Tuesday, February 27, 2018

અન્યાયબોધની અવળી ગંગા

રસ્તા પર સ્કૂટર સડસડાટ જતું હતું. અચાનક, રૉંગ સાઇડ પરથી એક બાઈક આવ્યું અને સાચા રસ્તે ચાલતા સ્કૂટર સાથે અથડાયું. સ્કૂટર એક તરફ, ચાલક બીજી તરફ. સારું થયું કે બંનેને કશું થયું નહીં. ત્યાં વીર રોંગસાઇડવાળો સ્કૂટરચાલકને ઠપકો આપતાં કહે, ‘યાર, ધીમેથી ચલાવો. આટલું ફાસ્ટ ચલાવાતું હશે?’ અને સ્કૂટરચાલક એ બાઈકવાળાની ઉઘાડેછોગ બેશરમીથી આઘાત પામીને તેની સામે જોઈ જ રહ્યો. શું કહેવું એ નમૂનાને?

આ સંપૂર્ણ સત્યઘટના છે અને ઘણા વાંચનાર સાથે તે જુદા જુદા સ્વરૂપે બની હશે. પરંતુ સવાલ બીજો છેઃ કોઈ વ્યંગકાર લખે તો સારા વ્યંગ તરીકે ખપી જાય, એવું સાચેસાચ અને ગંભીરતાપૂર્વક બનવા લાગે ત્યારે શું કહેવું? --અને ખેદની વાત છે કે આવું વલણ રસ્તા પર થતા અકસ્માતથી માંડીને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરની ચર્ચાઓમાં પૂરી ઠાવકાઈથી વ્યક્ત થાય છે.

દા.ત. શ્રી 11,400 નીરવ મોદી. તેમણે અને તેમના મામાશ્રીએ એ મતલબની સફાઈ રજૂ કરી, બલ્કે આરોપ મૂક્યો કે પંજાબ નેશનલ બૅન્કે ઉતાવળ કરી નાખી અને બધું ચિતરી માર્યું. એટલે મામલો બગડી ગયો. બાકી, અમે તો પૈસા ચૂકવી જ દેવાના હતા. નીરવ મોદીને ‘આપણા વર્ગના’ ગણનારા કેટલાકે તેમની વાતમાં ટાપશી પણ પુરાવી. સમાચારમાં મથાળું વાંચીને પહેલાં તો લાગ્યું કે કોઈ ટીખળીએ રમૂજ કરી હશે. પછી ખ્યાલ આવ્યો કે આ તો ગંભીરતાપૂર્વક કરાયેલું નિવેદન છે. નીરવ મોદી અૅન્ડ કંપનીએ પંજાબ નેશનલ બૅન્ક સાથે છેતરપીંડી કરીને ખોટા લેટર ઑફ અન્ડરટેકિંગ મેળવ્યે રાખ્યા, એ પહેલા અને પ્રાથમિક ગુનાની કોઈ વાત જ નહીં. અને આરોપી મટીને સીધા ફરિયાદીની ભૂમિકામાં જ આવી જવાનું.

આ તો ખૂન કર્યા પછી ખંજર લોહીલુહાણ થઈ જવાની ફરિયાદ કરે એવી વાત થઈ, પણ ‘આક્રમણ એ બચાવનો સૌથી અસરકારક પ્રકાર છે’ એવી તરકીબ હવે સામાન્ય બની ચૂકી છે. ધોળાઓના વર્ચસ્વમાં માનતા અને તેના માટેના પ્રયાસોમાં કશું ખોટું ન જોતા એક ભાઈનું ખાતું ટ્વિટરે બંધ કર્યું, તો ગયા અઠવાડિયે એ ભાઈએ ટ્વિટર સામે ભેદભાવનો દાવો દાખલ કર્યો. એવો જ દાવ ગુગલમાંથી કાઢી મુકાયેલા એક એન્જિનિયરે કર્યો. તેમણે કહ્યું કે કંપનીના ઉદારમતવાદી રાજકીય વલણ ધરાવતા લોકો દ્વારા તેને સતત હેરાન કરવામાં આવતો હતો. ભેદભાવવિરોધી છાવણી આક્રમણને બદલે બચાવની ભૂમિકામાં આવી જાય, એ આશયથી આ યુક્તિ અજમાવવામાં આવે છે.

આ પ્રકારની ફરિયાદમાં કંઈક અંશે સમૃદ્ધ વર્ગો દ્વારા અનામત માગતી વખતે વ્યક્ત કરાતા અન્યાયબોધ જેવી લાગણી જવાબદાર હોઈ શકે છે. એટલે કે, વ્હાઇટ સુપ્રીમસિસ્ટ (ધોળી ચામડીને કારણે ગુરુતાગ્રંથિમાં રાચનારા) છીએ ને એવા હોવાનો અમારો અધિકાર છે. અમારા એ અધિકારનો ઇન્કાર કરીને, અમારી સાથે ભેદભાવ રાખવામાં આવે છે.

આ પ્રકારની દલીલોને ગમે તેટલા રૂપાળા શબ્દોમાં વીંટાળીને રજૂ કરવામાં આવે, પણ તેનું ગુજરાતી એવું થાય કે ‘પ્રગતિશીલ મૂલ્યોમાં-માનવ અધિકારમાં માનતા ને તેના માટે લડતા લોકો અમને સુખેથી ભેદભાવ રાખવા દેતા નથી-અે લોકો ભેગા થઈને મને હેરાન કરે છે. અમને અમારો (બીજાને નીચા-ઉતરતા ગણવાનો) હક ભોગવવા દેતા નથી. આ હળાહળ અન્યાય કહેવાય. અમને ન્યાય મળવો જોઈએ.’

આ પ્રકારની દલીલોનો આશય પોતાના ભેદભાવગ્રસ્ત વર્તનને છુપાવીને, ભેદભાવ સામે લડનારા લોકોને જ ભેદભાવ રાખનાર તરીકે ચિતરવાની હોય છે. ભારતમાં- ગુજરાતમાં સેક્યુલરિઝમ સંદર્ભે પણ આવો આત્યંતિક પ્રચાર ચલાવવામાં આવે છે. કૉંગ્રેસી સેક્યુલરિઝમમાં માનતા લોકોના ઘણા પ્રશ્નો છે, પરંતુ સર્વધર્મસમભાવમાં માનતા બધા લોકોને એક જ કાળા કુચડાથી ચીતરી દેવા, એ બધાને કૉંગ્રેસી તરીકે ખપાવી દેવા અને કોમી હિંસાથી માંડીને કોમવાદ માટે પણ એવું જ ચિત્ર ઉભું કરવું, જાણે સેક્યુલરિસ્ટોએ જ દુકાનો લૂંટવા ને લોકોને સળગાવવા માટે નીકળી પડ્યા હોય.

બીજા કોઈની પણ જેમ સેક્યુલરિસ્ટો ટીકાથી પર ન હોઈ શકે. તેમનાં બેવડાં ધોરણની ટીકા થવી જ જોઈએ. પણ દંભી બિનસાંપ્રદાયિકતા અને હાડોહાડ કોમવાદની સગવડીયા સરખામણી કરીને, હાડોહાડ કોમવાદને નિર્દોષ (કે ધાર્મિક) જાહેર કરવાના આશયથી, દંભી બિનસાંપ્રદાયિકતાને આરોપીના કઠેડામાં ન ઉભી કરી શકાય. દંભી બિનસાંપ્રદાયિકતા સામેની આકરી ટીકા અને તેની સામેનો રોષ તો જ વિશ્વસનીય લાગે, જો તે કોમવાદની વકીલાતના લાભાર્થે ન હોય. તેમાં બિનસાંપ્રદાયિકતા તથા દંભી બિનસાંપ્રદાયિકતા વચ્ચેનો તફાવત પાડવા જેટલો વિવેક જળવાવો જોઈએ.

એવી જ રીતે, હંમણાં એવું પણ ઘણું સાંભળવા મળે છે કે જમણેરીઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે કે તેમને નીચી નજરે જોવામાં આવે છે. સેક્યુલરિસ્ટોની જેમ ડાબેરીઓના પોતાના પ્રશ્નો છે, પરંતુ ખાસ કરીને ગુજરાતના લોકોએ એક સાદું સત્ય જાણવાની જરૂર છેઃ જે જમણેરી ન હોય કે જમણેરીઓનો વિરોધ કરતા હોય, એ બધા ડાબેરી નથી હોતા. ગરીબોની-શોષિતોની-વંચિતોની વાત કરનારા બધા રાજકીય વિચારધારા પ્રમાણે ડાબેરી નથી હોતા. આપણા મુદ્દાની વાત કરીએ તો, જમણેરીઓ પ્રત્યે રાખવામાં આવતો કહેવાતો ભેદભાવ હકીકતમાં ધર્મના નામે કોમવાદી અભિગમની, રાષ્ટ્રવાદને નામે સંકુચિતતાની, ટુંકમાં જમણેરીઓના ભેદભાવગ્રસ્ત વર્તનની ટીકા હોય છે. પણ ભેદભાવની ટીકાને ભેદભાવ તરીકે ખપાવી દેવાથી પ્રચારમાં જીત મેળવી શકાય છે અને જમાનો પ્રચારનો છે.

બિનસાંપ્રદાયિકતાનો એક રંગ દંભનો છે, એવી જ રીતે શોષણ સામે લડતી સ્વૈચ્છિક સંસ્થાઓનો એક રંગ હળાહળ શોષણખોરીનો છે. બધી સંસ્થાઓને એક લાકડીએ ન હાંકી શકાય, એ તો દેખીતું છે. પરંતુ દુનિયામાં શોષણની સામે લડવાનો દાવો કરનારા અને લડનારા પોતાની સંસ્થાના કર્મચારીઓનું શોષણ કરે, એવી શરમજનક ઘટનાઓની નવાઈ નથી. તેમાં સૌથી શરમજનક ગણાય એવી પરંપરાની વાત એક જાણીતી ફંડિગ એજન્સીના કર્મચારી પર થયેલા આરોપમાંથી બહાર આવી. એ ભાઈ હૈતી દેશમાં કામ કરતા હતા. ત્યાં તેમણે નાણાંના સાટામાં દેહસુખ મેળવ્યું. આ વાત જાહેર થઈ ત્યારે તેમણે, રૉંગ સાઇડેથી આવીને ભટકાયા પછી દાદાગીરી કરતા બાઇકવાળાની જેમ, કહ્યું કે એમાં શું થઈ ગયું? આમ કરવાથી પેલી સ્ત્રીને રોજગારી મળી. બીજાએ વળી એવો બચાવ કર્યો કે આવી સંસ્થાઓમાં કામ કરનારા સંત હોય એવી અપેક્ષા ન રાખવી જોઈએ.

કોઈ સામાન્ય જણ આવી દલીલ કરે તો તેને સમજનો કે સંવેદનશીલતાનો અભાવ કહીએ, પણ આંતરરાષ્ટ્રીય ફંડિગ એજન્સીમાંથી તગડા પગાર લેતા ને દુનિયાભરનું ડહાપણ ડહોળતા લોકો આવી દલીલ કરે ત્યારે તેમાંથી વિકૃતિની અને છલોછલ અહંકારની બૂ આવે છે. માનવ અધિકારનું કામ કરનાર માણસ સંત ન હોય, તો કમ સે કમ, શોષણખોર કે શોષણખોરીને ઉત્તેજન આપનાર પણ ન જ હોઈ શકે. 

No comments:

Post a Comment