Monday, June 15, 2015

શિક્ષણ ૨૦૩૫ : કેટલાંક દૃશ્યો

પરિણામો અને પ્રવેશ એક સિક્કાની બે બાજુઓ છે, પણ બન્ને બાજુઓ સહિતનો આખેઆખો સિક્કો વિદ્યાર્થીઓ અને વાલીઓના નહીં, સરકારોના અને સંચાલકોના ખિસ્સામાં છે. પહેલાંના વખતમાં કમાઇ ચૂકેલા લોકો સમાજસેવા કરવા માટે શાળા-કૉલેજ ખોલતા હતા અથવા તેના માટે દાન આપતા હતા. હવેના જમાનામાં કમાઇ ચૂકેલા માલેતુજારો વઘુ ને વઘુ કમાવા માટે શાળા-કૉલેજ ખોલે છે. ‘શિક્ષણનું ભાવિ અંધકારમય છે’ એ વિધાન ભૂતકાળ બની ચૂક્યું છે. કારણ કે  એ ‘ભાવિ’ હવે વર્તમાનકાળ છે. કૉલેજો ફીપરસ્ત ને વિદ્યાર્થીઓ ડિગ્રીપરસ્ત છે. તેથી વાલીઓ ત્રસ્ત અને સંચાલકો મસ્ત છે. આ સ્થિતિમાં દસ વર્ષ પછી શિક્ષણક્ષેત્રની હાલત કેવી હશે, તેની કેટલીક કલ્પનાઓ.

(નોંધઃ જમાનાની તાસીર જોતાં સૌથી વધારે બીક એ વાતે લાગે છે કે અતિશયોક્તિ ભરેલી આ  રમૂજી કલ્પનાઓ ક્યાંક સાચી ન પડી જાય.)
*** 

વાલી ૧ઃ તમારા બાબાના ઍડમિશનનું પતી ગયું?

વાલી ૨ : (હરખથી) હા, હોં. ઇશ્વરકૃપાથી બઘું હેમખેમ પાર પડ્યું. હવે શાંતિ.

વાલી ૧ઃ શામાં લીઘું?

વાલી ૨ઃ એને એમ.બી.બી.એસ.માં મૂક્યો.

વાલી ૧ઃ  હું તમારા દીકરાની નહીં, પૌત્રની વાત કરું છું. એ તો હજુ ચાર વર્ષનો છે ને.

વાલી ૨ઃ હા, હું પણ એની જ વાત કરું છું. એનું એમ.બી.બી.એસ.માં ઍડમિશન લીધું. આ વર્ષથી ઇન્ટરનેશનલ બોર્ડની એક સ્કૂલે એમ.બી.બી.એસ.નો નવો ઇન્ટીગ્રેટેડ કોર્સ કાઢ્‌યો છે : બે વત્તા દસ વત્તા બે વત્તા પાંચ. એમ કુલ સત્તર વર્ષનો કોર્સ. માથાકૂટ જ નહીં. જુનિયર કેજીથી એક વાર પેઠા એટલે એમ.બી.બી.એસ. થઇને જ નીકળવાનું. સત્તર વર્ષમાં જ્યારે પણ કોઇ પૂછે કે બાબો શું કરે છે, તો વટથી કહી શકાય, ‘એમ.બી.બી.એસ.’.

વાલી ૧ઃ શું વાત કરો છો...એ સ્કૂલમાં આઇ.ટી.નો કોઇ કોર્સ હોય તો જોજો. મારી દીકરીના દીકરાને અત્યારથી જ મૂકી દઇએ. એટલે નિરાંત.

વાલી ૨ઃ ચોક્કસ. પણ હજુ એકાદ વર્ષ રાહ જોવાય એમ હોય તો મારી સલાહ છે કે થોભી જાવ. એ લોકો આઇ.ટી.નો નવો એકવીસ વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્સ આપવાના છે : બે વત્તા દસ વત્તા બે વત્તા પાંચ વત્તા ચાર. તેમાં અમેરિકાની કોઇ યુનિવર્સિટી સાથે ચાર વર્ષ માસ્ટર્સનું ટાઇ અપ પણ આવી જાય. પાસપોર્ટ-વિઝા બઘું ઇન્સ્ટીટ્યુટ જ કઢાવી આપે. છોકરાને કશી ચિંતા જ નહીં. એ ભણે કે ન ભણે, તમે એકવીસ વર્ષ સુધી ફી ભરો, એટલે એકવીસમા વર્ષે તમારે ધૂઘરા જેવો રણકતો છોકરો તૈયાર.

વાલી ૧ઃ પણ આવા કોર્સની ફી કેટલી? તોડી નાખે એવો ભાવ હશે ને?

વાલી ૨ઃ એ તો હોય, પણ એક વાર કેજીમાં ઍડમિશન લીધા પછી દસમામાં, બારમામાં ને કૉલેજમાં ઍડમિશનના ને લાઇન લેવાના કકળાટ તો મટે. અત્યારે જરા અગવડ પડે, પણ એ તો માનવાનું કે ભવિષ્યમાં છોકરાંના શિક્ષણને લગતી ઉપાધિ ન આવે, એટલા માટે વીમો લીધો છે ને એનું પ્રીમિયમ ભરીએ છીએ. અમે જે કંપનીની નર્સરીમાં ઍડમિશન લીઘું, એ કંપનીની પોતાની માલિકીની બૅન્ક છે. એટલે તે એજ્યુકેશનલ લોન ઉપર એક ટકો ઓછું વ્યાજ લે છે.

વાલી ૧ઃ ઑફર તો આકર્ષક છે...

વાલી ૨ઃ પણ બહુ વિચાર કરવા ન રહેતા. નહીંતર, એક-બે વર્ષમાં પડાપડી શરૂ થઇ જશે. મારી છોકરી ડીલીવરી માટે પીયર આવી છે. એના આવનારા સંતાનનું ઍડમિશન પણ આ જ ઇન્સ્ટિટ્યુટમાં અમે ઍડવાન્સમાં લઇ લીઘું છે. શું છે કે એ લોકો ઍડવાન્સમાં આવનારને પંદર ટકા ડિસ્કાઉન્ટ આપે છે. આપણે તો પહેલાં પણ ફી ભરવી ને પછી પણ ભરવી. તો પછી ડિસ્કાઉન્ટનો લાભ ન લઇએ?
***

વાલી ૧ઃ તમારી છોકરી આ વખતે બાર સાયન્સમાં હતી ને? કેટલા માર્ક આવ્યા?

વાલી ૨ઃ ૯૯૯૯૯.

વાલી ૧ઃ ઓહ... સૉરી. જાણીને દુઃખ થયું. અમારો છોકરો પણ ધોવાઇ ગયો. એના ૯૯૯૯૭ આવ્યા.

વડીલ : અલ્યા, તમે આ બધા શાના આંકડા બોલો છો? અમારી વખતે તો રિઝલ્ટ ટકામાં આવતું હતું. એ બધા આંકડા સોથી નીચે જ હોય.

વાલી ૧ઃ એ બઘું તમારા પછાત જમાનામાં ચાલી ગયું. એ વખતે એસ.એસ.સી. પાસ થયેલા શિક્ષક બની ગયા ને બી.ઇ. થયેલા મોટા બ્રિલિયન્ટમાં ખપી ગયા...

વાલી ૨ઃ જવા દો ને વાત જ. એ વખતે ૯૦ ટકા લાવનારા કેટલા ફાંકા મારતા હતા. એ બધા બેટમજીઓ અત્યારે હોય તો એમને ખબર પડે કે કેટલા વીસે સો--ના એક લાખ-- થાય છે. વડીલ, અત્યારે બધા માર્ક સોમાંથી નહીં, એક લાખમાંથી ગણાય છે.

વડીલઃ એનાથી ફેર શું પડે? પહેલાં ૯૦ માર્ક આવતા હતા ને હવે ૯૦૦૦૦ માર્ક આવે, તેમાં શિક્ષણનું સ્તર ઊંચું આવી જાય?

વાલી ૧ઃ વડીલોની આ જ તકલીફ છે. શિક્ષણનું સ્તર, શિક્ષણપદ્ધતિ, ગુણવત્તા--એવા જૂનવાણી શબ્દોનો મોહ એમનાથી છૂટતો નથી. એક વાર બહાર નીકળીને જુઓ તો ખરા, દુનિયા ક્યાંની ક્યાં નીકળી ગઇ.

વડીલઃ ક્યાંથી ક્યાં નીકળી ગઇ?

વાલી ૧ઃ (માથું ખંજવાળતાં) એટલે કે બઘું બહુ બદલાઇ ગયું છે. ટકાવારીની પ્રથા હવે ચાલે એમ નથી. એના લીધે દર વર્ષે કકળાટ થતો હતો.

વાલી ૨ઃ લોકોના કેવા ટકા આવતા હતા, ખબર છે? અમારા એક ઓળખીતાના છોકરાના ૯૯.૯૯૮૨૭૩૭૩ ટકા આવ્યા હતા. એના પર્સન્ટાઇલ જોકે ૯૯.૯૯૮૨૮૮૫૭ થતા હતા. બિચારાને સહેજ માટે મેડિકલમાં મળતાં રહી ગયું. કારણ કે એ વર્ષે કટ ઑફ પર્સન્ટાઇલ ૯૯.૯૯૮૨૮૮૪૯ હતા.

વાલી ૧ : શિક્ષણમંત્રીને પણ આ બધા આંકડામાં સમજ પડતી ન હતી. દર વખતે કોર્ટ કેસ થતા હતા. ૯૯.૯૯૮૨૮૮૫૭ કરતાં ૯૯.૯૯૮૨૫૭૮૮ પર્સન્ટાઇલ વધારે કહેવાય કે ઓછા, એ બાબતે એક ઐતિહાસિક કોર્ટકેસ થયો હતો. તેનો ચુકાદો સાડા ચાર વર્ષે આવ્યો હતો.

વડીલ : પણ એમાં સાડા ચાર વર્ષ શા માટે લાગવાં જોઇએ? આ તો તરત ખબર પડી જાય એમ છે...

વાલી ૨ઃ કાકા, ધર્મમાં ને કોર્ટમાં કૉમન સેન્સ ન ચાલે. એક વાર કેસ કોર્ટમાં ગયો, એટલે મેટર સબજ્યુડિસ થઇ ગઇ. પછી કેસ ચાલવા ઉપર આવતાં જ સવા ચાર વર્ષ નીકળી ગયાં. પછી થોડી મુદતો પડી. છેવટે બન્ને પાર્ટીઓ હાજર થઇ ત્યારે કોર્ટે ચુકાદો આપી દીધો કે  ૯૯.૯૯૮૨૫૭૮૮ પર્સન્ટાઇલ કરતાં ૯૯.૯૯૮૨૮૮૫૭ પર્સન્ટાઇલ વધારે કહેવાય. સારું છે કે મેટર કે.જી.ના વિદ્યાર્થીઓની હતી. એટલે એ લોકો પાંચમા ધોરણ સુધી જ પહોંચ્યા હતા. આ મેટર પછી કોર્ટે નક્કી કર્યું કે હવે આવા ટકા આપવાને બદલે એક લાખ માર્કમાંથી જે માર્ક આવે એના આધારે મેરિટની ગણતરી કરવી. 

1 comment:

  1. Anonymous4:25:00 PM

    Too good! Kharekhar education ni kafodi haalat ni ironical comedy .... Kudos!

    ReplyDelete