Monday, July 06, 2009

પહેલા વરસાદનો છાંટો

સદીઓથી કવિઓ-લેખકોને વરસાદ સદી ગયો છે. ‘અરે? તમે હજુ સુધી વરસાદ/મેઘ/અષાઢ/ વિશે કંઇ લખ્યું નથી? તમે કેવા કવિ/લેખક છો?’ એવો ઠપકો સાંભળવાનો ન આવે, તે પહેલાં ઘણાખરા આ વિષય પર પોતાને આવડે એવું લખી કાઢે છે - ખરેખર તો, પેલું મહેણું ટાળે છે.

સ્થાપિત (હિત) થવા માટે વરસાદ વિશે લખવું પૂરતું નથી. તેનાથી ધરતી પર અને લોકોના મનમાં કેવી હરિયાળી છવાઇ જાય છે, પ્રેમી હૈયાં કેવાં ઝૂમી ઉઠે છે અથવા વિરહી હૈયાં માટે પાણીનો વરસાદ કેવી રીતે ‘એસિડ-રેઇન’ બનીને તેમને દાહ આપે છે, એવું બઘું જ લખવું પડે. ‘મુખ્ય ધારા’માં સામેલ થયાની અનુભૂતિ તો જ આવે.
આ બધી ચિંતા રાખ્યા વિના, પહેલા વરસાદના છાંટાનું કે ચોમાસાના આગમનનું યથાર્થ વર્ણન કેવું હોઇ શકે?
***
આ સીઝનમાં વરસાદનો પહેલો છાંટો પડ્યો ત્યારે ધરતીની સુગંધ માણવાનું કે હીરોઇનની માફક માથું આકાશ ભણી ઊંચું કરીને, બંધ આંખો- ચહેરા પર સ્મિત અને પહોળા કરેલા બે હાથે ગોળ ગોળ ફરવાનો ટાઇમ ન હતો. કારણ કે રાતનો સમય હતો અને અમે અગાસીમાં સૂતાં હતાં. છાંટા પડ્યા ત્યારે એવું લાગ્યું જાણે રીમાન્ડ લેતો પોલીસ આરોપીના ઊંઘરેટા ચહેરા પર પાણીનું ડબલું છાંટીને એને જગાડતો હોય. વરસાદ પોલીસ હોય કે ન હોય, અમે આરોપી ન હતા. અમારો એકમાત્ર ગુનો રાત્રે તારાની હાજરી તપાસ્યા પછી નિશ્ચિંત થઇને અગાસીમાં સુઇ જવાનો હતો. અમારા જેવા ઘણા ગુનેગાર હશે, જે ઘરમાં-અગાસીમાં કે ફૂટપાથ પર ખુલ્લામાં સૂતાં હશે. એ બધાંને, કાવ્યનાયિકાના શબ્દો વાપરીને કહીએ તો ‘મૂઆ વરસાદે’ જગાડ્યાં હશે.

ભારતીય નાગરિકો કાયમ જે અવસ્થામાં હોય છે એવી તંદ્રાવસ્થામાં, જાગવું એ જ અત્યાચાર હોય તો એ સ્થિતિમાં ગાદલાં ઊંચકીને અંદર કે નીચે લઇ જવાનું કામ કેવું ત્રાસદાયક લાગે? ઉપરથી વરસાદની ઝડીની ચાબુક જાણે ‘ચલ, ઉપાડ ગાદલું! ઉપાડ જલ્દી! નહીં તો સટાક્!’ એવા ડારા દેતી લાગે. ફિલ્મી હીરોને જેમ પોતાના જીવ કરતાં વિલનના હાથે સપડાયેલી પોતાની માતાની ચિંતા વધારે સતાવતી હોય, એમ અડધીપડધી ઊંઘરેટી અવસ્થામાં, જાતે પલળી જવાશે એના કરતાં ‘ગાદલાં પલળી જશે’ની શક્યતાથી મન વધારે ત્રસ્ત હોય...આ બઘું પહેલા વરસાદના છાંટાનો મહિમા ગાનારા કદી લખતા નથી.

અડધી રાત્રે અગાસીની ઠંડક છોડીને ઘરના બફારામાં જતી વખતે ‘બાબુલ મોરા નૈહર છૂટો જાય’ જેવી મનોદશા અનુભવાતી હોય, એવાં હૃદયમાંથી વરસાદ-મહીમાનાં રૂડાં ગાણાં કેમ કરીને નીકળે? ભલું હોય તો, પ્રી-મોન્સૂન મેઇનટેનન્સ થયું હોવાને કારણે (હા, થયું હોવાને કારણે જ) પહેલો વરસાદ પડે ને લાઇટ જતી રહે, તો ફિલ્મી સીન સર્જાય છેઃ ધાબા પર રાતનું અંધારૂં, ચાંદ-તારા પણ વરસાદથી બચવા પોતપોતાનાં ઓશિકાં-ગાદલાં લઇને ક્યાંક ધૂસી ગયા હોય તેમ, કેવળ કાળું ડિબાંગ આકાશ, વરસાદની ઝરમર, વીજળીના કડાકાભડાકા અને તેના ચમકારમાં દેખાતી કેટલીક આકૃતિઓ, જે રાજાના કોપથી બચવા રાત માથે લઇને ઉચાળા ભરતા કોઇ કુટુંબ સમી ભાસતી હોય. બસ, ખોટ હોય તો કોઇ શ્યામ બેનેગલની, જે આ બઘું તાદૃશ ઝીલી શકે.

કેટલાક રીઢા (ધીરજવાન) જીવો વરસાદના થોડા છાંટા પડે ત્યાં સુધી સળવળતા જ નથી. જોનારને શંકા જાય કે આ લોકો ‘વરસાદ જેને પલાળી શકતો નથી...’ એ કેટેગરીમાં તો નથી પહોંચી ગયા ને? કે પછી પ્લાસ્ટિક ઓઢીને સૂતા છે? એક વાર જાગ્યા પછી પણ તેમના ધૈર્યનો ભંડાર વરસાદના છાંટાથી પલળીને હવાઇ જતો નથી. ‘આ તો છાંટા છે! જુઓને, આકાશમાં ક્યાં કશું દેખાય છે? અને આજે સાંજે મેં હવામાનનો નકશો જોયો હતો. એમાં કશું દેખાતું ન હતું. સૂઇ જાવ! સૂઇ જાવ! આ તો વાળ કપાવા જઇએ ત્યારે શીશીમાંથી છંટાતા પાણી જેવી ઝરમર છે. હમણાં બંધ થઇ જશે.’

વરસાદની તીવ્રતા વિશે શાસ્ત્રાર્થમાં રસ લેવાને બદલે ગાદલુ ઊંચકવાના શુદ્ર કાર્યમાં પ્રવૃત્ત થયેલા લોકોને જોઇને ધૈર્યવાન જણ વિચારે છે, ‘આ લોકો મારા જ્ઞાનને લાયક નથી. એ મજૂરી કરે એ જ દાવનાં છે.’ પણ વધારે સમય સુધી વરસાદ ચાલુ રહે એટલે ‘આપણું તો એવું! ગમે તે સ્થિતિમાં રાજી!’ એવી મુદ્રા ધારણ કરીને જ્ઞાની જણ ગાદલું ઊંચકે છે અને ઘરની અંદર પ્રયાણ કરે છે. ત્યાં પંખા નીચેની બધી જગ્યાઓ રોકાયેલી હોવાથી છેવટે તેમને ‘ગમે તે સ્થિતિમાં રાજી’ રહેવાનો વારો આવે છે. ફૂટપાથ પર કે ઝૂંપડાંમાં સુનારા માટે જ્ઞાનનું હોવું ને ન હોવું સરખું છે. તેમને જ્ઞાન કરતાં વધારે ઝૂંપડી પર નાખી શકાય એવા છાપરાની જરૂર હોય છે.

પહેલો વરસાદ રાતને બદલે દિવસે પડે તો? રાતના અંધારામાં અને અર્ધજાગ્રત અવસ્થામાં વિસારે પડેલી પુરૂષપ્રધાન વ્યવસ્થાઓ દિવસે તેના અસલી સ્વરૂપે બહાર આવે છે. રાત્રે ઊંઘમાં પથારીઓ સંકેલતી વખતે કે ગાદલાં વાળતી વખતે ‘પતિપરમેશ્વર’ પાસે છાપું વાંચવા કે ટીવી જોવા જેવાં મહત્ત્વનાં કામ હોતાં નથી. અડધી રાત્રે વરસાદ પડે ત્યારે, આખો દહાડો માતા કે પત્નીની સેવાઓ લેતા પુરૂષોને ભાન થાય છે કે આખરે સૌએ પોતાનો ક્રોસ- અને પોતાનું ગાદલું- જાતે જ ઉપાડવાં પડે છે.

ફિલ્મોમાં ડાકુઓના આગમનથી ગામમાં જેવી ભાગદોડ મચી જાય, એવા સીન દિવસે વરસાદના આગમનથી સર્જાય છે. કોઇ પોતાનાં સુકવેલાં કપડાં લેવા દોડે છે, તો કોઇને તડકે સુકવવા મૂકેલા પૌંવાની ચિંતા થાય છે. સરકારી મેનેજમેન્ટની ટીકા કરનારા મોટા ભાગના માણસો પહેલો વરસાદ આવે ત્યારે પોતાના ઘરમાં ઊંઘતા ઝડપાય છે. તેમની ચીજવસ્તુઓ એવી જગ્યાએ પડેલી હોય છે કે વરસાદ આવે તો તેને વાછંટથી બચાવીને સલામત સ્થળે મૂકવા દોડાદોડ- બૂમાબૂમ કરી મૂકવી પડે. અનેક વાર વાદળ ઘેરાવા છતાં, જ્યાં લગી પહેલો વરસાદ ન આવે અને દોડાદોડ ન કરાવે ત્યાં સુધી એ લોકો પોતાની ચીજવસ્તુઓને ઠેકાણે મૂકતા નથી. વરસાદના આગમનનું આગોતરૂં આયોજન તો બાજુ પર રહ્યું, સરેરાશ પ્રારબ્ધવાદીઓ એવું માનવા લાગે છે કે જ્યાં સુધી મારી ચીજવસ્તુઓ ખુલ્લી પડી છે ત્યાં લગી વરસાદ નહીં આવે.

પહેલો વરસાદ આવે એટલે પરણીને થાળે પડી ચૂકેલા યક્ષોને કવિતા નહીં, પણ ભજિયાં સાંભરે છે. વાદળાં ચડી આવે, પત્ની પિયર હોય, ઘરમાં બીજું કોઇ સ્ત્રીપાત્ર ન હોય અને પોતાને કશું બનાવતાં આવડતું ન હોય, એવી સ્થિતિમાં આઘુનિક યક્ષો મેઘને સંદેશરૂપે કહી શકે છે,‘હે મેઘ, હું જોઊં છું કે તારી દિશા મણીનગર ભણીની છે ને મારી પત્ની એસ.જી.હાઇવે પર રહે છે. ચિંતા ન કરીશ. હું તને હાઇવે તરફ નહીં મોકલું. તું તારે મનની મરજી પ્રમાણે મણીનગર ભણી જા. પણ રસ્તામાં આવતા રાયપુર ભજિયાં હાઉસમાં એક પાંચસો ગ્રામ ભજિયાં મને મોકલવાનું તું કહેતો જઇશ, બંઘુ મેઘ? અને હા, એ રસ્તે કાંકરિયાની વિરાટ જળરાશિ જોઇને રખે તું એ ભણી ખેંચાતો. ગજરાજ સમી આકૃતિ અને એવી જ મદભરી ચાલ ધરાવતા હે મેઘ, કાંકરિયામાં પ્રવેશ માટે રૂ.દસની પ્રવેશપત્રિકા ખરીદવા કરતાં, સેન્ટ્રલ જેલના પ્રવેશદ્વાર સમા દીસતા કાંકરિયાના દરવાજાની બહાર જ તું વરસી જજે. એમાં જ તારૂં ગૌરવ છે.’

8 comments:

  1. (how about this song from the 1952 classic musical"singin' in the rain"?)

    I'm singing in the rain
    Just singing in the rain
    What a glorious feelin'
    I'm happy again
    I'm laughing at clouds
    So dark up above
    The sun's in my heart
    And I'm ready for love
    Let the stormy clouds chase
    Everyone from the place
    Come on with the rain
    I've a smile on my face
    I walk down the lane
    With a happy refrain
    Just singin',
    Singin' in the rain

    Dancin' in the rain
    Dee-ah dee-ah dee-ah
    Dee-ah dee-ah dee-ah
    I'm happy again!
    I'm singin' and dancin' in the rain!

    I'm dancin' and singin' in the rain...
    [ADDITIONAL VERSE]
    Why am I smiling
    And why do I sing?
    Why does September
    Seem sunny as spring?
    Why do I get up
    Each morning and start?
    Happy and head up
    With joy in my heart
    Why is each new task
    A trifle to do?
    Because I am living
    A life full of you.

    ReplyDelete
  2. વાસ્તવદર્શન....ગમ્યું.

    ReplyDelete
  3. What is the use of journalism, if it is not topical? Even if one ignores to refer the almanac, the journo will dutifully sing the song of the season and remind us to join in offering our own blues or greetings of the season.

    While hurriedly collecting my sleeping sheets on our terrace, only last night I realized I had to lend my voice to Urvish’s solo and lo, today morning I find that our duet could well be a chorus of monsoon blues! I am tempted to quote in support a few amusing lines of another journo - Aditya Gupta from today’s Times (edit page) :

    ‘I ‘ve discovered that rains follow me like Mary’s little lamb, especially when wearing a new outfit or leather shoes. My mystical connection with the clouds has spurred me to think of unconventional job avenues. I could go to the Sahara desert and the clouds would lovingly follow me. I would probably be crowned the ‘Monsoon Messiah’.

    What shall we call this common predicament of the journos, to write a copy as per the season – wet or dry, with humour or without wit or vice versa ?

    Neerav Patel
    July 09, 2009

    ReplyDelete
  4. kothari saheb ek kavita me pan lakhi che varsad na nam ni....tippani karava vinanti

    સંવેદનાઓનું બાષ્પીભવન થયું
    અને તરત જ આંખમાં આંસુંઓના વાદળો બંધાઈ ગયા,
    હવામાન ખાતા એ જાહેર કર્યું કે,
    "વાતાવરણ ખુશનુમા છે,
    જલ્દીથી નજીક ની લારી પર તમારા દાળવડા બૂક કરાવી દો "
    કવિઓ અને કલાકારોએ લોકોને વરસાદ માણવાની અપીલ
    રેનકોટ પહેરી છત્રી ઓઢીને કરી,
    અમેરિકન્ મકાઈ શેકવા તૈયાર,
    શેકાતી મકાઈ ના દાણા કરતા વધારે ઉત્કટ રીતે પ્રેમીઓ ફૂટી નીકળ્યા,
    રસ્તાઓ પર,
    બાષ્પીભવન ના થયું હોઈ એવી લાગણીઓના ઘોડાપુર લઈને
    ....
    માટીની મહેક અને પ્રેમિકાની યાદોની માંને કુતરા પૈણે !
    વરસાદ નહિ પડે તો મારા વાવેલા દાણાનું શું ?
    ચુકાવાવના નાણાનું શું ?
    હવે છાંટા નહિ પડે તો,
    ખેતરમાં છાંટવાની દવા પીવી પડશે એનું શું ?
    કવિના છંદ કરતા વધારે લયબદ્ધ ખેતરના ચાસ
    રાહ જુવે છે તારી
    મેઘદૂત નો વિરહ તો કઈ નથી આની સામે
    મેહુલિયા....

    ReplyDelete
  5. Ashish, very good attempt for the monsoon song

    ReplyDelete
  6. i don't know why i had skipped raj's song. thank you Envy for your comment and here i revisit and enjoy both the blogger and the commentator.

    indeed i liked the song very much, including the ADDITIONAL VERSE :

    WHY I AM LIVING
    AND WHY DO I SING
    ...
    ...

    BECAUSE I AM LIVING
    A LIFE FULL OF YOU.

    one must thank urvish for inspiring such soulful participations.

    neerav patel
    july 13, 2009

    ReplyDelete
  7. ‘મૂઆ વરસાદે’ જગાડ્યાં...
    ઉપાડ જલ્દી! નહીં તો સટાક્!...
    આ તો વાળ કપાવા જઇએ ત્યારે શીશીમાંથી છંટાતા પાણી જેવી ઝરમર છે...
    આ લોકો મારા જ્ઞાનને લાયક નથી. એ મજૂરી કરે એ જ દાવનાં છે...
    આખરે સૌએ પોતાનો ક્રોસ- અને પોતાનું ગાદલું- જાતે જ ઉપાડવાં પડે છે...
    સરેરાશ પ્રારબ્ધવાદીઓ એવું માનવા લાગે છે કે જ્યાં સુધી મારી ચીજવસ્તુઓ ખુલ્લી પડી છે ત્યાં લગી વરસાદ નહીં આવે...
    પણ રસ્તામાં આવતા રાયપુર ભજિયાં હાઉસમાં એક પાંચસો ગ્રામ ભજિયાં મને મોકલવાનું તું કહેતો જઇશ, બંઘુ મેઘ? અને હા, એ રસ્તે કાંકરિયાની વિરાટ જળરાશિ જોઇને રખે તું એ ભણી ખેંચાતો. ગજરાજ સમી આકૃતિ અને એવી જ મદભરી ચાલ ધરાવતા હે મેઘ, કાંકરિયામાં પ્રવેશ માટે રૂ.દસની પ્રવેશપત્રિકા ખરીદવા કરતાં, સેન્ટ્રલ જેલના પ્રવેશદ્વાર સમા દીસતા કાંકરિયાના દરવાજાની બહાર જ તું વરસી જજે...
    hihihi!!! tame to devaavaali kari...varsaadni jem varshya...
    hihihi!!!

    ReplyDelete
  8. Anonymous1:04:00 PM

    Hi,

    Thank You Very Much for sharing this effective creation about "Rain" here.

    Sasan Gir | Kesar Keri | Kesar Mango

    ReplyDelete