાવો જાણે તો આઘાતથી મૃત્યુ પામે. ગાંધીજીના નામે પણ ઓછા દંભ નથી આચરાયા ને ઓછાં 'પાપ' નથી થયાં. છતાં, ગોડસેપૂજાના--અથવા 'ગમે તે કહો, પણ ગોડસે હતો તો દેશભક્ત’ એવી છેતરપીંડીના જમાનામાં, ગાંધીજીના અનર્થઘટનની સંભાવના ઘણી વધી જાય છે.
ગાંધીજીની ટીકા થઈ જ શકે અને તેનો સામેનો ગાંધીજીનું દૃષ્ટિબિંદુ સમજાવતો પક્ષ પણ રજૂ થઈ શકે. પરંતુ ગાંધીજીને માળીયે ચડાવી દેવાની હવે જૂની બનેલી નવી રીત વધારે ચબરાક છે. તેમાં ગાંધીજીના અત્યારે આકરા પડે એવા સ્વરૂપને સિફતથી ભૂલાવી દેવામાં આવે છે--એવું સ્વરૂપ, જે સરકારોને તથા ધીક્કારની વિચારધારામાં માનતા સૌ કોઈને આયનો દેખાડી શકે, તેમને ભીંસમાં મૂકી શકે. તેના બદલે, કેટલીક 'નિર્દોષ' બાબતોને ગાંધીજીના પર્યાય તરીકે પ્રચારવા-પ્રસારવામાં આવે છે.
સાયબર સેલના આસુરી પ્રચારયંત્રથી માંડીને સ્ટાર પ્રચારકો કહેવા માંડે કે 'ગાંધીજી એટલે સ્વચ્છતા' , એટલે વાત પૂરી. ત્યાર પછી નિશાળોથી માંડીને જાહેરખબરોનાં હોર્ડિંગ સુધી 'ગાંધીજી એટલે સ્વચ્છતા’નું સમીકરણ ફરી વળે. સ્વચ્છતા બાબતે ભારતના નાગરિકોએ પોતાની માનસિકતામાં પાયાનો બદલાવ આણવાની જરૂર છે. તેના માટે વડાપ્રધાન અને સરકાર પ્રયાસ કરે તે સારી વાત છે. પરંતુ આખેઆખા ગાંધીજીના જીવનકાર્યને સ્વચ્છતા જેવી 'નિર્દોષ' પૂરતું સીમિત કરી દેવાથી બે ફાયદા થાય છેઃ ગાંધીજીની ઉપેક્ષાનું મહેણું ટળી જાય છે અને સરકારોને કે શાસક પક્ષોને અળખામણા લાગતા ગાંધીજીના વિચારોને અભરાઈ પર ચડાવીને, ગાંધીજીના નામે નિરાંતે ચરી શકાય છે. જે ગાંધીજી પહેલાં દુશ્મન લાગતા હતા, તે હવે દોસ્ત અને મદદગાર લાગે છે. કારણ કે, તેમના મૂળભૂત વિચારોને ઉજવણીની લાલ જાજમ તળે હડસેલી દીધા છે. ઉપર જે રહી છે એ તો 'સ્વચ્છતા' અને 'પદયાત્રા' જેવી નિર્દોષ ડુગડુગીઓ છે, જેના તાલે બીજાને તો ઠીક, આંખ આડા કાન કરવા ઇચ્છુક ગાંધીપ્રેમીઓને પણ નચાવી શકાય છે.
વાંધો સ્વચ્છતા ઝુંબેશનો નહીં, સ્વચ્છતા ઝુંબેશના ડબ્બામાં ગાંધીજીના વિરાટ-વ્યાપક સ્વરૂપને પૂરીને ઉપરથી ઢાંકણું બંધ કરી દેવાનો છે. ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા, ત્યારથી તેમની હત્યા સુધી તેમનાં મુખ્ય ત્રણ જીવનકાર્યો રહ્યાંઃ અસ્પૃશ્યતાનિવારણ, હિંદુ-મુસલમાન એકતા અને સ્વરાજ. રાજકીય આઝાદી આવી ગયા પછી પણ ગાંધીજીની કલ્પનાનું સ્વ-રાજ દૂર જ રહ્યું, જેમાં સમાજના સૌથી છેવાડાના માણસના હિતની ચિંતા હોય અને લોકો સરકારની બીક કે મદદ વિના સ્વાવલંબી બને, જવાબદારીપૂર્વક વર્તે અને પશુબળ કે યંત્રબળના નહીં, નીતિબળના આધારે દેશનું ઘડતર કરે. બાકી રહેલાં અસ્પૃશ્યતાનિવારણ (વ્યાપક અર્થમાં દલિત-બિનદલિત ભેદભાવ, આભડછેટ) અને હિંદુ-મુસલમાન સુમેળને ગુપચાવીને ગાંધીજીની વાત કરવી, એટલે ગાંધીવિચારને (બદ)ઇરાદાપૂર્વક મોળો પાડી દેવો-તેને લગભગ નકામો બનાવી દેવો.
ગાંધીજીએ છેક ૧૯૩૧માં કેટલાક પ્રચાર વિશે ચોખવટ કરતાં લખ્યું હતું, ‘કહેવાય છે કે હિંદુસ્તાનમાં જ્યારે સ્વરાજ આવશે ત્યારે જે કોમની સંખ્યા મોટી હશે તે કોમનું રાજ થશે. આના કરતાં મોટી ભૂલ બીજી કઈ હોઈ શકે? જો આ વાત સાચી હોય તો આજે મારામાં એટલી શક્તિ છે કે હું એકલો એ રાજ્ય સામે લડું. એ રાજ્યને હું તો સ્વરાજ ન જ કહું. મારું હિંદ સ્વરાજ એટલે સૌનું રાજ્ય છે, ન્યાયનું રાજ્ય છે.’ અત્યારે વાત તો 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ'ની થાય છે, પણ 'ગરીબી હટાવો'ની જેમ આવાં સૂત્રોને વાસ્તવિકતા સાથે કશી લેવાદેવા હોતી નથી. ગાંધીજી સૂત્રોથી ભોળવતા ન હતા ને ભોળવાતા પણ ન હતા.
તેમના જીવનદર્શનની બાબતમાં અસ્પૃશ્યતાનિવારણ અને હિંદુ-મુસલમાન સુમેળથી આગળ વધવું હોય તો તેમનાં એકાદશ (અગીયાર) વ્રત યાદ કરવાં પડે. કોઈ ધર્મગ્રંથનાં હોઈ શકે એવાં આ વ્રત હતાંઃ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય (પારકી વસ્તુ પ્રત્યે નિસ્પૃહતા), અપરિગ્રહ, અભય, સ્પર્શભાવના, શરીરશ્રમ, સર્વધર્મસમભાવ અને સ્વદેશી. જોઈ શકાય છે કે આ વ્રતોમાં પણ સ્વચ્છતાને સ્થાન મળ્યું ન હતું. પરંતુ છેલ્લા એક વર્ષનાં ઉજવણાંને ધ્યાનમાં રાખીને નક્કી કરવાનું હોય તો એવું જ લાગે, જાણે ગાંધીજી સ્વચ્છતાને જ સૌથી વધારે પ્રાધાન્ય આપતા હશે. એ જ તો નવી રીત છે ગાંધીજીના અસલી પ્રદાનને અને જીવનસંદેશને ભૂંસવાની. પ્રચારનાં ઢોલ વગાડીને 'સ્વચ્છતા' કે 'પદયાત્રા'ની લીટી એટલી બધી લાંબી કરી દેવાની કે બીજું બધું આપોઆપ બાજુ પર રહી જાય.
એનો અર્થ એમ નથી કે ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી ન હતા. તેમના સફાઈના આગ્રહ પાછળનું મુખ્ય પ્રેરક બળ સફાઈકામ સાથે સંકળાયેલા ઊંચનીચના ભેદભાવને દૂર કરવાનું હતું. એ સમયે ગટરવ્યવસ્થા ન હોય ત્યારે શૌચાલયની સફાઈ મોટું અને લોકોનાં નાકનાં ટીચકાં ચડાવનારું હતું. ગાંધીજીએ તે કામને પોતાનું કર્યું અને દરેકે પોતાના શૌચાલયની સફાઈ જાતે કરવી એવું ઠરાવ્યું. ફોટોગ્રાફરો અને કેમેરામેનોના ઝુંડ સાથે હાથમાં ઝાડુ લઈને (કેટલાક કિસ્સામાં તો પહેલાં ચોખ્ખા રસ્તા પર 'સારો’ કચરો નંખાવીને) સફાઈઝુંબેશ કરતા આપણા નેતાઓને એવાં અઘરાં સફાઈકામ શી રીતે ફાવે?
સત્યને કેન્દ્રસ્થાને રાખવાથી નીપજતા ગુણોમાંનો એક એટલે અભય. ગાંધીજીની માન્યતાના સ્વરાજમાં અસત્યની સાથોસાથ ભયને અને ધીક્કારને કોઈ સ્થાન ન હતું. તેને બદલે હવે તો ચૂંટણી જીતવાની ને લોકશાહીને તોડવામરોડવાની આખેઆખી રણનીતિઓ જ ટ્રોલિંગ, જૂઠાણાં અને મોબ લિન્ચિંગને સીધા કે આડકતરા પ્રોત્સાહનના પાયા પર રચાય છે. લોકોને સલામતી આપવાને બહાને બીવડાવવામાં આવે છે અને સંસ્કૃતિનાં ગૌરવગાનના નામે મિથ્યાભિમાનના કસુંબા પીવડાવવામાં આવે છે. કાયદો ગજવામાં લઈને ફરનારા વગદારો સિવાય બીજું કોઈ હવે અભય અનુભવતું નથી. તો પછી ગાંધીજીની સ્મૃતિમાં અભયને શી રીતે યાદ કરી શકાય? તેમને સ્વચ્છતા જેવી બાબતોમાં જ પુરી દેવા પડે ને?

Gandhi-150,
Gandhi/ગાંધી
Monday, September 23, 2019
બજારની ઝાકઝમાળમાં ખોવાયેલું વનરાજનું સંગીત
(L to R) Preeti Sagar, Shyam benegal, Smita Patil, Vanraj Bhatia |
ફિલ્મઉદ્યોગની લોકપ્રિય હસ્તીઓની ગુમનામી અને આર્થિક બેહાલીની કરુણ કથાઓ એક સમયે સામાન્ય ગણાતી હતી. કલાકાર પોતાના સમયમાં પ્રખ્યાત બન્યા હોય, કમાયા હોય, પણ યોગ્ય આયોજનના અભાવે કે ઉડાઉ પ્રકૃતિના કારણે અને લાંબા આયુષ્યના પ્રતાપે છેલ્લાં વર્ષોમાં મુશ્કેલી પડી જાય એવું બને. એ વખતે સારસંભાળ રાખનાર તો ઠીક, મળવા આવનાર પણ કોઈ ન હોય. એ પ્રકારના સમાચાર વનરાજ ભાટિયા વિશે વાંચ્યા, તેના ૧૧ વર્ષ પહેલાં મોટા ભાઈ બીરેન સાથે ભાટિયાને મળવાનું થયું હતું.
ખાસ તેમનો સમય લઈને તેમને મળવા મુંબઈના તેમના ઘરે પહોંચ્યા ત્યારે મનમાં અનેક સંગીતસભર સ્મૃતિઓ ઊભરાતી હતીઃ શ્યામ બેનેગલની 'અંકુર'થી 'સરદારી બેગમ' સુધીની ફિલ્મોમાં ભાટિયાનું સંગીત હતું. પણ 'મારો ગાંવ કાંઠા પારે' (‘મંથન’), ‘તુમ્હારે બિન જી ના લગે ઘરમેં’ (‘ભૂમિકા’) જેવાં પ્રીતિ સાગરે ગાયેલાં ગીતો સવિશેષ રીતે મનમાં ગુંજતાં હતાં. ગોવિંદ નિહલાણીની યાદગાર ટીવી શ્રેણી ‘તમસ’નું, કારુણીનો માહોલ ખડો કરી દેતું આક્રંદમય ટાઇટલ મ્યુઝિક, બેનેગલની ‘ભારત એક ખોજ’ શ્રેણીનું મંત્રમુગ્ધ કરી નાખે એવું ટાઇટલ મ્યુઝિક તથા તેના કેટલાય હપ્તાનું મનમાં અંકાઈ ગયેલું સંગીત... https://www.youtube.com/watch?v=Yx21N-kb4uU
વનરાજ ભાટિયાએ જેમાં સંગીત આપ્યું, એવી સમાંતર ધારાની ‘આર્ટ’ ફિલ્મોમાં મોટે ભાગે ગીતો જ ન હોય અથવા એટલાં ઓછાં હોય કે તેની અલગ રેકોર્ડ ભાગ્યે જ બહાર પડે. 'અમુલ'ની સહકારી ક્રાંતિની કથા પરથી બનેલા ‘મંથન’ના ગુજરાતી છાંટ ધરાવતા ગીત ‘મારો ગાંવ કાંઠા પારે’ની એક ઇ. પી. રેકોર્ડ બહાર પડેલી, જેની એક બાજુ ગીતનો એક ભાગ હતો ને બીજી બાજુ બીજો. ‘ભૂમિકા’ની લોંગ પ્લે રેકોર્ડની પાછળ ભાટિયાનો પ્રૌઢ વયનો ફોટો જોવા મળ્યો. બાકી, સંગીતકાર તરીકે આટલા પ્રતિભાશાળી હોવા છતાં તેમની એકલદોકલ તસવીર માંડ જોવા મળતી હતી. એટલે રૂબરૂ મુલાકાત વખતે જિજ્ઞાસાની શરૂઆત તેમના શારીરિક દેખાવથી થતી હતી અને પછી તેમની કારકિર્દી-વ્યાવસાયિક સફળતા-સર્જકતા-કદર જેવી ઘણી બાબતો વિશે સવાલ કૂદકા મારતા હતા.
‘ભાટિયા’ હોવાથી વાતો ગુજરાતીમાં થઈ શકશે, એ ધારણા તો સાચી પડી. પરંતુ એ સિવાયની મોટા ભાગની ભવ્ય ધારણાઓને તે એક પછી એક ખોટી પાડતા ગયા. ફિલ્મોમાં તેમની કારકિર્દી ભલે ૧૯૭૦ના દાયકામાં શરૂ થઈ, પણ જન્મતારીખ ૩૧ મે, ૧૯૨૭. એટલે ધાર્યાં કરતાં તેમની ઉંમર ઘણી વધારે નીકળી. સમાંતર ફિલ્મો બનાવનાર નામી નિર્દેશકોના પ્રિય સંગીતકાર તરીકે તેમની ઓળખ ભલે અપાતી હોય, પણ તેમને પોતાને તે ઓળખ બહુ પ્રિય ન હતી. ‘એનએફડીસીવાળા’ (‘આર્ટ ફિલ્મો’ના) નિર્દેશકો વિશે તેમણે કહ્યું, ‘એ લોકોને આખું ગીત પિક્ચરાઇઝ કરતાં ફાવતું જ નથી. વધુમાં વધુ એકાદ અંતરો તે પિક્ચરાઇઝ કરી જાણે. ’ એટલે વનરાજ ભાટિયાએ બનાવેલું ઉત્તમ ગીત ફિલ્મમાં અધવચ્ચેથી કટ થઈ જાય અથવા તેને ટુકડા સ્વરૂપે આખી ફિલ્મમાં વિખેરી નખાય. એ જ નિર્દેશકો એ. આર. રહેમાન જેવા સંગીતકાર સમક્ષ ‘કેવા ડાહ્યાડમરા થઇને ફિલ્મોમાં ગીતો નાખે છે’ એવું પણ તેમણે કહ્યું.
ફિલ્મો અને ટીવી શ્રેણીઓ ઉપરાંત તેમણે ભારતીય અને પાશ્ચાત્ય સંગીતના ઉત્તમ સંમિશ્રણ જેવાં ઘણાં આલ્બમ તૈયાર કર્યાં છે. તેમાં ભગવદ્ ગીતા અને ઉપનિષદનો સમાવેશ થાય છે. જાપાનની પહેલથી બનેલી રામાયણ વિશેની આંતરરાષ્ટ્રીય એનિમેશન ફિલ્મ હોય કે જુદાં જુદાં સ્થાપત્યો વિશે નામી વિદ્વાનો સાથે મળીને નામી નિર્દેશકોએ બનાવેલી ડોક્યુમેન્ટરી હોય, આવા પ્રતિષ્ઠિત અને ઊંચી ગુણવત્તાની અપેક્ષા ધરાવતા પ્રોજેક્ટમાં સંગીતકાર તરીકે વનરાજ ભાટિયા જ હોય. બેનેગલ-નિહલાણી ઉપરાંત કેટકેટલા નિર્દેશકોની પ્રયોગશીલ ફિલ્મો (જેમ કે, કુંદન શાહની 'જાને ભી દો યારોં’, અપર્ણા સેનની '૩૬, ચૌરંઘી લેન')માં સંગીતકાર તરીકે તેમનું જ નામ વાંચવા મળે.
'ભારત એક ખોજ' શ્રેણીના ૫૩ હપ્તામાં તેમણે આપેલું સંગીત ભારતીય ટીવીજગતના ઇતિહાસમાં આવું સંગીત 'ન ભૂતો, ન ભવિષ્યતી' છે. કેમ કે, પંડિત નહેરુના ગ્રંથ પરથી બનેલી આ શ્રેણીમાં ૫૩ હપ્તામાં ભારતનો પાંચેક હજાર વર્ષનો ઇતિહાસ આવરી લેવાનો હતો. એ સમયગાળા દરમિયાન બદલાતા યુગ, બદલાતી સંસ્કૃતિ, પાત્રો, પ્રભાવો અને તેની સંગીતમય પ્રસ્તુતિનું કામ દરેકેદરેક હપ્તે નવો પડકાર લઈને આવતું હોય. પૃથ્વીરાજ ચૌહાણના કે જોતિરાવ ફુલેના હપ્તા વખતે બેકગ્રાઉન્ડ મ્યુઝિકની સાથે ગીતો પણ આવે.
આવું કપરું કામ આટલી ઉત્તમ રીતે કરવા બદલ વનરાજ ભાટિયાની કેવીય કદર થઈ હશે ને કેટલો જયજયકાર થયો હશે, એવી ધારણા ઉપર પણ તેમણે ઠંડું પાણી રેડ્યું. ‘આના માટે મળવા આવનારા તમે પહેલા છો’ એવું તેમણે કહ્યું ત્યારે લાગ્યું કે તે સારું લગાડવા કહે છે. પણ તેમની આખી વાતના સૂર પરથી લાગ્યું કે બીજા ઘણા કામની જેમ ‘ભારત એક ખોજ’ના તેમના કામની કદર ન થઈ, એનો પણ તેમને વાજબી રંજ છે.
દર અઠવાડિયે આટલું વૈવિધ્યપૂર્ણ અને ઊંડાણભર્યું કામ આપવા માટે કેટલાં વર્ષ રીસર્ચ કર્યું હતું?--એવા સવાલના જવાબમાં ખડખડાટ હસીને તેમણે કહ્યું,‘વર્ષ? અરે એટલો સમય જ ક્યાં હતો? એક અઠવાડિયામાં એક એપિસોડનું મ્યુઝિક કરવાનું હોય. એક તરફ શ્યામ શૂટિંગ કરતો જાય અને શૂટ થયેલી ફિલ્મ મને મોકલી આપે. એ જોઈને બે દિવસમાં બેકગ્રાઉન્ડ અને બે-ત્રણ દિવસમાં ગીતોનું રેકોર્ડિંગ કરી દેવાનું. એટલે હપ્તો તૈયાર.’
યુટ્યુબના જમાનામાં 'ભારત એક ખોજ'ના બધા હપ્તા સહેલાઈથી જોવા મળે છે. https://archive.org/details/HindSwaraj-BEK-00 શ્રેણી તરીકે તો તે ઉત્તમ છે જ, પણ તેનો એકાદ હપ્તો જોવાથી સંગીતકાર તરીકે વનરાજ ભાટિયાની ઊંચાઈનો ખ્યાલ આવશે--અને એવો વિચાર પણ આવશે કે આવું કામ ભૂલાઈ કેવી રીતે શકે? ગયા સપ્તાહે આવેલા અહેવાલોમાં ભાટિયાનું સંગીત ધરાવતી ઘણી ફિલ્મોનો અને ‘તમસ’ જેવી સિરીયલનો ઉલ્લેખ હતો, પણ ‘ભારત એક ખોજ’ની વાત ન હતી.
વનરાજ ભાટિયાને આર્થિક મદદ તો અલગ વાત છે, તેમના ઉત્કૃષ્ટ પ્રદાનની પૂરતી નોંધ લેવાય-કદર થાય એ પણ એટલું જ જરૂરી લાગે છે.
Labels:
film/ફિલ્મ,
music/સંગીત
Tuesday, September 17, 2019
ગાંધીજીનું 'નવજીવન' : ગુજરાતી પત્રકારત્વનું સીમાચિહ્ન
Courtesy : gandhiheritageportal.org |
ગાંધીજીની દોઢસોમી જન્મજયંતિનાં સત્તાવાર ઉજવણાં વચ્ચે અન્ય એક શતાબ્દિટાણું આવ્યું ને જતું રહ્યું. સમાચારોમાં ખાસ નહીં ચમકેલી એ શતાબ્દિ ગાંધીજીએ ચલાવેલા સાપ્તાહિક 'નવજીવન'ની હતી. ગાંધીજીના તંત્રીપદ હેઠળ 'નવજીવન'/Navjivan નો પહેલો અંક સપ્ટેમ્બર ૭, ૧૯૧૯ના રોજ પ્રગટ થયો હતો. ૧૯૩૨માં તેનું પ્રકાશન આટોપાયું ત્યાં સુધીમાં તે ગાંધીજીના અનેક પ્રયોગોનું સાક્ષી અને લોકો સુધી તેમની વાત પહોંચાડવાનું માધ્યમ બન્યું. ગાંધીજીનાં જોમવંતાં છતાં ઉશ્કેરણીજનક નહીં, વિચારપ્રેરક છતાં ગળચટ્ટાં ચિંતનખોર નહીં એવાં લખાણો 'નવજીવન’ માટે લખાયાં. અસહકારની ચળવળ અને ખિલાફત આંદોલનથી માંડીને દાંડીકૂચ જેવી દેશને ઉપરતળે કરનારી અનેક ઘટનાઓ 'નવજીવન'ના પાને ઝીલાઈ. ગાંધીજીની લેખનશૈલી ઘડાઈ અને શીલમાંથી શૈલી શી રીતે નીપજી શકે તેનું ઉત્તમ ઉદાહરણ બની. 'નવજીવન' ફક્ત ગાંધીવિચારનું જ નહીં, જાણે દેશમાં પ્રસરેલી નવી આબોહવાનું મુખપત્ર બની રહ્યું.
'નવજીવન' અસલમાં ઇંદુલાલ યાજ્ઞિક, શંકરલાલ બેન્કર અને કનૈયાલાલ મુનશી જેવા તરવરિયા જુવાનિયાઓની કલ્પનાનું સાકાર સ્વરૂપ હતું. એ લોકો ત્યારના વિખ્યાત અંગ્રેજી માસિક 'મોડર્ન રીવ્યુ'ની ઢબ પર ગુજરાતીમાં માસિક શરૂ કરવા ઇચ્છતા હતા. તેમાંથી શંકરલાલ બેન્કરને ઇટાલિયન કવિ દાન્તેનો શબ્દપ્રયોગ Vita Nova ખૂબ પસંદ હતો, જેનો અર્થ હતોઃ નવું જીવન. તેની પરથી ગુજરાતી સામયિકનું નામ પાડવામાં આવ્યું 'નવજીવન'. (કેટલાક સંદર્ભોમાં Viva Nova છે, પણ દાન્તેએ વાપરેલો-'જીવન' માટેનો લેટિન શબ્દ Vita છે.) એ જ અરસામાં બંધ થયેલા 'સત્ય’ સામયિકને ભેળવી દઈને મુંબઈથી ઇંદુલાલ યાજ્ઞિકના તંત્રીપદે શરૂ થયુંઃ 'નવજીવન અને સત્ય'.
૧૯૧૯ આવતાં સુધીમાં ભાવનાપ્રધાન ઇંદુલાલના તંત્રીપદ હેઠળ 'નવજીવન અને સત્ય' અનિયમિત બની ચૂક્યું હતું. બીજી તરફ, ગાંધીજીની આગેવાની રાષ્ટ્રીય સ્તરે નવા યુગનાં એંધાણ આપી રહી હતી. તે પારખીને ઇંદુલાલની મિત્રમંડળીએ પહેલાં ગાંધીજીને અંગ્રેજી સામયિક 'યંગ ઇન્ડિયા'નું સુકાન સોંપ્યું. પછી ગાંધીજીને ગુજરાતી સામયિકની જરૂર લાગતાં, 'નવજીવન અને સત્ય' પણ ગાંધીજીને આપી દેવામાં આવ્યું. તેમાં ગાંધીજીએ ત્રણ મોટા ફેરફાર કર્યાઃ તેને માસિકમાંથી સાપ્તાહિક બનાવ્યું, મુંબઈને બદલે અમદાવાદ લઈ આવ્યા અને તેના નામમાંથી 'સત્ય’ કાઢીને ફક્ત 'નવજીવન' રહેવા દીધું.
ગાંધીજીએ ફક્ત સામયિકના નામમાંથી જ 'સત્ય'ની બાદબાકી કરી હતી. બાકી બધી રીતે સામયિક સત્યનિષ્ઠ રહ્યું અને ગાંધીજીના સત્યના પ્રયોગોનું માધ્યમ બન્યુંઃ તેમણે કરેલા પ્રયોગોનું અને તેમણે આત્મકથાના સ્વરૂપમાં આલેખેલા 'સત્યના પ્રયોગો'નું પણ. કેમ કે, તેમની જગવિખ્યાત આત્મકથાનાં પ્રકરણો 'નવજીવન'માં હપ્તાવાર છપાતાં હતાં. સામયિકની લેખનસામગ્રીની જવાબદારી ગાંધીજીની હતી, પણ તંત્રની કામગીરી ઇંદુલાલે ઉપાડવી એવું ઠર્યું હતું. આજે પણ ગાંધી આશ્રમના gandhiheritageportal.org પર ઉપલબ્ધ 'નવજીવન'ના લગભગ તમામ અંકોમાંથી પહેલો અંક જોતાં, તેમાં વાંચવા મળે છેઃ "આ પત્ર અમદાવાદમાં જમાલપુર રોડ પર નટવર પ્રીંટીંગ પ્રેસમાં ભોગીલાલ નારણદાસ બોડીવાળાએ છાપ્યું અને ઇન્દુુલાલ કનૈયાલાલ યાજ્ઞિકે તેજ સ્થળે પ્રકટ કર્યું છે.”
ગાંધીજી 'નવજીવન'ના તંત્રી થયા છે, તે જાણીને આશરે અઢી હજાર લોકો તેના નવા ગ્રાહક બન્યા. પહેલા અંકની પાંચ હજાર જોતજોતાંમાં ખપી ગઈ. ફરી પાંચ હજાર છાપવી પડી ને એ પણ વેચાઈ ગઈ. ત્રીજા અંકમાં વાચકોને જણાવવામાં આવ્યું કે "અમે બનતી મહેનતે જેટલા ઘરાકો લખે છે તેને 'નવજીવન' પહોંચાડવા પ્રયત્ન કરીએ છીએ, પણ એટલો અણધાર્યો દરોડો 'નવજીવન' ઉપર પડે છે કે માગણીને પહોંચી વળવું અશક્ય થઈ પડ્યું છે. આ અઠવાડીયે અમે ૧૨,૦૦૦ નકલ છપાવી છે, છતાં નકલો ઓછી છે એમ જાણીએ છીએ.”
સામયિક પોતાની રીતે કાઢવા માટે ગાંધીજીને પ્રિન્ટિંગ પ્રેસની જરૂર જણાતાં, તેમના સાથી-આશ્રમના કુશળ સંચાલક મગનલાલ ગાંધી અનસૂયાબહેન સારાભાઈ સાથે શહેરમાં પ્રેસ શોધવા નીકળ્યા. તેમણે ચૂડીઓળના નાકે ગલીમાં આવેલું મનહર પ્રિન્ટિંગ પ્રેસ છ હજાર રૂપિયામાં ખરીદ્યું અને તેને નામ આપ્યુંઃ નવજીવન મુદ્રણાલય. મુદ્રક અને પ્રકાશક તરીકે શંકરલાલ બેન્કરનું નામ હતું. તેના સરપાવ તરીકે ૧૯૨૨માં લેખક ગાંધીજીની સાથોસાથ મુદ્રક-પ્રકાશક તરીકે શંકરલાલસામે પણ રાજદ્રોહના આરોપ હેઠળ કેસ ચાલ્યો અને બંનેને સજા થઈ હતી.
ગાંધીજી ઉપરાંત મહાદેવભાઈ દેસાઈ, કાકાસાહેબ કાલેલકર, સ્વામી આનંદ જેવા ગાંધીયુગના ઉત્તમ કોટિના ગદ્યકારોની કલમનો લાભ 'નવજીવન' થકી ગુજરાતી વાચકોને મળ્યો. ગાંધીજીએ અસહકારની ચળવળ ઉપરાંત તેમના પ્રિય વિષયો હિંદુ-મુસલમાન એકતા અને અસ્પૃશ્યતાના વિરોધ માટે 'નવજીવન'માં પાનાં ભરીને લખ્યું, માહિતી આપી, રોષભર્યા કે ટીકાત્મક પત્રોમાંથી ગરમી અને કડવાશ ગાળીને, તેમાંથી ચર્ચવાલાયક મુદ્દા વિશે લંબાણથી ચર્ચા કરી. પુષ્કળ જથ્થામાં લખવા માટે 'બે હાથે લખવું’ એવો પ્રયોગ થાય છે. ગાંધીજી તો બંને અર્થમાં બે હાથે લખ્યું. 'નવજીવન'માંથી નફો કરવાની તેમની જરાય વૃત્તિ ન હતી. એટલે નફો થાય તો તે વાચકોને સામયિકનાં વધારાનાં પાનાં આપીને સરભર કરી દેવાતો હતો.
કેવો હતો અસહકારયુગમાં 'નવજીવન'નો સપાટો? 'નવજીવનની વિકાસવાર્તા' પુસ્તકમાં નોંધાયા પ્રમાણે, એ ગાળામાં 'નવજીવન'નું વેચાણ ચાળીસ હજાર નકલોની આસપાસ પહોંચી ગયું. (એ વખતનાં--અને અત્યારનાં--ઘણાંખરાં લોકપ્રિય સામયિકો પણ આટલી નકલે પહોંચી શકતાં નથી. ) ગુજરાતીમાં તો ઠીક, ઑગસ્ટ,૧૯૨૧થી શરૂ થયેલા હિંદી 'નવજીવન'ની પણ પંદર-અઢાર હજાર નકલ વેચાવા લાગી. 'નવજીવન' કામગીરીનો માહોલ આ શબ્દોમાં આલેખાયો છેઃ “આ વર્ષ દરમ્યાન 'નવજીવન' લગભગ અર્ધસાપ્તાહિક થઈ પડ્યું હતું. સાંકડી ગલીમાં ખંડેર જેવી વખારોની ઓરડીઓમાં લગભગ ૯૦ માણસો રાત અને દિવસ ચોવીસે કલાક કામ કરતા. એક જ ભાગેલો છાપવાનો સંચો હતો તે આખું અઠવાડિયું રાત અને દિવસ કલાકના હજારની ઝડપે...નકલો છાપ્યા કરતો...છાપાં વેચનારા છોકરાઓને માટે એક વખારના પાછલે બારણે ટિકિટ ઓફિસ જેવી બારી બેસાડી હતી અને મુખ્ય દરવાજો બંધ રાખવો પડ્યો હતો. ફેરિયાઓ બારીબારણાં ભાંગી નાખવામાં પણ અચકાતા નહીં ને આખા મહોલ્લાની વસ્તીને આખી રાત ભાગ્યે જ ઊંઘ મળતી.”
દાંડીકૂચ પછીના અરસામાં સરકારે 'નવજીવન'નું પ્રેસ જપ્ત કર્યું, ત્યારે ટાઇપ કરેલા 'નવજીવન'ની કોપી મશીન પર છાપેલી નકલો વહેંચાતી હતી. પરંતુ ૧૯૨૧-૨૨ના અસહકાર આંદોલન સમયનો સુવર્ણયુગ પાછો ન આવ્યો. લડતની ગરમી ઓસરી એટલે 'નવજીવન'નું વેચાણ પણ ઘટી ગયું. ૭ સપ્ટેમ્બર, ૧૯૧૯ની તારીખ સાથે પ્રગટ થયેલા 'નવજીવન'ના પહેલા અંકનાં ૧૬ પાનાં હતાં અને તેની છૂટક કિંમત એક આનો રાખવામાં આવી હતી. તેનો છેલ્લો અંક ૧૦ જાન્યુઆરી, ૧૯૩૨નો નીકળ્યો સોળ પાનાં અને કિંમત સવા આનો.
જમાના પ્રમાણે આનામાં કિંમત ધરાવતું 'નવજીવન' ગાંધીજીની લડત, તેમનું પત્રકારત્વ, તેમની અભિવ્યક્તિ અને એ સમયને સમજવા માટે અમૂલ્ય દસ્તાવેજ છે.
Labels:
Gandhi-150,
Gandhi/ગાંધી,
media
Thursday, September 12, 2019
લદ્દાખ, ‘જિપ્સી’ અને હર્ષલ પુષ્કર્ણાઃ ગુજરાતી પત્રકારત્વની વિશિષ્ટ ઘટનાઓનો સંગમ
સારા કાર્યક્રમોને મોટે ભાગે ચોક્કસ લાગણી સાથે સાંકળી શકાતા હોય છે. સાડા છ વર્ષ પહેલાં થયેલા સાર્થક પ્રકાશનના આરંભના કાર્યક્રમને યાદ કરતી વખતે મનમાં થતી પહેલી લાગણી રોમાંચની છે. તેની પણ પહેલાં ૨૦૦૮માં અનેક ગુરુજનો-પ્રિયજનોની સક્રિય સહભાગિતા સાથે યોજાયેલી મારી મોક કોર્ટ સાથે સંકળાયેલો છેઃ અંતરના ઊંડાણ સુધી ટાઢક પહોંચાડનારો સંતોષ. હમણાં યોજાયેલી પ્રકાશભાઈ (ન. શાહ)ની મોક કોર્ટ યાદ કરું ત્યારે મનમાં આવતો પહેલો શબ્દ છેઃ ‘ધમાલ’ એવી જ રીતે, ૧ સપ્ટેમ્બર, ૨૦૧૯ની સાંજે હર્ષલ પુષ્કર્ણાએ યોજેલા કાર્યક્રમના અંતે ફક્ત મારા મનમાં જ નહીં, મોટા ભાગના લોકોના મનમાં ઉભરી આવેલી લાગણી હતીઃ ગરિમા. ગ્રેસ.
નિમંત્રણમાં કરાયેલી જાહેરાત પ્રમાણે કાર્યક્રમ ત્રેવડી ઉજવણીનો હતોઃ 1) પત્રકારત્વમાં હર્ષલનાં ત્રીસ વર્ષ 2) ગુજરાતના એકમાત્ર અને અનન્ય પ્રવાસ માસિક 'જિપ્સી'નું એક વર્ષ 3) નવા પુસ્તકનું પ્રાગટ્ય.
નવજીવન ટ્રસ્ટના પરિસરમાં આવેલા જિતેન્દ્ર દેસાઈ સ્મૃતિ હોલમાં રવિવારની સાંજે નજીકથી તેમ જ દૂર દૂરથી ચાહકો-સ્નેહીઓ-શુભેચ્છકો આવવા માંડ્યા હતા અને છેવટે તો હોલ ભરચક થઈ ગયો. શરૂઆતમાં પાંચ-સાત મિનીટ હર્ષલની પત્રકારત્વની યાત્રા અને બાવીસ-ત્રેવીસ વર્ષ પહેલાં નગેન્દ્રભાઈ થકી અમારો નાતો શી રીતે જોડાયો તેની, ૧૯૯૮માં અમદાવાદના ‘સીટીલાઇફ ન્યૂઝ’ મેગેઝીનમાં સાથે કામ કરવાના અનુભવોની અને બીજી થોડી વાતો થઈ. ત્યાર પછી હર્ષલે તેની સ્ટાઇલના, સંપૂર્ણપણે ટેકારૂપ અને જરાય નડતરરૂપ નહીં એવા પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનથી દોઢેક કલાક સુધી વિગતે વાત કરી.
કૌટુંબિક પરંપરા, દાદા વિજયગુપ્ત મૌર્ય તરફથી પિતા નગેન્દ્ર વિજયને અને પિતા નગેન્દ્ર વિજય તરફથી પોતાને મળેલા વાચનના સંસ્કાર અને વાતાવરણ, શાળાકીય ઔપચારિક અભ્યાસમાં અરુચિ, ‘ભૌતિક વિજ્ઞાન એટલે શું?’ એવો પાયાનો સવાલ પૂછવા બદલ સ્કૂલમાં મળેલી સજા અને સાથે વિજ્ઞાનમાસિક ચલાવતા પિતાના ચિરજીવીને આટલી પણ ખબર નથી‘ એવો ટોણો, પિતાજીની વિગતવાર અને ચકિત કરનારી સમજૂતી, જિજ્ઞાસાનો આરંભ..... ધીમે ધીમે ‘સફારી’ની ઓફિસે જવાનું શરૂ થયું. પહેલાં તો સ્ટાફ માટે ચા લઈને. પછી ઓફિસકામ. સાયકલ કે લુના પર બેસીને ફેરિયાઓને મેગેઝીન પહોંચાડવાં, ઉઘરાણી કરવી...ભૂતકાળની આ બધી વાતો હર્ષલ કરતો હતો, ત્યારે સામે બેઠેલાંમાંથી ઘણાંને ફક્ત સાંભળવાની નહીં, જોવાની અનુભૂતિ પણ થઈ હશે.
‘સફારી’ ઓફિસના માહોલમાં લખવાની ઇચ્છા ન થાય તો જ નવાઈ. બીજા લોકોને ગઝલ લખવાની ઇચ્છા થાય, તે વયે હર્ષલને વિજ્ઞાનલેખ લખવાનું મન થયું. નગેન્દ્રભાઈએ પહેલાં તો બે-ચાર વાર કહ્યું, ‘હજુ વાંચ.’ પછી એક વાર લખવાની હા પાડી. રજા તો મળી ગઈ, પણ પછી વાચન વિના લેખ લખતાં કેવો પરસેવો પડી ગયો અને તેના પગલે વાચનનું મહત્ત્વ સમજાયું, તેની વાત હર્ષલે સરસ રીતે કરી. એવી રીતે, પહેલો લેખ લખવામાં અને શરૂઆતના તબક્કામાં દાદા વિજયગુપ્ત મૌર્ય તરફથી મળેલા ઉપયોગી માર્ગદર્શનનું પણ ભાવસ્મરણ કર્યું.
‘સફારી’માં તંત્રીના પુત્ર હોવું એ લાયકાત ગણાતી ન હતી. કશું હોદ્દાની કે સગપણની રૂએ ન મળે. તેના કારણે દરેક તબક્કે તેનું ઘડતર થયું-નગેન્દ્રભાઈનાં લખાણ વાંચીને, તેમને કામ કરતા જોઈને અને બહારના સંજોગોથી-વાસ્તવિકતાથી ટીપાઈને પણ. ‘સફારી’માં દાખલ થયા પછી, તેની સામગ્રી આટલી મજબૂત હોવા છતાં બે પાંદડે થવાને બદલે આર્થિક સંઘર્ષનો છેડો કેમ આવતો નથી, તેનું પ્રાથમિક કારણ હર્ષલે શોધ્યું, તોતિંગ વ્યાજે લીધેલાં નાણાં ચૂકતે કર્યાં અને ‘સફારી’ ને આર્થિક સ્થિરતા આપવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી. નગેન્દ્રભાઈ તેમની બધી શક્તિ લખવામાં કેન્દ્રીત કરી શકે, એવું વાતાવરણ સર્જવાની તેની નેમ હતી અને એમાં તે સફળ પણ થયો. મેગેઝીન ઉપરાંત થયેલાં અનેક પ્રકાશનોએ ‘સફારી’નો વાવટો ફરકાવી દીધો. ત્યારથી શરૂ થઈ સફળતાના રાજમાર્ગ પરની સફર. પરંતુ તેમનું ધ્યેય આર્થિક સફળતાથી ઓડકાર ખાઈને બેસી જવાને બદલે, વાચકોને વધુ ને વધુ શું આપી શકાય એ વિચારવાનું હતું.
નગેન્દ્રભાઈએ ૧૯૯૮માં એક બિલ્ડર-ફાઇનાન્સરના પ્રેમાગ્રહથી 'સિટીલાઇફ ન્યૂઝ' પાક્ષિક કાઢ્યું. મારા માટે તે ત્રણ વર્ષ પહેલાં શરૂ થયેલી કારકિર્દીનો પહેલો અને મહત્ત્વનો-સુખદ ટર્નિંગ પોઇન્ટ હતો. હર્ષલ માટે તે સ્વતંત્ર અસાઇન્મેન્ટ હતું. મોટે ભાગે અમે બંને એ કાઢતા. શરૂઆતના અંકો પછી તંત્રી તરીકે નગેન્દ્રભાઈનું નામ આવતું હોવા છતાં, અમારો સ્વતંત્ર હવાલો રહેતો. હર્ષલે 'સીટીલાઇફ'ના દિવસો યાદ કરીને એ વખતની અમારી એક યાદગાર સમુહ તસવીર બતાવીને કહ્યું કે 'સીટીલાઇફ' ભલે થોડું ચાલ્યું, પણ તેમાંથી એ તનાવને બદલે હળવાશથી કામ કરવાનું શીખ્યો.
'સીટીલાઇફ' પછી તરતના અરસામાં હર્ષલે સ્વતંત્ર રીતે કરેલું પહેલું પ્રકાશન હતુંઃ 20th Century: ઐતિહાસિક સદીની પચાસ અજોડ ઘટનાઓ. તેના લેખનમાં હર્ષલ સાથે હું અને હિમાંશુ કીકાણી સંકળાયા હતા. એકાદ લેખ નગેન્દ્રભાઈના 'ફ્લેશ'ના સમયના સાથી (હવે દિવંગત) દિવ્યેશભાઈ વ્યાસે પણ લખ્યો હતો. સંપાદન સંપૂર્ણપણે હર્ષલનું. એ પ્રકાશન ઘણું સફળ થયું અને હજુ પણ તેની માગ ઓસરી નથી. એવી જ રીતે, આઠેક વર્ષ સુધી હર્ષલે અંગ્રેજી 'સફારી' સફળતાપૂર્વક પ્રગટ કર્યું. પ્રકાશન વ્યવસાયનાં બદલાયેલાં સમીકરણો અને મોટા ખેલાડીઓ દ્વારા અપનાવાતી તરકીબોને કારણે, ખાસ્સો સંઘર્ષ વેઠ્યા પછી, પણ અંગ્રેજીમાં અંગ્રેજીના વાચકોને ગમે તેવું માસિક ગુજરાતમાંથી કાઢ્યાનો સાર્થક સંતોષ લઈને આઠેક વર્ષ પછી હર્ષલે તેનું પ્રકાશન આટોપી લીધું. હવે એ તેના ત્રીજા અવતારમાં ફરી પ્રગટ થયું છે.
ઉત્તરોત્તર સફળતાનાં અને આર્થિક સ્થિરતાનાં નવાં શીખરો સર કરવાની નગેન્દ્રભાઈ અને હર્ષલની યાત્રા કોઈ પણ વાચનપ્રેમીની-જ્ઞાનવિજ્ઞાનપ્રેમીની આંખ ઠારે એવી હતી. પરંતુ થોડા સમય પહેલાં તેમાં ખટકો આવ્યો. એવા સંજોગો નિર્માયા કે હર્ષલે લગભગ ત્રણ દાયકા જ્યાં સૂઝ-સજ્જતા અને સંપૂર્ણ સમર્પણથી કામ કર્યું, એ જ 'સફારી' છોડવાનું કહેવામાં આવ્યું. માત્ર 'સફારી' જ નહીં, ઘર અને ઓફિસ પણ. ત્રણ દાયકાની કામગીરીની જે કંઈ ભૌતિક ઉપલબ્ધિ હતી, તે છીનવાઈ ગઈ. આ હકીકત જીરવવાની ને જીવવાની કઠણાઈની તો વાત જ ક્યાં, તે શબ્દોમાં મૂકવી પણ કેટલી કાઠી પડે?
પરંતુ કાર્યક્રમમાં આ વાત કરતી વખતે હર્ષલે રજમાત્ર કડવાશ વિના, આશ્ચર્યજનક લાગે એટલી સ્વસ્થતાથી અને શાલીનતાથી વાસ્તવિકતાનું વર્ણન કર્યું. અફસોસ પ્રગટ કર્યો તો પણ એ વાતનો કે આવા આઘાતજનક બનાવને લીધે 'સફારી'ની બીજી ભાષાની આવૃત્તિ કાઢવાથી માંડીને બીજાં કેટલાંક વાચકલક્ષી આયોજનો વિચાર્યા હતાં, તે રહી ગયાં.
૪૪ વર્ષની વયે, પોતે પણ જેમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હોય તે છોડી દેવું પડે અને ભાડાના ઘરમાં, ભાડાની ઓફિસમાં, આર્થિકથી માંડીને કારકિર્દીની રીતે નવેસરથી એકડો ઘૂંટવાનો આવે તે સ્થિતિની કલ્પના કરવી અઘરી છે. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી તેને આ સ્થિતિમાંથી પસાર થતો અને છતાંય ફરિયાદ કે કડવાશના કોઈ ભાવ વિના, ગજબની સ્થિતપ્રજ્ઞતાથી હંમેશની જેમ કામ કરતો જોયો છે. નથી કોઈ પ્રત્યે અનાદર, નથી હરાવી-હંફાવી દેવાનું ઝનૂન. એટલે જ આવા વિપરીત સંજોગોમાં તેને ગુજરાતનું પહેલું પ્રવાસ સામયિક કાઢવા જેવો મૌલિક આઇડીયા આવી શક્યો છે. તેની ઝીણવટભરી બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા અને તેને ઉત્તમ રીતે અમલમાં મૂકવા સિવાય બીજી ચર્ચામાં જાણે તેને રસ જ નથી. 'જિપ્સી'ની ઓફિસમાં એક ઓફિસ આસિસ્ટન્ટ સિવાય બીજું કોઈ નથી. હર્ષલની અડીખમ સાથી ફાલ્ગુની અને હવે કોલેજમાં ભણતો પુત્ર પરંતપ તેની પડખે છે અને એ સિવાય સેંકડોની સંખ્યામાં વાચકો-શુભેચ્છકો. એ બધાનો હર્ષલે કાર્યક્રમમાં ખરા દિલથી આભાર માન્યો. કપરા સંજોગોમાં સાથ આપવા બદલ કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી.
***
વર્ષ ૨૦૧૪ની દિવાળીમાં માં હર્ષલ લદ્દાખ ફરીને, તેના પ્રેમમાં પડીને આવ્યો, ત્યારે એ પ્રવાસ અંગે અમારે વિગતે વાત થઈ હતી. તેના આધારે મેં હર્ષલને 'સાર્થક જલસો' માટે લદ્દાખના પ્રવાસની વાત લખી આપવા આગ્રહ કર્યો. પોતાનો ઉલ્લેખ આવતો હોય એવાં લખાણ લખવામાં તેને કેટલી તકલીફ હતી એ હું જાણતો હતો. અમારી ઘણીખરી મિત્રમંડળી પણ એ માટે બહુ ઉત્સાહી નથી હોતી. પણ તેને 'સાર્થક જલસો'ની સમજ વિશે વાત કરીઃ 'આપણો વાંધો આઇ કેપિટલ રાખવા સામે છે. એમ કરવાથી લેખ આપવડાઈથી ગંધાઈ ઉઠે. પણ આઇ સ્મોલ રાખીએ તો એ જ વાત લેખની તાકાત બની જાય છે. કેમ કે, લેખમાં અધિકૃતતા ઉમેરાય છે. ' આવી ચર્ચા પછી તેણે તેની કારકિર્દીનો એ પ્રકારનો કદાચ પહેલો લેખ સાર્થક જલસો-૪ માં લખ્યો. 'જલસો'રીતિ પ્રમાણે, તે પૂરાં પચીસ પાનામાં પથરાઈને પ્રગટ થયો. આમ, હર્ષલનાં સ્મોલ આઇ કેન્દ્રી લખાણો અને લદ્દાખના લેખ સાથે એક પ્રકારનો અનુબંધ હતો. તેથી કાર્યક્રમમાં પ્રગટ થનારું પુસ્તક લદ્દાખ વિશેનું છે, તે જાણીને વિશેષ આનંદ થયો. (ત્યાં સુધી મને પણ ખબર ન હતી કે પુસ્તક શાના વિશેનું છે.) ત્યાર પહેલાં હર્ષલે તેના જ નહીં, ભારતીય પત્રકારત્વ-લેખનમાં અનન્ય કહી શકાય એવા પુસ્તક 'આ છે સિઆચેન’, તેના જ વિસ્તાર તરીકે શરૂ કરેલી 'સિઆચેન જનજાગૃતિ ઝુંબેશ' અને બીજા ખ્યાતિપ્રાપ્ત પુસ્તક 'પરમવીર ચક્ર'ની પણ વાત કરી. પરમવીર ચક્ર બાના સિંઘ સાથેની તેની મુલાકાતની વિડીયો પણ જોવા મળી.
પુસ્તકના વિમોચન માટે હર્ષલે યોગ્ય રીતે જ, લદ્દાખ કરતાં પણ વધારે કઠણ સફરમાં સરખા હિસ્સાનો સાથ આપનાર પત્ની ફાલ્ગુનીને બોલાવી. બંનેએ મળીને ‘ચાલો લદ્દાખ’ પુસ્તકનું અનાવરણ કર્યું, ત્યારે મારા જેવા ઘણાની આંખ આનંદથી ભીની થઈ હશે. એવી જ રીતે હર્ષલે 'જિપ્સી'નો બારમો અંક પણ ઝાઝી ઔપચારિકતા વિના રજૂ કર્યો અને છેલ્લે 'જિપ્સી' આઉટડોર્સની વાત કરી. (પુસ્તક અને જિપ્સીના અંકો મેળવવા માટેની લિન્કઃ http://iamgypsy.in/)
અંતે ફરી એક વાર તેણે દાદા અને પિતા પાસેથી મળેલા વારસાનો કૃતજ્ઞતાપૂર્વક ઉલ્લેખ કર્યો અને ભવિષ્યમાં પણ નવું-અવનવું કરતા રહેવાની ખાતરી આપી. કેમ કે, તેનું ચાલકબળ નાણાં નહીં, પણ પ્રવૃત્તિ અને તેમાંથી પેદા થતી સાર્થકતાની લાગણી છે.
કાર્યક્રમના અંતે જોવા મળેલા, કાર્યક્રમની ગરિમાને અનુરૂપ એવા એક દૃશ્યથી સમાપન કરવું જોઈએ, એક બાજુ ગરમાગરમ દાળવડાંનું ટેબલ હતું ને બીજી તરફ 'જિપ્સી'ના બારમો અંક તથા 'ચાલો લદ્દાખ' પુસ્તકનું. ક્યાં વધુ ગીરદી થઈ હશે. તમે કલ્પી શકો છો. છતાં, જોઈને તેનો આનંદ માણવા માટે આ તસવીરો.
નિમંત્રણમાં કરાયેલી જાહેરાત પ્રમાણે કાર્યક્રમ ત્રેવડી ઉજવણીનો હતોઃ 1) પત્રકારત્વમાં હર્ષલનાં ત્રીસ વર્ષ 2) ગુજરાતના એકમાત્ર અને અનન્ય પ્રવાસ માસિક 'જિપ્સી'નું એક વર્ષ 3) નવા પુસ્તકનું પ્રાગટ્ય.
નવજીવન ટ્રસ્ટના પરિસરમાં આવેલા જિતેન્દ્ર દેસાઈ સ્મૃતિ હોલમાં રવિવારની સાંજે નજીકથી તેમ જ દૂર દૂરથી ચાહકો-સ્નેહીઓ-શુભેચ્છકો આવવા માંડ્યા હતા અને છેવટે તો હોલ ભરચક થઈ ગયો. શરૂઆતમાં પાંચ-સાત મિનીટ હર્ષલની પત્રકારત્વની યાત્રા અને બાવીસ-ત્રેવીસ વર્ષ પહેલાં નગેન્દ્રભાઈ થકી અમારો નાતો શી રીતે જોડાયો તેની, ૧૯૯૮માં અમદાવાદના ‘સીટીલાઇફ ન્યૂઝ’ મેગેઝીનમાં સાથે કામ કરવાના અનુભવોની અને બીજી થોડી વાતો થઈ. ત્યાર પછી હર્ષલે તેની સ્ટાઇલના, સંપૂર્ણપણે ટેકારૂપ અને જરાય નડતરરૂપ નહીં એવા પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનથી દોઢેક કલાક સુધી વિગતે વાત કરી.
યાદગાર પ્રસંગનું સ્મૃતિ-અંકનઃ હર્ષલ પુષ્કર્ણા, હમસફર ફાલ્ગુની અને પુત્ર પરંતપ L to R : Harshal Pushkarna, wife Falguni and son Parantap |
કૌટુંબિક પરંપરા, દાદા વિજયગુપ્ત મૌર્ય તરફથી પિતા નગેન્દ્ર વિજયને અને પિતા નગેન્દ્ર વિજય તરફથી પોતાને મળેલા વાચનના સંસ્કાર અને વાતાવરણ, શાળાકીય ઔપચારિક અભ્યાસમાં અરુચિ, ‘ભૌતિક વિજ્ઞાન એટલે શું?’ એવો પાયાનો સવાલ પૂછવા બદલ સ્કૂલમાં મળેલી સજા અને સાથે વિજ્ઞાનમાસિક ચલાવતા પિતાના ચિરજીવીને આટલી પણ ખબર નથી‘ એવો ટોણો, પિતાજીની વિગતવાર અને ચકિત કરનારી સમજૂતી, જિજ્ઞાસાનો આરંભ..... ધીમે ધીમે ‘સફારી’ની ઓફિસે જવાનું શરૂ થયું. પહેલાં તો સ્ટાફ માટે ચા લઈને. પછી ઓફિસકામ. સાયકલ કે લુના પર બેસીને ફેરિયાઓને મેગેઝીન પહોંચાડવાં, ઉઘરાણી કરવી...ભૂતકાળની આ બધી વાતો હર્ષલ કરતો હતો, ત્યારે સામે બેઠેલાંમાંથી ઘણાંને ફક્ત સાંભળવાની નહીં, જોવાની અનુભૂતિ પણ થઈ હશે.
‘સફારી’ ઓફિસના માહોલમાં લખવાની ઇચ્છા ન થાય તો જ નવાઈ. બીજા લોકોને ગઝલ લખવાની ઇચ્છા થાય, તે વયે હર્ષલને વિજ્ઞાનલેખ લખવાનું મન થયું. નગેન્દ્રભાઈએ પહેલાં તો બે-ચાર વાર કહ્યું, ‘હજુ વાંચ.’ પછી એક વાર લખવાની હા પાડી. રજા તો મળી ગઈ, પણ પછી વાચન વિના લેખ લખતાં કેવો પરસેવો પડી ગયો અને તેના પગલે વાચનનું મહત્ત્વ સમજાયું, તેની વાત હર્ષલે સરસ રીતે કરી. એવી રીતે, પહેલો લેખ લખવામાં અને શરૂઆતના તબક્કામાં દાદા વિજયગુપ્ત મૌર્ય તરફથી મળેલા ઉપયોગી માર્ગદર્શનનું પણ ભાવસ્મરણ કર્યું.
‘સફારી’માં તંત્રીના પુત્ર હોવું એ લાયકાત ગણાતી ન હતી. કશું હોદ્દાની કે સગપણની રૂએ ન મળે. તેના કારણે દરેક તબક્કે તેનું ઘડતર થયું-નગેન્દ્રભાઈનાં લખાણ વાંચીને, તેમને કામ કરતા જોઈને અને બહારના સંજોગોથી-વાસ્તવિકતાથી ટીપાઈને પણ. ‘સફારી’માં દાખલ થયા પછી, તેની સામગ્રી આટલી મજબૂત હોવા છતાં બે પાંદડે થવાને બદલે આર્થિક સંઘર્ષનો છેડો કેમ આવતો નથી, તેનું પ્રાથમિક કારણ હર્ષલે શોધ્યું, તોતિંગ વ્યાજે લીધેલાં નાણાં ચૂકતે કર્યાં અને ‘સફારી’ ને આર્થિક સ્થિરતા આપવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી. નગેન્દ્રભાઈ તેમની બધી શક્તિ લખવામાં કેન્દ્રીત કરી શકે, એવું વાતાવરણ સર્જવાની તેની નેમ હતી અને એમાં તે સફળ પણ થયો. મેગેઝીન ઉપરાંત થયેલાં અનેક પ્રકાશનોએ ‘સફારી’નો વાવટો ફરકાવી દીધો. ત્યારથી શરૂ થઈ સફળતાના રાજમાર્ગ પરની સફર. પરંતુ તેમનું ધ્યેય આર્થિક સફળતાથી ઓડકાર ખાઈને બેસી જવાને બદલે, વાચકોને વધુ ને વધુ શું આપી શકાય એ વિચારવાનું હતું.
નગેન્દ્રભાઈએ ૧૯૯૮માં એક બિલ્ડર-ફાઇનાન્સરના પ્રેમાગ્રહથી 'સિટીલાઇફ ન્યૂઝ' પાક્ષિક કાઢ્યું. મારા માટે તે ત્રણ વર્ષ પહેલાં શરૂ થયેલી કારકિર્દીનો પહેલો અને મહત્ત્વનો-સુખદ ટર્નિંગ પોઇન્ટ હતો. હર્ષલ માટે તે સ્વતંત્ર અસાઇન્મેન્ટ હતું. મોટે ભાગે અમે બંને એ કાઢતા. શરૂઆતના અંકો પછી તંત્રી તરીકે નગેન્દ્રભાઈનું નામ આવતું હોવા છતાં, અમારો સ્વતંત્ર હવાલો રહેતો. હર્ષલે 'સીટીલાઇફ'ના દિવસો યાદ કરીને એ વખતની અમારી એક યાદગાર સમુહ તસવીર બતાવીને કહ્યું કે 'સીટીલાઇફ' ભલે થોડું ચાલ્યું, પણ તેમાંથી એ તનાવને બદલે હળવાશથી કામ કરવાનું શીખ્યો.
'સીટીલાઇફ' પછી તરતના અરસામાં હર્ષલે સ્વતંત્ર રીતે કરેલું પહેલું પ્રકાશન હતુંઃ 20th Century: ઐતિહાસિક સદીની પચાસ અજોડ ઘટનાઓ. તેના લેખનમાં હર્ષલ સાથે હું અને હિમાંશુ કીકાણી સંકળાયા હતા. એકાદ લેખ નગેન્દ્રભાઈના 'ફ્લેશ'ના સમયના સાથી (હવે દિવંગત) દિવ્યેશભાઈ વ્યાસે પણ લખ્યો હતો. સંપાદન સંપૂર્ણપણે હર્ષલનું. એ પ્રકાશન ઘણું સફળ થયું અને હજુ પણ તેની માગ ઓસરી નથી. એવી જ રીતે, આઠેક વર્ષ સુધી હર્ષલે અંગ્રેજી 'સફારી' સફળતાપૂર્વક પ્રગટ કર્યું. પ્રકાશન વ્યવસાયનાં બદલાયેલાં સમીકરણો અને મોટા ખેલાડીઓ દ્વારા અપનાવાતી તરકીબોને કારણે, ખાસ્સો સંઘર્ષ વેઠ્યા પછી, પણ અંગ્રેજીમાં અંગ્રેજીના વાચકોને ગમે તેવું માસિક ગુજરાતમાંથી કાઢ્યાનો સાર્થક સંતોષ લઈને આઠેક વર્ષ પછી હર્ષલે તેનું પ્રકાશન આટોપી લીધું. હવે એ તેના ત્રીજા અવતારમાં ફરી પ્રગટ થયું છે.
ઉત્તરોત્તર સફળતાનાં અને આર્થિક સ્થિરતાનાં નવાં શીખરો સર કરવાની નગેન્દ્રભાઈ અને હર્ષલની યાત્રા કોઈ પણ વાચનપ્રેમીની-જ્ઞાનવિજ્ઞાનપ્રેમીની આંખ ઠારે એવી હતી. પરંતુ થોડા સમય પહેલાં તેમાં ખટકો આવ્યો. એવા સંજોગો નિર્માયા કે હર્ષલે લગભગ ત્રણ દાયકા જ્યાં સૂઝ-સજ્જતા અને સંપૂર્ણ સમર્પણથી કામ કર્યું, એ જ 'સફારી' છોડવાનું કહેવામાં આવ્યું. માત્ર 'સફારી' જ નહીં, ઘર અને ઓફિસ પણ. ત્રણ દાયકાની કામગીરીની જે કંઈ ભૌતિક ઉપલબ્ધિ હતી, તે છીનવાઈ ગઈ. આ હકીકત જીરવવાની ને જીવવાની કઠણાઈની તો વાત જ ક્યાં, તે શબ્દોમાં મૂકવી પણ કેટલી કાઠી પડે?
હર્ષલ પુષ્કર્ણા / Harshal Pushkarna |
૪૪ વર્ષની વયે, પોતે પણ જેમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હોય તે છોડી દેવું પડે અને ભાડાના ઘરમાં, ભાડાની ઓફિસમાં, આર્થિકથી માંડીને કારકિર્દીની રીતે નવેસરથી એકડો ઘૂંટવાનો આવે તે સ્થિતિની કલ્પના કરવી અઘરી છે. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી તેને આ સ્થિતિમાંથી પસાર થતો અને છતાંય ફરિયાદ કે કડવાશના કોઈ ભાવ વિના, ગજબની સ્થિતપ્રજ્ઞતાથી હંમેશની જેમ કામ કરતો જોયો છે. નથી કોઈ પ્રત્યે અનાદર, નથી હરાવી-હંફાવી દેવાનું ઝનૂન. એટલે જ આવા વિપરીત સંજોગોમાં તેને ગુજરાતનું પહેલું પ્રવાસ સામયિક કાઢવા જેવો મૌલિક આઇડીયા આવી શક્યો છે. તેની ઝીણવટભરી બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા અને તેને ઉત્તમ રીતે અમલમાં મૂકવા સિવાય બીજી ચર્ચામાં જાણે તેને રસ જ નથી. 'જિપ્સી'ની ઓફિસમાં એક ઓફિસ આસિસ્ટન્ટ સિવાય બીજું કોઈ નથી. હર્ષલની અડીખમ સાથી ફાલ્ગુની અને હવે કોલેજમાં ભણતો પુત્ર પરંતપ તેની પડખે છે અને એ સિવાય સેંકડોની સંખ્યામાં વાચકો-શુભેચ્છકો. એ બધાનો હર્ષલે કાર્યક્રમમાં ખરા દિલથી આભાર માન્યો. કપરા સંજોગોમાં સાથ આપવા બદલ કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી.
***
વર્ષ ૨૦૧૪ની દિવાળીમાં માં હર્ષલ લદ્દાખ ફરીને, તેના પ્રેમમાં પડીને આવ્યો, ત્યારે એ પ્રવાસ અંગે અમારે વિગતે વાત થઈ હતી. તેના આધારે મેં હર્ષલને 'સાર્થક જલસો' માટે લદ્દાખના પ્રવાસની વાત લખી આપવા આગ્રહ કર્યો. પોતાનો ઉલ્લેખ આવતો હોય એવાં લખાણ લખવામાં તેને કેટલી તકલીફ હતી એ હું જાણતો હતો. અમારી ઘણીખરી મિત્રમંડળી પણ એ માટે બહુ ઉત્સાહી નથી હોતી. પણ તેને 'સાર્થક જલસો'ની સમજ વિશે વાત કરીઃ 'આપણો વાંધો આઇ કેપિટલ રાખવા સામે છે. એમ કરવાથી લેખ આપવડાઈથી ગંધાઈ ઉઠે. પણ આઇ સ્મોલ રાખીએ તો એ જ વાત લેખની તાકાત બની જાય છે. કેમ કે, લેખમાં અધિકૃતતા ઉમેરાય છે. ' આવી ચર્ચા પછી તેણે તેની કારકિર્દીનો એ પ્રકારનો કદાચ પહેલો લેખ સાર્થક જલસો-૪ માં લખ્યો. 'જલસો'રીતિ પ્રમાણે, તે પૂરાં પચીસ પાનામાં પથરાઈને પ્રગટ થયો. આમ, હર્ષલનાં સ્મોલ આઇ કેન્દ્રી લખાણો અને લદ્દાખના લેખ સાથે એક પ્રકારનો અનુબંધ હતો. તેથી કાર્યક્રમમાં પ્રગટ થનારું પુસ્તક લદ્દાખ વિશેનું છે, તે જાણીને વિશેષ આનંદ થયો. (ત્યાં સુધી મને પણ ખબર ન હતી કે પુસ્તક શાના વિશેનું છે.) ત્યાર પહેલાં હર્ષલે તેના જ નહીં, ભારતીય પત્રકારત્વ-લેખનમાં અનન્ય કહી શકાય એવા પુસ્તક 'આ છે સિઆચેન’, તેના જ વિસ્તાર તરીકે શરૂ કરેલી 'સિઆચેન જનજાગૃતિ ઝુંબેશ' અને બીજા ખ્યાતિપ્રાપ્ત પુસ્તક 'પરમવીર ચક્ર'ની પણ વાત કરી. પરમવીર ચક્ર બાના સિંઘ સાથેની તેની મુલાકાતની વિડીયો પણ જોવા મળી.
પુસ્તકના વિમોચન માટે હર્ષલે યોગ્ય રીતે જ, લદ્દાખ કરતાં પણ વધારે કઠણ સફરમાં સરખા હિસ્સાનો સાથ આપનાર પત્ની ફાલ્ગુનીને બોલાવી. બંનેએ મળીને ‘ચાલો લદ્દાખ’ પુસ્તકનું અનાવરણ કર્યું, ત્યારે મારા જેવા ઘણાની આંખ આનંદથી ભીની થઈ હશે. એવી જ રીતે હર્ષલે 'જિપ્સી'નો બારમો અંક પણ ઝાઝી ઔપચારિકતા વિના રજૂ કર્યો અને છેલ્લે 'જિપ્સી' આઉટડોર્સની વાત કરી. (પુસ્તક અને જિપ્સીના અંકો મેળવવા માટેની લિન્કઃ http://iamgypsy.in/)
હર્ષલ પુષ્કર્ણા- ફાલ્ગુની પુષ્કર્ણા |
Harshal Pushkarna- Falguni Pushkarna releasing a book on Ladakh |
અંતે ફરી એક વાર તેણે દાદા અને પિતા પાસેથી મળેલા વારસાનો કૃતજ્ઞતાપૂર્વક ઉલ્લેખ કર્યો અને ભવિષ્યમાં પણ નવું-અવનવું કરતા રહેવાની ખાતરી આપી. કેમ કે, તેનું ચાલકબળ નાણાં નહીં, પણ પ્રવૃત્તિ અને તેમાંથી પેદા થતી સાર્થકતાની લાગણી છે.
કાર્યક્રમના અંતે જોવા મળેલા, કાર્યક્રમની ગરિમાને અનુરૂપ એવા એક દૃશ્યથી સમાપન કરવું જોઈએ, એક બાજુ ગરમાગરમ દાળવડાંનું ટેબલ હતું ને બીજી તરફ 'જિપ્સી'ના બારમો અંક તથા 'ચાલો લદ્દાખ' પુસ્તકનું. ક્યાં વધુ ગીરદી થઈ હશે. તમે કલ્પી શકો છો. છતાં, જોઈને તેનો આનંદ માણવા માટે આ તસવીરો.
કાઉન્ટરઃ દાળવડાનું... |
કાઉન્ટરઃ પુસ્તકોનું-સામયિકનું |
Sunday, September 08, 2019
ચંદ્રનો દક્ષિણ ધ્રુવઃ અવકાશયાત્રાનું 'હોટ સ્પોટ'
બધું સમુસૂતરું પાર ઉતર્યું હશે તો 'ઇસરો'એ મોકલેલા ચંદ્રયાન-૨માંથી છૂટું પડેલું માળખું 'વિક્રમ' ગઈ કાલે ચંદ્ર પર ઉતરી ચૂક્યું હશે. પહેલી સમાનવ ચંદ્રયાત્રાને આ સાલ પચાસ વર્ષ પૂરાં થયાં. તેમ છતાં ચંદ્રયાન-૨ના મિશન માટે નવેસરથી રોમાંચ જાગવાનું કારણ છે તેનો આખરી મુકામ એટલે કે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ.
એ જાણીતું છે કે પૃથ્વીની સામે ચંદ્રનો એક જ ભાગ સતત તકાયેલો રહે છે. ચંદ્રની બીજી બાજુ પૃથ્વી પરથી કદી જોવા મળતી નથી. ચંદ્રયાત્રાની શરૂઆત થઈ, ત્યારથી માંડીને (અમેરિકાનાં) એપોલો અને બીજાં યાન એ વિસ્તારોમાં જ ઉતરતાં રહ્યાં છે. કેમ કે, એ વિસ્તાર ટેલીસ્કોપ થકી જોઈ શકાતો હોવાથી, તેના વિશેની ઘણી માહિતી ઉપલબ્ધ હતી. ઉપરાંત, ત્યાંથી પૃથ્વી સાથેના સીધા સંપર્કમાં રહી શકાય અને પૃથ્વી પર પાછા ફરતી વખતે સરળતા પણ રહે.
પરંતુ છેલ્લાં થોડાં વર્ષથી પૃથ્વીવાસીઓની નજરથી ઓઝલ રહેલા ચંદ્રના વિસ્તારનું આકર્ષણ ઊભું થયું છે. અંગ્રેજીમાં 'ફાર સાઇડ’ તરીકે ઓળખાતો એ દૂરનો વિસ્તાર એટલે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ અને તેની આસપાસનો પ્રદેશ. છેક ૧૯૯૮માં અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા 'નાસા’એ મોકલેલા તપાસયાનને માહિતી મળી હતી કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર હાઇડ્રોજનનો મોટો જથ્થો છે. સાદી ધારણા પ્રમાણે, વધુ હાઇડ્રોજન એટલે વધુ પાણી. અને પૃથ્વી સિવાય બીજે ક્યાંય પાણી મળે એટલે માણસજાતને લોટરી લાગી ગણાય.
દસ વર્ષ પછી, ૨૦૦૮માં ભારતનું ચંદ્રયાન-૧ સફળતાપૂર્વક ચંદ્ર સુધી પહોંચ્યું અને તેનું 'ઇમ્પેક્ટ પ્રોબ' તરીકે ઓળખાતું માળખું આયોજન મુજબ દક્ષિણ ધ્રુવની નજીકના વિસ્તારમાં ખાબક્યું. એ ટક્કર અને વિલોપન દરમિયાન તેણે મોકલેલી વિગતોના વિશ્લેષણ પરથી પહેલી વાર ચંદ્ર પર પાણી હોવાના પ્રાથમિક પુરાવા મળ્યા. પછીના વર્ષે, ૨૦૦૯માં નાસાએ ચંદ્રના પ્રદક્ષિણા કરતો એક ઉપગ્રહ મોકલ્યો. તેનું મુખ્ય કામ દૂર રહીને પણ શક્ય એટલી ઝીણવટથી ચંદ્રની તપાસ કરવાનું હતું.
ચંદ્રની 'રેકી' કરતા નાસાના એ ઉપગ્રહને ચંદ્રની ભ્રમણકક્ષામાં ગોઠવતી વખતે એક વિશિષ્ટ અખતરો કરવામાં આવ્યોઃ સામાન્ય રીતે ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણના બંધનથી પાર કરાવી દીધા પછી, તેને ધક્કો મારનારાં રોકેટનો ભંગાર ખરી પડે છે. પણ નાસાના એ મિશનમાં છેલ્લા તબક્કાના રોકેટનું બળતણ ખાલી થઈ ગયા પછી તેનું ખોખું સાથે રખાયું અને ઉપગ્રહ ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યો, એટલે પેલા ખાલી ખોખાને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીકના વિસ્તારમાં ફેંકવામાં આવ્યું. કહો કે, ઉપગ્રહે ખોખાનો છૂટો ઘા કર્યો. તેના કારણે જે ધૂળ ઉડી તેનો પણ ઉપગ્રહમાં રહેલાં સાધનોએ અભ્યાસ કર્યો. વખત જતાં પૃથ્વીની મોં છુપાવીને બેઠેલા ચંદ્રના દક્ષિણ ધ્રુવ સહિતના તમામ વિસ્તારનું નાસાના એ ઉપગ્રહે મેપિંગ કર્યું અને અત્યંત ચોક્સાઈપૂર્વકનો નકશો તૈયાર કર્યો. એ ઉપગ્રહ હજુ સક્રિય છે અને માહિતી મોકલ્યા કરે છે. સૌથી લાંબા સમય માટે ચંદ્રની પ્રદક્ષિણા કરવાનો રેકોર્ડ પણ તેના નામે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર બરફ (એટલે કે પાણી)ની હાજરીના વધુ ને વધુ નિર્દેશો આ ઉપગ્રહ તરફથી મળતા રહ્યા છે.
પચાસ વર્ષ પહેલાં ચંદ્ર પર પહોંચવામાં વિશુદ્ધ વૈજ્ઞાનિક જિજ્ઞાસાની સાથોસાથ શીતયુદ્ધમાં સરસાઈ મેળવવાનો રાજકીય હેતુ પણ ભળેલો હતો. હવેનાં મિશનમાં ચંદ્ર પર પહોંચવું એ ફક્ત ગૌરવ લેવાની કવાયત રહી નથી. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણી મળી આવે અને તેનો ઉપયોગ કરી શકાય, તો ભવિષ્યમાં મંગળ કે બીજા ગ્રહો સુધીની મુસાફરીમાં વચ્ચેના સ્ટેશન તરીકે ચંદ્ર પર ઉતરી શકાય અને ત્યાંથી બળતણપાણી ભરીને સફર આગળ વધારી શકાય. એચટુઓ સ્વરૂપે પાણી મળે, તો તેમાંથી હાઇડ્રોજન-ઓક્સિજન છૂટા પાડીને, હાઇડ્રોજનનો ઉપયોગ આગળની સફરના બળતણ માટે કરી શકાય. (ઘણા નિષ્ણાતો માને છે કે માણસજાતે જે રીતે પૃથ્વીની ખાનાખરાબી કરી છે, તે જોતાં 'ઢૂંઢ લે અબ કોઈ ઘર નયા' નો સમય આવી ચૂક્યો છે.)
દક્ષિણ ધ્રુવ પર સૂર્ય માથે રહેતો નથી, ક્ષિતિજ પર હોય છે. એટલે ધ્રુવ પ્રદેશમાં આવેલા કેટલાક વિસ્તારો ઢળેલા સૂરજના લાંબા પડછાયાથી ઢંકાયેલા રહે છે. સૂર્યનો સીધો તાપ ત્યાં પહોંચતો ન હોવાથી, બરફ અને બીજા જ્વલનશીલ પદાર્થોનો ભંડાર ત્યાં હોવાની સંભાવના છે. ઉપરાંત ચંદ્રની ભૂમિનું બંધારણ, તેમાં પડેલા તોતિંગ કદના ગોબા, એ ગોબાનું આયુષ્ય, ચંદ્રની જમીનમાં આવતા આંચકા (ધરતીકંપ-અર્થક્વેકની જેમ ચંદ્રકંપ-મૂનક્વેક), ચંદ્રનું વાતાવરણ, તેની પર સૂર્યપ્રકાશની અસરો જેવી અનેક બાબતોનો અભ્યાસ પણ દક્ષિણ ધ્રુવ પરથી થવાનો છે.
દક્ષિણ ધ્રુવ પર પાણી મળે તો તેનું વિશ્લેષણ કરવાથી, ભૂતકાળમાં સૂર્યમાળા સર્જાઈ ત્યારે કયા સંજોગોમાં પાણી બન્યું હશે, તેનો પણ અંદાજ મેળવી શકાય. નાસાએ નોંધ્યું છે કે દક્ષિણ ધ્રુવના વિસ્તારમાં આવેલાં કેટલાંક પહાડી શીખરો પર કાયમ સૂર્યપ્રકાશ આવતો હોય છે. એવા કોઈ ઠેકાણે સૌર ઊર્જાથી ચાલતી વસાહત સ્થાપી શકાય. પૃથ્વીની જેમ ચંદ્રના પેટાળમાં પણ ખનીજો હોવાની સંભાવના છે. પાણી હોય ત્યાં વસાહત હોય, તો વસાહત હોય તેની આસપાસના વિસ્તારમાં ખાણકામ પણ કરી શકાય.
આ બધું વાંચવામાં શેખચલ્લીના સપના જેવું લાગતું હોય તો એ પણ જાણી લેવું જોઈએ કે નાસા આગામી પાંચેક વર્ષમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સમાનવ યાન મોકલવાની વેતરણમાં છે. યુરોપની સ્પેસ એજન્સીએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર યાન મોકલવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. તેમની ગણતરી વર્ષ ૨૦૧૮ના અંત ભાગ સુધીમાં 'લુનાર લેન્ડર' નામનું તેમનું યાન ઉતારી દેવાની હતી. પણ નાણાંભીડને કારણે તેમને પ્રોજેક્ટ માંડી વાળવો પડ્યો. દરમિયાન ચંદ્રના પૃથ્વી પરથી નહીં દેખાતા ભાગ પર યાન મોકલવાની પહેલ ચીને કરી અને આ વર્ષના જાન્યુઆરીમાં તેનું લેન્ડર ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં ફરતા યાંત્રિક ગાડી જેવા રોવર સાથે ઉતરી ચૂક્યું છે. ચીની લેન્ડર દક્ષિણે ૪૫.૫ અંશ અક્ષાંશ પર છે, જ્યારે ચંદ્રયાન-૨નું લેન્ડર 'વિક્રમ' ધાર્યા પ્રમાણે ઉતર્યું હશે, તો તે દક્ષિણે આશરે ૬૭ અંશથી ૭૦ અંશ અક્ષાંશની વચ્ચે એટલે કે છેક દક્ષિણે હશે. ચંદ્રની આટલી દક્ષિણે કેટલાંક યાન આત્મવિલોપન કરીને માહિતી મોકલવા પૂરતાં ખાબક્યાં છે ખરાં, પણ કોઈ યાનને ત્યાં રહીને કામ કરવા માટે મોકલાયું નથી. માટે, ચંદ્રયાન-૨ની સફળતાથી ચંદ્ર વિશેના માણસજાતના જ્ઞાનમાં નોંધપાત્ર વધારો થશે
--અને કોઈ કારણસર ચંદ્રયાન-૨ ધાર્યું પરિણામ ન આપે, તો પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ તરફની અવકાશી દોટ હવે અટકવાની નથી.

ISRO,
science/વિજ્ઞાન,
Space
Thursday, August 22, 2019
ખય્યામની વિદાયઃ થોડી વાતો
આવા ઘણા વિચાર ખય્યામના અવસાનના સમાચાર જાણીને આવ્યા. તે ૧૯ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ, ૯૨ વર્ષે ગયા. મારા જેવા ઘણા સંગીતપ્રેમીઓ તેમને સુવર્ણયુગના છેલ્લા સર્જક ગણતા હતા. તેમનું સ્થાન વ્યાવસાયિક રીતે કદી પહેલી હરોળમાં ન ગણાયું, પણ તેમનો મોભો હંમેશાં આગવો રહ્યો. તેમની બીજા કોઈની સાથે સરખામણી ન કરી શકાય, એવું તેમનું કામ રહ્યું. ખાસ કરીને 'રઝિયા સુલતાન' અને 'ઉમરાવજાન' એવા સમયગાળામાં આવેલી ફિલ્મો હતી, જ્યારે જૂના ફિલ્મસંગીતના ઘણા પ્રેમીઓએ નવાં ગીત સાંભળવાનાં બંધ કરી દીધાં હોય (અને તેના માટે પૂર્વગ્રહ નહીં, મજબૂત કારણો જવાબદાર હોય). તેમને પણ ખય્યામનાં ગીત આવે એટલે સાંભળવાં પડે અને ખય્યામનાં ગીત જુદાં જ તરી આવે. ખય્યામના સંગીત વિશે યાદ આવતી થોડી છૂટીછવાયી વાતોઃ
LP of Khayyam's hits |
From the write up on the back side of Khayyam's LP |
ખય્યામનાં ઘણાં ગીતો ચોક્કસ પ્રકારની વાદ્યસૃષ્ટિ અને સૂરસૃષ્ટિને લીધે ઓળખાઈ જતાં. ઓપનિંગ મ્યુઝિક કે વચ્ચેનો કોઈ ટુકડો સાંભળવા મળે તો પણ થાય, 'ખય્યામ લાગે છે.' ઘણા સંગીતકારોની આવી શૈલી હતી. તેનું ભયસ્થાન એ હોય છે કે શૈલી એકવિધતામાં પલટાઈ શકે છે. ખય્યામની બાબતમાં એવું વાંધો પડે એ હદે ન બન્યું. ('પરબતોંકે પેડોં પર' અને 'બહારોં મેરા જીવન ભી સંવારો'--એક સાંભળતાં બીજામાં પહોંચી જવાય. પણ તેનાથી ખટકો ન લાગે.)
LP of Non film songs of Mukesh composed by Khayyam |
Phir Subah Hogi LP Front Cover |
આગળ સાહિર નિમિત્તે 'પ્યાસા'ને યાદ કર્યું. એવી જ રીતે, 'જાને ક્યા ઢૂંઢતી રહતી હૈ' માં રફી જે રીતે નીચા સૂરથી શરૂઆત કરીને, સૂરના પગથિયાં ચડતાંચડાવતાં છેક ટોચ પર પહોંચે છે, તેનાથી 'યે દુનિયા અગર મિલ ભી જાયે'નું સહજ સ્મરણ થાય. નકલ કે પ્રેરણાની રીતે નહીં, પ્રકૃતિસામ્યને લીધે.
Umrao Jaan LP Front Cover |
૧૯૮૩માં આવેલી 'રઝિયા સુલ્તાન' આશાને બદલે લતાનાં ગીત હતાં. પણ તેમાં જબરી કમાલ ગુલામ યાકુતની ભૂમિકા માટેના પાર્શ્વગાયકે કરી. તેમનું નામ કબ્બન મિર્ઝા. વર્ષો પહેલાં ક્યાંક વાંચ્યા પ્રમાણે તે (લખનૌ?) રેડિયોમાં એનાઉન્સર હતા. તેમની પાસે ખય્યામે ગવડાવેલાં બે ગીત 'ખુદા ખૈર કરે' અને 'તેરા હિજ્ર મેરા નસીબ હૈ' ગાયકની સાથે ખય્યામની પણ દાદાગીરી બતાવનારાં છે. એકદમ બુલંદ અવાજ પાસે કેવું કામ લેવાય ને કેવું ન લેવાય, તેનો વિવેક જાળવીને ખય્યામે આ બે ગીતો બનાવ્યાં ને એ ગાઈને કબ્બન મિર્ઝા પાર્શ્વગાયનના ઇતિહાસમાં, એક નાનકડી પણ મજબૂત એન્ટ્રી તરીકે, અમર થઈ ગયા.
Center spread (above) and back side (below) of Razia Sultan double LP |
'નાખુદા'ની નુસરત ફતેહઅલીખાનની કવ્વાલી રેડિયો પર સાંભળીને ઘણા વખત સુધી તેના માટે ખય્યામને જશ આપતા હતા. પણ વર્ષો પછી અસલ નુસરતને સાંભળીને સમજાયું કે આ પ્રકારના ગાયકોની આવી કવ્વાલીમાં સંગીતકારે ભાગ્યે જ કશું કરવાનું બચતું હોય છે. આમ પણ, ખય્યામનું ખાતું એટલું સમૃદ્ધ છે કે આવી એકાદ એન્ટ્રી સકારણ ઓછી થાય તો કશો ફરક નથી પડતો.
ત્રીસેક વર્ષ પહેલાં બીરેન સાથે મુંબઈ ગમતા કલાકારોને મળવાના પ્રવાસો વખતે બીરેને ખય્યામના ઘરે પણ ફોન કર્યો હતો. યાદ છે ત્યાં સુધી જગજિત કૌરે ફોન ઉપાડ્યો હતો અને કહ્યું હતું કે ખય્યામસાહેબને લુઝ મોશન છે. એટલે મળવાનું ફાવે એમ નથી. 'ફરી ક્યારેક'નો મેળ ન પડ્યો. એક વાર તે અમદાવાદ આવ્યા હતા. ત્યારે રજનીભાઈ તેમને મળવાના હતા. પણ અમારે નિરાંતે મળવાનું ન થયું. અલપઝલપ મુલાકાતની યાદગીરી તરીકે એકાદ ફોટો રહી ગયો છે, જેમાં ખય્યામસાહેબ અને રજનીભાઈની સાથે સલિલભાઈ (દલાલ) અને ચંદ્રશેખરભાઈ (વૈદ્ય) પણ હતા.
આરંભે જ કહ્યું તેમ, આ બધા દાદાઓ (અને દાદીઓ)ની રચનાઓ તેમની વિદાય પછી પણ જીવે છે ને આપણને જીવાડે છે. તેમનાં સર્જનો અને સર્જકતાને સલામ.
(તમામ રેકોર્ડ કવર અમારા--બીરેનના અને મારા-- સંગ્રહમાંથી)
Labels:
film/ફિલ્મ,
music/સંગીત,
Obit/અંજલિ
Subscribe to:
Posts (Atom)