Sunday, February 25, 2018

લોકપ્રિયતાઃ આંજી નાખતી રોશનીની આરપાર

સાહિત્ય-લેખનજગતના સૌથી જૂના અને સૌથી નવા વિવાદી વિષયોમાંનો એક છેઃ લોકપ્રિયતા. એક વર્ગ માને છે કે લોકપ્રિય હોય તે કદી ગુણવત્તાવાળું હોઈ જ ન શકે અથવા લોકપ્રિય ન થવામાં જ ગુણવત્તાની મોટાઈ છે. ચોક્કસ લખાણની ગુણવત્તા તપાસવાને બદલે તે લેખકના 'તપ'ના સરવાળા-બાદબાકી માંડે છે અને લખાણનું મૂલ્યાંકન કરતી વખતે તેની લોકપ્રિયતાના નેગેટિવ માર્ક મૂકે છે. લખાણની ગુણવત્તાનું સ્વંતત્ર, નિરપેક્ષ મૂલ્યાંકન આ વર્ગના મોટા ભાગના લોકોને ફાવતું કે અનુકૂળ આવતું નથી.

બીજો વર્ગ માને છે કે લોકપ્રિય હોવું એ જ સર્વોચ્ચ સિદ્ધિ છે-બધી ટીકાનો જવાબ તેમાં આવી જાય છે અને દરેક ટીકા લોકપ્રિય ન બની શકેલા લોકોની બળતરા છે.

આ બંને છેડાની દલીલો પોતપોતાના પૂર્વગ્રહોને પોસનારી, કલ્પી લીધેલી સર્વોચ્ચતામાં રાચનારી અને સચ્ચાઈથી ઘણી દૂર છે. વાંચનારા અવારનવાર તેનું સીધું નિશાન બનતા હોવાથી, આ બાબતોને શાંતિથી, મુદ્દાસર મૂકી આપવાનું જરૂરી લાગે છે.

૧) લોકપ્રિયતા લંબાઈ-પહોળાઈની જેમ માપી શકાય એવી ચીજ નથી. મેળવેલી લોકપ્રિયતાના મામલે 'એક શોભા (ડે) બરાબર કેટલા ચેતન (ભગત)?’ અથવા 'એક રામચંદ્ર (ગુહા) બરાબર કેટલા અમીષ (ત્રિપાઠી)?’ અથવા 'એક વિનોદ ભટ્ટ બરાબર કેટલા બકુલ ત્રિપાઠી?’ એવાં સમીકરણ કાઢવાં અશક્ય છે અને અનિચ્છનીય પણ. (પુસ્તકોના વેચાણના આંકડા પરથી મળતો અંદાજ પણ તદ્દન અપૂરતો હોય છે.)

૨) લેખનક્ષેત્ર રેસ નથી કે જેમાં કોઈ એક જ જીતે ને લોકપ્રિયતાની ટ્રૉફી લઈ જાય. તે ચૂંટણી પણ નથી કે તેમાં એક ચૂંટાય ને બીજા હારી જાય. લેખનક્ષેત્રે પોતપોતાની વિશેષતા થકી અનેક લોકો એક સાથે લોકપ્રિય થાય છે—અને ઉપર જણાવ્યું તેમ, લોકપ્રિયતાનું નિરપેક્ષ માપ કાઢવાનું અશક્ય છે.  સમકાલીનો વચ્ચેની સરખામણી તથા સ્પર્ધા લખાણની ગુણવત્તાની હોય તો તેમાં લખનારને, વાંચનારને તેમ જ સરવાળે સમાજને ફાયદો થાય. પરંતુ લક્ષ્યાંક કેવળ, કોઈ પણ ભોગે, લોકપ્રિયતાનું બને, ત્યારે તેમાં છીછરાપણાની, અપરસને સંતોષવાની, 'હજુ નીચે, હજુ નીચે'ની હરીફાઈ થાય. આવી હરીફાઈમાં વાંચનારને અને સમાજને તો ઠીક, લાંબા ગાળે લખનારને પણ નુકસાન થાય. કારણ કે, તે ઘાણીનો બળદ બનીને પોતાના જ 'લોકપ્રિય' વિષયોના કુંડાળામાં અને તેના વિકાસને કુંઠિત કરનારા 'ચાહકો'ના વર્તુળમાં ગોળગોળ ફર્યા કરે.

૩) લખાણમાં બહુ ઠેકાણું ન હોય, તો પણ લોકપ્રિયતા કેવી રીતે મળે? એવો સવાલ કોઈને થઈ શકે.  ગુજરાતી કટારલેખનમાં ત્રણ-ચાર દાયકાથી તેના કેટલાક નીવડેલા નુસખા ચલણી છે. તેમાં દરેક પેઢીનાં લખનાર પોતપોતાની 'વિશેષતા'પ્રમાણે નવા ઉમેરા કરતાં રહે છે. જેમ કે,  લખાણમાં પોતાની (ધારી લીધેલી કે બઢાવેલીચઢાવેલી) મહત્તાનાં જાતે જ ગુણગાન ગાવાં, પોતાની (મોટે ભાગે કાલ્પનિક) વ્યક્તિગત ખાસિયતોનું વારંવાર વર્ણન કરવું, પોતે કેટલા 'સિદ્ધ’ છે-કેવા વિશિષ્ટ, બહાદુર, રસિક, સાચાબોલા, શેહશરમ નહીં ભરનારા ઇત્યાદિ છે એનો (સાચોખોટો) પ્રચાર જાતે જ કરવો, એના માટે ગલગલિયાં ને હુંસાતુંસી કરતાં ખચકાવું નહીં...

આ બધી બાબતો લખનારની પ્રકૃતિના પ્રતિબિંબ તરીકે, લોટમાં નખાતા મીઠા જેટલા પ્રમાણમાં આવે તો એ માનવીય અને ક્ષમ્ય ગણાય, પણ મોટા ભાગના કિસ્સામાં આગળ જણાવેલી તિકડમબાજીનો જથ્થો લોટ જેટલો અને ગુણવત્તાનું પ્રમાણ મીઠા જેટલું રહી જાય છે. ઘણાખરા વાચકો આવો ભેદ પાડી શકતા નથી અથવા એવી તસ્દી લેતા નથી. અેટલે આ ચક્કર ચાલતું રહે છે.

૪) આવું થોડાં વર્ષ લાગલગાટ ચાલુ રહે એટલે તે ચેઇન રીએક્શન બની જાય છેઃ આપબડાઈથી લોકપ્રિયતા વધે અને લોકપ્રિયતા વધે એટલે આપબડાઈની પ્રવૃત્તિ વધુ ને વધુ બેશરમીપૂર્વક, લગભગ અધિકારના ભાવથી, વધુ ને વધુ સ્વીકૃતિ સાથે વધતી રહે.

વાચકોનો અપરસ બહેકાવતા, તેમની સમક્ષ વિવિધ વેશ કાઢતા, લખનાર તરીકેની લોકપ્રિયતાનો મોટો ભાગ ગુણવત્તા સિવાયના રસ્તે મેળવનારા તેમની ટીકાને 'ઇર્ષ્યાનું પરિણામ'ગણાવે, એ સ્વાભાવિક છે. કારણ કે, સચ્ચાઈ તે જાણે છે, પણ સ્વીકારી શકે એમ નથી. ઉલટું, એ પોતાની તિકડમબાજીને આજના જમાનામાં અનિવાર્ય એવા માર્કેટિંગનો હિસ્સો ગણાવીને, એમની સાથે છીછરાં પાણીમાં છબછબીયાં ન કરનારને વેદીયા કે જૂનવાણી તરીકે ખપાવી શકે છે.

૫) માર્કેટિંગ વિશે પણ સમજી લેવા જેવું છે. તે બે પ્રકારનું હોયઃ લખાણનું અને જાતનું. લખાણનું માર્કેટિંગ એટલે લખાણ વધુમાં વધુ વાંચનારા સુધી પહોંચે એવા પ્રયાસ. જાતનું માર્કેટિંગ એટલે પોતાની બડાઈઓને લખાણમાં ભેળવીને, મહત્તમ મુગ્ધ-ભોળા-અંજાઉ વાચકોને સુધી પહોંચાડવાનો પ્રયાસ.
ઘણા લોકપ્રિય લખનારા માર્કેટિંગ બીજા પ્રકારનું કરે અને ટીકા થાય ત્યારે તે પહેલા પ્રકારના માર્કેટિંગનો મહિમા ગાવા લાગે છે તથા એ કેટલું જરૂરી છે ને એમાં મરજાદી ન રહેવાય, એવી ડહાપણની વાતો કરે છે. કોઈ પણ વાતમાં ડોકાં ધુણાવનારો એક વર્ગ વિચારે છે, 'વાત તો સાચી છે. માર્કેટિંગ કરવામાં શું ખોટું છે?’ એમ તો, જાતનું માર્કેટિંગ કરવું પણ ગુનો નથી. પરંતુ વાત લખનાર તરીકેની ગુણવત્તાની થતી હોય ત્યારે જોવું પડે કે તેમાં લખાણની ગુણવત્તાનો હિસ્સો કેટલો છે અને બેશરમીથી કરેલા જાતના માર્કેટિંગનો કેટલો હિસ્સો.

૬) કોઈ લખનારનાં બધાં લખાણ એકસરખાં ઉત્તમ હોઈ શકે નહીં. લખનારની કક્ષા અને ખાસ તો તેના ઇરાદા તેમનાં બહુમતી લખાણ પરથી નક્કી થાય છે—આક્રમક સ્વબચાવ માટે હથિયારની જેમ વપરાતાં છૂટાંછવાયાં સૅમ્પલ પરથી નહી.

લખનારનો એક વર્ગ પોતાને જે આવડે છે તે, પોતાને જે કહેવું છે-આપવું છે તે, પોતાની જમીન પર રહીને, પોતાની લોકપ્રિયતા ઉભી થશે કે નહીં, એની ગણતરી માંડ્યા વિના લખે છે. તેમનો હેતુ વાચકોને (પોતાની સમજ પ્રમાણેની) સારી સામગ્રી આપવાનો હોય છે.  આવાં લખાણ નકામાં, મીડિઓકર (મધ્યમ બરનાં) કે ઉત્તમ હોઈ શકે. એ લખનારની કક્ષા ને સજ્જતાનો સવાલ છે, પણ તેમની દાનત વાચકોને આંજીને વાચનસામગ્રીના નામે પોતાનું માર્કેટિંગ કરી નાખવાની અને ઝટપટ સેલિબ્રિટી બની જવાની નથી. તેમના પ્રયાસ પ્રામાણિક છે.

લખનારાનો બીજો--અને છેલ્લાં થોડાં વર્ષોમાં ઝડપભેર વધી રહેલો વર્ગ એવો છે, જેમના મનમાં લખાણની ગુણવત્તા બીજા ક્રમે રહે છે અને બહુમતી વાચકોને પહેલી તકે પ્રભાવિત કરવાનું પહેલા ક્રમે. એવાં લખાણોના ઘણા વાચકો લખનારને ફક્ત સરસ લેખક ન ગણતાં, સેલિબ્રિટી ગણવા પ્રેરાય છે (એ માટેની 'પ્રેરણા' લખનારે જ લેખમાં પૂરી પાડેલી હોય છે.)  આવાં લખાણો વિશે ઠરેલ વાચકો સાથે ઠંડા કલેજે વાત કરવામાં આવે તો તરત તે સમજી જાય કે 'હા, ટીકા ઇર્ષ્યાવશ નથી. વાત સાચી છે.’ પણ લખનારે અવિરતપણે કરેલા પોતાના મહિમાની અને તેને મળેલી વ્યાપક સ્વીકૃતિની છાપ એવી જામેલી હોય છે કે સચ્ચાઈ જાણ્યા પછી પણ બહુમતી વાચકો અહોભાવમાંથી નીકળી શકે નહીં. (વાચકોની માનસિકતા અલગ ચર્ચાનો મુદ્દો છે. જોકે, આ વિશ્લેષણના ઘણા મુદ્દા વક્તાઓ અને વક્તવ્યોને લાગુ પાડી શકાય છે.)

ગુજરાતી કટારલેખનમાં અને વક્તવ્યોમાં આ સિલસિલાની શરૂઆત (ઓછામાં ઓછી) ત્રણ-ચાર દાયકા પહેલાં થઈ હતી. હવે તેનો ભરબપોર ચાલી રહ્યો છે.

1 comment:

  1. મૌલિક ચોકસી10:49:00 PM

    અદભૂત છણાવટ અને સાચું તર્કબધ્ધ વિશ્લેષણ

    ReplyDelete