Monday, May 16, 2016

ઑસ્ટ્રેલિયામાં અંગ્રેજી-ગુજરાતી-હિંદીમાં બનેલી ફિલ્મ : ધ કલર ઑફ ડાર્કનેસ

વિદેશની ભૂમિ પર વસતા કોઇ પણ ગુજરાતી પર હુમલો થાય ત્યારે ગુજરાતનાં પ્રસાર માધ્યમોમાં તેનાં મથાળાં ચમકે છે. તેનો સુર એવો હોય છે કે જુઓ, જુઓ, આ સુધરેલા કહેવાતા ધોળા લોકો કેવો રંગભેદ રાખે છે.થોડાં વર્ષો પહેલાં ઑસ્ટ્રેલિયામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાના બનાવ વધી પડ્યા, ત્યારે મેલબોર્નમાં ફિલ્મ- ટીવીના માધ્યમનો અભ્યાસ કરતા ગુજરાતી ગિરીશ મકવાણાને પણ એવું જ લાગ્યું.
Girish Makwana / ગિરીશ મકવાણા

ભારતીય વિદ્યાર્થીઓ પર થતા હુમલા વિશે ગિરીશે નડિયાદ રહેતા પિતા સાથે વાત કરી, ત્યારે તેમને એક જુદું દૃષ્ટિબિંદુ જાણવા મળ્યું. શિક્ષક-લેખક પિતાએ ગિરીશને કહ્યું કે રંગભેદ વિશે ભારતીયો કયા મોઢે ડહાપણ ડહોળે છે? ભેદભાવો રાખવામાં તો આપણો દેશ અવ્વલ નંબરે છે. જ્ઞાતિવાદ, પ્રાંતવાદ, સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ, ધર્મઆધારિત ભેદભાવ...તો આપણે બીજાને રેસિઝમવિરોધી ને સમાનતાના ઉપદેશો કેવી રીતે આપી શકીએ?

આ સાંભળીને ગિરીશના મનમાં ઝબકારો થયો. અગાઉ પિતા સાથેની વાતચીતમાં જ્ઞાતિઆધારિત ભેદભાવો અને સમાનતા માટે તેમણે કરેલા સંઘર્ષની વાતો મનમાં પડી હતી. તેમાં ઑસ્ટ્રેલિયાના રંગભેદના કિસ્સા ભળ્યા અને શરૂ થઇ ઇન્ડો-ઑસ્ટ્રેલિયન (કે ઑસ્ટ્રેલો-ઇન્ડિયન) ફિલ્મ બનાવવાની સફર.

ફિલ્મના નામે ગિરીશને અભ્યાસના ભાગરૂપે દસ્તાવેજી ફિલ્મ બનાવવાનો અનુભવ હતો. આ ક્ષેત્રમાં તેમની રૂચિ બાળપણથી જ હતી. એક પગ પોલિયોગ્રસ્ત હોવાને કારણે, બાળપણમાં તેમને ખેલકૂદથી દૂર રહેવું પડ્યું. તેની કસર ગિરીશે સંગીતમાં ઘ્યાન આપીને પૂરી કરી. માતાપિતા શિક્ષક. એટલે ઘરમાં વાચનલેખનના સંસ્કાર હતા.  કૉલેજકાળમાં ગિરીશે ત્રણેક પટકથાઓ લખી હતી. નડિયાદમાં બી.એસસી. થયા પછી ગિરીશની ઇચ્છા તો એમ.એસ.યુનિવર્સિટીના નાટ્યવિભાગમાં દાખલ થવાની હતી, પણ પગની મુશ્કેલીને કારણે તેમાં પ્રવેશ ન મળ્યો. એટલે સંગીતમાં એમ.એ.કર્યું. પંદર વર્ષ પહેલાં ઑસ્ટ્રેલિયા પહોંચ્યા અને ત્યાં ફિલ્મ-ટીવી કાર્યક્રમોના નિર્માણ વિશે બાકાયદા ભણવાની તક મળી. અભ્યાસના ભાગરૂપે દસ્તાવેજી ફિલ્મો બનાવવા ઉપરાંત ગિરીશે ફિલ્મનિર્માણ સાથે સંકળાયેલી નાનીમોટી કામગીરીઓ પણ કરી. સાથોસાથ વિવિધ ભારતીય ભાષાઓની ફિલ્મો અને અંગ્રેજી સિવાયની વિદેશી ફિલ્મો અઢળક માત્રામાં જોઇ. આ અનુભવ ખરા અર્થમાં ઘડતર કરનારો રહ્યો.

ફિલ્મકળા શીખવામાં સંગીત બાજુ પર મૂકાઇ ગયું ન હતું. બલ્કે, એ જ પાસું ઑસ્ટ્રેલિયામાં ગિરીશ મકવાણાની આગવી ઓળખ ઊભું કરવામાં મદદરૂપ બની રહ્યું. વર્ષ ૨૦૦૭માં સૅક્સોફોનવાદક નિકોલસ બફ સાથે મળીને તબલાંવાદક ગિરીશ મકવાણાએ ભારતીય શાસ્ત્રીય સંગીતનું મ્યુઝિક બૅન્ડ શરૂ કર્યું. ચાર મહિના પછી તેમની સાથે સરોદવાદક રાહુલ ભટ્ટાચાર્ય જોડાયા અને બૅન્ડનું નામ પડ્યું, ‘તિહાઇ ૩’. તેમના બૅન્ડના જાહેર કાર્યક્રમો થવા લાગ્યા અને મોટા કાર્યક્રમોમાં તેમની સામેલગીરી પણ થઇ. તેમના બૅન્ડને મળેલા આવકારમાં ગિરીશને રંગભેદનો અનુભવ થયો નહીં.

માત્ર ફિલ્મ-ટીવીના વિદ્યાર્થી તરીકે ગિરીશ મકવાણાને કમર્શિયલ ફીચર ફિલ્મ બનાવવાનું ઘણું કઠણ પડ્યું હોત, પણ સંગીત થકી તેમણે મેળવેલી સદ્‌ભાવની મૂડી મદદે આવી. તેના બળે વર્ષ ૨૦૧૨માં તેમણે ફિલ્મના ગુજરાતી હિસ્સાનું શૂટિંગ ગુજરાતમાં એક અઠવાડિયામાં જુદાં જુદાં પાંચ સ્થળે થઇને કરી નાખ્યું. (ફિલ્મમાં એ હિસ્સો ગુજરાતીમાં જ આવશે) પિતાના જ્ઞાતિસંઘર્ષની વાત લખતાં ગિરીશને એક જ દિવસ લાગ્યો. કારણ કે એ વિશે પહેલાં ઘણી વાર વાત થઇ હતી. ગુજરાતી સ્ક્રીપ્ટમાં કેટલાક તળપદા ગુજરાતી શબ્દો માટે માતાપિતાએ મદદ પણ કરી હતી. એટલા ભાગનું શૂટિંગ થઇ ગયા પછી લાંબો ઝોલ પડ્યો. ઑસ્ટ્રેલિયાની સ્ટોરીનું કામ પ્રમાણમાં ધીમે ચાલતું હતું. એક મહિનામાં પહેલો ડ્રાફ્‌ટ તૈયાર થયો ને કુલ પાંચ ડ્રાફ્‌ટ પછી ત્રણ મહિનામાં સ્ટોરી ફાઇનલ થઇ. ફિલ્મના અંગ્રેજી હિસ્સાની સ્ટોરી ગિરીશે લખી. એટલું જ નહીં, ફિલ્મનું ડાયરેક્શન અને સંગીત પણ એ સંભાળવાના હતા.

આવા પ્રૉજેક્ટમાં સૌથી પાયાનો પ્રશ્ન આર્થિક હોય. ગિરીશે કેટલાક ભારતીય અને ઑસ્ટ્રેલિયન મિત્રોની મદદથી ૪૦ હજાર ડૉલરની મૂડી સાથે ફિલ્મના કામની શરૂઆત કરી હતી. પરંતુ મુખ્ય ધારાની અને પ્રોડક્શનની દૃષ્ટિએ કમર્શિયલ ફિલ્મોની હરોળમાં ઊભી રહેવા એવી ફિલ્મ બનાવવા માટે વ્યવસ્થિત બજેટ જોઇએ. તેમાં બેસે છતાં અભિયનમાં પાછા ન પડે એવા કલાકારો જોઇએ. આ બધી ગોઠવણોમાં બીજાં ત્રણ વર્ષ નીકળી ગયાં. ફરી એક વાર મિત્રોએ આર્થિક મદદનો આંકડો વધાર્યો. કેટલાકે રોકડ તો કેટલાકે પોતપાતાનાથી બનતી મદદ કરી. ગ્રીક રેસ્તોરાં ધરાવતા મિત્ર ફ્રૅન્કે પોતાનું રેસ્તોરાં અને માતાનું ઘર શૂટિંગ માટે ખુલ્લાં મૂકી દીધાં. કેટલાંક ભારતીય રેસ્તોરાંએ શૂટિંગના યુનિટ માટે ભોજનની જવાબદારી ઉપાડી લીધી. મેલબોર્નના મેટ્રો રેલવે વિભાગે ચાલુ કામકાજની વચ્ચે શૂટિંગની પરવાનગી આપી (જે સામાન્ય રીતે મેળવવી બહુ અઘરી હોય છે). એવી જ રીતે, ટ્રામમાં શૂટિંગ કરવાની પણ પરવાનગી મળી. આ બધાં કારણોસર ઑસ્ટ્રેલિયામાં ૨૫ દિવસમાં ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ શક્યું.


ફિલ્મના સંગીતના કામ માટે ભારત આવેલા ગિરીશ મકવાણા સાથે થોડા સમય પહેલાં મુલાકાત થઇ, ત્યારથી અત્યાર સુધીમાં ફિલ્મનું કામ ઘણું આગળ વધ્યું છે અને હવે લગભગ પૂરું થવામાં છે. ફિલ્મમાં  તમામ ગીત હિંદીમાં છે, સંવાદો અંગ્રેજીમાં અને થોડા ગુજરાતીમાં છે. ફિલ્મનું ટ્રેલર અને તેની વેબસાઇટ ઇન્ટરનેટ પર જોઇ શકાય છે. ફિલ્મની વ્યાવસાયિક ગુણવત્તાનાં તો નીવડ્યે વખાણ, પરંતુ તેમાં છેડાયેલા મુદ્દા અગત્યના છે તેમાં બેમત નથી. કારણ કે તેનો સીધો સંબંધ આપણાં બેવડાં ધોરણો સાથે છે. અમેરિકા કે ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં સમાનતાના કાયદા છતાં પૂરેપૂરી સમાનતા સ્થાપિત થઇ શકી નથી એ હકીકત છે. પરંતુ એ યાદ રાખવું પડે કે ભારતમાં જેટલી બેશરમીથી ઉઘાડેછોગ જ્ઞાતિવાદી થઇ શકાય છે, એવું વિદેશોમાં નથી. રેસિસ્ટ હોવું એ વિદેશોમાં એકંદરે ગાળ ગણાય છે.


પહેલાં ઑસ્ટ્રેલિયામાં અને પછી આંતરરાષ્ટ્રિય સ્તરે રજૂ થનારી આ ફિલ્મની કથા પાછળની કથા પણ ગુજરાત માટે એટલી જ મહત્ત્વની છે. નડિયાદમાં ભણેલો એક યુવાન શારીરિક અને જ્ઞાતિગત મર્યાદાઓ ઓળંગીને પોતાની પ્રતિભાના બળે વિદેશની ભૂમિ પર, દેશીવિદેશીઓના સહયોગથી એક ફિલ્મ બનાવે અને તેમાં ફક્ત જ્ઞાતિભેદ કે ફક્ત રંગભેદને બદલે, તમામ પ્રકારના ભેદભાવનો મુદ્દો છેડે, તે ગુજરાતગૌરવનો જ એક ભાગ ગણી શકાય-- જો ગૌરવની વ્યાખ્યા મિથ્યાભિમાનના આથા વગરની હોય તો.  

1 comment: