Saturday, August 08, 2015

અખબારી લેખન, પુરસ્કાર, નવોદિતો, શોષણ, તકનો અભાવ અને એવું બધું : થોડા 'સાર્થક' મુદ્દા

ફેસબુક પરની ચર્ચાને બ્લોગ પર આણવામાં, ગલ્લા-મિત્રને ઘરે બોલાવવા જેવું લાગે. પણ ફેસબુક-ગલ્લા પર ક્યારેક, ચેન્જ ખાતર, ઉત્તમ મિત્રો મળી જાય છે. એટલું જ નહીં, ધોરણસરની ચર્ચાઓ પણ થતી હોય છે. (અમુક લોકોની હાજરી અને અમુક તત્ત્વોની ગેરહાજરી તેના માટે કારણભૂત હોય છે.:-)

એવી એક ચર્ચા પરમ મિત્ર અને સાર્થક-સાથીદાર ધૈવત (ત્રિવેદી)ની વોલ પર વાંચી. જીતેશ દોંગા અને ગોરા ત્રિવેદીએ ઊભા કરેલા કેટલાક મુદ્દા વિશે ધૈવતે લંબાણથી અભિપ્રાય આપ્યો હતો. એ વાંચીને મને પણ કંઇક લખવાની ઇચ્છા થઇ. લખ્યું. ત્યાર પછી બીજા સાર્થક-મિત્ર દીપક (સોલિયા)એ પણ પોતાના અંદાજમાં દસ મુદ્દા લખ્યા.

અમારાં ત્રણેનાં આ લખાણ 'અસાધારણ' ગણાય એવાં નથી. એ જેમ સૂઝ્યાં તેમ, છપાતાં લખાણ જેવી સભાનતા કે ચોંપ વગર, લખાયાં છે. છતાં, મને લાગ્યું કે એ ત્રણેમાં કેટલાક મુદ્દા સારી રીતે આવ્યા છે. ભવિષ્યમાં આ પ્રકારની ચર્ચા માટે પણ તે ઉપયોગી રેફરન્સ બની શકે,  એ હેતુથી ત્રણેનું સાદુંસીધું સંકલન અહીં મૂક્યું છે. તેમાં કશું એડિટિંગ પણ કર્યું નથી અને ઉમેરો પણ નહીં. આશય ફક્ત એટલો જ છે કે ફેસબુકવાળી એ ચર્ચામાં ત્રણ સાર્થક-મિત્રોનાં લખાણ એક સાથે અને સહેલાઇથી વાંચવા મળી રહે.
***

ધૈવત ત્રિવેદી

અખબાર-સામયિકોમાં નવોદિતોને બહુ પાંખો પુરસ્કાર આપવામાં આવે છે અથવા તો બિલકુલ આપવામાં નથી આવતો એવી ફરિયાદ અંશતઃ સાચી છે.

અંશતઃ એટલા માટે કે, ઘણા ખરા કિસ્સામાં એ જ ફરિયાદ સિનિયર, ઘડાયેલા, મંજાયેલા, લોકપ્રિય અને ખાસ્સા એવા વંચાતા લેખકોને ય લાગુ પડે છે. નવોદિતોને પાંખો પુરસ્કાર મળે છે તો "જૂનોદિતો" કંઈ બંગલા નથી બાંધી જતા. એમને ય પાંખો જ પુરસ્કાર મળે છે અથવા તો બિલકુલ નથી મળતો. આવું હું ત્રણેય મુખ્ય અખબારોનું ચક્કર કાપ્યા પછી પ્રથમદર્શી ગવાહ તરીકે અધિકારપૂર્વક કહી શકું છું.

એક સાધારણ ગણિત કહું. ધારો કે એક અખબાર કે સામયિકમાં કુલ 50 કોલમ છપાતી હોય તો તેમાંથી 40 ટકા એટલે કે 20 કોલમ ઈનહાઉસ હોય. ઈનહાઉસ એટલે અખબારના પે-રોલ પર કામ કરતાં અમારા જેવા લેખકો-પત્રકારો દ્વારા લખાયેલી. ઈનહાઉસ કોલમના લેખકને આ (અને આ સિવાયના અન્ય ઘણાં) કામ માટે ધોરણસરનો, લાયકાત મુજબનો પગાર મળતો હોય છે એટલે તેને કોલમ લખવા માટેનો પુરસ્કાર અલગથી મળતો હોતો નથી. 

બાકીની 60 ટકા કોલમ પૈકી ભાગ્યે જ 10 ટકા કોલમ (આશરે પાંચ) એવી હોય છે જે અખબારની કે સામયિકની ઓળખ ગણાતી હોય. એ પાંચ લેખકોને પુરસ્કાર માંગવાની તેમની ક્ષમતા અને અખબાર, સામયિકમાં તેમની હાજરીની જરૂરિયાતના આધારે પ્રમાણમાં સન્માનજનક પુરસ્કર મળતો હોય છે. એ રકમ એટલી હોય છે કે ચાર વ્યક્તિનો એક પરિવાર ઠીકઠાક રીતે ગુજરાન ચલાવી શકે. પણ એ રકમ સુધી પહોંચવા માટે અને એવો સન્માનજનક મુકામ હાંસલ કરવા માટે લેખકને નેવાના પાણી મોભે ચડાવવા પડે છે.

બાકીની 50 ટકા કોલમો એવી હોય છે જે સદંતર મફતમાં અને છતાં ય લેખક દ્વારા હોંશભેર લખાતી હોય છે. નવોદિતોને તક નથી મળતી, નવોદિતોને પુરસ્કાર નથી મળતો તેના માટે જવાબદાર હું અખબારો કે સામયિકોથી ય વધુ આ 50 ટકા કોલમોના લખનારાને ગણું છું.

- આ એવા લોકો છે જે બહાર વાચકો સામે બગલમાં બામલાઈ થઈ હોય તેમ પહોળા પહોળા ચાલે છે પણ અખબાર, સામયિકની ઓફિસમાં બંધ બારણે મુજરો કરી નાંખતા ય શરમાતા નથી.

- આ એવા લોકો છે જે વાચકો સામે છપ્પનની છાતી અને એસિડિક મિજાજના બણગાં ફૂંકે છે, ખુદ્દારી અને ખુમારીના લેખો લખે છે, જીવનસાફલ્યના ચિંતનની ચટણી ચટાડે છે પણ અખબાર, સામયિકની ઓફિસમાં "જી.. જી..." થી વધારે એક ઉંહકારો ય કાઢી શકતા નથી.

- આ એવા લોકો છે જે પોતાની કારકિર્દીમાં મજેથી ગોઠવાઈ ચૂક્યા છે, પણ અખબારમાં છપાવાની વાસના અતિશય તીવ્ર છે.

- આ એવા લોકો છે જેમને અખબારના કટારલેખક તરીકે પોતાના ઓળખીતા-પાળખીતા અને પ્રશંસકોમાં છાકો પાડવામાં અનેરી લિજ્જત આવે છે.

- આ એવા લોકો છે જેમને દર અઠવાડિયે પોતાની કોલમની લિન્ક કે પતાકડા ફેસબુક પર ફરતાં મૂકીને લાઈક્સની વાહવાહી ઉઘરાવવામાં ચરમોત્કર્ષ (Orgasm)ની અનુભૂતિ થઈ જાય છે.

મીડિયામાં સક્રિય રીતે પ્રવેશ્યો એ પહેલાં હું પણ સરેરાશ વાચકની માફક કટારલેખકોને બેહદ અહોભાવથી જોતો. મારા એક મિત્રના પપ્પાને ખબર કે મને વાંચવા-લખવામાં બહુ રસ છે. એટલે એમના એક મિત્રની ઓળખાણ કરાવી. એ મહાશય એક કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરે અને કોઈક ચિરકુટ છાપામાં કોલમ લખતા હશે. માય ગોડ... શું બડાશો હાંકે, શું બડાશો હાંકે... જાણે એમના પેશાબ થકી જ આખાય અમદાવાદના દીવા બળતા હોય.  હવે મને ખબર છે કે એ મહાશય કેવા મુજરાક્વિન છે અને કોલમ લખવા મળે એ માટે અખબારની ઓફિસોમાં નિતંબ મટકાવીને કેવી ચાંપલુશી કરે છે. 

બહેન ગોરા, ભાઈ જીતેશ...તમને આવા લોકો નડે છે. જેને મફતમાં લખીને નામ છપાવવું છે. જેમને સ્વમાન નેવે મૂકીને કોલર ઊંચા રાખવા છે. જેમને પોતાની ખુદની નજરમાં નીચા પડીને વાચકની નજરમાં ઊંચા થવામાં કોઈ છોછ નથી નડતો.

યાદ રાખજો... અહીં એવા નવોદિતોની ય કમી નથી, જે ફેસબુક ઉપર ખુમારી, ખુદ્દારીના ફાંકા મારતા ફરે છે પણ ખાનગીમાં જુદો જ રાસ રમી જતાં હોય. તમે બંનેએ લખ્યું છે એવું જ એક બહેને દોઢ-બે વર્ષ પહેલાં અહીં ફેસબુક પર આવી પોસ્ટ મૂકીને કહ્યું હતું. હું તો વારી જ ગયો... વાહ, ખુદ્દારી આને કહેવાય. મેં પણ એ પોસ્ટ નીચે મફતમાં ન લખવાની એમની ખુમારીને સલામ ભરી લીધી.

પછી થોડાક સમય પછી એ બહેન ઓફિસમાં મળ્યા. મને કહે કે, "જુઓને મારૂં કંઈ થતું હોય તો..."

મેં કહ્યું, "કદાચ થાય પણ ખરું, પણ પુરસ્કાર ન મળે અને તમે તો..."

"ના.. ના..." એમણે તરત જ મને અટકાવ્યો, "આપણે એવો કોઈ હઠાગ્રહ નથી. લખવા મળે એટલે ઘણું"

"પણ તમે તો ફેસબુક પર મફતમાં તો નહિ જ લખું એવું કહેતાં હતાં"

"હા.. એ ખરું.. એવું લખ્યું હતું.. હું એવું માનું ય છું...પણ..." એ બહેન સ્હેજ થોથવાવા માંડ્યા, પછી છેવટે શ્વાસ એકઠો કરીને કહી જ દીધું, "પણ જુઓને કંઈ થતું હોય તો... એ તો પુરસ્કાર વગર પણ ચાલે!!!!!"

મેં કદી કોઈની પાસે મફતમાં લખાવ્યું નથી. સંદેશમાં હતો ત્યારે સંપાદક તરીકે હું નવો હતો અને લેખક તરીકે ભાવિન અધ્યારુ ય સાવ કોરો હતો તોય તેને પ્રતિ કોલમ ઓછામાં ઓછો 500 રૂ. પુરસ્કાર તો અપાવ્યો જ હતો. (એમાં મેં કોઈ અહેસાન નથી કર્યો. એ ભાવિનનો હક હતો. મેં ફક્ત મેનેજમેન્ટ સમક્ષ લમણાંઝિંક કરીને પુરસ્કાર મંજૂર કરાવ્યો હતો)

અંગત રીતે બહુ જ દૃઢતાપૂર્વક હું માનું છું કે લેખકનું સન્માન જળવાશે તો જ તેના લખાણમાં એ અંદાજ ઝળકશે.  માટે જ, વિવિધ વાસનાઓના મોક્ષાર્થે લખવા માંગતા લેખકો સજ્જનો અને સન્નારીઓની હું કદી ભલામણ કરતો નથી.  કારણ કે તેઓ એક તેજસ્વી, હોનહાર કલમનો ભોગ લઈ રહ્યા છે. આવતીકાલના વસાવડા, રામાવત કે કોઠારીનો ગર્ભપાત કરી રહ્યા છે.

અને છેલ્લે...
સ્થળઃ રૂડું કાઠિયાવાડ નામે વસ્ત્રાપુર તળાવ સામે આવેલી રેસ્ટોરન્ટની અગાશી.
તારીખ-વાર યાદ નથી, પણ અશ્વિનીદાદા સાથેની એ કદાચ ત્રીજી મુલાકાત હતી.
મેં સહજ રીતે જ પૂછ્યું, "આટલી પ્રચંડ લોકપ્રિયતા પછી મગજમાં રાઈ ન ભરાઈ જાય?"

દાદાએ તરત જવાબ વાળ્યો, "ભરાઈ જ જાય... ભરાવી જ જોઈએ, પણ એ રાઈ શેઠની કેબિનમાં ખોંખારીને પગાર માંગવામાં છે, લેખકને નવાજતાં ભોળા, સાચા દિલના વાચકો સામે છાકો પાડવામાં નહિ."
(અશ્વિની ભટ્ટ સાથેની એ યાદગાર બેઠકનો અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
***

ઉર્વીશ કોઠારી

એકદમ બરાબર Dhaivat Trivedi. બહારની દુનિયામાં પોતાના વિશેના ભવ્ય ભ્રમ ઊભા કરનારા કોલમિસ્ટ અંદરથી કેવા હોય છે તેનો પહેલો અને વિસ્તૃત પરચો સંદેશમાં હું ૧૯૯૯-૨૦૦૦ની આસપાસ રવિ-બુધ પૂર્તિ સંભાળતો હતો ત્યારે થઇ ચૂક્યો છે. સ્વમાન અને ગુણવત્તા- બન્નેમાંથી કશા જોડે બાંધછોડ નહીં કરનારા નગેન્દ્ર વિજયને પણ નજીકથી જોયા અને બહાર ફાંકા મારીને અંદર પૂંછડી પટપટાવતા--અત્યારે જેમના નામના સેમી-સંપ્રદાયો બની ગયા છે એવાઓને પણ જોયા. તંત્રીને તો ઠીક, પૂર્તિ સંપાદકને પણ એ લોકો એવા મસકા મારે કે આપણને થાય, 'આ બધાની શી જરૂર છે. તમે સારું જ લખો છો.'

અખબારોમાં મફત લખનારા પોતાનું વળતર બીજેથી મેળવી લેવાની 'કળા' ધરાવતા હોવાથી અથવા તગડા પગારની નોકરી ધરાવતા હોવાથી, તેમને મન 'પ્રાગટ્ય એ જ પુરસ્કાર'નો ખ્યાલ હોય છે, પણ તેનાથી છાપાંના વાઘ મફતિયા માલનું લોહી ચાખી જાય છે. અત્યાર સુધી ઘણી વાર મને વિચાર આવ્યો છેઃ બધા મફત લખનારા એક સાથે નક્કી કરે કે કાલથી (કે ફલાણી તારીખથી) મફત લખવાનું બંધ- તો શું થાય? સિમ્પલ. તેમની જગ્યા લેવા બમણા લોકો તલપાપડ હોય અને અત્યારના જમાનામાં કેટલાક તો સામેથી રૂપિયા આપવાની પણ ઓફર કરી શકે.

થોડું નવોદિતો વિશે પણ. નવોદિત હોવું જેમ વાંક નથી, તેમ લાયકાત પણ નથી. લખાણ આવ્યા પછી એ લખાણ હોય છે. સરેરાશ નવોદિતોને ફેસબુક-સ્ટાર થઇ જવાની ઉતાવળ હોય છે. પચીસમી કોલમની સિલ્વર જ્યુબિલી ઉજવવાથી માંડીને પોતાની જ કોલમમાં પોતાનાં વખાણ ઠાલવવા કે પોતાના ઇન્ટરવ્યુ કરવા જેવી બાલિશ ચેષ્ટાઓ એ કરે, ત્યારે પહેલાં ઉદાર ભાવે થાય કે 'થશે, આ લોકો પણ મોટા થશે'. પરંતુ ઇન્સ્ટન્ટ લોકપ્રિયતાનું અફીણ તેમનામાં રહેલી ગુણવત્તાની સભાનતાને કાયમ માટે પોઢાડી દે છે. પછી તે પોતાની લોકપ્રિયતાના ખાબોચિયાને મહાસાગર ગણીને, પોતાના નાવડાને ટાઇટેનિક ગણીને પોતે લીઓનાર્દો થઇ જાય છે. તેમને છાપરે (ડેક પર) ચઢાવનાારાની કદી ખોટ હોતી નથી અને સાચું સાંભળવાની - તેની પર અમલ કરવાની તેમની તૈયારી રહેતી નથી.

જેમને એવું લાગે છે કે તે સરસ લખે છે, પણ છાપામાં તક નથી મળતી, તેમને વિનંતીપૂર્વક કહેવાનું કે બ્લોગ લખો. હાથ સાફ કરવા માટે એ સારું છે. મોટા પ્લેટફોર્મ પર લખવાને કારણે દિમાગી સંતુલન ખોઇ બેઠેલા એટલા કિસ્સા જોયા છે કે અમુક પ્રકારની સમધારણતા વિના એ પ્લેટફોર્મ લખવાનું -- અથવા પોતાના વિશે માપ બહારનો ઊંચો ખ્યાલ રાખીને કોલમ શરૂ કરવાનું-- માનસિક આરોગ્ય માટે હાનિકારક નીવડી શકે છે.
***

દીપક સોલિયા

ચર્ચા સાર્થક છે.  માટે, ઘા ભેગો ઘસરકો અને ચિત્રમાં એક લસરકો. ટેન કમાન્ડમેન્ટ્સ ફોર અ રાઈટર
  1. લેખન પ્રત્યે ખૂબ જ પેશન હોય તો વાન ગોગની તસવીર ટેબલ પર રાખવી, જે જીવતો હતો ત્યાં સુધી કશું ન કમાયો અને એ મર્યો પછી એનાં પેઇન્ટિંગ્ઝ કરોડોમાં વેચાયાં. લેખક-કવિ પણ બહુ સારો હશે તો એ વહેલો-મોડો (હયાતીમાં કે રાવજી પટેલની જેમ મર્યા પછી) પોંખાઈ શકે ખરો. જોકે એની પણ ગેરંટી નથી. ગેરંટી કેમ નથી? જુઓ, પોઈન્ટ નં. ૨.
  2. આ વાત સ્વીકારવી મને પોતાને ગમતી તો નથી, છતાં સાલું આ લક (લક શબ્દ અંધશ્રદ્ધાળુ લાગતો હોય તો સંજોગો) જેવું પણ કંઈક હોય તો છે જ. સચીનથી પણ વધુ પ્રતિભા ધરાવવા છતાં ક્રિકેટર બનવાને બદલે રિક્ષા ચલાવતા કે ભેંસો ચરાવતા કે ગલ્લે બેસતા કે નવથી પાંચની નોકરી કરતા- એકદમ કસીને બાંધેલી ધારણા કહું તો- કમસે કમ પચાસેક યુવકો તો ભારતમાં હશે જ. હું કંઈ સચીન નથી, છતાં કહીશ કે મારાથી સારું લખી શકનારા અનેક લોકો લેખનના ક્ષેત્રથી જોજનો દૂર હોય એ શક્ય છે જ.
  3. અચ્છું લખનારાઓને પૈસા મળવામાં અને પછી વળતર વધવામાં વાર લાગે છે એ વાત સાચી, પણ માગ-પૂરવઠાનો પાયારૂપ નિયમ લેખન-બજારને લાગુ પડતો જ નથી, એવું સાવ તો નથી જ. 
  4. ફેસબુક-વોટ્સેપ પર કે અન્ય કોઈ વર્તુળમાં આપણા વફાદાર ચાહકોનું વર્તુળ હોય પણ એ વર્તુળ વિસ્તારવામાં સફળતા ન મળતી હોય તો વ્યાપક જગતને મારી કદર જ નથી એવું વિચારી-વિચારીને દુઃખી થવા કરતાં પોતાના મર્યાદિત વર્તુળમાં ખુશ રહેવું સારું. 
  5. લેખન પણ એક બજાર જ છે. હમ હૈ મતા-એ-કૂચા-ઓ-બાઝાર કી તરહ. માલની ડિમાન્ડ કેવી છે? બ્રેક-ઇવન સુધી (લેખકના કિસ્સામાં સજ્જતા અને મહેનત મુજબ વળતર મળવા લાગે ત્યાં સુધી) ટકી રહેવાની ક્ષમતા છે કે નહીં? માર્કેટિંગમાં ફાવટ છે કે નહીં? ફાઈનાન્સ (લેખકના ઘરનો ચૂલો લેખનથી કે અન્ય નોકરી-ધંધાથી સળગતો રહે એટલી આવક) છે કે નહીં? આવાં અનેક પરિબળો લેખન-બજારમાં ઝંપલાવનાર વ્યક્તિ માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે એ નકારી શકાય નહીં. 
  6. લખીને જ કમાવું હોય તો પત્રકાર બની જવું, નર્મદની જેમ કલમના ખોળામાં ઝંપલાવીને જેટલા પૈસા મળે એટલાથી ચલાવતા શીખી જવું. મારી તો વ્યવહારુ સલાહ એ જ છે કે લખવામાં બહુ મજા આવતી હોય તો લેખનને વ્યવસાય ન બનાવવો. કમાણી માટે નોકરી-ધંધો કરવો અને જલસા માટે લખવું. બાકી લેખનને ગુજરાન બનાવવા માટે ખૂબ હિંમત, ખૂબ સાદું જીવન, ખૂબ ખુમારી જોઈએ. આવી બધી લાયકાત વિના લેખનમાં જે ખાબકે (સ્વેટર વિના જે હિમાલય પહોંચે) તે ઠરી જ જવાના, મરી જ જવાના.
  7. ચીજ તરશે કે ડૂબી જશે એનો આધાર ચીજ ઉપરાંત પાણી પર પણ રહેલો છે. એ જ રીતે સર્જન કેટલું પોંખાય છે એનો આધાર લેખક ઉપરાંત પ્રજા-ભાવક-લેવાલ-ઘરાક-વાચક પર પણ ખરો.
  8. આપણે લખીએ અને આપણી કદર ન થાય ત્યારે ચચરાટી થાય તો ખરી જ (મેરા વિદ્રોહ ગલત હો સકતા હૈ, પર મેરી પીડા સચ્ચી હૈઃ અજ્ઞેય). આ પીડાનો એક ઇલાજ આ છેઃ પીડાને લેખનના સંતોષની કિંમત ગણવી. આમ પણ, જગતમાં કશું મફતમાં તો મળતું નથી. એટલે લખવામાં મજા પડતી હોય તો જાલિમ બેકદર જમાનાની અવગણનાને આપણી અંગત મજાની વાજબી કિંમત ગણીને વટથી ચૂકવી દેવી.
  9. લેખનમાંથી (કે જીવનના કોઈ પણ ક્ષેત્રમાંથી) ભરપૂર મોજ મેળવવી હોય તો સફળતાની ઝાઝી ફિકર કરવી નહીં. લેખકે સુખી થવું હોય તો અત્યંત દૃઢપણે એવું માનવું કે પૈસા તો બોસ, લખવાની મજાના છે. એ ઉપરાંત જે કંઈ પૈસા-બૈસા-પ્રસિદ્ધિ-બ્રસિદ્ધિ મળે એ તો બોનસ.
  10. લેખકે તંત્રી કે માલિકને ફક્ત એટલું જ કહેવાનું હોય કે મારા લખાણનો આ ભાવ છે, લેવું હોય તો લઈને અને ન લેવું હોય તો ન લઈને તમે પણ ખુશ રહો અને હું પણ ખુશ રહીશ. સામે પક્ષે તંત્રી-માલિક એવું કહે કે હું તો આ જ ભાવ આપીશ ત્યારે એ ભાવ સ્વીકારીને ખુશ રહી શકાતું હોય તો લખાણ આપીને ખુશ રહેવું અને એ ભાવ અપમાનજનક લાગે તો લખાણ ન આપીને ખુશ રહેવું. સરવાળે, ખુશ રહેવું, બસ!

16 comments:

  1. અમુક લોકોની હાજરી અને અમુક તત્ત્વોની ગેરહાજરી તેના માટે કારણભૂત હોય છે. Good one. :)

    ReplyDelete
  2. ત્રણેય લખાણ બ્લોગમાં એકસાથે વાંચ્યાં ત્યારે અંદાઝ-એ-બયાંની ત્રિવિધતા અને પાયારૂપ સૂરની એકવિધતાનું સહઅસ્તિત્વ ઊડીને આંખે વળગ્યું.

    ReplyDelete
  3. અને હા, ત્રણ ભેજાં કામે લાગે ત્યારે થોડા વધુ મુદ્દા આવરી શકાય એ જોઈને ટીમ-વર્કનું માહાત્મ્ય પણ ભેજામાં વધુ ઊંડું ઊતર્યું.

    ReplyDelete
  4. ધૈવત, ઉર્વિશ અને દીપક – ભાઇઓએ જે લખ્યું તે થોડું જ છે છતાં એને ઘણું સમજીને વાંચવું. ત્રણેય ને આ કે તે “વાઘ” સાથે પનારો પડેલો છે. દરેક જગ્યાએ “વાઘ” પણ પાછા નાના મોટા ખરા. મેં દિગ્ગજ કહેવાતા તંત્રી ,પત્રકારોની દશા અને અવદશા જોઇ છે. વોચમેન અને ફોરમેન પાસેથી પ્ણ ઉછીના પાછીના લઇને પ્રેમથી ભૂલી જનારાનાં સંતાનો “માલિક” સુધ્ધાં થઇ ગયા છે. એવા મારા એક “બે દિવસીય” સા હે બ ની પુત્રી મોટી લેખિકા થઇને “ઉધાર લેવાની ટેવ “ પર લેખ લખે ત્યારે પેલો ફોરમેન ક હે ,” બાપનું ચરિત્ર બેન જાણતી લાગતી નથી “.સમય સમયની વાત છે. જે જીત્યો તે સિકંદર.
    ત્રણેય ને અનેક શુભેચ્છાઓ અને અંત્ર્ના આશિર્વાદ. મારું લખવા બોલવાનું કડવું તેથી તેવું બધું ચાળી ગાળીને વાંચજો.

    ReplyDelete
  5. ઉત્કંઠા9:48:00 PM

    એકદમ તટસ્થ અને વાજબી..... ઘણા લોકો એમ પણ પૂછે છે કે છાપામાં મારે કોલમ/લેખ છપાવવાના કેટલા પૈસા આપવાના હોય? જાહેરાત જેમ હોય કે અલગ રીતે?

    ReplyDelete
  6. બહુ જ સરસ ચર્ચા ચાલી છે. મોટાભાગના મુદ્દાઓ આવી ગયા છે પણ જે એક-બે રહી ગયા લાગે છે તે ઉમેરું છું.

    એક - અખબારો, પૂર્તિઓ, માધ્યમો, કટારો અને લેખકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. નવોદિતો માટે આ ઉત્તમ સમય છે. ઘણાને ઘણું કહેવું હોય છે પણ પોતાની જાતને એ પૂછવાની સજ્જતા નથી હોતી કે શું આ કહેવાની ખરેખર જરૂર છે? જે કહીએ છીએ તેમાં નવું શું છે? જાડા ઇન્ટરનેટી સંદર્ભો, આડેધડ સરળીકરણો, છૂટાછવાયાં 'સુ'વાક્યો અને ખીચડીછાપ ભાષા કરીએ એટલે છાપાની જગ્યા ભરી શકાય છે. પણ કહેવું શું છે? શું કામ? કોના માટે કહેવાની જરૂર છે - જાત માટે કે જગ માટે? - આવા મૂળભૂત પ્રશ્નની ચર્ચા જ થતી નથી.

    બીજું કે, જે તે વિષય માટે કોઈ પણ પ્રકારનું ઊંડું સંશોધન ન કરવાની પ્રણાલી. ડેડલાઈનો વચ્ચે અટવાતાં કોઈ પણ પ્રકારની રીસર્ચ ન કરવાનીની ટેવ પડતી જાય છે અને પોતે કહેલું જ પ્રોફાઉન્ડ લાગવા માંડે છે. પાછું, પેલું પ્રેશર તો ખરું જ કે જે લખીએ તેમાં વિદ્વત્તાનો છાંટો ય ન હોવો જોઈએ નહિ તો પછી તેને લોકભોગ્ય નહિ માનવામાં આવે. એટલે બને તેટલું લોકપરસ્ત લખવું. સામાન્ય માન્યતાઓને પડકારવી નહિ, વહેણની દિશામાં વહેવું અને દેખાવ એવો કરવો કે વહેણની દિશા તો અમે જ નક્કી કરીએ છીએ. જ્યાં સુધી આ મૂળભૂત પ્રશ્નોને અડવામાં નહી આવે ત્યાં સુધી લેખકો 'સસ્તા' જ રહેશે અને તેના માટે માત્ર અખબારી માલિકોનો વાંક કાઢી શકાય તેમ નથી.

    ReplyDelete
  7. તમે ત્રણેય જે સ્પસ્ટતાથી તમારા મંતવ્યો મૂકો છો , અહી તો ચોંપ વગર પણ, એ વૈચારિક સ્વચ્છતા, સુઘડતા અને ભાષાની પક્કડની મજા આવી.
    મુદ્દા તો સ્વયં સ્પષ્ટ છે જ.

    ReplyDelete
  8. 👌👌👌
    👏👏👏

    ReplyDelete
  9. Anonymous11:52:00 PM

    Now a days, there is less mood of reading in newspaper. Mostly copy paste from Internet . There is a particular style of writing of every author but it should not be boring as time passes. Very few write which is enjoyable . I have read ashvini Bhatt 's all book and few I read 3 times but I m still ready to read them. Editors must maintain the quality of colums. We reader must throw such writer in dustbin .

    ReplyDelete
  10. ketanjchristie@gmail.com2:29:00 AM

    Good one, Urvishbhai, Dhaivatbhai, Dipakbhai.

    ReplyDelete
  11. Anonymous7:15:00 PM

    Dear Urvish,

    Your academic effort on Columnist(s) approach on utilizing different fundas to impress upon readers of vernacular readers is worthy to note. Content(s) and used ink and space is resulting in readership's view on various subjects, a responsibility to create maturity of reader(s).

    May I share following link which would enhance additional knowledge on this view of journalism, published in daily, the Hindu, of-course English newspaper, viewed by Shri A.S. Pannerselvan:

    http://www.thehindu.com/opinion/Readers-Editor/the-dewey-principle/article7512964.ece?homepage=true

    Columnist(s) have double professional responsibility to utilize his/ her pen focusing the issue(s) affecting and developing the society, instead of rent-seeking approach.

    Jabir

    ReplyDelete
  12. Thoroughly Enjoyed this!

    ReplyDelete
  13. આ સ્વસ્થ ચર્ચામાં એક આયામ મારા તરફથી ઉમેરું. કારણ એ જ કે, લેખન મારો વ્યવસાય છે, અને મારી આજીવિકા લેખન પર નિર્ભર છે.
    આઠ વર્ષ અગાઉ કેમીકલ એન્જિનીયરીંગનું ક્ષેત્ર છોડીને લેખનને કારકિર્દી લેખે અપનાવ્યું ત્યારે મનમાં અમુક બાબતો સ્પષ્ટ હતી.
    અખબારી લેખન માટે કદી પ્રયત્ન કર્યો ન હતો, અને તેમાં મળતા તેમના ધોરણ મુજબના પુરસ્કારથી ઘર ન ચાલે એ સમજણ સ્પષ્ટ હતી. તેથી આજીવિકા માટે કોલમલેખન ક્યાંય મનમાં ન હતું. મારી વિશેષતા જીવનચરિત્રો આલેખવાની હતી, તેથી એ અંગે મળતાં કામથી ઘર ચાલશે એ ગણતરી હતી. ‘પૈસા લઈને કોકના ગુણગાન ગાવા’ જેવી ઉપરછલ્લી અને વ્યાપક રીતે પ્રવર્તતી ગેરસમજ વિષે જાણ હતી, છતાં એ અંગે સ્પષ્ટતા હતી કે અન્ય કોઈ પણ વ્યાવસાયિકની જેમ જ હું મારું કૌશલ્ય વેચું તો એમાં કંઈ તકલીફ નથી. બીજી રીતે કહું તો, આપણને મનમાં આવે એમ લખવાને બદલે કોઈકની જરૂરિયાત મુજબ લખવું અને એમાં પોતાની શૈલી જાળવી રાખવી એ મોટો પડકાર છે, એમ કાયમ લાગ્યું છે.
    આમાં એક દેખીતો ગેરફાયદો એ હતો કે જે પ્રકારનું કામ હું કરું છું, એમાં મારું નામ પ્રસારમાધ્યમમાં ક્યાંય જોવા મળે નહીં. પણ મનમાં સ્પષ્ટ સમજણ હતી કે આ વ્યવસાય હું શેના માટે અપનાવી રહ્યો છું? મારી આવડત થકી આજીવિકા રળવા કે મારું નામ છાપાં-મેગેઝીનોમાં દેખાય એટલા ખાતર? પહેલો જવાબ સ્પષ્ટ હતો. તો પછી પોતાને ગમતું લખાણ ક્યારે લખવાનું? આનો ઉકેલ બ્લોગ શરૂ કરવાથી મળી ગયો. મારી રુચિ મુજબનું, મને ગમે એવું લખાણ હું બ્લોગ માટે લખવા લાગ્યો. આમાંય સમજણ સ્પષ્ટ હતી કે મારે બને એટલી વધુ કમેન્ટુ મેળવવા લખવાનું નથી, પણ ગમતું લખવાની ખંજવાળ છે એને શમાવવા માટે લખવાનું છે. કમેન્ટે આવે તો રાજી થવાય, પણ ન આવે તો દુ:ખી જરાય નહીં, કેમ કે, બ્લોગપોસ્ટ લખવામાં જ એટલી મજા આવી હોય કે પછી બધું ગૌણ લાગે.
    ઘણી વાર એમ બન્યું કે મારા બ્લોગ માટે લખેલા લેખો બ્લોગ પરથી કોઈ ને કોઈ મેગેઝીનમાં લેવાયા. એનો આનંદ, પણ કંઈ મોટી ધાડ મારી હોય એવું નહીં. (કારણ અગાઉ જણાવ્યું એ.)
    લેખનને વ્યવસાય લેખે અપનાવ્યાના સાત વર્ષ પછી ‘ગુજરાત મિત્ર’માંથી કોલમ માટે નિમંત્રણ આવ્યું અને આઠ વર્ષ પછી ‘દિવ્ય ભાસ્કર’માંથી. બન્ને અખબારોમાં લખાણનો પ્રકાર સાવ જુદો છે. એનાથી પ્રસારમાધ્યમમાં નામ દેખાતું થયું, અને એનો જે તે અખબારના ધોરણ મુજબનો પુરસ્કાર પણ મળે છે. છતાં એ વાસ્તવિકતા છે જ કે એનાથી ઘર તો ઠીક, બાઈક કે કાર પણ ચાલવાની નથી.
    આ આત્મકથન એટલા માટે કે વ્યવસાયિક લેખનનો અર્થ એવો હરગીઝ નથી કે માત્ર કટારલેખન કરવું કે અન્ય સાહિત્યપ્રકાર પર જ નિર્ભર રહેવું. લેખનને વ્યવસાય લેખે સ્વીકાર્યા પછી આપણને આવડતું હોય એ તમામ કામ સ્વીકારવું રહ્યું. અનુવાદ, નાનાં સંકલનો, જીવનચિત્ર પ્રકારની પુસ્તિકાઓ, કોઈકનું વક્તવ્ય લખી આપવું, કોઈકના ગાંડાઘેલા લખાણનું પરામર્શન કરી આપવું અને બીજા અનેક પ્રકારના કામ. અને આ તમામ કામમાં મહેનતાણું પોતાના ધોરણ મુજબનું લેવાનું, જે મળી જ રહે છે. આજે આઠ વર્ષ પછી સ્થિતિ એ છે કે કામ સતત રહ્યા કરે છે, ઘર પણ ચાલે છે અને એક ક્ષણ માટેય લાગ્યું નથી કે આ કારકિર્દી ખોટી અપનાવી. બાયોડેટામાં ‘વ્યાવસાયિક લેખક’ લખવાનું બંધ કરીને માત્ર ‘લેખક’ લખવાનું રાખ્યું છે. કારણ એ જ કે, અન્ય વ્યવસાયની જેમ જ લેખન પણ એક વ્યવસાય છે, એ વાત લોકો સમજતા થાય.
    ઘણા પ્રાધ્યાપકો કે અન્ય લોકો મને ઘણી વાર અતિ ઉત્સાહમાં ‘નર્મદ’ કહી દે ત્યારે એમને જણાવવું પડે છે કે મહેરબાન, મારી પ્રશંસાના અતિ ઉત્સાહમાં તમારી બુદ્ધિનું પ્રદર્શન ન કરો.

    ReplyDelete
  14. Anonymous1:02:00 AM

    Lo kro vat aatla mota chhapa sav mafat ma lakhave to aemna chhapa na lakhan pan maliko jeva faltu hoy!!

    ReplyDelete
  15. I was also thinking of columnists like they are MEGAMINDS, but read the truth about them by Chandarkant Bakshi many years ago. :-) How much great he was in relationship and ego is just a different subject, but some of his thoughts are really really nice. Great points, Urvishbhai ! Now I am reading DB epaper for your columns.

    ReplyDelete
  16. आज उन गीतों को बाज़ार में ले आया हूँ
    मैंने जो गीत तेरे प्यार की ख़ातिर लिक्खे
    - साहिर लुधियानवी

    ReplyDelete