Thursday, June 30, 2016

‘એેક અલબેલા’ માસ્ટર ભગવાન સાથે એક મુલાકાત

માસ્ટર ભગવાનનું નામ પડતાં બે વિરોધાભાસી બાબતો સાથે યાદ આવે : એક તરફ ભોલી સૂરત દિલકે ખોટે’, ‘શોલા જો ભડકે’, ‘શામ ઢલે ખિડકી તલે’, ‘કિસ્મતકી હવા કભી નરમ, કભી ગરમ’  જેવાં ગીતો પર તેમનો અવર્ણનીય ડાન્સ, જેનાં સ્ટેપની આવનારા દાયકાઓ સુધી નકલ થતી રહી. ડાન્સમાં મુશ્કેલી ધરાવતા અમિતાભે તો ભગવાન-સ્ટેપબેઠાં --અલબત્ત, નજાકતની બાદબાકી સાથે--અપનાવી લીધાં.

બીજી વાત એટલે માસ્ટર ભગવાનની સફળતા-નિષ્ફળતા, જે પણ દાયકાઓ સુધી ફિલ્મઉદ્યોગમાં ઉતારચઢાવનું ઉદાહરણ બની. તેમની ફિલ્મ અલબેલા’(૧૯૫૧) સુપરહિટ જતાં માસ્ટર ભગવાન સમૃદ્ધિમાં મહાલવા લાગ્યા, પરંતુ થોડાં વર્ષોમાં એ બધું જતું રહ્યું અને માસ્ટર ભગવાનમાંથી ભગવાનદાદાબનેલા આ કલાકાર પાસે રહી ગયાં કેવળ સ્મરણો. ફિલ્મઉદ્યોગમાં કૈસે કૈસે ઐસે વૈસે હો ગયેની વાત નીકળે, એટલે ભગવાનદાદાને અચૂક સંભારવામાં આવે. સફળતા ઓસરી ગયા પછી અસંખ્ય ફિલ્મોમાં મામુલી રોલ કરનાર ભગવાનદાદાને પછીના અભિનેતાઓ સાથે કોઇ ગીતમાં લગભગ ઍકસ્ટ્રા તરીકે ડાન્સ કરતા જોઇને એવું લાગે, જાણે બિલ ગેટ્‌સ કૉલ સૅન્ટરમાં નાઇટશિફ્‌ટમાં નોકરી કરતા હોય.

સમયની-વ્યવહારની-દુનિયાદારીની આ ક્રૂરતા સમજાય- ઝટ સ્વીકારાઇ જાય, ત્યારે મોટાઅને સમજુથયાનું પ્રમાણપત્ર મળે. પરંતુ પચીસ વર્ષ પહેલાં ભગવાનદાદાને મળવાનું થયું ત્યારે મોટાથવાની વાર હતી. તેમને મળવાની તીવ્ર ઇચ્છા થવાનું કારણ : અલબેલા’, તેનાં ગીત અને તેમાં ભગવાનદાદાનો ડાન્સ. તેમના જીવન પરથી બનેલી મરાઠી ફિલ્મ એક અલબેલામાં પણ માસ્ટર ભગવાનની મામુલી શરૂઆતથી શરૂ કરીને અલબેલારૂપી ટોચ સુધી તેમની સફર આલેખવામાં આવી છે.
Ekk Albela poster
અલબેલાભગવાનદાદાની કારકિર્દીનું જ નહીં, હિંદી ફિલ્મોના ઇતિહાસનું એક શીખર છે. મ્યુઝિકલ કૉમેડી ફિલ્મોમાં પ્રચંડ વૈવિધ્ય ધરાવતું સંગીત આપનાર સી.રામચંદ્ર અલબેલાના સંગીતકાર અને માસ્ટર ભગવાનના જૂના જોડીદાર. માસ્ટર ભગવાન સ્ટંટ ફિલ્મોમાં કામ કરતા હતા, ત્યારથી રામચંદ્ર સાથે તેમની દોસ્તી. અલબેલાથકી એ દોસ્તીનો જલસો બાકીના લોકોએ અને આવનારી પેઢીઓને પણ માણવા મળ્યો. અલબેલાનાં કુલ ૧૨ ગીતોમાં શાસ્ત્રીય આધાર ધરાવતાં- મધુરતાના પર્યાય જેવાં ગીતોથી માંડીને તાલ દીધા વિના રહી ન શકાય એવાં ગીતો  અને રૉક એન્ડ રોલ સુધીની વિવિધતા રામચંદ્રે આપી. માસ્ટર ભગવાનના પ્લૅબૅક માટે એક ગીતમાં રફી અને બાકીનાં ગીતોમાં સી.(ચિતલકર) રામચંદ્ર ખુદ (જે ચિતલકરના નામે પ્લેબૅક આપતા હતા)-- અને એ દરેક પર ભગવાન-ગીતા બાલીના ડાન્સ.

૧૯૫૧ પહેલાં હિંદી ફિલ્મોમાં હીરોને ડાન્સના વાંધા. હવે મહેમૂદના પિતાતરીકે ઓળખાવવા પડે મુમતાઝઅલી કૉમેડિયન અને બૉમ્બે ટૉકીઝની ફિલ્મોમાં ડાન્સર. તેમને વ્યવસ્થિત ડાન્સ આવડે, પણ તેમાં કૉમેડીનું તત્ત્વ હોય. તેમને ગીતો મૈં તો દિલ્હીસે દુલહન લાયા રે ઓ બાબુજીજેવાં મળે. એ સમયના બીજા સ્ટાર અને ખરા અર્થમાં, હિંદી કૉમેડિયનોમાં પહેલા સુપરસ્ટાર એવા નૂરમહંમદ ચાર્લી’. ગુજરાતી નૂરમહંમદ પોતે કૉમિક ગીતો પણ ગાય. એમની બોલચાલની શૈલીના અંશ જૉની વૉકર સહિત બીજા ઘણા કૉમેડિયનોએ અપનાવ્યા. કૉમેડિયન ફિલ્મનો હીરો હોય એવું ભગવાનદાદાથી પહેલાં નૂરમહંમદ ચાર્લીના કિસ્સામાં બનેલું અને તેમનાં હીરોઇન તરીકે એ સમયનાં પ્રખ્યાત ગાયિકા-અભિનેત્રી ખુર્શીદ (જેમણે સાયગલ સાથે સૂરદાસ-તાનસેન જેવી ફિલ્મોમાં કામ કર્યું હોય) ચાર્લીડાન્સ માટે જાણીતા નહીં--અને મુમતાઝઅલી કેવા જાણીતા, તેનું એક ઉદાહરણ અલબેલામાં જ મળે છે.

અલબેલાનું, આજની પરિભાષામાં કહીએ તો, ‘મેગાહિટગીત એટલે ભોલી સુરત દિલકે ખોટે, નામ બડે ઔર દરશન છોટે’. ડાન્સ માટેનાં ગીત સામાન્ય રીતે ઝડપી રીધમ ધરાવતાં હોય, પણ આ ગીતમાં ઝડપની નહીં, તાલની કમાલ છે. ગીત ફાસ્ટ નથી, પણ એ સાંભળનારને અચૂક ડોલાવે એવું છે. તેમાં મુખ્ય કલાકારો ભગવાન-ગીતા બાલી ઉપરાંત મહિલાપક્ષે અને પુરૂષપક્ષે બીજા ઘણા સહાયક  રાખવામાં આવ્યા છે. પરંતુ માસ્ટર ભગવાનના સહાયકોની હરોળમાં સૌથી પહેલો માણસ તેના અંદાજથી અલગ તરી આવે છે. (યુટ્યુબ પર ગીત જોઇને ખાતરી કરી લેજો) કશી ખબર ન હોય તો પણ લાગે કે આ મૂર્તિ કંઇક વિશેષ છે અને માસ્ટર ભગવાનની હાજરી પણ તેને ઢાંકી શકી નથી. એ મુમતાઝઅલી.
master bhagwan- mumtaz ali / માસ્ટર ભગવાન સાથે સફેદ કપડાંમાં મુમતાઝઅલી

પચીસ-સત્યાવીસ વર્ષ પહેલાં અલબેલાનાં ગીત સાંભળીને લાગેલો ચસકો વિડીયો કેસેટ પર ગીતો જોયા પછી બમણો થયો. સી.રામચંદ્રનો અવાજ માસ્ટર ભગવાન પર એટલો બંધ બેસતો કે ભગવાન પોતે ગાતા હોય એવું જ લાગે. એક તરફ અલબેલામાસ્ટર ભગવાન વિશે આવો ભાવ જાગે અને બીજી તરફ તેમની બરબાદીની કથાઓ પણ સાંભળવા મળે. એ સમયે ધ ઇલસ્ટ્રેટેડ વિકલી ઑફ ઇન્ડિયાફેડ-આઉટમથાળા હેઠળ એક કવરસ્ટોરી કરી હતી. (જૂન ૧૦-૧૬,૧૯૯૦) વિસરાઇ ગયેલા ફિલ્મી સિતારાઓની વાત માંડતી આ સ્ટોરીમાંના છ ચહેરા વિકલીના મુખપૃષ્ઠ પર હતા : ભગવાન, નાદિરા, પ્રદીપકુમાર, ભારતભૂષણ, બીના રાય અને કે.એન.સિંઘ. તેમાંથી બાકીના પાંચેય ચહેરા પર સ્વાભાવિક રીતે ઉદાસીનો કે ગંભીરતાનો ભાવ હતો, પણ ભગવાનદાદાનો ચહેરો ખડખડાટ હાસ્યથી ભરેલો હતો. 

આ સ્ટોરી છપાયાના એકાદ વર્ષમાં, મોટા ભાઇ બીરેન  સાથે તેમને મુંબઇના તેમના ઘરમાં મળવાનું થયું ત્યારે સમજાયું કે આ તેમનો સ્થાયી નહીં તો પણ, મૂળ ભાવ હતો.

એ વખતે ન હતું પત્રકારત્વનું ઓળખપત્ર કે ન ઇન્ટરવ્યુ લેવાની સજ્જતા. પરંતુ એક કલાકારની સફળતાના નહીં, તેમની કળા પ્રત્યેના તીવ્ર આકર્ષણને કારણે અમે મળવા પહોંચ્યા હતા. ભગવાનદાદા ચાલીમાં રહેતા હતા એ સાંભળેલું. પરંતુ દાદરમાં શંકરરાવ આબાજી પાલવ માર્ગ પર આવેલી તેમની ચાલીનો ખખડી ગયેલો દાદરો જોયા પછી એવું લાગ્યું, જાણે એ દાદરો તેમાં રહેનારાની સ્થિતિની આગોતરી માહિતી આપી રહ્યો છે. ઉપર ડબલ રૂમની હાર હતી. તેમાંથી એકમાં ભગવાનદાદા સમેટાઇને રહેતા હતા.

ભગવાનદાદાની રૂમે પહોંચ્યા, એટલે ઔપચારિક આવકાર મળ્યો. રૂમમાં ડાબી તરફ પલંગ, તેની પાસે અડધી દીવાલ હતી, જેના બાકીના ભાગમાંથી અંદર, બીજા રૂમમાં જવાતું હતું. પલંગની પાસે  ખુરશી પર ગંજી અને લુંગી પહેરીને બેઠેલા ભગવાનદાદા બીજા કોઇ સાથે વાત કરી રહ્યા હતા. કસરતી ચહેરો, બેઠી દડીની ઠીકઠીક ગોળમટોળ કાયા. રૂમના વાતાવરણમાં ઓછા લાઇટને કારણે અને મનમાં પડેલી બરબાદીની કથાઓને કારણે આછી ઉદાસીનો અહેસાસ થતો હતો, પણ ભગવાનદાદા સાથે વાતો શરૂ થઇ એ સાથે જ ઉદાસી ક્યાંય ઉડી ગઇ અને કિસ્મતકી હવા કભી નરમ, કભી ગરમની મસ્તી છવાઇ ગઇ.

(વધુ આવતા સપ્તાહે)

5 comments:

 1. Anonymous7:09:00 AM

  આજના અંકમાં પહેલી પંક્તિથી આપના લખાણમાં ધ્યાન એવું પરોવાયું વાંચતો ગયો અને climax પર પહોંચતાં હોઠે આવેલ મધુર પેયનો ગ્લાસ ઝુંટવાયાની ભાવના થઇ. ભાગ બે આવે ત્યાં સુધી રાહ જોતો રહીશ. માસ્ટરભગવાન અને સી. રામચંદ્રની અભિન્ન જોડીનું વૈશિષ્ઠ્ય અને તેમની મૈત્રી આપે સુંદર રીતે વણી લીધી છે. સરસ.

  ReplyDelete
 2. ઉર્વીશભાઈ, આ લેખનું તળિયું પ્હેલાં જોયું, એવા લોભથી કે અહીં પુરેપુરો વાંચવા મળશે. પણ આમાં ય તમે 'વધુ આવતા અંકે' રાખી, આતુરતા અકબંધ રાખી. 'દિવ્ય ભાસ્કર' જેવું જ બ્લોગમાં ય!

  ReplyDelete
 3. સરસ લેખ પણ અંત ની અધુરપ માટે પ્રતિક્ષા કરવી રહી.

  ReplyDelete
 4. દાદાગીરીવાળો લેખ...

  ReplyDelete
 5. સરસ મંડાણ કર્યું , હવે આવતા હપ્તા ની રાહ જોયે જ છૂટકો!

  ReplyDelete