Friday, May 20, 2016

ડિગ્રી વિશે મહા(વાસ્તવિક) નિબંધ

ભારત ડિગ્રીપ્રધાન દેશ છે. તેમાં શિક્ષણ માટે ડિગ્રી નહીં, ડિગ્રી માટે શિક્ષણ અપાય છે. એ પ્રાપ્ત કરનારાને પણ શિક્ષણ કરતાં ડિગ્રી મેળવવામાં, પોતાના નામની આગળ કે પાછળ એકાદ લટકણીયું લગાડવામાં વધારે રસ હોય છે. એમાં પણ પીએચ.ડી. થયેલાને પોતાના વિષયમાં ઊંડા ઉતરીને નામ કાઢવા કરતાં, ટૂંકા રસ્તે પોતાના નામની આગળ ડૉ. લગાડવાનો ઉત્સાહ વધારે હોય છે. બાળપણમાં પોતાના પ્રથમ નામની આગળ ખીજવાચક ડો’ (દા.ત. રવિડો) લાગતાં છેડાઇ પડતા લોકો નામની આગળ ડૉ. લગાડવા માટે ભલભલી ચીજોનાં બલિદાન આપવા તૈયાર હોય છે-- સાહિર લુધિયાનવીના અંદાજમાં કહીએ તોડૉ. બનવા માટે લોકો, જાન ક્યા ચીઝ હૈ, ઇમાન ભી દે દે.

જેમ કે, ડૉક્ટર ઑફ ફિલોસૉફી (ડૉ.) બનવા માટે એક મહાનિબંધ લખવો પડે છે. પરંતુ જ્યોતીન્દ્ર દવેના પ્રખ્યાત નિબંધ મારી વ્યાયામસાધનામાં તેમણે દંડબેઠક કર્યાએમ કહીને કર્તા અધ્યાહાર રાખ્યો હતો. એવી જ રીતે, ઘણા ડૉક્ટરપદેચ્છુકો મહાનિબંધ લખ્યો હોવાનું જાહેર કરે છે, પણ એ નિબંધના ખરા કર્તા અધ્યાહાર હોય છે. ગામમાં કેટલાક લોકો અમુક હજાર રૂપિયાના બદલામાં પોતાનું કર્તૃત્વપદ જતું કરવા જેટલી વિરક્તી દાખવી શકે છે. એવા લોકોને ઘોસ્ટ રાઇટર કહેવાય કે સંત? એ વિચારવા જેવું છે. ઘોસ્ટ રાઇટરો પાસે મહાનિબંધ લખાવનારા ઉમેદવારોની ટીકામાં પણ  ધસી જવા જેવું નથી. પીએચ.ડી.ની ડિગ્રીનો આશય જ લોકોમાં વિદ્યાવ્યાસંગ વધારવાનો છે. ઉમેદવાર પોતે પોતાનો મહાનિબંધ લખી નાખે તો એ સ્વાર્થી ઠરે. કારણ કે એમ કરવાથી જેને ડૉક્ટરેટની ડિગ્રી મળવાની છે, એના પૂરતી જ વિદ્યા સીમિત રહે છે. પરંતુ તે ઘોસ્ટ રાઇટર પાસે પોતાના વિષયનો મહાનિબંધ લખાવે, ત્યારે અંતે એકને બદલે બે જણને ત્રણ ફાયદા થાય છે : ઉમેદવારને ડિગ્રી મળે છે, ઘોસ્ટ રાઇટર એ વિષયમાં મહેનત કરીને બધું લખી આપતો હોવાથી, વિદ્યાનો વ્યાપવિસ્તાર થાય છે અને બદલામાં તેને મહેનતાણું ચૂકવવું પડતું હોવાથી, ઉમેદવાર ભારતની મહાગંભીર એવી બેરોજગારીની સમસ્યા યત્કિંચિત્‌ રીતે હળવી કરવામાં નિમિત્ત બને છે. વડાપ્રધાન સમક્ષ યોગ્ય રજૂઆત કરવામાં આવે, તો ઘોસ્ટ રાઇટરોને સ્ટાર્ટ અપનો દરજ્જો અપાવી શકાય. એ ન બને તો તેમને કમ સે કમ મહાનિબંધસહાયકજેવું કશુંક સત્તાવાર નામ આપી જ શકાય. 

રીઢા નિષ્ણાતો માને છે કે મહાનિબંધ મધ્યમપદલોપી સમાસ છે, જેનો વિગ્રહ થાય છે : મહાબોરિંગ નિબંધ. તમામ પ્રકારના વિગ્રહોથી દૂર રહેતા શાંતિપ્રિય લોકોને જુદી રીતે સમજાવી શકાય : જે નિબંધમાં મોટા ભાગનું લખાણ કાં વાંચી ન શકાય એવું અથવા બીજા કોઇનું હોય, તેને મહાનિબંધ કહેવાય. બધી બાબતોની જેમ મહાનિબંધોમાં પણ અપવાદ હોય છે. પરંતુ એવા લોકો ટ્રાફિક સિગ્નલ પર કેસરી લાઇટ જોઇને ઊભા રહી જનારા વેદિયાઓ જેવા હોય છે. તે સમાજની ગતિ અને પ્રગતિ ખોરવી નાખે છે. બધા લોકોએ વાહન ત્રાંસાં પાર્ક કર્યાં હોય અને ત્રાંસું એ જ સીધું ગણાતું હોય, ત્યારે સીધું વાહન પાર્ક કરનારા માણસનાં વખાણ કરવાં જોઇએ કે તેને સજા ફટકારવી જોઇએ? એવી જ રીતે, મોટા ભાગના મહાનિબંધો આગળ જણાવ્યા એ પ્રકારના મધ્યમપદલોપીહોય, ત્યારે વાચ્ય કે સુવાચ્ય મહાનિબંધો લખનારા સામે ઍકેડૅમિક અન્ડરવર્લ્ડના વણલખ્યા નિયમોનો ભંગ કરવા બદલ સખતમાં સખત કાર્યવાહી કરવી જોઇએ. શક્ય હોય તો એ મહાનિબંધ લખનાર શખસના ગાઇડને પણ આકરી સજા કરવી જોઇએ, જેથી ભવિષ્યના ગાઇડો અને મહાનિબંધો લખનારા મહાવિદ્યાર્થીઓ પર દાખલો બેસે.

ડૉક્ટરેટ મેળવવાનું કામ કડાકૂટભર્યું છે. ટિકીટ લેવા માટે લાંબી લાઇનમાં ઊભા રહ્યા પછી, ટિકીટ મેળવવામાં તો માંડ અડધી મિનીટ લાગતી હોય છે. ડૉક્ટરેટનું પણ એવું જ છે. તેમાં વાસ્તવિક કામો કરતાં બીજી પ્રક્રિયાઓનું મહત્ત્વ એટલું વધારે હોય છે કે ડિગ્રી તો ખરેખર સંબંધિત વિષયની નહીં, આખી પ્રક્રિયા દરમિયાન અખૂટ ધીરજ રાખવાની મળવી જોઇએ. આ રસ્તે ડિગ્રી ન મેળવવી હોય એમના માટે બીજો, વધારે સહેલો અને વધારે લોકતાંત્રિક રસ્તો ખુલ્લો છે : રાજકારણમાં દાખલ થવું, કોઇ શિક્ષણમાફિયા સાથે ગુપ્ત રીતે ભાગીદારીમાં ધંધો કરવો અથવા તેમની પર કૃપાવર્ષા રાખવી અને બદલામાં માનદ્‌ ડૉક્ટરેટની ડિગ્રી મેળવી લેવી. બધાને ખબર છે કે ઍવોર્ડની જેમ માનદ્‌ ડિગ્રીઓમાં પણ ગોઠવણો હોઇ જ શકે છે. એટલે શરમાવાની જરૂર નથી.

ઘણા નિરાશાવાદીઓ માને છે કે ડિગ્રીઓનો કશો ઉપયોગ નથી. તેનાં કાગળીયાં જરા જાડાં હોવાથી તે ચવાણાનું કે પ્રસાદનું પડીકું પણ વાળવાના કામમાં પણ આવતાં નથી. આ વાતમાં તથ્ય હોવા છતાં, અતિશયોક્તિ પણ છે. એટલે જ તો, ડિગ્રી મેળવવા માટે માણસ શું શું નથી કરતો. કેટલીક ડિગ્રીઓ નોકરી મેળવવા માટે જરૂરી છે, તો કેટલીક વટ પાડવા માટે. કેટલીક બન્ને હેતુઓ સિદ્ધ કરવામાં ઉપયોગી બને છે. પહેલાંના જમાનામાં ભણેલા લોકો ફિલ્મમાં આવતા ન હતા, ત્યારે કેટલાક અભિનેતાઓ અને ટેક્‌નિશ્યનો પોતાના નામની પાછળ બી.એ., એલ.એલ.બી. જેવાં લટકણિયાં લગાડીને ભણેલા હોવાનો વટ પાડતા હતા. વડાપ્રધાન મોદીએ કદી પોતાની એમ.એ.ની ડિગ્રીનો વટ પાડવા માટે ઉપયોગ કર્યો હોય એવું જાણમાં નથી. દેશના સોમાંથી માંડ બે-ચાર લોકો વડાપ્રધાનના એમ.એ.ના અભ્યાસ વિશે જાણતા હશે અને એંસી-નેવુ લોકો વડાપ્રધાનના કથિત ચા વેચવાના કામ વિશે જાણે છે. વડાપ્રધાનને તેમની એમ.એ.ની ડિગ્રી કરતાં ચા વેચવાની કામગીરીનું વધારે ગૌરવ હોય એવું અત્યાર સુધી લાગ્યું છે. એમ.એ.ની ડિગ્રીને પાછળ અને ચાવાળાની ઓળખને આગળ રાખીને વડાપ્રધાને આડકતરી રીતે યુવાનોને સંદેશો આપ્યો છે કે આ દેશમાં ડિગ્રીઓનું કશું મહત્ત્વ નથી. અસલી ચીજ છે પેકેજિંગ. જો પેકેજિંગ આવડતું હોય તો ચાવાળા તરીકેની ઓળખ વેચીને વડાપ્રધાનપદ સુધી પહોંચી શકાય છે અને એ ન આવડે, તો એમ.એ. જેવી ડિગ્રી પણ નકામી નીવડી શકે છે.

નવાઇની વાત એ છે કે પોતે ચા વેચતા હતા તેને લગતું કોઇ પ્રમાણપત્ર વડાપ્રધાને કે તેમના ઉત્સાહી પક્ષપ્રમુખ-નાણાંમંત્રીએ પ્રેસ કૉન્ફરન્સ ભરીને હજુ સુધી રજૂ કર્યું નથી. બાકી, એ સક્ષમ માણસો છે. વડાપ્રધાન જ્યાં ચા વેચવાનો દાવો કરે છે, એ જગ્યાના સ્ટેશન કે બસસ્ટેશન પરથી કમ્પ્યુટરાઇઝ્‌ડ એપ્રેન્ટીસશીપ પ્રમાણપત્ર તે લાવી શકે એમ છે અથવા જે મગર સામે તેમની નિર્ભયતાની (શબ્દાર્થમાં) બાળવાર્તાઓ ચાલે છે, એ મગરના વારસદારો પાસેથી પણ તે બહાદુરીનું પ્રમાણપત્ર રજૂ કરી શકે છે.


લોકો કહે છે કે ફક્ત ધર્મ ને ઇશ્વર શ્રદ્ધાનો વિષય છે, પરંતુ ભારતવર્ષમાં, ખાસ કરીને આધુનિક યુગમાં, શૈક્ષણિક ડિગ્રીઓનું માહત્મ્ય અને તેમની ખરાઇ શ્રદ્ધાનો વિષય બની ગયાં છે. એવા વખતે ડિગ્રી ખોટી છે કે નહીં એની ચર્ચામાં માણસ સાચો છે કે ખોટો, એની ચર્ચા બાજુ પર ન રહી જાય, એનું ધ્યાન રાખવા જેવું છે.

2 comments:

  1. ઓં ભાઈ, આમ સરેઆમ ના હસાવો, આસામ માં ભાજપ જીતી ગયુ, સાહેબે આસામની બહુ ચા વેચી આપી. આસામ તરફથી આભાર પરત.

    ReplyDelete