Tuesday, May 31, 2016

સુપરપાવર અમેરિકાની 'ટ્રમ્પ-ઘટના'

અમેરિકી રાજકારણના નજીકના ઇતિહાસની કદાચ સૌથી શરમજનક ઘટના ગયા સપ્તાહે બની : રીપબ્લિકન પક્ષના ડોનાલ્ડ ટ્રમ્પે પક્ષની આંતરિક ચૂંટણીમાં જરૂરી મત મેળવી લીધા અને પ્રમુખપદની આખરી સ્પર્ધામાં પોતાની ઉમેદવારી પાકી કરી લીધી.

અમેરિકાના રાજકારણમાં ટ્રમ્પ-ઘટનાપહેલી વારની નથી. ટ્રમ્પને ન્યાય ખાતર કહેવું પડે કે  અણઆવડત, અગંભીરતા, છૂટી જીભથી વાગતા ગોટાળા જેવી બાબતોમાં જ્યોર્જ બુશ (જુનિયર) ટ્રમ્પને મજબૂત હરીફાઇ પૂરી પાડે એવા હતા. છતાં, અમેરિકાના રાજકારણમાં તે રાજ્યના ગવર્નર (મુખ્ય મંત્રી) તરીકે સફળ કારકિર્દી બનાવી શક્યા. ત્યાર પછી બબ્બે મુદત માટે તે અમેરિકાના પ્રમુખ પણ બન્યા. અમેરિકાને યુદ્ધખોરી અને દેવાદારીના રસ્તે છેક આગળ લઇ જવામાં જ્યોર્જ બુશ (જુનિયર)નો મોટો ફાળો હતો. છતાં, તેમણે લોકશાહી ઢબે ચૂંટાઇને આઠ વર્ષ સુધી અમેરિકા પર રાજ કર્યું.

ભારતમાં વર્ષો સુધી એક પક્ષની (કોંગ્રેસની) એકહથ્થુ સત્તા અને તેના વિકલ્પે શંભુમેળા સરકારોની અસ્થિરતાથી ત્રાસેલા ઘણા લોકો અમેરિકા ભણી મીટ માંડતા હતા. તેની પ્રમુખશાહી પદ્ધતિ અને ફક્ત બે રાષ્ટ્રિય પક્ષોની વ્યવસ્થા કેટલાકને આદર્શ અથવા ઇચ્છનીય લાગતી હતી. જ્યોર્જ બુશ (જુનિયર)ની બબ્બે વારની જીતે આ માન્યતા સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો હતો. હવે ટ્રમ્પની ઉમેદવારીએ દ્વિપક્ષી પ્રમુખશાહી આદર્શ કે ચડિયાતી હોવાની માન્યતાને સાવ અભરાઇ પર ચડાવી દીધી છે. ભવિષ્યની સ્પર્ધામાં ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ ન બની શકે તો પણ અમેરિકાના રાજકારણને તેમણે એક નવા તળિયે પહોંચાડી દીધું છેઅને તે પ્રમુખ નહીં જ બને એવું ખાતરીપૂર્વક કહી શકાય એમ નથી.

કેમ કે, ડોનાલ્ડ ટ્રમ્પે રૂઢિચુસ્ત ગણાતા રીપબ્લિકન પક્ષમાંથી પોતાની ઉમેદવારી જાહેર કરી, ત્યારે પણ તેમને કોઇએ ગંભીરતાથી લીધા ન હતા. અનેક ધંધા ધરાવતા અબજોપતિ, જીભછૂટા, રીઆલીટી શોમાં રહી ચૂકેલા, પોતાના નામનાં ઉત્પાદનો ધરાવતા, મહિલાઓના મામલે બેશરમ-અસભ્યની છાપ ધરાવતા ટ્રમ્પ આમ પણ અભિમાની માલેતુજારના અમેરિકન નમૂના લેખે વધારે જાણીતા હતા. પ્રમુખપદની ચૂંટણીમાં શરૂઆતના તબક્કે પક્ષનો ઉમેદવાર નક્કી કરવા માટે હરીફાઇ થાય ત્યારે તેમાં આવા નમૂનાની નવાઇ હોતી નથી. તેમના થકી પ્રમુખપદની ચૂંટણીમાં ઠીક ઠીક મનોરંજન ઉમેરાતું હોય છે. પરંતુ એક પછી એક રાજ્યોમાંથી પોતાની ઉમેદવારી માટે ટેકો મેળવવાની, પ્રાયમરી તરીકે ઓળખાતી ગંભીર કવાયત શરૂ થાય, ત્યારે આવા ઉમેદવારો ખડી પડે છે.

બધાની ધારણાથી વિપરીત, ટ્રમ્પના કિસ્સામાં એવું ન બન્યું. છ મહિના પહેલાં જેમની ઉમેદવારીને હસી કાઢવામાં આવતી હતી એ ટ્રમ્પ એક પછી એક વિધ્નો વટાવતા, પોતાની નમૂનાગીરીને જરાય મોળી કર્યા વિના, બલ્કે, એની પર મદાર રાખીને, છેલ્લા તબક્કા સુધી પહોંચી ગયા છે. ટ્રમ્પની ઉમેદવારીમાં અમેરિકાની નામોશી જોનાર વર્ગ હવે એ દુઃસ્વપ્નનો સામનો કરી રહ્યો છે કે આ ભાઇ અમેરિકાના પ્રમુખ બની જશે તો?’

નીતિવિષયક સ્પષ્ટતાઓ કે સૂઝ સાથે ટ્રમ્પને આડવેર છે. અર્થતંત્રથી માંડીને વિદેશનીતિ જેવી બાબતોમાં તેમને સમજ નથી પડતીઅને એ જાણવા માટે ઊંડા અભ્યાસની જરૂર નથી. તેમનાં બે-ચાર ભાષણ સાંભળી કે વાંચી લેવા પૂરતાં છે. પ્રમુખપદના ઉમેદવાર હોવા છતાં, તદ્દન શેરીકક્ષાનાં ભાષણો આપતાં તેમને જરાય ખચકાટ થતો નથી. મુસ્લિમો વિશે એ બેફામ બોલી શકે છે, પાડોશી દેશ મેક્સિકોની સરહદે દીવાલ બાંધવા જેવા મોંમાથા વગરના આઈડીયા ગંભીરતાપૂર્વક ભાષણોમાં કહી શકે છે. રશિયાના માથાભારે (અને કંઇક અંશે પોતાના જેવાં લક્ષણો ધરાવતા) નેતા પુતિન સાથે તે સારા સંબંધ રાખવાની વાત કરી શકે છે. ઘડીકમાં તે ભારતને ગમે એવું, તો ઘડીકમાં એ ભારત વિશે ગમે તેવું બોલી શકે છે. ટ્રમ્પ એક એવી બંદૂક છે, જે ગમે તે દિશામાં ફૂટી શકે છે અને ગમે તેને અડફેટે લઇ શકે છે. સભ્યતાના, સજ્જનતાના અને રાજદ્વારી ગંભીરતાનાં એકેય ધોરણ એમને નડતાં નથી ને એકેય ધોરણમાં તે બંધ બેસતા નથી.

સામાન્ય રીતે, આ સ્તરની ચૂંટણીમાં ઉમેદવારનો એકાદ બફાટ તેની ઉમેદવારીની આકાંક્ષાઓનો અંત આણવા માટે પૂરતો થઇ પડે. પરંતુ ટ્રમ્પના કિસ્સામાં એવું બનતું નથી. એ બફાટ પર બફાટ કર્યે જ જાય છે અને તેમની ઉમેદવારી પર કશી અસર પડતી નથી. ઉલટું, લોકો તેમની કથિતમર્દાનગીઅને વીર ચોખ્ખું કહેવાવાળાની છાપને કારણે તેમનું બધું માફ કરવાના મૂડમાં હોય એમ લાગે છે. આ પ્રકારની માનસિકતા ભારતમાં 2014ની લોકસભા ચૂંટણીઓ પહેલાં જોવા મળી હતી. વિશ્વના બીજા દેશોમાં પણ તેનો ઉદય થયો છે. જેમ કે, યુરોપના દેશ ઓસ્ટ્રિયામાં આ મહિને થયેલી ચૂંટણીમાં એક જમણેરી ઉમેદવાર સહેજ માટે પ્રમુખપદની ચૂંટણી હારી ગયા છે. તેમની હારનો નહીંવત્ તફાવત ઘણાને ચિંતાનું કારણ લાગ્યો છે.

આ પ્રકારના ઉમેદવારો માટે અનુકૂળ સંજોગો પેદા થવાનાં કેટલાંક કારણ: અસ્થિર અર્થતંત્ર, સરેરાશ લોકોમાં પ્રસરેલી અસલામતી, બહારથી પોતાના દેશમાં આવેલા અથવા પરંપરાગત રીતે બીજા’ (ધ અધર) ગણાતા લોકો પ્રત્યેની શંકાશીલ વલણ, ચાલુ સરકારો માટેનો અસંતોષ...આ બધાથી ઘેરાયેલા લોકો સારા-નરસાનો, વાસ્તવિક-અવાસ્તવિકનો કે ઇચ્છનીય-અનિચ્છનીયનો ભેદ પારખવાને બદલે ફિલ્મી સ્ટાઇલમાં શત્રુની સ્પષ્ટ ઓળખ, તેનો પરાજય અને પોતાના દેશનો જયજયકાર ઇચ્છે છે. આવું ફિલ્મી સપનું તેમને જે બતાવે અને જેટલા વધારે બેફામ થઇને બતાવે, એ તેમનો હીરો. આવાં સપનાં બતાવતી વખતે તેને સાચું કેમ કરીને પાડીશું, એવી ચિંતા ટ્રમ્પ પ્રકારના ઉમેદવારે કરવાની હોતી નથી. જમણેરી રાજકારણના ખેલાડીઓ દેશભક્તિના નામે ઠાલી સાથળપછાડથી મર્દાનગીનો આભાસ ઉભો કરવામાં પાવરધા હોય છેપછી તે ભારત હોય, અમેરિકા હોય કે રશિયા.


અમેરિકામાં જેમનું એકંદરે ઠેકાણે છે એવા લોકો અને કેટલાંક પ્રસાર માધ્યમો લોકોને ટ્રમ્પના અસલી રંગોનો પરિચય કરાવી રહ્યાં છે. છતાં, સમસ્યાઓના ઉકેલ માટે સુપરમેનની તલાશ કરતા લોકો, એવો દાવો કરનાર કોઇ મળી જાય તો મૂલ્યો બાજુ પર મૂકીને, બધા અવગુણ નજરઅંદાજ કરીને એવાસુપરમેનને તક આપવા ઉત્સુક હોય એવું અત્યાર સુધીના ઘટનાક્રમ પરથી લાગે છે. ભારતીયો આ ખેલ બે વર્ષ પહેલાં જોઇ ચૂક્યા છે. લાગે છે કે હવે અમેરિકાનો વારો છે.

2 comments:

  1. ચંદુ મહેરિયા3:11:00 PM

    ટ્રમ્પ ઘટના વિશે વાંચું છું ત્યારે જ સમાચાર મળે છે કે સેન્ડર્સ હીલેરીને માત કરવામાં આગળ વધી રહ્યા છે. સૌ કોઈ ટ્રમ્પમાં સેન્ડર્સને ભૂલી ન જાય તો સારુ.

    ReplyDelete
  2. Hiren Joshi USA1:58:00 AM

    It appears you are trying to criticize Narendra Modi while focusing on Donald trump. Anyways, you can add two more reasons for favorable circumstances for Trump in USA.
    1. No prominent or qualified candidate in Republican party
    2. Trump is perceived an ‘outsider” and nonpolitical figure. US voters are tired of typical politicians and their dismal record.

    ReplyDelete