Monday, November 30, 2009
‘શિક્ષણસૂત્ર’ : ૧૧૧ વર્ષ જૂના છતાં નવા લાગતા શિક્ષણના સિદ્ધાંત
શિક્ષણનો અસલી હેતુ અને એવું શિક્ષણ શી રીતે આપી શકાય, એ વિશે વર્ષોથી ચિંતા અને ચર્ચા થતી રહી છે. ઇ.સ.૧૮૯૮માં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી’એ પ્રગટ કરેલી પુસ્તિકા ‘શિક્ષણસૂત્ર’ એ દિશામાંનો એક પ્રયાસ છે. આશ્ચર્ય અને ખરેખર તો આઘાત લાગે એવી હકીકત એ છે કે ૧૧૧ વર્ષ પહેલાં વતરણાંના યુગમાં પ્રકાશિત થયેલી એ પુસ્તિકાનાં મોટા ભાગનાં સૂત્રો ‘વિન્ડોઝ ૭’ના જમાનામાં પણ અમલી બની શક્યાં નથી. (વતરણાં એટલે નોટ કે સ્લેટ પહેલાંના જમાનામાં, પાટલી પર પાથરેલી રેતીમાં અક્ષરો પાડવા માટેની લાકડાની સળી. તેના પરથી કહેવત બની હતીઃ ઠોઠ નિશાળીયાને વતરણાં ઝાઝાં)
બે આનાની કિંમત અને મુખપૃષ્ઠ સહિત ૪૮ પાનાં ધરાવતી પુસ્તિકા ‘શિક્ષણસૂત્ર’માં લક્ષ્મણ નારાયણ ફડકેનાં મરાઠી સૂત્રોનો ગુજરાતીમાં અનુવાદ છે. મૂળ સામગ્રીની ગુજરાતી રજૂઆત ઉપર અનુવાદકર્તાઓ - નારાયણ હરિ મોકાશી તથા રવિશંકર જગન્નાથ વ્યાસ-તરફથી વધારાની ટીપ્પણી પણ મૂકવામાં આવી છે. એ સૂચવવા માટે પુસ્તકના શીર્ષક નીચે કૌંસમાં લખ્યું છેઃ ‘સટીક’- એટલે કે ટીકા સહિત.
૧૮૯૮માં જ્યારે શિક્ષકો ‘મેહેતાજી’ તરીકે ઓળખાતા હતા અને આજના શિક્ષણમાં વપરાતી સામગ્રીમાંથી એક પણ ચીજ મોજૂદ ન હતી, ત્યારે શિક્ષણ વિશેના ખ્યાલો ૨૦૦૯માં પણ આઘુનિક લાગી શકે એવા હતા. કેટલાક નમૂના (અસલની ભાષા સાથે)
- હાલ બાળકોને નિરૂપયોગી બાબતો પુષ્કળ શીખવવામાં આવે છે અને તેથી જ ઉપયુક્ત (એપ્રોપ્રીએટ) બાબતો શીખવવાને વખત જ મળતો નથી. ઇતિહાસમાંનું કેવળ તવારીખ વગેરે જ્ઞાન આવા જ પ્રકારનું છે. માટે શિક્ષણપદ્ધતિમાં સુધારો કરવો જોઇએ. એટલું જ નહીં, અભ્યાસક્રમમાં પણ પુષ્કળ સુધારો કરવો જોઇએ. શાસ્ત્રીય જ્ઞાન જેથી કરીને વધારે આપી શકાય અને વળી ઉત્તમ પદ્ધતિથી આપી શકાય...હવે જ્ઞાન પદ્ધતિયુક્ત છે એમ ક્યારે સમજાય? તો જ્યારે તેનો વ્યવહારમાં વધારે વધારે ઉપયોગ થતો નજરે પડે ત્યારે જ. હાલ તો નિશાળ છોડી કે તરત જ ઘણીખરી બાબતો બાળકો ભૂલી જાય છે અને વ્યવહારમાં તેમને ઉપયોગ કરવાનો વખત પણ કવચિત જ આવે છે.
- ઉપયુક્ત જ્ઞાનનો જેઓ પ્રસાર કરશે, તેઓનો જ અર્થ સરશે...દરેકને પ્રત્યેક કારીગરની ડગલે ડગલે જરૂર પડે છે. આજ સુતારની, તો કાલે કડિયાની અને પરમ દિવસે સોનીની વગેરે. હવે આ કારીગર લોક પોતપોતાના કામમાં જો વધારે વધારે પ્રવીણ અને પ્રમાણિક થતા જાય, તો આપણાં સર્વ કામો હાલ કરતાં કેટલી સરળતાથી ચાલે! અને હાલ આ લોકો સાથે બહુધા આપણે જે માથાકૂટ કરવી પડે છે તે કેટલે દરજ્જે કમી થાય! (આ બન્ને મુદ્દાની દિશામાં ૧૧૧ વર્ષ પછી પણ કેટલું ઓછું કામ થયું છે!)
- આપણામાં ઉત્તમ મગજવાળા મનુષ્યો નિપજતા નથી આવી તકરારો વખતોવખત આપણા સાંભળવામાં આવે છે. તેનું કારણ ઘણે અંશે ભૂલભરેલી શિક્ષણપદ્ધતિ જ છે. પ્રથમ આપણું ઘણુંખરૂં સઘળું શિક્ષણ પુસ્તકો દ્વારા જ ચાલે છે. સૃષ્ટિનું અવલોકન ઘણું જ થોડું છે, ઘણે ભાગે નથી જ કહીએ તો પણ ચાલે. બીજી બાબત એ છે કે બાળકોને સર્વ બાબતો શિક્ષકો પોતાની મેળે શીખવે છે કે ચોપડીમાંથી મોઢે કરાવે છે. દાખલાઓની એક ચોપડી હોય તો તેના ખુલાસાવાળી બીજી ચોપડી તૈયાર જ હોય! ઈંગ્રેજી કે ગુજરાતી વાચનમાળા કહી કે તેના શબ્દાર્થનું બીજું પુસ્તક તૈયાર જ હોય! કલાકમાં વધારે દાખલા કરાવે તે શિક્ષક હોંશિયાર. પછી છોકરાં તેમાંનો એકે દાખલો સમજે કે ન સમજે! આવી સ્થિતિ હવણાં થઇ રહી છે. શિક્ષણ સંસ્કાર બાળકોને થવાને બદલે તેમના (માથા) પર શિક્ષણના થર કરવામાં આવે છે અને આ થર તેમણે નિશાળ છોડી કે તરત જેમના (માથા) પરથી ખરી પડી છે, અને તેઓ હતાં તેવાં ને તેવાં થઇ રહે છે. કોઇને તો તે શીખ્યો જ નથી એવી ભ્રાંતિ પણ થાય છે. આવું ઉપરચોટિયું શિક્ષણ ફળદ્રુપ ક્યાંથી થાય અને ઉત્તમ મગજવાળા પુરૂષો ક્યાંથી નિપજે? માટે શિક્ષણપદ્ધતિમાં અને તેની સાથે જ પરીક્ષણપદ્ધતિમાં પણ મૂળમાંથી સુધારો થવો જોઇએ. ગોખણપટ્ટીનું શિક્ષણ કમી કરીને બુદ્ધિનો વધારો કરે, એવું શિક્ષણ ધીમે ધીમે વધારવું જોઇએ. બાળકોની અવલોકનશક્તિ, નિરીક્ષણસામર્થ્ય, અનુમાન યાથાર્થ્ય વગેરે માનસિક શક્તિની વૃદ્ધિ થાય એવી રીતે તેમને શિક્ષણ આપવું જોઇએ. ફક્ત તેમના ગળામાં પરાણે ઘાલવું (ઉતારવું) એ શિક્ષણ કાંઇ ઉપયોગનું નથી. (શિક્ષણ આપવાની આ પદ્ધતિનું વર્ણન અત્યારનું હોય એવું નથી લાગતું?)
- છોકરાં સારાં નિવડતાં નથી તેનું કારણ માબાપ અને શિક્ષક બન્ને, એ આપણે ઘણી વખત અર્થાત્ નિરંતર ભૂલી જઇએ છીએ. છોકરો નઠારો નીકળ્યો કિંવા અભણ રહ્યો, તો તેમાં આખો વાંક છોકરાનો કાઢવામાં આવે છે, અને માબાપને માટે દિલગીરી બતાવવામાં આવે છે...પણ આ બાબતમાં માબાપાનો કિંચિત પણ દોષ હશે એવું કોઇના સ્વપ્નમાં પણ આવતું નથી વા કોઇ કહેતું પણ નથી, પરંતુ ચીઢીઆ સ્વભાવનાં માબાપનાં છોકરાં પ્રસન્ન સ્વભાવનાં ક્યાંથી હોય? પગે પગલે જૂઠું બોલનાર માબાપનાં છોકરાં સત્યવાદી ક્યાંથી નીવડે? તમાકુ દારૂ પીનાર (વ્યસની) માબાપનાં છોકરાં સત્યવાદી ક્યાંથી નીકળે? નિશાળમાં ભણતાં છોકરાં સદગુણી થવાને શિક્ષકોનું શાળામાંનું અને ખાનગી વર્તન શુદ્ધ ન જોઇએ? સારાંશ, છોકરાં નઠારાં નીકળે છે તેનું અર્ઘું કારણ- બલકે તેથી પણ વધારે કારણ- માબાપ અને શિક્ષક જ છે...પોતે તો ગમે તેમ વર્તે અને છોકરાં નઠારાં નીકળે ત્યારે નકામી બૂમો પાડે એવી હાલની પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ જ્યાં સુધી કાયમ રહેશે અને જ્યાં સુધી તેની જવાબદારી (માબાપ શિક્ષકો વગેરે) પોતાને માથે રાખશે નહિં, ત્યાં સુધી ધારવા પ્રમાણે સુધારો થવાની આશા રાખવી વ્યર્થ છે. (આ ભવિષ્યવાણીની સચ્ચાઇ આપણી આંખ સામે છે.)
- બાળકોનો સ્વભાવ બનાવવો એ શિક્ષણ પૈકી એક મુદ્દાની વાત છે તે આપણા લક્ષમાં જ નથી. વધારે તો શું? પણ ‘બાળકનો સ્વભાવ બનાવવો’ એ કલ્પના જ ઘણુંખરૂં આપણને અપરિચિત છે. નિશાળોમાં કેવળ જ્ઞાનવિષયક વિષયોમાં છોકરાઓને હોંશિયાર કરવા શિવાય શિક્ષકનું કર્તવ્ય બીજું ઘણું છે, એવું સમજનારા લોકો અને શિક્ષકો ઘણા થોડા જ હશે...સદ્વર્તન દ્વારા જ સદ્મનોવૃત્તિ ઉદ્ભવે છે. માટે તેવી મનોવૃત્તિઓ ઉદ્ભવે એવી તજવીજ કરવી જોઇએ..વગેરે વાતો સમજીને વર્તનારાં માબાપ અને શિક્ષકો કેટલાં હશે તે સમજાતું નથી.
***
શિક્ષણસુધારણા કઇ દિશામાં હોવી જોઇએ તેનો નકશો આટલા વખતથી અંકાયેલો છે, પણ શિક્ષણજગત, સરકાર તથા સમાજ- એ ત્રણે શિક્ષણસુધારાનું મહત્ત્વ આંકવામાં ઓછાં પડ્યાં છે. તેને લીધે શિક્ષણ હવે એવો એકપક્ષી વ્યવસાય બન્યું છે, જેમાં અઢળક રૂપિયા અને સમય ખર્ચનાર ઇચ્છિત વળતર ન મળે તો પણ નુકસાની માગી શકતો નથી. શિક્ષણજગતની વર્તમાન સ્થિતિ જોતાં, ઇ.સ.૧૮૯૮નું ‘શિક્ષણસૂત્ર’ નજીકના ભવિષ્યમાં અપ્રસ્તુત બની જાય એવું લાગતું નથી.
Thursday, November 26, 2009
મુબઇ હુમલાની વરસી
મુંબઇથી જ અભ્યાસી સિનિયર પત્રકાર મિત્ર રાજ ગોસ્વામીએ એચ.બી.ઓ.ની એક ડોક્યુમેન્ટરની લિન્ક મોકલી છે. તેમાં મુંબઇ પરના ત્રાસવાદી હુમલાનાં અને ખાસ તો અજમલ કસાબની હોસ્પિટલમાં થતી પૂછપરછનાં કેટલાંક કદી જોવા ન મળ્યાં હોય એવાં દૃશ્યો છે. બીજા સાક્ષીઓની મુલાકાતો પણ ખરી. ઇન્ટેલીજન્સે આંતરેલી પાકિસ્તાન બેઠેલા દોરીસંચાર કરનારા અને ત્રાસવાદીઓ વચ્ચેની વાતચીત પણ સાંભળવા મળે છે. કેટલાંક દૃશ્યો જોઇને હજુ પણ હચમચી જવાય છે. કસાબના જવાબો ઉપરાંત વી.ટી. સ્ટેશને એક ઓફ્ફ ડ્યુટી પોલીસ કોન્સ્ટેબલ ઓન ડ્યુટી કોન્સ્ટેબલ પાસેથી રાયફલ લઇને ત્રાસવાદીને ફૂંકી મારવાનો પ્રયાસ કરે છે અને રાયફલ જામ થઇ જાય છે એવું, સીસી કેમેરાનું દૃશ્ય સ્તબ્ધ કરી નાખે એવું છે.
Wednesday, November 25, 2009
અમદાવાદનો નવો-જૂનો વારસો
ધરતીમાંથી ઉગેલાં ધર્મસ્થાન
વારસો એટલે વારસો. એમાં ફક્ત ભવ્ય બાંધણી અને વિશાળ જગ્યા પર બંધાયેલાં ધર્મસ્થાનો જ આવે એવું કોણે કહ્યું? અમદાવાદમાં પ્રત્યેક ચોરસ કિલોમીટરે કેટલું ‘પવિત્ર દબાણ’ છે તેના આંકડા ઉપલબ્ધ નથી. પણ પેરિસમાં જેટલા રોડસાઇડ બાર-કમ-રેસ્ટોરાં હશે, એનાથી અનેક ગણાં વધારે અમદાવાદમાં રોડસાઇડ ધર્મસ્થાન છે, એવું અનુમાન સહેજે લગાડી શકાય. રસ્તાની બાજુ પર કે વચ્ચોવચ, લગભગ ઉગી નીકળેલાં હોય એવાં લાગતાં ધર્મસ્થાનો આઘુનિક અમદાવાદનો ગૌરવપૂર્ણ વારસો છે, જેને ટકાવી રાખવા માટે ‘યુનિસેફ’ની મદદની જરૂર નથી. ફક્ત મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ વિભાગનો સહકાર અને સાહેબોના આશીર્વાદ પૂરતા છે.
રહી વાત તેમની આર્થિક સ્થિતિની. એ બાબતમાં ‘યુનિસેફ’ને તકલીફ જેવું લાગતું હોય તો એ અમદાવાદનાં રોડસાઇડ ધર્મસ્થાનનો સંપર્ક કરી શકે છે. સરનામું? એ જ ! રસ્તા વચ્ચે, અમદાવાદ, ગુજરાત!
બ્રેધલેસ ડાઇનિંગ હોલ
સારી ગુજરાતી માઘ્યમની નિશાળો ભલે અમદાવાદમાં લુપ્ત થવાની અણી પર હોય, પણ સારી ગુજરાતી થાળી પીરસતા ડાઇનિંગ હોલની આબાદી સતત વધી રહી છે. ગુજરાતની સંસ્કૃતિ ધીમે ધીમે ગુજરાતી થાળી પૂરતી સીમિત થઇ જશે, એવું ધારીએ તો સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ડાઇનિંગ હોલનું મહત્ત્વ ‘રોયલ આલ્બર્ટ હોલ’થી જરાય ઓછું નહીં હોય. ડાઇનિંગ હોલ આગળ લગાડેલું વિશેષણ ‘બ્રેધલેસ’ શ્વાસ રોકીને ગાતા કલાકારોની ગાયકી માટે વપરાય છે, પણ ગુજરાતી થાળી જમવા જનારા ડાઇનિંગ હોલ માટે ‘બ્રેધલેસ’નો પ્રયોગ સમજી શકશે. કેમ કે, ત્યાં શ્વાસ સિવાય બઘું જ ખાવા મળે છે! જમતા માણસને બે ઘડી પણ પોરો ખાવાનો કે વિચારવાનો ટાઇમ આપવો નહીં અને તેને સતત ‘હોટ સીટ’ પર - વિકલ્પો ટીક કરવાની અવસ્થામાં રાખવો, એ બ્રેધલેસ ડાઇનિંગ હોલની ખૂબી છે.
પહેલાં વેઇટિંગ રૂમ ફક્ત રેલવે સ્ટેશન પર જોવા મળતા હતા. હવે ગુજરાતી ડાઇનિંગ હોલમાં પણ વેઇટિંગ રૂમની સુવિધા રાખવી પડે છે. જેટલો પોરો ખાવો હોય એટલો પહેલાં ખાઇ લો. એક વાર જમવા બેઠા પછી એવો મોકો નહીં મળે!
ગુજરાતી માઘ્યમની શાળાઓ
અમદાવાદનાં અને ગુજરાતનાં નવી પેઢીનાં ઘણાં માતાપિતા ગુજરાતી માઘ્યમની શાળાઓને પોતાના માનસિક પછાતપણા માટે જવાબદાર ગણે છે અને એ જ માનસિકતાના જોરે વિચારે છે કે ‘મારા સંતાનને હું પછાત નહીં રહેવા દઊં.’ એટલે ગુજરાતી માઘ્યમની શાળાઓ બહુ નજીકના ભવિષ્યમાં ‘સાંસ્કૃતિક’ જ નહીં, ‘લુપ્ત થવાના આરે ઉભેલો વારસો’ ગણાવા લાગે એવી સ્થિતિ પેદા થઇ છે. સરકારી ગુજરાતી નિશાળોનાં મકાનોની હાલત પાંચસો-છસ્સો વર્ષ પહેલાં બંધાયેલી ઇમારતો કરતાં વધારે જર્જરિત છે. ‘યુનિસેફ’ને અમદાવાદમાં ઓફિસ ખોલવામાં રસ હોય, તો એકાદ ગુજરાતી નિશાળનો ‘જીર્ણોદ્ધાર’ કરવાનું વિચારી શકાય.
કાંકરિયા તળાવ
કોઇને થશે, કાંકરિયા ક્યાં નવું છે? એ તો સદીઓ જૂનું છે. ખરી વાત. પણ સદીઓથી બાદશાહો-શહેનશાહો-પેશ્વાઓને કાંકરિયા ફરતે દીવાલો ચણવાનું અને પ્રજા પાસેથી પ્રવેશ ફી ઉઘરાવવાનું સૂઝ્યું ન હતું. વર્તમાન શાસકોએ તે અમલમાં મૂકી બતાવ્યું છે. પ્રવેશ ફીના મુદ્દે ‘કાંકરિયા લેક ફ્રન્ટ’ તરીકે ઓળખાતો પ્રોજેક્ટ બીજા અર્થમાં પણ ‘ફ્રન્ટ’ (મોરચો) બન્યો છે. નવા કાંકરિયામાં ભાજપના ‘હેરીટેજ નેતા’ અટલબિહારી વાજપેયીના નામની ટ્રેન ચાલુ થઇ છે. એ ટ્રેન અને કાંકરિયાનાં તોતિંગ પ્રવેશદ્વાર ભવિષ્યમાં કાંકરિયા જેટલો જ મહત્ત્વનો વારસો બની રહેવાની શક્યતા ધરાવે છે.
ભારાડી ભૂવા
કુદરતી-માનવસર્જિત અને સાંસ્કૃતિક વારસાનો સમન્વય એટલે દરેક ચોમાસે અમદાવાદની સડકો પર પડતા ભૂવા. મહાજન યુગના અમદાવાદમાં એટલા પાકા રસ્તા જ ક્યાં હતા કે જે બાંધવામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ભેગા મળીને ખાયકી કરી શકે અને રાજનગર અમદાવાદના ચરણે કેટલાક વઘુ ભૂવાની ભેટ ધરી શકે! સડકો વધવાની સાથે ભૂવાનું પ્રમાણ વઘ્યું. માટે કહી શકાય કે ભૂવા અમદાવાદની પ્રગતિના પ્રતીક છે. પાકી સડકો છે ત્યારે ભૂવા પડે છે. સડકો જ ન હોય તો ભૂવા ક્યાં પડે? તર્કશાસ્ત્રના આ સિદ્ધાંત પ્રમાણે ભૂવાથી અમદાવાદમાં પાકા રસ્તા હોવાનું સિદ્ધ થાય છે. ભૂવાને કાયમી ધોરણે હેરિટેજ તરીકે રાખવામાં કેટલીક વ્યવહારૂ મુશ્કેલીઓ છે, પણ સ્થાનિક વહીવટીતંત્ર શક્ય એટલા લાંબા સમય સુધી તેને જાળવી રાખવાના પ્રયાસ કરે છે. આમજનતાને એવું દર્શાવવામાં આવે છે કે ભૂવાની ચારેબાજુ વાડ બાંધીને તેને પૂરવાનું કામ ચાલી રહ્યું છે, પણ એ કામમાં લાગતો સમય જોઇને કેટલાકને એવી શંકા જાય છે કે એ લોકો ભૂવાની ફરતે આડશ ઉભી કરીને તેનું સ્મારક ચણાઇ રહ્યું છે.
પોળયુદ્ધ અને પોળપંચાત
હેરીટેજની વાત આવે એટલે અમદાવાદની પોળોમાં આવેલી હવેલીઓનો જયજયકાર થાય છે, પણ એ હવેલી કરતાં વઘુ જૂની અને તેના કરતાં વધારે અડીખમ એવી પોળની કેટલીક લાક્ષણિકતાઓનો હેરીટેજમાં સમાવેશ કરવામાં આવતો નથી. પોળમાં થતાં હિંસક શાબ્દિક યુદ્ધો અને ‘આજ તક’- ‘ઇન્ડિયા ટીવી’ને શરમાવે એવી પંચાતીયા ન્યૂઝસર્વિસ પોળનો ખરો વારસો છે. પોળના ઇતિહાસની અહોભાવ છલકતી ગૌરવગાથાઓ સાંભળીને લાગે કે દુનિયાભરના મહાપુરૂષો અહીં આવ્યા અથવા અહીંથી બહાર ગયા. છતાં પોળોની તાસીર બદલાઇ નહીં.
ભૂખ્યાંજનોની લાઇન
ના, ભૂખથી ટળવળતાં ગરીબ લોકોની આ વાત નથી. એવા લોકો વિશ્વમાં સર્વત્ર છે અને એમની ગરીબી જાણે બહુમૂલ્ય વારસો હોય એટલી ચીવટથી જળવાઇ રહી છે. અમદાવાદની ખૂબી તો રૂપિયા ખર્ચીને ભોજન કે નાસ્તા માટે લાઇન લગાડતા લોકો છે. ખમણ હોય કે ખાખરા, દાબેલીની લારી હોય કે ડાઇનિંગ હોલ, ભજિયાં હોય કે ભેળપુરી- લાઇનમાં ઉભા રહ્યા વિના અમદાવાદીઓને એનો સ્વાદ આવતો નથી. એક સમયે અમદાવાદનાં થિયેટરની બહાર જોવા મળતી લાંબી કતારો હવે રેસ્ટોરાં અને ડાઇનિંગ હોલમાં ભીડ તરીકે ઉભરાય છે. દશેરા જેવા તહેવારોના દિવસે ફાફડા-જલેબીનું અને તેની લાંબી લાઇનનું માહત્મ્ય રામ-રાવણ કે શસ્ત્રપૂજા કરતાં ઘણું વધારે હોય છે.
ઉમાશંકર જોશી અમદાવાનો આ હેરીટેજ જોવા હયાત હોત તો એમણે કદાચ લખ્યું હોત, ‘ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ જાગશે, જંક ફુડની એક કણી ન લાધશે’
Tuesday, November 24, 2009
આઇડીયાની ટક્કર
Friday, November 20, 2009
‘દૃષ્ટિકોણ’માં પ્રભાષ જોશીનું સ્મરણ
હિંદી પત્રકારત્વમાંથી રાષ્ટ્રિય સ્તરે પ્રતિષ્ઠા હાંસલ કરનારા જૂજ પત્રકારોમાં પ્રભાષ જોશીનું નામ મોખરે છે. એક્સપ્રેસ જૂથના હિંદી ‘જનસત્તા’ના તંત્રી તરીકે પ્રભાષ જોશીનો કાર્યકાળ પત્રકારત્વના ઇતિહાસમાં યાદગાર ગણાય છે. ૫ નવેમ્બરે પ્રભાષ જોશીનું અવસાન થયું. તેમની સ્મૃતિ અને વચ્ચે વચ્ચે પ્રાદેશિક પત્રકારત્વની ચર્ચામાં રસ ધરાવતા મિત્રોને આવતી કાલના ‘દૃષ્ટિકોણ’ કાર્યક્રમમાં રસ પડશે.
ડીડી-૧૧ (ગિરનાર) ચેનલ પર, સાંજે સાડા સાત વાગ્યે.
ભાગ લેનારઃ પ્રકાશ ન. શાહ, અજય ઉમટ, રાજીવ પી.આઇ. (ઇન્ડિયન એક્સપ્રેસ, અમદાવાદના નિવાસી તંત્રી)
Thursday, November 19, 2009
આઇ.આઇ.એમ? કે ‘હુ આઇ એમ?’
ફોટોલાઇન તરીકે વધારે કંઇ લખવાનું નથી. ફોટો વાંચી લેશો તો બહુ છે.
Monday, November 16, 2009
બી.આર.ટી. (બસ રેપિડ ટ્રાન્ઝિટ)ના સંચાલન માટે વિશ્વસ્તરે જાણીતા એન્રિક પેનેલોસા સાથે વાતચીત
‘ટ’ નો ઉચ્ચાર ‘ત’ (જેમ કે, બી.આર.ટી. નહીં, પણ બી.આર.તી.) કરવાની પ્રાદેશિક લાક્ષણિકતા ધરાવતા પેનેલોસા દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશના બગોટા શહેરના મેયર હતા. એ સમયે તેમણે બી.આર.ટી. દાખલ કરી હતી. બી.આર.ટી. ખરેખર ફક્ત બસ સીસ્ટમ નથી, પણ બસ સીસ્ટમ, રાહદારીઓ માટેના રસ્તા અને સાયકલસવારો માટેના રસ્તાનું એક માળખું છે, જે એકબીજાની સહાયથી સંપૂર્ણ બને છે.
પેનેલોસાની પ્રાથમિકતા બહુ સ્પષ્ટ હતી. રસ્તાની વહેંચણી રાહદારીઓ, સાયકલસવારો અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વચ્ચે થઇ જાય, પછી રસ્તો બચે તો કારચાલકોને આપવાનો. તેમણે એમ પણ કહ્યું કે કોઇ પણ પ્રકારના હાઇ વે પર ટુ વ્હીલરને પ્રવેશ ન હોય એ તો ‘ક્લાસિસ્ટ’ વાત જ કહેવાય! (આ બ્લોગ પર ‘એક્સપ્રેસ હાઇ વે પર ટક્કર’ના સંદર્ભે થયેલી ચર્ચા મિત્રોને યાદ હશે)
અમદાવાદમાં કારચાલકોને લાગે છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ આમજનતા માટે છે અને આમજનતાને દોઢું ભાડું લેતી બી.આર.ટી. મોંઘી લાગે છે. એનો શું ઉપાય? એવા સવાલના જવાબમાં ‘વાત તો ખરી છે.’ કહીને પેનેલોસે કહ્યું,‘કારચાલકો પાસેથી ટેક્સ વસૂલ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટને સબ્સીડાઇઝ કરવાનો.’ પાર્કિંગ વિશે તેમનો અભિપ્રાય ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના ઇન્ટરવ્યુમાં પણ છપાયો હતો, એ જ તેમણે કાલે બપોરે વાતચીતમાં પણ કહ્યો,‘ભારતના બંધારણમાં ક્યાંય ‘રાઇટ ટુ પાર્ક’નો- પાર્કિંગ કરવાના અધિકારનો- સમાવેશ થતો નથી. સરકાર તમને પાર્કિંગ આપે છે. ઠીક છે. સારી વાત છે. પણ એ તમને પાર્કિંગ આપવા બંધાયેલી નથી. તમે જેમ તમારાં કપડાં ક્યાં મૂકો છે, એ સરકારનો વિષય નથી એમ તમે તમારી ગાડી ક્યાં મૂકો છો, એ પણ સરકારનો વિષય નથી. તમારે ગાડી લઇને નીકળવું હોય તો નીકળો. પાર્કિંગ મળે તો કરો. ન મળે તો? ગાડી ન વાપરશો. પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરો.’
તમારે આખો રસ્તો કારને આપવો હોય તો આપી દો, પણ એ રાજકીય નિર્ણય હશે. તેને ટેકનિકલ નિર્ણય તરીકે ખપાવવાની જરૂર નથી. રોડ સ્પેસ સૌથી કિમતી મિલકત છે. અમદાવાદના રસ્તા તળેથી ક્રૂડ ઓઇલ કે હીરા મળી આવે તો પણ રોડ સ્પેસની કિંમત તેને પણ ટપી જાય એટલી મોટી હોય છે. એ બધાની માલિકીની છે. એટલે કોઇ પણ સમાજની આંકણી કરવાની એક રીત છેઃ તે રોડસ્પેસની વહેંચણી કેવી રીતે કરે છે. પગપાળા, સાયકલ, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કાર. કારવાળાને શરૂઆતમાં કીડીઓ ચડે છે, સંઘર્ષ થાય છે, પણ પછી તેમને જ અનુકૂળ પડવા માંડે છે. યુરોપમાં એવું ઘણી જગ્યાએ થયું છે. બેસ્ટ યુનિવર્સિટીઝના ગ્રેજ્યુએટ લંડન, પેરિસ કે ન્યૂયોર્કમાં રહેવા માગે છે, તેમની પાસે કાર નથી. તેમને ચાલતા જવું પડે છે અને તેમને ગમે છે. એટલી જ આવકમાં બીજાં શહેરોમાં તે મોટી ગાડીઓ સાથે રહી શકે.’
Friday, November 13, 2009
ગૂગલનું ‘ગૂગલી’ ગુજરાતી
ગૂગલ જેવી ખ્યાતનામ કંપનીએ ગુજરાતીમાં વિવિધ સેવાઓ આપવાનું શરૂ કર્યું, ત્યારે આનંદની સાથોસાથ થોડો ફડકો પણ હતો. અત્યાર સુધી જોવામાં આવ્યું છે કે રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય બ્રાન્ડ પ્રાદેશિક ભાષાઓમાં આવે, ત્યારે ભાષાનો તે જબરો કબાડો કરે છે. જેમ કે, કોઇ ઈંગ્લીશ એડ કેમ્પેઇન ગુજરાતી ભાષામાં રીલીઝ થાય, ત્યારે તેની પ્રીમિયમ બ્રાન્ડનાં કપડાં ઉતરી જાય એવી રેઢિયાળ ગુજરાતી ભાષા જાહેરખબરમાં મૂકાય છે. (હિમાંશુ કીકાણી જેવા કોપીરાઇટર અપવાદ!) આવી જાહેરખબરો તમારા લમણે પણ અથડાઇ હશે. યાદ આવે તો લખી મોકલશો.
કંપનીઓના સદનસીબે ગુજરાતીઓ ભાષા બાબતે બહુ ટચી નથી. એટલે તેમનું ગાડું નભી જાય છે. આટલી ભૂમિકા સાથે વાત ‘ગૂગલ’ની.
તેની ‘જી-મેઇલ’ સાઇટ પરનું ગુજરાતી વાંચીને ઘણા સમયથી રમૂજ થતી હતી. છેવટે આજે થયું કે તેનો મોક્ષ કરી જ નાખવો જોઇએ.
Gmail ની રચના એ ખયાલને આધારે કરવામાં આવેલી છે કે, ઇમેઇલ વધુ અંતઃપ્રજ્ઞાવાળા, પ્રભાવી અને ઉપયોગી હોઈ શકે છે. અને સાથેસાથે મજેદાર પણ હોઈ શકે છે. તેમ છતાં, Gmail માં:
આ અંતઃપ્રજ્ઞા એટલે શું, કોઇ કહેશે? (અંગ્રેજી સાઇટ પરનો શબ્દ છેઃ ઇન્ટ્યુટીવ. )
અંગ્રેજીમાં લખે છેઃ આફ્ટરઓલ, જીમેઇલ હેઝ...
સાવ વિરોધાભાસી એવું ગુજરાતી થયું છેઃ તેમ છતાં, જીમેઇલમાં...
ઝડપી શોધો
તે ક્યારે મોકલ્યો હતો કે પ્રાપ્ત થયો હતો તે લક્ષ્યમાં લીધા વિના, તમે ઇચ્છતા હોવ તે ચોક્ક્સ સંદેશ શોધવા Google શોધનો ઉપયોગ કરો. :-)))))
‘લોટ્સ ઓફ સ્પેસ’નું ગુજરાતી છેઃ ઘણી બધી જગ્યા અને
‘ઓવર 7390.727254 ’નું ગુજરાતી છે વધુ 7390.727254 !
અને આ નમૂનો ગૂગલ સર્ચના ગુજરાતીનો
તમને વધુ સુસંગત પરિણામ દેખાડવા,અમે પહેલાંથી જ પ્રદર્શિત 12 જેવી કેટલીક સમાન એન્ટ્રિ કાઢી નાખી છે. જો તમને ઇચ્છા હોય, તો તમે કાઢી નાખેલા શોધ પરિણામ વળે ફરી શોધ કરી શકો છો
કવિ આ વાક્ય ‘વળે’ (એટલે કે વડે) શું કહેવા માગે છે, તે સમજવા કેટલું વળવું પડે છે!
Thursday, November 12, 2009
શબ્દાર્થપ્રકાશ # 11
એમના ગયાના સમાચાર આવ્યા અને પ્રભાષ જોશી સાથેની સૂચિત સ્નેહસંગીતિ હૃદયમાં જ લય પામી ગઇ. (દિ.ભા., ૭-૧૧-૦૯)
સર્વજનવિહારીઃ સમાજના તમામ વર્ગના લોકો સાથે સહજતાથી હળનાર-મળનાર
વિદ્યાવિલાસવ્યાસંગીઃ વિદ્યાપ્રવૃત્તિઓને બોચિયા જેવી શુષ્કતાથી નહીં, પણ રસિકતાથી સેવનાર.
ફક્કડ, સર્વજનવિહારી, વિદ્યાવિલાસવ્યાસંગી પણ છતાં એકલા, અલગારી. (પ્રભાષ જોશી વિશે, (દિ.ભા., ૭-૧૧-૦૯)
કુશાંદેઃ આરામદાયક (પ્રકાશભાઇના કહેવા પ્રમાણે ‘કુશાંદે’ યુરોપીયન શબ્દપ્રયોગ છે.)
(કૈં નહીં તો છેવટે રાજ્યસભની કુશાંદે બેઠકમાં) હોઇ શકતા હતા. (દિ.ભા., ૭-૧૧-૦૯)
અગ્નિદિવ્યઃ સચ્ચાઇની તાવણી કરતો અગ્નિ
એ અને ‘જનસત્તા’ બેઉ અગ્નિદિવ્યમાંથી બહાર આવ્યાં. (દિ.ભા., ૭-૧૧-૦૯)
નવમૂલ્યનઃ (અવમૂલ્યનની તરાહ પર) નવેસરથી મૂલ્યાંકન
એમના નવમૂલ્યનનો એક મોકો આવી મળે છે. (દિ.ભા., ૩૧-૧૦-૦૯)
પૌગંડઃ મુગ્ધ
એક પ્રજા તરીકે આપણે પુખ્ત થવું છે કે પછી પૌગંડ (એડોલેસન્ટ)ના પૌગંડ જ રહેવું છે...(દિ.ભા., ૩૧-૧૦-૦૯)
હારણઃ ડીફીડન્ટ
ભાજપ લગભગ દિશાશૂન્ય અને હારણ મનોદશામાં માલૂમ પડે છે. (દિ.ભા., ૨૪-૧૦-૦૯)
પ્રામુખ્યઃ મહત્ત્વ
જો આપણને ‘ગવર્નન્સ’નું પ્રામુખ્ય વસ્યું હોય તો...(દિ.ભા., ૨૪-૧૦-૦૯)
તાંબુલવાહિનીઃ રાણી કે યુવરાણીની સાથે ફરતી તેની અનુચરી...
તો પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસનું રાષ્ટ્રીય સ્વરૂપ ક્યાં ગયું? તે મરાઠી માણુસ અને રાજકીય તકવાદની તાંબુલવાહિની માત્ર બની રહ્યું એમ જ ને.(દિ.ભા., ૨૪-૧૦-૦૯)
ભીતભ્રાન્તઃ ભયભીત કરનારી ભ્રમણાઓથી ગ્રસ્ત
...કંઇક એવી ભીતભ્રાન્ત અને આક્રાન્ત એટલી જ આક્રમક વિચારરૂખ શૌરી અને બીજાઓમાં વખતોવખત દેખા દેતી રહે છે. (દિ.ભા., ૧૭-૧૦-૦૯)
રાજ્યકૈવલ્યવાદ/બજારકૈવલ્યવાદઃ (અનુક્રમે) ફક્ત રાજ્ય કે બજારનું જ હિત સાધતો અને તાકતો વાદ
એ વંચિત છે એમ કહેવું કદાચ અપૂરતું છે. કેમ કે એને વંચિત કરાયેલ છે, વંચિત રખાયેલ છે. કોઇ વાર રાજ્યકૈવલ્યવાદના છેડેથી તો આજકાલ વળી બજારકૈવલ્યવાદના છેડેથી... (દિ.ભા., ૧૦-૧૦-૦૯)
ર્દૈત્યકાય ઇમારતવાદઃ મોટી મોટી ઇમારતો બનાવવાની રાજકીય ઘેલછા
ક્યાં છે એ નવું રાજકારણ, જેના કેન્દ્રમાં વંચિત હોય? જો એ માયાવતીના દૈત્યકાય ઇમારતવાદમાં નથી તો...(દિ.ભા., ૧૦-૧૦-૦૯)
દેદાકૂટઃ પ્રકાશભાઇના જણાવ્યા પ્રમાણે, દેદો કૂટવો એટલે કોઇ પ્રસંગે અવાજ ઉઠાવવો એ મતલબના શબ્દપ્રયોગ પરથી. (‘ભગવદ્ગોમંડળ’ પ્રમાણે ‘દેદો’ એટલે દિવાળી પર થાપેલું પહેલું છાણું)
‘કેપિટાલિઝમ ઇઝ ડેડ’ની દેદાકૂટ તો કૈં આ અપેક્ષિત કડાકૂટનો અવેજ નથી. (દિ.ભા., ૧૦-૧૦-૦૯)
સોક્રેટિક બગાઇઃ સોક્રેટિસની જેમ નાગરિક ચિંતાથી રાજકારણીઓનું ‘લોહી પીનારા’- તેમને જંપીને જીવવા ન દેનારા વ્યાપક અર્થમાં રાજકારણતી કદાપિ પરહેજ નહીં કરનાર આ બેઉ (જયપ્રકાશ અને લોહિયા)...નાગરિકને છેડેથી રાજને સારૂ સોક્રેટિક બગાઇ બની રહ્યા.
Wednesday, November 11, 2009
સ્વાઇન ફ્લુમાંથી સાજા થયેલા મુખ્ય મંત્રીને પત્ર
ગુજરાત રાજ્યની સાડા પાંચ કરોડ (માઇનસ અમુક કરોડ) જનતાના લાડીલા મુખ્ય મંત્રીશ્રી,
નમસ્તે.
સાદા નમસ્તે, હોં. પેલા ‘નમસ્તે સદા વત્સલે..’વાળા નહીં.
આજકાલ બીમારીના બહુ વાવર છે. ‘ડોક્ટર’ મોહન ભાગવતે ભાજપને કેન્સરનું નિદાન કર્યું અને એ અરસામાં તમને સ્વાઇન ફ્લુ થયાના સમાચાર સાંભળ્યા એટલે ચિંતા થઇ. ભાજપવિરોધી એટલે કે હિંદુવિરોધી એટલે કે દેશદ્રોહીઓનું આ કાવતરૂં નથી ને? જેની ટીકા કચરાટોપલીમાં નાખીને વખાણ મેડલની માફક લટકાવવામાં આવે છે એ ઈંગ્લીશ મીડિયાનાં કરતૂત તો નથી ને? એવી શંકાકુશંકાઓ મનમાં જાગી.
શંકાની જ વાત નીકળી છે તો તમને ખ્યાલ હશેઃ તમને ખરેખર સ્વાઇન ફ્લુ થયો છે, એ બાબતે તમારા ઘણા પ્રશંસકો અને ટીકાકારોના મનમાં શંકા હતી. તમે સ્વાઇન ફ્લુમાંથી બહાર આવી ગયા, પણ ઘણા લોકો એ શંકામાંથી બહાર આવી શક્યા નથી. તમારા પ્રશંસકો કહે છે,‘જોયું? એકલા અમેરિકાને નડનારો બિન લાદેન શી ચીજ છે? આખી દુનિયાને નડી જનારા સ્વાઇન ફ્લુને સાહેબે કેવો પોતાની સેવામાં લગાડી દીધો!’ છેલ્લાં સાત-આઠ વર્ષમાં તમારી અભિનયપ્રતિભાથી અંજાઇ ચૂકેલા ટીકાકારો ઇર્ષ્યાથી કહે છે કે ‘આ તો બધું નાટક છે’. તમારા લોહીના સેમ્પલનો ટેસ્ટ ‘રમેશ’ નામથી થયો, એ જાણીને કવિ રમેશ પારેખના ચાહકો એક શેર યાદ કરે છેઃ ‘કેટલી કાચી ઊંમરમાં જ્ઞાન આ પામ્યા ‘રમેશ’ /દર્દને સમજી શકો તો એ બની જાતું જણસ.’
સૌથી વઘુ મનોરંજન પૂરૂં પાડનાર કોઇ હોય તો એ તમારા ‘તટસ્થ ભક્તો’નો સમુદાય. એ લોકો કહી શકે છે, ‘સાહેબને સ્વાઇન ફ્લુ એટલે કે સુવ્વર ફ્લુ થયો એટલે સેક્યુલરિસ્ટોની જીભ પર કેવાં તાળાં લાગી ગયાં? હમણાં ‘મેડ કાઉ ડીસીઝ’ થયો હોત તો એ લોકો ગાયો અને હિંદુઓ પર માછલાં ધોવા બેસી જાત! પણ કોઇ સેક્યુલરિસ્ટની મજાલ છે કે સુવ્વરની ટીકા કરે? ગોબરૂં સેક્યુલરિઝમ સાડા પાંચ કરોડ વાર મુર્દાબાદ. અમારી તટસ્થ ભક્તિ ઝિંદાબાદ. મહાત્મા ગાંધી ઝિંદાબાદ. મુખ્ય મંત્રી મોદી ઝિંદાબાદ.’
આપણી સંસ્કૃતિમાં બીમારની ખબર કાઢવા જવાનો અને એ રીતે તેના દુઃખમાં સહભાગી બનવાનો રિવાજ છે. બીમારનું દુઃખ હળવું કરવાની સૌથી પ્રચલિત પદ્ધતિ છેઃ એ કેવી રીતે બીમાર પડ્યા તે પૂછવું. દા.ત. તમને પૂછી શકાય કે ‘અરર, કેમ કરતાં થયું? અચાનક જ? હજુ અઠવાડિયા પહેલાં તો તમને રશિયામાં હરતાફરતા જોયા હતા! એ વખતે તમારા મોં પરથી જરાય લાગતું ન હતું કે તમને સ્વાઇન ફ્લુ થશે. ખરેખર, વાતાવરણ બહુ સાચવવા જેવું છે. આજકાલ ડબલ સીઝન છે. રાતે ઠંડી ને દિવસે ગરમી લાગે છે.’
તમને જો કે સવાલો ગમતા નથી એવી તમારી છાપ છે. એટલે તમારા પક્ષના કે વિપક્ષના સાથીદારો ‘કેમ કરતાં થયું?’ એવો વ્યવહારિક સવાલ પણ નહીં પૂછી શકે. વ્યવહારિક અને બિનવ્યવહારિક બધા સવાલો નાગરિકોએ જ પૂછવાની ટેવ પાડવી પડશે.
તમારા કિસ્સામાં ખબર નથી, બાકી બીમાર માણસોની સૌથી મોટી તકલીફ એ હોય છે કે ‘કેમ કરતાં થયું?’ એવા ટૂંકા સવાલનો જવાબ એ અઢાર અઘ્યાયમાં આપે છે. એકતા કપૂરના એપિસોડ જેવો એમનો જવાબ શરૂ થાય, એટલે ખબર જોવા આવનારની તબિયત બગડવા લાગે છે. ઘણા લોકોને ‘જામ-એ-સેહત’ને બદલે ‘જામ-એ-બીમારી’ના ધુંટડા ભરવામાં એટલી ‘કીક’ આવે છે કે બીમારી મટી જાય છે, પણ એની કથાઓ મટતી નથી. ‘હજારો વર્ષ ચાલે એટલી બીમારી કથાઓ’ વારેતહેવારે પુનઃપ્રસારિત થતી રહે છે.
બીમારીની ખરી સાર્થકતા તેમાંથી પેદા થતા મહત્ત્વમાં છે. પરિવારનો ગમે તેટલો અણમાનીતો સભ્ય પણ બીમાર પડે એટલે તેનો ભાવ આવી જાય છે. તેની ‘લાઇન’ સીધી છે કે નહીં એ વિશે હંમેશાં શંકા અને ચિંતા સેવતાં માતાપિતા, સહેજ છણકો કરીને પણ ‘દવા લેજે બરાબર ટાઇમસર અને હમણાં રખડીશ નહીં. ક્યારેક અમારે કહ્યું પણ સાંભળતો જા.’ એટલું કહ્યા વિના રહી શકતાં નથી.
સ્વજનો સેવાની સાથે સલાહ આપતા હોવાથી તે પાણીની સાથે અપાતી ગોળી જેવું કામ કરે છે, પણ ખબર જોવા આવનારા પાણી વગરની કેપ્સૂલ જેવી કોરી સલાહો આપ્યા કરે છે. એ ગળે ઉતારી શકાતી નથી ને કચરાટોપલીમાં ફેંકી શકાતી નથી. કેટલાક અનુભવીઓને આશંકા છે કે ખબર જોવા આવનારાની સલાહોમાંથી બચી શકાય એ માટે જ તમે સ્વાઇન ફ્લુ જેવા, એકાંત માગી લેતા રોગ પર પસંદગી ઉતારી. હા, ‘પસંદગી ઉતારી’- કારણ કે તમારા પ્રશંસકો માને છે કે ગુજરાતમાં તમારી ઇચ્છા- અને તમારાં હોર્ડિંગ- વિના પાંદડું પણ હાલતું નથી. ક્યારેક બોમ્બ ફૂટી જાય, પણ એવું તો ક્યાં નથી થતું?
રૂબરૂ તમારી ખબર કાઢવા ન આવી શકેલા લોકોએ પાઠ અને યજ્ઞો કરાવીને સંતોષ માન્યો છે. યજ્ઞો સ્થાનિક ધોરણે હતા એટલે પ્રજાને બહુ રાહત રહી હતી. કારણ કે એસ.ટી.ની એક પણ બસ ચાલુ રૂટ પરથી ખસેડીને યજ્ઞના સ્થળે દોડાવવી ન પડી.
‘સાહેબના આરોગ્ય માટે સુંદરકાંડના પાઠ રાખ્યા છે’ એવું પહેલી વાર એક કાર્યકરે કહ્યું ત્યારે બીજો કાર્યકર ઉત્સાહથી બોલી ઉઠ્યો હતો,‘શું વાત છે? ગોધરાકાંડના પાઠ રાખ્યા છે? જોરદાર આઇડીયા છે.’ પણ પહેલા કાર્યકરે તરત આંખો કાઢીને તેનું મોં બંધ કરી દીઘું અને કહ્યું,‘મનમાં હોય એ બઘું બોલવાની શી જરૂર છે? આવું ને આવું કરશો તો આખી જિંદગી કાર્યકર જ રહી જશો અને તમારા માટે ગરૂડપુરાણ સિવાય બીજા કોઇ પાઠ નહીં થાય.’
બીમારી દરમિયાન તમારા એકાંતવાસ વિશે જાણીને ઘણાને ચિંતા થતી હતી. કોઇ ખબર જોવા ન આવે તો સમય શી રીતે જાય? એ વિચારે તમારા ઘણા પ્રશંસકોનો જીવ કચવાતો હતો. ‘નવરૂં મગજ શયતાનનું કારખાનું છે’ એ કહેણી યાદ કરીને પણ ઘણા લોકો ચિંતા કરતા હતા.
અમારા એક પરિચિત કાર્યકરને સ્વાઇન ફ્લુ થયો ત્યારે ફ્લુને તો એ જીરવી ગયા, પણ એકાંતમાં રહેવાનું એમને આકરૂં લાગતું હતું. તેમને ફોન પર એકાદ રાજકીય વડીલે સમજાવ્યા કે ‘તમારી અને સાહેબની એક જ બીમારીને લીધે તમારો વટ પડી જશે. વિધાનસભાની ટિકીટની પણ તૈયારી કરવા માંડજો. દિલ્હી હાઇકમાન્ડ નહીં તો ગાંધીનગર ‘આઇ’કમાન્ડ સ્વાઇન ફ્લુમાંથી ઉભા થયેલાને પહેલી પસંદગી આપે એવી શક્યતા છે.’
સત્તાવાર અહેવાલમાં એવું કહેવામાં આવ્યું કે એકાંતમાં તમે બીજા દેશોના વિકાસની ડીવીડી જોઇને સમય પસાર કરો છો. હશે ભાઇ. ભવિષ્યમાં બીમારી સિવાયના કોઇ કારણસર પણ સમય પસાર કરવાનો થાય ત્યારે તમે બીજા દેશોને બદલે ગુજરાતના જ વિકાસની- ફ્લાયઓવર, બીઆરટીએસ, કિલ્લેબંધ કાંકરીયા ઉપરાંતના વાસ્તવિક વિકાસની- ડીવીડી જોઇને સમય પસાર કરી શકો એવી હાર્દિક શુભેચ્છા.
લિ.સાડા પાંચ કરોડમાંનો એક ગુજરાતી
Tuesday, November 10, 2009
માથા પરથી વહેતાં માઓવાદનાં પાણી
‘બધા મુસ્લિમો આતંકવાદી નથી હોતા, પણ બધા આતંકવાદીઓ મુસ્લિમ હોય છે’ એવાં ચબરાકીયાં સૂત્રો સાથે જોરશોરથી ભારતમાં ત્રાસવાદની જાહેર ચર્ચાઓ થતી હતી, ત્યારે માઓવાદનો આતંક ભારતમાં ચૂપચાપ અને ચિંતાજનક ગતિએ પ્રસરી રહ્યો હતો.
‘ચૂપચાપ’ તો ખરેખર ન કહેવાય, કારણ કે માઓવાદી હિંસાનો સિલસિલો કોઇને પણ સંભળાય એવા ધડાકાભડાકા સાથે વણથંભ્યો જારી હતો- એ જેલમાંથી ધોળા દિવસે કેદીઓ ઉઠાવી જવાની ઘટના હોય કે સુરક્ષાદળો પર થતા ઘાતકી હુમલાના બનાવ. રાજકીય પક્ષો ત્યારે સાંસદોના સરવાળા-બાદબાકીમાં અને ચૂંટણીઓ જીતવામાં વ્યસ્ત હતા. કેટલાક નેતાઓ બોમ્બધડાકાના પગલે સર્જાતી કોમી તંગદીલી સર્જાય છે કે નહીં એ તપાસવામાં અને શક્ય હોય તો તેની રોકડી કરવાની વેતરણમાં હતાં.
એ સમયગાળા દરમિયાન શું થયું? તેનો જવાબ કેન્દ્રીય ગૃહમંત્રી પી.ચિદમ્બરમે આપેલા આંકડામાંથી મળે છેઃ ગયા મહિને ચિદમ્બરમે આપેલી સત્તાવાર માહિતી પ્રમાણે, નક્સલવાદી-માઓવાદી હિંસા ભારતનાં ૨૦ રાજ્યોના ૨૨૩ જિલ્લાનાં ૨૦૦૦થી પણ વઘુ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં ફેલાઇ ચૂકી છે. ૨૦૦૮માં નક્સલવાદી હિંસાના ૧૫૯૧ બનાવો નોંધાયા હતા, જેમાં ૭૨૧ના જાન ગયા હતા. આ વર્ષે ઓગસ્ટ સુધીમાં જાનહાનિનો આંકડો ૫૮૦ સુધી પહોંચી ગયો હતો. ૨૦૦૮માં નક્સલવાદી-માઓવાદી હિંસામાં ૨૩૧ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા, જ્યારે આ વર્ષે ૨૫૦થી પણ વઘુ સુરક્ષાકર્મીઓ નક્સલવાદી-માઓવાદી હિંસાનો ભોગ બની ચૂક્યા છે. આ તો સત્તાવાર આંકડા છે. સચ્ચાઇ એના કરતાં ઘણી વધારે ખોફનાક હશે.
વાદના નામે ત્રાસવાદ
ડાબેરી રાજકારણના લોહિયાળ સ્વરૂપ જેવા નક્સલવાદ-માઓવાદનો આરંભ ૧૯૬૭માં પશ્ચિમ બંગાળના નક્સલબારી ગામે થયો. એ ગામના નામ પરથી જમીનદારો સામે શ્રમિકોનો સશસ્ત્ર વિદ્રોહ ‘નક્સલ ચળવળ’ તરીકે ઓળખાયો અને સમય જતાં તે નક્સલવાદ બન્યો.
નક્સલબારી આંદોલનના નેતા ચારૂ મઝુમદારે ૧૯૬૯માં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માઓઇસ્ટ-લેનિનિસ્ટ)- ટૂંકમાં સીપીઆઇ (એમ-એલ)- ની સ્થાપના કરી. તેમાંથી અનેક પેટાસંગઠનો રચાયાં. આ પક્ષની સમાંતરે માઓઇસ્ટ કમ્યુનિસ્ટ સેન્ટર (એમસીસી)નો પણ આરંભ થયો, જેમાં સીપીઆઇ (એમ-એલ)થી અસંતુષ્ટ એવા નક્સલવાદીઓ જોડાયા. ૧૯૮૦માં આંધ્ર પ્રદેશમાં પીપલ્સ વોર ગુ્રપ (પીડબલ્યુજી) અસ્તિત્ત્વમાં આવ્યું. વેરવિખેર સ્વરૂપે કામ કરતાં આ સંગઠનો ૨૦૦૪માં એક થઇ ગયાં અને તેમાંથી સીપીઆઇ (એમ) તરીકે ઓળખાતું માઓવાદી હિંસક સંગઠન અસ્તિત્ત્વમાં આવ્યું, જે અત્યારે સરકારોની ઊંઘ હરામ કરી રહ્યું છે. એ દૃષ્ટિએ જોતાં નક્સલવાદ અને માઓવાદ વચ્ચે હવે કશો તાત્ત્વિક કે વાસ્તવિક ફરક રહ્યો નથી. બન્ને શબ્દો એકબીજાના પર્યાય તરીકે વાપરી શકાય છે
માઓવાદનો સૌથી વધારે ઉપાડો પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં છે. હકીકતે, ભારતના નકશામાં આ રાજ્યોનો આખો પટ્ટો બિનસત્તાવાર રીતે ‘રેડ બેલ્ટ’ તરીકે ઓળખાવા લાગ્યો છે.
નક્સલવાદી આંદોલનનો આરંભ શોષણ અને ગરીબી સામેના વિદ્રોહમાંથી થયો, પણ ત્યાર પછી સમય અને સંજોગો ઘણા બદલાયાં છે. હવેનો માઓવાદ સામાજિક-આર્થિક પ્રશ્ન પણ છે અને કાયદો-વ્યવસ્થાનો સવાલ પણ! માઓવાદનો ખતરો વર્ણવવા માટે ‘કાયદો-વ્યવસ્થા’ જેવા શબ્દો ટાંચા પડે. વાસ્તવમાં તે સમગ્ર દેશના માથે તોળાઇ રહેલો આંતરિક સુરક્ષાનો ગંભીર પ્રશ્ન છે.
તેમ છતાં ઘણા બૌદ્ધિકો માઓવાદીઓ પ્રત્યે ઓછેવત્તે અંશે સહાનુભૂતિ ધરાવે છે. આ લાગણીના મૂળમાં ગરીબોને થયેલા અન્યાયનો અને તેમના સામાજિક-આર્થિક પછાતપણાનો અહેસાસ કારણભૂત હોય છે. એ જ અપરાધભાવ તેમને માઓવાદી હિંસાની ખોંખારીને, બિનશરતી ટીકા કરતાં રોકે છે. સિદ્ધાંતચર્ચામાં પડી જતા બૌદ્ધિકો એ વાસ્તવિકતા સ્વીકારી શકતા નથી કે માઓવાદીઓનું ઘ્યેય કોઇ કાળે ગરીબોના ઉત્કર્ષનું અને સમાનતા સ્થાપવાનું હશે, પણ હવે તેમની લડાઇ બહુ જુદી દિશામાં ફંટાઇ ચૂકી છે. તેમનો મુખ્ય રસ હવે સરકારી તંત્રને ઉથલાવીને પોતાની સમાંતર સત્તા જમાવવામાં, રૂપિયા ઉઘરાવવામાં અને ધાક જમાવવામાં રહી ગયો છે. જે ગરીબ, શોષિત સમુદાયના હિતનો વિચાર કરીને બૌદ્ધિકો માઓવાદ વિશે સહાનુભૂતિ સેવે છે, એ સમુદાયની વાસ્તવિક સ્થિતિ વિશે વિચાર કરવામાં આવતો નથી. માઓવાદીઓના ગઢ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગરીબોની દશા સૂડી વચ્ચે સોપારી જેવી થાય છે. એક તરફ માઓવાદીઓની બંદૂક અને બીજી તરફ સાલ્વા છત્તીસગઢ સરકારના જૂડુમ કે એવાં જ બીજાં સરકારી દળોની બંદૂક. એમાં જીવનનિર્વાહની મૂળભૂત સુવિધાઓ અને ગરીમાપૂર્વક જીવન જીવવાના અધિકારની ક્યાં વાત રહી? ગોળી ન વાગે એ જ ગનીમત.
માઓવાદીઓની બોલબાલા હોય એવાં સ્થળોની પરિસ્થિતિ કેવી છે? પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ જેવાં રાજ્યોમાં માઓવાદીઓ કોઇ પણ નવા પ્રોજેક્ટ સામે વાંધા પાડે છે. વિરોધ પાછળ દેખીતું કારણ આમજનતાના હિતનું આપવામાં આવે છે, પણ અસલી ખતરો પોતાનું રજવાડું ગુમાવવાનો હોય છે. નક્સલવાદીઓની આણ ધરાવતા વિસ્તારમાં તેમનું શબ્દાર્થમાં રજવાડું ચાલે છે ઃ એ લોકો રાજ ચલાવે છે, કરવેરા ઉઘરાવે છે, ન્યાય તોળે છે અને સજા ફરમાવે છે. બદલામાં પ્રજાને શું મળે છે? માઓવાદીઓના ખોફમાંથી કામચલાઉ મુક્તિ, જે કોઇ પણ સમયે માઓવાદીઓ તરફથી કે સરકારી દળો તરફથી જીવના જોખમમાં પરિવર્તીત થઇ શકે છે. માઓવાદીઓને કારણે સંબંધિત વિસ્તારનો વિકાસ થવાનું બાજુ પર રહ્યું, તેમનો પ્રભાવ ધરાવતા ઇલાકા વઘુ ને વઘુ પાછળ ધકેલાતા જાય છે. જરાસરખી શંકાના આધારે માઓવાદીઓ આત્યંતિક પગલાં લેતાં ખચકાતા નથી.
પોતાના રજવાડામાં સરકારની ‘દખલગીરી’ દૂર કરવા માટે નક્સલવાદીઓ સ્કૂલ-દવાખાનાં અને સરકારી મકાનો જેવી જાહેર સંપત્તિ પર હુમલા કરીને ભાંગફોડ મચાવતા રહે છે. ગયા મહિને બિહારમાંથી પકડાયેલા માઓવાદી નેતા અને કૃષિ વૈજ્ઞાનિક રવિ શર્માએ આ હુમલા વાજબી ઠરાવીને કહ્યું હતું કે જ્યાં સુધી પોલીસ આ મકાનો ખાલી નહીં કરે ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે. માઓવાદીઓ દ્વારા ઉઘરાવાતાં નાણાં ગરીબોને સુવિધા પૂરી પાડવામાં વપરાતાં હોવાનો દાવો તેમણે કર્યો હતો, પણ વ્યાપક માઓવાદી નેટવર્ક અને તેની ધમધમતી પ્રવૃત્તિઓ જોતાં નાણાંનો મોટો હિસ્સો ક્યાં વપરાતો હશે, એ કલ્પી શકાય એવું છે.
માઓવાદઃ સરહદ પાર
માઓવાદી કે નક્સલવાદી તરીકે ઓળખાતા સમુહમાં અનેક પ્રકારના લોકો હોઇ શકે છેઃ હિંસક હુમલાની વ્યૂહરચના નક્કી કરનાર ટોચના નેતાથી માંડીને તેમના હુકમોનું પાલન કરનાર-કરાવનાર બીજી હરોળના નેતાઓ, ભોળા-આદર્શઘેલા કાર્યકરો, બીજો વિકલ્પ ન હોવાથી મજબૂરીને કારણે માઓવાદીઓ સાથે ભળેલા સ્થાનિક લોકો, ‘સરકાર કરતાં માઓવાદીઓ સારા’ એવું વિચારનારા લોકો...
આ તમામને ‘માઓવાદી’નું લેબલ મારીને પહેલી તકે તેમનું ‘એન્કાઉન્ટર’ કરી નાખવાથી સમસ્યા ઉકેલાય એમ નથી અને એ શક્ય પણ નથી. કારણ કે પંજાબના ત્રાસવાદીઓની માફક માઓવાદીઓ એકાદ રાજ્ય પૂરતા સીમિત નથી.
સાથોસાથ, રીઢા અને કોઇના પણ ભોગે પોતાનું રજવાડું જાળવવા કૃતનિશ્ચયી માઓવાદી નેતાઓને તેમની શરતોએ વાટાઘાટો માટે નિમંત્રણ આપવાથી પણ ઝાઝો અર્થ સરે તેમ નથી. કારણ કે બંદૂક સિવાયની ભાષામાં વાતચીત કરવાની તેમની ટેવ છૂટી ગઇ છે. પોતાનું ધાર્યું થાય ત્યાં સુધી સુલેહભર્યું વલણ રાખવું અને પોતે નમવાનું આવે ત્યારે ટેબલનો ઉલાળીયો કરી દેવો એ તેમની પદ્ધતિ છે.
માઓવાદીઓની પ્રકૃતિ અને પદ્ધતિ જાણવા માટે પાડોશી દેશ નેપાળનું ઉદાહરણ હાથવગું છે. ત્યાં નાગરિકોના વિરોધ સહિત ઘણાં પરિબળોને કારણે રાજાશાહીનો અંત આવ્યા પછી માઓવાદીઓ ચૂંટણીપ્રક્રિયામાં જોડાયા અને સરકારમાં સામેલ થયા. પ્રચંડ તરીકે ઓળખાતા માઓવાદી નેતા પુષ્પકમલ દહલ વડાપ્રધાન પણ બન્યા. છતાં માઓવાદીઓને લોકશાહી ઢબે શાસન ચલાવવાનું ફાવતું નથી. પ્રચંડે વડાપ્રધાન તરીકે ક્યારનું રાજીનામું આપી દીઘું છે અને હવે માઓવાદીઓ બીજા રસ્તે સત્તા કબજે કરવાની તૈયારી કરી રહ્યા છે.
માઓવાદી ખતરાની ગંભીરતામાં વધારો કરનારું પરિબળ છેઃ ચીન સાથે માઓવાદીઓનો સંબંધ. ભારત સાથે સરહદોના મુદ્દે સતત તકરાર કરતું ચીન ભારતના માઓવાદીઓનું મદદગાર હોય એ મજબૂત સંભાવનાથી આખી સમસ્યા ફક્ત કાયદો-વ્યવસ્થાની ન રહેતાં, આંતરરાષ્ટ્રિય ત્રાસવાદની બને છે. આ બાબતમાં પાકિસ્તાન (યોગ્ય રીતે જ) ઘણું નામીચું છે, પણ સરહદપારના ત્રાસવાદમાં પાકિસ્તાનની સાથે ચીનની ગણતરી કરવામાં આવતી નથી. માઓવાદીઓના વધતા ઉપાડા પછી એ વિશે પણ નવેસરથી વિચારવાનું થાય છે.
પહેલું પગથિયું ચડવાના વાંધા
માઓવાદીઓ સાથે બે ધાગે કામ પાડવા માટે રાજકીય લાભાલાભનાં ગણિત બાજુ પર મૂકાય તે પહેલી શરત છે. પરંતુ એ પ્રાથમિક કસોટીમાં ભારતના રાજકીય પક્ષોનો દેખાવ અત્યાર લગી બહુ કંગાળ રહ્યો છે. માઓવાદીઓનો ઉપયોગ પોતાના ફાયદામાં કેમ કરી લેવો (રાષ્ટ્રને ભલે તેનાથી નુકસાન હોય) એની હરીફાઇ પાણી માથા પરથી વહી ગયા પછી પણ અટકી નથી. તેનો તાજો દાખલો રાજધાની એક્સપ્રેસના અપહરણ વખતે જોવા મળ્યો. મમતા બેનરજીએ શરૂઆતમાં ડાબેરીઓ પર અપહરણનો આરોપ મૂકી દીધો. ત્યાર પછી રહસ્ય ખૂલ્યું કે રાજધાનીનું અપહરણ કરનાર જૂથ મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ સાથે નજીકનો સંબંધ ધરાવતું હતું. સિંગુર અને નંદીગ્રામના સંઘર્ષો વખતે પણ બંગાળની ડાબેરી સરકાર સામે મમતા બેનરજીને માઓવાદીઓ તરફથી કાર્યકરોનો ટેકો મળ્યો હોવાના મજબૂત આરોપ ઉભા છે.
મમતાના કટ્ટર વિરોધી અને પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય પણ માઓવાદીઓનો મુકાબલો કરવામાં નબળા પુરવાર થયા છે. માઓવાદીઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કરીને કેદ પકડેલા એક અફસરને છોડાવવા માટે ભટ્ટાચાર્ય સરકારે માઓવાદીની તમામ શરતો મંજૂર રાખી. એટલું જ નહીં, પ્રસાર માઘ્યમોની હાજરીમાં બંદીઓની લેવડદેવડ થઇ ત્યારે માઓવાદીઓએ પોલીસ અફસરના ગળામાં ‘પીઓડબલ્યુ’ (પ્રીઝનર્સ ઓફ વોર- યુદ્ધકેદી)નું બોર્ડ ચીતર્યું હતું. એ શબ્દપ્રયોગ સામાન્ય રીતે બે દેશ વચ્ચેના યુદ્ધ દરમિયાન પકડાયેલા કેદીઓ માટે વપરાતો હોય છે.
યુદ્ધે ચડેલા માઓવાદીઓ સામે મોડી મોડી જાગેલી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો એકબીજા સાથે હાથ મિલાવવાને બદલે ટાંટિયા ખેંચવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી માઓવાદીઓનું રજવાડું ફૂલતુંફાલતું રહેશે.
Thursday, November 05, 2009
જગદીપ સ્માર્તની અણધારી વિદાય
ગઇ કાલે મિત્ર સંજય ભાવેનો ફોન આવ્યો,‘સુરતના ચિત્રકાર જગદીપ સ્માર્ત ગયા.’
સુરતના અને ગુજરાતના સાંસ્કૃતિક જગતમાં જગદીપભાઇનું નામ જાણીતું હતું- પહેલાં કાકા વાસુદેવ સ્માર્ત થકી અને પછી પોતાના કામના અને ઉત્સાહી સ્વભાવના બળે. પાંચેક વર્ષ પહેલાં મિત્ર બકુલભાઇ ટેલર સાથે જગદીપભાઇના ઘરે ગયો હતો. બકુલભાઇના એ જિગરી મિત્ર. બકુલભાઇ થકી જ એમની અનેકવિધ પ્રવૃત્તિઓ વિશે જાણકારી મળી.
માત્ર ચિત્ર જ નહીં, નાટક, કવિતા અને બીજી તમામ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જગદીપભાઇ ઊંડાણપૂર્વક અને ઉત્સાહભેર રસ લેતા હતા. મૃત્યુ સમયે એમની ઊંમર ફક્ત ૫૩ વર્ષ હતી. અગાઉ આઠ-નવ વર્ષ પહેલાં તેમને હૃદયરોગનો એક હુમલો આવી ચૂક્યો હતો, પણ તેમનો જીવનરસ જોતાં હજુ તો આયુષ્યની સફરમાં એ અડધે પહોંચેલા લાગતા હતા.
સુરતની નર્મદ યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટી શરૂ થયા પછી તેમાં જીવ રેડીને કામ કરનારા જગદીપભાઇને તેમના વિદ્યાર્થીઓએ ભવ્ય અંજલિ આપી. ગઇ કાલે તેમનું અવસાન થયા પછી અંતિમ યાત્રા આજે સવારે હતી, પણ વિદ્યાર્થીઓ આખી રાત જગદીપભાઇના ઘરે રહ્યા. પોતાના પ્રિય ગુરૂજીને અંજલિરૂપે તેમણે ચિત્રો બનાવ્યાં અને સવારે જે ખુલ્લા વાહનમાં જગદીપભાઇનો મૃતદેહ ગોઠવાયો, એ વાહનને ચારે બાજુથી વિદ્યાર્થીઓએ દોરેલાં અંજલિચિત્રોથી શણગારવામાં આવ્યું. એક કલાકારને આનાથી મોટું માન બીજું કયું હોઇ શકે? (આ અંતિમયાત્રાની તસવીરો મળશે તો ભવિષ્યમાં બ્લોગ પર મૂકવા ધારૂં છું. )
દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે સ્ટડી ટુર પર જનારા જગદીપભાઇ આ દિવાળીએ ખજૂરાહો-સાંચી જેવાં સ્થળોએ સપરિવાર અને પચાસેક વિદ્યાર્થીઓ સાથે ગયા હતા. જગદીપભાઇનો પુત્ર રાજર્ષિ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં ભણાવે છે અને દીકરી કૃષ્ણપ્રિયા એ જ ફેકલ્ટીમાં ભણે છે. તેમનાં પત્ની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરે છે.
જગદીપભાઇનાં અનેકવિધ કામોમાં એમ.એફ.હુસેનની સ્મૃતિકથાનો પણ સમાવેશ થતો હતો. (એ કામ હજુ અઘૂરૂં છે.) અગાઉ હુસેનની આત્મકથાનો જગદીપભાઇએ ગુજરાતીમાં ‘દાદાનો ડંગોરો લીધો, તેનો તો મે ઘોડો કીધો’ એ નામે કર્યો છે. જગદીપભાઇના બાળપણનો મોટો હિસ્સો વારાણસીમાં વીત્યો હોવાથી ગુજરાતી ઉપરાંત હિંદીમાં પણ તે સહજતાપૂર્વક લખી શકતા હતા. મિત્રો-દોસ્તોનો ગણેશનાં જુદાં જુદાં સ્વરૂપો દોરી આપવા માટે તે જાણીતા હતા.
તેમણે અજમાવેલાં કલાસ્વરૂપોમાં કઠપૂતળીઓનો પણ સમાવેશ થાય છે. એ વિષય પર તેમણે ચિત્રો પણ કર્યાં હતાં. સાહિત્યપ્રેમને કારણે વિનોદ મેઘાણીએ કરેલા ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોના અંગ્રેજી અનુવાદોમાં પણ જગદીપભાઇનાં ચિત્રો હતાં. જગદીપભાઇએ યોજેલા એક કલામહોત્સવમાં વાન ગોગનાં ચિત્રોના સ્લાઇડ શો માટે આવેલા વિનોદ મેઘાણી અને હિમાંશી શેલતની મુલાકાત થઇ હતી. એ બન્નેના લગ્નમાં જગદીપભાઇએ એક સાક્ષી તરીકે સહી કરી હતી.
જગદીપભાઇના આકસ્મિક મૃત્યુનો આઘાત પચાવતાં મિત્રોને ઘણો સમય લાગશે.
Tuesday, November 03, 2009
ગાંધી અને સરદાર
31 ઓક્ટોબર, સરદાર જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ સ્મારક, કરમસદમાં પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલ અને વર્તમાન મંત્રી ફકીરભાઇ વાઘેલાની ઉપસ્થિતિમાં આપેલું વક્તવ્ય.
સામાન્ય સંજોગોમાં આ પ્રકારનાં મારાં વક્તવ્ય હું બ્લોગ પર મૂકતો નથી, પણ કેટલાક મિત્રોને એવી ચટપટી હતી કે હું સરકારી મંત્રીની હાજરી હોય એવા ભાજપબ્રાન્ડ સમારંભમાં શું કામ ગયો.
મારે એટલું જ કહેવાનું કે જે બોલવું હોય તે બોલવા મળે તો કોઇની હાજરીની આભડછેટ પાળવાની જરૂર હું જોતો નથી.
આપણી સ્વરાજત્રિપુટી ગાંધીજી-સરદાર-નેહરુમાંથી બે નેતાઓ ગુજરાતી હતા એ આપણું અહોભાગ્ય. કારણ કે એ બન્ને જણને આપણે માતૃભાષામાં સાંભળી ને વાંચી શક્યા. તકલીફ એ થઇ કે આપણે કાચુંપાકું વાંચી-સાંભળીને, એમના ગુજરાતી હોવાનું ગૌરવ લઇને સંતુષ્ટ થઇ ગયા. એમને સમજવાનું કામ ચાલુ જ ન થયું અથવા અધુરું રહી ગયું.
આજે સાઠેક વર્ષના ગાળા પછી ગાંધીજી અને સરદારને એકસાથે યાદ કરતાં કેવી લાગણી થાય? પત્તાં ટીચતા અને સિગરેટના ધુમાડા કાઢતા ફોજદારી વકીલ વલ્લભભાઇ મોટા ભાઇ વિઠ્ઠલભાઇના પગલે રાજકારણમાં ન આવ્યા, પણ ગાંધીજીની પછવાડે ખેંચાયા. કોઇની શેહમાં ન આવે એવા વલ્લભભાઇને આકર્ષી શકવાની ગાંધીજીની શક્તિ અત્યારે ઘણી વાર ભૂલાવી દેવાય છે. અહીં આવીને લોકલાડીલા નેતાઓ એવું પણ બોલી જાય છે કે સરદાર વિના ગાંધી અધૂરા છે.
જે ગાંધીજીને સરદારે આજીવન ગુરુ માન્યા તેમની લીટી ટૂંકી કરીને સરદારને મહાન બનાવવાના? હું પૂછું છું, સરદાર એટલા નબળા નેતા હતા કે તેમને મહાન ચિતરવા માટે ગાંધીજી અને નેહરુની લીટી નાની કરવી પડે? બિલકુલ નહીં. સરદારનું પ્રદાન પોતાના જોરે ઉભું રહી શકે એટલું નક્કર છે. તેને રાજકીય પક્ષોના તકલાદી અને તકવાદી ટેકાની જરૂર નથી.
ગાંધીજી પ્રત્યે સરદારનો આદરભાવ એટલો ઉંડો હતો કે ક્યારે વૈભવશાળી જીવન છોડીને સરદારે સાદગી અપનાવી લીધી તેનો ખ્યાલ પણ ન આવે. છોકરાંની હોસ્ટેલ ફી પાછળ સો રૂપિયા જેવી મોટી રકમ ખર્ચનારા અને ઓફિસમાં મોંઘામાં મોંઘું ફર્નિચર વસાવનારા સૂટબૂટધારી બેરિસ્ટર વલ્લભભાઇએ સહજતાથી ખાદીની ધોતી ને પહેરણ અપનાવી લીધાં. કોઇ જાતને ઢંઢેરો પીટ્યા વગર.
સાથે એ પણ ખરું કે એમનો ગાંધીટોપી પહેરેલો એક પણ ફોટો જોવા મળતો નથી. અમદાવાદ રહેવા છતાં એ કદી આશ્રમવાસી બન્યા નહીં. લોકો આ બધો બહારનો રંગ જોઇને છેતરાય- ખાસ કરીને ગુજરાતના લોકો. આખો દેશ સરદારને ગાંધીજીના અંધ અનુયાયી માનતો હતો ત્યારે ગુજરાતના ઘણા લોકો વલ્લભભાઇને ગાંધીજીના અનુયાયી જ માનતા ન હતા, એવું જુગતરામ દવેએ નોંધ્યું છે. પણ નેહરુએ 1935-36માં આત્મકથામાં લખ્યું હતું કે ગાંધીજીના આદર્શો પ્રત્યે વલ્લભભાઇ જેટલી આદરભક્તિ બીજા કોઇ સાથીની નહીં હોય. ને એવું પણ લખ્યું હતું કે એવો દાવો તો મારાથી- એટલે કે જવાહરલાલથી- પણ થાય એમ નથી.
ગાંધીજી અને સરદાર વચ્ચેનો સંબંધ ફક્ત રાજકીય ન હતો.એમની વચ્ચે ગુજરાતીમાં થતા પત્રવ્યવહારોમાં એમના સંબંધોની ઉષ્મા જોવા મળે છે. ગાંધીજીએ સરદારને એક પત્રમાં લખ્યું હતું કે તમારામાં માતાનો પ્રેમ ભર્યો છે અને એ ગુણ તમારા કાગળોમાં જ્યાંત્યાં ઝર્યા કરે છે ને એ ગુણ સર્વવ્યાપી છે.
વલ્લભભાઇ આખા દેશના સરદાર બન્યા ત્યાર પછી પણ ગાંધીજીના સિપાહી જ રહ્યા. એમાં ઉંચાનીચા દરજ્જાનો નહીં, પણ કામ કરવાની ગોઠવણનો સવાલ હતો. બારડોલી સત્યાગ્રહનો વિજય તાજો હતો ત્યારે ગાંધીજીએ એક અંગ્રેજ પત્રકારને કહ્યું હતું કે વલ્લભભાઇ તો સૈનિક છે. એ જાતને ભૂંસી નાખવામાં માને છે. એવું નથી કે એમના પોતાના વિચારો નથી. પણ એ માને છે કે મૂળભૂત બાબતોમાં સંપૂર્ણ સંમતિ હોય તો વિગતોના પ્રશ્નો ઉઠાવવાનો કોઇ અર્થ નથી.
ગાંધીજીના સંદર્ભે જાતને ભૂંસી નાખવાની વાત આવે એટલે સ્વાભાવિક રીતે જ કેટલીક અકળાવનારી યાદો તાજી થાય. ગાંધીજીના ઇશારે સરદાર ચાર-ચાર વાર કોંગ્રેસના પ્રમુખપદની હરીફાઇમાંથી ખસી ગયા. તેમાં છેલ્લો કિસ્સો સૌથી ચર્ચાયેલો અને ખરડાયેલો છે. એમાંથી કોઠી ધોઇને કાદવ કાઢવાનું કામ અત્યાર સુધી રાજકીય પક્ષોએ સરસ રીતે કર્યું છે. આપણે અસલિયતની નજીક જવાનો પ્રયાસ કરી જોઇએ.
ગાંધીજીએ સરદારને બદલે નેહરુની પસંદગી કેમ કરી એ સવાલનો જવાબ આપી શકે એવાં તમામ પાત્રો હયાત નથી. પરંતુ કેટલીક હકીકતો અને અવતરણો પરથી આપણે અનુમાનો તારવી શકીએ. એ પહેલાં આપણે એટલું સ્વીકારવું પડે કે ગાંધી-સરદાર-નેહરુ આપણા બધા કરતાં વધારે દેશભક્ત અને દેશની ચિંતા કરનારા હતા.
1946માં કોંગ્રેસના પ્રમુખની ચૂંટણી વખતે સરદારની ઉંમર 71 વર્ષ હતી, જ્યારે નેહરુ 57 વર્ષના હતા. સરદાર ભલે લોખંડી પુરુષ તરીકે ઓળખાતા હોય- એ વિશેષણ વળી જુદી ચર્ચાનો મુદ્દો છે. પણ સરદારની તબિયત ઘણી લથડી ચૂકી હતી. એ ગાળાની ઘણી તસવીરોમાં સરદાર વ્હીલચેરમાં બેઠેલા જોવા મળે છે.
ઉંમરમાં તફાવત એક મુદ્દો. બીજો મુદ્દો નેહરુની પ્રકૃતિનો. ગાંધીજીને બરાબર ખ્યાલ હતો કે નેહરુ ફક્ત નં.1 તરીકે કામ કરી શકે એમ છે, જ્યારે સરદાર એવી માનસિકતા ધરાવતા નથી. ગાંધીજીના શબ્દો ટાંકું છું-
જવાહરલાલ બીજું સ્થાન સ્વીકારશે નહીં. વિદેશોમાં તે સરદાર કરતાં વધારે જાણીતા હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે તે ભારતને મહત્ત્વનું સ્થાન અપાવી શકશે, જ્યારે સરદાર દેશની આંતરિક બાબતોની દેખરેખ રાખશે. સરકારનો ભાર બન્ને સાથે મળીને જ ખેંચશે.
અત્યારે આત્યંતિક નેહરુભક્તિ અને આત્યંતિક નેહરુદ્વેષ વચ્ચે ચાચા નેહરુ તો જાણીતા છે, પણ સાચા નેહરુ ખોવાઇ ગયા છે. એટલે કોઇને પણ એવો સવાલ થાય કે નેહરુ બીજું સ્થાન ન સ્વીકારે તો તેમને વહેતા મૂકવા જોઇએ. પણ એ સમયે દેશવિદેશમાં નેહરુની લોકપ્રિયતા અને આદર અત્યારે કલ્પી પણ ન શકાય એટલાં મોટાં હતાં.
ગાંધીજી અને સરદાર એ બન્નેનો અભિગમ કોમી હુલ્લડો અને કોમવાદના પ્રશ્ને જુદો હતો, પણ એ ફક્ત જુદો હતો. વિરોધી નહીં. કોમી હુલ્લડો થાય ત્યારે મહાત્મા તરીકે ગાંધીજી સઘળો દોષ પોતાના માથે ઓઢીને આત્મશુદ્ધિ માટે ઉપવાસ શરૂ કરી દેતા હતા. વલ્લભભાઇ નખશીખ વહીવટકર્તા હતા. ગૃહપ્રધાન તરીકે તેમની પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થા જાળવવાની હતી. સરદારના વલણ વિશે અનેક ગેરસમજણો ફેલાવવામાં આવી છે. વિરોધીઓ સરદારને બદનામ કરવા તેમને મુસ્લિમદ્વેષી ગણાવે છે અને કેટલાક પ્રેમીઓ સરદારને મુસ્લિમદ્વેષી તથા હિંદુહિતરક્ષક તરીકે ખપાવવાનો પ્રયાસ કરે છે. હકીકત શી હતી? એક જ દાખલો જોઇએ.
ભાગલાને કારણે પશ્ચિમ પંજાબ પાકિસ્તાનમાં ગયું ને પૂર્વ પંજાબ ભારતમાં રહ્યું. પાકિસ્તાનમાં શીખો અને હિંદુઓ પર થતા અત્યાચારના સમાચાર સાંભળીને પૂર્વ પંજાબમાં પણ હિંસાનો દોર ચાલ્યો. મુસ્લિમ નિરાશ્રિતોને લઇ જતી ટ્રેનો પૂર્વ પંજાબમાંથી પસાર થતી હતી. એ ટ્રેનો પર હુમલા થતા હતા. ઘણા ગામોમાં પાટા ઉખાડી નાખવામાં આવતા હતા. એ વખતે ગૃહપ્રધાન તરીકે સરદાર પટેલે શું કર્યું? ન્યૂટનનો નિયમ યાદ કર્યો? શીખોને 72 કલાક આપ્યા? ના, સરદારે હુકમ કાઢ્યો કે દિવસે ને રાત્રે પહેરો ભરવા ગામના લોકોની ચોકિયાત ટુકડી ઉભી કરવી. જે ગામના સીમાડામાં રેલવેના પાટાને નુકસાન થશે અથવા ટ્રેનો પર હુમલા થશે, એ ગામ પર સામુહિક દંડ નાખવામાં આવશે. ફક્ત હુકમ કાઢીને બેસી રહેવાને બદલે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દરેક વખતે હુમલા થાય કે તરત જ આવો દંડ નાખવો. આવા સરદારનું નામ લેવાની લાયકાત ને પાત્રતા આપણા કયા રાજકીય પક્ષમાં ને કેટલા શાસકોમાં છે?
ગાંધીજી અને સરદાર વચ્ચેનો સૌથી કમનસીબ સંબંધ ગાંધીજીની હત્યા નિમિત્તે ઉભો થયો. સરદારના કેટલાક ટીકાકારોએ ગાંધીહત્યા માટે ગૃહમંત્રી તરીકે સરદારને જવાબદાર ઠેરવ્યા. સરદાર અને ગાંધીજી વચ્ચેના સંબંધોનું ઉંડાણ જાણનાર કોઇ પણ વ્યક્તિ સ્વપ્નમાં પણ વિચારી ન શકે એવો આરોપ હતો. તેનો આડકતરો પણ જડબાતોડ જવાબ ઉમાશંકર જોશીએ સંસ્કૃતિના અંકમાં નોંધ્યો હતો. એમની નોંધ પ્રમાણે સરદારના મૃત્યુ પછી હિંદુ મહાસભાનું વાર્ષિક અધિવેશન ભરાયું, ત્યારે સરદારના અવસાનનો શોકઠરાવ પસાર કરવો કે નહીં એ વિશે ઘણી ચર્ચા થઇ. અંતે હિંદુ મહાસભાએ નક્કી કર્યું કે સરદારના મૃત્યુનો શોકઠરાવ પણ પસાર કરવો નહીં. સરદારને તેમણે ઔપચારિક શોકઠરાવને લાયક પણ ન ગણ્યા.
ગાંધી અને સરદારની છેલ્લી એક વાત. ગાંધીજીને કોઇ વાણિયા તરીકે ઓળખવે અને તેમના નામે વણિક સમાજની પાટિયાસંસ્થાઓ ઢગલામોઢે શરૂ થઇ જાય તો કેવું લાગે? ગાંધીજી પર વણિકોનો ને સરદાર ઉપર પટેલોનો કોઇ વિશેષાધિકાર કે ખાસ દાવો ન હોઇ શકે. એવો દાવો કોઇ કરે તો એ માન્ય રાખી શકાય નહીં. કારણ કે ગાંધીજી અને સરદાર જેવા નેતાઓને જ્ઞાતિની સંકુચિત ઓળખમાં બાંધવા એ તેમનું અને તેમના જીવનકાર્યનું ઘોર અપમાન કર્યા બરાબર છે.
700 પાનાંના કોઇ પુસ્તકમાં સરદારના માંડ છ-સાત ઉલ્લેખ હોય, એ વાંચ્યા વિના જ તેનાથી દુભાઇ જઇને આપણે પ્રતિબંધો મૂકી શકીએ, હડતાળ પાડી શકીએ, વિરોધ કરી શકીએ, પણ છાશવારે થતા સરદારના નામના દુરુપયોગની આપણી ઉપર કશી અસર થતી નથી. એ જોઇને સરદાર જ્યાં હશે ત્યાં મૂછમાં મરકતા મનોમન શું વિચારતા હશે? એની કલ્પના કરવાનું કામ તમારા સૌ પર છોડું છું.