Saturday, March 20, 2021
‘અમારા માણસ’ નીલના સગપણ નિમિત્તે
![]() |
નીલ રાવલઃ બાળપણમાં અને બે દિવસ પહેલાં, યેશા ઉનડકટ સાથે |
નીલનો જન્મ થયો, ત્યારે પણ એ પરિસ્થિતિ બદલાવાનું કોઈ દેખીતું કારણ ન હતું. નીલના પપ્પા વિપુલ રાવલ મારા કરતાં સાત વર્ષે મોટા. તે મોટા ભાઈ બીરેનના પરમ મિત્ર. બીરેનના મહેમદાવાદી મિત્રોની IYC તરીકે ઓળખાતી મંડળી વૈવિધ્યપૂર્ણ પાત્રોવાળી, પણ તેમની દોસ્તીના ગામમાં દાખલા દેવાય. તેમની મિત્રતાની શરૂઆત બાળપણમાં સાથે ભણવાથી થઈ હતી. પછી પુખ્ત વયે તે સહજ ક્રમમાં ખરી પડવાને બદલે પાકી થતી ગઈ. ૧૯૮૦ના દાયકાના નાનકડા મહેમદાવાદમાં તેમણે મિત્રમંડળીનું ઔપચારિક-સત્તાવાર નામ પાડ્યું, ‘ઇન્ટેલિજન્ટ યુથ ક્લબ’. આ નામમાં ગામલોકોને ‘ઇન્ટેલિજન્ટ’વાળા ભાગ વિશે ખાતરી અને મિત્રોને પોતે ‘યુથ’ હોવા વિશે કોઈ શંકા નહીં. રહી વાત ‘ક્લબ’ની. એ તો મંડળીનું અંગ્રેજી સ્વરૂપ—અને તે સમયગાળામાં આવી કંઈક મંડળીઓ બનતી-વિખેરાતી. તેમનું સ્વરૂપ ગાજરની પીપુડી જેવું હોય. ચાલે ત્યાં સુધી ઠીક ને ખોટકાય તો, સંસાર છે. ખોટકાયા કરે.
IYC વિશે અલગથી અને બહુ લાંબું લખી શકાય એમ છે—બીરેન અને હું અલગ અલગ રીતે કે સાથે કદીક લખીશું, પણ નીલની વાતના સંદર્ભે જેટલું જરૂરી છે, એટલું અત્યારે કહું: વિપુલ રાવલનું ઘર ૧૭, નારાયણ સોસાયટી IYCનું બિનસત્તાવાર હેડક્વાર્ટર બન્યું. બધા મિત્રો સાંજે ત્યાં ભેગા મળે. વિપુલના પપ્પા રાવલકાકા (હર્ષદકાકા), મમ્મી ઇલાકાકી, નાની બહેન ટીની (મનીષા)—આ બધાં સાથે પણ છૂટથી હળેભળે.
મારો એ મંડળીમાં સમાવેશ આમ તો ન હોય. કારણ કે હું બીરેનનો ભાઈ. બધા મિત્રો કરતાં છથી આઠ વર્ષ નાનો. પણ મારો અને બીરેનનો મનમેળ અત્યંત નિકટના મિત્રોનો હોય એવો. સંગીત-સાહિત્ય-વાચનમાં મારાં રસરુચિ બીરેન થકી ઘડાયાં. થયું એવું કે બારમા ધોરણ અને ત્યાર પછી કોલેજકાળ ૧.૦ સુધી મારે કોઈની સાથે ગાઢ દોસ્તી જામી નહીં. બીજી તરફ, દોસ્તીના આદર્શ જેવું ગણાતું બીરેનનું મિત્રમંડળ આંખ સામે. એટલે ધીમે ધીમે હું પણ ૧૭, નારાયણ સોસાયટી જતો થયો. થોડા સમય પછી મારી ગણતરી IYC ના બિનસત્તાવાર જુનિયર સભ્ય તરીકે થવા લાગી. તેમનાં દિવાળીમિલનોમાં હું જોડાતો થયો.
બી.એસસી. કર્યા પછી ને ગુજરાત રિફાઇનરીમાં એપ્રેન્ટિસશીપ કર્યા પછી મારી કારકિર્દીના પ્રશ્નો ઊભા થયા. પરંતુ આ બધા સમયગાળા દરમિયાન રોજ રાત્રે જમ્યા પછી ૧૭, નારાયણ સોસાયટી જવાનું ચાલુ રહ્યું. મોટે ભાગે બીરેન ઉપરાંત અજય પરીખ (ચોક્સી), મુકેશ પટેલ (મુકો), ઘણી વાર પ્રદીપ પંડ્યા (ડૉ. પંડ્યા), મયુર પટેલ, તુષાર પટેલ જેવા IYCના મિત્રો રાત્રે ત્યાં હોય. પ્રસંગોપાત્ત ઘરે કે દિવાળીમિલનમાં ખેડાથી પૈલેશ શાહ પણ આવે. કામકાજને કારણે મિત્રોની અવરજવર અનિયમિત બની ત્યારે પણ ચોક્સી અને હું તો હોઈએ જ. વિપુલ (રાવલ) અને બિંદુ (શાહ)નું સગપણ નક્કી થયું ત્યારે ગળ્યા મોં કરવાની વિધિ માટે વલ્લભ વિદ્યાનગર જવાનું હતું. ત્યારે શુભ પ્રસંગે બેકી સંખ્યામાં માણસો ન લઈ જવાય, એવી ગણતરીને કારણે રાવલ પરિવારના સભ્યોની સાથે મને પણ સામેલ કરવામાં આવ્યો હતો.
બીરેનને હું ‘બીરેનભાઈ’ કહેતો નહીં, એટલે આ કોઈ મિત્રો માટે ‘ભાઈ’ શબ્દ મોઢે ન ચઢ્યો, પણ તેમને અને નવાં આવનારાં મિત્રપત્નીઓને માનાર્થે બહુવચનમાં બોલાવવાનો ક્રમ પડ્યો. સૌ મિત્રો બૃહદ પરિવારનાં સભ્યો હતાં. પણ રોજ રાત્રે વિપુલના ઘરે જઈએ, એટલે તેમની સાથે-તેમના પરિવાર સાથેના સંબંધમાં થોડાં વધારાનાં સ્તરો ઉમેરાયાં. એ અરસામાં, ફેબ્રુઆરી ૨૮, ૧૯૯૨ના રોજ તેમના પુત્ર નીલનો જન્મ થયો.
બાળકો સાથે મારે કશી લેવાદેવા નહીં. પરંતુ રોજ રાત્રે વિપુલના ઘરે જવાને કારણે નીલને જોવાનો થાય. એમ કરતાં કરતાં તે ‘ભગવાનનું સ્વરૂપ’ તો ન જ લાગ્યો, પણ વહાલો જરૂર લાગવા માંડ્યો. કાલા થયા વિના તેની સાથે રમવાનું-તેને રમાડવાનું ગમવા લાગ્યું. તેને પણ અમારી માયા લાગી. અજય પરીખ (ચોક્સી) અને હું રોજ રાત્રે અડધો-પોણો કલાક ત્યાં હોઈએ. બીરેન-કામિની પણ ઘણી વાર હોય. ચોક્સીની અને મારી સાથે નીલને પણ એવી માયા લાગી કે રોજ રાત્રે અમે અમારા ઘરે પાછા ન જઈએ એવી તે જિદ કરે. તેના દેખતાં અમે નીકળી જઈએ તો તે વિરોધ પ્રદર્શન તરીકે જોર જોરથી રડે. તેનાં મમ્મી ઘણી વાર તેને સિફતથી અંદરના રૂમમાં લઈ જાય અને પછી અમે બે જણ નીકળીએ. તો પણ એ ઘણી વાર રડે. એટલે એક તબક્કે તો અમે એ હદ સુધી વિચારવા લાગ્યા હતા કે રોજ રાત્રે ત્યાં જવાનો નિત્યક્રમ બંધ કરીએ. છોકરો આપણા લીધે રોજ રડે તે ઠીક નહીં.
નીલ ઊભો રહેતો-ચાલતો થયો અને હાથમાં પ્લાસ્ટિકનું બૅટ પકડીને ઊભો રહી શકે એટલો મોટો થયો, એટલે રોજ રાત્રે ચોક્સી ને હું તેને ક્રિકેટ રમાડવા લાગ્યા. તેને અમારી સાથે બહુ ભળતું હોય ને પાછું આવાં આકર્ષણ ઉમેરાય. એટલે જોડાણ વધારે મજબૂત બને. નીલના જન્મના બે વર્ષ પછી બીરેનની દીકરી શચિનો જન્મ થયો. એ મારું બીજું પ્રિય પાત્ર બની રહી. તેનાં અને નીલનાં શરૂઆતનાં વર્ષો મહેમદાવાદમાં ગયાં. ફક્ત મારી સાથે જ નહીં, બધાં મિત્રો અને પરિવારો સાથે તેમને લાગણીના સંબંધ થયા. નીલ અને શચિ બંનેની પ્રકૃતિ જુદી. છતાં કેટલુંક મહત્ત્વનું સામ્ય. બંને મીઠડાં. બંને ભાંગફોડીયાં નહીં. બંને પ્રેમાળ અને મોટાં થયા પછી પણ તેમની નિર્દોષતા ટકી રહી. ઉંમરસહજ ‘પુખ્તતા’ (દુષ્ટતા) પ્રવેશી નહીં. અમારી સાથે તેમની આત્મીયતાનાં પરિમાણ બદલાતાં ગયાં, એક પછી એક રંગ ઉમેરાતા ગયા, પણ લાગણીની તીવ્રતા જરાય ઓછી ન થઈ. બલકે, વધતી રહી.
![]() |
શચિ અને નીલ |
![]() |
અમારું ઘર નવેસરથી બનતું હતું ત્યારેઃ (ડાબેથી) શચિ, (નીલનાં ફોઈની દીકરી) રિયા વિજલ કાકા, આસ્થા, ઇશાન અને પાછળ નીલઃ 'પેપ્સી' તરીકે ઓળખાતા જામેલા શરબતનું મોડેલિંગ,૨૦૦૯-૧૦ |
આવી લાગણીને કારણે જ, વર્ષ 2006-07માં હું ‘દિવ્ય ભાસ્કર’માં હતો, ત્યારે એક વાર આખો દિવસ હું તેને મારી સાથે અમદાવાદ લઈ ગયો હતો. સૌથી પહેલાં ઉત્તમ વાર્તાકાર-નવલકથાકાર અને અમારા ગુરુ રજનીકુમાર પંડ્યાના ઘરે, ત્યાંથી મારી ‘નવસર્જન’વાળી ઑફિસે અને બપોરે ‘દિવ્ય ભાસ્કર’ની ઑફિસે. ‘ભાસ્કર’ની ઑફિસે કેન્ટિનની અમારી મંડળી—‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશ ન. શાહ, ‘ભાસ્કર’ના સલાહકાર મણિલાલ પટેલ ઉપરાંત દિવ્યેશ વ્યાસ જેવા મિત્રો સાથે નીલનો પરિચય મેં ‘આપણો માણસ છે’ તરીકે જ આપ્યો હશે. મારા જેવો અસામાજિકતા માટે કુખ્યાત જણ કોઈનો પરિચય ‘આપણા માણસ’ તરીકે આપે, તેની કેટલાકને નવાઈ પણ લાગી હશે. (પછીનાં વર્ષોમાં એવું જુદી રીતે, જુદા સ્તરે નિશા પરીખની બાબતમાં થયું)
છેલ્લાં થોડાં વર્ષથી નીલ અમેરિકા છે. તે આઇટીનું ભણ્યો અને સરસ ઠેકાણે કામ કરે છે. અમારી ચિંતા કરી શકે એટલો સ્થાયી છે. તેનો ફોન જ્યારે પણ આવે ત્યારે નિરાંતે વાતચીત થાય, અહીં આવે ત્યારે ગપ્પાંગોષ્ઠિનો સમય લઈને જ આવે. છેલ્લે મળ્યા ત્યારે અડધી રાત પછી પથારીમાં સુતાં સુતાં વાતોમાં બીજા કલાક-બે કલાક નીકળી ગયા હતા. વાતનો મુદ્દો તે તરત સમજે. હા એ હા ન કરે. મારી પત્ની સોનલ કે મમ્મી સાથે પણ તે એટલી જ સહજતાથી ભળી જાય. મારી દીકરી આસ્થાને તેના લાડકા નામથી બોલાવનારા થોડા લોકોમાં નીલ પણ ખરો. હવે તો એ IYCની જુનિયર ગૅંગનો વડીલ છે. પણ અમારી સાથે અમારી રીતે અને જુનિયર ગૅંગ સાથે તેમની રીતે કામ પાડવાની સહજતા તેનામાં હજુ જળવાઈ છે.
બે દિવસ પહેલાં નીલનું યેશા ઉનડકટ સાથે સગપણ થયું. એ સમાચાર જાણીને-તેના સાક્ષી બન્યા પછી આનંદની સાથે મનમાં ફ્લૅશબૅકની આખી પટ્ટી ફરી ગઈ. ત્યાર પહેલાં ગયા વર્ષે જાન્યુઆરીમાં શચિનું લગ્ન થયું. ત્યારે પણ હળવો આંચકો લાગ્યો હતો કે ઓહો, આપણાં છોકરાં હવે પરણવા લાગ્યાં. મતલબ, આપણે પણ ઉંમરમાં એટલા મોટા થયા?
પરંતુ તે આંચકો જરાય દુઃખદ કે વિષાદપ્રેરક નથી. કેમ કે, શચિની જેમ નીલે પણ પોતાની મૂળભૂત સરળતા-પ્રેમાળપણું છોડ્યા વિના, વર્ષો સાથે પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ વિકસાવ્યું છે. સાથોસાથ, અમારા પ્રત્યેની તેમની લાગણીની તીવ્રતા અકબંધ રહી છે. નીલ લાડથી-મસ્તીમાં અમને ‘કાકા ઉર્વીશ’ અને ‘કાકા બીરેન’ કહે છે. અમને આવું કહેનારો તે એકલો છે. (યેશા પણ તેને ઠીક લાગે ત્યારે જોડાઈ શકે છે. અમને ગમશે.)
હજુ પણ ફોનમાં કે રૂબરૂ હું નીલનો અવાજ સાંભળું-તેનો હસતો ચહેરો જોઉં, ત્યારે તેમાં છલકતી ઉષ્મા અને આત્મીયતાથી મારા મનના પડદે તો, ૧૭, નારાયણ સોસાયટીના કમ્પાઉન્ડમાં, ભીંતની આગળ હાથમાં પ્લાસ્ટિકનું બૅટ પકડીને ઊભેલો છોકરો ઉભરે છે અને તેને જમાનાનો રંગ નહીં લાગેલો જોઈને ઊંડો હરખ અનુભવાય છે.
મનમાં થાય છે.,.આપણો છોકરો...આપણો માણસ.
Thursday, February 18, 2021
કોવેક્સિનમાં 'નંબર વન' ગુજરાત
ભારત સરકારે ઑક્સફર્ડની (પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યુમાં નિર્મિત) વેક્સિન કોવિશિલ્ડના ૧.૧ કરોડ ડોઝ અને ભારત બાયોટેકની કોવેક્સિનના ૫૫ લાખ ડોઝનો ઓર્ડર આપેલો છે. બંને આમ તો વેક્સિન છે અને સરકારે તે બંનેને મંજૂરી આપી છે. છતાં, મંજૂરીનો પ્રકાર જુદો છે અને આપણને સતત ‘ભારતીય વેક્સિન પર ભરોસો રાખવાનું’ કહેવામાં આવે છે.
કારણ કે--
- બ્રિટનમાં ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાએ તૈયાર કરેલી અને ભારતની સિરમ ઇન્સ્ટિટ્યુટમાં નિર્મિત કોવિશિલ્ડ તેના ક્લિનિકલ ટ્રાયલના ત્રણ તબક્કા પૂરા કરી ચૂકી હતી. ત્રીજા તબક્કાનાં પરિણામ ‘લાન્સેટ’ જેવા પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત થઈ ચૂક્યાં હતાં. એટલે બ્રિટનની સરકારે તેને મંજૂરી આપી. ત્યાર પછી ભારતે પણ તેને મંજૂરી આપી.
- હૈદરાબાદની કંપની ભારત બાયોટેક દ્વારા બીજી સંસ્થાઓના સહયોગથી વિકસાવાઈ રહેલી કોવેક્સિનના ક્લિનિકલ ટ્રાયલનો ત્રીજો તબક્કો ચાલતો હતો (હજુ ચાલે છે). હજુ સુધી તેના પહેલા તબક્કાના ટ્રાયલનાં પરિણામ જ ‘લાન્સેટ’માં પ્રગટ થયાં છે. છતાં, તેને ભારત સરકારે ઇમર્જન્સી સિચ્યુએશનમાં, ક્લિનિકલ ટ્રાયલ મોડમાં, રિસ્ટ્રિક્ટેડ યુઝ મા્ટે—એટલે કે, કટોકટીભર્યા કાળમાં, ક્લિનિકલ ટ્રાયલના ધોરણે, મર્યાદિત ઉપયોગ માટે મંજૂરી આપી છે. તેના ક્લિનિકલ ટ્રાયલના ત્રણ તબક્કા પૂરા થયા નથી અને તેનાં પરિણામો નિષ્ણાતોની આંખ તળેથી નીકળીને પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત થયાં નથી. માટે, તેની અસરકારકતા વિજ્ઞાનપ્રમાણિત નહીં, પણ ભરોસાનો વિષય છે.
- કોવેક્સિનના ક્લિનિકલ ટ્રાયલને રસીકરણ ઝુંબેશનો ભાગ બનાવવા માટે એવું કહેવામાં આવે છે કે સરકારે બધું જોઈવિચારીને, તબીબી તેમ જ નૈતિક બાબતોની તપાસ કરીને, પરવાનગી આપી છે. તે સાચું હોય તો પણ, તેનાથી કોવેક્સિનનો ડોઝ ક્લિનિકલ ટ્રાયલ મટી જતો નથી. સામાન્ય ક્લિનિકલ ટ્રાયલ અને કોવેક્સિનના સરેઆમ ક્લિનિકલ ટ્રાયલ વચ્ચે ફરક એક જ છેઃ ક્લિનિકલ ટ્રાયલમાં એક જૂથને દવા અને બીજા જૂથને સાદું-નિર્દોષ પ્રવાહી આપવામાં આવે છે અને તેમની પર થયેલી અસરની સરખામણી કરવામાં આવે છે, જ્યારે આ ક્લિનિકલ ટ્રાયલમાં માત્ર રસી જ આપવામાં આવે છે. એટલે બીજા કોઈ સાથે સરખામણીનો સવાલ આવતો નથી.
- કોવેક્સિનને ક્લિનિકલ ટ્રાયલ માટેના નિયમો લાગુ પડે છે. તેના માટે રસી લેનારે પૂરતી જાણકારી સાથેનું સંમતિપત્ર (ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ ફોર્મ) ભરવું ફરજિયાત છે. સંમતિપત્ર સ્થાનિક ભાષામાં હોવું જરૂરી છે. રસી લેતાં પહેલાં તે શાંતિથી વાંચવાનો અને તેને લગતા પ્રશ્નો પૂછવાનો રસી લેનારનો અધિકાર છે. કારણ કે તે રસીકરણ ઝુંબેશમાં નહીં, ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લઈ રહ્યા છે. અઢાર વર્ષથી ઉપરની વ્યક્તિની રસી માટે પસંદગી કરવામાં આવે છે. પણ જો તે વાંચી ન શકતી હોય તો સંમતિપત્ર તેને વાંચી સંભળાવવું પડે છે.
- કઈ અવસ્થા ધરાવતા કે કઈ સારવાર લેતા લોકો કોવેક્સિન ન લઈ શકે, તેની પણ યાદી આપવામાં આવી છે. કારણ કે એ રસીની અસરો હજુ સુધી ભરોસાનો વિષય છે—વૈજ્ઞાનિક પુરાવાનો નહીં.
- રસી ચોક્કસ રોગ સામે પ્રતિકારકતા પેદા કરવા માટે લેવાની હોય છે. રસી નવી હોય કે ક્લિનિકલ ટ્રાયલના તબક્કે હોય ત્યારે મુખ્ય સવાલો હોય છેઃ તેની આડઅસર છે? તેની અસર ક્યારથી શરૂ થશે? તે ક્યાં સુધી ટકશે? આડઅસર ન થાય તે સારી બાબત છે. પણ તે રસી લેવાનો મુખ્ય હેતુ નથી, એટલું યાદ રાખવું પડે.
- કોવિશિલ્ડ રસીકરણ ઝુંબેશનો ભાગ છે, જ્યારે કોવેક્સિન સરકારમાન્ય ક્લિનિકલ ટ્રાયલ છે. ક્લિનિકલ ટ્રાયલમાં ફરજિયાત ભાગ લેવાની ફરજ ન પાડી શકાય, દબાણ ન કરી શકાય, 'સાહેબ નારાજ થશે'ની બીક પણ ન બતાવી શકાય. એવું કરવામાં આવે તો પછી રસી લઈ લીધાનાં બનાવટી પ્રમાણપત્રોનો ધંધો (જો શરૂ નહીં થયો હોય તો) શરૂ થઈ જશે. એના કરતાં પણ મહત્ત્વનો મુદ્દો એ કે આ ભારત છે, ચીન નથી. નથી ને?
આટલી હકીકતો જાણીતી હતી. આજે સરકારી આંકડાથી એ પણ જાણવા મળ્યું કે છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, કેરળ, ઉત્તર પ્રદેશ, તેલંગણા અને પશ્ચિમ બંગાળ—આ સાત રાજ્યોમાં કેન્દ્ર સરકારે કોવિશિલ્ડની સાથે સાથે કોવેક્સિનના ડોઝ પણ મોકલ્યા હતા. ગુજરાતના અપાયેલા કોવેક્સિનના ૧,૫૦,૪૦૦ ડોઝમાંથી ગુજરાત સરકારે ૧,૦૬,૦૪૩ ડોઝ અત્યાર સુધીમાં લોકોને આપી દીધા છે.
બીજાં છમાંથી બે રાજ્યો છત્તીસગઢ અને કેરળે તેમને કેન્દ્ર તરફથી અપાયેલા કોવેક્સિનના ડોઝમાંથી એક પણ ડોઝ લોકોને આપ્યો નથી. ઉત્તર પ્રદેશ જેવા ઉત્તર પ્રદેશમાં કેન્દ્ર સરકારે ૧,૬૫,૨૮૦ ડોઝ આપ્યા હતા. તેમાંથી રાજ્ય સરકારે ફક્ત ૯,૪૫૮ ડોઝ જ લોકોને આપ્યા છે. (બાકી કોવિશિલ્ડના આશરે ૧૯ લાખ ડોઝમાંથી ૬.૬ લાખ ડોઝ ઉ.પ્ર.સરકારે લોકોને આપ્યા છે)
- તમે ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ ફોર્મ જોયું હતું?
- તે ગુજરાતીમાં હતું કે અંગ્રેજીમાં કે બીજી કોઈ ભાષામાં?
- તે ફોર્મ તમે વાંચ્યું હતું?
- તે ફોર્મમાં તમે સહી કરી હતી?
- ફોર્મમાં સહી વાંચીને કરી હતી કે વાંચ્યા વિના?
- એ સિવાય બીજું કોઈ ફોર્મ ભર્યું હતું?
- રસી લેવા માટે તમારી પર કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું હતું?
Monday, January 18, 2021
કોરોના વેક્સિનને લગતા ફેક ન્યૂઝથી બચો
૧. 'આપણી વેક્સિન સૌથી સુરક્ષિત'--એવો દાવો તદ્દન અવૈજ્ઞાનિક અને સત્યથી વેગળો છે. કારણ કે
- એક દિવસમાં રસીની આડઅસર વિશે ખાતરીપૂર્વક કશું કહી શકાય નહીં નહીં અને તેના આધારે રસીની સુરક્ષિતતાના દાવા કરી શકાય નહીં.
- 'સૌથી સુરક્ષિત' કહેવા માટે બીજી વેક્સિનોની સુરક્ષિતતાના આંકડા આપવા પડે. તેમાં આપણી વેક્સિનના આંકડા સૌથી વધારે હોય-આડઅસરનું પ્રમાણ સૌથી ઓછું હોય, ત્યારે તે સૌથી સુરક્ષિત કહેવાય.
૨. 'કોરોના સામેની લડતમાં ભારત આગેવાન દેશ બની ગયો છે અને દેશને આ સ્થાન આપણા સક્ષમ વૈજ્ઞાનિકોએ અપાવ્યું છે'-- આ દાવો પણ સત્યથી વેગળો છે.
- હાલ અપાઈ રહેલી બે રસીમાંથી કોવિશિલ્ડ આશરે ૭૦ ટકા અસરકારક ગણાય છે અને પ્રમાણમાં સલામત છે. તે રસીનું ઉત્પાદન ભારતમાં થાય છે ખરું, પણ તેના સંશોધનમાં 'આપણા સક્ષમ વૈજ્ઞાનિકો'નો કોઈ ફાળો નથી. આ રસી બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રેઝેનેકા કંપનીએ તૈયાર કરેલી છે અને ભારતની ખાનગી કંપની એવી સિરમ ઇન્સ્ટિટ્યુટમાં તેનું જથ્થાબંધ ઉત્પાદન થઈ રહ્યું છે, જે માટેની સજ્જતા કેળવવાનાં નાણાં સિરમ ઇન્સ્ટિટ્યુટને ભારત સરકારે નહીં, બિલ ગેટ્સ ફાઉન્ડેશને આપ્યાં હતાં.
- બીજી રસી 'કોવેક્સિન'ના પહેલા અને બીજા ટ્રાયલના આંકડા ઉપલબ્ધ નથી. તેનો ત્રીજો ટ્રાયલ ચાલે છે. કોવેક્સિન આપતાં પહેલાં રસી લેનાર પાસેથી સંમતિપત્ર ભરાવવામાં આવે છે, તેમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે "ક્લિનિકલ ટ્રાયલ મોડ"માં મંજૂરી આપવામાં આવી છે. (for restricted use in emergency situation in public interest as an abundant precaution, in clinical trial mode)
- મતલબ, કોવેક્સિન અપાય તે રસીકરણનો નહીં, ક્લિનિકલ ટ્રાયલનો હિસ્સો ગણાય.
માટે, 'વિક્રમસર્જક' ને 'દુનિયામાં અગ્રેસર' ને 'આપણી સૌથી ઉત્તમ' ને એવાં બધાં મથાળાંથી સાવધાન રહેજો. એ નાગરિકોને સાચી માહિતી આપતાં નહીં, સરકારની આરતી ઉતારતાં હોય એવી સંભાવના વધારે હોઈ શકે છે.
છેલ્લે-
- રસીને લગતી ટૅક્નિકલ-તબીબી બાબતો નિષ્ણાતો પર છોડવી જોઈએ, પણ એ સિવાયની સામાન્ય સમજની બાબતોમાં વ્યક્તિએ પોતાની સમજ વાપરવી પડે. વિચારવાની બાધા લઈ લેવાથી ભક્ત બનાય, નાગરિક નહીં.
- પૂરક માહિતી આપનાર તબીબોને વિનંતી કે પોસ્ટમાં કઈ વાત ખોટી છે તે પણ જણાવે. તે અહીં નમ્રતાપૂર્વક અને પ્રેમથી સુધારી લેવામાં આવશે. અને પોસ્ટમાં કશું ખોટું ન હોય તો એટલું કહેવા જેટલી ખુલ્લાશ પણ બતાવતા જાય.
- સાચી માહિતીની અવેજીમાં પોઝિટિવ થિંકિંગની વાતો કરનારાએ તસ્દી લેવી નહીં.
Wednesday, January 13, 2021
કોરોનાની રસીકરણઃ જાણવા જેવી માહિતી, પૂછવા જેવા સવાલ
ઉર્વીશ કોઠારી
ઉત્તરાયણ પછી દેશભરમાં કોરોનાની રસીકરણ અભિયાન શરૂ થવાનું છે. તે માટેના ડોઝ જુદાં જુદાં રાજ્યોમાં પહોંચી ચૂક્યા છે. પ્રસાર માધ્યમોમાં મંગળ-મંગળ મથાળાં બની ચૂક્યાં છે. વડાપ્રધાને માનવજાતને બચાવવા માટેની કટીબદ્ધતા વ્યક્ત કરી દીધી છે. આરોગ્ય-સુવિધાઓમાં અવ્વલ ગણાતા પશ્ચિમી દેશોમાં રસીનાં ઠેકાણાં નથી, ત્યારે ભારતમાં રસીકરણ શરૂ થઈ જશે, એ વાતે પણ ગૌરવની છોળો ઉછળી રહી છે. ત્યારે રસી વિશે કેટલીક માહિતી જાણી લેવી સારી.
ભારતના રસીકરણ અભિયાનમાં બે પ્રકારની રસી અપાશે. ૧) બ્રિટનમાં શોધાયેલી કોવિશિલ્ડ અને ૨) ભારતીય કંપની ભારત બાયોટેકે શોધેલી કોવેક્સિન.
કોવિશિલ્ડ
- આ રસીનું સંશોધન યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ અને તેમાંથી ઊભી થયેલી કંપની વૅક્સિટૅકે આરંભ્યું હતું. એપ્રિલ ૩૦, ૨૦૨૦ના રોજ આ બંને સંસ્થાઓ રસી વિકસાવવાની કામગીરી તેમ જ તેના મોટા પાયે ઉત્પાદન અને વિતરણ માટે બ્રિટિશ કંપની એસ્ટ્રાઝેનેકા સાથે હાથ મિલાવ્યા. બ્રિટિશ સરકારે ઑક્સફર્ડ યુનિવર્સિટીને સંશોધન અને ટ્રાયલ માટે ૨ કરોડ યુરોનું ભંડોળ આપ્યું.
- વર્ષની મધ્યમાં એસ્ટ્રાઝેનેકાએ રસીના ઉત્પાદન-વિતરણ માટે ભારતની ‘સિરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયા’ (SII) સાથે ભાગીદારી કરી. કેમ કે, તે રસીના જથ્થાબંધ ઉત્પાદનમાં વિશ્વસ્તરે નંબર વન ગણાય છે. સિરમ ઇન્સ્ટિટ્યુટ ખાનગી કંપની છે અને તેની સ્થાપના ૧૯૬૬માં થઈ હતી.
- સિરમ ઇન્સ્ટિટ્યુટ કોરોનાની રસીનું ઝડપથી અને અસરકારક રીતે ઉત્પાદન કરી શકે, તે માટે બિલ ગેટ્સના ફાઉન્ડેશને બે તબક્કે થઈને ૩૦ કરોડ ડોલર ફાળવ્યા. પંદર-પંદર કરોડ ડોલરના બે ભાગમાં વહેંચાયેલી આ રકમ રસીકરણ માટેની વૈશ્વિક ભાગીદારી કરતી સંસ્થા ‘ગેવી’ થકી સિરમ ઇન્સ્ટિટ્યુટને ફાળવાઈ. (ગેવીઃ ધ ગ્લોબલ અલાયન્સ ફોર વેક્સિન્સ એન્ડ ઇમ્યુનાઇઝેશન્સ)
- ‘ગેવી’ સિરમ
ઇન્સ્ટિટ્યુટને તેની ઉત્પાદનક્ષમતા વધારવા માટે આગોતરું ભંડોળ પૂરું પાડે. તેના
બદલામાં સિરમ ઇન્સ્ટિટ્યુટે ‘ગેવી’
માટે ૨૦ કરોડ વેક્સિન તૈયાર કરવાની. એક વેક્સિનની કિંમત ૩ ડોલર રાખવાની અને તેને ‘ગેવી’ના સભ્ય એવા મધ્યમ અને ઓછી આવકવાળા ૯૨ દેશોને ૩
ડોલર પ્રતિ રસીના ભાવે જ આપવાની. ભારત પણ ‘ગેવી’નું સભ્ય છે. (સંદર્ભઃ સપ્ટેમ્બર ૨૯,૨૦૨૦, SII વેબસાઇટ) ‘ગેવી’એ આપેલું
લક્ષ્યાંક પૂરું થઈ ગયા પછી સિરમ ઇન્સ્ટિટ્યુટ ભારતમાં રસી તેને ઠીક લાગે તે
બજારભાવે વેચી શકે.
- જાન્યુઆરી ૧૧ના રોજ સરકારે સિરમ ઇન્સ્ટિટ્યુટને આપેલા ૧.૧ કરોડ રસીના ઓર્ડરમાં રસી દીઠ રૂ. ૨૦૦ કિંમત વત્તા ૧૦ રૂ. જીએસટી એક રસીની કિંમત રૂ.૨૧૦ ઠરાવવામાં આવી છે. સિરમ ઇન્સ્ટિટ્યુટને અપાયેલો ઓર્ડર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વતી, ભારતના સરકારના જાહેર સાહસ The HLL Lifecare Limited તરફથી અપાયો છે.
એ વખતે એસ્ટ્રાઝેનેકાની વૅક્સિન ઉપરાંત નોવાવેક્સ નામની વેક્સિન પણ સંશોધનના તબક્કે હતી. જો તેને મંજૂરી મળે તો, તેનું પણ ઉત્પાદન ‘ગેવી’ અને ગેટ્સ ફાઉન્ડેશન સાથેની ભાગીદારી અંતર્ગત સિરમ ઇન્સ્ટીટ્યુટે કરવાનું હતું. પરંતુ હજુ નોવાવેક્સ મંજૂરીના તબક્કે પહોંચી નથી.
ટૂંકમાં
- કોવિશિલ્ડ રસીની શોધ ભારતમાં થઈ નથી. તેની શોધ માટેનાં નાણાં બ્રિટિશ સંસ્થાને બ્રિટિશ સરકારે આપ્યાં છે.
- તેના જથ્થાબંધ ઉત્પાદન માટે ક્ષમતામાં વધારો કરવો પડે. તેનાં નાણાં સિરમ ઇન્સ્ટિટ્યુટને ભારત સરકારે નહીં, ગેટ્સ ફાઉન્ડેશને આપ્યાં છે.
- આ કામ ભારતીય કંપની એવી સિરમ ઇન્સ્ટિટ્યુટને મળે તે બેશક ગૌરવની વાત છે. પણ તે ખાનગી માલિકીની કંપની છે અને તેની સ્થાપના ૧૯૬૬માં થઈ હતી. માટે તેમાં સરકારે કશું ગૌરવ લેવાપણું નથી.
કોવિશિલ્ડની અસરકારકતાઃ કંપનીએ જાહેર કરેલી માહિતી
- એસ્ટ્રાઝેનેકાની રસી તેના બીજા ડોઝના ૧૪ દિવસ પછી, સિમ્પ્ટોમિક કોવિડ-૧૯નો ચેપ અટકાવવામાં સરેરાશ ૭૦.૪ ટકા કિસ્સામાં અસરકારક નીવડી છે. રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલ બ્રિટન અને બ્રાઝિલમાં હાથ ધરવામાં આવ્યા હતા અને ઉપરનું પરિણામ ડિસેમ્બર ૨૩, ૨૦૨૦ના રોજ જાહેર કરવામાં આવ્યું.
- બ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા ચાર ક્લિનિકલ ટ્રાયલમાં ૨૦ હજારથી વધુ લોકોએ ભાગ લીધો. તે કોઈને રસીના બે ડોઝ લીધા પછી ગંભીર ચેપ કે દવાખાનામાં દાખલ થવું પડ્યું હોય એવું બન્યું નથી.
- અમેરિકા અને બીજા દેશોમાં મંજૂરી મેળવવા માટે એસ્ટ્રાઝેનેકા તરફથી મોટા પાયે ટ્રાયલ (પ્રયોગો) ચાલી રહ્યા છે. રસીની અસરકારતા વિશેના પ્રયોગો અને તેની આંકડાકીય માહિતી પીઅર-રીવ્યૂડ (એટલે કે બીજા નિષ્ણાતો દ્વારા ચકાસાયા બાદ પ્રકાશિત થતા) ‘લાન્સેટ’ જર્નલમાં છપાઈ હતી. તે એસ્ટ્રાઝેનેકા કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
- ડિસેમ્બર ૩૦, ૨૦૨૦ના રોજ બ્રિટનની નિયંત્રક સંસ્થાએ એસ્ટ્રાઝેનેકાને ઇમરજન્સી સપ્લાય તરીકે માન્યતા આપી. ત્યાર પછી કંપનીએ યુરોપમાં આવી માન્યતા માટે અરજી કરી છે અને અમેરિકામાં મોટા પાયે ટ્રાયલ ચલાવી રહી છે. પરંતુ ત્યાં તેને હજુ આવી માન્યતા મળી નથી.
કોવિશિલ્ડની અસરકારકતાઃ કંપનીએ આપેલી માહિતીનો સાદી ભાષામાં અર્થ
- રસીના બે ડોઝ પછી પણ તે ૭૦.૪ ટકા કિસ્સામાં કોવિડ-૧૯નો બાહ્ય લક્ષણો દર્શાવતો ચેપ રોકવામાં અસરકારક બની છે. (…the vaccine was 70.4% effective at preventing symptomatic COVID-19 occurring more than 14 days after receiving two doses of the vaccine).
- યાદ રહે કે બે ડોઝ વચ્ચેનો સમયગાળો એક મહિનાથી ત્રણ મહિના સુધીનો હોઈ શકે છે. માટે બીજો ડોઝ ન મળી જાય ત્યાં સુધી તો એમ જ માનવાનું છે કે રસી લીધી નથી અને એ રીતે સાવચેતીનું પાલન કરવાનું છે.
- રસી બંને ડોઝ પછી પણ ૭૦.૪ ટકા લોકો પર તેની અસર કરે છે અને ૨૯.૬ ટકા લોકો પર તેની અસર થતી નથી. એટલે કે (અત્યારે ઉપલબ્ધ પરિણામો મુજબ), દર ૧૦૦૦માંથી ૭૦૪ લોકો પર રસી અસર કરે છે અને ૨૯૬ લોકો પર અસર કરતી નથી. માટે, રસીના બંને ડોઝ મળ્યા પછી પણ એવી આશા રાખવાની કે આપણો સમાવેશ પેલા ૭૦.૪ ટકામાં થાય.
- આ વાતને એ રીતે પણ મુકી શકાય કે ૧૦૦૦ લોકોમાંથી ૨૯૬ લોકોને રસીના બંને ડોઝ લીધા પછી પણ કોરોનાનો ચેપ લાગવાની શક્યતા રહે છે.
- બ્રિટનની નિયંત્રક સંસ્થાએ ડિસેમ્બર ૩૦, ૨૦૨૦ના રોજ એસ્ટ્રાઝેનેકાની રસીને ઇમરજન્સી સપ્લાય (કટોકટીકાળના પુરવઠા) તરીકે માન્યતા આપી. તે ૧૮ વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિને જ આપી શકાય છે. તેમાં રસીના બે ડોઝ વચ્ચેનો સમયગાળો એક મહિનાથી ત્રણ મહિના સુધીનો રાખવાનું જણાવાયું છે.
પણ ફાઇઝર અને મોડર્નાની ૯૦ ટકા અસરકારકતા ધરાવતી રસી મોજૂદ છે, છતાં બ્રિટને ૭૦.૪ ટકા અસરકારકતાવાળી રસીને મંજૂરી શા માટે આપી?
- ફાઇઝર અને મોડર્ના અમેરિકાની કંપનીઓ છે. તેમની રસીની જાળવણીમાં અત્યંત નીચું તાપમાન જરૂર છે. એટલે તેના માટે નવેસરથી સુવિધાઓ ઉભી કરવાની થાય. તેના જથ્થાની ઉપલબ્ધિના પણ પ્રશ્નો થાય. કારણ કે અમેરિકા પોતે રસીની તાતી જરૂરિયાત ધરાવે છે.
- બીજી તરફ, એસ્ટ્રાઝેનેકાની રસી માટે બ્રિટનની સરકાર ૨ કરોડ યુરો આપી ચૂકી છે. તેની જાળવણીમાં ઓછા તાપમાનની કે વધારાની સુવિધાની કશી માથાકૂટ નથી. માટે, એસ્ટ્રાઝેનેકાની રસીની અસરકારકતા ૧૦૦ ટકા સુધી પહોંચે ત્યાં સુધી રાહ જોવાને બદલે, બ્રિટનની સરકારે તેને ઇમરજન્સી સપ્લાય તરીકે માન્યતા આપવાનું પસંદ કર્યું છે.
બ્રિટનની સરકારે ડિસેમ્બર ૩૦ના રોજ એસ્ટ્રાઝેનેકાની રસીને ઇમરજન્સી સપ્લાય તરીકે માન્યતા આપી, તેની પાછળ ને પાછળ જાન્યુઆરી ૧,૨૦૨૧ના રોજ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) તરફથી સિરમ ઇન્સ્ટિટ્યુટમાં ઉત્પાદિત થનારી કોવિશિલ્ડને ઇમરજન્સી યુઝ અપ્રુવલ આપવામાં આવ્યું છે.
બ્રિટનમાં એ રસીને ૧૮ વર્ષની ઉપરનાં લોકો માટે વાપરી શકાશે, જ્યારે ભારતમાં ૧૨ વર્ષની ઉપરનાં સૌને એ રસીના બે ડોઝ આપવાના છે. એક જ રસીની વયમર્યાદા ભારતમાં ઘટાડીને ૧૨ વર્ષ કરવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.
કોવેક્સિન અને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા
ભારતમાં રસીને મંજૂરી આપવાનું કામ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)નું છે. તેમણે વિષયનિષ્ણાત સમિતિની ભલામણના આધારે મંજૂરી આપી હોવાનું જણાવ્યું.
DCGIના જોઇન્ટ ડ્રગ્સ કન્ટ્રોલર ડૉ. સોમાણીએ કોવિશિલ્ડને મંજૂરી આપતી વખતે તેના ટ્રાયલ (પ્રયોગો)ને લગતા આંકડા આપ્યા, પરંતુ ‘ભારત બાયોટેક’ની કોવેક્સની વાત કરતી વખતે કહ્યું કે તે સલામત છે અને ‘રોબસ્ટ ઇમ્યુન રીસ્પોન્સ’ આપે છે. (રોગપ્રતિકારતાના મામલે મજબૂત પ્રતિભાવ આપે છે). તેમણે એમ પણ કહ્યું કે બંને વેક્સિન ૧૧૦ ટકા સેફ છે. બાકી, જરા પણ અવઢવ હોય તો અમે પરવાનગી આપીએ નહીં.
- ડૉ. સોમાણીની વાતમાં પહેલો મુદ્દો એ છે કે વિજ્ઞાનના પ્રયોગોમાં ‘રોબસ્ટ ઇમ્યુન રીસ્પોન્સ’ જેવાં વિશેષણોનું કશું મહત્ત્વ નથી. તેના આંકડા આપવા પડે. રોબસ્ટ એટલે કેટલા ટકા?
- બીજો મુદ્દોઃ કોઈ પણ વેક્સિન ૧૧૦ ટકા સેફ ન હોઈ શકે. DCGI તરફથી વિજ્ઞાનની વાત થતી હોય ત્યારે ‘૧૧૦ ટકા’ જેવા બોલચાલના પ્રયોગો ન ચાલે.
- ત્રીજો મુદ્દોઃ ભારત બાયોટેકના કૃષ્ણ એલ્લા ખુદ કહે છે કે તેમની રસીના ટ્રાયલમાં ૧૦ ટકા કરતાં ઓછા કિસ્સામાં સાઇડ ઇફેક્ટ્સ થાય છે. તો પછી DCGI ૧૧૦ ટકા સલામતીની ખાતરી કયા આધારે આપી શકે?
કોવેક્સિનઃ અધકચરી અને શંકાસ્પદ માહિતી
કોવેક્સિનના ત્રણ તબક્કાના ટ્રાયલના સમયગાળા અને કેટલા લોકો પર પ્રયોગો હાથ ધરાયા તેના વિશેની માહિતી પણ ચિંતા ઉપજાવનારી છે. સાકેત ગોખલેએ દસ્તાવેજો ટાંકીને રજૂ કરેલી માહિતી પ્રમાણે, ભારત બાયોટેકની કોવેક્સિનનો--
- પહેલો તબક્કો ઑગસ્ટ ૧, ૨૦૨૦થી માર્ચ, ૨૦૨૧ સુધીનો હતો. આ વિગત કંપનીએ લેખિતમાં જુલાઇ ૧, ૨૦૨૦ના રોજ રજિસ્ટર કરી. તેમાં જણાવ્યા પ્રમાણે, પહેલા તબક્કામાં ૧૧૨૫ લોકો પર પ્રયોગ થવાના હતા.
- બીજો તબક્કો સપ્ટેમ્બર ૮, ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૧ સુધીનો હતો. આ વિગત કંપનીએ સપ્ટેમ્બર ૮, ૨૦૨૦ના રોજ રજિસ્ટર કરાવી. તેમાં કુલ ૧૨૪ લોકો પર પ્રયોગ થવાના હતા.
- ત્રીજો તબક્કો નવેમ્બર ૨૦, ૨૦૨૦થી શરૂ થઈને નવેમ્બર, ૨૦૨૧ (એટલે કે બીજો તબક્કો પુરો થવાના એક મહિના પહેલાં) પૂરો થવાનો હતો. તેમાં કુલ ૨૫,૮૦૦ લોકો પર પ્રયોગ થવાનો હતો.
આ બધી વિગતો કંપનીએ લેખિતમાં આપેલી છે.
કોવેક્સિનને સરકારે ઇમરજન્સી મંજૂરી આપી દીધી, ત્યારે કોવેક્સિનનો પહેલો અને બીજો બે તબક્કા પૂરા થયા હોવાનું કંપનીએ જણાવ્યું છે. મતલબ, કુલ ૧૧૨૫ + ૧૨૪ = ૧,૨૪૯ લોકો પર જ કોવેક્સિનનો પ્રયોગ થયો છે. અને તેનાં પરિણામો કંપનીએ વિગતવાર, પીઅર-રીવ્યૂ ધરાવતા જર્નલમાં પ્રમાણિત રીતે જાહેર કર્યાં નથી. કંપનીના માલિક કૃષ્ણ એલ્લાનો દાવો છે કે તેમની કંપનીએ '૨૦૦ ટકા પ્રામાણિક રીતે' ક્લિનિકલ ટ્રાયલ કર્યા છે.- ફરી એ જ વાત. આમાં ૨૦૦ ટકા ક્યાંથી આવ્યા? ૧૦૦ ટકા જ પૂરતા થાય, પણ એ બીજા નિષ્ણાતો ચકાસીને કહે ત્યારે. જાતે ને જાતે ૨૦૦ ટકાનાં પ્રમાણપત્રો ફાડ્યાનો શો અર્થ?
- ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે કૃષ્ણ એલ્લાએ જ કહ્યું છે કે તે પરિણામો માર્ચ,૨૦૨૧માં આવશે.
- મતલબ, સરકારે કોવેક્સિનનાં પહેલા બે તબક્કાના, માત્ર ૧,૨૪૯ લોકો પરના પ્રયોગો અને તેના નિષ્ણાતો દ્વારા પ્રમાણીત નહીં એવાં પરિણામોના આધારે કોવેક્સિનને મંજૂરી આપી દીધી છે.
- આરોગ્યમંત્રી હર્ષવર્ધને તો જાન્યુઆરી ૪ના રોજ એવું પણ જાહેર કરી દીધું કે ભારત બાયોટેકની વેક્સિન બ્રિટનમાં આવેલા કોરોનાના નવા સ્વરૂપ સામે પણ અકસીર નીવડી શકે છે. હજુ પ્રચલિત કોરોના સામે જેની અસરકારકતા પુરવાર થવી બાકી હોય, દેશના આરોગ્યમંત્રી ટાઢા પહોરે આવી બડાઈ મારે છે.
આજના અખબારી અહેવાલ પ્રમાણે, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે જાન્યુઆરી ૧૪ સુધીમાં કોવિશિલ્ડના ૧.૧ કરોડ ડોઝ અને કોવેક્સિનના ૫૫ લાખ ડોઝ મળી જશે.
મતલબ, જેની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ છે એવી કોવેક્સિનના ૫૫ લાખ ડોઝ ટૂંક સમયમાં દેશભરમાં ફરતા થઈ જશે. પીટીઆઇના અહેવાલ પ્રમાણે, એક કોવેક્સિનની કિંમત રૂ.૨૯૫ છે. (કોવિશિલ્ડની કિંમત રૂ. ૨૧૦ છે.)
જો તમે એમ વિચારતા હો કે ‘કંઈ વાંધો નહીં, મારે રસી લેવાની આવશે ત્યારે હું ૭૦.૪ ટકા અસરકારકતાવાળી પણ કમ સે કમ પ્રમાણીત પરિણામોવાળી કોવિશિલ્ડ જ લઈશ.’ તો એ વાત પણ મનમાંથી કાઢી નાખજો. કેમ કે, આરોગ્ય સચિવે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે વેક્સિન લેનારને બેમાંથી કઈ વેક્સિન લેવી છે તે નક્કી કરવાની પસંદગી નહીં મળે.
રાજેશ ભૂષણે કહ્યું કે 'દુનિયાના કોઈ દેશમાં આવી પસંદગી નથી મળતી.' પણ ભાઈ, અહીં સવાલ દુનિયાના દેશોનો કે શોખ ખાતર પસંદગીનો નથી. અહીં તો પ્રમાણીત પરિણામો ધરાવતી અને પ્રમાણીત પરિણામો વગરની-ફક્ત ૧,૨૪૯ લોકો પર પ્રયોગ થયેલી રસી વચ્ચેની પસંદગીનો છે.
સરકાર શા માટે પૂરતી ચકાસણી વિનાની, શંકાસ્પદ ગુણવત્તા ધરાવતી કોવેક્સિન ઠોકી બેસાડવા માગે છે?
સરકારે તો કારણ કહ્યું નથી. કેટલાક જવાબની કલ્પના કરી શકાય.
- આત્મનિર્ભરતાની બડાઈ મારવા. (વડાપ્રધાને જાન્યુઆરી ૩ના રોજ ટિ્વટમાં લખ્યું કે ‘આ આપણા વિજ્ઞાની સમુદાયની આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન પૂરું કરવાની આતુરતા સૂચવે છે, જેના પાયામાં કાળજી અને કરુણા છે.’)
- બ્રિટનમાં સંશોધનથી તૈયાર થયેલી કોવિશિલ્ડથી અમે કંઈ પાછળ નથી,એવું દર્શાવવાની ઉત્સુકતા.
- પોતાનો ગેરવહીવટ ઢાંકવા માટે, કંઈ પણ સારું થાય જશ ખાટી લેવાની વડાપ્રધાનની પ્રકૃતિ.
સિરમ ઇન્સ્ટિટ્યુટ વિરુદ્ધ ભારત બાયોટેકઃ સમાધાન થતાં પહેલાંની સ્થિતિ
જાન્યુઆરી ૩, ૨૦૨૦ સિરમ ઇન્સ્ટિટ્યુટના માલિક અદાર પૂનાવાલાએ કહ્યું કે ‘ફક્ત ત્રણ રસી બધાં વૈજ્ઞાનિક પરીક્ષણોમાંથી પાર ઉતરી છે. ફાઇઝર-બાયોએનટેક, મોડર્ના અને ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા. બાકીની બધી પાણી જેટલી સલામત છે, પણ તેમની અસરકારકતાની ચકાસણી થવી હજુ બાકી છે.’
જાન્યુઆરી ૪, ૨૦૨૦ ભારત બાયોટેકના કૃષ્ણ એલ્લાએ કહ્યું, ‘અમે ૨૦૦ ટકા પ્રામાણિક ક્લિનિકલ ટ્રાયલ કર્યા છે. છતાં અમને નકારાત્મક પ્રતિક્રિયાઓ મળે છે. કેટલીક કંપનીઓ અમારી રસીને પાણી જેવી કહે છે.’
ઉપરાંત, કૃષ્ણ એલ્લાએ કોવિશિલ્ડના ડોઝના પ્રમાણમાં વાંધો કાઢ્યો. એમ પણ કહ્યું કે કોવિશિલ્ડ બનાવનાર એસ્ટ્રાઝેનેકા કંપની ટ્રાયલ દરમિયાન રસી લેનાર દરેકને સાથે ચાર ગ્રામ પેરાસિટામોલ આપતી હતી, જેથી વેક્સિનની આડઅસર દબાઈ જાય. તેમણે કહ્યું કે રસીની બિલકુલ આડઅસર ન હોય તે માનવાજોગ નથી. તેને બદલે અમારી કોવેક્સિનમાં ૧૦ ટકાથી ઓછા પ્રમાણમાં આડઅસર થાય છે, જે વાસ્તવિક લાગે છે.
કોવિશિલ્ડને મંજૂરી મળતાં અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે તેમણે લીધેલું (રસીઓનું આગોતરું ઉત્પાદન કરી રાખવાનું) જોખમ ફળ્યું.
કોવેક્સિનના કૃષ્ણા એલ્લાએ કહ્યું કે ‘આખા દેશમાંથી જોખમ તો અમે જ લીધું હતું. અમને ગેટ્સ ફાઉન્ડેશનના રૂપિયા નથી મળ્યા.’ તેમણે એમ પણ કહ્યું કે ‘હું એસ્ટ્રાઝેનેકાની જેમ ટ્રાયલ કરું તો (મારી) કંપની બંધ થઈ જાય.’ અને ‘મારી કંપની ભારતીય છે એટલે તેને નીચી પાડવામાં આવે છે.’
બે દિવસની લડાઈ પછી, સંભવતઃ સરકારી દરમિયાનગીરી પછી, પૂનાવાલા અને એલ્લાએ સહિયારું, ડાહ્યુંડમરું નિવેદન બહાર પાડીને મામલો આટોપી લીધો. પરંતુ નાગરિકો માટે તો પ્રશ્નો ઊભા રહે જ છે.
છેલ્લે
- સરકારે સિરમ ઇન્સ્ટિટ્યુટને આપેલો ૧.૧ કરોડ રસીનો ઓર્ડર ઇન્સ્ટિટ્યુટે બિલ ગેટ્સ ફાઉન્ડેશન અને 'ગેવી' સાથે કરેલા ૨૦ કરોડ રસી આપવાના કરારનો હિસ્સો છે? કે ભારત સરકારે તેનો અલગથી ઓર્ડર કર્યો છે?
- કોવિશિલ્ડ માટે વડાપ્રધાને રસીનું સંશોધન કરનાર (ઓક્સફર્ડ યુનિ.-એસ્ટ્રાઝેનેકા) અને ઉત્પાદન માટે આગોતરાં નાણાં આપનાર (બિલ ગેટ્સ ફાઉન્ડેશન)નો આભાર માન્યો છે કે પછી આત્મનિર્ભરતાનાં જ બિલ ફાડ્યાં છે?
- પ્રમાણીત આંકડા અને ટ્રાયલ પરિણામો તથા ૭૦ ટકા અસરકારકતા ધરાવતી કોવિશિલ્ડની એક રસી સરકારને રૂ.૨૧૦માં મળશે. (થેન્ક્સ ટુ બિલ ગેટ્સ ફાઉન્ડેશન). પ્રમાણીત ન હોય એવા આંકડા અને ફક્ત ૧,૨૪૯ લોકો પર જેનો ટેસ્ટ થયો છે એવી રસી સરકારને રૂ. ૨૯૫માં પડશે.
- પૂરતા ક્લિનિકલ ટ્રાયલ વગર, ઇમરજન્સી અપ્રુવલની જોગવાઈનો (ગેર)લાભ લઈને કોવેક્સિનને અપાયેલી ઇમરજન્સી મંજૂરી પછી, તેની સંભવિત આડઅસરો કે બીજાં પરિણામોની જવાબદારી કોણ ઉપાડશે અને કેવી રીતે, એ અંગે સ્પષ્ટતાપૂર્વક જાણવા મળ્યું નથી.
માટે, વેક્સિનની ઝળહળતી સફળતા બદલ તોરણીયાં બાંધવા ને વાજાં વગાડવા મંડી પડતાં મથાળાંથી ચેતજો. સરકારનાં ગીત ગાનારાને તો બક્ષિસ મળશે, પણ આપણને કાચાપાકા પરીક્ષણવાળી કોવેક્સિન મળે એવી પૂરતી સંભાવના છે.
--અને કોવિશિલ્ડ મફત મળે તો સરકારને થેન્ક્સ કહેજો-માપસરનો આભાર માનજો. સાથોસાથ,
તેની કિંમત રૂ.૨૦૦ સુધી આણી દેનારા બિલ ગેટ્સ ફાઉન્ડેશન અને ખાસ તો, એ
રસીની શોધ કરનાર યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ, તેને ર કરોડ પાઉન્ડ આપનાર બ્રિટન
સરકાર, એસ્ટ્રાઝેનેકા કંપની અને ઉત્પાદક સિરમ ઇન્સ્ટિટ્યુટને યાદ કરવાનું ભૂલતા નહીં.
તમને કોવિશિલ્ડ મળી ગઈ, એટલે જેમના ભાગે કોવેક્સિન આવવાની છે તેમના વતી અને દેશના જાગ્રત નાગરિક તરીકે સવાલો કરવાનું ભૂલતા નહીં.
--અને ૭૦ ટકા અસરકારકતાને બદલે (૧૧૦ કે ૨૦૦ ટકા નહીં) ૧૦૦ ટકાની નજીકની અસરકારકતા ધરાવતી રસી આવે તેની રાહ જોજો.
Thursday, December 24, 2020
મજરે મહેમાનો ઉર્ફે 'ગેસ્ટ ક્રૅડિટ'
કોરોનાકાળમાં બીજા ‘ચાળા’ શાંત રહ્યા હોય, તો પણ છેલ્લા થોડા સમયથી લગ્નચાળો પુરજોશમાં ફાટી નીકળ્યો છે. લગ્નો ચાલુ રહે એ તો જાણે બરાબર, પણ લગ્નોની ઉજવણી ચાલુ રહી છે—જાણે સરકારના કુશાસન સામે લોકો પોતાની બેદરકારી લઈને, સરકારને હરાવી દેવાના દૃઢ નિશ્ચય સાથે હરીફાઈમાં ઉતર્યા હોય. જો એવું હોય તો એ સ્પર્ધાના પરિણામ તરીકે લોકોની બેદરકારીને વિજેતા જાહેર કરી દેવી જોઈએ, જેથી એ ભયાનક સ્પર્ધાનો અંત આવે.
સરકારે લગ્નમાં મહેમાનોની સંખ્યા પર અંકુશ મૂક્યો, તેનાથી ઘણા લોકોની સામાજિક લાગણી દુભાઈ છે. ‘અમારે ઘેર પહેલો/બીજો જ/છેલ્લો પ્રસંગ અને અમારે જ બધો અંકુશ રાખવાનો?’ એવો આક્રોશમય સવાલ તેમના મનમાં જાગે છે. નોટબંધી જેમને તઘલકી લાગી ન હતી એવા કેટલાક લોકોને પણ, લગ્નમાં બંને પક્ષે પચાસ—એમ કુલ સો જ મહેમાન બોલાવવાના,એ નિર્ણય તઘલકી અને આપખુદશાહી લાગે છે. આંતરધર્મીય લગ્ન માટે સરકારમાં નોંધણી કરવાની જોગવાઈમાં જેને મૂળભૂત અધિકારનો ભંગ નથી લાગતો, એવા ઘણા લોકોને મહેમાનોનાં નામ કલેક્ટર કચેરીમાં નોંધાવતાં, ધામધૂમ કરવાના પોતાના મૂળભૂત અધિકાર પર તરાપ વાગી હોય એવું લાગે છે. કેટલાક લોકો આખી વાતને આક્રોશને બદલે મજબૂરીના ખાનામાં લઈ જાય છે અને કહે છે કે ‘પચાસ મહેમાનોમાં કોને બોલાવવા અને ખાસ તો કોને ન બોલાવવા, એનું ધર્મસંકટ ઊભું થાય છે. અમારા તો વર્ષોના સંબંધ સરકારે કસોટી પર ચડાવી દીધા. હવે અમારે કેમ કરવું?’
આપણી ધરતી બહુરત્ના છે અને લોકોમાં મૌલિકતાનો ભંડાર છે. છલકાઈ રહેલી મૌલિકતા જ કદાચ તેમને કાયદાના પાલનને બદલે કાયદાના ભંગ ભણી પ્રેરે છે. કાયદો પાળવામાં શી કમાલ? એની તો બધા માટે એક જ રીત હોય. પછી પોતીકી મૌલિકતાનો ઉપયોગ ક્યારે કરવાનો? તેને બદલે કાયદો ન પાળવા માટે અનેક તરકીબો ને તિકડમો કરવાં પડે છે. તેના લીધે મગજની ધાર નીકળેલી રહે છે ને નવા નવા કાયદાના ભંગની નવી નવી રીતો સૂઝતી રહે છે. કમનસીબે આઇડીયા અને ઇનોવેશનની વાતો કરતી સરકારો આવી મૌલિકતાને પ્રમાણી શકતી નથી અને તેને ગુનાઈત ઠરાવવાની કોશિશ કરે છે.
લગ્નમાં મહેમાનોની સંખ્યાનો અંકુશ તોડવા માટે કેટલાક લોકો એક જ પ્રસંગના એકથી વધુ જમણવાર યોજીને સોના ગુણકમાં દરેક વખતે જુદા મહેમાનોને બોલાવી લે છે. તેનાથી બંને પક્ષનું સચવાઈ રહે છેઃ મહેમાનોને માઠું લગાડવાની તક રહેતી નથી અને યજમાનની વટ પાડવાની તક છિનવાતી નથી. બીજો રસ્તો શહેરથી-પોલીસની હાજરીથી દૂર જઈને આવા સમારંભ પાર પાડી આવવાનો છે. તેમાં યજમાન ‘એ દિલ મુઝે ઐસી જગહ લે ચલ, જહાં કોઈ ન હો’ જેવી લાગણી અનુભવે છે. એ પંક્તિમાં ‘કોઈ’નો અર્થ ‘પોલીસ’ થાય છે. આ પ્રકારના લગ્નને બીજા અર્થમાં ‘ડેસ્ટિનેશન વેડિંગ’ પણ કહી શકાય. ફરક એટલો કે તેમાં ડેસ્ટિનેશન કોઈ દરિયાકિનારો કે પરદેશી પર્યટનસ્થળ કે કોઈ મહેલ નહીં, પણ શહેરથી દૂર આવેલું કોઈ ખેતર હોઈ શકે. આ સ્થળ એવું હોય, જ્યાં ચોક્કસ બાતમી વિના પોલીસ પહોંચી ન શકે અને તે પહોંચી જાય તો પણ તેની સાથે એકાંતમાં ‘સંવાદ’ થઈ શકે એવી મોકળાશ હોય.
મિત્ર બિનીત મોદીએ મહેમાનોના ટ્રેડિંગનો વિકલ્પ સૂચવ્યો છે. તેની પાછળનો સાદો સિદ્ધાંત એવો છે કે ૧૦૦ મહેમાનોની પરમિટ ધરાવનારને ત્યાં ૮૦ મહેમાનો આવે, તો તે સિલકમાં રહેલો ૨૦ મહેમાનોનો ક્વૉટા ખુલ્લા બજારમાં, બીજા જરૂરતમંદ યજમાનને વેચી શકે. પહેલી નજરે આવી ગોઠવણ અવ્યવહારુ કે અશક્ય લાગે, પણ ‘કાર્બન ક્રૅડિટ’ વિશે જાણતા લોકોને તે એટલી મોં-માથા વગરની નહીં લાગે. કેમ કે, કાર્બન ક્રૅડિટ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છેઃ કોઈ ઉદ્યોગ પાસે વર્ષના અમુક ટન કાર્બન ડાયોક્સાઇડ (કે બીજો પ્રદૂષણકારી વાયુ) પેદા કરી શકવાની પરમિટ હોય અને તે પરમિટ કરતાં ઓછી માત્રામાં આવો વાયુ પેદા કરે, તો બાકી રહેલો ક્વોટા તે બીજા ઉદ્યોગને વેચી શકે (જેને ત્યાં પરમિટ કરતાં વધુ વાયુ પેદા થતો હોય). આવું ગંભીર ઉદાહરણ ફક્ત એટલું સિદ્ધ કરવા માટે આપ્યું કે પ્રદૂષણકર્તા વાયુની જેમ મહેમાનોનું પણ ટ્રેડિંગ થઈ શકે. એક સમયે અખબારો છાપવાનો કાગળ મર્યાદિત જથ્થામાં મળતો હતો ત્યારે કેટલાંક નાનાં પ્રકાશનો પોતાની ઓછી નકલ છાપીને, બાકીનો કાગળ ઊંચા ભાવે બજારમાં વેચીને, પોતાના પ્રકાશન કરતાં વધારે કમાણી કરતાં હતાં. એવી જ રીતે, મહેમાનોના ખરીદ-વેચાણની આ પદ્ધતિને કારણે કેટલાક લોકોને સાદગીથી પ્રસંગ પાર પાડવાની અને એ રીતે બાકીjરહેલો મહેમાનોનો ક્વોટા ખુલ્લા બજારમાં વેચીને, બીજો ખર્ચ કવર કરવાની ઇચ્છા થશે-તક પણ મળશે.
ભારતમાં અર્થતંત્રની પડતી દશા વચ્ચે મહેમાનોનું નવું માર્કેટ ખુલવાથી બજારમાં થોડીઘણી તેજી આવશે. ભલે નાના પાયે, પણ મહેમાનોનુ કૉમોડિટીની જેમ ટ્રેડિંગ શરૂ થતાં અર્થતંત્રમાં નવી હવાનો સંચાર થશે. હા, એવું બિલકુલ શક્ય છે કે લોકો વગર લગ્નપ્રસંગે ફક્ત બે-પાંચ કંકોત્રી છપાવીને તેના આધારે ૧૦૦ મહેમાનોનો ક્વોટા મેળવી લાવે અને પછી તેને બારોબાર બીજા કોઈ સાચા પ્રસંગવાળાને ફટકારી મારે. પરંતુ આવા કોઈ મૌલિક ક્ષેત્રમાંથી જ કાલના કોઈ મહાન ઉદ્યોગપતિ પેદા થવાના હોય તો પણ કોને ખબર?
Wednesday, December 09, 2020
રસી ભવિષ્ય
ખરાબ વસ્તુ માટે ચરોતરમાં એક વિશેષણ વપરાય છેઃ રાશી. જેમ કે, ‘આવો રાશી માલ કંઈથી ઉઠાઈ લાયો?’ કેટલાક લોકો માને છે કે તેને ‘રાશિ ભવિષ્ય’ સાથે સીધો સંબંધ છે. ચોક્કસ સમયગાળામાં જન્મેલાં સેંકડો લોકોનું ભવિષ્ય ચોક્કસ દિવસે કે ચોક્કસ અઠવાડિયે એકસરખું જ હશે, એવી આગાહીઓને મનોરંજક ગણવી કે ‘રાશી’ ભવિષ્ય, તેનો આધાર વાંચનારની રુચિ પર છે. પરંતુ અત્યારના સમયમાં લોકોને પોતાના રાશી ભવિષ્ય કરતાં કોરોનાની રસીના ભવિષ્યની વધારે ચિંતા છે. એ તો સારું છે કે રામાયણમાં રાવણપુત્ર ઇન્દ્રજિતે લક્ષ્મણને કોરોના વાઇરસના ચેપવાળું બાણ ન માર્યું. નહીંતર, હનુમાન પણ શું કરી શકત? મૂર્છા દૂર કરવાની જડીબુટ્ટી તે આખા પહાડ સાથે ઉપાડી લાવ્યા. બાકી, ચાલુ યુદ્ધે ત્રણ-ત્રણ તબક્કાનાં પરીક્ષણો ધરાવતી રસીનો મેળ શી રીતે પડત?
ઇસવી સનના કોરોનાવર્ષનો ડિસેમ્બર બેસતે લોકોને સમજાઈ ચૂક્યું છે કે રસી બાબતે હરખપદુડા થવાની જરૂર નથી. વડાપ્રધાન જાત્તે રસીનાં સંશોધનોનું નિરીક્ષણ કરી આવે, તેનાથી વડાપ્રધાનના સમર્થકોને અને તેમના ટીકાકારોને ફરક પડતો હશે-વિષય મળતો હશે, પણ રસીના સંશોધન સાથે સંકળાયેલી વૈજ્ઞાનિક પ્રક્રિયાને કશો ફરક પડતો નથી.
વડાપ્રધાનની રસીશોધક સંસ્થાઓની મુલાકાતથી ઘણા સંસ્કૃતિપ્રેમીઓને જૂના વખતના જમણવારની યાદ તાજી થઈ છે. પહેલાં વાડીઓમાં થતા જમણવારોમાં મહારાજ તેમના સ્ટાફ સાથે આગલી રાતે આવીને રસોઈની તૈયારી કરવા માંડતા. એ વખતે યજમાનપક્ષના કેટલાક યુવાનો મહારાજની સેવામાં રહેતા-તેમને જોઈતી ચીજવસ્તુઓ લાવી આપતા, ખૂટતી ચીજવસ્તુઓ માટે દોડાદોડ કરતા. એ બધું કામ પતી જાય અને મહારાજ રસોઈકામે વળગે, લાડુ વળાવા લાગે કે ચકતાં પડાવા લાગે, ત્યારે યજમાનપક્ષના એક-બે વડીલો ‘શું ચાલે છે, મહારાજ? બધું બરાબર છે ને? કશી તકલીફ તો નથી ને? કામકાજ કેટલે પહોંચ્યું?’ એમ કરતા આવી પડતા હતા. તેમના ચહેરા પરનું ગાંભીર્ય જોઈને એમ જ લાગતું કે તેમણે આવું ન પૂછ્યું હોત તો મહારાજ તો બાપડા મૂંઝાઈ મરત.
ત્યાર બાદ ચહેરા પર ચુસ્તી અને જવાબદારીના ભાવ સાથે વડીલો આસપાસ નજર ઘુમાવતા અને મીઠાઈની પ્રક્રિયા તરફ ધ્યાન કેન્દ્રિત કરતા. તેમની ગંભીરતા જોઈને મહારાજને લાગતું કે પ્રસંગ પછી બિલ પણ આ વડીલો પાસેથી જ લેવાનું હશે. એટલે મહારાજ પણ તેમના એક માણસને હાક મારીને તાસકમાં તાજી બનેલી મીઠાઈ ને બીજી બાજુ ઉતરેલી ફુલવડી મંગાવીને આ નિરીક્ષકોને ધરતા.
પણ એમ રીઝી જાય તો વડીલ શાના? મીઠાઈ ભરેલી તાસક આવતાં વડીલ હાલતીચાલતી એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી)ની ભૂમિકામાં આવી જતા. જાણે આંખોથી સ્વાદ પારખવાનો હોય તેવી ધારદાર નજરે મીઠાઈનું અવલોકન કરતા. પછી પ્રયોગશાળાનો માણસ સેમ્પલ લે, એવી રીતે મીઠાઈનો ટુકડો કરીને મોંમાં મુકતા. એ સાથે જ તેમના મનમાં રસાયણશાસ્ત્રનાં અનેક સમીકરણો વિદ્યુતવેગે થવા માંડ્યાં હશે, એવું જોનારે ધારી લેવાનું રહેતું. વાતાવરણ તો એવું જ લાગતું કે હમણાં તેમના મોઢામાંથી છાપેલો એનાલિટીકલ રીપોર્ટ બહાર આવશે. પણ નિરીક્ષકના મોંમાં જડબાંના હલનચલન સિવાયની બીજી કોઈ ક્રિયા ન થતાં, કાર્ડ નાખીને વિગત ભર્યા પછી એટીએમમાંથી રૂપિયા બહાર ન આવે એવી સ્થિતિ સર્જાતી. મહારાજ શબ્દોમાં મીઠાઈ કરતાં પણ વધારે મીઠાશ ભેળવીને, ‘આટલા ટુકડામાં શું ખબર પડે મારા સાહેબ?’ એમ કહીને તેમને મીઠાઈનું આખું ચકતું લેવા પ્રેરતા. હકીકતમાં નિરીક્ષકને આવી કોઈ બાહ્ય પ્રેરણાની જરૂર ભાગ્યે જ પડતી. તે મસ્તીથી તાસકમાં પડેલાં ચકતાં ઉડાવ્યે જતા અને ટાંકીમાં પેટ્રોલ ભરાતાં જેમ બળતણનો કાંટો ઉંચો જાય તેમ ચકતાંની સંખ્યા સાથે રસોઈ નિરીક્ષકના ચહેરા પર સંતોષનો કાંટો ચઢતો હોય એમ દેખાતું.
મીઠાઈનો નાનો ટુકડો મોંમાં મુક્યા પછી નિરીક્ષક મૌન રહે, તો તેમના મૌનમાં રસોઈ કરનાર મહારાજને અવિશ્વાસની દરખાસ્તનો અવાજ સંભળાતો. પણ તાસકમાંથી ચકતાંની સંખ્યા ઓછી થાય, તેમ મહારાજની ચિંતા ઓછી થતી. એટલે ઘણી વાર ચકતાં ખાય નિરીક્ષક, પણ તેનો આનંદ મહારાજના ચહેરા પર ઝળકતો. કેટલાક નિરીક્ષકો શબ્દો વેડફવામાં માનતા નહીં. તે તાસક સાફ કરવામાં જ ધ્યાન કેન્દ્રીત કરતા અને એ કામ પૂરું થયા પછી તેમનું ડોકું હકારમાં ધુણાવીને ‘ટેસ્ટેડ ઓકે’નું પ્રમાણપત્ર જારી કરતા. કેટલાક યજમાન-નિરીક્ષકોને એવી ચિંતા રહેતી કે મહારાજની રસોઈનાં વખાણ કરીશું તો તે કદાચ ઠરાવ્યા કરતાં વધારે રૂપિયા માગશે. એટલે તાસકમાંનાં બધાં ચકતાં દબાવ્યા પછી પણ તે ચહેરા પર દિવ્ય જ્યોતિ પથરાઈ ન જાય તેની કાળજી રાખતા અને મહારાજ સામેથી મોંમાં આંગળાં નાખીને અભિપ્રાય પૂછે ત્યારે તે ‘ઠરશે એટલે આવી જશે’ એવો ‘નરો વા કુંજરો વા’ અભિપ્રાય આપીને ચાલતી પકડતા.
હવે તૈયાર જમણના સમયમાં આવાં દૃશ્યો દુર્લભ બન્યાં છે. યજમાનો આગોતરું ભોજન ચાખીને તેની ગુણવત્તાની ચીવટ રાખવાને બદલે, મહેમાનો સાથે જ જમણસ્થળે આવવામાં અને તેમના પછી ભોજન કરવામાં ગૌરવ માને છે. પરંતુ વડાપ્રધાન પરંપરાના માણસ છે. તેમને થયું હશે કે રસી તૈયાર થઈ જાય, પછી તેને સીધેસીધી લૉન્ચ કરવામાં શો સ્વાદ આવે? આગલા દહાડે જઈએ, ‘રસોઈયા’ જોડે થોડી વાતોચીતો કરીએ, તેમની આગળ અને ખાસ તો આ બધું જોનારની આગળ પોતાની જવાબદારીનો થોડો ખેલ પાડીએ, તો રંગત આવે-પ્રસંગ જેવું લાગે. બાકી, કોરોના તો આવે ને જાય.
Friday, December 04, 2020
જયંતભાઈ, તમને યાદ કરીને આનંદ કરીશું ને એવી રીતે તમારી ખોટ પુરવાની કોશિશ કરીશું
વયમાં ત્રણ-ચાર દાયકા મોટા હોય એવા મિત્રો માટે મનના છાના ખૂણે કાયમ એવો ભાવ રહેતો હોય છે કે તે આપણાથી પહેલા જવાના. આશિષ કક્કડ જેવા કોઈ લાઇન તોડીને અણધાર્યો આંચકો આપી જાય, એ જુદી વાત. એટલે જયંતભાઈ મેઘાણીની ૮૨ની ઉંમર જોતાં તેમના જવાની માનસિક તૈયારી હોવી જોઈતી હતી. પણ હકીકત એ છે કે તેમની સક્રિયતા અને પ્રસન્નતાને કારણે એવું થઈ શક્યું નહીં--અને આજે સવારે પરમ મિત્ર હેતલ દેસાઇએ સમાચાર આપ્યા કે જયંતભાઈ ગયા. મારી જેમ તેમને પણ ઉંઘતા ઝડપાયાનો આંચકો લાગ્યો હતો. દીપક (સોલિયા) થોડા દિવસથી ભાવનગર હતા. છેલ્લા બે દિવસ તેમણે અને મહેન્દ્રસિંહ પરમારે જયંતભાઈ સાથે બહુ આનંદ કર્યો અને આજે સવારે, તેમના ભત્રીજા પીનાકી મેઘાણીના જણાવ્યા પ્રમાણે, કમ્પ્યુટર સામેની ખુરશીમાં બેઠાં બેઠાં, ઢળી પડ્યા વિના, જાણે કમ્પ્યુટર પર કામ કરતાં વચ્ચે એક ઝોકું ખાતા હોય તેમ, જયંતભાઈ મળી આવ્યા. પણ ઝોકું નહીં ચિર નિદ્રા હતી. (તેમના પુત્રો નીરજભાઈ-નિહારભાઈ સાથેની વાતચીત પરથી જાણવા મળ્યું કે તે દિવસે ભાવનગરમાં સવારથી બપોર સુધી વીજકાપ હતો. એટલે જયંતભાઈ કમ્પ્યૂટર પર કશુંક કામ કરતા હોય એ સંભવિત નથી. શક્ય છે કે તે બીજા કોઈ કામ માટે તે ખુરશી પર બેઠા હોય. પરંતુ તે જરાય ઢળી પડ્યા ન હતા. તેમના બંને હાથ ખુરશીના હાથા પર હતા. ચહેરા પર પ્રસ્વેદ કે પીડાનાં કોઈ ચિહ્ન ન હતાં.)
![]() |
જયંત મેઘાણી/Jayant Meghani (૧૦-૦૮-૧૯૩૮, ૦૪-૧૨-૨૦૨૦) |
![]() |
જયંત મેઘાણી, તેમની 'પ્રસાર'ની ઑફિસમાં |
![]() |
વિનોદ મેઘાણીની સ્મૃતિસભાઃ આગળની હરોળમાં ઇલાબહેન ભટ્ટ, તેમની પાછળ થોડો ઢંકાયેલો ચહેરો નાનકભાઈ મેઘાણીનો છે. પાછળ જયંતભાઈ અને મંજરીબહેન મેઘાણી,૨૦૦૯ |
![]() |
સૂચિ વિશેના સેમિનારમાં બોલતા જયંત મેઘાણી, ૨૦૦૯ |
"ભાઈ, રાહ જ જોઉં છું. પણ હું જે માટે જરાય કામનો નહિ એમાં મને ક્યાં નાખો? અનુભવે કહું છું, 'ફ્લોપ શો' રહેવા દ્યો. દીપકભાઇ હોય એ પછી બીજાની શી જરૂર? તમે આવો. ફ્લેટનો ઉપયોગ થઈ જ શકે. રાતવાસાની સગવડ પણ છે. શૈલીબહેન સાથે એકવાર ફોન પર પરિચય થયો છે." (જાન્યુઆરી ૨૩,૨૦૦૦). પણ તેમને આગ્રહ કરાય એટલી નિકટતા-દોસ્તી તેમની સાથે થઈ હતી. તે નાતે તેમને કહ્યું, એટલે તેમનો ચાર શબ્દોનો વળતો મેઇલ આવ્યો, "ભલે, મારું પારખું કરો!"
પરંતુ એક વાર વાતચીત શરૂ થયા પછી કૅમેરાની સભાનતા જતી રહી અને તે એવા ખીલ્યા હતા કે એકાદ કલાકની વાત થયા પછી તેમને પણ લાગ્યું કે હજુ આગળ ચાલ્યું હોત તો વાંધો ન હતો. અમારી પાસે સમયનાં બંધનો હતાં. છતાં તે રેકોર્ડિંગ સરસ રીતે થઈ શક્યું તેનો સંતોષ થયો. એ સવારે પુસ્તકનો સીધોસાદો કાર્યક્રમ પૂરો થયા પછી જમતી વખતે મહેન્દ્રભાઈ જે રીતે જયંતભાઈને આગ્રહ કરીને પીરસાવતા હતા, તે જોઈને મઝા આવતી હતી.
જયંત મેઘાણી-મહેન્દ્ર મેઘાણી,જાન્યુઆરી ૨૦૨૦ |
(ડાબેથી) દીપક સોલિયા, જયંત મેઘાણી, મહેન્દ્રસિંહ પરમાર,ભાવનગર |
![]() |
મહેન્દ્રસિંહ પરમાર, સુભાષભાઈ ભટ્ટ, દીપક સોલિયા, જયંતભાઈ મેઘાણી, કોળિયાક બીચ, |
![]() |
'પ્રસાર'ની છેલ્લી યાદગીરીઃ (ડાબેથી) મહેન્દ્રસિંહ પરમાર, ઉર્વીશ કોઠારી, વિક્રમભાઈ ભટ્ટ, જયંતભાઈ મેઘાણી, દીપક સોલિયા |
'સાર્થક જલસો' શરૂ થયા પછી તેની પર જયંતભાઈ અત્યંત પ્રસન્ન રહેતા હતા. 'પ્રસાર'ના નોટિસ બોર્ડ પર 'સાર્થક જલસો' માટે 'જેનું એકેએક પાનું વાંચવું પડે એવું સામયિક' એવી નોંધ મુકતા. અમે તેમને 'જલસો'માં લખવા માટે આગ્રહ કરતા હતા, પણ તે 'જલસોના બરનું કંઈક સૂઝશે તો કહીશ' એવું કહેતા. ખાણીપીણી, તેનાં પુસ્તકો અને ફરવાનાં અવનવાં-અજાણ્યાં સ્થળોમાં તેમને પ્રચંડ રસ પડતો હતો. એ વિષયો વિશે વાત કરતી વખતે તેમના ચહેરા પર જુદી ચમક દેખાતી. તેમની વાતમાંથી અમે એવા એકાદ-બે વિષયો પણ સૂચવી જોયા. છેવટે 'લા મિઝરાબ્લ'ની પ્રકાશનકથા તેમણે 'જલસો' માટે લખી.
ગયા વર્ષે અમારા બંનેના નિકટના મિત્ર હસિત મહેતા પાસેથી જાણવા મળ્યું કે જયંતભાઈ પાસે વિશ્વવિખ્યાત હાસ્યનવલ 'ડોન ક્વિકઝોટ'ની જૂની આવૃત્તિ વિશેની કંઈક સરસ વાત છે. મેં તેમને મેઇલ લખ્યો. તેનો જયંતભાઈએ આપેલો જવાબ તેમની ભાષાની પ્રાસાદિકતા, લખાણના પ્રવાહ અને તેમાં રહેલા ભાવ-ઉમળકાના નમૂના લેખે અહીં આખો મુકું છું.
પ્રિય ઉર્વીશભાઇ,
આપણને રોમાંચ થાય એવી ઘટનામાળા હમણા ચાલી રહી છે! રૂબરૂ કહેવા રાખી હતી.
દ્રેગોમીર દીમીત્રોવ (સ્લોવાક નામ) નામે જર્મન અભ્યાસી 1888 આસપાસ મુંબઈથી પ્રકાશિત 'ડોન ક્વીઝોટ' નામે ગુજરાતી અનુવાદની શોધમાં છે તેની જાણ સાવ અકસ્માત્ થઈ. જહાંંગીર કરાણી નામે મુદ્ર્ક-વિક્રેતા-પ્રકાશકે બહાર પાડેલું 753 પાનાંંનું થોથું એમના પરમ રસનો વિષય બની ગયું હતું. એમને આ ગ્રંથ ક્યાંયથી નહોતો મળતો. પશ્ચિમની લાઇબ્રેરીઓના કૅટલોગ ફેંદી વળ્યા, મુંબઇમાં જ્યાં હોવાની સંભાવના હોય એ બધી જગ્યાઓ તપાસી વળેલા. અને, બન્યું એવું કે મારે એમને લખવાનું આવ્યું કે 'આ પુસ્તક તો મારી પાસે છે'! અને એ ભાઇના રોમાંચનો પાર નહીં. કહે, કદાચ દુનિયામાં જળવાયેલી એક જ નકલ તમારી પાસે છે! મેં થોડાં જૂનાં પુસ્તકો સસ્તામાં મળે ત્યારે વસાવેલાં એમાં આ હતું. અનુવાદક્નું નામ નહીં, પ્રકાશન-સાલ નહીં. પણ સુંદર છાપકામ, 128 તો રેખાંકનો. જર્મનીની માર્બુર્ગ યુનિવર્સિટીમાં ઇંડોલૉજી અને તિબેટોલોજીના પ્રોફેસર આ મિત્ર ગુજરાતી સુધ્ધાં ભારતીય ભાષાઓ જાણે છે, નેપાલના પણ નિષ્ણાત, નેપાલીય જાણે! જુઓ તો ખરા, મારા વાલીડાને આ ગુજરાતી થોથું યથાવત્ પણ નવેસર કમ્પોઝ કરાવીને બહાર પાડવું છે! કહે, 'પણ આબેહૂબ એવું જ કમ્પોઝ કોણ કરી આપે?' મેં કહ્યું, કેમ ન કરી આપે, જાણણહાર અહીં જ બેઠો છે! ને અમારા પત્રવ્યવહારમાં અપૂર્વભાઇ પણ જોડાયા; એ એના જોડીદાર હોય તેમ એમણે તો રાતોરાત એક પાનું આબેહૂબ એવું જ તૈયાર કરીને મોકલ્યું! પેલો ભાઇ તો રાજીનો રેડ! ન માની શકાય એવા ચમત્કાર થવા લાગેલા જાણે. આ પુસ્તક વિશે દીપક મહેતાએ લખેલા બે લેખ મેં એને મોકલ્યા, એમ કહીને કે કોઇ ગુજરાતી જાણનાર હોય તો તમને તરજુમો કરી દેશે, નહીં તો મને કહેજો, સાર લખી મોકલીશ. અરે, હોય, ગુજરાતી એવું જાણે કે લેખના સૂક્ષ્મ મુદ્દાઓ પકડીને ચર્ચા કરે, પ્રતિવાદ પણ કરે. અને અમારી વિમર્શ-મંડળીમાંં દીપકભાઇ પણ જોડાયા. ટાંકણે ભારત આવ્યા છે, આ બે દિવસ મંંબઈ છે. મિત્રભાવે ભીનો યુવાન લાગે છે. અમદાવાદની મુલાકાત સમયને અભાવે ફરી આવે ત્યાર પર રાખી છે. આ બાજુ અપૂર્વભાઇએ 753 પાનાંં 'સ્કૅન' કરવા માટે મોંઘું 'પોર્ટેબલ' સ્કૅનર વસાવી લીધું! એ ગ્રંથમણિ અત્યારે નવજીવનમાં છે.
સમજે એવા મિત્રોને આ ઘટનાની વાત હોંશે કરું. 'જલસો'ના બરની વાત જરૂર થઇ શકે. વધુ તમે આવો ત્યારે. (ફેબ્રુઆરી ૨૬,૨૦૧૯)
જયંતભાઈની ભાષાની માફક તેમની સૌંદર્યદૃષ્ટિ પણ અત્યંત ઉમદા અને ભારે કળાત્મક હતી. તેમના નવા ફ્લેટમાં જ્યારે જવાનું થાય ત્યારે હું હંમેશાં કહેતો કે 'કોઈ પુસ્તકોની આર્ટ ગૅલેરીમાં આવી ગયા હોઈએ એવું લાગે છે.' કળાકૃતિઓ ઉપરાંત કેટલાંક મોટાં કદનાં કે નાનાં પુસ્તકોને પણ તે કળાકૃતિની જેમ રાખતા હતા. તેમની એ જ દૃષ્ટિ તેમના ગયા વર્ષે પ્રગટ થયેલા ચાર અનુવાદોના લે-આઉટ-ડીઝાઇનમાં પણ જોવા મળી હતી. 'ગુર્જર' દ્વારા પ્રકાશિત એ તમામ પુસ્તકો રવીન્દ્રનાથની કૃતિઓના અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ હતાઃ રવીન્દ્ર પત્ર-મધુ (રવીન્દ્રનાથના પત્રો), તણખલાં (રવીન્દ્રનાથની કબિતિકાઓ), સપ્તપર્ણી ('તણખલાં'નો બંધુ-સંગ્રહ, રવીન્દ્રનાથની કબિતિકાઓ), રવીન્દ્રસાન્નિધ્યે અને અનુકૃતિ (રવીન્દ્રનાથનાં ૫૧ કાવ્યો). એ પુસ્તકોની ટાઇપોગ્રાફી, તેનો લે-આઉટ, સ્પેસિંગ, વચ્ચે વચ્ચે ચિત્રોનો વિવેકપૂર્વકનો ઉપયોગ..આ બધું જોઈને મેં ફેસબુક પર પરમ મિત્ર અને ઉત્તમ કળાકાર અપૂર્વ આશરને અભિનંદન આપ્યાં. ત્યારે તેમણે કહ્યું કે આ બધો જશ જયંતભાઈનો છે. મોટાં પુસ્તકો ઉપરાંત ચુનંદા અવતરણોની પુસ્તિકા 'વિચારોની વસંત'ની કળાત્મકતા પણ એવી કે પુસ્તક પડ્યું હોય તો તરત ઉપાડીને પાનાં ફેરવવાનું મન થાય. પુસ્તકો ઉપરાંત પ્રસારનાં બુકમાર્ક કે મહાન ચિત્રકારોનાં પુસ્તક-વિષયક ચિત્રોનાં પોસ્ટકાર્ડ કે પછી સરનામું કરવા માટેની પટ્ટી--એ દરેકમાં જયંતભાઈની કળાસૂઝ જણાયા વિના ન રહે.
શબ્દ અને કળા જેટલો જ અનુરાગ તેમને ભોજન પ્રત્યે હતો. તે ઘણા પ્રયોગશીલ હતા. એક વાર તેમની મુલાકાત દરમિયાન તેમણે ઘરે બનાવેલું પીનટ બટર ઘરે લઈ જવા માટે પૅક કરીને આપ્યું હતું. નવા ફ્લેટ પર તે ચા બનાવતા હતા ત્યારે તેમનો ફોટો મેં મારી 'ટી સિરીઝ' (વિશિષ્ટ વ્યક્તિઓ ચા બનાવતી હોય એવી તસવીરોની શ્રેણી) માટે પાડી લીધો હતો.
![]() |
![]() |
જયંતભાઈના ફ્લેટમાં પિતા-માતા ઝવેરચંદ અને ચિત્રાદેવીની આ તસવીર રહેતી હતી |
![]() |
વ્હીલચેરમાં મહેન્દ્ર મેઘાણીને લઇને ચાલતા જયંત મેઘાણી, સાથે હસિત મહેતા, નડિયાદ, ૨૦૧૯ |
![]() |
નડિયાદની મહિલા આર્ટ્સ કોલેજ અને પત્રકારત્વની કોલેજના વિદ્યાર્થીઓ સમક્ષ વાત કરતા જયંતભાઈ, પાછળ મહેન્દ્ર મેઘાણી, હસિત મહેતા, નડિયાદ, ૨૦૧૦ |
![]() |
હસિત મહેતાના ઘરે મહેન્દ્ર મેઘાણી, જયંત મેઘાણી, નડિયાદ ,૨૦૧૯ |
![]() |
હસિત મહેતાના ઘરે મહેન્દ્ર મેઘાણી, કુલીનચંદ્ર યાજ્ઞિક, જયંત મેઘાણી, નડિયાદ ,૨૦૧૯ |
![]() |
હસિત મહેતાના ઘરેથી બહાર નીકળતી વખતે નીચા નમીને મહેન્દ્રભાઈના પગમાં બુટ પહેરાવતા જયંતભાઈની વિશિષ્ટ તસવીર, આગળ લિમિષા હસિત મહેતા |
માર્ચ, ૨૦૨૦માં કોરોના ત્રાટક્યો ન હતો, ત્યારે તેમની પાસે લેખની ઉઘરાણી કરી. એટલે તેમનો જવાબઃ "ઊંંઘતા ઝડપાવું એટલે શું એ સમજાયું! 'હા, હા, લખીશ' એમ તે દિવસે કહી તો દીધેલું, પણ તમારી ઉઘરાણી આવીને ઊભી રહી ત્યારે ખ્યાલ આવ્યો કે કાળ મારો સગો થતો નથી કે થોભે! હવે, એમ કરો, મુદત વધારી આપો : 3/5 એપ્રિલ? હવે કમર કસુંં કારણ કે તમને ખબર નથી, લખવું એ મારા જેવા માટે કેવુ કઠિન.
મળવાનું ને? તમે કહો ત્યાં ને ત્યારે." (માર્ચ ૧૨, ૨૦૨૦)
છેલ્લે નવેમ્બરમાં આશિષ કક્કડે અણધારી આંચકાજનક વિદાય લીધી, ત્યારે જયંતભાઈનો એક અત્યંત ભાવસભર મેઇલ આવ્યો હતો. તે પણ એક વાર કક્કડના ઘરે થતી અમારી લંચકમિટીની મહેફિલમાં સામેલ થયા હતા. એ યાદ કરીને તેમણે જે લખ્યું હતું, તે જયંતભાઈની સંવેદનશીલતા, રસોઈપ્રેમ અને અભિવ્યક્તિને અંજલિ તરીકે અહીં મુકું છું.
"દસેક વાગ્યે તો સામાન્ય રીતે ઢાળિયો થઇ જાય મારો, પણ કોણ જાણે અધરાતે આશિષ કક્કડ સાથે તમે મુલાકાત કરાવવા રોક્યો અને અત્યારે દોઢ થયો છે, ને તમારા અને આરતીનાં લખાણ વાંચ્યા પછી અજંપ મન તમારી પાસે ઠાલવું એવી ઈચ્છાથી પથારી છોડીને કમ્પ્યૂટર પાસે આવ્યો છું. બાર પછી પ્રદીપ્ત થતી ક્ષુધાનો અનુભવ કરું તો છું, પણ થયું કેફ છે ત્યાં જ આ અક્ષરો પાડી લઉં.
શું કહું? જેની વિદાયની ગ્લાનિ મન પર સવાર છે એ ભુલવાડી દેતી વાતો તમે કરી -- એવી શૈલીમાં કરી -- તો પણ હું ઈચ્છિત પણ ચૂકી જવાયેલા અતીતના ઝુરાપામાં સરી પડ્યો. જેની અતિ ઝંખના હોય તેનાથી વંચિત રહ્યાની તીવ્ર લાગણી થઇ એમ કહું તો એને અતિરેક ન ગણી લેતા. એકવાર તમારી સોબતમાં એમને ઘેર હતો તો પણ પરિચય વધે તેના પ્રયાસ મે કેમ ન કર્યા તેનો ઘેરો અફસોસ છે. એમણે પ્રબોધ્યું છે એવું સજ્જ રસોડું મેં સ્વપ્ન થકી સાકાર કર્યું છે, અને મને થાય છે કે 'ઓહો, એમના જેવા પેશનેટ રસોઈપ્રેમી કેમ ન થવાયું!' તમને પણ રસ પડે એવા એક અમેરિકન રસોઈવીર વિષે એમને વાત કરત તો પણ એક સેતુ રચાઈ જાત! ખેર, આશિષભાઈ જેવા એક અસાધારણ મિત્ર વિષે તમે કહેલી અને આરતીબહેને ક્થેલી વાતો વાંચીને થોડો દિલાસો મેળવું છું. લાગે છે કે એમને વિષે તમે અને આરતીએ આલેખેલી વાતો પણ એક લહાવો છે.
ગુડ નાઈટ!" (નવેમ્બર ૬, ૨૦૨૦)
પરંતુ જેમની સાથે જિંદગીનો આનંદસભર સમય વીતાવ્યો અને જેમણે પૂરું જીવન જીવીને, શાંતિપૂર્વક, આપણને ન ગમે, પણ તેમના માટે ઉત્તમ કહેવાય એવી રીતે વિદાય લીધી, તે વડીલ મિત્ર જયંતભાઈને વિદાય મારે ગમગીન થઈને નથી આપવી. એટલે આ પોસ્ટના છેલ્લા સ્મરણ તરીકે તો આ તસવીર જ રાખવી છે.
અમારા સંયુક્ત પરમ મિત્ર અપૂર્વ આશરની પહેલ 'ઇ-શબ્દ'ના આરંભ સમારંભ પછીઃ ઉર્વીશ કોઠારી, જયંત મેઘાણી, પ્રકાશ ન.શાહ, મનુભાઈ શાહ (ગુર્જર), પાછળ શિલ્પા દેસાઈ |