Tuesday, July 08, 2014

શ્રદ્ધા : ભક્ત અને ભગવાન વચ્ચેનો મામલો

દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ સાંઇબાબા ઇશ્વર નથી, તેમની મૂર્તિ બીજા ભગવાનોની સાથે મૂકવી ન જોઇએ અને હિંદુઓએ તેમની પૂજા ન કરવી જોઇએ, એવાં વિધાનો કરીને વિવાદ છેડ્યો છે. કોર્ટકચેરીએ પહોંચેલા એ મામલા વિશે ટીવી ચર્ચાઓના અંદાજમાં પાણી વલોવવાને બદલે કેટલીક મૂળભૂત બાબતો વિશે વાત થાય તો, આ પ્રકારના વિવાદોથી બચી શકાય. સાથોસાથ, કેટલીક પાયાની સ્પષ્ટતાઓ સુધી પણ કદાચ પહોંચી શકાય.

ઇશ્વર એટલે...

સાહિર લુધિયાનવી રચિત ઉત્તમ કવ્વાલી ‘યે ઇશ્ક ઇશ્ક હૈ’ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે તેમાં એક પંક્તિ આવે છે : ‘ખાક કો બુત ઔર બુત કો દેવતા કરતા હૈ ઇશ્ક.’ તેમાં મહિમા ભલે પ્રેમનો થયો હોય, સાથોસાથ ઇશ્વરની સાદામાં સાદી ‘રેસિપી’ બતાવી દેવામાં આવી છે :  માણસ જેને પ્રેમથી-શ્રદ્ધાથી ભજે, મનથી માને તે ઇશ્વર.

માણસ ઇશ્વર થકી છે કે નહીં (ઇશ્વરે માણસનું સર્જન કર્યું કે નહીં) એ ચર્ચા, વિવાદ અને વૈજ્ઞાનિક સંશોધનનો વિષય હોઇ શકે છે, પણ ઇશ્વર માણસ થકી છે એ હકીકત છે. માણસ ન હોત તો ઇશ્વરને ઇશ્વર તરીકેની ઓળખ કે એવો દરજ્જો કોણ આપત? માણસની અનુપસ્થિતિમાં, આસ્તિકોની માન્યતા પ્રમાણેના સર્જક-પાલક-સંહારક ઇશ્વરની દશા ‘જંગલમેં મોર નાચા’ જેવી ન થાત?

સૃષ્ટિનું સર્જન થયાનાં કરોડો વર્ષ પછી આવનાર મનુષ્ય નામના પ્રાણીએ પહેલી વાર ઇશ્વરનું સ્થાપિત-સંસ્થાકીય-દાર્શનિક-આઘ્યાત્મિક સ્વરૂપ કલ્પ્યું. બીજા શબ્દોમાં કહીએ તો, ઇશ્વર કરોડો વર્ષોથી આ સૃષ્ટિનો સર્જક-પાલક-સંહારક હોય તો પણ,  આજે જે સ્વરૂપે કલ્પવામાં કે માનવામાં આવે છે એવા ઇશ્વરનો ‘જન્મ’ મનુષ્યના આગમન પછી થયો.

આદિમ પ્રજા પ્રાકૃતિક તત્ત્વો અને પશુપક્ષીઓને ભગવાન માનતી હતી. ત્યારથી માણસે પાછું વાળીને જોયું નથી. ઇશ્વર બનાવવાની માણસની જરૂરિયાત અથવા મજબૂરી અથવા બન્ને ધીમે ધીમે કરતાં વ્યવસાય અને ‘હૉબી’ બનવાની હદે પહોંચ્યાં છે. ઘણાં દેવી-દેવતાનું ‘અવતરણ’ તો સાવ નજીકના ભૂતકાળમાં થયું છે. તેનો સૌથી જાણીતો અને સ્વીકૃત દાખલો છે : સંતોષીમા.

વર્ષ ૧૯૭૫માં ‘શોલે’ની સમાંતરે ‘જય સંતોષીમા’ ફિલ્મ આવી અને એકાદ-બે વર્ષ સુધી ‘શોલે’ને ટક્કર આપે એટલી પ્રચંડ સફળતા પામી. ત્યારથી સંતોષીમાનો સંપ્રદાય ધમધમવા લાગ્યો. બાકી, એની વાર્તામાંં હતું શું? ‘જય સંતોષીમા’નાં ગીતો લખનાર પ્રદીપજીએ કહ્યું હતું કે આવાં કોઇ દેવીનું નામ ‘દેવીભાગવત’માં નથી. છતાં, પરચા-રસથી ભરેલી વ્રતકથાની પાતળી ચોપડીમાં કલ્પનાઓ ઉમેરીને સંતોષીમાની પૂરા કદની ફિલ્મી કથા તૈયાર કરવામાં આવી. તેની એવી સફળતા મળી કે થિએટરનાં પ્રાંગણમાં સંતોષીમાનાં મંદિર ખડાં થઇ ગયાં, શ્રદ્ધાળુઓ ત્યાં યથાશક્તિ ભેટ મૂકીને ગોળ-ચણાનો પ્રસાદ મેળવવા લાગ્યા, શુક્રવાર ‘સંતોષીમાનો વાર’ બની ગયો.

ત્યાર પછી પણ અવનવા નામ ધરાવતાં ઘણાં દેવીદેવતા અસ્તિત્ત્વમાં આવ્યા છે અથવા તેમને ખોળી કાઢવામાં આવ્યાં છે. કેટલાંક નામ તો હસવું આવે એવાં હોય છે. છતાં, એ શ્રદ્ધાપૂર્વક લખાયેલાં જોવા મળે છે. એનો અર્થ જ એ થયો કે કંઇ નહીં તો થોડા લોકો માટે એ ‘ભગવાન’નું સ્થાન ધરાવે છે. જ્યાં લગી એ લોકોને તેમનામાં શ્રદ્ધા છે, ત્યાં સુધી ભગવાન તરીકે એમનું સ્થાન પાકું છે. થોડાં વર્ષ પછી દસ-પચીસ-પચાસ પૈસાના સિક્કાની જેમ તેમની ‘ઉપયોગીતા’ ખતમ થઇ જાય અથવા તેમનું સ્થાન બીજા કોઇ ‘ભગવાન’ લે, તો શક્ય છે કે સિક્કાની જેમ જ અમુક દેવીદેવતાઓ પણ ચલણમાંથી નીકળી જાય.

દક્ષિણના લોકો એમ.જી.રામચંદ્રન્‌, એન.ટી.રામારાવ જેવા અભિનેતામાંથી મુખ્ય મંત્રી બનેલા લોકોથી માંડીને જીવીત અભિનેત્રીઓનાં મંદિર બનાવવા માટે જાણીતા છે. ગાંધીજીથી અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી જેવી લોકપ્રિય હસ્તીઓનાં છૂટાંછવાયાં મંદિર પણ બને છે. જીવંત વ્યક્તિને ભગવાન માનવાની વાત નીકળે એટલે ગુજરાતના જેલસ્થ એન્કાઉન્ટર-સ્પેશ્યાલિસ્ટ વણઝારા પણ યાદ આવે. તેમણે પત્રમાં લખ્યું હતું, ‘ગુજરાતના માનનીય મુખ્ય મંત્રી મોદીને હું ભગવાનની જેમ પૂજતો હતો...પણ શ્રી અમિતભાઇ શાહના આસુરી પ્રભાવ તળે આવી ગયેલા મારા ભગવાન પ્રસંગને છાજે એવું વર્તન કરી શક્યા નહીં.’

ફિલ્મી, રમતજગતની કે અન્ય હસ્તીઓને ભગવાન માનવા- તેમનાં મંદિર સ્થાપવાની ચેષ્ટાઓ પાછળ ઘેલછાની હદે પહોંચેલી લાગણી, પ્રસિદ્ધિની લાલસા, આર્થિક ફાયદો કે એવાં એક યા વઘુ પરિબળ જવાબદાર હોઇ શકે છે. છતાં, તેની સામે શંકરાચાર્ય જેવા કોઇ ધર્મગુરુ જાહેર કકળાટ કરતા નથી. ‘શાસ્ત્રોમાં આવા કોઇ ભગવાનનો ઉલ્લેખ નથી’ એવી ‘શાસ્ત્રીય’ દલીલો થતી નથી. તેનું એક કારણ કદાચ એ છે કે આ મંદિરો મોટો ભક્ત સમુદાય - અને તેની સીધી પેદાશ જેવી અઢળક કમાણી- ખેંચી લાવતાં નથી અને સ્થાપિત ધર્મસંસ્થાઓ માટે તે ખતરો ઉભો કરતાં નથી. આવાં મંદિરોને લોકો નિયમને બદલે અપવાદ તરીકે વધારે જુએ છે.

પાયાનો તફાવત

ભગવાનની વાત નીકળી છે તો થોડી ચર્ચા શ્રદ્ધા-અંધશ્રદ્ધા વિશે પણ કરવી રહી. તેમના માટેના અંગ્રેજી શબ્દો કોઇ ગુંચવાડા વગરના છે : શ્રદ્ધા એટલે ‘ફેઇથ’ અને અંધશ્રદ્ધા એટલે ‘સુપરસ્ટીશન’. રેશનાલિસ્ટો માને છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા તત્ત્વતઃ એક જ છે. બન્નેમાં આંખ મીંચીને, તર્કશક્તિને બાજુએ રાખીને વિશ્વાસ મૂકવાની વાત છે. માટે, તેમના મતે દરેક શ્રદ્ધા ‘અંધશ્રદ્ધા’ જ હોય છે.

તાર્કિક રીતે આ દલીલ સાચી હોય તો પણ શ્રદ્ધાળુઓને તે સ્વીકાર્ય બનતી નથી. કારણ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા તત્ત્વતઃ એક હોય તો પણ ભાવતઃ - વ્યવહારુ અર્થમાં-  તેમને જુદાં ગણવામાં આવે છે. બન્ને વચ્ચેની ભેદરેખા એકદમ સ્પષ્ટ નથી એ ખરું, પણ તે આંકી શકાય એવી તો છે. પ્રાથમિક રીતે જ શ્રદ્ધામાં હકારાત્મક અને અંધશ્રદ્ધામાં નકારાત્મક ભાવ છે. શ્રદ્ધા વ્યક્તિની આંતરિક બાબત છે. તે વ્યક્તિને આંતરિક તાકાત આપી શકે છે. તેમાં ગણતરી કે શરત હોતાં નથી. ‘હે ભગવાન, તમે મારું આટલું કામ કરી દેશો તો હું તમને અમુક ભેટ ચડાવીશ કે અમુક વ્રત કરીશ કે અમુક વાર કરીશ’ એવી ઑફરમાં શ્રદ્ધા કરતાં વેપારીબુદ્ધિનું પ્રમાણ ઘણું વધી જાય છે- અને તે શ્રદ્ધાની સરહદ ઓળંગીને અંધશ્રદ્ધાના પ્રદેશમાં પ્રવેશી જાય છે. અંધશ્રદ્ધા કે દેખાડાબાજી વગરની આંતરિક શ્રદ્ધાને પાંગરવા માટે ટોળાંશાહીની, ભવ્ય ધર્મસ્થાનોની, વૈભવી બાવા-બાવીઓની કે ભપકાદાર ઉત્સવોની કે રાજ્યાશ્રયની જરૂર પડતી નથી.

શ્રદ્ધાળુ વ્યક્તિ સૃષ્ટિનો કોઇ સર્જક-ચાલક છે એવી માન્યતા ધરાવે છે. વૈજ્ઞાનિક રીતે એ માન્યતા ધારો કે ખોટી હોય તો પણ, શ્રદ્ધાળુ માટે એ માન્યતા માનસિક તાકાત પૂરી પાડનારી બની શકે છે. અગવડ વેઠીને નીતિમત્તાના-પ્રામાણિકતાના રસ્તે ચાલતા રહેવાના સંઘર્ષમાં કોઇને ઇશ્વરના ખ્યાલથી તાકાત મળતી હોય, તો એવો ખ્યાલ ગમે તેટલો અવૈજ્ઞાનિક હોવા છતાં, તેને નકારાત્મક ગણી શકાય નહીં- અંધશ્રદ્ધામાં ખપાવી શકાય નહીં. તેને માનસશાસ્ત્રની દૃષ્ટિએ જોવો અને પ્રમાણવો પડે. ઇશ્વર કે દૈવી તત્ત્વ પરની શ્રદ્ધાના જોરે વ્યક્તિ ટકી જાય અને કપરો સમયગાળો પસાર કરી નાખે, તો એવી શ્રદ્ધાને ‘અંધશ્રદ્ધા’ તરીકે ઉતારી પાડવાનું કેટલું યોગ્ય, કેટલું માનવીય ગણાય?

બન્ને વચ્ચેનો એક મૂળભૂત તફાવત એ છે કે શ્રદ્ધા માણસને  મજબૂત બનાવે છે અને અંધશ્રદ્ધા તેને પાંગળો બનાવે છે. શ્રદ્ધામાં બાહ્યાચાર અને કર્મકાંડને ભાગ્યે જ સ્થાન હોય છે, જ્યારે અંધશ્રદ્ધામાં પરમતત્ત્વ કે ઇશ્વર બાજુ પર રહી જાય છે અને તેમના નાના-મોટા એજન્ટો દોર સંભાળી લે છે. કોઇની નક્કર શ્રદ્ધાનો ગેરલાભ લઇ શકાતો નથી. કારણ કે સાચો શ્રદ્ધાળુ ચમત્કારોની કે દુન્યવી ફાયદાની આશા રાખ્યા વિના, કેવળ ઇશ્વરને નજર સામે રાખે છે અને પોતાનો પુરુષાર્થ ઓછો કર્યા વિના, જે થાય તેમાં ઇશ્વરેચ્છા જુએ છે.

બીજાને કોઇ પણ રીતે નડ્યા વિના વ્યક્તિગત ધોરણે ઇશ્વરમાં શ્રદ્ધા રાખનારા કે ઘેલાં કાઢ્‌યા વિના (પરંપરાગત સંસ્કારોની અસરથી)  મૂર્તિપૂજા, પાઠ કે માળા કરતા લોકોને ‘અંધશ્રદ્ધાળુ’ કહી દેવાનું બહુ સહેલું છે. પણ  એમ કરતી વખતે યાદ રાખવું જોઇએ કે આસ્તિકતા કે નાસ્તિકતા સ્વતંત્ર સદ્‌ગુણો (કે દુર્ગુણો) નથી. કોઇ માણસ ફક્ત આસ્તિક કે નાસ્તિક હોવા માત્રથી સારો કે ખરાબ થઇ જતો નથી. કોઇ રેશનાલિસ્ટ નાસ્તિકતાને સ્વતંત્ર સદ્‌ગુણ માનીને ફક્ત એ ફૂટપટ્ટીએ આખા જગતનું માપ કાઢે અને કોઇ આસ્તિક ભક્તિની સાથે દુનિયાભરની ખલનાયકી કરે, તો આ બન્ને પ્રકારોમાં તેના કર્તાનું કે બાકીની દુનિયાનું કશું ભલું થતું નથી. તે ‘શું ન કરવું જોઇએ’ એના જ નમૂના બની રહે છે.

શ્રદ્ધા-અંધશ્રદ્ધાના તફાવતને, કેવળ સમજૂતી ખાતર અને એ પણ થોડી અતિશયોક્તિ સાથે, વિટામીનની ગોળી જોડે સરખાવી શકાય. આદર્શ સ્થિતિ એ છે કે માણસને આવી ગોળી લેવી ન પડે.  પરંતુ સૌની સ્વસ્થતા એકસરખી હોતી નથી. ધારો કે કોઇને વિટામીનની ગોળી લેવાથી સારું લાગતું હોય - અને એ લેવાનું પરવડતું હોય- તો ઠીક છે. વ્યક્તિ પોતાને ઠીક પડે એવા ડોક્ટર પાસેથી, અનુકળ આવે એવી ગોળી લે અને પોતાની સ્વસ્થતા ટકાવી રાખે. પરંતુ વિટામીનની ગોળીઓના બુકડા ન મરાય. એવી જ રીતે, છ-છ મહિને વિટામીનની ગોળીઓ કે ડોક્ટર પણ ન બદલાય અને બાજુવાળાને બીજી ગોળી લેતા જોઇને ‘હું પણ એ ગોળી શરૂ કરી દઉં’ એવી વૃત્તિ ન જાગવી જોઇએ.

અસ્થિરતા કે અસલામતી પેદા કરે તેને અંધશ્રદ્ધાથી માંડીને સ્થાપિત હિત સુધીનું કંઇ પણ કહી શકાય- શ્રદ્ધા ન કહેવાય.

1 comment:

  1. અંધશ્રદ્ધા શબ્દ હવે શબ્દકોશમાંથી કાઢી નાખવાનો સમય આવી ગયો છે. સ્થાપિત ઉચ્ચ વર્ગોએ એનો ઉપયોગ નિમ્ન વર્ગની શ્રદ્ધાને ઉતારી પાડવા માટે કર્યો છે. ખરેખર તો શ્રદ્ધા કાં તો સકામ શ્રદ્ધા હોય અથવા નિષ્કામ શ્રદ્ધા હોય. કંઈક મેળવવાની ભાવનાથી રાખેલી શ્રદ્ધા સકામ છે. આમાં વર્ગભેદ નથી. ઈશ્વર છે, એમ માનવું એ નિષ્કામ શ્રદ્ધા છે. આવી વ્યક્તિ ઈશ્વર પાસે કશું માગતી નથી.

    ReplyDelete