Wednesday, July 15, 2009

‘નવજીવન પ્રકાશન’નો માર્ગ : બાપુથી બાપુ સુધી

એક બાપુ પાઇલોટ બન્યા.

કોકપિટમાં બેઠા પછી તેમણે પહેલું કામ શું કર્યું?

સામેની પેનલ પર ‘જય માતાજી’ લખ્યું

***

‘એક વાર બાપુ સ્કૂલે ગયા. માસ્તરે પૂછ્યું, ‘બાપુ, અઠવાડિયામાં કેટલા દિવસ?’

‘સાત.’

‘કયા કયા?’ માસ્તરે વળી પૂછ્યું.

બાપુ કહે, ‘જય માતાજી સોમવાર, જય માતાજી મંગળવાર, જય માતાજી બુધવાર, જય માતાજી ગુરૂવાર, જય માતાજી શુક્રવાર, જય માતાજી શનિવાર અને જય માતાજી રવિવાર.’

***

પહેલી જોક તો તમે સાંભળી હશે, પણ બીજી જોક કેવી લાગી?

નબળી જ લાગે ને!

પણ આ જોકને બદલે વાસ્તવિકતા હોય તો?

ખાતરી ન થતી હોય તો અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની પાછળ આવેલી મહાત્મા ગાંધીની પ્રકાશન સંસ્થા ‘નવજીવન’ની મુલાકાત લેવી. ત્યાં દાખલ થતાં રિસેપ્શન પર મુકાયેલા રજિસ્ટરમાં પાનાની વચ્ચોવચ મોટા અક્ષરે વાંચવા મળશેઃ ‘જય માતાજી બુધવાર’ અને નીચે મુલાકાતીઓની યાદી!

પછી આગળપાછળનાં પાનાં ફેરવીને જોશો તો પણ દરેક વારની આગળ જય માતાજીનું લટકણિયું એવી રીતે લગાડેલું જોવા મળશે કે જાણે વારનું આખું નામ ‘જય માતાજી મંગળવાર’ કે ‘જય માતાજી ગુરૂવાર’ હોય.

રિસેપ્શનિસ્ટ ભાઇની માતાજી પ્રત્યેની શ્રદ્ધા તેમનો અંગત મામલો છે. એ વિશે આપણે કંઇ કહેવાનું ન હોય. પણ જાહેર સ્થળે અને એ પણ ‘નવજીવન’ જેવા સ્થળે, પોતાના ટેબલના કાચ નીચે નહીં, પણ મુલાકાતીઓના રજિસ્ટરમાં તે આવી રીતે માઇભક્તિ પ્રદર્શીત કરે- અને બેરોકટોક કરતા જ રહે, એ ખટકે એવું છે.

***

થોડા સમય પહેલાં ગુજરાત સરકારે એસટીના ડ્રાઇવરોને બસમાંથી ધાર્મિક સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો હતો. એમાં મને આત્યંતિકતા લાગી. ડ્રાયવરને પોતાની શ્રદ્ધા પ્રમાણેનો કોઇ ફોટો કે મંત્ર નજર સામે રાખવાથી સારૂં લાગતું હોય તો એ ઇચ્છનીય ન હોવા છતાં, એમાં વાંધો ન હોવો જોઇએ.

ખરો વાંધો પોલીસ સ્ટેશનમાં લાગતા ફોટા અને હારતોરાનો છે. પોલીસ સ્ટેશન એ સામાન્ય ઓફિસ નથી અને પોલીસ સામાન્ય કારકુન નથી. ત્યાં તટસ્થતા હોવી જ નહીં, દેખાવી પણ જોઇએ. એને બદલે મણિનગર સ્ટેશનને અડીને આવેલા પોલિસ સ્ટેશનનું નામ જ મુક્તજીવન પોલીસ ચોકી છે! ન કરે સ્વામીનારાયણ ને કોઇક દિવસ મંદિરમાં ડખો થાય (જેની સ્વામીનારાયણમાં નવાઇ નથી) અને આ જ પોલીસચોકીમાં મામલો આવે તો?

મંટોની એક લધુકથા હતી, જેમાં સર ગંગારામના પૂતળા પર ચપ્પલનો હાર પહેરાવનાર પોલીસના લાઠીચાર્જમાં ઘવાય છે ને તેને સારવાર માટે સર ગંગારામ હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. મંટો ‘નવજીવન’નું રજિસ્ટર વાંચે તો કેવી લધુકથા લખે?

6 comments:

  1. ઉત્પલ ભટ્ટ10:11:00 PM

    'નવજીવન'નું રજીસ્ટર વાંચે તો મંટો કેવી લઘુકથા લખે તે થોડું અભ્યાસ માગી લેતું કાર્ય છે પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે એ રજીસ્ટરની પ્રગાઢ અસરમાં આવીને મંટો લઘુકથાની શરૂઆત 'જય માતાજી' લખીને કરે!!!

    ReplyDelete
  2. Ha ha ha ha.. "Thank God" for its only his miracle that we are not blessed with a board there that reads, "Hindu Raashtra na Navjivan Press ma aapnu swaagat chhe" !!!

    ReplyDelete
  3. aaje amdavadthi vdodara avata Baroda Collectorni sarkari gadi joi teni paachalna kach par lakhelun hatun "ram"

    ReplyDelete
  4. ગુજરાત પોલીસનો ભક્તિભાવ ફોટા અને હારતોરા સુધી જ સીમિત નથી. ગુજરાતની હોનહાર પોલીસે તો પોલીસ સ્ટેશનના પટાંગણોમાં આખા ને આખા મંદિરો જ ઊભાં કરી દીધાં છે. રોજ સવાર-સાંજની આરતીથી ગુજરાતનાં ઘણાં પોલીસ સ્ટેશનો ગુંજી ઊઠે છે. પોલીસ સ્ટેશનમાં ફરતી આરતીની થાળી અને આરતીની થાળીમાં સળગતો દીવો અને એ દીવાની જ્યોત પર હાથ ફેરવીને, પછી માથે હાથ ફેરવતાં પોલીસ કર્મચારીઓને જોઈને આપણને થાય કે ગુનેગારોના સામે લડવાની શક્તિ આમને આમાંથી મળતી હશે! હશે?

    કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની પોલીસે બંધાવેલું અને પોલીસ સ્ટેશનની પડખે આવેલું હનુમાનજી-રામજી-શિવજી મંદિર કલોલના મોટા ગણાતાં મંદિરોમાંનું એક છે. વાત કંઈક એવી બનેલી કે હાઈવે પર પોલીસ સ્ટેશનની સામે જ અકસ્માતમાં એક વાંદરું મરી ગયું. શરૂઆતમાં ત્યાં રોડની બાજુમાં એક નાનકડી હનુમાનજીની દેરી બની. ત્યારબાદ જોતજોતામાં તો પોલીસે પોલીસ સ્ટેશનના દરવાજાની બિલકુલ સામે મોટું હનુમાનજીનું મંદિર બનાવી દીધું. પરંતુ તેને પણ અકસ્માત નડ્યો. હાઈવે ફોરલેઈન થતાં દબાણમાં તે મંદિર પોલીસે ખોવું પડ્યું. છતાં પણ પોલીસ હારી નહીં. તેણે બેવડી તાકાત અજમાવી. માત્ર મંદિર જ નહીં, ત્રિમૂર્તિ પધરાવીને મોટું ત્રિમંદિર બનાવી નાખ્યું. મૂર્તિઓમાં પ્રાણ ફૂંક્યો ત્યારે પોલીસે ખૂબ મોટો જમણવાર પણ રાખેલો. આ જમણવારનો લાભાર્થી હું પણ ખરો! પોલીસનો આ ભક્તિભાવ રંગ પકડશે તો આ મંદિર છે કે પોલીસ સ્ટેશન તેનો ભેદ નહીં રહે! અથવા તો મંદિરમાં જ પોલીસ સ્ટેશન કે પોલીસ ચોકીઓ હશે! અને મંદિરમાં તો એ...ય.. બધું ભગવાન ભરોસે....તટસ્થતા વળી વચ્ચે ક્યાંથી આવે. પોલીસે પણ શું રચનાત્મક કાર્યક્રમ અમલમાં મૂકયો છે.
    કિરીટ પરમાર
    http://kikasakari.blogspot.com/

    ReplyDelete
  5. i am not at all surprised at the religiosity of the police and petty bureaucrats

    when i find chief election commissioner with a big tilak on his forehead,

    isro scientists organising havan for the success of the chandrayan,

    and jaipur high court judiciary campus proclaiming the ' manuraj ' ...


    neerav patel
    july 18, 2009

    ReplyDelete
  6. (જેની સ્વામીનારાયણમાં નવાઇ નથી) Vakya jara khatakyu (mari lagni nathi dubhai :D ane dubhai hoy to eni pan tamne navai naa j hoy).

    Pan aapno opinion jara biased nathi lagto?

    ReplyDelete