Thursday, March 15, 2018

વિજ્ઞાનપ્રતિભા અને દઢ મનોબળનો સંગમ

Courtesy : Telegraph (UK)
વિજ્ઞાનીઓ લોકપ્રિય અથવા વધુ યોગ્ય રીતે કહીએ તો ‘સેલિબ્રિટી’ થવા માટે સર્જાયેલા નથી હોતા. ન્યૂટન, ડાર્વિન અને આઇન્સ્ટાઈન જેવા તેમાં વિરલ અપવાદ ગણાય. કારણ કે તેમનું પ્રચંડ અને સદીઓ સુધી યાદ રહેનારું પ્રદાન હોવા છતાં, લોકપ્રિય સ્મૃતિમાં પણ તેમના ચહેરા ટકી રહ્યા છે. એ હરોળમાં ઉમેરાય એવું એક નામ એટલે પ્રો. સ્ટીવન હૉકિંગ. ગઈ કાલે,આઈન્સ્ટાઇનના જન્મદિને અને વિશ્વ પાઈ (π) દિવસે, 76 વર્ષના હૉકિંગના અવસાનના સમાચાર આવ્યા.

તેમની ગણના આઇન્સ્ટાઇન પછીના મહાન ભૌતિકશાસ્ત્રીઓમાં થાય છે. વર્ષ 1963માં, ફક્ત 21 વર્ષની વયે વિદ્યાર્થી અવસ્થામાં ‘મૉટર ન્યૂરૉન ડીસીઝ’ જેવા અસાધ્ય રોગનો ભોગ બનેલા હૉકિંગ માંડ બે વર્ષ જીવશે, એવો ડૉક્ટરનો અંદાજ હતો. પરંતુ હૉકિંગ ત્યાર પછી પાંચ દાયકા જીવ્યા. એટલું જ નહીં, વ્હીલચેરમાં ઢબુરાયેલા શરીર સાથેનો તેમનો દેખાવ અને અડીખમ મનોબળ-વિશિષ્ટ હાસ્યવૃત્તિ જનસામાન્ય માટે હૉકિંગનો પર્યાય બની રહ્યાં. પહેલાં કાખઘોડીના ટેકે, પછી વ્હીલચેર પર અને છેવટે અત્યંત આધુનિક પ્રકારની, આંખના પલકારાથી અક્ષરો પસંદ કરીને આખું વાક્ય બનાવી શકે અને તેને કૃત્રિમ અવાજમાં ઉચ્ચારી પણ શકે, એવી કમ્પ્યુટર પ્રણાલિ સાથેની વ્હીલચેર હૉકિંગ સાથે અભિન્નપણે સંકળાઈ. પરંતુ તેમની તોફાની રમુજવૃત્તિ અને વિવાદાસ્પદ વિધાનો કરવાની પ્રકૃતિ છેવટ સુધી જળવાઈ રહ્યાં.

વર્ષો સુધી વિજ્ઞાનીઓ માટે રહસ્યમય રહેલા અને જેમના માટે ગુજરાતીમાં નગેન્દ્ર વિજયે ‘બ્રહ્માંડના ભમ્મરિયા કૂવા’ જેવો શબ્દપ્રયોગ ચલણી બનાવ્યો છે, તે બ્લેકહોલ હૉકિંગના અભ્યાસના મુખ્ય વિષયોમાં એક હતા. હૉકિંગ અભ્યાસે ગણિતશાસ્ત્રી હતા, પરંતુ ગણિત અને ભૌતિકશાસ્ત્રના ગાઢ સંબંધને કારણે તેમનું સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં મહત્ત્વનું યોગદાન રહ્યું. આઇન્સ્ટાઇનની જેમ જ હૉકિંગના સંશોધનના વિષયો મોટા ભાગના લોકોને પલ્લે પડે એવા ન હતા. તેમ છતાં, તેમણે લખેલું પુસ્તક‘બ્રીફ હિસ્ટરી ઑફ ટાઇમ’ લગલગાટ સાડા ચાર વર્ષથી પણ વધુ સમય સુધી બેસ્ટ સેલર રહ્યું અને ચાળીસ ભાષામાં અનુવાદિત થયું. તેની સાથે એવી, ઘણી હદે વાજબી રીતે, એવી નુક્તચીની પણ થઈ કે એ પુસ્તક સૌથી વધુ લોકોએ ખરીદેલું અને ખરીદ્યા પછી સૌથી વધુ પ્રમાણમાં લોકોએ નહીં વાંચેલું બેસ્ટસેલર પુસ્તક હશે.

હૉકિંગનું દાંપત્યજીવન ઉબડખાબડ રહ્યું. 1985માં હૉકિંગે એક બિમારીમાં અવાજ પણ ખોયો. એ વખતે તેમની હાલત એટલી ગંભીર હતી કે એક તબક્કે ડૉક્ટરોએ આશા મુકી દીધી અને જીવન ટકાવી રાખનારી પ્રણાલિ હટાવી લેવાનો વિચાર કર્યો. ત્યારે હૉકિંગની પડખે રહેનારાં અને હૉકિંગને ટકાવીને આખરે બચાવી શકનારાં પત્ની જેન 1991માં હૉકિંગની પ્રકૃતિ વિશેની ફરિયાદો કરીને તેમનાથી અલગ પડ્યાં. હૉકિંગનાં કેટલાંક નિવેદનોને કારણે તેમની પર સ્ત્રીવિરોધી હોવાના આરોપ પણ થયા. પરંતુ વિવાદોથી હૉકિંગ પાછા પડતા ન હતા.  બલ્કે, તેમની છાપ વિવાદપ્રિય તરીકેની રહી. તેમનું માનવું હતું કે આ ગ્રહ પર માણસજાતનાં અંજળ ખૂટવામાં છે અને ટકી રહેવું હોય તો માણસે રહેવા માટે બીજા ગ્રહોની તલાશ આદરવી પડશે.

આટલા મોટા ગજાના ભૌતિકશાસ્ત્રી હોવા છતાં અને તેમની કેટલીક થિયરી ઘણી હદે સ્વીકૃત હોવા છતાં, તે પુરવાર થઈ શકી નહીં. એટલે વિજ્ઞાનજગતનું સર્વોચ્ચ એવું નોબેલ પારિતોષિક તેમને કદી મળ્યું નહીં. ગુજરાતી-ભારતીય વિજ્ઞાની ડૉ.પંકજ જોશી અને સાથીદારો સાથે તેમ જ બીજા ઘણા વિજ્ઞાનીઓ સાથે તેમણે શરતો મારી હતી અને સમય જતાં તે શરતો હાર્યા પણ ખરા. છતાં, તેમના સેલિબ્રિટી દરજ્જા પર તેમ જ  વિજ્ઞાનજગતમાં તેમના સ્થાન પર જરાય ઝાંખપ ન લાગી. અવગણનાના બ્લેકહોલમાં સરી જવાને બદલે અંત સુધી તે તેજસ્વી સિતારો બની રહ્યા.
(તંત્રીલેખ, દિવ્ય ભાસ્કર, ૧૫-૩-૧૮)

1 comment:

  1. Hiren Joshi USA6:17:00 AM

    Always had a question why he did not win the Noble Prize. Your timely article answered it!! Thanks for covering him in your editorial.

    ReplyDelete