Thursday, June 02, 2016

હૉર્ન : મારે ઉસકા ભલા, ન મારે ઉસકા ભી...

આધુનિક વૈજ્ઞાનિક પ્રગતિનું પ્રમાણભૂત પ્રતિક કયું? કોઇ કહેશે કમ્પ્યુટર, તો કોઇ કહેશે રૉબોટ. પરંતુ ભાગ્યે જ કોઇ હૉર્નનું નામ આપશે. હૉર્ન એટલે વાહનોનું પોંપોં-પેંપેં-પૂંપૂં-પીંપીં કરતું હૉર્ન. આસપાસ રહેલી વ્યક્તિઓની કે ચીજોની મહત્તા થોડા લોકો સમજી શકે છે--પછી તે ગાંધીજી હોય કે હૉર્ન. એ ન્યાયે મોટા ભાગના લોકો માટે હૉર્ન એટલું સ્વાભાવિક બની ગયું છે કે લોકો તેની મહત્તા પામી શકતા નથી. પુરાતત્ત્વીય મહત્ત્વ ધરાવતાં સ્થળોને કચરાટોપલીની જેમ વાપરનાર પ્રજાને હૉર્નનું મહાત્મ્ય ન સમજાય, એમાં કશી નવાઇ પણ નથી.

સંશયાત્માઓને એવો પણ સવાલ થાય કે હૉર્નને અને વૈજ્ઞાનિક પ્રગતિને શી લેવાદેવા? તેમની શંકાના જવાબમાં એક સવાલ : આપણે ત્યાં બધું શોધાઇ ગયું હતુંએવો દાવો કરનારા ગૌરવખોરોએ કદી એવું કહ્યું કે પુષ્પક વિમાનમાં હૉર્ન હતુંઅથવા મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના રથમાં સૌથી પાવરફુલ હૉર્ન ફીટ કરેલું હતું.?હૉર્નવાદનવિચાર’, ‘શ્રીકૃષ્ણાર્જુનહૉર્નસંવાદકે શ્રી ભોંપૂપનિષદજેવા કોઇ ગ્રંથો પણ હજુ સુધી અભ્યાસીઓના હાથે લાગ્યા નથી. બહુ તો એ લોકો કહેશે કે એ વખતે હૉર્નની જરૂર ન હતી. એની જગ્યાએ શંખનો ઉપયોગ થતો હતો.પરંતુ હૉર્નની જગ્યાએએવું ન ચાલે--અને હૉર્નને શંખની જેમ મોંનું જોર લગાડીને ફૂંકવું પડતું નથી. બાકી અનર્થ થઇ જાય. ફક્ત કલ્પના કરી જુઓ કે વાહનમાં હૉર્નની જગ્યાએ શંખ લગાડેલા હોય અને ચાલકે તેને મોંથી ફૂંકવાના હોય તો કેવાં દૃશ્યો સર્જાય?

સાર એટલો કે પ્રાચીન ભારતમાં બધું શોધાયું હોવા છતાં, હૉર્ન શોધાયું ન હતું. રેલવેની કે ટેલીગ્રાફની જેમ લગભગ હૉર્ન સો-દોઢસો વર્ષ થયે જ ભારતમાં આવ્યું.

વૈજ્ઞાનિક શોધોના માથે એવું મહેણું ને કપાળે એવી કાળી ટીલી છે કે તેણે ન હોય એવી બાબતો માટેની ઝંખના માણસમાં ઊભી કરી, તેને સંતોષી અને વધુ ઝંખનાઓ પેદા કરી. હૉર્ન પણ આ બાબતમાં અપવાદ નથી. હૉર્ન ન હતાં ત્યારે માણસો દુઃખી હતા અથવા તે પોતાના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની રૂંધામણ અનુભવતા હતા, એવું ક્યાંય વાંચવા મળ્યું નથી. એ જમાનામાં હૉર્ન વિના પણ માણસો એકબીજાને અથડાયા વિના બહાર હરતાફરતા હતા. પવનવેગી ઘોડા પર સવારી કરતા હતા. તેમાં ઘોડાની હણહણાટી ક્યારેક હૉર્નનું કામ કરતી હતી, પણ એ અવાજ અસવારની નહીં, ઘોડાની મુન્સફી પ્રમાણે નીકળતો હતો. તેથી હૉર્નના સંદર્ભે તો માણસ નહીં, પણ ઘોડો (મનમરજીનો) માલિક હોય, એવું લાગે.

બળદગાડાંમાં બળદોના ગળે લગાડેલી ઘુઘરીઓ હૉર્નનું કામ  કરતી હતી. એક રીતે તેમને આધુનિક હૉર્ન સાથે પણ સરખાવી શકાય. કારણ કે સામેથી કોઇ આવતું હોય કે ન આવતું હોય, આગળ કોઇ હોય કે ન હોય, બળદોનું હૉર્નચાલુ જ રહે. ગોકુળ-મથુરાનાં રેશનકાર્ડ ધરાવતા કવિઓને બળદના ગળે બાંધેલી ઘુઘરીના રણકારમાં કૃષ્ણલીલાની કીકઆવતી હતી અને ક્રાંતિકારી પ્રકારના કવિઓ તેમાં બળદની ગુલામીનો અથવા મજબૂરીથી કોઠા પર નાચતી તવાયફના પગનાં ઘુંઘરુનો અવાજ સંભળાતો. પણ, સાદી વાત એટલી કે એ હૉર્ન ન હતું. એટલે હૉર્ન મારવાનોખ્યાલ પણ ન હતો.

પરંતુ છેલ્લાં પચીસ-પચાસ વર્ષમાં જન્મેલા વાહનચાલકો અને રાહદારીઓ હૉર્ન વગરના વાહનની કલ્પના કરી શકતા નથી. હાલના વાહનચાલકોને હૉર્ન વગરનું વાહન દુઃસ્વપ્ન લાગી શકે છે અને રાહદારીઓને હૉર્નવાળું વાહન. અવનવા ભડકામણા અવાજ ધરાવતાં હૉર્ન હવે રાહદારીઓને અને બીજા લોકોને પણ એવાં વાગેછે, જાણે ગાય-બળદ-ભેંસનું હૉર્ન’ (શીંગડું) વાગ્યું હોય.
હવેનાં વાહનોમાં હૉર્ન સુવિધા છે, અનિવાર્યતા છે કે વૈભવ--એ નક્કી કરવું અઘરું છે. પરંતુ હૉર્ન મોટા ભાગના વાહનચાલકોની કમજોરી છે, એ નિર્વિવાદ હકીકત છે. કેટલાક ચાલકો એવા હૉર્નપ્રેમી હોય છે કે તે ભીડમાંથી વાહન આગળ કાઢવા ખાતર હૉર્ન વગાડે છે કે હૉર્ન વગાડવા ખાતર વાહન ચલાવે છે, એ નક્કી થઇ શકતું નથી. આવા લોકો માટે કોઇ લોકકવિએ ગાવું જોઇએ : ગોળ વિના મોળો કંસાર, હૉર્ન વિના સૂનો સંસાર.

હૉર્નના ટેક્‌નિકલ પ્રકારો જે હોય તે, પણ તેમનાં --અને તેમના વાપરનારાનાં--લક્ષણના આધારે પાડેલા પ્રકારભેદ પાડી જોઇએ. પહેલાંના વખતમાં ઘણાં હૉર્ન અંતરાત્માના અવાજ જેવાં હતાં. તે એટલાં ધીમેથી વાગે કે ફક્ત હૉર્ન મારનારને જ સંભળાય અને એ પણ આજુબાજુ બીજો અવાજ ન હોય તો. જાહેર જીવનમાં અંતરાત્માના અવાજનું અને રસ્તા પર આવાં હૉર્નનું ચલણ હવે નામશેષ થયું છે. હવે રસ્તો માથે લેતાં હૉર્નનો કકળાટ સાંભળીને ભૂતકાળનાં હૉર્નની મૃદુતાની કલ્પના પણ ન આવે. એ વખતે કેટલાંક હૉર્ન ટ્રીં...ટ્રીં...ટ્રિંટિયારો બોલાવતાં હતાં અને ત્યારે કર્કશ કહેવાતાં હતાં, પરંતુ એક સમયે ધાંધલીયા સંગીતકાર ગણાતા બપ્પી લાહિરી જેમ હવે સૂરીલા ગણાય છે, એમ ટ્રિંટિયારાવાળાં હૉર્ન હવે રસ્તા પર સાંભળવા મળે તો એ સારાં લાગે છે. બન્ને માટે મુખ્યત્વે બે કારણો જવાબદાર છે : સાંભળનારનો અતીતરાગ અને બીજા અનેક ગણા વઘુ ઘોંઘાટિયા સાથેની સરખામણી.

કેટલાંક હૉર્ન દુષ્ટ, જિદ્દી, માથાફરેલ, મોંએ ચડાવેલાં બાળકોએ તાણેલા ભેંકડા જેવાં હોય છે. એ સાંભળીને અવાજના ઉદ્‌ગમસ્થાને લાકડાનો બૂચ મારી દેવાની તીવ્ર ઇચ્છા થઇ આવે. ભેંકડો તાણવાથી પોતાનું ધાર્યું થશે એવા ખ્યાલમાં રાચતાં--અને માબાપોના પ્રતાપે મોટે ભાગે સાચા પડતાં--બાળકોની જેમ, ભેંકડિયા હૉર્નવાદકો પણ એવું જ માની લે છે કે આવું હૉર્ન સાંભળીને લોકો ભડકીને ખસી જશે અને રસ્તો સાફ થઇ જશે. સામાન્ય સંજોગોમાં વાંધો નથી આવતો, પણ કોઇ માથાભારે વડીલસાથે પનારો પડે ત્યારે ભેંકડો તાણનારને ધોલધપાટ થવાની સંભાવના રહે છે. એ વખતે ચાલકના કાનમાં હૉર્ન ન વાગ્યું હોવા છતાં, હૉર્નનો અવાજ ગુંજી શકે છે. 

અમુક હૉર્નના અવાજમાં કશી વિશેષતા નથી હોતી, પરંતુ તેને વગાડનાર ફાયરબ્રિગેડના બંબા ચલાવતા હોય એવા અંદાજમાં વાહન ચલાવે છે. તેની સાથે હૉર્નનો અવાજ પણ સતત ચાલુ રાખે છે. તેમને સાયરન અને હૉર્ન વચ્ચેના તફાવતની ખબર નથી પડતી નથી. સળંગ હૉર્ન મારવાનો એક આશય વટ પાડી દેવાનો પણ હોય છે. મઝા ત્યારે આવે છે, જ્યારે એમને કોઇ એમના જેવું ભેટી જાય અને તેમના વાહનની પાછળ સળંગ હૉર્ન વગાડ્યા કરે. એ વખતે મુહુર્ત સારું ને ચોઘડિયું અનુકૂળ હોય તો વાલિયો વાલ્મિકી બનીને વિચારી શકે છે કે,‘અરેરે, અત્યાર સીધું હું સળંગ હૉર્ન વગાડીને બીજા લોકો પર આવો ત્રાસ ગુજારતો હતો?’

હૉર્નનો એક પ્રકાર એવો સંગીતમય હોય છે કે જે સાંભળ્યા પછી માણસ બાજુ પર ખસવાને બદલે, એ સાંભળવામાં તલ્લીન થઇ જાય અથવા એના તાલે ડોલવા લાગે. એવાં હૉર્ન વગાડનાર અને સાંભળનાર બન્ને માટે હાનિકારક નીવડી શકે છે.


રસ્તા પર ભીડ જે રીતે વધી રહી છે એ જોતાં થોડાં વર્ષમાં રાહદારીઓને પણ પોતાના માટે હૉર્ન વસાવવાં પડે તો નવાઇ નહીં લાગે.

No comments:

Post a Comment