Wednesday, June 22, 2016
રાજન અને બ્રિટન : લોકશાહીનો તફાવત
કેટલીક ઘટનાઓ લાંબાંલચક
નામને બદલે ટૂંકા અને મૌલિક શબ્દપ્રયોગોથી જાણીતી બને છે. જેમ કે, રીઝર્વ બૅન્કના ગવર્નર રઘુરામ રાજનની વિદાય પહેલાં, તે બીજી મુદત માટે રહેશે કે નહીં તેની ઘણી ચર્ચા ચાલી. આ
બન્ને વિકલ્પો માટે એક જ મૌલિક પ્રયોગ બન્યો : Rexit/‘રૅક્ઝિટ’-- ‘રીઅપોઇન્ટમૅન્ટ’(પુનઃનિયુક્તિ) અને ‘ઍક્ઝિટ’(વિદાય).
આંતરરાષ્ટ્રિય ખ્યાતિ
ધરાવતા અર્થશાસ્ત્રી રાજન સામે સુબ્રમણિયન્ સ્વામી જેવા બેફામ બોલનારા ભાજપી
નેતાથી માંડીને એસ.ગુરુમૂર્તિ પ્રકારના ‘સ્વદેશી’
આગેવાનોને વાંધા હતા. સ્વામીએ રાજન વિશે બખાળા કાઢવાનું
ચાલુ રાખ્યું,
ત્યારે વડાપ્રધાન કે તેમની છાવણીમાંથી કોઇએ આ બાબતે રાજનની
પડખે ઊભા રહેવાપણું જોયું નહીં. સ્વતંત્ર મિજાજ ધરાવતા રાજને વિદાયની જાહેરાત કરી, ત્યાર પહેલાં વડાપ્રધાન આ મુદ્દાને ‘વહીવટી નિર્ણય’ ગણાવી ચૂક્યા છે.
આવા કિસ્સામાં જે દેખાય છે, તેની પાછળ ખરેખર
શું રંધાયું હશે,
એ કલ્પવું અઘરું હોય છે. પરંતુ રાજનને જવા દેવામાં
સરકારપક્ષે દેશહિતની કોઇ ગણતરી કામ કરતી હોય, એવું અત્યારે લાગતું નથી.
‘રાજનની વિદાય પછી બધું રસાતાળ થશે ને અર્થતંત્ર ખાડે જશે’--એવું સરળીકરણ કરવાની અને ‘અરર...આપણું શું થશે?’ એવી મુદ્રામાં
સરી પડવાની જરૂર નથી. છતાં એ થઇ રહ્યું છે, એનાં ઘણાં કારણોમાં રાજનની સારી કામગીરીથી માંડીને તેમની શૈક્ષણિક લાયકાત અને
સારો દેખાવ સુદ્ધાં કારણભૂત હોઇ શકે છે. ઉપરાંત, વ્યક્તિપૂજાની આપણી સંસ્કૃતિ તો ખરી જ. રાજનના પ્રદાનને ઓછું આંક્યા
વિના-તેમની કામગીરીની મહત્તામાં ઘસરકો પાડ્યા વિના, એટલું સમજવું પડે કે તેમનાં કામ હવે પછીના ગવર્નર પણ આગળ વધારી શકે છે. પરંતુ
જે રીતે રાજનની વિદાય જણાય છે, એ ચિંતાનો ખરો
મુદ્દો છે.
કાર્યકુશળતા અને
ગુણવત્તાનાં ગુણગાન ગાવામાં ઉત્સાહી વડાપ્રધાન રાજન જેવા તેજસ્વી અને સારી કામગીરી
કરનારા માણસના પડખે કેમ ન રહી શકે? પોતાના પક્ષના
માણસો રાજન વિશે એલફેલ બોલતા હોય, ત્યારે વડાપ્રધાન
રાજનને સુરક્ષાછત્ર પૂરું પાડી ન શકે? રાજનના જવાથી
ભારત ડૂબી નહીં જાય, એવું કહેતી વખતે એ પણ
વિચારવું જોઇએ કે રાજનની કામગીરીમાં કશી કસર ન હોવા છતાં, તેમને જવું શા માટે પડ્યું? જશ લેવાની બાબતમાં એકલપેટા વડાપ્રધાનને રાજનની લોકપ્રિયતા ખટકતી હતી, એવું એક અનુમાન છે. આવી બીજી અટકળો પણ થવાની--અને
વડાપ્રધાનનો ‘હું કરું, હું કરું’પ્રેમ ઘ્યાનમાં રાખતાં, એ તાર્કિક પણ લાગવાની.
રાજન જેવા તેજસ્વી
માણસને સાથે રાખવાથી વડાપ્રધાનની આબરૂ વધે કે ઘટે? એનો આધાર વડાપ્રધાન પોતાના જયજયકાર માટે કામ કરે છે કે દેશ માટે--એની પર છે.
ભાષણોમાં ને અવનવી યોજનાઓમાં ગવર્નન્સના-ગુણવત્તાના દાવા કરવા એક વાત છે અને ખરેખર
એવા એવા માણસો મળે ત્યારે તેમને દેશહિતમાં જીરવવા એ બીજી વાત છે. રાજનના કિસ્સામાં
વડાપ્રધાન એ કસોટીમાં ઉઘાડા પડી ગયા છે.
વડાપ્રધાનની માનસિકતા
માટેની આશંકા સાચી પડી, એ બાબતે ટીકાકારોએ ખુશ નહીં, દુઃખી જ થવાનું રહે છે. તેનાથી ફરી એક વાર અહેસાસ થાય છે કે
વિદેશોમાં ડહાપણની ગંગા વહાવનારા વડાપ્રધાન ઘરઆંગણે અગત્યના નિર્ણયોમાં સ્વ-મોહ કે
સંકુચિત રાજકારણ કે બન્નેથી ઉપર ઉઠી શકતા નથી. પરિણામે, ‘રૅક્ઝિટ’ જેવા મુદ્દા ઊભા
થાય છે.
‘રૅક્ઝિટ’ શબ્દ ‘બ્રૅક્ઝિટ’(બ્રિટનની
ઍક્ઝિટ)ના અનુકરણમાં આવ્યો છે. ૨૮ દેશોના સમુહ ‘યુરોપીઅન યુનિઅન’માંથી બ્રિટને નીકળી
જવું કે રહેવું,
એ સવાલ Brexit/ ‘બ્રૅક્ઝિટ’ તરીકે જાણીતો બન્યો છે. અગાઉ ગ્રીસની યુરોપીઅન યુનિઅનમાંથી
બહાર નીકળવાની સંભાવના માટે Grexit/ ‘ગ્રૅક્ઝિટ’ જેવો શબ્દ પ્રયોજાયો હતો. હવે આ ગુરુવારે ‘બ્રૅક્ઝિટ’ના મુદ્દે
બ્રિટનમાં લૉકમત યોજાવાનો છે. યુરોપીઅન યુનિઅનમાં હોવા છતાં, બ્રિટને પોતાનું જુદું ચલણ (પાઉન્ડ) જાળવી રાખ્યું હતું.
પરંતુ બ્રિટનનાઘણા લોકોને લાગે છે કે આટલું પૂરતું નથી અને બ્રિટને યુરોપીઅન
યુનિઅન જોડેથી સદંતર છેડો ફાડી નાખવો જોઇએ. વડાપ્રધાન ડૅવિડ કૅમેરૉને યુરોપીઅન
યુનિઅનથી અલગ થવાના મુદ્દે લોકમત યોજવાનું વચન ગઇ ચૂંટણી વખતે આપ્યું હતું, જેનો અમલ આખરે થઇ રહ્યો છે.
બ્રિટનમાં એક પ્રબળ મત
એવો છે કે યુનિઅનમાં રહેવાથી બ્રિટનને ફાયદા કરતાં નુકસાન વધારે છે. બ્રિટન દર
વર્ષે જે આપે છે એના કરતાં ઘણું ઓછું મેળવે છે (કેમ કે, યુનિઅનના બીજા ગરીબ દેશો તેનો લાભ લઇ જાય છે) બહારથી આવતા
લોકોની મોટી સમસ્યા છે. યુરોપના કોઇ એક દેશમાં સત્તાવાર પ્રવેશ મળી જાય, એટલે એ બ્રિટનમાં પણ આવી શકે છે. બ્રિટનની અલાયદી મહત્તા
રહેતી નથી. તે ૨૮ દેશોના ટોળામાંનું એક બની રહે છે. તો આવો ધંધો શા માટે કરવો જોઇએ?
બ્રિટનના વડાપ્રધાન
કૅમેરોન સહિત ઘણા માને છે કે યુનિઅનમાં રહેવામાં બ્રિટનને લાભ છે. કારણ કે
બ્રિટનનો માલ બીજા યુરોપી દેશોમાં બેરોકટોક વેચાય છે. બીજા દેશોમાંથી કામ માટે
આવતા લોકો બ્રિટન અર્થતંત્રની ગતિમાં ઊંજણ-બળતણ રેડે છે. યુરોપીઅન યુનિઅનમાં ખાસ, અલાયદો દરજ્જો મેળવવા બ્રિટન વાટાઘાટ કરી રહ્યું છે અને તે
યુરોનું ચલણ સ્વીકારવાનું નથી. તો પછી શા માટે અલગ થવું? અમેરિકા જેવો સાથી દેશ અને ફ્રાન્સ-જર્મની જેવા યુરોપીઅન
યુનિઅનના દેશો પણ બ્રિટનનો વિચ્છેદ ઇચ્છતા નથી.
નોંધપાત્ર બાબત એ છે કે
આ ચર્ચા રાજકીય પક્ષોની છાવણીઓમાં વહેંચાયેલી નથી. મુખ્ય પક્ષોના સાંસદો-આગેવાનો આ
મુદ્દે વિભાજિત છે. માટે, લોકમતને લગતો
પ્રચાર પક્ષઆધારિત નથી. આવા મુદ્દે લોકોની ઇચ્છા જાણીને તે મુજબ નિર્ણય લેવામાં
આવે,
એવું ભારતમાં તો બનતું નથી. પણ લોકશાહીની ઊંડી પરંપરા
ધરાવતા બ્રિટનમાં એ શક્ય છે. થોડા વખત પહેલાં ગ્રેટ બ્રિટનથી અલગ પડવાના મુદ્દે
સ્કૉટલૅન્ડમાં લોકમત યોજાયો હતો. તેમાં ૫૪ ટકા લોકોએ ગ્રેટ બ્રિટનની સાથે રહેવાનું
પસંદ કરતાં,
સ્કૉટલૅન્ડ બ્રિટનથી અલગ પડતાં રહી ગયું. એવી જ રીતે, ગુરુવારના લોકમતમાં યુરોપીઅન યુનિઅનમાં રહેવા અંગે બ્રિટનના
લોકોની મરજી વિશે ખબર પડશે. બંધારણીય દૃષ્ટિએ, લોકમતનું પરિણામ બંધનકર્તા હોતું નથી. તેને ખરડા તરીકે સંસદમાં પસાર કર્યા પછી
જ અમલી બનાવી શકાય. પરંતુ સ્પષ્ટ લોકમત મળ્યા પછી તેનો અમલ ન થાય, તો સરકાર વિશ્વસનીયતા ગુમાવી બેસે છે અને તેના માટે રાજ કરવું
અઘરું બને. એટલે,
લોકમતને ચૂંટણી જેટલી જ ગંભીરતાથી લેવામાં આવે છે.
બ્રૅક્ઝિટ અને રૅક્ઝિટ-
આ બન્ને ઘટનાઓ અર્થતંત્ર પર સીધી અસર પાડનારી છે, પરંતુ બન્નેમાં લોકશાહીનાં જુદાં જુદાં પાસાં છતાં થાય છે : એકમાં શાસકોની
મનમાની અને બીજામાં લોકોની ઇચ્છા.
Labels:
Brexit,
international affairs,
Rexit
Subscribe to:
Post Comments (Atom)
Very good article on two current topics of National and International significance. You are on spot describing PM's self praising attitude. At the same time ruling party has not given any clues on Rajan's successor.
ReplyDeleteI hope that Indian democracy too will become as ripened as the great Britain the greatest obstacle in the way is illiteracy and lack of rational thinking
ReplyDeleteThe good one...
ReplyDelete