Monday, September 30, 2019

ગાંધી-150 : સ્વચ્છતા-પદયાત્રાઓથી આગળ

જૂનાં વાસણની જેમ મહાન વ્યક્તિત્વોની સ્મૃતિને પણ સમયાંતરે માંજવી પડે છે. તેની પર ચડેલાં કાળનાં ને ઉપેક્ષાનાં, ઇરાદાપૂર્વકની અને અજ્ઞાનવશ ફેલાયેલી ગેરસમજણોનાં આવરણ દૂર કરવાં પડે છે. ગાંધીજીના જન્મને દોઢસો વર્ષ પૂરાં થવાના ટાણે સરકાર તરફથી મોટા પાયે ઉજવણાંનું આયોજન છે. પરંતુ ગાંધીજીનું વ્યક્તિત્વ- તેમનું જીવનકાર્ય એટલાં વ્યાપક હતાં અને તેમણે ચીંધલાં ઘણાંખરાં મૂલ્યો એટલાં શાશ્વત છે કે તેમની સ્મૃતિ જાળવી રાખવાનું કામ સરકારોના ભરોસે છોડી શકાય નહીં. સરકારોની આદત સ્વાર્થનું તારવી લેવાની અને પોતાનો ધંધો આગળ ચાલે એવાં સગવડીયાં અર્થઘટન કરવાની હોય છે. ભૂતકાળમાં કાર્લ માર્ક્સ જેવા વિચારકના નામે રશિયન સરકારે ને નિત્શે જેવા ફિલસૂફના નામે હિટલરની નાઝી સરકારે એવાં અનર્થઘટનો કર્યાં હતાં કે એ બંને મહાનુભાવો જાણે તો આઘાતથી મૃત્યુ પામે. ગાંધીજીના નામે પણ ઓછા દંભ નથી આચરાયા ને ઓછાં 'પાપ' નથી થયાં. છતાં, ગોડસેપૂજાના--અથવા 'ગમે તે કહો, પણ ગોડસે હતો તો દેશભક્ત’ એવી છેતરપીંડીના જમાનામાં, ગાંધીજીના અનર્થઘટનની સંભાવના ઘણી વધી જાય છે.

ગાંધીજીની ટીકા થઈ જ શકે અને તેનો સામેનો ગાંધીજીનું દૃષ્ટિબિંદુ સમજાવતો પક્ષ પણ રજૂ થઈ શકે. પરંતુ ગાંધીજીને માળીયે ચડાવી દેવાની હવે જૂની બનેલી નવી રીત વધારે ચબરાક છે. તેમાં ગાંધીજીના અત્યારે આકરા પડે એવા સ્વરૂપને સિફતથી ભૂલાવી દેવામાં આવે છે--એવું સ્વરૂપ, જે સરકારોને તથા ધીક્કારની વિચારધારામાં માનતા સૌ કોઈને આયનો દેખાડી શકે, તેમને ભીંસમાં મૂકી શકે. તેના બદલે, કેટલીક 'નિર્દોષ' બાબતોને ગાંધીજીના પર્યાય તરીકે પ્રચારવા-પ્રસારવામાં આવે છે.

સાયબર સેલના આસુરી પ્રચારયંત્રથી માંડીને સ્ટાર પ્રચારકો કહેવા માંડે કે 'ગાંધીજી એટલે સ્વચ્છતા' , એટલે વાત પૂરી.  ત્યાર પછી નિશાળોથી માંડીને જાહેરખબરોનાં હોર્ડિંગ સુધી 'ગાંધીજી એટલે સ્વચ્છતા’નું સમીકરણ ફરી વળે. સ્વચ્છતા બાબતે ભારતના નાગરિકોએ પોતાની માનસિકતામાં પાયાનો બદલાવ આણવાની જરૂર છે. તેના માટે વડાપ્રધાન અને સરકાર પ્રયાસ કરે તે સારી વાત છે. પરંતુ આખેઆખા ગાંધીજીના જીવનકાર્યને સ્વચ્છતા જેવી 'નિર્દોષ' પૂરતું સીમિત કરી દેવાથી બે ફાયદા થાય છેઃ ગાંધીજીની ઉપેક્ષાનું મહેણું ટળી જાય છે અને સરકારોને કે શાસક પક્ષોને અળખામણા લાગતા ગાંધીજીના વિચારોને અભરાઈ પર ચડાવીને, ગાંધીજીના નામે નિરાંતે ચરી શકાય છે. જે ગાંધીજી પહેલાં દુશ્મન લાગતા હતા, તે હવે દોસ્ત અને મદદગાર લાગે છે. કારણ કે, તેમના મૂળભૂત વિચારોને ઉજવણીની લાલ જાજમ તળે હડસેલી દીધા છે. ઉપર જે રહી છે એ તો 'સ્વચ્છતા' અને 'પદયાત્રા' જેવી નિર્દોષ ડુગડુગીઓ છે, જેના તાલે બીજાને તો ઠીક, આંખ આડા કાન કરવા ઇચ્છુક ગાંધીપ્રેમીઓને પણ નચાવી શકાય છે.

વાંધો સ્વચ્છતા ઝુંબેશનો નહીં, સ્વચ્છતા ઝુંબેશના ડબ્બામાં ગાંધીજીના વિરાટ-વ્યાપક સ્વરૂપને પૂરીને ઉપરથી ઢાંકણું બંધ કરી દેવાનો છે. ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા, ત્યારથી તેમની હત્યા સુધી તેમનાં મુખ્ય ત્રણ જીવનકાર્યો રહ્યાંઃ અસ્પૃશ્યતાનિવારણ, હિંદુ-મુસલમાન એકતા અને સ્વરાજ. રાજકીય આઝાદી આવી ગયા પછી પણ ગાંધીજીની કલ્પનાનું સ્વ-રાજ દૂર જ રહ્યું, જેમાં સમાજના સૌથી છેવાડાના માણસના હિતની ચિંતા હોય અને લોકો સરકારની બીક કે મદદ વિના સ્વાવલંબી બને, જવાબદારીપૂર્વક વર્તે અને પશુબળ કે યંત્રબળના નહીં, નીતિબળના આધારે દેશનું ઘડતર કરે. બાકી રહેલાં અસ્પૃશ્યતાનિવારણ (વ્યાપક અર્થમાં દલિત-બિનદલિત ભેદભાવ, આભડછેટ) અને હિંદુ-મુસલમાન સુમેળને ગુપચાવીને ગાંધીજીની વાત કરવી, એટલે ગાંધીવિચારને (બદ)ઇરાદાપૂર્વક મોળો પાડી દેવો-તેને લગભગ નકામો બનાવી દેવો.

ગાંધીજીએ છેક ૧૯૩૧માં કેટલાક પ્રચાર વિશે ચોખવટ કરતાં લખ્યું હતું, ‘કહેવાય છે કે હિંદુસ્તાનમાં જ્યારે સ્વરાજ આવશે ત્યારે જે કોમની સંખ્યા મોટી હશે તે કોમનું રાજ થશે. આના કરતાં મોટી ભૂલ બીજી કઈ હોઈ શકે? જો આ વાત સાચી હોય તો આજે મારામાં એટલી શક્તિ છે કે હું એકલો એ રાજ્ય સામે લડું. એ રાજ્યને હું તો સ્વરાજ ન જ કહું. મારું હિંદ સ્વરાજ એટલે સૌનું રાજ્ય છે, ન્યાયનું રાજ્ય છે.’ અત્યારે વાત તો 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ'ની થાય છે, પણ 'ગરીબી હટાવો'ની જેમ આવાં સૂત્રોને વાસ્તવિકતા સાથે કશી લેવાદેવા હોતી નથી. ગાંધીજી સૂત્રોથી ભોળવતા ન હતા ને ભોળવાતા પણ ન હતા. 

તેમના જીવનદર્શનની બાબતમાં અસ્પૃશ્યતાનિવારણ અને હિંદુ-મુસલમાન સુમેળથી આગળ વધવું હોય તો તેમનાં એકાદશ (અગીયાર) વ્રત યાદ કરવાં પડે. કોઈ ધર્મગ્રંથનાં હોઈ શકે એવાં આ વ્રત હતાંઃ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય (પારકી વસ્તુ પ્રત્યે નિસ્પૃહતા), અપરિગ્રહ, અભય, સ્પર્શભાવના, શરીરશ્રમ, સર્વધર્મસમભાવ અને સ્વદેશી. જોઈ શકાય છે કે આ વ્રતોમાં પણ સ્વચ્છતાને સ્થાન મળ્યું ન હતું. પરંતુ છેલ્લા એક વર્ષનાં ઉજવણાંને ધ્યાનમાં રાખીને નક્કી કરવાનું હોય તો એવું જ લાગે, જાણે ગાંધીજી  સ્વચ્છતાને જ સૌથી વધારે પ્રાધાન્ય આપતા હશે. એ જ તો નવી રીત છે ગાંધીજીના અસલી પ્રદાનને અને જીવનસંદેશને ભૂંસવાની. પ્રચારનાં ઢોલ વગાડીને 'સ્વચ્છતા' કે 'પદયાત્રા'ની લીટી એટલી બધી લાંબી કરી દેવાની કે બીજું બધું આપોઆપ બાજુ પર રહી જાય.

એનો અર્થ એમ નથી કે ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી ન હતા. તેમના સફાઈના આગ્રહ પાછળનું મુખ્ય પ્રેરક બળ સફાઈકામ સાથે સંકળાયેલા ઊંચનીચના ભેદભાવને દૂર કરવાનું હતું. એ સમયે ગટરવ્યવસ્થા ન હોય ત્યારે શૌચાલયની સફાઈ મોટું અને લોકોનાં નાકનાં ટીચકાં ચડાવનારું હતું. ગાંધીજીએ તે કામને પોતાનું કર્યું અને દરેકે પોતાના શૌચાલયની સફાઈ જાતે કરવી એવું ઠરાવ્યું. ફોટોગ્રાફરો અને કેમેરામેનોના ઝુંડ સાથે હાથમાં ઝાડુ લઈને (કેટલાક કિસ્સામાં તો પહેલાં ચોખ્ખા રસ્તા પર 'સારો’ કચરો નંખાવીને) સફાઈઝુંબેશ કરતા આપણા નેતાઓને એવાં અઘરાં સફાઈકામ શી રીતે ફાવે? 

સત્યને કેન્દ્રસ્થાને રાખવાથી નીપજતા ગુણોમાંનો એક એટલે અભય. ગાંધીજીની માન્યતાના સ્વરાજમાં અસત્યની સાથોસાથ ભયને અને ધીક્કારને કોઈ સ્થાન ન હતું. તેને બદલે હવે તો ચૂંટણી જીતવાની ને લોકશાહીને તોડવામરોડવાની આખેઆખી રણનીતિઓ જ ટ્રોલિંગ, જૂઠાણાં અને મોબ લિન્ચિંગને સીધા કે આડકતરા પ્રોત્સાહનના પાયા પર રચાય છે. લોકોને સલામતી આપવાને બહાને બીવડાવવામાં આવે છે અને સંસ્કૃતિનાં ગૌરવગાનના નામે મિથ્યાભિમાનના કસુંબા પીવડાવવામાં આવે છે. કાયદો ગજવામાં લઈને ફરનારા વગદારો સિવાય બીજું કોઈ હવે અભય અનુભવતું નથી. તો પછી ગાંધીજીની સ્મૃતિમાં અભયને શી રીતે યાદ કરી શકાય? તેમને સ્વચ્છતા જેવી બાબતોમાં જ પુરી દેવા પડે ને?

1 comment:

  1. You have spoken the truth. Your piece on celebration of Gandhiji's 75th birthday deserves to be published in Gujarat. For Dandi Kuch, so much thought and originality went into guideliny for participant selection and conduct of the Kuch. A comparison of these with padyatras, as would unfold, offers material for a satirical piece

    ReplyDelete