Wednesday, June 03, 2015

માણસાઇને ઢંઢોળતો દસ્તાવેજ

મુસ્લિમ ત્રાસવાદી તરીકેના જૂઠા આરોપનો ભોગ બનીને ફાંસીની સજા પામેલો માણસ અગિયાર વર્ષે સર્વોચ્ચ અદાલતમાંથી નિર્દોષ છૂટે, ત્યાર પછી પણ તે એવી અવસ્થામાં હોય કે પોતાની પર શી વીતી તે સમભાવથી લખી શકે, એ લખાણમાં કડવાશ ન હોય, ધાર્મિક ઝનૂન ન હોય, ઉલટું ઠેકઠેકાણે સહિષ્ણુતા, સચોટ વ્યંગ અને ખુદા પર સંપૂર્ણ શ્રદ્ધા હોય, એ પુસ્તકની ભાષા એવી હોય કે તેને વાંચીને મુસ્લિમો ઉશ્કેરાય નહીં, પણ મુસ્લિમદ્વેષથી પીડાતા હિંદુઓ વિચારતા થાય...આવું ભાગ્યે જ બનતું હોય છે. પરંતુ ગુજરાતી લિપીમાં અને ઉર્દુ ભાષામાં લખાયેલા પુસ્તક ‘૧૧ સાલ સલાખોંકે પીછે’માં એવું બન્યું છે. તેના લેખક અબ્દુલકય્યુમ મન્સુરીને વર્ષ ૨૦૦૨માં અક્ષરધામ પર થયેલા ત્રાસવાદી હુમલાના આરોપી તરીકે  ઝડપી લેવાયા હતા. ત્યાર પછીનાં અગિયાર વર્ષની તેમની આપવીતી પોતાની જાતને માણસ ગણનાર સૌ કોઇને હચમચાવે અને વિચારતા કરી મૂકે એવી છે.

આ પુસ્તકને ‘પોલીસ કસ્ટડીમાં થયેલા ઘાતકી અત્યાચારના અરેરાટીભર્યા વર્ણન’ના ખાતે નાખી દેવા જેવું નથી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કેટલાક પોલીસ અફસરોએ આ નિર્દોષ ધર્મગુરુ (મુફ્‌તી) પર કરેલા અત્યાચાર વિશે વાંચીને, હિંદી ફિલ્મોના પ્રતાપે કોઇને એવું લાગી શકે,‘હા, બરાબર છે, પણ પોલીસ તો આવી જ હોય છે. આપણે ફિલ્મોમાં પણ ક્યાં નથી જોતા?’ મસાલા ફિલ્મોમાં આવતા પોલીસ રીમાન્ડનાં દૃશ્યોની જેમ, આ પુસ્તક વાંચીને અરેરાટીસૂચક ડચકારા બોલાવી દેવાથી ચાલે એમ નથી.

પુસ્તકમાં ઉઘડતી કેટલીક ખતરનાક બાબતો : પોલીસ અને સરકાર ત્રાસવાદથી લોકોનું રક્ષણ કરવાને બદલે, કેવી રીતે પોતે જ ત્રાસવાદીઓને શરમાવે એવી વર્તણૂંક કરે છે, કોમવાદી લાગણી નાબૂદ કરવાને બદલે, કેવી રીતે કેટલાક પોલીસ અફસરો કોમવાદ દૃઢ બને અને હિંદુ-મુસ્લિમો વચ્ચેનો અવિશ્વાસ વધે એવા કારસા કરે છે,  મુસ્લિમો પ્રત્યે હિંદુઓના મનમાં અવિશ્વાસ ઊભો કરવા અને ઊભા થયેલા અવિશ્વાસને દૃઢ બનાવવા સરકાર તથા પોલીસ કેટલાં જૂઠાણાં આચરી શકે છે અને કહેવાતા હિંદુહિતરક્ષકો હિંદુઓને કઇ હદે મૂરખ બનાવી શકે છે, જૂઠાડા પોલીસ અફસરોને ‘જાંબાઝ દેશભક્ત’ તરીકે બિરદાવનારા અને અસલિયત બહાર આવ્યા પછી મીંઢું મૌન સેવનારા છદ્મશ્રીઓ વાચકોને કેવા ગેરરસ્તે દોરે છે...

કાવતરું અને અમલ

સપ્ટેમ્બર, ૨૦૦૨માં અક્ષરધામ પર ત્રાસવાદી હુમલો થયો અને અંધાઘૂંધ ગોળીબારો પછી ત્રાસવાદીઓ માર્યા ગયા. એ ઘટનાથી ગુજરાતમાં  ખુલ્લમખુલ્લા આવી ગયેલી મુસ્લિમવિરોધી લાગણીને પૂરો ઢાળ મળી રહે એમ હતો. સાથોસાથ, ‘હિંદુ લાગણી’ શાંત પાડવા અને પોલીસનો-સરકારનો વટ પાડવા માટે અક્ષરધામનો કેસ ઉકેલાઇ ગયો એ દર્શાવવું જરૂરી હતું. સરકાર માટે એ સહેલું પણ હતું. કારણ કે, તેમને ફક્ત દાઢી-ટોપીવાળા થોડા મુસ્લિમો જ પકડી આણવાના હતા. ડી.જી.વણઝારાની આગેવાનની હેઠળની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સરકારી કાવતરાબાજીનો મુખ્ય અડ્ડો બની.

પહેલી વાર મુફ્‌તીને ક્રાઇમ બ્રાન્ચવાળા લઇ ગયા ત્યારે મુફ્‌તીને એવો વિશ્વાસ હતો કે ‘મેં કશો ગુનો કર્યો નથી, પછી શા માટે ગભરાવું?’ ક્રાઇમ બ્રાન્ચમાં એસીપી સિંઘલે પહેલી વાર મુફ્‌તીને ડંડાથી ઝૂડી નાખ્યા ત્યાં સુધી મુફ્‌તીને એ પણ ખબર નહોતી કે તેમનો ગુનો શો છે. બીજા દિવસે તેમને વણઝારા સામે હાજર કરવામાં આવ્યા. તેમણે પણ એકાદ સવાલ પૂછ્‌યા પછી ‘ડંડાપાર્ટી’ મંગાવી. એક અલમસ્ત ટુકડી આવી. તેના લોકોએ મુફ્‌તીને બરાબર જકડી રાખ્યા અને પીઆઇ વનાર પૂરા જોશથી મુફ્‌ત પર ડંડો લઇને તૂટી પડ્યા. મારતાં મારતાં એ થાકી જાય ત્યારે વણઝારા તેમને ગાળ દઇને વધારે મારવાનું કહેતા. ત્યાં સુધી પણ મુફ્‌તી પોતાના ગુનાથી અજાણ હતી. પછી વણઝારાએ તેમને  અક્ષરધામ મંદિરના હુમલા વિશે પૂછ્‌યું ત્યારે મુફ્‌તીને ખ્યાલ આવ્યો કે તેમને ગંભીર કેસમાં સંડોવી દેવાયા છે.

ક્રાઇમ બ્રાન્ચમાં ઘાતકી મારઝૂડના ઘણા પ્રસંગો પુસ્તકમાં છે.   એ અત્યંત ગંભીર છે, પણ મારઝૂડના વ્યક્તિગત ત્રાસ ઉપરાંત વધારે વ્યાપક ગંભીર મુદ્દા પણ આ પુસ્તકમાં આલેખાયા છે.

 • મુફ્‌તીને કેવળ શંકાના આધારે, ક્રાઇમ બ્રાન્ચે ચાળીસ દિવસ સુધી ગોંધી રાખ્યા. તેમની પર અને તેમના જેવા બીજાઓ પર બેસુમાર અત્યાચાર કરવામાં આવ્યા. હદ બહારની મારઝૂડ પછી પોલીસ જે કહે તે કબૂલવા મુફ્‌તી તૈયાર થઇ ગયા. ત્યાર પછી મારઝૂડ બંધ થઇ ગઇ. મુફ્‌તીએ લખ્યું છે, ‘રીમાન્ડના બાકીના દિવસોમાં કાવતરામાં અમારી ભૂમિકાઓ ઘડી કાઢવાની અને એ માટે ચર્ચાવિચારણા કરવાની પૂરતી તક આપવામાં આવી. એટલું જ નહીં, અમારે કયા કેસમાં ફસાવું છે એના વિકલ્પ પણ આપવામાં આવ્યા. અમારા એક સાથીને ગોધરાકાંડ અને હરેન પંડ્યામાંથી કોઇ એક કેસ પસંદ કરવાનું કહેવાયું.’ ‘સાહેબ, મને આટલા મોટા કેસમાં ફસાવી દીધો’ એવું મુફ્‌તીએ સિંઘલને કહ્યું ત્યારે તેમણે કહ્યું હતું,‘હું મજબૂર હતો. મારી પર ઉપરથી દબાણ હતું.’
 • આખા કાવતરામાં એક નામ આવ્યું : અબુ તલ્હા. મુફ્‌તીએ લખ્યું છે કે આ પાત્ર અક્ષરધામ, હરેન પંડ્યા હત્યા, ટિફીન બોંબ, સિરીયલ બ્લાસ્ટ અને બીજા ઘણા કેસમાં વૉન્ટેડ બતાવાયું છે, પણ સેશન્સ કોર્ટે બ્લાસ્ટના જૂઠા કેસના જજમેન્ટમાં લખ્યું છે કે અબુ તલ્હા (પોલીસે ઉપજાવી કાઢેલું)  કાલ્પનિક પાત્ર છે. 
 • જૂઠા કાવતરાની કથા ફિલ્મી સ્ક્રીપ્ટની ઝીણવટથી ઘડી કાઢવામાં આવી. બધાં પાત્રોને તેમની ભૂમિકા સમજાવી અને ગોખાવી દેવાઇ. છતાં કેટલીક મહત્ત્વની ભૂલો રહી ગઇ. હુમલાખોરોએ હુમલાના આગલા દિવસે અક્ષરધામ મંદિરમાં જઇને સ્થળની પૂરી તપાસ કરી એવું કહેવાયું, પણ એ દિવસે સોમવાર આવતો હતો અને સોમવારે અક્ષરધામ બંધ રહે છે, એ ‘વાર્તાકારો’ના ઘ્યાનબહાર ગયું. માર્યા ગયેલા ત્રાસવાદીઓના ખિસ્સામાંથી નીકળેલી બે ઉશ્કેરણીજનક ઉર્દુ ચિઠ્ઠીઓ મુફ્‌તીએ લખી હોવાનો આરોપ હતો. પરંતુ પોલીસે ક્યાંકથી ઉર્દુમાં હસ્તગત કરેલી બે જેહાદી ચિઠ્ઠીઓ કેવી રીતે ત્રાસ ગુજારીને મુફ્‌તીના હસ્તાક્ષરમાં લખાવી લેવાઇ, એ તેમણે પુસ્તકમાં લખ્યું છે. દરેક વખતે મુફ્‌તીની લખેલી ચિઠ્ઠી ઉર્દુના કોઇ જાણકારને વંચાવવામાં આવે ને એમાં મૂળ ચિઠ્ઠી કરતાં કંઇક જુદું લાગે, એટલે મુફ્‌તીએ ચિઠ્ઠી ફરી લખવાની. એમ કરતાં એમને ચાળીસ-પચાસ વાર ચિઠ્ઠીઓ લખવી પડી. 
 • અક્ષરધામમાંથી મળેલા ત્રાસવાદીઓના મૃતદેહ સંખ્યાબંધ ગોળીઓથી વીંધાયેલા હતા. તેમનાં કપડાંમાં અસંખ્યા કાણાં હતાં. લોહી, પાણી અને માટીથી કપડાં સાવ રગદોળાયેલાં હતાં. પણ તેમના ખિસ્સામાંથી નીકળેલી --અને મુફ્‌તીએ તેમને લખી આપેલી મનાતી-- બે ચિઠ્ઠીઓ  સાવ કોરીકટ હતી. ડાઘા તો ઠીક, તેને ગડી પણ પડેલી ન હતી. 
 • ક્રાઇમ બ્રાન્ચના અફસરોએ વાર્તા પ્રમાણે મુફ્‌તીને કહ્યું કે ‘તે આ ત્રાસવાદીઓને શહાદત અને જનાજાની નમાઝ પઢાવી.’ મુફ્‌તીએ તેમને કહ્યું કે ‘જીવતા માણસને આ નમાઝ ન પઢાવાય.’ સાહેબોએ કહ્યું, ‘એમ? તો બીજી કોઇ નમાઝનું નામ આપ.’ મુફ્‌તીએ કહ્યું કે એને ‘નફલ નમાઝ’ કહેવાય. એટલે સાહેબોએ વાર્તામાં સુધારો કર્યો અને મુફ્‌તી પર હુમલાખોરોને ‘નફલ નમાઝ’ પઢાવવાનો આરોપ મૂક્યો. 
 • આખી કથા નક્કી થઇ ગયા પછી હુમલાખોરો ક્યાંના હતા, તે ક્યાંથી આવ્યા અને તેમની પાસે શસ્ત્રો ક્યાંથી આવ્યા, એટલા છેડા લટકતા હતા. એના માટે ક્રાઇમ બ્રાન્ચના અફસરો સાથે મુફ્‌તીને કાશ્મીર લઇ જવાયા. ત્યાં ચાંદખાન નામના એક માણસને ઓળખી બતાવવાનું કામ હતું. એ માટે મુફ્‌તીને અમદાવાદમાં ચાંદખાનનો ફોટો અને વિગતો આપીને બરાબર લેસન કરાવાયું હતું. કાશ્મીર પોલીસની હાજરીમાં, તેમને સમજ ન પડે એટલા માટે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ પટેલે મુફ્‌તીને ગુજરાતીમાં કહ્યું, ‘બાજી સાચવી લેજો. આપણી સ્ટોરી જ કહેજો. અમે તમને બચાવી લઇશું.’ પણ કાશ્મીરમાં દાવ ઊંધો પડ્યો. કાશ્મીર પોલીસ સામે મુફ્‌તીએ ‘ગુનો’ તો કબૂલી લીધો, પણ ત્યાં એમની એટલી ઝીણી પૂછપરછ કરવામાં આવી કે તેમાં ક્રાઇમ બ્રાન્ચની સ્ટોરીમાં રહેલાં છીંડાં ખુલ્લાં પડી ગયાં. ત્યાર પછીના દિવસો મુફ્‌તીને કાશ્મીર પોલીસથી દૂર સારી હોટેલમાં રાખવામાં આવ્યા અને સરકારી મહેમાનની જેમ કાશ્મીર ફેરવવામાં આવ્યા. મુફ્‌તીએ લખ્યું છે કે કાશ્મીરમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઇ ચૂક્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે ઇચ્છ્‌યું હોત તો મારી સામેનો કેસ તેમણે પાછો ખેંચી લીધો હોત, પણ એવું ન થયું. 
 • મુફ્‌તીના કેસના પાયામાં રહેલાં ગાબડાંને સ્પેશ્યલ પોટા કૉર્ટે નજરઅંદાજ કર્યાં અને એક નિર્દોષને ફાંસીની સજા ફટકારી દીધી. તેની સામે હાઇકોર્ટમાં અપીલ થઇ ત્યારે કોર્ટે પણ રહસ્યમય વિલંબ પછી, ફાંસીની સજા બહાલ રાખી. છેવટે સર્વોચ્ચ અદાલતે ન્યાય કર્યો, નવેસરથી પુરાવા તપાસ્યા અને કેસમાં રહેલાં ગાબડાં  તરફ આંખ આડા કાન કરવા બદલ અગાઉના અફસરોની ઝાટકણી કાઢી. સહિંદુ મંદિર પર હુમલો કરવાના કેસમાં ફસાવી દેવાયેલા મુફ્‌તીએ પુસ્તકમાં ઠેકઠેકાણે લખ્યું છે કે જેલમાં હિંદુ કેદીઓ ઉપરાંત કોમી હિંસાના આરોપી એવા હિંદુઓ પણ તેમની સાથે પ્રેમ અને આદરથી વર્તતા. કેટલાક ભલા હિંદુ કેદીઓ વિશે તેમણે લખ્યું છે કે એ લોકો જો મુસ્લિમ હોત તો બહુ મોટા વલી ગણાતા હોત. આખા પુસ્તકમાં જે અફસરોએ તેમની સાથે સદ્‌ભાવભર્યો વ્યવહાર કર્યો એ બધાના વર્તન વિશે તેમણે લખ્યું છે અને જે મુસ્લિમ અફસરોએ દુષ્ટતા આચરી તેનું પણ બયાન આપ્યું છે.
ધાર્મિક મુસ્લિમોને ત્રાસવાદી તરીકે અને અમુક નેતાઓને હિંદુઓના ઉદ્ધારક તરીકે જોતા-બતાવતા લોકોની આંખો મુફ્‌તીનું પુસ્તક વાંચ્યા પછી ખુલે અને તે સ્વાર્થી નેતાઓને બદલે પોતાની અંદર રહેલા માણસની દૃષ્ટિએ જોતા-સમજતા થાય, તો મુફ્‌તીને વગર વાંકે વેઠવા પડેલા અત્યાચારોનું સાચું પ્રાયશ્ચિત થયું ગણાય. 

4 comments:

 1. સુંદર અને તટસ્થ આલેખન બદલ હાર્દીક અભિનંદન ઉર્વીશભાઇ

  ReplyDelete
 2. ખુબ જ સુંદર ઉર્વીશભાઈ, પુસ્તક ક્યાંથી અને કેવી રીતે મેળવી શકાય તેની વિગત આપવા વિનંતી

  ReplyDelete
 3. Anonymous2:49:00 AM

  Urvishbhai thanks for true message. Where are our sants and philosophers. Did they read this book or not? I read the rivew first time from you.
  Thanks once again.
  M Sutaria

  ReplyDelete