Friday, June 05, 2015

ન.મો.-મનમો. સંવાદ

ગયા અઠવાડિયે નરેન્દ્ર મોદી અને મનમોહન સિંઘ મળ્યા. આ એક અફર હકીકત છે. આવું એટલા માટે કહેવું પડે કે ‘આ મુલાકાત કોણે ગોઠવી હતી’ એવા સવાલથી માંડીને ‘તેમની વચ્ચે શી વાતો થઇ?’ એ સવાલોના અનેક જુદા જુદા જવાબ મળે છે. તેની સચ્ચાઇમાં ઉતરવાને બદલે કલ્પનામાં ઉતરવાની મઝા વધારે નથી? તેમની વચ્ચે કેવો સંવાદ થયો હશે? કલ્પના :

મનમોહનસિંઘ (વડાપ્રધાનની કચેરીમાં દાખલ થતાં, જુસ્સાભેર) : દેખો, દેખો કૌન આયા, રેસકોર્સકા શેર આયા...
(તેમને ઓળખતા જૂના કર્મચારીઓ આશ્ચર્યથી તાકી રહે છે. કેટલાક વિચારે છે કે આટલી મોટેથી તો એ દસ વર્ષમાં ક્યારેય બોલ્યા નથી.)

ન.મો: (આવકારતાં) પધારિયે સિંઘજી...(હસતાં હસતાં) રેસકોર્સમાં શેર ન હોય. ત્યાં તો ઘોડા હોય ઘોડા.
તેમની પર દાવ લગાડવાના.મુંબઇના રેસકોર્સની વાત જુદી છે. દિલ્હીના રેસકોર્સમાં તો જે ઘોડા પર દાવ લાગ્યો હોય તે ઘોડાને પણ ભાગ આપવો પડે.

મનમો: (હાસ્ય સાથે)મારે તમને એ જ યાદ કરાવવું હતું કે રેસકોર્સમાં શેર ન હોય.

ન.મો.: એ બધી વાતો પછી. પહેલાં આવો ખરા...શું લેશો? હવે તો તમારે કોઇને પૂછવાની જરૂર નથી. બોલો. ચીનની ચા? જાપાનનો ઉકાળો? અમેરિકાનો જ્યુસ? સાઉથ કોરિયાનું...

મનમો: આભાર, મને તો રીઝર્વ બેન્કની સામેની લારી પરની ચા વધારે ફાવે છે. એમાં ઘર જેવું લાગે છે. પણ અત્યારે જે હશે તે ચાલશે...બોલો, કેમ યાદ કર્યો?

ન.મો: તમે બહુ ઝડપથી મુદ્દાની વાત પર આવી ગયા...સૉરી, પણ મારામાંથી કંઇક તો શીખો...

મનમો: હવે પાકા ઘડે કાંઠલા ક્યાં ચડાવવા? અમારે તો બહોત ગઇ ને થોડી રહી.

ન.મો: કૉંગ્રેસની બેઠકોની વાત કરો છો ને...ખરી વાત છે...બહોત ગઇ ને થોડી રહી.

મનમો: જે ગણો તે. આજે તમે યજમાન છો.

ન.મો: હું તો કાયમ યજમાન બનવા તૈયાર હોઉં છું અને હું કેટલો ઉત્તમ યજમાન છું, એ બજારમાં કોઇને બી પૂછી જોજો. ફક્ત ઉદ્યોગપતિઓને જ નહીં, ફિલમવાળાને પૂછો. ગુજરાત આવે ને મને મળવા આવે તે કદી ખાલી હાથે જતો નથી. આપણી સંસ્કૃતિમાં કહ્યું છે ને, તુમ મુઝે એન્ડોર્સમેન્ટ દો, મૈં તુમ્હે એનકેશમેન્ટ દૂંગા.

મનમો: મને ખ્યાલ છે. તાતાના નેનો પ્લાન્ટ માટે તમે જે ઉદાર શરતે જમીન આપી હતી એ મે વાંચ્યું હતું. પછી ગુજરાતમાં રોજગારીનું શું થયું?

ન.મો: તમે મુદ્દાની વાત બહુ કરો છો. એનાથી વધારે ગંભીર બાબત એ છે કે તમે અસલી મુદ્દો સમજતા નથી. ગુજરાતની રોજગારીનું શું થયું એ વધારે અગત્યનું છે કે વર્ષો પછી--કદાચ ઇતિહાસમાં પહેલી જ વાર--દેશને એક છપ્પનલક્ષણો નેતા મળ્યો એ વઘુ મહત્ત્વનું...

મનમો: છપ્પન નહીં, બત્રીસ લક્ષણો કહેવાય.

ન.મો: હા, એ જ. બત્રીસ લક્ષણ અને છપ્પન ઇંચમાં ગોટાળો થઇ ગયો.

મનમો: દેશની ધડકન પર તમારો હાથ છે એ વાત તો ખરી. બીજા ઘણા લોકોને લાગે છે કે છપ્પન ઇંચમાં કંઇક ગોટાળો છે. ભારત-પાકિસ્તાન સરહદના કે કાશ્મીરમાં પાકિસ્તાની ઘ્વજ ફરકાવવાને લગતા સમાચાર આવે ત્યારે તો ખાસ...

નમો: થેન્ક્‌સ, પણ મારી વાતની ડીટેઇલમાં નહીં જવાનું. લોકો સમજી જાય એટલે બસ છે. યહી અપ્પુનકા ઇશ્ટાઇલ હૈ, સમજા ભીડુ?... કેવી રહી આ સ્ટાઇલ? મારો વિચાર તો ઓબામા આગળ આ સ્ટાઇલ મારવાનો હતો, પણ પછી થયું કે એને ભાન નહીં પડે ને નકામી મારી સ્ટાઇલ બાતલ જશે. એટલે પેલો સૂટ પહેરીને અને એને ‘બરાક’ કહીને જ કામ ચલાવી લીઘું.

મનમો: સૂટ પરથી યાદ આવ્યું. એ સૂટ તમે મૅડમ તુસો મ્યુઝિયમમાં આપી દેજો--તમારા પૂતળાને પહેરાવવા. એમને સારું લાગશે કે તમે ગિફ્‌ટ આપી અને તમારી જાન છૂટશે.

ન.મો: એ બધી ફાલતુ વાત છોડો. આપણી બીજી વાત કરીએ. ચીનની મુલાકાત વખતે મેં જે નવા ગોગલ્સ પહેર્યા હતા, એમાં મારો વટ પડતો હતો કે નહીં? અને અમારું સેલ્ફી કેવું હતું? હું ને જિનપિંગ, હું ને ચીન, હું ને હું...(વાતો કરતાં કરતાં સ્વપ્નિલ થઇ જાય છે.)

મનમો: (મોટેથી બોલે છે) સાક્ષી મહારાજ
(એ સાથે જ ન.મો.ની તંદ્રા તૂટે છે.)

ન.મો: (અર્ધતંદ્રાવસ્થામાં) તમને લોકોને કેટલી વાર કહ્યું છે કે મેં મસ્ત રીતે કોઇ સીન જમાવ્યો હોય ને લોકો એમાં તલ્લીન થઇ ગયા હોય ત્યારે વચ્ચે પથરા નાખવા રહેવા દો. તમને લોકોને મૂંગા મરતાં શું થાય છે? આમ ને આમ કોઇક દહાડો સરકાર ખોવાનો વારો આવશે...(સામે મનમો.ને જોઇને, જાગ્રત અવસ્થામાં) સૉરી, મનમોહનજી, આ તો જરા ‘મનકી બાત’ હતી.

મનમો: ‘મન્કી બાત’માં તમે આવું બઘું કહેવા માંડો તો એના ટીઆરપી બહુ વધી જાય.

ન.મો: ‘મન્કી’ નહીં, સિંઘજી. જરા મોં સંભાળીને. મ..ન..કી બાત.

મનમો:: સૉરી, એ તો મારો બોલવાનો અંદાજ જરા એવો છે. બાકી ઇરાદો ખરાબ ન હતો.

ન.મો: તમારા ઇરાદા વિશે મને કોઇ ચિંતા નથી. કારણ કે હવે તમે વડાપ્રધાનપદની રેસમાં નથી. ચિંતા તો મને રાહુલ ગાંધીની પણ નથી. એને તો અમારી સ્મૃતિ પહોંચી વળે એમ છે...રાહુલ પરથી યાદ આવ્યું, સોનિયાજી કેમ છે?

મનમો: એકદમ મઝામાં...અને તમારાં સોનિયાજી?

ન.મો: (ગૂંચવાઇને) એટલે? સમજ્યો નહીં.

મનમો: સંઘ પરિવારની વાત કરું છું. પરિવાર વિના આપણો ક્યાં ઉદ્ધાર છે?

ન.મો: એટલે તો હું કૂદી કૂદીને પરિવારવાદનો વિરોધ કરતો હતો, પણ મારા ભક્તો એમ સમજતા હતા કે હું ગાંધી પરિવારની ટીકા કરું છું.

મનમો: તમારી વક્તૃત્વકળા પર હું ફીદા છું. મને ઘણી વાર થાય કે જે જીભે ચડે તે તમારા જેટલા આત્મવિશ્વાસથી બોલતાં મને આવડતું હોત તો કેટલું સારું?

ન.મો: એ તો તમારો વિવેક છે અને તમારે ક્યાં મારી માફક બોલી બોલીને ખુરશી સુધી પહોંચવાનું હતું? ખરેખર તો મને એવું થતું હતું કે મને તમારી જેમ મૂંગા રહીને સત્તા મળી જાય તો કેટલું સારું? એ શક્ય ન બન્યું, પણ મને એ વાતનો આનંદ છે કે વડાપ્રધાન બન્યા પછી હું મારી એક ઇચ્છા પૂરી શક્યો--એક બાબતમાં તમને પહોંચી શક્યો. હવે તમારી જેમ મારા માટે પણ બધા કહે છે કે બોલવાનું આવે ત્યારે હું મૌન થઇ જાઉં છું. મારે કબૂલવું જોઇએ કે એ બાબતમાં તમે મારા પ્રેરણાસ્રોત છો. ખરેખર તો મારે તમને ગુરુદક્ષિણા આપવી જોઇએ.

મનમો: એ તો તમારી નમ્રતા અને મહાનતા છે. બાકી, તમારા ગુરુ પણ મારા મિત્ર છે. એટલે હું તો એવું જ ઇચ્છું કે મને તમે કદી ‘ગુરુદક્ષિણા’ને લાયક ન ગણો...હવે રજા આપો...બોલ્યુંચાલ્યું માફ.

No comments:

Post a Comment