Friday, May 13, 2016

ફૅન : પંખો માણસનો કે માણસ પંખાનો ?

પંખો ઉનાળાનો દેવદૂત છે--એવું હજુ સુધી કોઇ નબળા ચિંતકે લખ્યું ન હોય તો હજુ મોડું થયું નથી. આ નિવેદન કોઇની --પંખામાં જીવ હોત તો પંખાની જ--લાગણી દુભાવી શકે એમ છે. પરંતુ દેવત્વનો કે દેવદૂતત્વનો ઇન્કાર કરવો, એ સંતજનનું લક્ષણ છે અને તેમના ઇન્કારને ભારપૂર્વકનો સ્વીકાર ગણી લેવો એ ભક્તજનનું લક્ષણ છે.  કેટલાક કથાકારો બિચારા કહી કહીને થાકી જાય છે કે તે મારાતમારા જેવા સામાન્ય માણસ છે. છતાં લોકો માનતા નથી અને તેમનાથી અવિરતપણે અંજાતા રહે છે. આવા ભક્તજનોને અંગ્રેજી રીતિ પ્રમાણે પંખા’ (ફૅન’) કહી શકાય.

પણ વાત બે પગવાળા નહીં, ત્રણ કે ચાર પાંખીયાંવાળા પંખાની ચાલતી હતી. પંખામાં દૈવી ગુણોનું આરોપણ ન કરીએ તો પણ, એટલું તો નક્કી છે કે પંખો માણસજાતનો સર્વ ૠતુઓમાં સાથી (ફૅન ફૉર ઑલ સીઝન્સ) છે. જગતને ફક્ત કાળાધોળા રંગમાં જોનારા પંખાને ઉનાળુ સાધન ગણે છે. તેમને મન બાકીની ૠતુઓમાં પંખો નકામો છે. પંખો તેમની પહોંચમાં હોત તો શિયાળામાં એ લોકો પંખાનાં પાંખીયાંનો ઉપયોગ કદાચ કપડાં સૂકવવા માટે કરતા હોત. પરંતુ કાનૂન કરતાં લાંબા હાથ ધરાવતા ઇલેક્ટ્રિશ્યનો-અન્ય કારીગરો પણ વગર ટેબલે પંખા સુધી પહોંચી શકતા નથી. પછી પામર મનુષ્યોનું શું ગજું?

ઉનાળા દરમિયાન ભોજનમાં જે સ્થાન રસનું છે, તે રૂમમાં પંખાનું છે. (મોટે ભાગે ઑફિસના ખર્ચે) ઍર કન્ડિશનિંગ યંત્રોની સુવિધા ભોગવતા લોકો કહી શકે છે કે ના, એ સ્થાન તો એસીનું છે.પણ અહીં સ્વખર્ચે ભોગવી શકાતી સુવિધાઓની વાત ચાલે છે. એ દૃષ્ટિએ એસી --અને હવે તો કેરીનો રસ (હા ભાઇ, કેરીનો. કેરીના નામે, કેરી કરતાં સસ્તો મળે છે એ રસ નહીં)-- પણ હજુ ઘણાખરા લોકોની પહોંચની બહાર છે. પરંતુ પંખો સરકારની કોઇ પણ યોજના કરતાં વધારે અસરકારક રીતે ગરીબલક્ષી ગતિ કરતો રહ્યો છે. પંખાની હવા સૌને પોસાય છે. આ વાત જાહેર હોવા છતાં, લખી દીધા પછી સમજાય છે કે એ ખાનગી રાખવા જેવી હતી. કારણ કે નાણાંમંત્રીને જો આ વાતની બત્તી થશે તો ભવિષ્યનાં બજેટમાં કૃત્રિમ હવા ઉપર ઍટ સોર્સ ટૅક્સ લગાડવામાં આવશે. કારણ કે તે જીવનજરૂરી નથી અને જેને પંખો પોસાતો હોય તેને પંખાનો ટેક્સ પોસાય જ, એવું મંત્રીવર્ય માની શકે છે. આવું થાય તો પંખાનાં અલગ મીટર કરીને કે ચાલુ મીટરમાં પંખાના વપરાશની સરેરાશ નક્કી કરીને તેના વીજળી બિલ પર બે-પાંચ ટકા સરચાર્જ ફટકારી દેતાં સરકારોનું રુંવાડુંય નહીં ફરકે. આ કલ્પના જેમને હાસ્યાસ્પદ લાગતી હોય તેમને યાદ કરાવવાનું કે પાણી વેચાતું મળશેએ કલ્પના પણ થોડાં વર્ષો પહેલાં આવી જ લાગતી હતી.

ઉનાળામાં પંખાનું સ્થાન ભારતીય લગ્નજીવનમાં પતિ (કે પત્ની) જેવું બની જાય છે-- એટલું અગત્યનું કે એના વિના જરાય ચાલે નહીં, છતાં એની હાજરીથી સંતોષ ન થાય અને એક હદ પછી એનાથી અકળામણ પણ થયા કરે. ચહેરો શરમથી નહીં, પણ તડકાથી લાલ (કે કાળો) થઇ જાય એવી ગરમીમાં માણસ ઘરમાં આવે એટલે એનો હાથ સૌથી પહેલાં પંખાની સ્વિચ પર જાય. ભારતની આર્કિટૅક્ચરની કે સિવિલ એન્જિનિયરિંગની કૉલેજોમાં શું ભણાવે છે એ તો એ લોકો જાણે, પણ એક વાત નક્કી છે : ભારતમાં કોઇ મકાન આબોહવાને અનુરૂપ ન હોવું જોઇએ, એનો તેમણે પાકો બંદોબસ્ત કર્યો છે. અથવા તો જેમને એ કળા આવડે છે એ જાણકારો એવા લોકો માટે ઘર ડીઝાઇન કરે છે, જેમને રૂમે રૂમે બલ્કે રૂંવે રૂંવે (સૅન્ટ્રલાઇઝ્‌ડ) એરકન્ડિશનર પોસાતું હોય.

ઘરમાં દાખલ થતાંવેંત માણસ એ અપેક્ષાએ પંખો ચાલુ કરે છે કે ટૂંક સમયમાં, રોમૅન્ટિક લેખકો લખે છે તેમશીતળ હવાની લહેરખી તેના સમગ્ર અસ્તિત્ત્વને ગુલાબી અહેસાસમાં લપેટી લેશે. પરંતુ હાય રે ગરમી. ઘણી સ્નેહીઓની જેમ પંખાને ફરતો જોઇને એવું લાગે કે તે આપણા લાભાર્થે કેટલી મહેનત કરે છે. તેના આપણે આભારી રહેવું જોઇએ.પરંતુ તેની કામગીરીનું પરિણામ આપણા માટે અકળામણ પેદા કરનારું સાબીત થાય છે. જોતજોતાંમાં પંખામાંથી એવી ગરમ હવા ફેંકાવા લાગે છે, જાણે પંખો આપણે નહીં, પણ ઑફિસના બૉસે આપણને સજા કરવા માટે ફીટ કરાવ્યો હોય.

ઉનાળામાં પંખો શરૂ થાય ત્યારે માણસને તેની હવા ઓછી લાગે છે. એટલે ઉકળાટ અનુભવતો માણસ એટલા જોરથી રૅગ્યુલેટરનું ચક્કર મચેડે છે કે તે આખું ગોળ ફરી જવાની શંકા જાગે. શૂન્યથી પાંચ સુધીના આંકા ધરાવતા રૅગ્યુલેટર પર વધારે પડતું જોર ઠાલવનાર એ ભૂલી જાય છે કે એ રૅગ્યુલેટરમાં પાંચ પછી છ નહીં, શૂન્ય આવશે. ઘણા લોકોનાં મગજ પંખાના રૅગ્યુલેટર જેવાં હોય છે. તેમની સાથે બળજબરીથી કામ કરાવવા માગતા લોકો હદબહારનું દબાણ કરે ત્યારે કામ કરનાર માણસનું રૅગ્યુલેટરપાંચ પછી સીધું શૂન્ય પર આવી શકે છે.

મનુષ્ય સમાજની જેમ પંખાસમાજમાં મૂકસેવકો ઓછા હોય છે. મોટા ભાગના પંખા હું ફરું, હું ફરુંએવા અજ્ઞાનભર્યા અહમ્‌થી આખો રૂમ ગજવી મૂકે છે. એવા પંખા ફરતા નહીં, પણ નૃત્ય કરતા કે એકાદ આઇટેમ સૉંગ સાંભળીને ડોલતા હોય એવા લાગે છે. તે એટલો બધો અવાજ કરે છે અને ઉનાળામાં એટલી બધી ગરમ હવા ફેંકે છે કે બન્નેમાંથી શું વધારે અસહ્ય છે તે નક્કી કરવું અઘરું થઇ પડે. થોડા વખત સુધી દ્વિવિધ ત્રાસ વેઠ્યા પછી માણસ મન કઠણ કરે છે અને કાગડાકૂતરાના મોતે મરીશ, પણ પંખાની ઘોંઘાટિયા ગરમીને તાબે નહીં થઉંએવા નિર્ધાર સાથે પંખાની સ્વિચ બંધ કરી દે છે. એ સાથે ગતિને કારણે અદૃશ્ય થયેલાં પંખાનાં પાંખિયાં ધીમે ધીમે દેખાવા લાગે છે. ધીમા પડતા સ્ટીમ ઍન્જિનની છુક છુકની જેમ પંખાનો અવાજ ઓછો થાય છે ને પાંખીયાં એક પછી એક ઉપરથી તાકી રહ્યાં હોય એવું લાગે છે. નારાજ પ્રિયતમાની જેમ આ પાંખીયાં પણ જાણે એવું કહેતાં લાગે છે કે ઠીક છે. અત્યારે ઠાંસમાં ને ઠાંસમાં અમને બંધ કર્યાં છે, પણ જોઇએ છીએ. ક્યાં સુધી અમારા વિના તને ચાલે છે.


થાય છે પણ એવું જ : પંખો બંધ થયા પછી થોડી વારમાં રૂમમાં બફારો થવા લાગે છે. વારે ઘડીએ માણસ આશાભરી નજરે પંખા ભણી જુએ છે અને એક જમાનામાં તેમાંથી કેવી અમી જેવી શીતળ હવા પ્રસરતી હતી, એ યાદ કરે છે. પણ તરત તેને યાદ આવે છે કે એમાંથી આવતી દઝાડતી હવાને લીધે જ એને બંધ કરેલો. વાસ્તવિકતા અને કાલ્પનિક અપેક્ષા વચ્ચે થોડો સમય દ્વંદ્વ ચાલે છે, જેમાં છેવટે અપેક્ષાનો વિજય થાય છે. એ મનોમન વિચારે છે, ‘આ તે કંઇ જિંદગી છે? બફાઇને મરી જવા કરતાં, શેકાઇને મરી જવું સારું.અને તે ફરી એક વાર પંખો ચાલુ કરવા ઊભો થાય છે. એ વખતે ઉપર પંખાનાં પાંખીયાં મનોમન મલકતાં જોઇ રહેતાં હશે અને વિચારતાં હશે,‘કેવી સાન ઠેકાણે આવી ગઇ? દુનિયા ભલે માને અને માણસો ભલે ખાંડ ખાતા હોય કે આપણે માણસના ફૅન છીએ. હકીકતમાં માણસ આપણો ફૅન નથી?.

1 comment: