Friday, July 10, 2009

એક અનોખું પ્રવાસવર્ણન

પ્રવાસવર્ણન એટલે? કોઇ સાહિત્યકારને આવો સવાલ પૂછવામાં આવે તો ભાવવાચક અને દાર્શનિક સંજ્ઞાઓનો ખડકલો થઇ જશેઃ વિષમતા, રોમાંચ, પરાક્રમ, જિજ્ઞાસા, થાક, ઉત્સાહ, જાત સાથે સંવાદની તક, સ્વ-દેશપ્રીતિ, જીવનને જોવાની નવી દૃષ્ટિ, આઘ્યાત્મિક અનુભવ, વિશ્વની અખિલાઇનું દર્શન...

આ બધાં તત્ત્વો ઉત્તમ પ્રવાસવર્ણન માટે આવશ્યક ગણાય છે, પણ શાણા વાચકો એક વાત બરાબર સમજે છેઃ પ્રવાસ અને પ્રવાસવર્ણન બે જુદી બાબતો છે. પ્રવાસમાં કોઇ યજમાને આઇસક્રીમમાં કોલા નાખીને પીવડાવ્યું/ખવડાવ્યું હોય તો પ્રવાસવર્ણનમાં તે ‘જીવનને જોવાની નવી દૃષ્ટિ’ તરીકે સ્થાન પામી શકે. એવી જ રીતે, પ્રવાસ દરમિયાન પેરિસમાં એફિલ ટાવર નીચે બેસીને ઘરનાં બનાવેલાં થેપલાં સાથે તડકાછાંયડાનો છુંદો ખાવો તે પ્રવાસવર્ણનમાં ‘આઘ્યાત્મિક અનુભવ’ બની શકે છે.

પંજાબી સબ્જીની પેઠે ઘણાંખરાં પ્રવાસવર્ણનોમાં નામ જુદાં અને ફેન્સી, પણ અંદરની ‘ગ્રેવી’ સરખી હોય છેઃ યજમાનની હૂંફ, અજાણ્યા ટેક્સીવાળાનો મૈત્રીપૂર્ણ વ્યવહાર, પરદેશની સ્વચ્છતા, પ્રજાની શિસ્ત, ઇતિહાસ-ભૂગોળના ઉતારા, પ્રાકૃતિક સૌંદર્યનાં ફિલ્મી વર્ણનો...આ બધાની વાંચનાર પર એવી પ્રચંડ અસર થાય છે કે...

...એને બઘું છોડીને પ્રવાસે નીકળી પડવાની તાલાવેલી જાગે છે?

ના! વાચક વિચારે છે, ‘ફરવા તો જતાં જવાશે. સૌથી પહેલાં એકાદું પ્રવાસવર્ણન ફટકારી દઊં. આવું લખતાં તો મને પણ આવડે.’

સરેરાશ પ્રવાસવર્ણનો વાંચ્યા પછી થાય કે આવું લખવા માટે પરદેશ જવાની ક્યાં જરૂર છે? આવું ‘સાહિત્યિક-સાહિત્યિક’ વર્ણન તો ઘરમાં બેસીને - બલ્કે, ઘરના એક રૂમમાંથી બીજા રૂમમાં કરવા પડતા પ્રવાસ વિશે - લખી શકાય. એક નમૂનોઃ

***

અનંતમાં એકાકાર ધરતીનો છેડો

માનવનું જીવન એક અનંત, અવર્ણનીય, અલૌકિક (બીજાં થોડાં ‘અ’વાળાં વિશેષણો) પ્રવાસ છે. રક્ત રગોમાં પ્રવાસ કરે છે, શબ્દો હવામાં (માથા પરથી?) પ્રવાસ કરે છે, લાગણી બે હૃદયો વચ્ચે પ્રવાસ કરે છે...આ કોઇને પ્રવાસ કરવા માટે રૂપિયા ખર્ચવાની જરૂર પડતી નથી. મેં પણ નક્કી કર્યું કે પ્રકૃતિનો નિકટતમ અનુભવ કરવા માટે મારે બહારનો નહીં, અંદરનો પ્રવાસ કરવો. (અંદર, ભીતર, કંઇક, કશુંક...એવા શબ્દોથી લખનાર વિચારક હોવાની આભા ઉભી થશે.)

વહેલા પરોઢિયે સૂર્યનાં કિરણોએ મીઠી શૂળો ભોંકીને મને જગાડ્યો. ઘડીભર મને લાગ્યું કે હું ગલિવર છું ને વેંતિયાઓ મને ટાંકણીથી જગાડે છે. હમણાં થપાટ મારીશ ને વેંતિયા ગબડી પડશે. પણ બે-ચાર થપાટ માર્યા પછી મને પરિસ્થિતિની ગંભીરતા સમજાઇ. વાસ્તવિકતાનું ભાન થયું. જાગીને જોઊં તો વેંતિયા દીસે નહીં. આજુબાજુ ઉભેલાં બહુમાળી મકાનોની વચ્ચે હું જ વેંતિયા જેવો લાગતો હતો. (આમ કહીને નગરસંસ્કૃતિ અને શહેરીકરણ પર જે આવડતું હોય/વાંચ્યું હોય તે ફટકારી દેવું. તેનાથી વર્ણનમાં સમાજશાસ્ત્રનો રંગ ભળશે.)

પથારીમાં પડ્યાં પડ્યાં પહેલાં આંખો ને પછી કાન ખોલ્યા. પંખીઓનો કલરવ ક્યાંય સંભળાતો ન હતો. કોયલો ગાતી ન હતી. પપીહા બોલતા ન હતા. ચકલી-કબૂતર-દૈયડ-મેના-કલકલિયો-સુગરી-ટીટોડી...કયા કયા પક્ષીઓનો અવાજ ન સાંભળવા મળ્યો, તેની વઘુ વિગતો લખીને પ્રકૃતિપ્રેમી દેખાવા માટે પક્ષીજગતનું એકાદ પુસ્તક મેળવી લેવું.) પણ હું હિંમત હારૂં એવો નથી. પ્રવાસમાં- ખાસ કરીને પ્રવાસવર્ણન લખવામાં- કદી હિંમત હારવી નહીં.

ઉઠીને મોં ધોવા નળ ખોલ્યો અને અફાટ જળરાશિ કલકલનીનાદ કરતો વહી નીકળ્યો. શિવજીની જટામાંથી પૃથ્વી પર ધસમસતી ગંગાની પેઠે નળમાંથી પાણી ગર્જન-નર્તન-દોલન કરતું ચાલ્યું. મને નાયગ્રા ફોલ્સ/ગેરસપ્પાનો ધોધ/ઝાંઝરીનો ધોધ યાદ આવી ગયો. શી એની ભવ્યતા! શો એનો ઉછાળ! આ વિશે વઘુ વિચારી શકું, એ પહેલાં અંદરથી અવાજ સંભળાયો,‘નળ બંધ કરો. પાણી મફતનું નથી આવતું! મોટરથી ચડાવવું પડે છે. આમ ચકલીઓ ચાલુ રાખીને વેડફી મારવાનું નથી.’

હાથ-મોં ધોઇને, બ્રશ કરીને હું ચા પીવા રસોડામાં ગયો. પૌર્વાત્ય સંસ્કૃતિમાં રસોડાને યજ્ઞશાળા જેવી પવિત્ર જગ્યા ગણવામાં આવે છે. વૈદિક કાળમાં જે રીતે હોમહવન-યજ્ઞયાગ થતા હતા, તેને બદલે કલિકાળમાં ગેસની સગડીઓ કે લાકડા-કોલસા-છાણાંના ચૂલામાંથી પવિત્ર અગ્નિ પ્રગટે છે. યજ્ઞો અને હવન વિવિધ દૈવી-આસુરી-પ્રાકૃતિક (સામાજિક-અસામાજિક) તત્ત્વોને શાંત રાખવા માટે થતાં હતાં. રસોડામાં થતા યજ્ઞો સર્વ દુઃખના મૂળ જેવી પેટની ભૂખનું શમન કરવા થાય છે. યજ્ઞની તો હજુ વાર હતી, પણ મુખ્ય યજ્ઞ પહેલાં પેટાવાતાં કેટલાંક છાણાંની જેમ, મુખ્ય ભોજન પહેલાં ચા-નાસ્તાનો રિવાજ પ્રચલિત છે. યજમાન દેશની પરંપરાને માન આપતા શીખવું એ વિશ્વપ્રવાસીનું કર્તવ્ય છે. મેં પણ પરંપરા આગળ વધારતાં ચા પીધી. કોઇની પરંપરાનું આંધળું અનુકરણ ન કરવું એ વિચારવંત મનુષ્યનું લક્ષણ છે. એટલે એક કપ ચા પીવાની પરંપરા ચાતરીને મેં બે કપ ચા પીધી.

ચા પીધા પછી મગજ ચેતનવંતું થતાં યાદ આવ્યું કે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સંસ્કારોના આક્રમણ પહેલાં, સ્નાન કર્યા વિના લોકો અન્નનો દાણો પણ મોંમાં મૂકતા ન હતા. ચા-નાસ્તો અન્ન કહેવાય કે નહીં, એ વિશે ગાંધીજીને ટાંકવા કે શ્રી શ્રી રવિશંકરને એની અવઢવ સાથે સ્નાન કર્યું. (ગાંધીના નામનું કે શ્રી શ્રીના નામનું? ખબર નથી!)

તૈયાર થઇને મુખ્ય રૂમમાં ગયો ત્યારે સૂરજ માથે આવવાની તૈયારીમાં હતો. બપોરના સૂરજનું સૌંદર્ય રસોડામાં જુદું ને દીવાનખંડમાં જુદું, બાથરૂમમાં અલગ ને બાલ્કનીમાં અલગ હોય છે. ક્યાંક એ માથે ચડેલો (ચડાવેલો) લાગે, તો ક્યાંક એ માથે પડેલો! સૂર્યનમસ્કાર કરવાનો સમય વહેલી પરોઢનો. સૂરજ માથે આવ્યા પછી તો તેને દૂરથી જ (નવ ગજના) નમસ્કાર કરવા પડે.

બપોરના ભોજન માટે બૂમ પડી. પ્રવાસમાં દિવસ દરમિયાન હળવું ભોજન લેવું જોઇએ. મોટા ભાગનાં દંપતિઓને સાથે જમવાની તક પ્રવાસમાં જ મળે છે. ઘરમાં તો પતિ જમવા બેસે ત્યારે પત્ની ઉચ્ચક જીવે ઘડીમાં કચુંબર તો ઘડીમાં મસાલો, ઘડીમાં પાપડ તો ઘડીમાં પાણીની સેવાઓ કરતી રહે છે. પ્રવાસમાં તેને તૈયાર ભાણે જમવાનું મળે છે.

જમવાનું પીરસાયું ને પહેલો જ કોળીયો મોંમાં મૂક્યો, ત્યાં જ ગૃહલક્ષ્મીએ કલાપીની ‘ગ્રામ્યમાતા’ના ‘નહીં તો ના બને આવું’ અંદાજમાં ઉલટતપાસ લેતાં કહ્યું,‘આજ સુધી કદી મારી દાળ દુણાઇ નથી, ભાત ચોંટ્યા નથી, રોટલી બળી નથી, ભજિયાં કાચાં રહ્યાં નથી...અને આજે આ બઘું જ થયું. આવું કેમ? સાચું કહેજો, તમારા મનમાં આજે શું ચાલે છે?’ ‘આજના દિવસે ઘરમાં કરેલા પ્રવાસ વિશે હું પ્રવાસવર્ણન લખવાનો છું. ભોજન વિશે પણ.’ ‘જોયું? હું નહોતી કહેતી? કારણ જડી ગયું ને! તમારા મનમાં આવા વિચારો ચાલતા હોય પછી ભોજનમાં ક્યાંથી ભલીવાર આવે?’

***

આટલા નમૂના પરથી ઉત્સાહી લેખકો પોતપોતાની રીતે રોજિંદા જીવનનાં ભવ્ય, સાહિત્યિક, ઉદ્દાત મૂલ્યો ધરાવતાં પ્રવાસવર્ણન લખીને સાહિત્યજગતમાં નામના મેળવી શકે છે.

5 comments:

  1. મઝા આવી ગઈ ઉર્વીશભાઈ. ઝીંકાઝીંક થતા પ્રવાસવર્ણનો પરની કટાક્ષિકા ગમી. મોટાભાગના પ્રવાસ વર્ણનોમાં આવું જ ચાલે છે. મને લાગે છે કાકા કાલેલકરની દિવ્ય/ભવ્ય ફોર્મ્યુલા બધાને બહુ ફાવી ગઈ છે...

    જોકે મને કાકા કાલેલકર ઉપરાંત ભોળાભાઈ પટેલ પ્રીતિ સેનગુપ્તા અમૃતલાલ વેગડ અને ભાણદેવના પ્રવાસ વર્ણનો બહુ ગમે છે. નાનપણમાં શ્રી મહેન્દ્ર મેઘાણીએ કરેલો કોંનટિકિનો અનુવાદ પ્રિય હતો.

    તમારી નજરે વાંચવા જેવા પ્રવાસવર્ણનના પુસ્તકોનો પરિચય કરાવશો તો ગમશે.

    ReplyDelete
  2. Urvish, the satire theme is good but content....?????? not upto your grade!

    ReplyDelete
  3. Anonymous5:18:00 AM

    શાહબુદ્દીન રાઠોડે પણ આ પ્રકારના વર્ણનની વાત કરી હતી તે યાદ આવી ગઇ..

    ReplyDelete
  4. hihihi!!!goto vali gayo...

    ReplyDelete