Wednesday, February 21, 2018
અસલી NPA : બાબુઓ અને નેતાઓ
સૌથી પહેલાં નક્કી કરી લઈએઃ આપણો હેતુ શો છે? કૉંગ્રેસના લાભાર્થે મોદી-ભાજપને દોષી ઠરાવવાનો? મોદી-ભાજપના લાભાર્થે 'આ બધું તો કૉંગ્રેસના રાજમાં થયું હતું’ એવી ભક્તિમય દલીલ કરીને, કૉંગ્રેસ પર ટોપલો ઢોળી દેવાનો? કે પછી જે રૂપિયાનું કૌભાંડ થયું છે, તેના માલિક તરીકે બંને 'ચોકીદારો'ને લાઈનમાં ઉભા કરી દેવાનો?
બંને પક્ષો ઈચ્છે છે કે આપણે રૂપિયાના માલિક તરીકે રજૂ થવાને બદલે, પક્ષીય વફાદારીઓના ગુલામ બનીને રહી જઈએ. ભાજપવાળા દડો કૉંગ્રેસ બાજુ ફેંકે ને કૉંગ્રેસવાળા ભાજપ બાજુ. આ રમતમાં આપણે એવા મશગૂલ થઈ જઈએ કે આ રમતમાં બેમાંથી કોઈ પણ જીતે, આપણે હારવાના જ છીએ, એ સચ્ચાઈ આપણે ભૂલી જઈએ.
સમજવાનો પ્રાથમિક અને મહત્ત્વનો મુદ્દો એ છે કે નીરવ મોદી એન્ડ કંપનીના કૌભાંડમાં દોષી એવા મુખ્ય પક્ષો એક નહીં, (ઓછામાં ઓછા) પાંચ છે. એ દરેકના દોષની માત્રા ઓછીવત્તી હોઈ શકે, પણ તેમના દોષની ગંભીરતા એકસરખી છે. નાગરિક તરીકે આપણે જેમને કઠેડામાં ઉભા રાખવાના થાય અને કાંઠલા પકડીને જેમની પાસેથી જવાબ માગવાના થાય એવા પાંચ પક્ષો એટલે
કૉંગ્રેસઃ નીરવ મોદીના પંજાબ નેશનલ બૅન્ક સાથેના કૌભાંડની શરૂઆત યુપીએ સરકારના રાજમાં થઈ અને લગભગ ચારેક વર્ષ સુધી તે બેરોકટોક ચાલ્યું. ત્યાં લગી સરકારી એજન્સીઓ અને નાણાં મંત્રાલય શું કરતાં હતાં? કોઈ સરકાર કે મંત્રી એવો બચાવ રજૂ કરે કે 'અમને આની ખબર ન હતી' તો, એ નિર્દોષતાનું પ્રમાણ નહીં, ગુનાનો એકરાર ગણાવો જોઈએ. કેમ કે, તમારું જે કામ હોય અને જે કામ માટે તમને રૂપિયા ચૂકવાતા હોય, એ જવાબદારી અદા કરવામાં નિષ્ફળ જાવ તો તેની સજા થાય. (હા, આ લોકપ્રતિનિધિઓ સેવા નથી કરતા, નોકરી કરે છે, પગાર-ભાડાં-ભથ્થાં અને ઘણા કિસ્સામાં તગડી લાંચ પણ લે છે.) હળવામાં હળવી સજા એ હોય કે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે. ન્યાયી સજા એ ગણાય કે કૌભાંડમાં તેમનું કેવળ અજ્ઞાન હતું કે સામેલગીરી, તેના આધારે જેલનાં વર્ષોની મુદત નક્કી થાય, જેથી ભવિષ્યમાં બીજા લોકો પર દાખલો બેસે.
કૉંગ્રેસના કિસ્સામાં હળવી સજા તો થઈ. લોકોએ તેને 'નોકરી’માંથી બુરી રીતે તગેડી મૂકી. તેની જગ્યાએ પરદેશનું કાળું નાણું 100 દિવસમાં દેશમાં આણી દેવાથી માંડીને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહીના અનેક વાયદા કરનાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા.
નરેન્દ્ર મોદી અને ભાજપ: અહેવાલો મુજબ, આ કૌભાંડ યુપીએ સરકારના જમાનાથી ચાલતું હતું. નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યાર પછી સમયાંતરે વડાપ્રધાનની કચેરીને આ કૌભાંડ વિશે જાણ કરવામાં આવી. પરંતુ નીરવ મોદી સામે કોઈ તપાસ કે પગલાં લેવામાં ન આવ્યાં. ઉલટું, દાઓસમાં વડાપ્રધાન સાથેના ગ્રુપફોટોમાં નીરવ મોદી દૃશ્યમાન થયા.
વડાપ્રધાન મોદી પાસેથી આપણે માગવાના જવાબઃ આ કૌભાંડ વિશે તમારી કચેરીને પહેલવહેલી જાણ ક્યારે થઈ? (માહિતી અધિકાર પ્રમાણે ઉપલબ્ધ માહિતી કરતાં જુદો જવાબ આપે તો વડાપ્રધાનને આંતરી શકાય.) જાણ થયા પછી તમે નીરવ મોદીના કૌભાંડમાં કેવી અને કેટલી તપાસ કરાવી? (દસ્તાવેજો પૂરા પાડવામાં આવે તો પાછલી તારીખમાં ઉભા કરી દેવાયેલા નથી, તેની ખાસ ચકાસણી કરવી. ફોરેન્સિક નિષ્ણાતો એ કરી શકે.) તમને બધે ખબર હોવા છતાં, નીરવ મોદી સપરિવાર કેવી રીતે પરદેશ છટકી ગયો? અગાઉ કૉંગ્રેસના મુદ્દે લખ્યું છે તેમ, વેળાસર જાણ થયા છતાં તમને ખબર ન હોય, તો એ તમારી નિર્દોષતા નહીં, ગુનાની કબૂલાત ગણાય. અને ખબર હોવા છતાં કશું ન કર્યું તો એ તમારી સામેલગીરીની અથવા ગુનાઇત આંખ આડા કાનની કબૂલાત ગણાય.
તેમનો ગુનો વધારે ગંભીર એટલા માટે બને છે, કારણ કે તેમણે ભ્રષ્ટાચારનો મુદ્દો બહુ ગજવ્યો, ભ્રષ્ટાચારવિરોધ દેખાડી દેવાની લ્હાયમાં નોટબંધી જેવું આત્યંતિક અને જુગારી પગલું પણ ભર્યું. દાવો આટલી બધી પ્રતિબદ્ધતાનો-ચોકીદારીનો અને નીરવ મોદી આટલો મોટો ખેલ ખેલીને નાસી જાય ત્યારે તે ઉંઘતા ઝડપાય (કે જાગતા ઉંઘે)? ગુજરાતીભાષીઓને તો ઢાંકણી અને પાણી જ યાદ આવે.
બૅન્ક-એલ.આઇ.સી-જાહેર સંસ્થાઓ: જાહેર ક્ષેત્રની બૅન્કો અને લાઇફ ઇન્સ્યોરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા જેવી કંપનીઓ ઉદારીકરણનાં 27 વર્ષ પછી પણ નીતાંત સરકારી ધોરણે ચાલે છે. સરકારી ધોરણ એટલે સત્તા અફસરોની, રૂપિયા પ્રજાના અને જવાબદારી? કોઈની નહીં. જાહેર ક્ષેત્રની બૅન્કોના અફસરો આડેધડ નાણાં ધીરે અથવા એક પ્રકારની હૂંડીઓ (લેટર ઑફ અન્ડરટેકિંગ-LoU) લખી આપે. અત્યારે અપાયેલા ખુલાસા પ્રમાણે, મુંબઈની ફૉર્ટ શાખાના ડેપ્યુટી મૅનેજર નીરવ મોદીને લાગલગાટ વર્ષો સુધી આવા LoU જારી કરી આપતા રહ્યા. દર ત્રણ વર્ષે બદલી થવાનો નિયમ પણ તેમને લાગુ ન પડ્યો. અને આવું થોડા મહિના નહીં, વર્ષો સુધી ચાલ્યું. સવાલ એ થાય કે ત્યાં સુધી બૅન્કના ઉપરીઓનું તંત્ર શું કરતું હતું? આવું ધ્યાન રાખવું એ તેમની નોકરી છે. એમાં ફરજચૂક થાય તો ડેપ્યુટી મૅનેજરથી શરૂ કરીને, ઉપર જેમની જેમની જવાબદારીમાં-સત્તાક્ષેત્રમાં આ બાબત આવતી હોય અથવા જેમની નજર નીચેથી એ વર્ષના અહેવાલો પસાર થયા હોય, એ સૌ સામે પગલાં લેવાવાં જોઈએ. આ ફક્ત નીરવ મોદી કૌભાંડને જ નહીં, નૉન-પરફૉર્મિંગ અસેટ્સના નામે ચાલતાં બીજી બૅન્કોનાં સંદેહાસ્પદ ધીરાણને પણ લાગુ પડે છે. એવું જ, પંજાબ નેશનલ બૅન્કમાં રોકાણ કરનાર અને થોડા સમય પહેલાં રોકાણમાં વધારો કરનાર એલ.આઈ.સી.ને પણ લાગુ પડે છે. એક અહેવાલ પ્રમાણે, છેલ્લા એક દાયકામાં સરકારે જાહેર ક્ષેત્રની બૅન્કોના ગોટાળાના લાભાર્થે રૂ. ૧ લાખ કરોડથી પણ વધારે રકમ ફાળવી છે. એ રકમ સરકારી એટલે કે પ્રજાકીય છે, જેમાંની ઘણીખરી ફરી એક વાર આવા જ ગોટાળિયાઓને ધીરવામાં ખર્ચાય છે.
નિયામક સંસ્થાઓઃ જાહેર બૅન્ક-વીમો આ બધાં ક્ષેત્રે સંસ્થાઓ સીધા રસ્તે ચાલે, એ માટે નિયામક (રૅગ્યુલેટરી) માળખાં રચવામાં આવે છે (જે પણ સરકારી જ હોય છે.) આ હદનું અંધેર આટલાં વર્ષ સુધી ચાલતું રહે ત્યાં સુધી નિર્ણાયક સંસ્થાઓ શું કરતી હતી? અને તેમની જવાબદારીનું શું? એવી જ રીતે, હિસાબો તપાસનારા અને તેમને પ્રમાણભૂત કરનારા વ્યાવસાયિકો-સંસ્થાઓની જવાબદારીનું શું? છીંડે ચડેલા ચોર માટે ઉભી થયેલી આખી સપોર્ટ સીસ્ટમને કેવી રીતે અવગણી શકાય?
નીરવ મોદી પરિવારઃ એ લોકોનો ગુનો સ્વયંસ્પષ્ટ છે.
આપણે યાદ રાખવાના ગુનેગારો ક્રમાંક ૧થી ૪ સુધીના છે. તેમાંથી કોનો દોષ વધારે ને કોનો ઓછો, એ તપાસથી નક્કી થઈ શકે, પણ તેમાંથી કોઈનો નિર્દોષતાનો દાવો આપણી આંખમાં ધૂળ નાખવા બરાબર ગણાય.

Labels:
bjp,
congress,
Narendra Modi/નરેન્દ્ર મોદી
Subscribe to:
Post Comments (Atom)
આવ ભાઈ હરખા, આપણે બંને સરખા.
ReplyDelete