Sunday, June 14, 2015

૧૨૦૦મી પોસ્ટ : રાજકીય કાર્ટૂન થકી રાજકારણની સફર, એક નવી શરૂઆત

અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી/ CEPT University વિશે પહેલી વાર ૧૯૮૭માં સાંભળેલું. જોકે, ત્રણ વર્ષ પાડોશમાં આવેલી એમ.જી.સાયન્સમાં ગાળ્યાં ત્યારે કદી ‘સેપ્ટ’માં જવાનું તો ઠીક, એ તરફ જોવાનું પણ થયું ન હતું. ‘સેપ્ટ’ની છાપ એકદમ ‘એલીટ’ શિક્ષણસંસ્થા તરીકેની. આર્કિટેક્ચર અને પ્લાનિંગની ઉત્તમ કૉલેજ તરીકે તેનું નામ. ૠતુલ જોષી જેવા મિત્રો તેમાં અધ્યાપક હોવાને કારણે થોડાં વર્ષોથી ‘સેપ્ટ’માં જવાનું થતું. પરંતુ ‘સેપ્ટ’ના વિદ્યાર્થીઓને કદીક ભણાવવાનું થશે, એવું વિચાર્યું ન હતું. ૠતુલ થકી જ ખબર પડી કે ‘સેપ્ટ’માં દર વર્ષે સમર સ્કૂલ અને વિન્ટર સ્કૂલ શરૂ થઇ છે. તેમાં આર્કિટેક્ચર સાથે સંબંધ હોય કે ન પણ હોય એવા ટૂંકા ગાળાના વિવિધ અભ્યાસક્રમ ‘સેપ્ટ’ના વિદ્યાર્થીઓ માટે મૂકાતા હોય છે. તેમણે કોઇ એક અભ્યાસક્રમની પસંદગી કરવાની.  આ કોર્સની તેમને પાંચ ક્રેડિટ મળે.

ૠતુલ સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી નક્કી કર્યું કે ‘સેપ્ટ’ની સમર સ્કૂલ ૨૦૧૫માં મારે એક વિશિષ્ટ કોર્સ મૂકવો : ‘રાજકીય કાર્ટૂનો દ્વારા ભારતના રાજકીય ઇતિહાસની સફર.’ આવો કોર્સ ‘સેપ્ટ’માં તો ઠીક, બીજે ક્યાંય પણ ચાલતો હોય એવું જાણમાં ન હતું. આ કોર્સ ચલાવવો સામાન્ય રીતે અઘરો પડે તેનું મુખ્ય કારણ : વિવિધ સમયગાળાનાં ઘટનાક્રમ સંબંધિત-વૈવિઘ્યપૂર્ણ કાર્ટૂન ક્યાંથી લાવવાં? મારે જોકે એ ચિંતા કરવાની ન હતી. બલ્કે, આ કોર્સનો વિચાર જ અમારા (બીરેનના અને મારા) વિશાળ કાર્ટૂનસંગ્રહમાંથી આવ્યો હતો.

(Click to enlarge)

(Click to enlarge)

૧૯૮૭-૮૮ની આસપાસ બીરેને ઘરે ‘ઇલસ્ટ્રેટેડ વિકલી ઑફ ઇન્ડિયા’/ The Illustrated Weekly Of India મંગાવવાનું શરૂ કર્યું હતું. એ વખતે હું બારમા ધોરણમાં કે કૉલેજના પહેલા વર્ષમાં હોઇશ. પ્રીતિશ નાંદીના તંત્રીપદા હેઠળના ‘વિકલી’એ જીવનમાં ઘણી દિશાઓ ઉઘાડી આપી. રાજકારણમાં તો એ વખતે રસ પડતો નહીં. (હજુ પણ રસ તો નથી જ પડતો. લખવાનું મોટે ભાગે નાગરિકી ફરજના ભાગરૂપે થાય છે.) પરંતુ ‘વિકલી’માં આવતું અઠવાડિયાનાં શ્રેષ્ઠ કાર્ટૂનનું પાનું ‘નેશનલ લૅમ્પૂન’? National Lampoon તરત ગમવા લાગ્યું. ઉપરાંત મારિઓ મિરાન્ડા/ Mario Miranda અને હેમંત મોરપરિયા/Hemant Morparia નાં કાર્ટૂન અડધા-અડધા પાનામાં આવતાં હતાં.
(National Lampoon Page- click for large view)

એ વખતે (અને ત્યાર પહેલાં-પછી પણ) ભારતીય કાર્ટૂનજગતમાં આર.કે.લક્ષ્મણનો દબદબો. જેમ વેજીટેબલ ઑઇલ એટલે ‘ડાલડા’ અને ચૉકલેટ એટલે ‘કૅડબરી’, તેમ કાર્ટૂન એટલે લક્ષ્મણ. પરંતુ ‘વિકલી’માં ‘નેશનલ લેમ્પૂન’ના વાચનથી કાર્ટૂનનું આખું બ્રહ્માંડ ખુલી ગયું : અબુ અબ્રાહમ, ઓ.વી.વિજયન, રાજિન્દર પુરી, સુધીર દાર, કેશવ, ઉન્ની, પોનપ્પા, સુધીર તેલંગ અને બીજા ઘણા. સમજાયું કે લક્ષ્મણ ગ્રેટ છે, પણ બીજા ઘણા એટલા જ --અને ઘણી વાર તો વધારે--ગ્રેટ છે. બલ્કે, સરખામણીનો બહુ મુદ્દો નથી. ‘દાદા’ કહેવાય એવા ફક્ત લક્ષ્મણ નથી, બીજા પણ ઘણા છે.

બીરેન ત્યારે આઇ.પી.સી.એલ.માં કામ કરે. એટલે તેની લાયબ્રેરીના કાતરિયામાંથી લાયબ્રેરિયનની મંજુરી સાથે તે જૂનાં છાપાંમાંથી પરસેવે રેબઝેબ થઇને પણ રાજિન્દર પુરી, સુધીર તેલંગ, ઉદયન, પોનપ્પા જેવાંનાં કાર્ટૂનના કટિંગ કરી લાવે. એ કાર્ટૂનના અમે વ્યવસ્થિત સંગ્રહ બનાવતા હતા. એ અરસામાં ‘પેંગ્વિન બુક ઑફ ઇન્ડિયન કાર્ટૂન્સ’ અમદાવાદના રેલવે સ્ટેશને જોવામાં આવી. એ ખરીદી લીધી. તેમાં પણ બહુ રસ પડ્યો. ત્યાર પછી કાર્ટૂનને લગતાં બીજાં પુસ્તક પણ ખરીદ્યાં. લક્ષ્મણ સિવાય બીજાં કાર્ટૂનિસ્ટનાં પુસ્તક ઓછાં બહાર પડે. પણ ભારતીય કાર્ટૂનિસ્ટોમાં આદ્ય એવા શંકરનું પુસ્તક મિત્ર સંજય ભાવે દિલ્હીના આંતરરાષ્ટ્રિય પુસ્તકમેળામાંથી ખાસ યાદ રાખીને લઇ આવ્યા હતા.

‘વિકલી’માં મોરપરિયાનાં કાર્ટૂનના પ્રશંસક બન્યા પછી તેમને ચાહક તરીકે પત્ર લખ્યો. મુંબઇ ગયા ત્યારે તેમને મળ્યા અને એક લાંબા સંબંધની શરૂઆત થઇ. અમારી પહેલી મુલાકાતને પચીસ વર્ષ થયાં. એ સંબંધનું એક મઘુર પરિણામ એ છે કે ગુજરાતી લખી-વાંચી નહીં શકતા ગુજરાતી હેમંત મોરપરિયા પાસેથી ‘સાર્થક જલસો-૪’માં એક સરસ લેખ મળ્યો.

કાર્ટૂન પ્રત્યેના ઊંડા, સન્નિષ્ઠ અને કશી અપેક્ષા વગરના પ્રેમનું  બીજું મોટું પરિણામ એટલે ‘સેપ્ટ’ની સમર સ્કૂલમાં આ વખતે મુકાયેલો કોર્સ. બે દાયકા કરતાં પણ વધુ સમયથી કાર્ટૂન એકઠાં કરતી વખતે નિજાનંદ સિવાય બીજો કશો ખ્યાલ ન હતો. પરંતુ એ સંગ્રહને એક સાર્થક દિશા મળી અને તેનો સાર્થક ઉપયોગ એક સરસ કોર્સના સ્વરૂપે થઇ શક્યો, તેનાથી ઊંડો સંતોષ થાય છે.

‘સેપ્ટ’માં ત્રણ અઠવાડિયાના કોર્સમાં ગાંધી-સરદાર-સુભાષ-આંબેડકર-ઝીણા-લિયાકલઅલી-નેહરુનાં કાર્ટૂન અને તેમના સમયગાળાના ઇતિહાસની વાતો, નેહરુયુગ, લાલબહાદુર શાસ્ત્રી, ઇંદિરા ગાંધીયુગ, કૉંગ્રેસનું વિભાજન, જનતા સરકારનો સમય, રાજીવ ગાંધી, ચંદ્રશેખર, દેવે ગૌડા, ગુજરાલ, સોનિયા ગાંધીની આનાકાની, કૉંગ્રેસપ્રમુખ સીતારામ કેસરીની મનમાની, નરસિંહરાવનો યુગ, આર્થિક ઉદારીકરણ, વાજપેયીની સરકાર, યુપીએ સરકાર, એનડીએ સરકાર,  પરમાણુ શસ્ત્રોના પરીક્ષણનું રાજકારણ, કોમી રાજકારણ- જેવા ઘણા મહત્ત્વના વિષયો આવરી શકાયા.
Urvish Kothari with CEPT summer school students (on last day of the class)

મારો કોર્સ પસંદ કરનાર ૯ વિદ્યાર્થીઓને કાર્ટૂન, વિડીયો, તસવીરો અને વાર્તાલાપની મદદથી ઇતિહાસની સફર કરાવી, ત્રણ અઠવાડિયામાં સંખ્યાબંધ કાર્ટૂન બતાવ્યાં. નજીકના ભૂતકાળના ઇતિહાસની અનેક ઉથલપાથલોનું કાર્ટૂનિસ્ટોની નજરે દર્શન કરાવ્યું.  મહેનત બહુ પડી, પણ એ કામ થઇ શક્યું તેનો ઘણો સંતોષ થયો. સાથોસાથ, એ પણ સમજાયું કે આ જ વિષય એક-દોઢ કલાકના જાહેર કાર્યક્રમ તરીકે રજૂ કરી શકાય અને એક-બે મહિના સુધી બાકાયદા અભ્યાસક્રમ તરીકે પત્રકારત્વના કે બીજા અભ્યાસક્રમોમાં પણ મઝાથી શીખવી શકાય એમ છે.

એક વર્ષ પહેલાં પત્રકારત્વમાં માસ્ટર્સનો અભ્યાસક્રમ પૂરો કર્યો ત્યારે બે વર્ષ વિદ્યાર્થી અવસ્થાનો આનંદ લીધો હતો. ‘સેપ્ટ’ના કોર્સથી મારા મનમાં શિક્ષણનો જેવો ખ્યાલ હતો, એવું શિક્ષણ આપવાનું શક્ય છે અને આપી શકાય છે, એ વાતનો સંતોષ મળ્યો છે.

કાર્ટૂન દ્વારા રાજકીય ઇતિહાસની સફરનો આ પહેલો મુકામ હતો. આગળ તે કેવું સ્વરૂપ લેશે અને ક્યાં લઇ જશે એ જાણતો નથી-જાણવાની જરૂર પણ નથી. કારણ કે કાર્ટૂનનો સંગ્રહ શરૂ કર્યો ત્યારે ક્યાં ખબર હતી કે બે દાયકા પછી એને વિષય તરીકે ભણાવવાની તક મળશે.  

8 comments:

 1. આપણા શિક્ષણમાં વિદ્યાર્થીઓ 'ફિક્સ થાળી' ખાઈ ખાઈને થાકી ગયા છે તેમને આ લા કાર્ટની 'મરજી મુજબની મજા' મળતી નથી. જે આપવાનો પ્રયત્ન થોડો પ્રયત્ન કે પ્રયોગ માત્ર થઇ રહ્યો છે. સારી સંસ્થા સારી રીતે ત્યારે જ ટકી શકે કે જ્યારે તે અભ્યાસક્રમો અને પાઠ્યપુસ્તકોમાં જકડાયા વગર અવનવા વિષયો અવનવા શિક્ષકોને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની તક પૂરી પાડે. ત્યારે જ વિદ્યાર્થીઓ પોતાની આગવી કેડી કંડારી શકે અને ત્યારે જ શિક્ષકોને સતત નવું વિચારવાનું કે નવું આપવાનું મન થાય. આનંદ એ વાતનો છે કે Urvish Kothari કે Gargey Trivedi (who took winter school last year) જેવા મિત્રો કે જે પોતાના ક્ષેત્રમાં ભારે દ્રઢતા અને નિસ્બતથી રચ્યા-પચ્યા રહે છે તેમને સેપ્ટના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની આ ઔપચારિક તક મળી. તેમાં ય Urvish Kothari-Biren Kothari પાસે તો પોલીટીકલ કાર્ટૂન્સનો અદ્ભુત ખજાનો છે અને તેથી વધુ તો તે કાર્ટૂન્સને યોગ્ય રીતે જોવાની ઊંડી રાજકીય સમજ છે. શા માટે પછી તે 'શિક્ષણ'નો ભાગ ન હોવો જોઈએ! ઉર્વીશભાઈ, બીજું કોઈ હોત તો કહેત કે પ્રિવિલેજ ઇઝ ઓલ અવર્સ. તમને તો એટલું જ કહેવાનું કે કમ બેક અગેઇન સૂન! :-)

  ReplyDelete
 2. કરેલું કામ ક્યારે અને કેટલું ફળશે તે કહી શકાતું નથી, પણ તે સાવ જ એળે જાય એ શક્ય નથી. સંઘરેલા સાપ પણ જો એળે ન જતા હોય તો આ તો કાર્ટૂન્સ છે. કાર્ટૂન્સના સંગ્રહથી શિક્ષણ સુધીની યાત્રા બદલ અને એ વિશેના આ લખાણ બદલ અભિનંદન. વાંચવાની મોજ પડી.

  ReplyDelete
 3. વાહ.... કોર્સ તો ના પોસાય... ;) સેપ્ટમાં એડમીશન પણ ના મળે...
  પણ પેલા પ્રોગ્રામમાં ચોક્કસ રસ છે... :D

  ReplyDelete
 4. Anonymous9:58:00 PM

  Urvishbhai, I did not see the name " Chakor" in your list. He was my fevorite. Please reply.
  M Sutaria

  ReplyDelete
 5. કોર્સમાં ’ચકોર’નાં આઝાદી પહેલાંનાં કેટલાંક કાર્ટૂન સમાવ્યાં હતાં. ચકોરદાદાના સ્ટ્રોક સરસ હતા, પણ રાજકીય કાર્ટૂનમાં ઘણી વાર તે વિધાનોને ચિત્રોમાં ફેરવીને મૂકી દેતા હતા. તેમાં રીફાઇનમેન્ટ કે ધાર ઓછી અને ક્રુડનેસનું પ્રમાણ વધારે રહેતું, એવો મારો અભિપ્રાય છે. (જેની સાથે તમે સંંમત ન પણ હો). ’ચકોર’દાદા સાથે અંગત પરિચય પણ હતો અને તેમને બે-ચાર વાર મળવાનું પણ થયું હતું. એ અલગ વાત છે.

  ReplyDelete
 6. Political commentator, writer, journalist, humourist, speaker and now a teacher too... Man, you have a lot of master-'strokes' up your sleeves! Great. Congratulations. This course must have enriched the students. No doubt about that.

  ReplyDelete
  Replies
  1. હું ફિલ્મી માણસ હોત તો કહેત, આપકી દુઆ હૈ..ફિલ્મી નથી, એટલે મનોમન એ અનુભવું છું. :-)

   Delete
  2. હું પત્રકારત્વમાં સાવ નવો હતો ત્યારે મારી પહેલી કવર સ્ટોરી (1995માં) કાર્ટૂન વિશેની હતી. એ તમે એડિટ કરવા માટે બેઠા હતા અને બાજુના ટેબલ પર નવા 'રંગરૂટ' તરીકે હું બેઠો હતો એ દૃશ્ય હજુ મને યાદ છે :-)

   Delete