Thursday, July 30, 2009

બે વિદૂષીઓની વિદાય


મંજુબહેન ઝવેરી

નીરાબહેન દેસાઇ
ઇન્ફર્મેશન ટેકનોલોજીની કઠણાઇ કહો તો કઠણાઇ અને કમાલ કહો તો કમાલ એ છે કે મુંબઇમાં ૮૮ વર્ષનાં મંજુબહેન ઝવેરીનું ૨૮ જુલાઇ, ૨૦૦૯ના રોજ અવસાન થાય તેના ખબર લંડનથી વડીલ મિત્ર વિપુલ કલ્યાણીનો ઇ-મેઇલ આવે અને મિત્ર દિવ્યેશ વ્યાસનો ફોન આવે ત્યારે છેક ૨૯મીની સાંજે અમદાવાદમાં જાણવા મળે છે.
મંજુબહેન ઝવેરી - હિંમતભાઇ ઝવેરી એટલે અભ્યાસી, જાગ્રત, વિચારશીલ દંપતિ. બન્નેની ઓળખ એકબીજાના સંદર્ભ વિના આપી શકાય અને એકબીજાની સાથે આપવામાં પણ બન્ને એકબીજાથી શોભી ઉઠે એવાં. મંજુબહેન અને હિંમતભાઇના કામ વિશે મારી જાણકારી બહુ મર્યાદિત. મુખ્યત્વે ચંદુભાઇ (મહેરિયા) કે પ્રકાશભાઇ (શાહ) જેવા સ્નેહીજનો થકી મંજુબહેન વિશે જાણવા મળ્યું હતું. મુંબઇની ફાર્બસ ગુજરાતી સભાના ત્રૈમાસિકનું સંપાદન તેમણે લાંબા સમય સુધી- ૩૩ વર્ષ- સંભાળ્યું અને વિદ્વત્તાનો ભોગ લીધા વિના, માસ્તરીયા-અઘ્યાપકીય પરિભાષાઓમાં સરી પડ્યા વિના, તેમણે બદલાતા જમાનાના પડકારોને ઝીલ્યા અને ફાર્બસ ત્રૈમાસિકમાં પ્રતિબિંબિત પણ કર્યા. દલિત કવિતા અને સાહિત્યને ઉમળકાભેર વધાવનારાં શરૂઆતનાં કેટલાક લોકોમાં મંજુબહેનનું નામ આદરપૂર્વક લેવાય છે.
બે વર્ષ પહેલાં મંજુબહેનને મળવાનો પ્રસંગ મારે બહુ જુદા કારણથી બન્યો. જ્યોતીન્દ્ર દવે વિશેના મારા ઘણા સમયથી ચાલતા સંશોધન દરમિયાન, તેમના ‘ફાર્બસ’ સાથેના સંબંધને અનુલક્ષીને, મેં મંજુબહેનને મળવાનું નક્કી કર્યું. અમિતાભ બચ્ચનના બંગલાની ત્રાંસમાં, સંઘવી સ્કૂલની સામે આવેલી ફાર્બસની ઓફિસ (કીર્તનકેન્દ્ર)માં નીચેના માળે મંજુબહેન સવારે આવ્યાં હતાં. નાદુરસ્ત તબિયત, બોલવામાં થોડી તકલીફ, છતાં તેમણે પ્રેમથી વાતો કરી. હિંમતભાઇ ઝવેરીના લેખોનું પુસ્તક ‘ઘટના અને સંવેદના’ ભેટ આપ્યું. ત્યાર પછી ક્યારેક તેમના ફોન પણ આવતા. સેલફોન પર તેમની સાથે વાતચીતમાં, તેમના શબ્દો ઉકેલવામાં ક્યારેક તકલીફ પડતી. છતાં, તેમની નિસબત અને સાહિત્યિક સામયિકોમાંથી આથમી ગયેલો સમાજ સાથેનો નાતો મંજુબહેનની વાતોમાં સતત છલકાતો.
‘ફાર્બસ’ના તેમના સંપાદકીય લેખોમાંથી કેટલાક ‘નીરખ ને’ અને ‘પ્રતિસાદ’ નામનાં બે પુસ્તકોમાં સંગ્રહીત છે. ફાર્બસ ત્રૈમાસિકમાં પ્રગટ થયેલા લેખોના બે ભાગના સંગ્રહ ‘આપઓળખની મથામણ’માં સંપાદક સીતાંશુ યશ્ચચંદ્રએ મંજુબહેન વિશે જે લખ્યું છે એ ટાંકીને, મંજુબહેનને ભાવાંજલિ.
‘માર્ક્સવાદ અને સાહિત્ય’ની ચર્ચા તે પણ શ્રી રોહિત દવે પાસે, ‘ત્રૈમાસિક’માં કરાવવાની ગુંજાશ મંજુ ઝવેરી સિવાય બીજા કોની? દલિત સાહિત્ય વિષે સાચી સૂઝભર્યો સંપાદકીય લેખ લખી, શ્રી નીરવ પટેલ અને બીજા મિત્રોને ‘ત્રૈમાસિક’ સાથે સંકળાવાનું મન થાય એવી ભૂમિકા તૈયાર કરવાની ગુંજાશ મંજુ ઝવેરી સિવાય બીજા કોની? સુરેશ જોષી અને ફાર્બસ ત્રૈમાસિક ?! - અલબત્ત, મંજુ ઝવેરીનું કામ! કરસનદાસ માણેક (કીર્તનવાળા જ ને?) ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’ સુપેરે કરી શકે, એ મંજુ ઝવેરી જાણે. ઢાંકી સાહેબ તો શિલ્પસ્થાપત્યના વિશ્વવિખ્યાત વિચારક-મીમાંસક. મંજુ ઝવેરી જાણે કે મઘુસૂદનભાઇના કાન (અને કંઠ) સંગીતથી ભરેલા છે. ‘સંગીતમાં વાદ્ય-વાદનની શ્રેષ્ઠતા’ એવો ઢાંકીસાહેબનો લેખ બાજું કોણ લાવે ને છાપે? ઉમાશંકર જોશીના કવિતા વિષેના વિચારો પણ, અલબત્ત, ચર્ચાની કસોટીએ ચઢવા જોઇએ. બીજું કોણ ચઢાવે? મંજુ ઝવેરી...સહુ જાણે છે કે મંજુબહેન ભારે (ભારે?) હિંમતવાળાં છે ! મંજુબહેનના સંપાદનકર્મને સલામ!’
(ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ‘આપઓળખની મથામણ-૧’, સીતાંશુ યશ્ચચંદ્ર)
***
નીરાબહેન દેસાઇની વિદાય વિશે ‘વૈશ્વિક માનવવાદ’ નિમિત્તે જાણવા મળ્યું. ‘વૈ.મા.’ના તંત્રી બિપીનભાઇની વિનંતીથી ડો.વિભૂતી પટેલે નીરાબહેન વિશે ગુજરાતીમાં અંજલિ લખી આપી. થોડા વખત પછી ‘ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી’માં વિભૂતીબહેને લખેલી અંજલિ પણ વાંચવા મળી.
ભારતમાં સ્ત્રીવિષયક અભ્યાસોમાં નીરાબહેનનું કામ પાયાનું અને મોખરાનું રહ્યું. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં સહજતાથી લખતાં નીરાબહેને ૧૯૫૨માં ‘આઘુનિક ભારતમાં મહિલાઓ’ વિશેનો અભ્યાસ પ્રકાશિત કર્યો હતો. મુંબઇની એસએનડીટી યુનિવર્સિટીમાં તેમણે પ્રથમ નારી અભ્યાસ કેન્દ્ર સ્થાપ્યું. આર.આર.શેઠ એન્ડ કંપનીએ કરેલાં નીરાબહેનનાં નારી અભ્યાસ શ્રેણીનાં ગુજરાતી પુસ્તકો નોંધપાત્ર ગણાય છે. અનેક સંસ્થાઓના હોદ્દા સંભાળી ચૂકેલાં નીરાબહેન જુદી જુદી ભારતીય ભાષાઓના અંગ્રેજી અનુવાદ વાંચીને તેનું ગુજરાતી કરવાનું કામ છેલ્લા દિવસોમાં કરતા હતા.
વિભૂતીબહેને નોંઘ્યું છે કે ‘સાહિત્ય, સંગીત, કલાથી માંડીને ગુંથણ અને પરોણાગત જેવી પ્રવૃત્તિઓમાં રસને કારણે વિવિધ ક્ષેત્રોનાં અને વયજૂથના લોકો સાથે તેમનો સંપર્ક રહ્યો. નીરાબહેનની વધારાની ઓળખ અક્ષુભાઇ (અક્ષયકુમાર દેસાઇ)નાં પત્ની અને ર.વ.દેસાઇનાં પુત્રવઘુ તરીકેની પણ હતી. ૨૫ જુન, ૨૦૦૯ના રોજ ૮૪ વર્ષની વયે, કેન્સરને કારણે મુંબઇમાં નીરાબહેનનું અવસાન થયું.

Saturday, July 25, 2009

United Progressive Apparel


Years have passed...
The covers have changed...
But there is no sign of unveiling the statues of late Indira Gandhi & Rajiv Gandhi.
Can somebody please tell Mr. Rahul Gandhi to 'release' his kins from this insult?
If the statues are ugly (like many other statues in Ahmedabad)
Dump them & impose fine on those who approved the work.
If they're not that bad,
unveil them.
Why insult our asthetic sense ?
(The statues are placed right opposite Roopalee Cinema, near Lal Darwaja end of Nehru Bridge, Ahmedabad)

Thursday, July 23, 2009

દાદા ધર્માધિકારીઃ વૈચારિક સ્વતંત્રતાના આશક-આરાધક

વક્રતા લાગે, છતાં હકીકત છેઃ ગાંધી - અને ખાસ તો ગાંધીવાદીઓ- હવે દારૂબંધી અને લઠ્ઠાકાંડ સંદર્ભે જ યાદ આવે છે. ગાંધી પ્રત્યે આદર અને ગાંધીવાદીઓની એલર્જી ધરાવનારા લોકોની કમી નથી. કેટલાક ગાંધીવાદીઓ ઢળતી ઊંમરે પોતાની અને પોતાના ‘સહધર્મીઓ’ની નિષ્ફળતાઓ જોતા-સ્વીકારતા પણ થયા છે. ગાંધીવાદીઓના આ સામાન્ય સમુહમાંથી જુદું તરી આવતું એક નામ એટલે દાદા ધર્માધિકારી.

ત્રણ પેઢીના સંગ્રામના સાક્ષી

શંકર ત્ર્યંબક ધર્માધિકારી તરીકે જન્મેલા દાદા વીસમી સદીનાં એવાં જૂજ પાત્રોમાં સ્થાન ધરાવે છે, જે ભારતની આઝાદીના તેમ જ આઝાદી પછીના જનસંઘર્ષોમાં પણ ઉંડા રસથી અને વિચારધારાઓના વહેણમાં તણાયા વિના સંકળાયા.

કોંગ્રેસી નેતાઓ આઝાદી પછી સત્તા સેવવામાં પડી ગયા ત્યારે રામમનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણ જેવા સમાજવાદીઓ અને વિનોબા જેવા ગાંધીના ઉત્તરાધિકારી ઠરીને બેસે નહીં એ સમજાય, પણ ગાંધીના આગ્રહથી ધારાસભાની ચૂંટણી લડેલા અને બંધારણસભાના સભ્ય બનેલા દાદા ધર્માધિકારીમાં એવું તે શું હતું કે તે સત્તાની સુંવાળપથી દૂર રહ્યા?

સીધોસાદો જવાબ છેઃ સ્વતંત્ર બુદ્ધિ અને કોઇના અનુયાયી બન્યા વિના, પોતાની બુદ્ધિને જે ઠીક લાગે તે દિલથી અપનાવવાની તત્પરતા. એ જ કારણથી વિનોબાએ તેમને (પંડિત મંડનમિશ્રના નામ પરથી) ‘ખંડનમિશ્ર’ જેવું ઉપનામ આપ્યું હતું! આ ગુણને કારણે જ ૧૯૨૦ના નાગપુર કોંગ્રેસ અધિવેશન વખતે ૨૧ વર્ષના, બીજા યુવાનો જેવા જ તોફાની, હોસ્ટેલની દીવાલ કૂદીને રાત્રે નૌટંકી જોવા જનારા, મેટ્રિકમાં બે વાર નાપાસ થયેલા, ઉત્તમ વક્તા તરીકે જાણીતા શંકર ધર્માધિકારી ગાંધીજીથી ચળ્યા નહીં. મિત્રો સાથે ગાંધીજના ઉતારે ગયેલા શંકર ધર્માધિકારી સાથે ગાંધીજીએ ઘણી વાતો કરી. પણ શંકરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીઘું,‘તમે મને સમજાવવામાં અને મારૂં પરિવર્તન કરવામાં સફળ થયા નથી. છતાં, તમે કહો છો કે તલવાર વિના સ્વરાજ્ય આવી શકે અને અસહકાર સફળ થઇ શકે, તો હું તમારી પાછળ આવવા તૈયાર છું. મારી જિંદગીનું કંઇ એટલું બઘું મહત્ત્વ નથી કે તેને હું સાચવતો ફરૂં.’

ત્યાર પહેલાં એક પરિચિતના ઘરે શંકરની મુલાકાત ક્રાંતિકારી રાસબિહારી બોસ સાથે થઇ હતી. બોસ હિંસાની ફિલસૂફીમાં માનતા હતા અને એક વાઇસરોય પર બોમ્બ ફેંકવામાં તે સામેલ હતા. તેમણે આઘ્યાત્મિક સંસ્કારની વાત કરી અને ‘અમારા એક હાથમાં બોમ્બ છે, તો બીજા હાથમાં ગીતા છે’ એવી વાત કરી, ત્યારે પણ શંકરે આદરપૂર્વક કહી દીઘું હતું કે ‘બોમ્બનો પ્રયોગ આઘ્યાત્મિક ચીજ નથી અને એ બાબતમાં હું તમારી સાથે સંમત નથી.’ એ વખતે શંકરની ઊંમર માંડ ૧૫ વર્ષની હતી.

દાદા ધર્માધિકારીનાં આત્મકથાનક લખાણોના કાન્તિ શાહે કરેલા ગુજરાતી અનુવાદ ‘મનીષીની સ્નેહગાથા’માં નોંધાયા પ્રમાણે, દાદા ગાંધીજીની સાથે દાંડીકૂચમાં સામેલ થવા પણ ઇચ્છતા હતા. ગાંધીજીએ તેમને સામેલ કર્યા નહીં. એટલે તેમની ઇચ્છા અધૂરી રહી.

વર્ધા (મહારાષ્ટ્ર) બજાજવાડીમાં ગાંધીજીના કેટલાક સાથીદારો સાથે રહેતા દાદા ધર્માધિકારીએ આઝાદી પછી વિનોબાના ભૂદાનયજ્ઞમાં સક્રિય સહયોગ આપ્યો અને ‘લોકનાયક’ જયપ્રકાશ નારાયણ સાથે પણ સતત સંપર્કમાં રહ્યા.

વર્ષો પહેલાં એક કાર્યક્રમમાં લોકમાન્ય તિલકને તેમણે પૂછ્યું હતું,‘લોકમાન્ય બનવા માટે શું કરવું જોઇએ?’ ત્યારે તિલકે જવાબ આપ્યો હતો,‘લોકમાન્ય બનવાનો એક જ રસ્તો છે. લોકમાન્ય બનવાની આકાંક્ષા છોડી દો!’ દાદા ધર્માધિકારીએ જાણેઅજાણે એ શબ્દોનું પાલન કર્યું. શક્ય હોય ત્યાં સુધી હોદ્દાથી અને સત્તાથી દૂર રહ્યા. સ્વરાજ મળતાં પહેલાં ૧૯૪૬ની ચૂંટણીમાં તેમનું નામ મૂકાયું, ત્યારે દાદાએ ગાંધીજીને એક લાંબો પત્ર લખીને પોતાની ઉમેદવારી રદ કરવા જણાવ્યું, પણ ગાંધીજીએ તેમને લખ્યું,‘બધા મિત્રો કહે છે એટલે વગર મહેનતે એસેમ્બલીમાં જઇ શકતા હો તો ચાલ્યા જાવ- એમ સમજીને કે મખમલની ગાદી પર બેસવા નહીં, પણ કાંટાની ગાદી પર બેસવા માટે...’ આટલેથી સમાધાન ન થતાં તેમણે દાદાને રૂબરૂ બોલાવીને કહ્યું કે ‘તું જવા નથી માગતો, તેને તો હું તારી યોગ્યતા માનું છું. આવા લોકોએ તો જરૂર જવું જોઇએ.’

લોકશાહીના વિરોધાભાસનો અહેસાસ

દેશનું બંધારણ રચનારી સભામાં દાદા ધર્માધિકારી સભ્ય બન્યા, પરંતુ તે લોકશાહી કે આઝાદી વિશે ગુલાબી ખ્યાલોમાં ન હતા. સ્વરાજ અંગ્રેજોના રાજ કરતાં ચડિયાતું હશે એવું તેમને ત્યારે પણ લાગતું ન હતું. અંગ્રેજો દ્વારા આ દેશમાં આવેલાં શિક્ષણના અધિકાર, બંધારણીય સમાનતા અને લોકશાહીની ચેતના જેવાં તત્ત્વ ભારતમાં પાંગરી શક્યાં નહીં તેનો તેનો તેમને પૂરો અહેસાસ હતો. તેમના શબ્દો ટાંકીએ તો, ‘આપણા દેશનો કંગાળ, નિઃશસ્ત્ર અને મામૂલી માણસ દિલ્લીના સિંહાસનનો માલિક બની ગયો તેની ખુશી હતી, પણ દિલ્લીનો શહેનશાહ બનવા છતાં તે લાચાર, વિવશ અને અભાવગ્રસ્ત જ રહી ગયો’ તેનો ખટકો પણ હતો. તેનું કારણ દાદાને એ લાગતું હતું કે ‘હકૂમત એની થઇ ગઇ, પણ દોલત એની થઇ નહીં. એ રાજા બની ગયો, પણ માલિક ન બન્યો. તખ્ત અને તાજ એનાં થઇ ગયાં, પણ જમીન એની ન થઇ.’

સંસદીય પ્રકારની લોકશાહીમાં લોકસભાને સર્વોપરી ગણવા અંગે પણ દાદાને કચવાટ હતો. તેમણે લખ્યું હતું કે ‘લોકસભા સર્વસત્તાધીશ સંસ્થા છે તે વિચાર મારી દૃષ્ટિએ ખતરનાક છે. આ તો બહુમતિ પણ નથી...પરંતુ સર્વાનુમતિ પણ હંમેશાં ન્યાયોચિત જ હોય એમ થોડું કહી શકાય? ...સંસદમાં સર્વાનુમતિએ માન્ય કરવામાં આવેલો પ્રસ્તાવ પણ જો માનવીય મૂલ્યોથી વિપરીત હોય તો એ બાબતમાં હું સંસદની સત્તા આખરી માનવા હું તૈયાર નથી...સર્વાનુમતે પણ જો અન્યાયકારી હોય તો તે પ્રમાણરૂપ નથી, એ ગાંધીજીના સત્યાગ્રહનું તત્ત્વજ્ઞાન છે.’

દાદાની કલ્પનાના બંધારણમાં 3 બાબતોનું મહત્ત્વ સૌથી વઘુ હતું ૧) જ્ઞાતિસત્તાનો અંત ૨) સંપ્રદાયવાદનો અંત. આ મુદ્દે તે પાછળથી વિનોબાનું એક પ્રવચન ટાંકતા હતા. વિનોબાએ કહ્યું હતું કે કોઇ પણ વ્યક્તિનો જન્મજાત ધર્મ ન હોવો જોઇએ. જેમ ૧૮ વર્ષે માણસને મતાધિકાર મળે છે, તેમ ૧૮ વર્ષની ઊંમરે માણસને પોતાની ઉપાસનાનો માર્ગ પસંદ કરવાનો અધિકાર મળવો જોઇએ. ૩) ગરીબ-અમીરના ભેદનો અંત. દારૂબંધી વિશે દાદા માનતા હતા કે ‘જ્યાં સુધી સામાજિક અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો ન થાય, ત્યાં સુધી દારૂબંધી જેવા સુધારાઓને પોષણ મળતું નથી અને તેમનાં મૂળીયાં ઉંડાં ઉતરતાં નથી.’

લોકશાહીના ‘લોક’ને માલિક બનાવવાની ઝુંબેશ

ગાંધીજીની વિદાયનાં ચાર વર્ષ પછી વિનોબાએ ગાંધીવિચાર પોતાની રીતે અને બદલાયેલા સંદર્ભે આગળ વધારવા માટે ભૂદાનયજ્ઞ જેવો મૌલિક કાર્યક્રમ હાથ ધર્યો. તેમાં ભૂમિહીનોને જમીનની માલિકી અપાવવાની વાત હતી. ભૂદાનયજ્ઞથી ગરીબોને જમીનની માલિકી મળતાં લોહી રેડાયા વિના કે ખટરાગ થયા વિના અહિંસક અને પ્રેમાળ ક્રાંતિ સર્જાશે, એવો વિશ્વાસ દાદા ધર્માધિકારી જેવા સ્વતંત્ર બુદ્ધિ ધરાવતા માણસોને પણ બંધાયો હતો. વિનોબા પગપાળા ચાલીને યાત્રા કરતા, ગામેગામ જમીનો મળતી, વિનોબાનાં પ્રવચનો થતાં. તેમાં રામાયણ-ભાગવત અને વેદ-પુરાણથી માંડીને શેક્સપિયર-વર્ડ્ઝવર્થ સુધીના વિષયો આવી જાય. વિનોબાનો અભ્યાસ ઉંડો અને વ્યાપક હતો, પણ તે કેવળ પાંડિત્ય ડહોળવા માટે ન હતો. વર્ષો પહેલાં દાદા ધર્માધિકારી બીજી પ્રવૃત્તિ છોડીને વેદાંત અને ભારતીય સંસ્કૃતિના આધારરૂપ ગ્રંથોનો બાકાયદા અભ્યાસ કરવા ગયા, ત્યારે વિનોબા તેમને વારંવાર પત્રમાં લખતા,‘બધા તત્ત્વજ્ઞાનનો વિચાર જીવનની દૃષ્ટિએ કરો. પાંડિત્ય માટે અઘ્યયન કરવામાં ફાયદો નથી.’ તેમણે દાદાને સમાજથી અળગા બનીને પોતાના એકદંડિયા મહેલમાં કેદ થઇ જતા પંડિત બનતાં અટકાવ્યા હતા.

કોઇ પણ અસાધારણ વ્યક્તિને ‘દૈવી’ સ્વરૂપ આપવાની ખાસિયત ધરાવતા ભારતીય જનસમાજમાં વિનોબાની સરખામણી જમીન માગનાર વામન અવતાર સાથે થઇ રહી હતી. બીજી તરફ, સર્વોદયીઓને મહેણાંટોણાં મારનારા પણ ઓછા ન હતા. એક મિત્ર દાદા ધર્માધિકારીને કહેતા,‘તમારે તો ઠીક છે! જીતો તો મિનિસ્ટર, હારો તો ગવર્નર, નિવૃત્ત થાવ તો વાઇસ ચાન્સેલર અને કંઇ ન બચે તો સર્વોદય તો છે જ!’

દાદા ધર્માધિકારી ૧૯૩૮થી ‘સર્વોદય’ માસિકનું સંપાદન કરતા હતા. તે માનતા હતા કે સર્વોદય કોઇ ધર્મગ્રંથ કે મહાપુરૂષ (ગાંધી/વિનોબા)થી સ્વતંત્ર એવો જીવનદર્શનનો સંદેશ હતો. છતાં, તેનું સંગઠન થવાને કારણે સર્વોદય જાણે અલગ સંપ્રદાય હોય એવી છાપ ઉભી થઇ. પોતાની લાખ અનિચ્છાએ પણ ‘ગાંધીવાદના ભાષ્યકાર’ તરીકે જાણીતા બનેલા દાદાએ લખ્યું હતું,‘મારે મન સર્વોદય એટલે જીવનનું સમગ્ર, સંવાદી અને સમન્યવયાત્મક દર્શન’. એ માનતા હતા કે વિનોબા ગાંધીના અનુયાયી નહીં, ઉત્તરાધિકારી હતા. તેમણે ગાંધીનો વિસ્તાર કર્યો અને પ્રસ્તુત કર્યા.

વિનોબા પ્રત્યે અપાર આદર ધરાવવા છતાં ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેમણે પત્ર લખીને પોતાનાં મંતવ્યો જણાવ્યાં હતાં. વિનોબાએ કટોકટીને ‘અનુશાસન પર્વ’ ગણાવ્યું હતું, પણ દાદાએ તેને ‘આતંક પર્વ’ અને ‘દમન પર્વ’ તરીકે ઓળખાવ્યું. જયપ્રકાશ નારાયણની મર્યાદાઓથી પણ તે પરિચિત હતા. છતાં મતભેદોએ તેમની વચ્ચેના આદરમાં ઘટાડો કર્યો નહીં.

સ્વતંત્ર વિચારસરણીને લીધે અનેક યુવક-યુવતીઓના પ્રિય બની રહેલા દાદા ધર્માધિકારી ઉત્તરાવસ્થામાં ઓળખનું વઘુ એક છોગું ઉમેરાયું. તેમના પુત્ર ન્યાયાધીશ ચંદ્રશેખર ધર્માધિકારીના પિતા તરીકે તે ઓળખાવા લાગ્યા. દાદાનાં પત્ની આઝાદીના આંદોલનમાં જેલવાસ દરમિયાન દિમાગી સંતુલન ખોઇ બેઠેલાં. છતાં, દાદાએ પોતાના જીવનનું અને વિચારોનું સંતુલન ખોરવાવા દીઘું નહીં.

દાદા રમૂજમાં પોતાની જાતને મઘ્યમપદલોપી તરીકે ઓળખાવતા હતા. એ કહેતા કે ‘મારા પિતા ન્યાયાધીશ, પુત્ર ન્યાયાધીશ. પણ મારી બાબતમાં ન્યાયાધીશપદનો લોપ છે!’ હકીકતે, દાદા પરાધીન અને સ્વતંત્ર ભારતની અનેક પેઢીઓને જોડતી કડી સમાન બની રહ્યા. ૧૯૮૫માં તેમની વિદાયથી ગાંધીવાદ-ભૂદાન-વિનોબા-જયપ્રકાશને વર્તમાન સાથે સાંકળતી મહત્ત્વપૂર્ણ કડીનો લોપ થયો.

Saturday, July 18, 2009

ગુજરાતની દારૂબંધીઃ પાટા વગરનું એન્જિન

ગુજરાતની પ્રજાને-નેતાઓને ઇતિહાસમાં કોઇ એક ફેરફારની તક આપવામાં આવે તો? સંભવ છે કે ગાંધીજીનું જન્મસ્થળ પોરબંદરથી બદલીને પટણા કે પહાડગંજ- મુદ્દે, ગુજરાતની બહાર- લઇ જવાનો ‘સુધારો’ સર્વાનુમતે મંજૂર થાય! કારણ?

‘ગાંધીના ગુજરાતમાં...’ થી શરૂ થતાં મોટા ભાગનાં વાક્યોમાં છેલ્લા ઘણા સમયથી અફરપણે એક જ ઘ્વનિ સાંભળવા મળે છેઃ ટીકાનો અને ‘ક્યાસે ક્યા હો ગયા’નો.

બિચારું ગુજરાત! અહીંની તાજી તવારીખમાં કોમી હિંસા છે, સર્વોદય અને અંત્યોદયને બદલે ‘સેઝોદય’ અને ‘નેનોદય’ની બોલબાલા છે, સ્ત્રીઓની સ્વતંત્રતા મહદ્ અંશે દ્વિચક્રી વાહન ચલાવવામાં જ સમાઇ ગઇ છે, આભડછેટ અડીખમ છે, મંદિરપ્રવેશ જેવા મામુલી મુદ્દે હજુ દલિતોને સંઘર્ષ કરવા પડે છે... ગાંધી સાથે ગુજરાતને કશી લેવાદેવા નથી અને ગાંધી ગુજરાતમાં જન્મ્યા એ કેવળ ભૌગોલિક સંયોગ હતો, એવું સાબીત કરવા આનાથી વધારે શું થઇ શકે?

એટલે જ, ગુજરાતમાં દારૂબંધી માત્ર ને માત્ર ગાંધીજીના કારણે હોય તો તેને વહેલામાં વહેલી તકે ઉઠાવી લેવી જોઇએ.

દારૂઃ બંધી અને છૂટ્ટી

દારૂબંધી વિશેની ચર્ચામાં ભૂમિકાઓની ભેળસેળને કારણે ભારે ગુંચવાડો થાય છે. દારૂબંધીનાં ઘણાં પાસાં છેઃ

વ્યક્તિસ્વાતંત્ર્યઃ આ આદર્શ પ્રમાણે, માણસને (પૂરતા ‘જો’ અને ‘તો’ સાથે) અમુક ઊંમર પછી જેમ સ્વેચ્છામૃત્યુની, તેમ દારૂ પીવાની પણ આઝાદી હોવી જોઇએ. યાદ રહે. ફક્ત દારૂ પીવાની આઝાદીની વાત છે. તેમાં દારૂ પીને જાહેરમાં કે પોતાના ઘરમાં પણ દુર્વ્યવહાર કરવાની કે દારૂ પીને વાહન ચલાવવાની ‘આઝાદી’નો સમાવેશ થતો નથી. વ્યક્તિગત સ્વાતંત્ર્ય અન મુક્ત વિચારસરણીમાં બીજાને નુકસાન ન થતું હોય એવું કંઇ પણ કરવાની સ્વતંત્રતાની વાત છે. એ વ્યાખ્યામાં ફક્ત દારૂનો જ નહીં, બીજા નશાનો પણ સમાવેશ કરવો પડે.

ભારતનો કાયદો વ્યક્તિસ્વાતંત્ર્યને તેના પૂર્ણ સ્વરૂપે માન્ય રાખતો નથી. સમાજમાં વ્યવસ્થા જાળવવાના સત્તાવાર હેતુસર, વ્યક્તિના અંગત જીવનમાં કાયદાના પગપેસારા માટે ઘણાં બારીબારણાં ખુલ્લાં રાખવામાં આવ્યાં છે. તેના થકી નૈતિકતાના અને હિતરક્ષણના બહાને વ્યક્તિસ્વાતંત્ર્ય પર તરાપ પડે છે. (જાતીય વૃત્તિ જેવી નિતાંત અંગત બાબતમાં પણ આટલા વર્ષે કાયદો રૂઢિચુસ્તતા તજીને ‘માનવીય’ બન્યો!)

દારૂબંધી કેવળ ભૌગોલિક ગુનો હોય- ગુજરાત સરહદની આ પાર દારૂ પીવો ગુનો ગણાય ને પેલી પાર પીવો સ્વાભાવિક, એ સામાન્ય બુદ્ધિને ગળે ન ઉતરે એવી વિસંગતી છે. પ્રતિબંધ ન હોય તો દારૂ એ બીડી કે તમાકુની જેમ વ્યક્તિગત વ્યસન છે, પરંતુ દારૂબંધી હોય ત્યાં દારૂ વ્યક્તિગત ટેવ મટીને કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન બને છે.

નૈતિકતાઃ ગાંધીવાદીઓ અને અઘ્યાત્મવાદીઓ માને છે કે દારૂ પીવાથી માણસનું નૈતિક અધઃપતન થાય છે અને તેનું ચારિત્ર્ય શિથિલ થાય છે. હદ બહારનો દારૂ પીનાર જાત પરનો કાબૂ ગુમાવીને ગેરવર્તણૂંક કરી બેસે એવી સંભાવના હોવા છતાં, એક નિયમ લેખે આ માન્યતા સાથે સંમત થઇ શકાય નહીં. મુંબઇ જેવા પરપ્રાંતમાં (કે ગુજરાતમાં પણ) વસતા અનેક લોકો નિયમિતપણે મર્યાદિત માત્રામાં દારૂનું સેવન કરે છે. તેમની સામાન્ય વર્તણૂંક કે ‘ચારિત્ર્ય’ પર દારૂની માઠી અસર પડતી નથી. કોઇ વ્યક્તિ માત્ર દારૂ પીતી હોવાથી દુર્જન બની જાય એવું સાદું ગણિત સ્વીકારી શકાય નહીં. એ માટે બીજાં ઘણાં પરિબળ ઘ્યાનમાં લેવાં પડે. સત્તાવાર દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ધર્મ-સંપ્રદાયો અને સત્તાનો નશો લઠ્ઠાને પણ ભૂલાવી દે એવો ઝેરી નીવડી શકે છે.

કૌટુંબિક પાયમાલીઃ આગળ મૂકેલી દલીલો પરથી સ્પષ્ટ છે કે દારૂ પીવો જોઇએ કે નહીં એ વ્યક્તિગત નિર્ણય હોવો જોઇએ. પરંતુ એ તારણ જીવનની આદર્શ સ્થિતિમાં, પેટ ભરેલું હોય ત્યારે, લાગુ પડે છે.

ગુજરાતમાં અને ભારતમાં દારૂ પીનારાના મુખ્ય બે પ્રકાર છેઃ ૧) મોજશોખ-મસ્તી માટે દારૂ પીનારા ૨) જીવનનાં દુઃખ-હાલાકી-પશુવત્ જિંદગી અને ગરીબીના અનંત બોગદામાંથી ઘડી-બે ઘડી પલાયન થવા માટે દારૂ પીનારા. મોજમસ્તી માટે દારૂ પીનારા કાયદાની લપેટમાં ભાગ્યે જ આવે છે. તેમાંના કેટલાક પ્રતાપીઓ પોલીસ અફસરો સાથે બેસીને પીવામાં ગૌરવ લેનારા પણ મળે છે. એ લોકો દેશી દારૂ પીતા નથી. તેમને પ્રમાણમાં મોંઘો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કે શુદ્ધ વિદેશી દારૂ પોસાય છે. એટલે એ કદી લઠ્ઠાકાંડનો ભોગ બનતા નથી. આવા લોકો દારૂ પીને ઘરના સભ્યો સાથે કેવી ને કેટલી ગેરવર્તણૂંક કરે છે, તેની વાતો પણ ઘરની ચાર દિવાલની બહાર ભાગ્યે જ આવે છે. ધારો કે આવું બને તો માણસે દારૂ પીધો હોય કે ન પીધો હોય, ઘરેલુ હિંસા (ડોમેસ્ટિક વાયોલન્સ)ના કાયદા મોજૂદ છે. ફરિયાદ કરવાની હિંમત ધરાવતાં ઘરનાં સ્ત્રી સભ્યો એ કાયદાની મદદ લઇ શકે છે. તેના માટે દારૂબંધીના અલાયદા કાયદાની જરૂર પડતી નથી.

દારૂની સૌથી ઘાતક અને વ્યાપક અસરો ગરીબ માણસો પર થાય છે. સસ્તો અને ગુણવત્તામાં હલકો દારૂ પીવાને કારણે તેમને જીવનની કારમી વાસ્તવિકતાઓથી ઘડી-બે ઘડી છૂટકારો મળતો હશે, પણ તેમના આરોગ્યનો દાટ વળી જાય છે. લાંબા ગાળે દારૂમાં જાય છે, એટલા જ કે તેનાથી પણ વધારે પૈસા દવામાં જાય છે. સરકારી આરોગ્ય સુવિધા ખાડે ગયેલી હોય એવા સંજોગોમાં દારૂ પીનાર ગરીબનો બન્ને બાજુથી મરો થાય છે. ઉપરાંત, વખતોવખત દેશી દારૂની બનાવટમાં ગોટાળા કે મિલાવટને કારણે જિંદગી ગુમાવવાનો કે આંખ જેવાં શરીરનાં મહત્ત્વનાં અંગ ગુમાવવાનો ખતરો પણ ગરીબ દારૂ પીનારાએ વહોરી લેવો પડે છે. આમ, ગુણવત્તા વગરનો સસ્તો દેશી દારૂ પીનાર ગરીબ ટુકડે ટુકડે આત્મહત્યા કરતો હોય એવું લાગે છે.

દારૂ પીનાર ગરીબ હોય, ત્યારે દારૂની પાયમાલી પીનાર પૂરતી મર્યાદિત રહેતી નથી. તેનું કુટુંબ પણ બરબાદીનો ભોગ બને છે. દારૂ પીનાર ગરીબોમાંથી ઘણા પોતાનાં પત્ની-બાળકોની મહેનતના અથવા તેમના હકના રૂપિયા દારૂમાં વાપરી ખાય છે અને ઉપરથી એમની મારઝૂડ કરે છે. પરિવાર માટે મુસીબતો ઓછી હોય તેમ દારૂ વધારાનું અને સૌથી મોટું દુઃખ બનીને આવે છે. ગરીબ વર્ગની સ્ત્રી ઘરેલુ હિંસા જેવી ફરિયાદ લઇને પોલીસ સ્ટેશનમાં જાય તો તેને કોઇ ઉભવા પણ ન દે. એ વખતે દારૂબંધીનો કાયદો તેનો એકમાત્ર આધાર બને છે. પોતાના પરિવારજન સામે પોલીસમાં ફરિયાદ કરવી પડે એ ખરાબ સ્થિતિ છે, પણ માણસ રોજ દારૂ પીને મારઝૂડ કરતો હોય ત્યારે તેને પાઠ શીખવવા માટે દારૂબંધીનો કાયદો કામમાં લાગે છે. ખરેખર તો, પહેલાં લાગતો હતો. હવે ઘણા કિસ્સામાં દારૂવાળા અને પોલીસ વચ્ચેની સ્નેહગાંઠ એટલી મજબૂત હોય છે કે પોલીસ ગરીબ દારૂડિયાના કેસમાં હાથ નાખતી નથી. બહુ વિનવણી થાય તો તે ગરીબ દારૂડિયાને બે-ચાર ડંડા ફટકારે છે. તેની ચાકરી કરવાનું તો પરિવારના ભાગે જ આવે છે.

તેમને જોઇને એક તરફ લાગે કે આ પરિવારને પાયમાલ થતો અટકાવવા દારૂબંધી હોવી જ જોઇએ અને બીજી તરફ એવો વિચાર પણ આવે કે ફક્ત દારૂબંધી લાદીને બેસી રહેવાનું કેટલું યોગ્ય છે?

મજબૂરી અને મહાત્મા

દારૂ ગરીબોના જીવનને વઘુ પશુવત્ બનાવે છે. છતાં, દલિતોના માથે પડેલું સફાઇકામ કે મૃતદેહોની ચીરફાડનું કામ કે એ પ્રકારનાં કામ એવાં હોય છે કે કોઇ પણ સ્વસ્થ માણસ પૂરા હોશમાં હોય તો એ કરી શકે નહીં. એ કામ કરવા માટે હોશનો થોડો અંશ ગુમાવવો જ પડે. લઠ્ઠાકાંડ માટે ફાંસીની સજાનાં બણગાં ફુંકતી સરકાર આ પ્રકારની કામગીરીમાં યંત્રોનો મહત્તમ ઉપયોગ કેમ કરતી નથી? દારૂબંધીથી થતા નુકસાન પેટે બેશરમીપૂર્વક કેન્દ્ર સરકાર પાસે રૂ.૩૦૦૦ કરોડ માગનારા ગુજરાતના મુખ્ય મંત્રી સફાઇકામદારો માટેની કેન્દ્ર સરકારની યોજનાઓમાં મળતી રકમમાંથી કેટલી રકમ અસરકારક રીતે વાપરે છે? અને કેટલી રકમ વણવપરાયેલી પડી રહે છે?

દારૂબંધીના પ્રખર હિમાયતી ગાંધીજીએ પણ કહ્યું હતું કે ‘દારૂબંધીના કાયદાની સાથે જ તેનું રચનાત્મક કાર્ય પણ ચાલવું જોઇશે. દારૂબંધીને અંગેનું રચનાત્મક કાર્ય, દારૂ પીવાની આદતવાળા લોકોને માટે તેમને તંદુરસ્તી અને નિર્દોષ મનોરંજન આપનારાં સાધનોનું અવેજી આકર્ષણ પૂરૂં પાડવામાં રહેલું છે.’ લઠ્ઠાકાંડમાં પોતાની નીચે આવેલો રેલો બીજી બાજુ વાળવા ફાંસીની સજાની વાતો કરતી ગુજરાત સરકાર નિર્દોષ મનોરંજન આપનારાં સાધનો પૂરાં પાડવાનું તો બાજુ પર, જે મોજુદ છે તે પણ છીનવી રહી છે. અમદાવાદના કાંકરિયા તળાવમાં દસ રૂપિયાની પ્રવેશફી રાખવાના નિર્ણયને બીજું શું કહીશું? હવેના સમયમાં બનનારી તમામ મનોરંજન સુવિધાઓ પર મેઇન્ટેનન્સના નામે સરકાર એવી ફી રાખશે કે ગરીબ માણસને તે પરવડે નહીં. પણ સરકારને તેની પરવા નથી. ‘દસ રૂપિયાની ફીમાં શું વાંધો છે? ફીને લીધે અમુક પબ્લિક આવતી અટકશે’ એવું કહેનારા સરકારને મળી રહેવાના છે.

દાદા ધર્માધિકારી જેવા ગાંધીપ્રેમી છતાં મુક્ત વિચારકે કહ્યું હતું કે ‘જ્યાં સુધી સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી દારૂબંધી જેવા સુધારાઓને પોષણ મળતું નથી અને એ જડ પકડતા નથી.’

બાકીનાં પાસાં ઉપર ઘ્યાન આપ્યા વિના કેવળ દારૂબંધીના કડક અમલની વાતો કરવી, એ પાટા બિછાવ્યા વગર એન્જિનની ઝડપની વાતો કરવા જેવું છે. દારૂનો યોગ્ય કારણસર પ્રચંડ વિરોધ કરતાં સ્વૈચ્છિક સંગઠનો- ખાસ કરીને મહિલા સંગઠનો - એન્જિન જેટલું જ ઘ્યાન પાટા ઉપર પણ આપે, તે જરૂરી છે. અંગ્રેજોના રાજમાં દારૂબંધી ન હતી. છતાં ગાંધીચીંઘ્યા માર્ગે બહેનો મોટી સંખ્યામાં સફળતાપૂર્વક દારૂના અડ્ડા પર પિકેટિંગ કરવા જતી હતી. ગુજરાતમાં છૂટાછવાયા એવા પ્રયોગ થયા છે, પણ એ દિશામાં ઘણું કામ બાકી છે. પરદેશી ફંડિંગ સંસ્થાઓમાંથી પિકેટિંગનો ‘પ્રોજેક્ટ’ જાહેર થાય ત્યાં સુધી રાહ જુઓ!

આખી ચર્ચામાં બીજાં દૂષણ- દારૂનો ગેરકાયદે ધંધો, તેમાંથી ઉભા થતા અને રાજનેતા બની બેસતા બૂટલેગર, પોલીસ તથા નેતાઓ સાથેની તેમની સાંઠગાંઠ, પોલીસનો અમર્યાદ ભ્રષ્ટાચાર- ઉલ્લેખ્યાં નથી. કારણ કે પ્રાથમિકતામાં તે બીજા ક્રમે આવે છે.

એકલી દારૂબંધી પાટા વગરના એન્જિન જેવી, દેખાવમાં આકર્ષક છતાં વાસ્તવમાં નિરર્થક બનીને રહી જાય એમાં શી નવાઇ? એવી દારૂબંધીની તરફેણ કરનારા બીજી બાબતોમાં સરકારની નિષ્ક્રિયતા સામે આંખ આડા કાન કરીને સરકારને મદદરૂપ થાય છે અને તેનો વિરોધ કરનારા, સરકાર અને ગરીબો વચ્ચેના એક ક્ષીણ તંતુનો વિચ્છેદ કરીને, ‘ગરીબોને એમના હાલ પર છોડી દો’ની સરકારી નીતિનું આડકતરૂં સમર્થન કરે છે.

એવી દારૂબંધીની તરફેણ થાય કે વિરોધ, ગરીબ નાગરિકોની કાળજી લેવા ન માગતી સરકારને એકેય વલણથી નુકસાન નથી. સરકાર માટે, દારૂબંધી રહે તો મહાત્મા ગાંધીની જય છે અને ન રહે તો માલ્યાની!

Wednesday, July 15, 2009

‘નવજીવન પ્રકાશન’નો માર્ગ : બાપુથી બાપુ સુધી

એક બાપુ પાઇલોટ બન્યા.

કોકપિટમાં બેઠા પછી તેમણે પહેલું કામ શું કર્યું?

સામેની પેનલ પર ‘જય માતાજી’ લખ્યું

***

‘એક વાર બાપુ સ્કૂલે ગયા. માસ્તરે પૂછ્યું, ‘બાપુ, અઠવાડિયામાં કેટલા દિવસ?’

‘સાત.’

‘કયા કયા?’ માસ્તરે વળી પૂછ્યું.

બાપુ કહે, ‘જય માતાજી સોમવાર, જય માતાજી મંગળવાર, જય માતાજી બુધવાર, જય માતાજી ગુરૂવાર, જય માતાજી શુક્રવાર, જય માતાજી શનિવાર અને જય માતાજી રવિવાર.’

***

પહેલી જોક તો તમે સાંભળી હશે, પણ બીજી જોક કેવી લાગી?

નબળી જ લાગે ને!

પણ આ જોકને બદલે વાસ્તવિકતા હોય તો?

ખાતરી ન થતી હોય તો અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની પાછળ આવેલી મહાત્મા ગાંધીની પ્રકાશન સંસ્થા ‘નવજીવન’ની મુલાકાત લેવી. ત્યાં દાખલ થતાં રિસેપ્શન પર મુકાયેલા રજિસ્ટરમાં પાનાની વચ્ચોવચ મોટા અક્ષરે વાંચવા મળશેઃ ‘જય માતાજી બુધવાર’ અને નીચે મુલાકાતીઓની યાદી!

પછી આગળપાછળનાં પાનાં ફેરવીને જોશો તો પણ દરેક વારની આગળ જય માતાજીનું લટકણિયું એવી રીતે લગાડેલું જોવા મળશે કે જાણે વારનું આખું નામ ‘જય માતાજી મંગળવાર’ કે ‘જય માતાજી ગુરૂવાર’ હોય.

રિસેપ્શનિસ્ટ ભાઇની માતાજી પ્રત્યેની શ્રદ્ધા તેમનો અંગત મામલો છે. એ વિશે આપણે કંઇ કહેવાનું ન હોય. પણ જાહેર સ્થળે અને એ પણ ‘નવજીવન’ જેવા સ્થળે, પોતાના ટેબલના કાચ નીચે નહીં, પણ મુલાકાતીઓના રજિસ્ટરમાં તે આવી રીતે માઇભક્તિ પ્રદર્શીત કરે- અને બેરોકટોક કરતા જ રહે, એ ખટકે એવું છે.

***

થોડા સમય પહેલાં ગુજરાત સરકારે એસટીના ડ્રાઇવરોને બસમાંથી ધાર્મિક સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો હતો. એમાં મને આત્યંતિકતા લાગી. ડ્રાયવરને પોતાની શ્રદ્ધા પ્રમાણેનો કોઇ ફોટો કે મંત્ર નજર સામે રાખવાથી સારૂં લાગતું હોય તો એ ઇચ્છનીય ન હોવા છતાં, એમાં વાંધો ન હોવો જોઇએ.

ખરો વાંધો પોલીસ સ્ટેશનમાં લાગતા ફોટા અને હારતોરાનો છે. પોલીસ સ્ટેશન એ સામાન્ય ઓફિસ નથી અને પોલીસ સામાન્ય કારકુન નથી. ત્યાં તટસ્થતા હોવી જ નહીં, દેખાવી પણ જોઇએ. એને બદલે મણિનગર સ્ટેશનને અડીને આવેલા પોલિસ સ્ટેશનનું નામ જ મુક્તજીવન પોલીસ ચોકી છે! ન કરે સ્વામીનારાયણ ને કોઇક દિવસ મંદિરમાં ડખો થાય (જેની સ્વામીનારાયણમાં નવાઇ નથી) અને આ જ પોલીસચોકીમાં મામલો આવે તો?

મંટોની એક લધુકથા હતી, જેમાં સર ગંગારામના પૂતળા પર ચપ્પલનો હાર પહેરાવનાર પોલીસના લાઠીચાર્જમાં ઘવાય છે ને તેને સારવાર માટે સર ગંગારામ હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. મંટો ‘નવજીવન’નું રજિસ્ટર વાંચે તો કેવી લધુકથા લખે?

Monday, July 13, 2009

‘મારૂં જીવન એ જ મારી વાણી’ અંગ્રેજીમાં

નારાયણભાઇ દેસાઇએ ચાર ભાગમાં લખેલું ગાંધીજીનું જીવનચરિત્ર ‘મારૂં જીવન એ જ મારી વાણી’ ટૂંક સમયમાં- મોટે ભાગે આગામી ૨ ઓક્ટોબરના દિવસે- અંગ્રેજીમાં પ્રસિદ્ધ થશે. અંગ્રેજી ચરિત્રનું નામ છેઃ ‘માય લાઇફ ઇઝ માય મેસેજ’. ગુજરાતી પુસ્તકનું અંગ્રેજીમાં અનુસર્જન કરનાર છે ત્રિદીપ સુહૃદ. અભ્યાસી વિદ્વાન તરીકે જાણીતા ત્રિદીપભાઇ સમાજજીવન અને રાજકારણથી માંડીને ગુજરાતની-દેશની પરંપરાઓ જેવા અનેક વિષયો પર ઊંડો અભ્યાસ ધરાવે છે અને ધીરૂભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યુટ (ગાંધીનગર)માં ભણાવે છે.

નારાયણભાઇના ગાંધીચરિત્રને વધાવનારા પ્રેમીઓ પાસેથી સાંભળવા મળતો પુસ્તકમાં રહી ગયેલી ભૂલો અંગેનો કચવાટ પણ અંગ્રેજી આવૃત્તિમાં મહદ્ અંશે દૂર થઇ જશે. તેમાં ઇયાન બુરુમાની નવલકથા ‘પ્લેઈંગ ધ ફીલ્ડ’ના વર્ણનને ઇતિહાસ માની બેસીને, તેના આધારે ગાંધીબાપા જામ રણજિતસિંહ સાથે ક્રિકેટ રમ્યા હોવાની ગુણવંત શાહે પ્રચલિત બનાવેલી વાયકાનો પણ સમાવેશ થતો હોવાનું ત્રિદીપભાઇ જણાવે છે.

આવું મહાકાર્ય ધીરજપૂર્વક કરવા બદલ ત્રિદીપભાઇને અભિનંદન ! સાથોસાથ, આવાં કામ કરવાનું તે ચાલુ રાખે એવી સ્વાર્થી અપેક્ષા પણ ખરી!

Friday, July 10, 2009

એક અનોખું પ્રવાસવર્ણન

પ્રવાસવર્ણન એટલે? કોઇ સાહિત્યકારને આવો સવાલ પૂછવામાં આવે તો ભાવવાચક અને દાર્શનિક સંજ્ઞાઓનો ખડકલો થઇ જશેઃ વિષમતા, રોમાંચ, પરાક્રમ, જિજ્ઞાસા, થાક, ઉત્સાહ, જાત સાથે સંવાદની તક, સ્વ-દેશપ્રીતિ, જીવનને જોવાની નવી દૃષ્ટિ, આઘ્યાત્મિક અનુભવ, વિશ્વની અખિલાઇનું દર્શન...

આ બધાં તત્ત્વો ઉત્તમ પ્રવાસવર્ણન માટે આવશ્યક ગણાય છે, પણ શાણા વાચકો એક વાત બરાબર સમજે છેઃ પ્રવાસ અને પ્રવાસવર્ણન બે જુદી બાબતો છે. પ્રવાસમાં કોઇ યજમાને આઇસક્રીમમાં કોલા નાખીને પીવડાવ્યું/ખવડાવ્યું હોય તો પ્રવાસવર્ણનમાં તે ‘જીવનને જોવાની નવી દૃષ્ટિ’ તરીકે સ્થાન પામી શકે. એવી જ રીતે, પ્રવાસ દરમિયાન પેરિસમાં એફિલ ટાવર નીચે બેસીને ઘરનાં બનાવેલાં થેપલાં સાથે તડકાછાંયડાનો છુંદો ખાવો તે પ્રવાસવર્ણનમાં ‘આઘ્યાત્મિક અનુભવ’ બની શકે છે.

પંજાબી સબ્જીની પેઠે ઘણાંખરાં પ્રવાસવર્ણનોમાં નામ જુદાં અને ફેન્સી, પણ અંદરની ‘ગ્રેવી’ સરખી હોય છેઃ યજમાનની હૂંફ, અજાણ્યા ટેક્સીવાળાનો મૈત્રીપૂર્ણ વ્યવહાર, પરદેશની સ્વચ્છતા, પ્રજાની શિસ્ત, ઇતિહાસ-ભૂગોળના ઉતારા, પ્રાકૃતિક સૌંદર્યનાં ફિલ્મી વર્ણનો...આ બધાની વાંચનાર પર એવી પ્રચંડ અસર થાય છે કે...

...એને બઘું છોડીને પ્રવાસે નીકળી પડવાની તાલાવેલી જાગે છે?

ના! વાચક વિચારે છે, ‘ફરવા તો જતાં જવાશે. સૌથી પહેલાં એકાદું પ્રવાસવર્ણન ફટકારી દઊં. આવું લખતાં તો મને પણ આવડે.’

સરેરાશ પ્રવાસવર્ણનો વાંચ્યા પછી થાય કે આવું લખવા માટે પરદેશ જવાની ક્યાં જરૂર છે? આવું ‘સાહિત્યિક-સાહિત્યિક’ વર્ણન તો ઘરમાં બેસીને - બલ્કે, ઘરના એક રૂમમાંથી બીજા રૂમમાં કરવા પડતા પ્રવાસ વિશે - લખી શકાય. એક નમૂનોઃ

***

અનંતમાં એકાકાર ધરતીનો છેડો

માનવનું જીવન એક અનંત, અવર્ણનીય, અલૌકિક (બીજાં થોડાં ‘અ’વાળાં વિશેષણો) પ્રવાસ છે. રક્ત રગોમાં પ્રવાસ કરે છે, શબ્દો હવામાં (માથા પરથી?) પ્રવાસ કરે છે, લાગણી બે હૃદયો વચ્ચે પ્રવાસ કરે છે...આ કોઇને પ્રવાસ કરવા માટે રૂપિયા ખર્ચવાની જરૂર પડતી નથી. મેં પણ નક્કી કર્યું કે પ્રકૃતિનો નિકટતમ અનુભવ કરવા માટે મારે બહારનો નહીં, અંદરનો પ્રવાસ કરવો. (અંદર, ભીતર, કંઇક, કશુંક...એવા શબ્દોથી લખનાર વિચારક હોવાની આભા ઉભી થશે.)

વહેલા પરોઢિયે સૂર્યનાં કિરણોએ મીઠી શૂળો ભોંકીને મને જગાડ્યો. ઘડીભર મને લાગ્યું કે હું ગલિવર છું ને વેંતિયાઓ મને ટાંકણીથી જગાડે છે. હમણાં થપાટ મારીશ ને વેંતિયા ગબડી પડશે. પણ બે-ચાર થપાટ માર્યા પછી મને પરિસ્થિતિની ગંભીરતા સમજાઇ. વાસ્તવિકતાનું ભાન થયું. જાગીને જોઊં તો વેંતિયા દીસે નહીં. આજુબાજુ ઉભેલાં બહુમાળી મકાનોની વચ્ચે હું જ વેંતિયા જેવો લાગતો હતો. (આમ કહીને નગરસંસ્કૃતિ અને શહેરીકરણ પર જે આવડતું હોય/વાંચ્યું હોય તે ફટકારી દેવું. તેનાથી વર્ણનમાં સમાજશાસ્ત્રનો રંગ ભળશે.)

પથારીમાં પડ્યાં પડ્યાં પહેલાં આંખો ને પછી કાન ખોલ્યા. પંખીઓનો કલરવ ક્યાંય સંભળાતો ન હતો. કોયલો ગાતી ન હતી. પપીહા બોલતા ન હતા. ચકલી-કબૂતર-દૈયડ-મેના-કલકલિયો-સુગરી-ટીટોડી...કયા કયા પક્ષીઓનો અવાજ ન સાંભળવા મળ્યો, તેની વઘુ વિગતો લખીને પ્રકૃતિપ્રેમી દેખાવા માટે પક્ષીજગતનું એકાદ પુસ્તક મેળવી લેવું.) પણ હું હિંમત હારૂં એવો નથી. પ્રવાસમાં- ખાસ કરીને પ્રવાસવર્ણન લખવામાં- કદી હિંમત હારવી નહીં.

ઉઠીને મોં ધોવા નળ ખોલ્યો અને અફાટ જળરાશિ કલકલનીનાદ કરતો વહી નીકળ્યો. શિવજીની જટામાંથી પૃથ્વી પર ધસમસતી ગંગાની પેઠે નળમાંથી પાણી ગર્જન-નર્તન-દોલન કરતું ચાલ્યું. મને નાયગ્રા ફોલ્સ/ગેરસપ્પાનો ધોધ/ઝાંઝરીનો ધોધ યાદ આવી ગયો. શી એની ભવ્યતા! શો એનો ઉછાળ! આ વિશે વઘુ વિચારી શકું, એ પહેલાં અંદરથી અવાજ સંભળાયો,‘નળ બંધ કરો. પાણી મફતનું નથી આવતું! મોટરથી ચડાવવું પડે છે. આમ ચકલીઓ ચાલુ રાખીને વેડફી મારવાનું નથી.’

હાથ-મોં ધોઇને, બ્રશ કરીને હું ચા પીવા રસોડામાં ગયો. પૌર્વાત્ય સંસ્કૃતિમાં રસોડાને યજ્ઞશાળા જેવી પવિત્ર જગ્યા ગણવામાં આવે છે. વૈદિક કાળમાં જે રીતે હોમહવન-યજ્ઞયાગ થતા હતા, તેને બદલે કલિકાળમાં ગેસની સગડીઓ કે લાકડા-કોલસા-છાણાંના ચૂલામાંથી પવિત્ર અગ્નિ પ્રગટે છે. યજ્ઞો અને હવન વિવિધ દૈવી-આસુરી-પ્રાકૃતિક (સામાજિક-અસામાજિક) તત્ત્વોને શાંત રાખવા માટે થતાં હતાં. રસોડામાં થતા યજ્ઞો સર્વ દુઃખના મૂળ જેવી પેટની ભૂખનું શમન કરવા થાય છે. યજ્ઞની તો હજુ વાર હતી, પણ મુખ્ય યજ્ઞ પહેલાં પેટાવાતાં કેટલાંક છાણાંની જેમ, મુખ્ય ભોજન પહેલાં ચા-નાસ્તાનો રિવાજ પ્રચલિત છે. યજમાન દેશની પરંપરાને માન આપતા શીખવું એ વિશ્વપ્રવાસીનું કર્તવ્ય છે. મેં પણ પરંપરા આગળ વધારતાં ચા પીધી. કોઇની પરંપરાનું આંધળું અનુકરણ ન કરવું એ વિચારવંત મનુષ્યનું લક્ષણ છે. એટલે એક કપ ચા પીવાની પરંપરા ચાતરીને મેં બે કપ ચા પીધી.

ચા પીધા પછી મગજ ચેતનવંતું થતાં યાદ આવ્યું કે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સંસ્કારોના આક્રમણ પહેલાં, સ્નાન કર્યા વિના લોકો અન્નનો દાણો પણ મોંમાં મૂકતા ન હતા. ચા-નાસ્તો અન્ન કહેવાય કે નહીં, એ વિશે ગાંધીજીને ટાંકવા કે શ્રી શ્રી રવિશંકરને એની અવઢવ સાથે સ્નાન કર્યું. (ગાંધીના નામનું કે શ્રી શ્રીના નામનું? ખબર નથી!)

તૈયાર થઇને મુખ્ય રૂમમાં ગયો ત્યારે સૂરજ માથે આવવાની તૈયારીમાં હતો. બપોરના સૂરજનું સૌંદર્ય રસોડામાં જુદું ને દીવાનખંડમાં જુદું, બાથરૂમમાં અલગ ને બાલ્કનીમાં અલગ હોય છે. ક્યાંક એ માથે ચડેલો (ચડાવેલો) લાગે, તો ક્યાંક એ માથે પડેલો! સૂર્યનમસ્કાર કરવાનો સમય વહેલી પરોઢનો. સૂરજ માથે આવ્યા પછી તો તેને દૂરથી જ (નવ ગજના) નમસ્કાર કરવા પડે.

બપોરના ભોજન માટે બૂમ પડી. પ્રવાસમાં દિવસ દરમિયાન હળવું ભોજન લેવું જોઇએ. મોટા ભાગનાં દંપતિઓને સાથે જમવાની તક પ્રવાસમાં જ મળે છે. ઘરમાં તો પતિ જમવા બેસે ત્યારે પત્ની ઉચ્ચક જીવે ઘડીમાં કચુંબર તો ઘડીમાં મસાલો, ઘડીમાં પાપડ તો ઘડીમાં પાણીની સેવાઓ કરતી રહે છે. પ્રવાસમાં તેને તૈયાર ભાણે જમવાનું મળે છે.

જમવાનું પીરસાયું ને પહેલો જ કોળીયો મોંમાં મૂક્યો, ત્યાં જ ગૃહલક્ષ્મીએ કલાપીની ‘ગ્રામ્યમાતા’ના ‘નહીં તો ના બને આવું’ અંદાજમાં ઉલટતપાસ લેતાં કહ્યું,‘આજ સુધી કદી મારી દાળ દુણાઇ નથી, ભાત ચોંટ્યા નથી, રોટલી બળી નથી, ભજિયાં કાચાં રહ્યાં નથી...અને આજે આ બઘું જ થયું. આવું કેમ? સાચું કહેજો, તમારા મનમાં આજે શું ચાલે છે?’ ‘આજના દિવસે ઘરમાં કરેલા પ્રવાસ વિશે હું પ્રવાસવર્ણન લખવાનો છું. ભોજન વિશે પણ.’ ‘જોયું? હું નહોતી કહેતી? કારણ જડી ગયું ને! તમારા મનમાં આવા વિચારો ચાલતા હોય પછી ભોજનમાં ક્યાંથી ભલીવાર આવે?’

***

આટલા નમૂના પરથી ઉત્સાહી લેખકો પોતપોતાની રીતે રોજિંદા જીવનનાં ભવ્ય, સાહિત્યિક, ઉદ્દાત મૂલ્યો ધરાવતાં પ્રવાસવર્ણન લખીને સાહિત્યજગતમાં નામના મેળવી શકે છે.

Tuesday, July 07, 2009

‘આવે છે હવા’ અને અજિત મર્ચંટ

‘તારી આંખનો અફીણી’ (ફિલ્મઃ દીવાદાંડી) એ મહાજાણીતા, મહાલોકપ્રિય ગીતના ઓછા જાણીતા સંગીતકાર અજિત મર્ચંટ. અત્યારે ૮૫ વર્ષના અજિતકાકા નીલમકાકી સાથે શિવાજી પાર્ક, મુંબઇમાં રહે છે અને એકંદરે જુસ્સાદાર જીવન વીતાવે છે. (ફોન નં ૦૨૨-૨૪૪૫૧૧૭૦)

તેમની સાથેની અનેક મેરેથોન મુલાકાતોની અને આત્મીયતાપૂર્ણ સંબંધોની વાત લાંબી છે. એ ફરી ક્યારેક. અત્યારે ‘પ્રસાદી’ લેખે તેમણે કમ્પોઝ કરેલું, દિલીપ ધોળકિયાએ ગાયેલું, એન.આર.આચાર્યની ફિલ્મ ‘લગ્નમંડપ’નું એક ગીત અને તેના વિશેની વાતો અજિતકાકાના જ અવાજમાં, તેમના હાર્મોનિયમની સંગતમાં જુઓ-સાંભળો.

http://www.youtube.com/watch?v=aIu3qlpRAf8

Monday, July 06, 2009

પહેલા વરસાદનો છાંટો

સદીઓથી કવિઓ-લેખકોને વરસાદ સદી ગયો છે. ‘અરે? તમે હજુ સુધી વરસાદ/મેઘ/અષાઢ/ વિશે કંઇ લખ્યું નથી? તમે કેવા કવિ/લેખક છો?’ એવો ઠપકો સાંભળવાનો ન આવે, તે પહેલાં ઘણાખરા આ વિષય પર પોતાને આવડે એવું લખી કાઢે છે - ખરેખર તો, પેલું મહેણું ટાળે છે.

સ્થાપિત (હિત) થવા માટે વરસાદ વિશે લખવું પૂરતું નથી. તેનાથી ધરતી પર અને લોકોના મનમાં કેવી હરિયાળી છવાઇ જાય છે, પ્રેમી હૈયાં કેવાં ઝૂમી ઉઠે છે અથવા વિરહી હૈયાં માટે પાણીનો વરસાદ કેવી રીતે ‘એસિડ-રેઇન’ બનીને તેમને દાહ આપે છે, એવું બઘું જ લખવું પડે. ‘મુખ્ય ધારા’માં સામેલ થયાની અનુભૂતિ તો જ આવે.
આ બધી ચિંતા રાખ્યા વિના, પહેલા વરસાદના છાંટાનું કે ચોમાસાના આગમનનું યથાર્થ વર્ણન કેવું હોઇ શકે?
***
આ સીઝનમાં વરસાદનો પહેલો છાંટો પડ્યો ત્યારે ધરતીની સુગંધ માણવાનું કે હીરોઇનની માફક માથું આકાશ ભણી ઊંચું કરીને, બંધ આંખો- ચહેરા પર સ્મિત અને પહોળા કરેલા બે હાથે ગોળ ગોળ ફરવાનો ટાઇમ ન હતો. કારણ કે રાતનો સમય હતો અને અમે અગાસીમાં સૂતાં હતાં. છાંટા પડ્યા ત્યારે એવું લાગ્યું જાણે રીમાન્ડ લેતો પોલીસ આરોપીના ઊંઘરેટા ચહેરા પર પાણીનું ડબલું છાંટીને એને જગાડતો હોય. વરસાદ પોલીસ હોય કે ન હોય, અમે આરોપી ન હતા. અમારો એકમાત્ર ગુનો રાત્રે તારાની હાજરી તપાસ્યા પછી નિશ્ચિંત થઇને અગાસીમાં સુઇ જવાનો હતો. અમારા જેવા ઘણા ગુનેગાર હશે, જે ઘરમાં-અગાસીમાં કે ફૂટપાથ પર ખુલ્લામાં સૂતાં હશે. એ બધાંને, કાવ્યનાયિકાના શબ્દો વાપરીને કહીએ તો ‘મૂઆ વરસાદે’ જગાડ્યાં હશે.

ભારતીય નાગરિકો કાયમ જે અવસ્થામાં હોય છે એવી તંદ્રાવસ્થામાં, જાગવું એ જ અત્યાચાર હોય તો એ સ્થિતિમાં ગાદલાં ઊંચકીને અંદર કે નીચે લઇ જવાનું કામ કેવું ત્રાસદાયક લાગે? ઉપરથી વરસાદની ઝડીની ચાબુક જાણે ‘ચલ, ઉપાડ ગાદલું! ઉપાડ જલ્દી! નહીં તો સટાક્!’ એવા ડારા દેતી લાગે. ફિલ્મી હીરોને જેમ પોતાના જીવ કરતાં વિલનના હાથે સપડાયેલી પોતાની માતાની ચિંતા વધારે સતાવતી હોય, એમ અડધીપડધી ઊંઘરેટી અવસ્થામાં, જાતે પલળી જવાશે એના કરતાં ‘ગાદલાં પલળી જશે’ની શક્યતાથી મન વધારે ત્રસ્ત હોય...આ બઘું પહેલા વરસાદના છાંટાનો મહિમા ગાનારા કદી લખતા નથી.

અડધી રાત્રે અગાસીની ઠંડક છોડીને ઘરના બફારામાં જતી વખતે ‘બાબુલ મોરા નૈહર છૂટો જાય’ જેવી મનોદશા અનુભવાતી હોય, એવાં હૃદયમાંથી વરસાદ-મહીમાનાં રૂડાં ગાણાં કેમ કરીને નીકળે? ભલું હોય તો, પ્રી-મોન્સૂન મેઇનટેનન્સ થયું હોવાને કારણે (હા, થયું હોવાને કારણે જ) પહેલો વરસાદ પડે ને લાઇટ જતી રહે, તો ફિલ્મી સીન સર્જાય છેઃ ધાબા પર રાતનું અંધારૂં, ચાંદ-તારા પણ વરસાદથી બચવા પોતપોતાનાં ઓશિકાં-ગાદલાં લઇને ક્યાંક ધૂસી ગયા હોય તેમ, કેવળ કાળું ડિબાંગ આકાશ, વરસાદની ઝરમર, વીજળીના કડાકાભડાકા અને તેના ચમકારમાં દેખાતી કેટલીક આકૃતિઓ, જે રાજાના કોપથી બચવા રાત માથે લઇને ઉચાળા ભરતા કોઇ કુટુંબ સમી ભાસતી હોય. બસ, ખોટ હોય તો કોઇ શ્યામ બેનેગલની, જે આ બઘું તાદૃશ ઝીલી શકે.

કેટલાક રીઢા (ધીરજવાન) જીવો વરસાદના થોડા છાંટા પડે ત્યાં સુધી સળવળતા જ નથી. જોનારને શંકા જાય કે આ લોકો ‘વરસાદ જેને પલાળી શકતો નથી...’ એ કેટેગરીમાં તો નથી પહોંચી ગયા ને? કે પછી પ્લાસ્ટિક ઓઢીને સૂતા છે? એક વાર જાગ્યા પછી પણ તેમના ધૈર્યનો ભંડાર વરસાદના છાંટાથી પલળીને હવાઇ જતો નથી. ‘આ તો છાંટા છે! જુઓને, આકાશમાં ક્યાં કશું દેખાય છે? અને આજે સાંજે મેં હવામાનનો નકશો જોયો હતો. એમાં કશું દેખાતું ન હતું. સૂઇ જાવ! સૂઇ જાવ! આ તો વાળ કપાવા જઇએ ત્યારે શીશીમાંથી છંટાતા પાણી જેવી ઝરમર છે. હમણાં બંધ થઇ જશે.’

વરસાદની તીવ્રતા વિશે શાસ્ત્રાર્થમાં રસ લેવાને બદલે ગાદલુ ઊંચકવાના શુદ્ર કાર્યમાં પ્રવૃત્ત થયેલા લોકોને જોઇને ધૈર્યવાન જણ વિચારે છે, ‘આ લોકો મારા જ્ઞાનને લાયક નથી. એ મજૂરી કરે એ જ દાવનાં છે.’ પણ વધારે સમય સુધી વરસાદ ચાલુ રહે એટલે ‘આપણું તો એવું! ગમે તે સ્થિતિમાં રાજી!’ એવી મુદ્રા ધારણ કરીને જ્ઞાની જણ ગાદલું ઊંચકે છે અને ઘરની અંદર પ્રયાણ કરે છે. ત્યાં પંખા નીચેની બધી જગ્યાઓ રોકાયેલી હોવાથી છેવટે તેમને ‘ગમે તે સ્થિતિમાં રાજી’ રહેવાનો વારો આવે છે. ફૂટપાથ પર કે ઝૂંપડાંમાં સુનારા માટે જ્ઞાનનું હોવું ને ન હોવું સરખું છે. તેમને જ્ઞાન કરતાં વધારે ઝૂંપડી પર નાખી શકાય એવા છાપરાની જરૂર હોય છે.

પહેલો વરસાદ રાતને બદલે દિવસે પડે તો? રાતના અંધારામાં અને અર્ધજાગ્રત અવસ્થામાં વિસારે પડેલી પુરૂષપ્રધાન વ્યવસ્થાઓ દિવસે તેના અસલી સ્વરૂપે બહાર આવે છે. રાત્રે ઊંઘમાં પથારીઓ સંકેલતી વખતે કે ગાદલાં વાળતી વખતે ‘પતિપરમેશ્વર’ પાસે છાપું વાંચવા કે ટીવી જોવા જેવાં મહત્ત્વનાં કામ હોતાં નથી. અડધી રાત્રે વરસાદ પડે ત્યારે, આખો દહાડો માતા કે પત્નીની સેવાઓ લેતા પુરૂષોને ભાન થાય છે કે આખરે સૌએ પોતાનો ક્રોસ- અને પોતાનું ગાદલું- જાતે જ ઉપાડવાં પડે છે.

ફિલ્મોમાં ડાકુઓના આગમનથી ગામમાં જેવી ભાગદોડ મચી જાય, એવા સીન દિવસે વરસાદના આગમનથી સર્જાય છે. કોઇ પોતાનાં સુકવેલાં કપડાં લેવા દોડે છે, તો કોઇને તડકે સુકવવા મૂકેલા પૌંવાની ચિંતા થાય છે. સરકારી મેનેજમેન્ટની ટીકા કરનારા મોટા ભાગના માણસો પહેલો વરસાદ આવે ત્યારે પોતાના ઘરમાં ઊંઘતા ઝડપાય છે. તેમની ચીજવસ્તુઓ એવી જગ્યાએ પડેલી હોય છે કે વરસાદ આવે તો તેને વાછંટથી બચાવીને સલામત સ્થળે મૂકવા દોડાદોડ- બૂમાબૂમ કરી મૂકવી પડે. અનેક વાર વાદળ ઘેરાવા છતાં, જ્યાં લગી પહેલો વરસાદ ન આવે અને દોડાદોડ ન કરાવે ત્યાં સુધી એ લોકો પોતાની ચીજવસ્તુઓને ઠેકાણે મૂકતા નથી. વરસાદના આગમનનું આગોતરૂં આયોજન તો બાજુ પર રહ્યું, સરેરાશ પ્રારબ્ધવાદીઓ એવું માનવા લાગે છે કે જ્યાં સુધી મારી ચીજવસ્તુઓ ખુલ્લી પડી છે ત્યાં લગી વરસાદ નહીં આવે.

પહેલો વરસાદ આવે એટલે પરણીને થાળે પડી ચૂકેલા યક્ષોને કવિતા નહીં, પણ ભજિયાં સાંભરે છે. વાદળાં ચડી આવે, પત્ની પિયર હોય, ઘરમાં બીજું કોઇ સ્ત્રીપાત્ર ન હોય અને પોતાને કશું બનાવતાં આવડતું ન હોય, એવી સ્થિતિમાં આઘુનિક યક્ષો મેઘને સંદેશરૂપે કહી શકે છે,‘હે મેઘ, હું જોઊં છું કે તારી દિશા મણીનગર ભણીની છે ને મારી પત્ની એસ.જી.હાઇવે પર રહે છે. ચિંતા ન કરીશ. હું તને હાઇવે તરફ નહીં મોકલું. તું તારે મનની મરજી પ્રમાણે મણીનગર ભણી જા. પણ રસ્તામાં આવતા રાયપુર ભજિયાં હાઉસમાં એક પાંચસો ગ્રામ ભજિયાં મને મોકલવાનું તું કહેતો જઇશ, બંઘુ મેઘ? અને હા, એ રસ્તે કાંકરિયાની વિરાટ જળરાશિ જોઇને રખે તું એ ભણી ખેંચાતો. ગજરાજ સમી આકૃતિ અને એવી જ મદભરી ચાલ ધરાવતા હે મેઘ, કાંકરિયામાં પ્રવેશ માટે રૂ.દસની પ્રવેશપત્રિકા ખરીદવા કરતાં, સેન્ટ્રલ જેલના પ્રવેશદ્વાર સમા દીસતા કાંકરિયાના દરવાજાની બહાર જ તું વરસી જજે. એમાં જ તારૂં ગૌરવ છે.’

Wednesday, July 01, 2009

‘જોવા જેવી ફિલ્મ’ના ખુશખબરઃ ગર્મ હવા

પંદર-સત્તર વર્ષ પહેલાં, ઉગતી સમજણે દૂરદર્શન પર ‘ગર્મ હવા’ જોયું હતું. સ્તબ્ધ કરી દેનારો અનુભવ હતો એ! કોમવાદ, હિંદુ-મુસ્લિમ પ્રશ્ન અને બીજી ઘણી બાબતો અંગે મગજની હાર્ડ ડિસ્કનું પ્રોગ્રામિંગ માંડ શરૂ થયું હોય ત્યારે આ ફિલ્મ ભારે અસર પાડી શકે, એવું અત્યારે લાગે છે. એ વખતે એટલું સમજાયું હતું કે આ ફિલ્મમાં એક પણ ફ્રેમ નકામી નથી. તેના કેટલાક એન્ગલ- બલરાજ સાહની ચોકમાં ઊભા હોય અને ઘરના બન્ને (કે ત્રણે) માળ દેખાતા હોય અથવા બલરાજ સ્ટેશને મૂકવા ગયા હોય, તે પ્લેટફોર્મ પર ઊભા હોય અને પસાર થતી ટ્રેનનું દૃશ્ય...અને યાદગાર કવ્વાલી ‘મૌલા સલીમ ચિશ્તી’ (કામચલાઉ ધોરણે ખ્વાજા સલીમ ચિશ્તી સાંભળવી હોય તો લિન્કઃ
http://www.youtube.com/watch?v=9ilOntNHFhY )

કૈફી આઝમીએ લખેલી ને એમ.એસ.સથ્યુએ ડાયરેક્ટ કરેલી આ ફિલ્મની સીડી મેળવવા માટે ઘણા પ્રયાસ કર્યા હતા. એકાદ ઠેકાણે ટીવી પરથી વીડીયોમાં ને વીડીયો પરથી સીડીમાં ઉતરેલી નકલ મળી. પણ તેનાથી પૂરો સંતોષ થયો ન હતો.

આખરે, ગઇ કાલના ઇન્ડિયન એક્સપ્રેસની અમદાવાદ ન્યૂઝલાઇનમાં એમ.એસ.સથ્યુને ટાંકીને જણાવાયું છે કે ‘ગર્મ હવા’નું રીસ્ટોરેશન થઇ રહ્યું છે અને ટૂંક સમયમાં તે થિયેટરોમાં રિલીઝ થશે. તેની ડીવીડી પણ મળશે જ. થિયેટરમાં જોવાની તક મળે તો ન ચૂકવા જેવી અને થિયેટરમાં જોયા પછી ડીવીડી ખરીદી રાખવા જેવી ફિલ્મ.