Tuesday, April 30, 2013

અસ્પૃશ્યતાઃ રાજકીય, સામાજિક અને સગવડિયા

ગુજરાતના મુખ્ય મંત્રીએ ૨૫ એપ્રિલના રોજ કેરળ મુલાકાત દરમિયાન જાહેર કર્યું કે ‘આઘ્યાત્મિક નેતાઓ અને સુધારકોના પ્રતાપે સામાજિક જીવનમાંથી અસ્પૃશ્યતાનું મહાદૂષણ ઘણી હદે નાબૂદ થઇ ચૂક્યું છે, પણ રાજકીય અસ્પૃશ્યતા વધી રહી છે.’

આવાં ચબરાકીયાં વિધાન પછી તાળીઓના ગડગડાટ સિવાય બીજી શી અપેક્ષા હોય? અને થયું પણ એવું જ. મુખ્ય મંત્રીના અસરકારક ‘મીડિયા મેનેજમેન્ટ’ (એનો ગુજરાતી અનુવાદ શોભાસ્પદ નહીં હોવાથી લખ્યો નથી)ના પ્રતાપે તેમનું આ વિધાન ટીવી ચેનલોમાં અને અખબારોમાં મથાળા તરીકે ચમકી ગયું. તેમનાં બીજાં ઘણાં વિધાનોની જેમ આ વિધાન પણ નકરું ખોખલું, જૂઠું, ગેરરસ્તે દોરનારું અને સ્વકેન્દ્રી હતું. આ વિશેષણ આકરાં લાગ્યાં હોય તો નારાજ થઇ જવાની જરૂર નથી. વધારે વિગત વાંચ્યા પછી બને કે તમને પણ તમારા તરફથી બીજાં બે-ચાર વિશેષણ ઉમેરવાનું મન થાય.

સરકારી ઢાંકપિછોડો

સૌથી પહેલાં અસ્પૃશ્યતાની વાત કરીએ. મુખ્ય મંત્રી છેલ્લાં બાર વર્ષથી અને ત્રણ મુદતથી જ્યાં એકચક્રી શાસન કરે છે એ ગુજરાતમાં અસ્પૃશ્યતાની સ્થિતિ શી છે?

વર્ષ ૨૦૦૭માં ગુજરાત સરકારના સફાઇ કામદાર વિકાસ નિગમના કહેવાથી  મુંબઇની પ્રતિષ્ઠિત ‘તાતા ઇન્સ્ટિટ્યુટ ઓફ સોશ્યલ સાયન્સીસ’ દ્વારા ગુજરાતમાં મળસફાઇ અંગેનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. ગુજરાત સરકારે હાઇકોર્ટમાં ગાઇવગાડીને કહી દીઘું હતું કે રાજ્યમાં  કોઇ વ્યક્તિ હાથથી મળસફાઇના કામમાં રોકાયેલી નથી. પરંતુ તાતા ઇન્સ્ટિટ્યુટનો અહેવાલ જુદાં તારણ લઇને આવ્યો. દસ હજારથી વઘુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ૧૨,૫૦૬ દલિતો મળસફાઇ સાથે સંકળાયેલા હોવાનું તેમાં જણાયું. તેમાંથી ૪,૩૩૩ લોકો આ કામ કરનારા અને બાકીના કુટુંબીજન તરીકે તેમને આ કામમાં મદદરૂપ થતા હતા, એવું સર્વેક્ષણમાં જાણવા મળ્યું. એટલું જ નહીં, આ કામ કરનારા લોકોમાંથી ૯૦ ટકાને હાથમોજાં, માસ્ક સહિત કોઇ પણ પ્રકારનાં સુરક્ષા સાધન પૂરાં પડાતાં નથી, એવું પણ તેમાં જાહેર થયું.

તાતા ઇન્સ્ટિટ્યુટનો અહેવાલ સરકારે હાઇકોર્ટમાં કરેલા દાવાની પોલ ખુલ્લી પાડી દેનારો હતો. એટલે સરકારે બેશરમીપૂર્વક અહેવાલનો અસ્વીકાર કર્યો અને તેના આંકડા સાથે અસંમતિ પ્રગટ કરી. તત્કાલીન સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રમણલાલ વોરાએ મળસફાઇ સાથે સંકળાયેલા લોકોની વ્યાખ્યા અંગે જ વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે ‘અહેવાલમાં જાહેર શૌચાલયો સાફ કરનારા તમામ સફાઇ કામદારોને પણ ગણતરીમાં લેવાયા છે, જ્યારે વાસ્તવમાં સૂકાં જાજરૂમાંથી હાથ વડે મળસફાઇ કરવાની પ્રથા ગુજરાતમાંથી નાબૂદ થઇ ચૂકી છે.’ બીજી વાત છોડો, આવું કહેતી વખતે મંત્રીશ્રીને એ ખબર હશે ખરી કે ગુજરાતમાં કેટલાં જાહેર જાજરૂમાં પાણીની સુવિધા હોય છે? અથવા કામ કરતી હોય છે?

‘નવસર્જન’ અને ‘રોબર્ટ એફ.કેનેડી સેન્ટર ફોર જસ્ટિસ એન્ડ હ્યુમન રાઇટ્‌સ’ દ્વારા થયેલા શાસ્ત્રીય અભ્યાસમાં ગુજરાતનાં ૧,૫૮૯ ગામના ૫,૪૬૨ લોકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું. તેની પરથી વર્ષ ૨૦૧૦માં ગુજરાતીમાં ‘આભડછેટની ભાળ’ અને અંગ્રેજીમાં ‘અન્ડરસ્ટેન્ડિંગ અનટચેબિલિટી’- નામે અહેવાલ તૈયાર થયો. તેમાંથી જાણવા મળે છે કે ગુજરાતમાં દલિતો-બિનદલિતો વચ્ચે આભડછેટના- હા, એક યા બીજા પ્રકારની અસ્પૃશ્યતાના- ૯૦થી પણ વઘુ પ્રકારો વ્યવહારમાં જોવા મળે છે.

- અને મુખ્ય મંત્રી કેરળમાં જઇને  જાહેર કરે છે કે અસ્પૃશ્યતા મહદ્‌ અંશે નાબૂદ થઇ ગઇ છે. બીજા ઘણા લોકો પણ ઠાવકાં મોં રાખીને કહે છે, ‘એ બઘું તો પહેલાં હતું. હવે ક્યાં એવું રહ્યું છે?’

હજુરિયાઓ અને પોણીયા લોકોેથી ઘેરાયલા ઘણા સત્તાધીશોને એવો ભ્રમ થઇ જાય છે કે એ દિવસ કહે ત્યારે સૂરજ ઉગે છે ને રાત કહે ત્યારે સૂરજ આથમી જાય છે. ગુજરાતના મુખ્ય મંત્રીનું અસ્પૃશ્યતા વિશેનું નિવેદન ચબરાકી અને સ્વાર્થના વરવા સરવાળા જેવું છે. રાજકીય આભડછેટ પોતાનાં કરતૂતોનું પરિણામ છે અને સામાજિક આભડછેટ બીજાની ભેદભાવયુક્ત માનસિકતાનું પાપ છે, એટલો સાદો તફાવત પણ પ્રસિદ્ધિપ્રિય અને તાળીપ્રેમી મુખ્ય મંત્રી પાડી શકતા નથી.

અસ્પૃશ્યતા અને દલિતો પ્રત્યેના ભેદભાવ સ્વીકારવાની વાત આવે ત્યારે આ સરકાર કેવી શાહમૃગવૃત્તિ ધારણ કરે છે, તેનો વઘુ એક ઉત્તમ ઉધાર નમૂનો આ મહિને જોવા મળ્યો.

ઓમ શાંતિ શાંતિ

‘આભડછેટની ભાળ’ના અહેવાલ અંગે રાજ્યસ્તરે- જિલ્લા સ્તરે સરકાર દ્વારા કરાયેલી તપાસ, લેવાયેલાં નિવેદનોની નકલો અને સંબંધિત જિલ્લા સ્તરના અધિકારીઓના (અસ્પૃશ્યતા વિશેના) અહેવાલોની નકલો જેવા દસ્તાવેજ કર્મશીલ કિરીટભાઇ રાઠોડે માહિતી અધિકાર હેઠળ માગ્યા. તેનો અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામકની કચેરીએ તા.૪-૪-૨૦૧૩ના રોજ આપેલો જવાબ નમૂનેદાર હોવાથી અહીં શબ્દશઃ ઉતાર્યો છે. તેમાંથી સરકારી માનસિકતા સદંતર ઉઘાડી પડી જાય છે.

સરકારી કચેરીએ જણાવ્યું કે ‘આ માહિતી માહિતીધારા- ૨૦૦૫ના નિયમ ૮ (જ) હેઠળ આપી શકાય તેમ નથી. કારણ કે

૧) આ માહિતી આપવાથી ગામમાં શાંતિનો ભંગ થાય તેમ છે.
૨) ગામમાં સંવાદિતા જોખમાય તેવી સંભાવના છે.
૩) ગામનાં લોકો એકબીજી કોમને આધારિત જીવન જીવતા હોય છે. તેમાં સંબંધોમાં વિસંવાદિતા જોખમાય તેમ છે.
૪) જો કોઇ ગામમાં આભડછેટની બાબત સાબીત થાય તો ગામની શાંતિ, સુલેહ તથા સંવાદિતા જોખમાય તેવી દહેશત છે.
૫) ગામમાં જે વ્યક્તિએ નિવેદન આપેલ છે તે વ્યક્તિ ખુલ્લી પડે તો તેના ઉપર જોખમ આવી પડે તેમ છે.
૬) અમુક ગામમાં દલિતો પોતે પણ મંદિરપ્રવેશ ઇચ્છતા નથી તેમ જ ગામના વાળંદ વાળ ન કાપે તો નજીકના શહેરમાં જઇને પણ વાળ કપાવી ગામમાં સંઘર્ષ ટાળવાનો પ્રયાસ કરતા હોય છે.
૭) દલિતો તથા સવર્ણો એકબીજાને આધારિત જીવન જીવતા હોઇ, જેથી આ બાબતે દલિતોની રોજી છીનવાય તેવી શક્યતા રહે છે.

ઉપરોક્ત હકીકત નિગાહે લઇ માહિતી આપી શકાય તેમ નથી, જે ઘ્યાને લેવા નમ્ર વિનંતી છે.
(જાહેર માહિતી અધિકારી અને સંયુક્ત નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર વતી)
***

સંયુક્ત નિયામકશ્રીના પત્રનું ‘ગુજરાતી’ એવું થાય કે દલિતોની સ્થિતિ ગમે તેટલી ખરાબ હોય તો પણ, જાહેર શાંતિ ટકાવી રાખવા માટે સરકારે મૌન રહેવું જોઇએ અને ચૂપચાપ જે જેમ ચાલે છે તેમ ચાલવા દેવું જોઇએ. ગામમાં શાંતિ જળવાય એ વધારે અગત્યનું છે. સમાનતા-ફમાનતા તો સમજ્યા મારા ભાઇ.

આ ભાવનાને મુખ્ય મંત્રીની મનનીય ભાષામાં ‘સમરસતા’ પણ કહી શકાય. ‘સમરસતા’ એક એવી સમાનતાવિરોધી લાગણી છે, જેમાં સૌએ ઊંચનીચના ભેદભાવ મિટાવવાના નથી, પણ બાકીનાં જૂથોએ પોતાની ઓળખ ભૂંસીને સમાજનાં પ્રભાવી જૂથોનું શરણું સ્વીકારી લેવાનું છે અને તેમનામાં ઓગળી જવાનું છે. સમાનતાના મૂળભૂત આદર્શના પાયામાં ઘા કરતી આવી સમરસતાને વળી ગુજરાત સરકાર પુરસ્કાર આપે છે. જે ગામોમાં ચૂંટણી થયા વિના ઘરમેળે જ પસંદગીઓ થઇ જાય એવાં ગામને ગૌરવભેર ‘સમરસ’ જાહેર કરવામાં આવે છે, રોકડ પુરસ્કાર આપવામાં આવે છે અને ગામની બહાર ‘સમરસ ગામ ફલાણું આપનું સ્વાગત કરે છે’ એવાં પાટિયાં મૂકાય છે. શાનું ગૌરવ લેવાનું અને શાનાથી શરમાવાનું, એટલી પ્રાથમિક વિવેકબુદ્ધિ સરકારો તો ઠીક, ઘણા બિનસરકારી લોકો પણ ગુમાવી બેઠા છે એ ખેદની વાત છે.

અનુસૂચિત જાતિ કલ્યાણ પંચના સંયુક્ત નિયામકના ઉધાર પત્રમાંથી પણ ‘સમરસતા’ની ગંધ આવે છે. કારણ કે તેનો સૂર છેઃ ભેદભાવનો સ્વીકાર કરવા જતાં નકામું ધાંધલ થાય ને શાંતિ સર્જાય. એના કરતાં જે ચાલે છે તે ચાલવા દો અને સમાનતાની કે માનવ અધિકારોની વાત ન કરશો.

આટલેથી સંતોષ ન થતો હોય તેમ સંયુક્ત નિયામકશ્રી ભેદભાવને સરકારમાન્ય અને વાજબી ઠરાવે છે. પ્રશ્ન એ નથી કે દલિતો કોઇ મંદિરમાં જવા ઇચ્છે છે કે નહીં. પ્રશ્ન એ નથી કે ગામના વાળંદો વાળ ન કાપે તો દલિતો બીજે વાળ કપાવી આવે છે. પ્રશ્ન એ છે કે સરકાર આ બાબતોને કેવી રીતે જુએ છે? કાલે ઉઠીને અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક સાથે કે ગુજરાતના મુખ્ય મંત્રી સાથે કેવળ ચોક્કસ જ્ઞાતિના હોવાને કારણે ભેદભાવ રાખવામાં આવે તો? કોઇ વાળંદ એમના વાળ કાપવાની ના પાડી દે કે કોઇ એમને મંદિરમાં જતાં અટકાવી દે તો?   પોતાના ભૂતકાળને લીધે મુખ્ય મંત્રીને અમેરિકાના વિઝા મળતા ન હોય, એમાં એ અને એમના ટેકેદારો કેટલા આઘાપાછા થાય છે? તો પોતાના કોઇ વાંકગુના વિના, કેવળ ચોક્કસ જ્ઞાતિમાં જન્મવાને કારણે દલિતોના વાળ કાપવાની કોઇ વાળંદ ન પાડી દે કે કોઇ તેમને મંદિરમાં જતા અટકાવે, એ દલિતોનું અનેક ગણું વધારે મોટું અને કોઇ પણ કારણ વગરનું અપમાન નથી? છતાં, શાંતિ અને સંવાદિત જાળવી રાખવા માટે સરકારે એમાં કંઇ નહીં કરવાનું?

પણ અપમાનબોધ તો બાજુ પર રહ્યો, અનુસૂચિત જાતિ કલ્યાણ સંયુક્ત નિયામક દલિતોને લગભગ આ ભેદભાવ સહન કરી લેવાની અને જેમ ચાલે છે તેમ ચલાવવાની આડકતરી સલાહ આપે છે. પત્રમાં અંતે એવી ચીમકી પણ છે કે સમાનતા લેવા જતાં દલિતોએ રોજી ખોવાનો વારો આવશે. ખરેખર આવું થાય - જેને સાદી ભાષામાં ‘સામાજિક બહિષ્કાર’ કહેવાય અને જે કાયદા મુજબ ગુનો ગણાય છે- ત્યારે બહાદુર સરકાર અને તેના વડાપ્રધાન બનવા થનગની રહેલા મુખ્ય મંત્રી શું કરશે? પત્રનો સૂર તો એવો છે કે સરકાર દલિતોને ન્યાય અપાવવાને બદલે શાંતિ અને સંવાદિતાની માળા જપતી તમાશો જોયા કરશે.

ખરેખર, આ પત્ર બદલ ગુજરાત સરકારને શાંતિનું નોબેલ પારિતોષિક એનાયત ન થવું જોઇએ?

5 comments:

  1. ગિરિરાજ10:43:00 AM

    'સમરસ' ગ્રામપંચાયતનો વિચાર માત્ર જ લોકશાહીના પાયામાં મરણતોલ ઘા સમાન છે. પરંતુ એ જ વાતના ગુજરાત સરકાર દ્વારા ઓવારણા લેવાય છે.

    ReplyDelete
  2. મિતેશ લખવારા10:47:00 AM

    આટલા દુઃખદ અને સ્ફોટક રિપોર્ટ પર કોઇ જ ટિપ્પણીઓ નહિ, ચર્ચા નહિ.... વિકાસની દોટમાં ગુજરાતીઓ ખરેખર ખૂબ જ આગળ નીકળી ગયા છે! ગુજરાતીઓની વૈચારિક દરિદ્રતા પણ એટલી જ આગળ નીકળી ચૂકી છે. વધુ કંઇ જ કહેવાનું રહેતું નથી.

    ReplyDelete
  3. This is such a great piece. I am so glad you keep doing these hard-hitting stories from time to time. This one has been no less of an eye-opener. That governmental response takes one's breath away!

    ReplyDelete
  4. This article, as most of your articles, is so analytical, based on research and is also so hard hitting.

    It is one of the boldest articles I have read, especially given the prevailing atmosphere in our state. I have for long felt uncomfortable about 'samras' concept and you have really hit the nail on its head. It gives the impression of peace but which is so dangerous. And this is true about so many of the concepts that the present leader of Gujarat has introduced and so cleverly that we dont realise the underlining dangers of it now. It gives a false 'feel-good' and want to compliment you for your analysis and boldness, your clarity of views is commendable. Subhash Joshi, Ahmedabad

    ReplyDelete