Wednesday, March 07, 2018

ઝાકઝમાળની ઓથે છુપાયેલી અસમાનતા

(તંત્રીલેખ, દિવ્ય ભાસ્કર, ૭-૩-૧૮)

ઑસ્કર અેવોર્ડનો સમારંભ દાયકાઓથી ઝાકઝમાળ, ફેશનપરેડ, હોલિવૂડની સર્વોપરિતાની ઉજવણી અને કવચિત્ વિવાદો માટે જાણીતો છે. બીજા અનેક દેશોમાં ફિલ્મોની ધબકતી અને ઉત્કૃષ્ટ સંસ્કૃતિ હોવા છતાં, ઑસ્કર એવોર્ડ અને હોલિવૂડે એકબીજાની સાથે રહીને, અમેરિકાના ફિલ્મઉદ્યોગની સર્વોપરિતાનો છાકો બેસાડી દીધો છે--ભારતમાં તેની અસર એટલી હદે થઈ કે બૉમ્બેકેન્દ્રી હિંદી ફિલ્મઉદ્યોગ ‘બોલિવૂડ’ અને એવી જ રીતે બીજી ભાષાના ઉદ્યોગો ‘ટોલિવૂડ’, ‘મોલિવૂડ’ જેવાં નામે ઓળખાય છે. દેશી એવોર્ડ સમારંભો પણ ઑસ્કર એવોર્ડના સમારંભની તરાહ પર થાય છે. 2018ના ઑસ્કર એવોર્ડ સમારંભ વિશે એક ટિપ્પણીકારે સરસ લખ્યું કે અત્યાર લગી હોલિવૂડની ફિલ્મો સમાજની વાસ્તવિકતાઓને ઝીલતી અને પ્રતિબિંબિત કરતી હતી. આ વખતે ઑસ્કર એવોર્ડ સમારંભમાં  ફક્ત ફિલ્મોએ નહીં, ફિલ્મઉદ્યોગે પણ સમાજના પલટાતા પ્રવાહોને દર્શાવ્યા.

આ પ્રકારના અવલોકનનું કારણ હતું श्શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર ફ્રાન્સીસ મેકડોર્મન્ડ/ Frances McDormandનું ટૂંકું પ્રવચન. હોલિવૂડ છેલ્લા ઘણા સમયથી જાતીય શોષણના મુદ્દે આંદોલિત છે. વક્રતા લાગે, પણ અભિવ્યક્તિ સ્વતંત્રતાની વાત કરતાં કેટલાંક ક્ષેત્રોની જેમ ફિલ્મઉદ્યોગમાં પણ આંતરિક સ્વતંત્રતાનું પ્રમાણ બહુ ઓછું હોય છે. કારણ? નાની બિરાદરી, મર્યાદિત તકો અને અંદરોઅંદરની સાંઠગાંઠો. તેમાં મોટા મગરમચ્છોને નારાજ કરવાનો અર્થ છે આખા ઉદ્યોગનાં સ્થાપિત હિતોની સામે પડી જવું અને કારકિર્દી પર સામે ચાલીને કુહાડો મારવો. એટલે સામાન્ય રીતે જાતીય શોષણ અને લૈંગિક ભેદભાવના કિસ્સા બહાર આવતા નથી પરંતુ આ એવો કચરો હોય છે, જેની પરથી એક વાર ઢાંકણ ખૂલી જાય પછી કશો બાધ રહેતો નથી.
Francis McDormand
મજબૂત હરીફોને ટક્કર આપીને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઑસ્કર જીતેલાં 60 વર્ષનાં ફ્રાન્સીસ મેકડોર્મન્ડે ઔપચારિક લાગે એવી શરૂઆત પછી અસાધારણ વિનંતી કરી. તેમણે હૉલમાં ઉપસ્થિત અને ઑસ્કર એવોર્ડ માટે નૉમિનેટ (નામાંકિત) થયેલાં તમામ ક્ષેત્રનાં મહિલા કલાકારો-કસબીઓને જગ્યા પર ઊભા થવા કહ્યું--અભિનેત્રીઓ ઉપરાંત ફિલ્મકાર, નિર્માતા, નિર્દેશક, લેખક, સિનેમેટોગ્રાફર, સંગીતકાર, ગીતકાર, ડિઝાઈનર...  બેબાક અભિપ્રાયો ધરાવતાં અને તેને વ્યક્ત કરવા માટે જાણીતાં અભિનેત્રી મેરિલ સ્ટ્રીપને તેમણે પહેલ કરવા કહ્યું. ત્યાર પછી મેકડોર્મન્ડે શ્રોતાગણમાં બેઠેલા સૌને સંબોધીને કહ્યું, ‘જુઓ, સજ્જનો અને સન્નારીઓ, તમારી આજુબાજુ જુઓ. કારણ કે અમારા બધા પાસે કથાઓ છે અને એ કહેવા માટે અમારે નાણાકીય સહકાર જોઈએ છે. મારા આ પગલા વિશે આજ રાતની પાર્ટીમાં ચર્ચાઓ ન કરતા. થોડા દિવસ પછી અમને તમારી ઑફિસે બોલાવજો અથવા તમે અમને મળવા આવજો--તમને જે અનુકૂળ આવે તે. આપણી મળીશું ત્યારે અમે અમારી પાસે રહેલી કથાઓ વિશે વાત કરીશું.

તેમણે કહ્યું કે હું બે શબ્દોથી મારી વાત પૂરી કરવા માગું છું: ‘ઇન્ક્લુઝન રાઇડર’/Inclusion Rider. ઇન્ક્લુઝન રાઈડર એટલે ફિલ્મના કોન્ટ્રાક્ટમાં કરવામાં આવતી એવી જોગવાઈ, જેમાં મુખ્ય પાત્રો સિવાયનાં પાત્રોમાં સામાજિક વૈવિધ્ય અને સ્ત્રીપુરુષના યોગ્ય પ્રતિનિધિત્વની કાળજી રખાતી હોય. આ વિચાર પ્રમાણમાં નવો છે અને 2016ની એક ‘ટેડ ટૉક’માં તે પહેલી વાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. હોલિવૂડમાં પ્રભાવશાળી સ્થાન ધરાવનાર કલાકારો કોન્ટ્રાક્ટમાં આવી માગણી કરે, એવો તેની પાછળનો આશય છે. તેનો વ્યવહારુ અમલ એટલો સહેલો ન હોવા છતાં, આ વિચાર આવા મંચ પરથી મુકાય અને ફિલ્મઉદ્યોગ વર્ષોની ઘરેડ છોડીને સમાનતાની દિશામાં વિચારતો થાય તે આવકાર્ય પરિવર્તન છે. હોલિવૂડના બીજા પ્રવાહોની જેમ આ પ્રવાહનો પણ ભારતના ફિલ્મઉદ્યોગને ચેપ લાગે એની પ્રતીક્ષા.


5 comments:

  1. Very informative blog.. Keep it up ��

    ReplyDelete
  2. તમરા બ્લોગમા નીચે લખ્યુ છે તમારા પરિચયમા કે યમે કોઈ વાદમા (ism) મા માનતા નથી પણ "નાવાદ" પણ એક વાદ જ છે
    જયેન્દસિંહ રાણા
    રાજકોટ

    ReplyDelete
    Replies
    1. આને ગુજરાતીમાં શબ્દચાતુરી અથવા કુતર્ક કહેવાય. જે પહેલી નજરે કોઈને ચિત કરી દેવા પૂરતું કામ લાગે, સમજ કેળવવા માટે નહીં.

      કોઈ પણ વાદ એટલે બદ્ધતા-બંધિયારપણું. વાદનો અભાવ એટલે બંધિયારપણાનો અભાવ. આટલી સાદી વાતને ન સમજવી હોય તો જ શબ્દચાતુરીના ચગડોળે ચડાવવી જોઈએ.

      Delete
  3. ઇતિહાસ તપાસીએ તો ઘણા સદભાવના ધરાવતા લોકોએ સમાજમાં સમકક્ષતા આવે તેવા કરેલા પ્રયત્નો પણ એળે નથી ગયા.જ્યાંસુધી જન્યજાતિ (Gender)ની વાત કરીએ તો કહેવાય છે કે પ્રાચીન સમાજમાં ‘માં’(Motherhood)નું મહત્વ મોટું હતું અને તેના નામે વંશો ચાલતા, આજે પણ કોઈ કોઈ વાર વાંચવામાં આવે છે કે દુનિયાના કેટલાક જંગલોના વિસ્તારમાં રહેતા લોકોમાં આ પ્રથા હજુ મોજુદ છે.
    આજની પરિસ્થિતિની વાત કરતા તો દરેકને વ્યક્તિસ્વતંત્રતા નો કક્ક છે અને તેમાં અનેક વિરોધાભાસ પણ છે, સ્ત્રીનું વ્યક્તિત્વ ખીલતું રહે તેના વિરોધીઓ પણ ઓછા નથી. પુરુષવર્ગમાં બધાજ લોકો આ વિષે પોત્પોતાના વિચારોમાં પણ વિવિધતા ધરાવે છે. પુરુષોમાં પણ એવો મોટો વર્ગ છે કે સ્રીઓ સમાજમાં આગળ આવે તો વિચારધારામાં પણ ફેર પડે. પણ હકીકતમાં આવું ઓછો બનતું રહે છે કેમકે જાહેરજીવનના કામકાજ/રોજગાર અપવાનારા સાધનો પુરુષપ્રધાન લોકોના હાથમાં છે આ વાત આજના સમયમાં દરેક દ્દેશને પણ લાગુ પડે છે.
    પશ્ચિમમાં દેશોમાં દેખાય છે તેવું ખરેખર સ્ત્રીસન્માન ત્યાં પણ નથી,હા જાહેરમાં તેનો કોઈજ વિરોધ નથી કરતા પણ ખાસ્સો એવો વર્ગ પણ છે કે તેઓ સ્ત્રીઓને બહુ આગળ આવે તે પસંદ નથી.
    વિચારભેદ તો રહેવાનો પણ તે ભેદ જો સમાજને થતો નુકસાન ઓછો કરે અને જ્ન્યજાતિ ભેદ (Gendergap) ભુલી જઈ સાથે કામ થાય તો અનેક પ્રશ્નો પણ ઉકેલી શકાય.

    ReplyDelete
  4. અસમાનતા તો જ્યારથી લોકો સાથે ટોળામાં રહેવા લાગ્યા ત્યારથીજ છે. કાળેક્રમે લોકો સુધારતા થયા અને તેમાં ફેફારો થતા રહ્યા પણ સમાનતા ના
    સપના ક્યારેય પુરા નથી થયા.
    ઇતિહાસ તપાસીએ તો ઘણા સદભાવના ધરાવતા લોકોએ સમાજમાં સમકક્ષતા આવે તેવા કરેલા પ્રયત્નો પણ એળે નથી ગયા.
    જ્યાંસુધી જન્યજાતિ (Gender)ની વાત કરીએ તો કહેવાય છે કે પ્રાચીન સમાજમાં ‘માં’(Motherhood)નું મહત્વ મોટું હતું અને તેના નામે વંશો ચાલતા,
    આજે પણ કોઈ કોઈ વાર વાંચવામાં આવે છે કે દુનિયાના કેટલાક જંગલોના
    વિસ્તારમાં રહેતા લોકોમાં આ પ્રથા હજુ મોજુદ છે.
    આજની પરિસ્થિતિની વાત કરતા તો દરેકને વ્યક્તિસ્વતંત્રતા નો હક્ક છે
    અને તેમાં અનેક વિરોધાભાસ પણ છે, સ્ત્રીનું વ્યક્તિત્વ ખીલતું રહે તેના વિરોધીઓ
    પણ ઓછા નથી. પુરુષવર્ગમાં બધાજ લોકો આ વિષે પોત્પોતાના વિચારોમાં પણ
    વિવિધતા ધરાવે છે. પુરુષોમાં પણ એવો મોટો વર્ગ છે કે સ્રીઓ સમાજમાં આગળ આવે તો વિચારધારામાં પણ ફેર પડે. પણ હકીકતમાં આવું ઓછો બનતું રહે છે કેમકે જાહેરજીવનના કામકાજ/રોજગાર અપવાનારા સાધનો પુરુષપ્રધાન
    લોકોના હાથમાં છે આ વાત આજના સમયમાં દરેક દ્દેશને પણ લાગુ પડે છે.
    પશ્ચિમમાં દેશોમાં દેખાય છે તેવું ખરેખર સ્ત્રીસન્માન ત્યાં પણ નથી,હા જાહેરમાં તેનો કોઈજ વિરોધ નથી કરતા પણ ખાસ્સો એવો વર્ગ પણ છે કે તેઓ સ્ત્રીઓને બહુ આગળ આવે તે પસંદ નથી. વિચારભેદ તો રહેવાનો પણ તે ભેદ જો સમાજને થતો નુકસાન ઓછો કરે અને જ્ન્યજાતિ ભેદ (Gendergap) ભુલી જઈ સાથે કામ થાય તો અનેક પ્રશ્નો પણ ઉકેલી શકાય.


    ReplyDelete