Thursday, August 27, 2009

ઇતિહાસઃ ગૌરવનો મેક-અપ ઉતાર્યા પછી...

બીજા વિશ્વયુદ્ધમાં હિટલરની જર્મન ફોજ સામે રશિયાએ વિજય તો મેળવ્યો, પણ એ પહેલાં ઘણી ખુવારી વેઠી. ત્યારે સામ્યવાદી રશિયાના નેતા સ્ટેલિન હતા. તે રાજાશાહીને શરમાવે એવા ક્રૂર, આપખુદ અને પ્રજાવિરોધી શાસક પુરવાર થયા. સ્ટેલિનના રાજમાં રશિયાના સામ્યવાદની સફળતા વિશે જૂઠાણાં ચલાવવાનો ઉદ્યમ મોટા પાયે ચાલ્યો. તે એટલી હદ સુધી કે નવા વિરોધી બનેલા નેતાઓને ફક્ત આ દુનિયામાંથી જ નહીં, જૂની તસવીરોમાંથી પણ એવી રીતે ગાયબ કરી દેવામાં આવ્યા, જાણે એ કદી હતા જ નહીં!

સરકારી ઇતિહાસની આ પરંપરા હેઠળ પ્રજાનાં હિત-હક બાજુ પર મૂકાઇ ગયાં. સામ્યવાદની આભાસી ભવ્યતાને અને અમેરિકા સાથેની હરીફાઇને ‘રાષ્ટ્રવાદ’ ગણનારો ‘સવાયો રાષ્ટ્રવાદી વર્ગ’ રશિયામાં ઉભો થયો. ‘રાષ્ટ્રવાદી’ નેતાઓ એવું માનતા હતા કે પ્રજાએ દેશની મહાનતાનું ગૌરવ લેવામાં પોતાની તમામ તકલીફો ભૂલી જવી જોઇએ અને હોંશેહોંશે નેતાને એટલે કે સરકારને એટલે કે દેશને તાબે થઇને રહેવું જોઇએ. (આપખુદ શાસકો એવું માનતા હોય છે કે પોતે જ દેશ છે ને પોતાની સત્તા એ જ દેશની આબરૂ છે.) સોવિયેત રશિયાના વિઘટન પછી સરકારી રાષ્ટ્રવાદનો સકંજો પહેલાં જેવો રહ્યો નથી. છતાં એ સાવ નાબૂદ પણ થયો નથી તેની પ્રતીતિ વખતોવખત થતી રહે છે.

આ વર્ષના મે મહિનામાં રશિયાના વર્તમાન પ્રમુખ (અને આક્રમક ‘રાષ્ટ્રવાદી’ પ્રમુખ પુતિનના વારસદાર) મેડવેડેવે ફરી એક વાર ઇતિહાસ તરફ નજર બગાડી. તેમણે એવો કાયદો સૂચવ્યો કે ‘બીજા વિશ્વયુદ્ધમાં રશિયાની જીત વિશે સવાલ ઉભા કરવાને ફોજદારી ગુનો ગણવામાં આવે, જેના માટે મોટી રકમના દંડની અથવા ત્રણ મહિનાની જેલની સજા ફટકારી શકાય.’ સાથોસાથ, ‘રશિયાના હિતમાં ન હોય એવાં ઐતિહાસિક જૂઠાણાં’ સામે સરકારી ઇતિહાસ (રશિયાના હિતમાં હોય એવાં જૂઠાણાં!) લખવા માટે અફસરો, કાયદાશાસ્ત્રીઓ, ફૌજીઓ અને પોતાના ચીફ ઓફ સ્ટાફની બનેલી એક સમિતીની નિમણૂંક કરી.

રશિયામાં સરકારી રાહે ઇતિહાસ સાથે ચેડાં કરવાની નવાઇ નથી. એવું કરવા પાછળ મુખ્ય બે હેતુ હોય છેઃ ૧) સામ્યવાદી ક્રાંતિની નિષ્ફળતા અને ક્રૂરતાનો ભયંકર ઇતિહાસ ભૂલાવી દેવો. ૨) ભૂતકાળના આભાસી ગૌરવના રેશમી ગાલીચા તળે વર્તમાન સમસ્યાઓ છુપાવી દેવી. આમ, ક્યારેક સત્તાથી, તો ક્યારેક શાણપણથી (સલુકાઇથી) ઇતિહાસની ‘સર્વિસ’ થતી રહે છે.

સગવડિયો અને સંકુચિત ઇતિહાસ

વાત રશિયાની હોય કે ભારતની, બહુમતિ લોકોને હિંદી મસાલા ફિલ્મો જેવો ઇતિહાસ ખપે છે, જેમાં દરેક પાત્ર માટે બે જ વિકલ્પ હોયઃ હીરો કે વિલન.

પૌરાણિક કથા-દંતકથા અને ઇતિહાસમાં આ જ ફરક છેઃ સાચા ઇતિહાસમાં કોઇ નખશિખ હીરો હોય ને કોઇ સાંગોપાંગ વિલન, એવું ભાગ્યે જ બને છે. કારણ કે ઇતિહાસ દૈવી પાત્રોથી નહીં, પણ મનુષ્યોથી રચાય છે અને ગમે તેટલા મહાન મનુષ્યો પણ, માણસ હોવાને કારણે, માનવીય મર્યાદાઓથી પર નથી હોતા.

ઐતિહાસિક પાત્રો આપણી કલ્પના પ્રમાણે અને આપણી સગવડ ખાતર બેદાગ, સુરેખ, ઇસ્ત્રીટાઇટ અને પાંખ વગરના ફરિશ્તા જેવા હોવાં જોઇએ, એવું માની લેવામાં સૌથી વધારે અન્યાય એ મહાન પાત્રોને જ થાય છે. એક વાર તેમને પૂજાસ્થાને બેસાડી દીધા પછી આપણે એ પાત્રોની માનવીય મર્યાદાઓને સહજતાથી સ્વીકારી શકતા નથી અને તેમની અનુકરણીય સિદ્ધિઓને અનુસરી શકતા નથી. આપણે તો બસ એમના સ્મારકો સ્થાપીને, જન્મતિથી-મૃત્યુતિથીએ હાર પહેરાવીને, તેમને ભવ્ય વિશેષણોયુક્ત અંજલિ આપીને- અને નેતાઓના કિસ્સામાં તેમના નામે મત ઉઘરાવીને- છૂટા!

ભારતમાં ગાંધી હોય કે સરદાર, નેહરૂ હોય કે સુભાષ, તમામ નેતાઓને તેમના કહેવાતા અનુયાયીઓએ પૂજાસ્થાને બેસાડી દીધા. એટલે તેમના ચરિત્રોની બારીકીનો, તેમની ખૂબીઓ અને મર્યાદાઓનો અભ્યાસ કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ રૂંધાઇ ગઇ. પછી એવી સ્થિતિ થઇ કે ‘ગાંધીજીને મહાન માનો છો? તો તમે આ બાજુ!’, ‘સરદારને મહાન નથી ગણતા? તમે આ બાજુ.’ ‘તમને લાગે છે કે નેહરૂ બોગસ હતા? તો તમે આ બાજુ.’

રાજકીય પક્ષોએ પોતાની મતબેન્કને અનુકૂળ આવે એવી નેતાઓની છબીઓ બજારમાં ફરતી કરી દીધીઃ ‘ગાંધી એટલે રાષ્ટ્રપિતા/મુસ્લિમતરફી. નેહરૂ એટલે આધુનિક ભારતના ઘડવૈયા/સ્યુડો-સેક્યુલર. સરદાર એટલે હિંદુતરફી/મુસ્લિમવિરોધી.’ ગાંધીની ટીકા થાય એટલે ગાંધીવાદીઓ ઉકળી પડે અને સરકાર શરમની મારી બચાવ કરવા દોડી જાય. નેહરૂની ટીકા કરનાર કોંગ્રેસી હોય તો તેણે રાજીનામું ખિસ્સામાં રાખવું પડે અને સરદારની ટીકા થાય એટલે પટેલો કે ભાજપી નેતાઓ બૂમરાણ મચાવે.

આ નેતાઓ અને તેમની સાથે સંકળાયેલો ઐતિહાસિક ઘટનાક્રમ કોઇ એક સમુહ, પ્રદેશ, જ્ઞાતિ કે વિચારધારાની માલિકીની જણસ નથી. સંકુચિત ઓળખોથી ઉપર ઉઠીને રાષ્ટ્રિય દરજ્જો પ્રાપ્ત કરનાર નેતાઓને ફરી પાછા સાંકડી ઓળખનાં ચોકઠાંમાં લાવી મૂકવામાં તેમનું સૌથી મોટું અપમાન છે. મોઢ વણિકો ગાંધીજીને ‘મોઢરત્ન’ કે ‘મોઢવિભૂષણ’ તરીકે ઓળખાવે તો કેવું હાસ્યાસ્પદ લાગે? મોઢ જ્ઞાતિના લોકો એવું ઠાલું ગૌરવ અવશ્ય લઇ શકે કે ‘ગાંધીજી અમારી જ્ઞાતિમાં જન્મ્યા હતા.’ પણ તેનાથી કશું સાબીત થતું નથી. (સિવાય કે મોઢ વણિકો પોતાના ‘જ્ઞાતિબંઘુ’ના પગલે ચાલીને તેમની સાથેની નિકટતા સિદ્ધ કરી બતાવે) કારણ કે ગાંધીજીએ પોતાની જાતને કદી એક મોઢ તરીકે જોઇ ન હતી કે એ રીતે પોતે કદી વર્ત્યા નથી. (તેમને જ્ઞાતિબહાર મૂકવા જેવા ઐતિહાસિક પ્રસંગોની તો વાત જ નથી.)

એવી જ રીતે સરદારને ‘પટેલ’ કે ‘ગુજરાતી’ ગણાવવાનું ટેકનિકલી ખોટું નથી, પણ તેમાં સરદાર જેવા નેતાનો રાષ્ટ્રિય દરજ્જો છીનવાઇ જાય છે- અને એ પણ તેમની પ્રશંસાનો દાવો કરનારા લોકોના હાથે! સરદારની પ્રતિષ્ઠાનો ખરેખર ખ્યાલ હોય તો તેમને આઝાદીના જંગના અગ્રણી નેતા- ગાંધીજીના વિશ્વાસુ સાથીદાર-ભારતના પહેલા નાયબ વડાપ્રધાન અને રજવાડાંનું વિલીનકરણ કરનાર જેવી ભવ્ય ઓળખોમાંથી ‘પટેલ’ અને ‘ગુજરાતી’ની ઓળખે ન લાવી મૂકવા જોઇએ.

સિક્કાની ત્રીજી બાજુ

બીજો મુદ્દો એ પણ ખરો કે ગાંધી-નેહરૂ-સરદાર-સુભાષ-આંબેડકર જેવા નેતાઓ પોતાની કામગીરીના બળે ઇતિહાસમાં સ્થાન પામ્યા છે. તેમાંથી કોઇ અવતારી પુરૂષ ન હતા અને તેમણે કદી એવો દાવો કર્યો નથી. જીવતાંજીવ એ સૌની ભરૂપૂર ટીકા પણ થઇ છે. પરંતુ તેનાથી વિચલીત થયા વિના (કે થઇને પણ) તેમણે પોતાનું કામ જારી રાખ્યું.

તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવો હોય તો તેમના જીવનકાર્યનો પ્રચાર-પ્રસાર કરવો, તેમના વિશે વધારે જાણવું અને તેમની જેમ યથામતિ, યથાશક્તિ સમાજની-દેશની સેવા કરવી, એ શ્રેષ્ઠ પદ્ધતિ છે. સરદારના પ્રેમી હોવાનો દાવો કરતા કેટલા લોકોએ રાજમોહન ગાંધી કે યશવંત દોશી કે નરહરિભાઇ પરીખે લખેલું સરદારનું ચરિત્ર વાંચ્યું હશે? સરદારે બગલનું ગુમડું ફોડી નાખ્યું, કોર્ટમાં દલીલ કરતી વખતે આવેલો પત્નીના મૃત્યુનો તાર વાળીને ખિસ્સામાં મૂકી દીધો, બારડોલીનો સત્યાગ્રહ કર્યો ને રજવાડાંનું વિલીનીકરણ કર્યું- આ સિવાય બીજી કેટલી સાચી માહિતી સરદારના ઉશ્કેરાયેલા પ્રેમીઓ ધરાવે છે?

ભારતના વિભાજનનો ઘટનાક્રમ બહુ સંકુલ અને અટપટો છે. તેમાં અનેક ચડાવઉતાર અને દાવાપ્રતિદાવા થઇ શકે એમ છે- થતા રહે છે. મૌલાના આઝાદે પોતાના પુસ્તક ‘ઇન્ડિયા વિન્સ ફ્રીડમ’માં સરદારને ગાંધીના મૃત્યુ માટે જવાબદાર ઠરાવ્યા, ત્યારે વિવાદ થયો હતો. આ પ્રકારના મુદ્દે વિવાદ બેશક થવો જોઇએ, પણ તેનો અંત પુસ્તક પર પ્રતિબંધ જેવાં સરમુખત્યારી પગલાંમાં ન આવવો જોઇએ. આ રાજકારણનો નહીં, ઇતિહાસનો વિષય છે. અભ્યાસીઓ એ વિશે ચર્ચા કરે અને બન્ને પક્ષો પોતપોતાના આધાર-પુરાવા-હકીકતો સામે મૂકે એ સાચી પદ્ધતિ છે. ઐતિહાસિક હકીકતોની ચર્ચા અને તેના વિશેનો વાદવિવાદ પુસ્તકોની હોળી કરવાથી કે તેની પર અવિચારી પ્રતિબંધો ઠોકી દેવાથી ઉકલતો નથી.

ભારતના કોમી રાજકારણમાં એવા અનેક વળાંકો છે, જ્યાં અભ્યાસીઓને એવું લાગે કે ‘આમ ન થયું હોત, તો ભાગલા નિવારી શકાત.’ આ રીતે દરેક પોતપોતાના હિસાબે ભાગલા માટે દોષી નેતાઓ તરફ આંગળી ચીંધે છે. તેનાથી એ નેતાનું અપમાન થાય છે એવું શી રીતે કહી શકાય? ગાંધીજીના પૌત્ર અને સજ્જ સંશોધક રાજમોહન ગાંધીએ ગાંધીના ચરિત્ર ‘ધ ગુડ બોટમેન’માં કેટલાક મહત્ત્વના પ્રસંગે પોતાનો નૈતિક પ્રભાવ ન વાપરવા પૂરતા ગાંધીજીને પણ જવાબદાર ગણ્યા છે. તો ‘ગાંધીજીનું અપમાન’ની બૂમો પાડીને એનાથી દુભાઇ જવાનું?

એ પણ હકીકત છે કે ‘ગુજરાતના પનોતા પુત્ર સરદારના અપમાન’થી દુભાઇ જનારા ઘણાખરા લોકોને ગુજરાતના બીજા પનોતા પુત્ર ગાંધીના અપમાનથી ખાસ લાગી આવતું નથી. ગાંધીહત્યા માટે વપરાતા ‘ગાંધીવધ’ (કેમ જાણે, ગાંધી કોઇ રાક્ષસ હોય અને કોઇ અવતારી પુરૂષે તેમને હણ્યા હોય- ‘વધ’ કર્યો હોય) જેવા શબ્દપ્રયોગ છૂટથી વપરાતો હોવા છતાં તેમને કંઇ થતું નથી. સરદારે જેમને જીવનભર ગુરૂવત્ ગણ્યા, જેમના પ્રત્યે અપાર આદર અને લાગણી સેવ્યાં, જેમના પગલે ચાલીને સાદગીપૂર્ણ જીવન અપનાવ્યું, એવા ગાંધીજીના અપમાનમાં સરદારનું અપમાન કેટલા લોકોને લાગે છે? ઉલટું, ‘સરદાર ન હોત તો ગાંધી ગાંધી ન બની શક્યા હોત’ એવું કહેવાની ફેશન પણ ગુજરાતમાં જ હતી- હજુ છે!

- અને સરદારના અપમાનના નામે પોતાની ખિચડી પકાવવી- ઓળખ-અસ્મિતા-સત્તાનું રાજકારણ ખેલવું એ પણ સરદારનું અપમાન નથી?

એક ગેરસમજ અને ભુલસુધાર

સાહિત્ય પરિષદ પ્રમુખ વિશેની પોસ્ટમાં મેં એ મતલબનું લખ્યું હતું કે વર્તમાન પ્રમુખ નારાયણ દેસાઈ પોતાની પ્રમુખપદની મુદતમાં એક ટર્મનો વધારો ઈચ્છતા હતા.

પ્રકાશભાઈ (શાહ) અને રૂપાબહેન મહેતાની નારાયણભાઈ સાથેની વાતચીત પરથી સમજાય છે કે નારાયણભાઈએ પ્રમુખપદની મુદત બે ને બદલે ચાર વર્ષની કરવાની વાત પોતાના માટે નહીં પણ સામાન્ય નિયમ તરીકે કરી હતી. કારોબારીની મુદત ચાર વર્ષની હોય તો પ્રમુખની મુદત પણ બે ને બદલે ચાર વર્ષની હોવી જોઈએ, એવો તેમનો મુદ્દો હતો.સમજણ-ચૂક બદલ દિલગીરી, ક્ષમા- પ્રાર્થના અને આ ભુલસુધાર.

Monday, August 24, 2009

ડો.કપિલા વાત્સ્યાયનઃ મુલાકાત સિવાયની વાતો


થોડા દિવસ પહેલાં કળા અને નૃત્ય ઇતિહાસકાર ડો.કપિલા વાત્સ્યાયન/dr.Kapila Vatsyayan અમદાવાદની મુલાકાતે આવ્યાં, ત્યારે ખાસ એસાઇન્મેન્ટ તરીકે તેમની સાથે અલપઝલપ વાતચીત કરવાની તક મળી. સ્નેપશોટ જેવી એ મુલાકાતનો અહેવાલ તો ગુજરાત સમાચારમાં પ્રગટ થઇ ગયો

ડો. કપિલા વાત્સ્યાયન એલ.ડી.મ્યુઝીયમ ઓફ ઇન્ડોલોજીનાં મહેમાન હતાં અને ત્યાં જ પ્રવચન આપવાનાં હતાં. એકાદ દાયકા પહેલાં આ સંસ્થામાં મારા મિત્ર (હવે સદગત) લલિતકુમાર આસિસ્ટન્ટ ક્યુરેટર જેવા કોઇ હોદ્દે હતા. ત્યારે ત્યાં જવાનું થતું હતું. સંસ્થાની વિલક્ષણતાનો થોડોઘણો પરિચય પણ ત્યારે થયો હતો. ડો.કપિલાને મળવા જતો હતો, ત્યાં બહાર જ રૂપા મહેતા (દૂરદર્શન) મળી ગયાં. એ આર્ટ હિસ્ટરીમાં ડોક્ટરેટ થયેલાં ને કપિલા વાત્સ્યાયના ગ્રંથો વાંચીને તેમના પ્રત્યે અપાર આદર ધરાવે. અમે બન્ને આમતેમ તપાસ કર્યા પછી છેવટે મ્યુઝીયમમાં દાખલ થયા. દરવાનને પૂછ્યું, ડાયરેક્ટરસાહેબ અંદર છે?

દરવાને ભક્તકવિ જેવી નિસ્પૃહતા અને વિરક્તીથી હિંદી ભાષામાં જવાબ આપ્યો, 'હું કોઇને ઓળખતો નથી. તમે જાતે જ અંદર જઇને જોઇ લો.'

સંસ્થાના ચોકીદાર ભાઇ સંસ્થાના ડાયરેક્ટરને ન ઓળખતા હોય અને તે બહુમૂલ્ય ચીજવસ્તુઓ ધરાવતા મ્યુઝીયમની ચોકી કરતા હોય એટલે જરા નવાઇ જેવું લાગ્યું, પણ 'આપણે ઇન્ડોલોજીમાં છીએ' એ યાદ કરીને નવાઇ શમાવી લીધી.

છેક અંદર આવેલા ડાયરેક્ટરના રૂમમાં અમે લગભગ ઘૂસી ગયાં, ત્યાં કપિલા વાત્સ્યાયન બેઠાં હતાં. ડાયરેક્ટર સાહેબ ઇચ્છતા હતા કે હું સાંજે બીજા મીડિયાવાળા સાથે જ આવું. પણ ડો.કપિલાએ સરળતાથી કહ્યું,'આવ્યા છે તો ભલે. વાત કરી લઇએ.'

માંડ દસેક મિનીટમાં સવાલજવાબ થઇ ગયા. પછી તેમની પરવાનગીથી મારા રેફરન્સ માટે તેમની તસવીરો લેતો હતો, ત્યારે રસપ્રદ અને આપણી સંસ્થાઓમાં જ સાંભળવા મળે એવો સંવાદ સાંભળવા મળ્યો. સંસ્થાની ઓફિસનાં એક મહિલા કર્મચારી ડો.કપિલા પાસે તેમની વિમાની ટિકીટની ઝેરોક્સ માગતાં હતાં.

તેમણે કંઇક અણછાજતી માગણી કરી હોય એમ ડો.કપિલાએ હસીને, પણ મક્કમતાથી કહ્યું,'કેમ?'

'મેડમ, અહીંની પ્રોસિજર છે. ટિકીટના રીએમ્બર્સમેન્ટ માટે ઝેરોક્સ સબમિટ કરવી પડે.'

'પ્રોસિજર છે એ બરાબર છે. પ્રોસિજરને અનુસરવું જ જોઇએ. પણ મારે રીએમ્બર્સમેન્ટ નથી જોઇતું.' ડો. કપિલાએ ઠંડક ગુમાવ્યા વિના, ઉપર મૂકેલી તસવીરમાં દેખાય છે એવા હાસ્ય સાથે કહ્યું.

'પણ મેડમ, એવું તો કેવી રીતે ચાલે?'

મેડમ કહે,'મારે રીએમ્બર્સમેન્ટ જોઇતું હોય તો તમને ટિકીટની ઝેરોક્સ આપવી પડે. પણ મારે રીએમ્બર્સમેન્ટ જોઇતું જ નથી, પછી ક્યાં સવાલ છે?'

એટલે પેલાં ગૂંચવાયેલાં બહેને હાર માનીને 'તમે ડાયરેક્ટરસાહેબ સાથે વાત કરી લેજો' એ મતલબનું કહીને પીછેહઠ કરી.

***

વાત ફક્ત આ કિસ્સાની કે આ સંસ્થાની નથી. આપણી સરેરાશ સંસ્થાઓ વહીવટી અને કારકુની બાબતોમાં ગમે તેવા મહાનુભાવોની પણ અદબ જાળવી શકતી નથી, દુનિયાદારીની બાબતો તેમની સાથે 'આ બધાનું કશું મહત્ત્વ નથી' એવી ખોટી તો ખોટી નિસ્પૃહતા સાથે, ચર્ચી શકતી નથી. પરિણામે, મહાપંડિતોના સેમિનાર હોય કે બેઠકો, તેમાં સૌથી મહત્ત્વનો મુદ્દો ટી.એ. બની જાય છે.

Saturday, August 22, 2009

મેઘાણીની વેબસાઇટ વિશે ટીવી કાર્યક્રમ

ગુજરાતી સાહિત્યકારોમાં ભાગ્યે જ કોઇની હોય એટલી વિગતવાર વેબસાઇટ ઝવેરચંદ મેઘાણી વિશે પિનાકી મેઘાણીએ બનાવી છે. http://www.jhaverchandmeghani.com/

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને નાનક મેઘાણીના પુત્ર પિનાકીભાઇના આ કર્તૃત્વને આવરી લેતો એક ટીવી કાર્યક્રમ રવિવાર, તા. 23-8-09ની સાંજે આઠ વાગ્યે ગુજરાતી દૂરદર્શન (ગિરનાર ચેનલ) પરથી પ્રસારિત થશે. આ કાર્યક્રમમાં વેબસાઇટનાં કેટલાંક દૃશ્યો ઉપરાંત મેઘાણી-ગાંધીની વિશિષ્ટ મુલાકાત વિશેની વાતો પણ નાનકભાઇના મોઢેથી સાંભળવા મળશે.

મેઘાણી વિશેની કોઇ પણ ઠેકાણાસરની માહિતી જાણવા કે જણાવવા ઇચ્છતા મિત્રો માટે પિનાકી મેઘાણીનું ઇ-મેઇલ એડ્રેસઃ pinakimeghani@yahoo.com

Friday, August 21, 2009

Jinnah & Gujarat ni Asmita (Pride of Gujarat)

Jinnah, founding father of Pakistan and reponsible (not solely) for the partition of the India has done it again. This time he's pushed BJP into partition mode. Jaswantsingh, veteran BJP leader & one of the recent rebels- the only one to be pampered with prestigious chairmanship of Parliament's Public Accoung Commitee (PAC) even after his rebellion, has revisited partition & Jinnah's 'innocent' role in his recent book. Not without disastarous consequences.

As He has got the boot from the party (BJP) after serving it for more than 3 decades (appreciation of Jinnah being the proverbial last straw), his book has been banned by Gujarat Chief Minister who think of himself as the custodian of the image of Sardar Patel. The Guj. Government claimed Singh's book tarnishes the image of the original Sardar of India, in presence of the other "smaller/lesser (chhote) sardars" - the pet name for Mr. Advani as well as Mr.Modi.

Well, politics apart, Jinnah's Gujarat connection is quite known. His father Zinabhai/ઝીણાભાઈ (from whose name Mahmad Ali drew his last name 'Jinnah') belonged to Paneli in Kathiawad, few kms. away from birth place of Gandhi. Though born in Karachi, MahmadAli was well versed with his Pitrubhasha/ Fathertongue. Here is the sample of how good he was even at written Gujarati.

The page below (from iconic Gujaraty Monthly 'Visami Sadi', May, 1916) depicts answers of some simple questions in Mahmad Ali's own handwritings. Yes, he signed as માહમદ અલી ઝીણા/ Maahmad Ali Zina in Gujarati. The column is titled 'Dil no ekrar' (hearty confession).
The page roughly translates as:
Admirable virtue of a Man : Independence
Admirable Virtue of a Woman : Loyality
Success in life, according to you : Securing love from people
Favourite recreation : Horse-riding
Favourite flower : Lily
Favourite writer: Shakespear
Favourite book: Monte cresto
Motto: Never get disppointed
The page can be found at http://www.gujarativisamisadi.com
(On home page Index, click Shirshak and in the long list of titles, click on the first Dil No Ekrar)

Thursday, August 20, 2009

સરદારની આબરૂ અને મોદી ઉર્ફે સરદાર ખતરેમેં !

કેવી હાસ્યાસ્પદ વાત છે! નરેન્દ્ર મોદી ગુજરાતના સપૂત સરદાર પટેલની મહાનતાનું રક્ષણ કરશે. કેવી રીતે ? ગુજરાતમાં જસવંતસિંઘના પુસ્તક પર પ્રતિબંધ મૂકીને.
પોતાની છબી અને રાજકીય લાભ માટે આત્યંતિક પગલાં લેવાની મુખ્ય મંત્રીની મથરાવટી જૂની છે. પણ જસવંતસિંઘના પુસ્તક પર પ્રતિબંધના તેમના ફતવાથી ગુસ્સા કરતાં વધારે હસવું આવે છે. કારણ કે-
1) અંગ્રેજી ભાષામાં લખાયેલું પુસ્તક ગુજરાતમાં પ્રતિબંધિત થાય તો પણ શું ને ન થાય તો પણ શું?
2) ધારો કે બહુ લોકો આ પુસ્તક વાંચવાના હોય તો પણ, મોદી ગુજરાતના લોકોને એવા ધારે છે કે તે જસવંતસિઘની વાતથી ભોળવાઇ જાય ('કહેવાય નહીં. મારી વાતોથી ભોળવાઇ જાય છે, તો કદાચ...')
3) ધારો કે લોકો ભોળવાઇ જાય તો પણ સરદારની છબી એવી તકલાદી છે કે તેને મોદીના રક્ષણની જરૂર પડે?
4) અને મોદી છબીનું રક્ષણ કરી શકતા હોય તો પહેલાં પોતાની છબીનું રક્ષણ ન કરે?
5) સરદારની છબીને કોમવાદી બનાવવામાં નેહરુની ચાપલૂસી કરનારા કોંગ્રેસીઓ જેટલું જ નુકસાન સરદારને મુસ્લિમવિરોધી નાયક તરીકે ચીતરનારા ભાજપીઓએ કર્યું છે. મોદી પણ તેમાં બાકાત નથી. એક સમયે તેમણે એ મતલબનાં નિવેદનો પણ કર્યાં હતાં કે સરદાર હતા એટલે ગાંધી ગાંધી બની શક્યા.

બાકી, મુખ્ય મંત્રીએ જસવંતસિંઘના પુસ્તકનું વેચાણ વધારવા માટે પ્રતિબંધ મૂક્યો હોય, તો જુદી વાત છે....

(ન) જોવા જેવી ફિલ્મઃ કમીને

મિત્ર સંજય ભાવેએ ગઇ કાલે જ ચેતવણી આપી દીધી હતી. છતાં, વિશાલ ભારદ્વાજની ફિલ્મ હોય તો જોવી જોઇએ, એવી ભાવનાથી કમીને જોયું.

મકડી જેવી બાળકો માટેની અને મકબૂલ-ઓમકારા જેવી મોટેરાં માટેની નમૂનેદાર ફિલ્મો બનાવનાર વિશાલ માટે પ્રેમભાવ થાય એ સ્વાભાવિક છે. એટલે કમીને જોવાનું ઘણા વખતથી નક્કી હતું. પણ ફિલ્મ જોઇને નિરાશા થઇ. મલ્ટીપ્લેક્સમાં જોઇ હોત તો કદાચ રૂપિયા પડી ગયાની પણ લાગણી થઇ હોત.

ફિલ્મ જોઇને સીધોસાદો સવાલ એ થાય કે ફિલમ આટલી બધી અંધારામાં અને આટલી બધી જર્કી- હાલકડોલક- સ્ટાઇલમાં ઉતારવાની શી જરૂર? મને યાદ નથી આવતું કે એકેય આખો સીન અદાકારોની અદાકારી જોઇ શકાય એટલી સ્થિરતા કે લંબાઇ કે અજવાળું ધરાવતો હોય.

અવળસવળ ઘટનાક્રમવાળા સ્ક્રીનપ્લે પરદેશી ફિલ્મોમાં પણ હોય છે. તેમાં શરૂઆતમાં છેડા ભેગા કરવામાં વખત લાગે, પણ પછી સ્ટોરી સરખી ચાલે. અહીં તો કવિ શું કહેવા- કે બતાવવા- માગે છે એ શોધવામાં ફિલમ પૂરી થઇ જાય છે. આવી ફિલમની કઇ બાબતો લોકોએ વખાણી, એ જાણવા માટે પણ મારે રીવ્યુ વાંચવા પડશે.

શાહીદ કપુરના ડબલ રોલનાં બન્ને પાત્રો (એક બોલતાં ખચકાતો અને બીજો સ નો ફ બોલતો), શિવસેનાની પ્રતિકૃતિ જેવાજય મહારાષ્ટ્રવાળા ગુંડા-નેતાનું પાત્ર, આ ચીજો વિશાલે જરા દેખાય એવી રીતે, સ્થિર કેમેરા સાથે ડેવલપ કરી હોત તો એ સરસ બની આવે એમ હતી. સંવાદોમાં વિશાલના ચમકારા છૂટાછવાયા દેખાઇ જાય, પણ પડદા પર આટલી અસ્થિરતા બતાવવાની શું જરૂર હતી એવો સવાલ વારે ઘડીએ થાય. આવી શૈલી જેમને બહુ મહાન લાગતી હોય તેમણે જ ફિલ્મ જોવી. વિશાલના પ્રેમીઓએ તેની ખરાબ ફિલ્મ તરીકે જોવી હોય તો આ ફિલ્મ જોવી. બાકી, સાદી વ્યાખ્યા પ્રમાણેની સારી ફિલ્મ જોવા ઇચ્છતા લોકોને કમીનેથી નિરાશા થશે.

Wednesday, August 19, 2009

દાઢીની દાઢી, શ્રાવણનો શ્રાવણ

ધાર્મિક ભાવનાને જપ-તપ-ઉપવાસથી માંડીને હિંસા-ઘોંઘાટ-ટીલાંટપકાં-ટોપીટોપા જેવી અવનવી ચીજો સાથે સંબંધ હોઇ શકે છે. ધર્મથી પ્રેરાઇને કોઇ અસ્ત્ર ધારણ કરે છે, તો કોઇ અસ્ત્રા (એકાદ મહિના પૂરતા) તજી દે છે.

વાત શ્રાવણ મહિનામાં વધારાતી દાઢીની છે. હિંદુ ધાર્મિક જનો માટે શ્રાવણ મહિનો વિશેષ મહત્ત્વ ધરાવે છે. કારણ કે એ મહિનામાં ફરાળી વાનગીઓ ઝાપટીને, જુગાર રમીને કે દાઢી વધારીને પણ ધર્મનું સેવન/પાલન/અનુસરણ કર્યાનો સંતોષ મેળવી શકાય છે.

‘કાયદો છોડશે નહીં ને સમાજ સ્વીકારશે નહીં’ એવી ધમકી ન હોવા છતાં, ફરાળ ઝાપટવાની કે જુગાર રમવાની ‘ધાર્મિક વિધી’ સામાન્ય રીતે જાહેરમાં થતી નથી. ફરાળ તો ઠીક, જુગાર જેવી બાબતમાં પણ સમાજ શ્રાવણ મહિનામાં બહુ ઉદાર બની જાય છે - અને કાયદો તો કાયમ માટે ફુદડી સાથે (‘શરતોને આધીન’) ઉદાર બનવા તૈયાર જ હોય છે. ફરાળ કરતાં કરતાં જુગાર ખેલાડીઓ (કે ‘ખેલીઓ’) જુગાર રમે તેને ‘ફરાળી જુગાર’ કહેવાય કે કેમ, એ વિશે ભદ્રંભદ્ર સરખા કોઇ શાસ્ત્રજ્ઞને પૂછવું પડે.

શ્રાવણ સ્પેશ્યલ ગણાતા ફરાળ કે જુગારની સરખામણીમાં, દાઢી એ ધાર્મિક ભાવનાની સૌથી નિર્દોષ, સૌથી સચોટ, સૌથી દૃશ્યમાન અને સૌથી ઓછી નુકસાનકારક અભિવ્યક્તિ છે. ચિંતનની શૈલીમાં કહી શકાય કે વધેલી દાઢી શ્રાવણ માસનું આઇ-કાર્ડ છે. ગુજરાતી મહિનાઓથી અપરિચિત લોકો પણ પોતાની આજુબાજુના પુરૂષોમાં દાઢીધારીઓની સંખ્યા ઓચિંતી વધવા લાગે, એટલે તપાસ કરી જુએ છેઃ ‘શ્રાવણ મહિનો બેસી ગયો?’ વર્ષના બાકીના ભાગમાં રોજેરોજ ચકચકાટ દાઢી છોલતા લોકોના ચહેરા પર અચાનક એક વરસાદ પછી ખુલ્લા મેદાન પર ઉગી આવેલા, ગાય-ભેંસ-ગધેડાંને ચરવાલાયક ઘાસ જેવી દાઢી દેખાય, એટલે પહેલી પ્રતિક્રિયા આશ્ચર્યની આવે છે. પછી વ્યવહારૂ માણસ તરત પરિસ્થિતિ પામીને કહે છે,‘સાવણ (શ્રાવણ) મહિનો કરો છો?’

એટલે દાઢીધારી પોતાના વ્યક્તિત્વ અનુસાર શરમાઇને કે હણહણીને કહે છે,‘હા, આપણે વરસમાં એક જ વાર દાઢી વધારવાની. એમાં કોઇ મગજમારી નહીં.’

‘દાઢી વધારવામાં કોઇ મગજમારી નથી.’ એવું ઘણા લોકો માની બેસે છે. દાઢી વધાર્યે જવામાં તેમને ‘ભલું થયું ભાંગી જંજાળ’ જેવો નિરાંતનો અહેસાસ લાગે છે. પરંતુ જંજાળ ભાંગ્યા પછી શું કરવું એનો કાર્યક્રમ તેમની પાસે હોતો નથી. ખરૂં પૂછો તો, દાઢીની જંજાળ એમ ભાંગવી પણ અઘરી છે. ધર્મના નામે ઘણી વાર જુગારને સહજતાથી સ્વીકારી લેવામાં આવે છે, પણ દાઢીને એટલી જલદી સામાજિક સ્વીકૃતિ મળતી નથી.

દાઢીના વિરોધીઓ અનેક પ્રકારના હોય છે. (આ રાજકીય વિધાન નથી.) કોઇ પણ સામાજિક સુધારાની જેમ દાઢીનો પહેલો પ્રતિકાર ઘરમાંથી શરૂ થાય છે. પરણીત પુરૂષે સૌથી પહેલાં પત્નીનો ઠપકો સાંભળવાની તૈયારી રાખે છે. બે-ચાર દિવસ તો એ પોતાનો દાઢીયલ ચહેરો ગુપચાવતો ફરે છે, પણ એક દિવસ પત્નીનું ઓચિંતું ઘ્યાન જાય છે, ‘તમે કેમ બીમાર જેવા લાગો છો? તબિયત ઠીક નથી?’ આવા લાગણીભર્યા પ્રશ્નથી શરૂ થયેલો સંવાદ છેવટે દાઢીના હનન જેવો ભયાનક વળાંક લેશે, તેની દાઢી ધારીને ભાગ્યે જ કલ્પના હોય છે.

સવાલના જવાબમાં દાઢીધારી શખસ ‘એ તો અમસ્તું. આ તો મને થયું કે જરા... એવું કંઇ નહીં... જ્યાં સુધી રખાય ત્યાં સુધી.. પણ મને થયું કે શ્રાવણ મહિનામાં...દાઢી જરા વધારીએ.’

પત્ની કે બીજાં કુટંબીજનોને દાઢીધારી માણસ સાવ માંદલો દેખાય એનો પણ વાંધો હોય છે અને સરખી દાઢી વઘ્યા પછી એ ખૂંખાર દેખાવા માંડે તો પણ ખૂંચે છે. થોડા દિવસ પછી સંવાદની રીત બદલાય છે. પત્ની કહે છે,‘આ શું ભાઇસાબ! જરાય સારા નથી લાગતા! આમ દાઢી વધારીને નીકળો છો તો પોલીસ ક્યાંક ત્રાસવાદવિરોધી કાયદામાં પકડી ન જાય!’

‘જે રાજ્યના મુખ્ય મંત્રી અને ગૃહમંત્રી દાઢીધારી હોય, ત્યાં દાઢી વધારવામાં ચિંતા કેવી!’ એવું રાજકીય જ્ઞાન પતિ પત્નીને આપવાનો પ્રયાસ કરે છે, પણ પત્ની તેમના ધાર્યા કરતાં વધારે સ્માર્ટ નીકળે છે. એ કહે છે,‘મુખ્ય મંત્રી ને ગૃહમંત્રી દાઢી સેટ કરાવે છે- તમારી માફક અડાબીડ ઉગાડતા નથી- ને એમને તો કોઇ કહેનાર નથી ને કહે તો કોઇનું સાંભળનાર નથી.’

જે ઘરમાં વડીલો હોય ત્યાં વડીલો પણ દાઢીને પ્રોત્સાહન આપતા નથી. બહુ ઊંમરલાયક વડીલો હોય તે દાઢીધારીના ઇતિહાસના જ્ઞાનમાં વધારો કરતાં કહે છે,‘ભાઇ, અમારા જમાનામાં તો બહારવટિયા, ડાકુલૂંટારા ને પ્રોફેસરો દાઢી રાખતા.’ પછી કંઇક કાચું કપાયાનો ખ્યાલ આવતાં કહે છે,‘પ્રોફેસરો અને બીજા મોટા માણસો-લિંકન જેવા દાઢી રાખતા. પણ ભાઇ દાઢી તો એવા બધાને શોભે.’ દાઢી રાખવાથી વડીલશ્રી પોતાનો સમાવેશ બહારવટિયામાં કરશે કે પ્રોફેસરમાં એ અવઢવમાં શ્રાવણ વીતી જાય છે.

ઓફિસમાં કે મિત્રવર્તુળમાં પણ શ્રાવણની સાથે જ કેટલાક ચહેરા પર ફણગા ફુટવા માંડે છે, જે જોતજોતાંમાં સ્વાઇન ફ્લુના વ્યાપની જેમ આખો વિસ્તાર આવરી લે છે. કાયમી દાઢી રાખનારામાં જેમ બાવા-દાઢી, બૌદ્ધિક દાઢી, ખૂંખાર દાઢી, દાઢીના વાળ જેટલા દાવપેચ દર્શાવતી કાબરચીતરી દાઢી કે ફેશનેબલ બકરાદાઢી (‘ગોટી’) જેવા અનેક પ્રકારો હોય છે, પણ ફક્ત શ્રાવણમાં દાઢી વધારનારા આટલી આળપંપાળમાં પડતા નથી.

વૈરાગી ભક્તકવિઓ દુનિયાને ‘ચાર દિનોંકા ખેલ’ કે ‘રૈનબસેરા’ (રાતવાસો) તરીકે ઓળખાવે છે, જ્યાંથી મુદત પૂરી થયે ચાલતા થવાનું છે. શ્રાવણમાં દાઢી વધારનારાની દાઢી પ્રત્યેની વિરક્તી કંઇક એ જ પ્રકારની હોય છે. આસક્તિ અને વિરક્તિનો દુર્લભ અને વિવેકપૂર્ણ સમન્વય શ્રાવણમાં દાઢી વધારનારા ઘણાખરા લોકોમાં થયેલો જોવા મળે છેઃ તે કાળજીપૂર્વક દાઢી વધારે છે, પણ મહિનો પૂરો થયે પોતાની વધારેલી દાઢીને પ્રેમમાં પડ્યા વિના, ચહેરો ફરી સફાચટ કરાવી નાખે છે ત્યારે આકાશમાં દેવો પુષ્પવૃષ્ટિ કરે કે ન કરે, કેશકર્તનકાર શીશીમાંથી જળવૃષ્ટિ અવશ્ય કરે છે.

શ્રાવણ મહિના સાથે ગુંથાયેલા દાઢી-માહત્મ્યમાં એક જ બાબત ખટકે એવી છેઃ ફરાળમાં અને હવે તો જુગાર દ્વારા શ્રાવણની ઉજવણી કરવામાં મહિલાઓ પાછળ નથી. પરંતુ દાઢી દ્વારા ભક્તિનો માર્ગ સ્ત્રીઓ માટે બંધ છે. સ્ત્રીઓ માત્ર સ્ત્રી હોવાને આ માર્ગે પ્રવેશ મેળવી શકતી નથી. કેટલાક આફ્ટરશેવ લોશન ઉત્પાદકો કે શેવિંગ ક્રીમની જાહેરખબર બનાવનારાએ દાઢી સાથે સ્ત્રીઓને સાંકળવાના પ્રયાસ કર્યા છે, પણ આ બાબતમાં તે કામ લાગે એવા નથી. પુરૂષ દાઢી વધારે તો તેના પરિવારમાં રહેલી સ્ત્રીઓને પણ ‘હિંદુ અનડીવાઇડેડ ફેમિલી’ના ધારા અંતર્ગત પુણ્ય પ્રાપ્ત થાય એવી કોઇ સ્કીમ હશે? શ્રાવણીયા પુણ્યનાં ‘રીટર્ન’ ભરતા કોઇ સી.એ.ને પૂછવું પડે!

Monday, August 17, 2009

હોમાય વ્યારાવાલા, નેનો અને પ્રસાર માધ્યમો

આખરે આજે સવારે હોમાય વ્યારાવાલાને લાલ રંગની ‘નેનો’ પ્રાથમિકતાના ધોરણે મળી ખરી.
ભાઇ પરેશ પ્રજાપતિએ આજે સમાચાર આપ્યા. એ સાથે જ એક વિચિત્ર અને પ્રસાર માધ્યમોની ભૂમિકા માટે યાદ રહી જાય એવા પ્રકરણનો સુખાંત આવ્યો- પણ ગાડીને જીવનમરણના સવાલની જેમ ચગાવનારા પ્રસાર માધ્યમોથી હોમાયબહેન ઘણાં નારાજ છે.
***
સંયોગોવશાત ગઇ કાલે રાત્રે જ એમને વડોદરાના એમના નિવાસસ્થાને બીરેન (કોઠારી) અને બિનીત (મોદી) સાથે મળવાનું થયું હતું. બીરેન પરિવાર અને મિત્ર પરેશ પ્રજાપતિ હોમાયબહેન સાથે લાંબા સમયથી સંકળાયેલા છે અને પારિવારિક સંબંધ ધરાવે છે. એટલે અમારી મુલાકાતમાં ઔપચારિકતાનો કોઇ ભાવ ન હતો. હોમાયબહેને પણ લાંબા સમયથી મનમાં ચડેલો એમનો ઉભરો ઠાલવ્યો – અને થોડા સમય પછી એમની સ્ટાઇલમાં હસતાં હસતાં કહ્યું પણ ખરું, ‘મેં મારો ઉભરો ઠાલવી લીધો. આ બધું સમજનારા (સાંભળનારા) કાં મલવાના ઉતા?’

હોમાયબહેન મિડીયાએ સર્જેલા ‘નેનોકાંડ’થી બહુ ત્રાસેલાં હતાં. ‘ધે મેડ માય લાઇફ મિઝરેબલ’ એ મતલબનાં ઘણાં વાક્યો એમણે પ્રસાર માધ્યમોના ઉત્સાહી પત્રકારો વિશે કહ્યાં. ‘આમાં અમારો શું વાંક?’ એવું કોઇ પત્રકાર મિત્રને હજુ ભોળાભાવે લાગતું હોય, તો તેમના લાભાર્થે આખો (અને હા, સાચો) ઘટનાક્રમ ટૂંકમાં.
હોમાયબહેને પોતાની વિન્ટેજ ફિઆટ રીપેરીંગથી કંટાળીને મુંબઇના એક સગાને આપવાનું નક્કી કર્યું. એ ગાડી સાથે તેમના વર્ષોજૂના લાગણીના સંબંધ. એટલે બીરેને એ સંબંધને ધરીમાં રાખીને ‘આહા જિંદગી’માં બે પાનાંનો એક લેખ લખ્યો, જે માત્ર તેમના અને તેમની ગાડીના સંબંધો અને તેની બારીક વિગતો વિશે હતો. એ લેખના થોડા સમય પછી એક ટેબલસ્ટોરી ફરતી થઇ, જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે હોમાયબહેને નેનો ખરીદવા માટે પોતાની વર્ષોજૂની કાર કાઢી નાખી. ત્યારથી નેનોન્યૂઝ ભૂખ્યા પત્રકારોએ હોમાયબહેનનનું જીવવું હરામ કરી નાખ્યું. તેમના નામે અને તેમના વિશે અનેક ભળતીસળતી વિગતો, કોઇ પણ જાતની ખરાઇ વિના છપાવા લાગી. હોમાયબહેનને નેનો માટે કોઇ વિશેષ આકર્ષણ ન હતું. એમની જરૂરિયાત એક ગાડીની હતી ને એ વખતે નેનોની વાત આવી. એટલે એમણે નેનોમાં રસ બતાવ્યો. એથી વધારે નેનોમાં તેમને કશો રસ ન હતો. પરંતુ છાપાં-ચેનલોમાં બધાને મઝા પડી ગઇ. હોમાયબહેન અને નેનોના નામે પહેલાં ‘મળવાની છે’, પછી ‘હજુ સુધી મળી નથી’, પછી ‘હવે મળે તો પણ લેવાનાં નથી’ એવી સ્ટોરી સતત ચાલતી રહી. એમાં હોમાયબહેનની શાંતિનો ‘ઘાણ’ વળી ગયો. કેટલાક એવું માનવા લાગ્યા કે અમે સ્ટોરી કરી, એટલે હોમાયબહેનને નેનો મળવાની છે. નેનોની પ્રાથમિક ધોરણે ફાળવણી માટે મુંબઇથી તેમની પર પત્ર આવ્યો હતો. પરંતુ કારની ડિલીવરી વડોદરાથી મળવાની હોવાથી સ્ટોરી વડોદરાની થઇ ગઇ અને પછી તો દર થોડા વખતે પત્રકારોને આ સ્ટોરીના ઉથલા આવતા રહ્યા. હોમાય વ્યારાવાલાની અને નેનોની વાત આવે એટલે સ્ટોરી નેશનલ થઇ જાય. પીટીઆઇ પરથી પણ આ સ્ટોરી ઉતરી.

કાલે હોમાયબહેન કહેતાં હતાં કે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’માં એમના વિશે એક એવો રીપોર્ટ આવ્યો હતો, જેમાં ‘હું બોલી ન હતી એવું બધું મારા ક્વોટ્સ તરીકે ઇન્વર્ટેડ કોમામાં મૂકવામાં આવ્યું હતું. સાથે ફોટો પણ એવો મૂક્યો હતો કે હું એનોય્ડ હોઉં એવું લાગે.’ હોમાયબહેન કહે,’હું કદાચ ગુસ્સામાં હોઇશ તો પણ રીપોર્ટર પર.’ ટાઇમ્સનો રીપોર્ટ વાંચીને એમણે જૂની સ્ટાઇલમાં તંત્રીને એક પત્ર પણ લખ્યો હતો, જેની વિગત ગઇ કાલે એમણે મોઢે બોલી બતાવી. તેનો સાર એ જ હતો કે રીપોર્ટમાં મારા નામે ભળતાંસળતાં અવતરણ છાપ્યાં હતાં અને મારો ફોટો જોઇને એવું લાગે કે તમે બુઢ્ઢા લોકો પ્રત્યે સંવેદનશીલ નથી.

નેનો મુદ્દે મિડીયાવાળાથી ગળે આવી ગયેલાં હોમાયબહેન કહેતાં હતાં કે મારી આટલી હેરાનગતિ કદી થઇ નથી. ‘લોકો ગમે ત્યારે એપોઇન્ટમેન્ટ લીધા વિના આવી ચડે, કેમ જાણે આપણે નવરાં હોઇએ ને એમની રાહ જ જોતાં હોઇએ. કેટલાક બેલ માર્યા વિના છેક ઘરમાં આવી જાય. ઘણાખરા આવીને પોતાના હિસાબે ઘરનું બધું રાચરચીલું આઘુંપાછું કરી નાખે અને ફરી સરખું કરવાની તસ્દી પણ ન લે. ટાઇમ પર આવે નહીં. અત્યાર સુધી મેં કદી કોઇને પાછા કાઢ્યા નથી. પણ એક જણ આવેલો- ઇન્ટરવ્યુ લેવા. તેને સવારે અગિયાર વાગ્યે મળવાનું કહ્યું હતું ને ચોખ્ખું લખ્યું હતું કે મહેરબાની કરીને ટાઇમસર આવી જજો. તો પણ એ ચાળીસ મિનીટ મોડા આવ્યા. મેં એમને પૂછ્યું, ‘સોનિયા ગાંધીને મળવા જવાનું હોત તો તમે પંદર મિનીટ પણ મોડા પડત?’
એ કહે , ‘ના.’
‘તો પછી તમે મને શું સમજો છો? આઉટ યુ ગો.’ કહીને એમને રવાના કર્યા.

‘દસ મિનીટ મોડા પડો તો ચાલે, પણ પાંચ મિનીટ વહેલા ન જવાય.’ એવું કહેનારાં હોમાયબહેને અમદાવાદથી બે છોકરીઓની વાત કરી. એમને દસ વાગ્યાનો ટાઇમ આપ્યો હતો અને તે નવ વાગ્યામાં આવી ગઇ. એમને મેં કહ્યું કે ‘તમને દસ વાગ્યે આવવાનું કહ્યું હતું’ તો કહે,’અમે અમદાવાદથી આવીએ છીએ.’
‘એમાં હું શું કરું?’
‘પણ અમે ક્યાં જઇએ?’
‘મારે પરવારવાનું બાકી છે.’
‘વાંધો નહીં અમે અહીં બહાર બેઠાં છીએ.’
હોમાયબહેન કહે, ‘અમે કોઇને મળવાનું હોય ને પાંચ મિનીટ બાકી હોય તો બહાર આંટાફેરા મારીએ ને ટાઇમ થાય પછી જ અંદર જઇએ.’ એ છોકરીઓ બપોરે જમવાના સમયે ન ગઇ, ચાના સમયે ન ગઇ, ‘તમારું રસોડું બતાવી દો. સાંજનું રાંધી દઇશું’ કહીને સાંજે રોકાઇ ને એમણે કોઇની સાથે રાત્રે દસ વાગ્યે નીકળવાનું નક્કી કર્યું હશે, તે છેક એ સમયે ગઇ.
હોમાયબહેન પ્રત્યે ગમે તેટલો આદરભાવ હોય, તો પણ તેમનાં લાગણી, સગવડ અને સ્વમાનનો, તેમની રહેણીકરણીનો ખ્યાલ કોઇ કરતું નથી. તેમના લાસરીયા વર્તનથી હોમાયબહેન મનોમન જેટલાં ધૂંધવાય છે અને અગવડ અનુભવે છે એ કોઇ વિચારતું નથી. ફોટા પાડવા માટે ઘરનું ફર્નિચર આમતેમ કરી નાખનારા લોકો એમ જ જતા રહે ત્યારે હોમાયબહેનને બહુ ગુસ્સો આવે છે. એ કહે છે,’હવે તો એવું થાય છે કે એ લોકો છેક નીચે ઉતરી જાય, પછી એમને પાછા ઉપર બોલાવું અને કહું કે આ બધું ગોઠવીને જાવ.’

પત્રકારોના માઠા અનુભવોનો એમની પાસે ભંડાર છે. એ કહે, ‘અત્યાર સુધી બધાએ મારા વિશે આટલું બધું લખ્યું, પણ મને એનાથી આટલો બી ફરક પડ્યો નથી. એક આ (બીરેન-કામિની) અને બીજાં એક શાહ કપલ છે એ મારી બહુ હેલ્પ કરે છે.’ એમની નજીક રહેતો અમારો મિત્ર પરેશ પ્રજાપતિ હવે આ ટૂંકા વર્તુળમાં ઉમેરાયો છે- હોમાયબહેનની રમૂજ પ્રમાણે, ‘પ્રજાપતિ મારી ને આમની (બીરેનની) વચ્ચે ફસી ગયો છે.’
***
‘કાલે નેનો લેવા જવાનું છે. મેં કહ્યું, મને ઘરમાં નીચે આપી જજો. પણ ત્યાં કોઇ ફોર્માલિટી માટે મારે જવાનું છે. એ લોકોએ ખબર નહીં કેમ, પણ અગાઉના ફોર્મમાં કંઇક અપગ્રેડ કર્યું છે. એટલે સહી કરવા જવાનું છે. મેં કહ્યું હતું કે મારે ગાડીમાં કોઇ ગેજેટ નહીં જોઇએ. કોઇ એર કન્ડિશનિંગ નહીં. મારે ગાડી લક્ઝરી માટે નહીં, નેસેસીટી માટે લેવાની છે. કાલે ત્યાંથી ડ્રાઇવર મને મારી ગાડીમાં અહીં મૂકી દેશે. કોઇકે તો એવું પણ લખ્યું હતું કે એમનાથી ગાડી ચલાવાશે નહીં. એટલે ડ્રાઇવર રાખવો પડશે.’

ગાડીના મુદ્દાને મિડીયાવાળાએ જીવનમરણનો સવાલ બનાવી દીધી, એનાથી હોમાયબહેન ત્રાસી ગયાં હતાં. જ્યાં જાય ત્યાં લોકો પૂછે,’ગાડી મળી?’ હોમાયબહેન કહે,’થોડા વખત પહેલાં એક પાડોશીએ ગાડી કાઢી નાખી, પછી મને ખબર પડી. નહીં તો એ ગાડી ખરીદી લીધી હોત તો આ કશી ઝંઝટ જ ન થાત.’
(ફોટોઃ બિનીત મોદી)

Thursday, August 13, 2009

આઝાદીની ઉજવણીઃ જરા યાદ યે ભી કર લો

મૂળ કુંડળ (તા.સાણંદ)ના સુરેશ જાદવને છેલ્લાં આઠ-દસ વર્ષથી ઓળખું છું. ‘નવસર્જન’ના કાર્યકર, લખનારા માણસ અને મિત્ર તરીકે. અન્યાય નહીં સાંખી લેનારા અને બીજા વતી સરકારી તંત્ર સામે બાથ ભીડનારા માણસ તરીકે પણ એમનો પરિચય છે.

આ વર્ષના મે મહિનામાં કુંડળમાં મંદિરપ્રવેશ માટે સુરેશભાઇને એમના ગામમાં જે સંઘર્ષ કરવો પડ્યો, ત્યારે ડો.આંબેડકરે કરેલા કાલારામ મંદિરપ્રવેશ સત્યાગ્રહના સાત દાયકા પછી પણ સ્થિતિ કેટલી હદે બદલાઇ નથી તેનો કટુ અને કરૂણ અહેસાસ થયો.

સુરેશભાઇ દલિત હોવાને કારણે તેમને મંદિરમાં પ્રવેશ ન મળે, પોલીસ તેમની ફરિયાદ ન નોંધે, ત્રણ-ત્રણ દિવસ સુધી ધક્કા ખવડાવે, દબડાવી જુએ, ડી.એસ.પી.નો હુકમ થયા પછી પણ તેમની ફરિયાદ ન લેવાય, છેવટે પોલીસરક્ષણ સાથે તે મંદિરપ્રવેશ કરે ત્યારે ગામના બિનદલિતો એ મંદિરમાં જવાનું બંધ કરે- કારણ કે દલિતના પ્રવેશથી મંદિર અભડાઇ ગયું ગણાય!

દલિતો પરના ત્રાસને ભૂતકાળની વાત ગણતા અને શહેરી દલિતો દ્વારા થતા ‘એટ્રોસિટી એક્ટ’ના છૂટાછવાયા દુરૂપયોગની સામે, વ્યાપક વાસ્તવિકતા નજરઅંદાજ કરનારા સૌ મિત્રો માટે, સુરેશભાઇની કથા બે વિડીયો લિન્કમાં મૂકી છે.

આ વિડીયોની ગુણવત્તા વિશે જેમને ફરિયાદ હોય તેમને વિનંતી કે આંખ બંધ કરીને, આ વિડીયોમાંથી ફક્ત અવાજ સાંભળે અથવા શક્ય હોય તો વિડીયો પોતાના કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને વગાડે.

http://www.youtube.com/watch?v=25ZtMNi7ERQ

http://www.youtube.com/watch?v=kATWUmVxkkE

(વઘુ વિગતો જાણવા ઇચ્છતા મિત્રોને મેઇલ કરવા વિનંતી)