Friday, January 08, 2010

બ્રાન્ડનેમના દાવ અને પેચ

આ ગુજરાતની પ્રજાની ખાસિયત છે કે નહીં, ખબર નથી. પણ પતંગના દોરાની બ્રાન્ડનું નામ ‘એકે-૫૬’ હોય તો કેવું કહેવાય? ગયા વર્ષે ઉત્તરાયણ પહેલાં એ મતલબની પોસ્ટ ‘એકે-૫૬’ની જાહેરખબર સાથે મૂકી હતી.
આ વર્ષે, ખાસ કરીને ૨૬/૧૧ પછી તેમાં એક માળ ચણાયો છે. બે દિવસ પહેલાંના સંદેશમાં પહેલાં પાનાની આગળના સ્પેશ્યલ અડધા પાનામાં પાછળની બાજુએ ‘એકે-૫૬’ની જાહેરાત હતી અને આગળના ભાગે જે બ્રાન્ડની જાહેરાત હતી તેનું નામ શું હશે? કલ્પી શકો છો?
એનએસજી!
આખું નામઃ નેશનલ સિક્યોરિટી ગાર્ડ નહીં, પણ નેશનલ સ્કાય ગાર્ડ!

Tuesday, January 05, 2010

કોંગ્રેસઃ ઇતિહાસ સવા સો વર્ષનો, વારસો ચાર દાયકાનો

કોંગ્રેસ વિશે એકવીસમી સદીના વિદ્યાર્થીઓ માટે નિબંધ લખવાનો હોય તો શરૂઆત કંઇક આ રીતે કરવી પડેઃ ‘કોંગ્રેસ કૌટુંબિક પેઢી નહીં, પણ ભારતનો સૌથી જૂનો રાજકીય પક્ષ છે. તેની સ્થાપના મોતીલાલ નેહરૂએ કરી ન હતી. જવાહરલાલ નેહરૂ તેના પહેલા પ્રમુખ ન હતા. જવાહરલાલનાં પુત્રી ઇન્દિરા ગાંધીને મહાત્મા ગાંધી સાથે કોઇ સંબંધ ન હતો.’
૨૮ ડિસેમ્બર, ૨૦૦૯ના રોજ કોંગ્રેસની સ્થાપનાને ૧૨૫મું વર્ષ બેઠું. આ વિધાન ઉપર ‘શરતો લાગુ’ પ્રકારની ફુદડી મૂકવી પડે. કારણ કે ૧૨૪ વર્ષ પહેલાં સ્થપાયેલી કોંગ્રેસને અત્યારની કોંગ્રેસ સાથે નામનો જ સંબંધ છે. કેવળ ગણિતથી કે ‘ટેકનિકલી’ નહીં, પણ ભાવાર્થમાં અને વાસ્તવમાં વર્તમાન કોંગ્રેસની ઊંમર ગણવી હોય તો ગણતરી ૧૯૬૯થી શરૂ કરવી પડે. એ વર્ષે કોંગ્રેસના બે ભાગ પડ્યા. આઝાદીના આંદોલન વખતે સક્રિય એવા જૂના જોગીઓ સંસ્થા કોંગ્રેસ (કોંગ્રેસ-ઓર્ગેનાઇઝેશન) તરીકે રહ્યા અને ‘અસંતુષ્ટ’ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ સંસ્થાથી છેડો ફાડીને શાસક કોંગ્રેસ (કોંગ્રેસ-રૂલિંગ) નામે પોતાનો અલગ ચોકો રચ્યો. કોંગ્રેસ (ઓ) અને કોંગ્રેસ (આર) અનુક્રમે ‘સિન્ડિકેટ’ અને ‘ઇન્ડિકેટ’ તરીકે જાણીતાં બન્યાં.

લાલબહાદુર શાસ્ત્રીના અકાળે અવસાન પછી, મોરારજી દેસાઇ સામે વાંધા ધરાવતા જૂના નેતાઓના ટેકાથી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં, પણ વૃદ્ધ નેતાઓને ભૂલ સમજાઇ ત્યારે મોડું થઇ ચૂક્યું હતું. વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીએ વડીલમંડળને અવગણીને પોતાની અલગ મંડળી (‘કિચન કેબિનેટ’) ઉભી કરી લીધી હતી. ૧૯૭૦માં મઘ્ય સત્ર ચૂંટણી યોજતાં પહેલાં બેન્કોનું રાષ્ટ્રિયકરણ અને સાલિયાણાંનાબૂદી જેવાં ‘સમાજવાદી’ અને ‘ગરીબતરફી’ પગલાં લઇને ઇન્દિરાએ પાડી દીધો. ૧૯૭૦ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના પ્રતીક માટે વિવાદ ઉભો થયો, ત્યારે સરકારી લાઇન પ્રમાણે ચાલનારા ચૂંટણીપંચે સંસ્થાને બદલે સંસ્થા છોડી જનાર ઇન્દિરા ગાંધીની શાસક કોંગ્રેસની તરફેણમાં ચૂકાદો આપ્યો. પરિણામે ઇન્દિરા ગાંધીનું જૂથ કોંગ્રેસના ચૂંટણીચિહ્ન પર ચૂંટણી લડ્યું અને બે તૃતિયાંશ બહુમતિથી જીત્યું.
આ વાત કેટલી વિચિત્ર કહેવાય, તેનો અંદાજ મેળવવા એક સિચ્યુએશન કલ્પી જુઓઃ ધારો કે સોનિયા ગાંધી અને મનમોહન સિંઘ વચ્ચે તકરાર થાય છે. મનમોહન સોનિયાના ટેકે વડાપ્રધાન બન્યા છે, પણ હવે તે પોતાની રીતે સ્વતંત્રપણે કામ કરવા માગે છે. (કેવી સુખદ ધારણા!) એટલે તે પોતાનો અલગ પક્ષ ‘શાસક કોંગ્રેસ’ રચે છે. સોનિયા ગાંધી પાસે સંસ્થા કોંગ્રેસ રહી જાય છે. પોતાની લોકપ્રિયતા પર મુસ્તાક વડાપ્રધાન સિંઘની ઇચ્છાથી મઘ્યસત્ર ચૂંટણી જાહેર થતાં, કરોડો રૂપિયાનો સવાલ આવે છેઃ પંજાના કોંગ્રેસી પ્રતીક પર અધિકાર કોનો? સાસબહુની સિરીયલના પ્લોટ જેવી આ સિચ્યુએશનમાં, પંજો ડો. સિંઘને ફાળવવામાં આવે, એવું ચાળીસ વર્ષ પહેલાં ચૂંટણી પંચે કર્યું હતું. એ રીતે, આજે જેને કોંગ્રેસ તરીકે ગણવામાં આવે છે તે અસ્તિત્ત્વમાં આવી.

ઉજવણાં કરતી વેળાએ જોકે વાસ્તવિક ઘટનાક્રમને ભાગ્યે જ ઘ્યાનમાં લેવામાં આવે છે. રાજકારણનો નિયમ છેઃ ‘પોતે કરેલાં કામોનું ગૌરવ તો સૌ કોઇ લે, પણ જેમાં આપણી કોઇ કમાલ નથી એવી ચીજોનું ગૌરવ આપણા નામે સ્થાપિત કરી બતાવીએ તો ખરા.’
રાષ્ટ્રિયતા અને પરિવારભક્તિ
સ્થાપના વખતે વકીલ-બેરિસ્ટરોના બૌદ્ધિક ટાઇમપાસનું સાધન ગણાતી અને ‘પ્રે એન્ડ પીટીશન’ (વિનવણી ને અરજી)ની રાજનીતિમાં માનતી કોંગ્રેસના દરવાજા ગાંધીજીના આગમન પછી આમજનતા માટે ખુલ્યા. ત્યારથી તેના ચરિત્રની એક ખાસિયત રહી છેઃ તેના પાયામાં બાકી બધા અવગુણ છે, પણ સંકુચિતતા નથી. બાકી બધા સિદ્ધાંત નેવે મૂકાયા પછી પણ સર્વના સમાવેશની તેની લાક્ષણિકતા જળવાઇ રહી છે. તેના માટે કોઇ વ્યક્તિ નહીં, પણ સંસ્થાનું ડી.એન.એ. જવાબદાર છે. એ રીતે કોંગ્રેસ ખરા અર્થમાં ‘રાષ્ટ્રિય’ છે.

કહેવા ખાતર ભાજપ કે ડાબેરીઓ જેવા બીજા રાષ્ટ્રિય પક્ષો સર્વસમાવેશકતાનો દાવો કરી શકે, પણ તેમનો દાવો સાચો નથી તે સૌ જાણે છે. ભાજપ ગમે તેટલી વાતો કરે ને તેના નેતાઓ નાતાલ દરમિયાન કાર્નિવલો ઉજવે કે મુસ્લિમોને રીઝવવા લીલી ટોપીઓ પહેરે, પણ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ જેવા ‘વિધર્મી’ માટેનો તેમનો અભાવ વિકૃતી તરીકે વખતોવખત પ્રગટ થઇને તેમનું હાડ છતું કરતો રહે છે. સર્વસમાવેશકતાને બાદ કરવામાં આવે તો બાકીનાં લક્ષણોમાં વર્તમાન કોંગ્રેસે ઇન્દિરા ગાંધીનો વારસો જાળવ્યો છે. ઇન્દિરા ગાંધીએ સગવડ મુજબ નેહરૂનો વારસો જાળવવાની વાતો કરી હતી, પણ ભ્રષ્ટ અને સિદ્ધાંતહીન શાસનની પરંપરા તેમણે સ્વબળે ઉભી કરી. સાથોસાથ, કોંગ્રેસમાં પહેલેથી નાજુક તબિયત ધરાવતી આંતરિક લોકશાહીને સાવ ખતમ કરી નાખી.

આઝાદી પછી તરતના અરસામાં, લોકસભાની પહેલી ચૂંટણી યોજાય તે પહેલાં સરદાર પટેલનું અવસાન થતાં, નેહરૂ કોંગ્રેસના એકમેવ સ્તંભ બની ગયા. ત્યારથી આંતરિક લોકશાહી કોંગ્રેસને ફાવી નથી. ઇન્દિરા ગાંધીની અસાધારણ ક્ષમતા, સફળતા અને મહત્ત્વાકાંક્ષાના પ્રતાપે તેમના જીહજૂરિયાઓની ફોજ ઉભી થઇ. વિખ્યાત તસવીરકાર રધુ રાયની એક જાણીતી તસવીરમાં ખુરશી પર બેઠેલાં ઇન્દિરા ગાંધીની પીઠ દેખાય છે અને સામે સફેદ કુર્તા-પાયજામા-ધોતીયાંધારીઓની આખી ફોજ રાંકડી બનીને ઉભી છે.
(photo : Raghu Rai/ India Today)
કોંગ્રેસની એ સંસ્કૃતિ ૨૦૦૯માં બદલાઇ નથી. રાજીવ ગાંધીના આકસ્મિક મૃત્યુ પછી અને સોનિયા ગાંધીના પુનઃપ્રવેશ પહેલાંના ગાળામાં એકનિષ્ઠ ભક્તિનું સ્થાનક લુપ્ત થતાં કોંગ્રેસીઓ મૂંઝાયા હતા. પણ તેમની અરજથી પીગળીને હાજરાહજૂર થયેલાં સોનિયા ગાંધીની ભક્તિ એ મોટા ભાગના કોંગ્રેસી નેતાઓનું ચીતરી ચડે એટલી હદનું વળગણ (અથવા મજબૂરી) છે.

સોનિયા ગાંધી સારાં છે કે ખરાબ એ પ્રશ્ન નથી. લોકશાહીમાં દેશનો સૌથી મોટો અને જૂનો રાજકીય પક્ષ આટલી હદે એક વ્યક્તિ પર નિર્ભર હોય એ ચિંતાજનક છે. આઝાદીના આંદોલન વખતે મહાત્મા ગાંધી થોડાં વર્ષ આવી એકચક્રી ભૂમિકામાં રહ્યા હતા, પણ તેમને એ વિશેષાધિકાર કૌટુંબિક વારસાની રૂએ મળ્યો ન હતો. પોતાની શક્તિઓથી તેમણે એ હાંસલ કર્યો હતો. સોનિયા ગાંધી પહેલાં વિશેષાધિકાર મેળવીને પછી પોતાની શક્તિઓ તેને અનુરૂપ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે - અને હવે બેશરમીપૂર્વક રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાની વાત ચાલી રહી છે.
(Indira Gandhi- Rahul- Priyanka- Soniya Gandhi/ photo : Raghu Rai/ India Today)
ફરી એક વાર, સવાલ રાહુલ ગાંધીની લાયકાતનો નથી, પણ દેશના સૌથી જૂના રાજકીય પક્ષને કૌટુંબિક પેઢીની જેમ ચલાવવાનો અને ચલાવવા દેવાનો છે. સોનિયા ગાંધીના વિદેશી કુળ જેવા લાંબા ગાળે અપ્રસ્તુત બની ગયેલા મુદ્દા વિશે ગરમાગરમ ચર્ચાઓ થાય છે, પણ પક્ષીય લોકશાહીના અભાવ વિશે અને રાજકીય વારસાઇના મુદ્દે કોણ કોને અરીસો બતાવે?

પ્રાયશ્ચિતલાયક મુદ્દાની યાદીઃ જ્યાં જ્યાં નજર ઠરે...
સવાસો વર્ષની ઉજવણી દરમિયાન સાચા અને કાલ્પનિક ભવ્ય ભૂતકાળની ઘણી વાતો કરવામાં આવશે, પણ સવા સો વર્ષની ખરી ઉજવણી ત્યારે જ સંપૂર્ણ થાય જ્યારે ગૌરવગાથાની સાથોસાથ જૂનાં પાપનાં પ્રાયશ્ચિત કરવામાં આવે. કોંગ્રેસનાં નામે બોલતી પાપની યાદી લાંબી છે. હકીકતમાં ભાજપે એવું કોઇ મૌલિક પાપ કર્યું નથી, જે પહેલાં કોંગ્રેસે ન કર્યું હોય.

બન્ને વચ્ચે ફરક એટલો જ કે કોમી કે અન્ય પ્રકારનાં વિભાજનની રાજનીતિ એ કોંગ્રેસની પાયાગત વિચારધારાનો હિસ્સો નથી, જ્યારે ભાજપની બાબતમાં નિખાલસતાથી વિચારતાં એવું કહી શકાય એમ નથી. ભાજપના પાયામાં રહેલી હિંદુત્વની રાજનીતિ, ગમે તેટલી ઉદાર અને ગળચટ્ટી વ્યાખ્યાઓ પછી પણ, કોમી વિભાજનને પાયાના સિદ્ધાંત તરીકે ગણે છે. કોંગ્રેસે પ્રાયશ્ચિત કરવા લાયક અને ખરેખર તો આકરી સજાને પાત્ર એવાં પાપની લાંબી યાદીમાંના કેટલાક મુદ્દાઃ
  • ૧૯૮૪ની શીખવિરોધી હિંસા અને તેના આરોપીઓનાં હજુ સુધી બેશરમીપૂર્વક થઇ રહેલાં થાબડભાણાં. કોઇ જરનૈલસિંઘ ગૃહ મંત્રી પર જૂતું ફેંકે ત્યારે ડાયનોસોર જેવી સંવેદનશીલતા ધરાવતી કોંગ્રેસને બત્તી થાય છે કે સજ્જનકુમારની ઉમેદવારી કામચલાઉ રદ કરવી પડશે. સોનિયા ગાંધીએ આ મુદ્દે શીખોની માફી માગી છે, પણ ૧૯૮૪ના આરોપીઓને જ્યાં લગી રાજકીય અરણ્યવાસની સજા ન મળે ત્યાં લગી માફીનો કશો અર્થ સરતો નથી. દિલ્હીમાં શીખ મતદારોની સંખ્યા પરિણામ પર અસર પાડી શકે એટલી મોટી ભલે ન હોય, પણ કોંગ્રેસની ઘાતકી બેશરમીની અસરો દેશના રાજકારણ પર પડે છે, એટલી સાદી વાત સોનિયા ગાંધીને કોઇ કહેતું નહીં હોય?

  • મુસ્લિમો અને દલિતોના ઉદ્ધારના બહાને એ સમુદાયોમાં રહેલાં પ્રગતિશીલ બળોને પાછાં પાડીને, પરિસ્થિતિ બદલાવા (સુધરવા) ન દેવી, એ પણ કોંગ્રેસનું બહુ મોટું પાપ છે. મુસ્લિમો અને દલિતોને વર્ષો સુધી કોંગ્રેસે ફક્ત વોટબેન્ક તરીકે ગણીને, તેમની હાલત દયનીય બનાવી દીધી છે. દલિતોને રાજકીય હક આપવાને બદલે હિંદુઓનાં હૃદય બદલાય ત્યાં સુધી રાહ જોવાનું કહેવા બદલ ગાંધીજી પણ દલિતોની નજરે અપરાધી ઠરે છે. છતાં, ગાંધીજીએ અસ્પૃશ્યતાનિવારણની પ્રવૃત્તિને રાષ્ટ્રિય સ્તરે વ્યાપક બનાવી અને પોતે સનાતની હિંદુઓની નારાજગી વેઠીને પણ એ કલંક દૂર કરવા મથતા રહ્યા. તેમના ગયા પછી કોંગ્રેસ માટે અસ્પૃશ્યતાનિવારણનો કાર્યક્રમ દલિત વોટબેન્કને જાળવી રાખવા પૂરતો સીમિત બની રહ્યો.

  • પરિવારભક્તિ કોંગ્રેસની મોટી મર્યાદા છે. રાષ્ટ્રવ્યાપી પક્ષમાં સેંકડો નેતાઓ અને યુવાનો હોય, તો પણ ભાવિ નેતા તરીકે માત્ર ને માત્ર રાહુલ ગાંધીનું જ નામ લેવાય, એ લોકશાહી માટે શરમજનક ગણાય. પરિવારવાદની પરંપરાનાં મૂળીયાં ભારતના રાજકારણમાં ઊંડાં ઉતારવામાં કોંગ્રેસનો મોટો ફાળો છે. બે મુદતથી વડાપ્રધાન એવા મનમોહન સિંઘનું ઉદાહરણ આપીને કોઇ આ આરોપનો વિરોધ કરી શકે, પણ મનમોહન સિંઘ પર અને સરકાર પર સોનિયા ગાંધીનો કેટલો પ્રભાવ છે, એ છાનું નથી.

  • ભાજપના કોમવાદી એજેન્ડાનો અસરકારક વિરોધ પ્રજાકીય કે નેતાકીય, કોઇ પણ સ્તરે કરવામાં કોંગ્રેસ સાવ પાંગળી અને નમાલી પુરવાર થઇ છે. ભાજપને અત્યાર સુધી મળેલી પ્રચંડ સફળતામાં તેની આવડત કરતાં કોંગ્રેસની અણઆવડતનો હિસ્સો બહુ મોટો છે. આટલા ફટકા ખાધા પછી પણ રાજ ઠાકરે જેવા નેતાઓ પ્રત્યે સુંવાળપ રાખતાં કોંગ્રેસને ખચકાટ થતો નથી. સવા સો વર્ષની ઉજવણી ‘હોતી હૈ, ચલતી હૈ’ની લાગણી ફગાવીને, નવી શરૂઆતનું નિમિત્ત પણ બની શકે છે. સવાલ પરિવારભક્તિના ડાબલા ઉતારીને રાષ્ટ્રહિતમાં પોતીકી દૃષ્ટિથી વિચાર કરવાનો છે.

Monday, January 04, 2010

‘વાહ ભાઇ વાહ’નું સ્વાગત

ઉત્સાહી કાર્ટૂનિસ્ટ મિત્ર અશોક અદેપાલે ‘ગુજરાતનું પ્રથમ હાસ્ય, વ્યંગ્ય અને કાર્ટૂન આધારિત મેગેઝીન’ પ્રસિદ્ધ કરવાનું સાહસ કર્યું છે. ભુજથી પ્રગટ થયેલું આ માસિક લગભગ ‘આહા!જિંદગી’ના કદનાં (મોટી સાઇઝનાં) ૫૨ પાનાંનું છે. કિંમત રૂ.૨૦. તેમાં આઠ પાનાં રંગીન - મોટે ભાગે જાહેરખબરનાં છે અને જાહેરખબરો પણ છે એ આનંદની વાત છે. ગુજરાતના મુખ્ય પ્રધાન સહિત બીજા પ્રધાનોનાં કેરિકેચર સામયિકનાં જુદાં જુદાં પાનાં પર જોવા મળે છે. (અશોકનાં કેરિકેચર મને ગમે છે.)

મેગેઝીનમાં દેવ ગઢવી, જામી, નારદ, વિજય શાસ્ત્રી અને ખુદ અશોકનાં કાર્ટૂન તથા વિનોદ ભટ્ટ, ઉર્વીશ કોઠારી, હરેશ ધોળકિયા, યોગેશ પંડ્યા, વિરલ વસાવડા, પરાગ દવે, વિષ્ણુદાન ગઢવી, વી.ડી., ધીરૂભાઇ સરવૈયા, જયેન્દ્ર સચદે, યશપાલ બક્ષી અને મદનકુમાર અંજારિયાના હળવા લેખ છે.

ગુજરાતમાં હાસ્યનાં સામયિકો ૧૯૩૦ની આસપાસ નીકળતાં હતાં, પણ આઘુનિક જમાનામાં એવાં સામયિકો જોવા મળ્યાં નથી. એવા વખતે ભાઇ અશોકના પ્રયાસને આવકાર અને હજુ વઘુ સજ્જતા-સફાઇની અપેક્ષા. સામયિક વિશે વઘુ જાણકારી મેળવવા ઇચ્છતા રસિકો સંપર્ક કરી શકે છે :
vah.bhai.vah@gmail.com or ashokadepal@gmail.com
(m) 97241 60609

Thursday, December 31, 2009

તારક મહેતાના ખબરઅંતર

તારકભાઇની ૮૦મી વર્ષગાંઠની પોસ્ટના પ્રતિભાવ હજુ ચાલુ છે, ત્યાં પરમ દિવસે મોડી રાત્રે તારકભાઇને હોસ્પિટલમાં દાખલ કર્યાના સમાચાર મળ્યા. નાના પાયે હેમરેજ અને ન્યૂરોપ્રોબ્લેમ હોવાનું આરંભિક પરીક્ષણમાં જણાયું. થોડા કલાક આઇ.સી.યુ. (એટલે કે ‘વી કાન્ટ સી હીમ!’)માં રાખ્યા પછી તેમને ભયમુક્ત ગણીને રૂમમાં ખસેડવામાં આવ્યા. તારકભાઇના ભાણેજ ડો.રામીલભાઇ ન્યૂરોસર્જન છે અને ડોક્ટરોમાં પણ તારકભાઇના ચાહકોની સંખ્યા મોટી છે. એટલે તારકભાઇ અત્યારે અમદાવાદની ‘સાલ હોસ્પિટલ’માં આરામ લઇ રહ્યા છે. આ સમાચાર તરત ન લખવાનું કારણ એટલું જ કે આ બ્લોગ છે- ન્યૂઝ ચેનલ કે ફોર ધેટ મેટર, ટ્વીટર નથીઃ-) અમુક પ્રકારના સમાચાર અહીં થોડા ઠરે પછી જ મૂકવામાં આવે છે.

આજે બપોરે તારકભાઇ-ઇન્દુકાકી જોડે તેમના રૂમમાં કલાકેક ગપ્પાંગોષ્ઠિ થઇ. બિનીતને કારણે તેમના સુધી સરળતાથી પહોંચવાનું શક્ય બન્યું.તારકભાઇની અકબંધ રમૂજવૃત્તિથી તેમની સ્વસ્થ માનસિક અવસ્થાની સુખદ સાબિતી મળે છે. અલકમલકની વાતોમાં હોસ્પિટલમાં થતા શેવિંગની વાત એમણે કરી. અસ્ત્રો લઇને આવેલા માણસને તેમણે ‘ચાળીસ વર્ષથી ઉછેરેલી’ મૂછો કાઢવાની ના પાડી દીધી અને ફક્ત દાઢી કરાવીને વિદાય કર્યા. તારકભાઇની મૂછો વિશે સામાન્ય છાપ એવી છે કે તેમને જુવાનીમાં રાજ કપૂરનો વહેમ હતો. પરંતુ વાતચીતમાં તારકભાઇએ કહ્યું કે તેમને હોલિવુડના એક્ટર રોનાલ્ડ કોલમેનનો વહેમ હતો! (અહીં મૂકેલી કોલમેનની તસવીર જોતાં તેમની વાત સ્પષ્ટ થઇ જશે.)

તેમના રૂમની બહાર સ્ટાફનર્સની મંડળીનું ટેબલ છે. ત્યાંથી સતત અવાજ આવતો હતો. બિનીતે અવાજ ઓછો કરાવવાની વાત કરતાં તારકભાઇ કહે,‘રહેવા દેને ભાઇ, રેડિયો ચાલુ હોય એવું લાગે છે. મઝા આવે છે.’ પલંગમાં તેમને એક બાજુ પર બેસાડ્યા હતા. ઇન્દુકાકીએ વચ્ચે ખસેડવાનું કહ્યું એટલે તારકભાઇ કહે,‘આ લોકો ‘પડી જશે, પડી જશે’ કરે છે- કેમ જાણે હું વાંદરો હોઊં ને કૂદાકૂદ કરતો હોઊં!’

તારકભાઇની તબિયત સુધારાના પાટે ચડી ગઇ છે અને બઘું બરાબર ચાલે તો રવિવારની આસપાસ તેમને રજા મળશે. ત્યાં લગી અને ત્યાર પછી પણ એમને અને ઇન્દુકાકીને ખલેલ કે તાણ ન પહોંચે એ રીતે શુભેચ્છા વ્યક્ત કરી શકાય તો વધારે સારૂં.

આ વર્ષની ૨૦૦મી પોસ્ટઃ તાલ પુરાવે દિલની ધડકન

થોડા વખત પહેલાં મુંબઇ ગયો ત્યારે રાબેતા મુજબ વયોવૃદ્ધ સંગીતકાર અજિત મર્ચંટને મળ્યો હતો. તેમણે ૧૯૪૯ની ફિલ્મ ‘દીવાદાંડી’ માટે સંગીતબદ્ધ કરેલું ગીત ‘તારી આંખનો અફીણી’ (કવિઃ વેણીભાઇ પુરોહિત, ગાયકઃ દિલીપ ધોળકિયા) દંતકથારૂપ લોકપ્રિયતા ધરાવે છે. અત્યાર સુધી મોટા ભાગના ગુજરાતી ગાયકો-સંગીતકારો એ ગીત પોતાના નામે ચડાવી ચૂક્યા છે. આ ગીત તેની રચનાનાં ૬૦ વર્ષ પછી, ૮૯ વર્ષના અજિતકાકા હાર્મોનિયમ સાથે ગાઇ બતાવે અને તેમનાં અડીખમ સાથીદાર નીલમકાકી વચ્ચે વચ્ચે શબ્દો પૂરે, એ ધન્ય રેકોર્ડિંગની લિન્ક સાથે, સૌને ૨૦૧૦ના વર્ષ માટેની શુભેચ્છા.

નોંધઃ ફિલ્મ ‘દીવાદાંડી’ની પ્રિન્ટ બોમ્બેની ફેમસ લેબોરેટરીમાં લાગેલી આગમાં બળી ગઇ હતી. પરંતુ વિદેશમાં- ખાસ કરીને પાકિસ્તાન કે ઇસ્ટ આફ્રિકાના દેશોમાં આ ફિલ્મની પ્રિન્ટ ક્યાંક પડી હોય એવી સંભાવના ખરી. ગીતના પ્રેમીઓ આ ફિલ્મની પ્રિન્ટ વિશે પણ જરા તસ્દી લઇને પોતાનાથી બનતી તપાસ કરી જુએ એવી વિનંતી.

Wednesday, December 30, 2009

સાન્તાક્લોઝ વિશે થોડા પ્રતિભાવ

કોંગ્રેસી નજરેઃ હમણાં સાન્તાક્લોઝનું નામ ન દેતા. લાલ રંગના અને ટોપી પહેરાવતા માણસો ડાબેરી ન હોય એની શી ખાતરી? ડાબેરીઓ જોડે માંડ છેડાછૂટકો થયો છે. હા, સાન્તાક્લોઝ દલિત હોય તો કહેજો. રાહુલબાબાને એમને ઘેર જમવા જવામાં રસ છે- અને સાન્તાક્લોઝ અમેઠી કે રાયબરેલીના છે, એવું કોઇ સંશોધન કરે એમ હોય તો ખાસ કહેજો અને તે ઇટાલીના છે એવું ભૂલેચૂકે કોઇ ન કહી જવું જોઇએ.
સાન્તાસિંઘને- આઇ મીન, સાન્તાક્લોઝને- અમરસિંઘ સાથે કેવું ભળે છે? આ તો જસ્ટ પૂછપરછ. કારણ કે અમરસિંઘને અવનવી પચરંગી પ્રજા સાથે ઘણું ભળતું હોય છે. અમરસિંઘના ખાસની યાદીમાં એ હોય તો નકામો એમની પાછળ ટાઇમ ન બગાડીએ.
ભાજપી નજરેઃ ભારતીય સંસ્કૃતિની કેવી ભવ્ય અને વિશ્વવ્યાપી પરંપરા! જુઓ, આપણા ઋષિમુનિઓનું જોઇને સાન્તાક્લોઝ પણ લાંબી જટા અને દાઢી રાખે છે. અમને શંકા છે કે તેમનું મૂળ નામ ‘સંત કુરૂશ્રેષ્ઠ’ હોવું જોઇએ, પણ દુષ્ટ યવનોને આટલું સંસ્કૃતમય નામ બોલતાં નહીં આવડ્યું હોય, એટલે તેમણે ભરૂચનું બ્રોચ અને મુંબઇનું બોમ્બેની જેમ સંત કુરૂશ્રેષ્ઠનું સાન્તાક્લોઝ કરી નાખ્યું હશે. આ કારણથી જ અમને વિદેશીઓ પર બહુ ખીજ ચડે છે. વિદેશી એટલે ન ઓળખ્યા? ભારત બહાર રહેતા બિનનિવાસી ભારતીયો નહીં- ભારતમાં રહેતા હિંદુ સિવાયના બીજા ધર્મના લોકો!
ડાબેરીની નજરેઃ વોટ અ વેસ્ટ! આપણા દેશમાં (ચીનમાં કે રશિયામાં?) લોકોને અંગ ઢાંકવા પૂરતાં કપડાં નથી અને એક બુઢ્ઢો માણસ લાલ ભડક કપડાં ને લાંબી ટોપી પહેરીને બુર્ઝવા મેન્ટાલીટી સાથે લોકોને ભેટો વહેંચી રહ્યો છે. આપણા સમાજને ક્રાંતિનાં મોજાંની જરૂર છે, જેમાં બધા મૂડીખોરો તણાઇ જાય. (પછી આપણે તેમની મૂડી વહેંચી લઇએ). એને બદલે, આ માણસ લોકોનું ઘ્યાન કપડાંનાં મોજાં ભણી લઇ જાય છે. લોકો આપણે બદલે કપડાંનાં મોજાં તરફ વધારે આશાભરી મીટ માંડે છે કે હમણાં એમાંથી કંઇક નીકળશે. આ એપ્રોચ ખતરનાક છે. એક કામ કરીએ? નંદીગ્રામની જેમ આપણી કેડર મોકલીને સાંતાક્લોઝનું અને એમની હરણગાડીનું રસ્તામાં જ ‘રિપેરિંગ’ કરી નાખીએ?
ગુપ્તચર તંત્રની નજરેઃ એક દાઢીધારી માણસ સંદેહાસ્પદ હાલતમાં, વિચિત્ર વાહન સાથે, કોઇ દેખીતા કામ વગર આખા શહેરમાં આંટાફેરા મારી રહ્યો છે. તેની દાઢી જોતાં તે અલ-કાયદા સાથે અને ડ્રેસનો કલર જોતાં તે માઓવાદીઓ સાથે સંબંધ ધરાવતો હોઇ શકે છે. દેશમાં આંતરિક સુરક્ષાની વર્તમાન સ્થિતિ ઘ્યાનમાં રાખતાં, આ માણસની વિના વિલંબે ધરપકડ કરવી જોઇએ અને બને તો તેની સામે બિનજામીનપાત્ર ગુનો દાખલ કરવો જોઇએ.
શિક્ષણબોર્ડની નજરેઃ સાન્તાક્લોઝ એકથી વધારે બાબતોમાં અમારા આદર્શ છે. ખભે મોટો કોથળો ઉપાડવાને કારણે સાંતાક્લોઝ આગળથી થોડા નમેલા જોવા મળે છે. અમારી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ દફતર ઊંચકીને ચાલતા હોય, ત્યારે તમે ઘ્યાનથી જોજો. તમને અદ્દલ સાંતાક્લોઝ જેવા- ભારથી બેવડ વળી ગયેલા જણાશે. બીજી ખાનગી વાત એ કે બોર્ડની પરીક્ષાઓમાં માર્ક આપવામાં પણ અમે સાન્તાક્લોઝને આદર્શ માનીએ છીએઃ ઉદાર હાથે લહાણી કરો. આપણે ક્યાં ખિસ્સામાંથી આપવાનું છે?
ગુજરાતી સાહિત્ય પરિષદની નજરેઃ કોઇ માણસ ખભે કોથળો નાખીને આ બાજુ આવતો જણાય છે. પસ્તીવાળો હોય તો ઉભો રાખજો. આપણાં કેટલાં બધાં પ્રકાશનો કેમે કરીને વેચાતાં નથી. (નજીક આવ્યા પછી) માણસ કપડાં પરથી સમૃદ્ધ લાગે છે. હરણગાડી લઇને આવ્યો છે. તો પછી આપણે રૂપિયાના અભાવની રોકકળ ચાલુ કરી દઇએ. પૂછી જુઓ, ડોનેશન આપવું હોય તો હજુ પરિષદના મેદાનને કોઇનું નામ આપ્યું નથી. પાણીના વોટરકૂલરને પણ કોઇના નામ સાથે જોડવાનું બાકી છે. સ્થિતિ સાવ ખરાબ હોય તો ગોવર્ધનરામના પૂતળા નીચે ‘દેખરેખ સૌજન્ય’ કરીને પણ તેમનું નામ મૂકી શકાય. ગુજરાતી સાહિત્યની સેવા માટે આપણે કંઇ પણ કરવા તત્પર છીએ.
ટ્રાફિક પોલીસની નજરેઃ એ કાકા, આમ બેફામ ઝડપે હરણગાડી હવામાં ઉડાડતા ક્યાં જાવ છો? પહેલાં અમદાવાદમાં રિક્ષા ચલાવતા હતા કે શું? લાયસન્સ-પીયુસી-આર.સી.બુક લાવો. અને તમારી આ ગાડીનું આર.ટી.ઓ.માં પાસિંગ કરાવ્યું છે? તમને ખબર છે, તમારી સામે આડેધડ ડ્રાઇવિંગથી માંડીને ગેરકાયદે વાહનમાલિકી સુધીના કેટલા ગુના દાખલ થઇ શકે છે? એક કામ કરજો. અમે તમને દરેક ગુનાની જુદી જુદી પહોંચ બનાવી આપીએ છીએ. આ વખતે લોકોના ઘરમાં જઇને મોજાંમાં ભેટ મૂકવાને બદલે, અમારી દંડની પહોંચો મૂકી દેજો. તમને પણ ખબર પડશે કે જેમના માટે તમે ટાંટિયાતોડ કરો છો એ લોકોને તમારી કેવીક પરવા છે!
વૃદ્ધ પેન્શનરની નજરેઃ મેં પહેલેથી નક્કી કર્યું હતું કે રિટાયરમેન્ટ પછી બીજું જે થવાનું હોય તે થાય, પણ ઘરમાં ન બેસી રહેવું. સવારથી નીકળી જવું ને સાંજે પાછા આવવું. સાન્તાક્લોઝની ઊંમર અને તેમની જે મળ્યું તે વાહન લઇને આખા ગામમાં ફરવાની તાલાવેલી જોઇને હું તરત સમજી ગયો હતો કે આ આપણા જેવો જ કોઇ માણસ લાગે છે. હોય એ તો. બઘું તમને નહીં સમજાય. એક વાર રિટાયર થાવ. પછી ખબર પડશે.
ભારતીય ક્રિકેટરની નજરેઃ મારી પહેલી નજર એમના કોરાકટ ડ્રેસ પર પડી. આખા ડ્રેસ પર ક્યાંય એક પણ કંપનીનો લોગો નહીં? ખરેખર, આ માણસનું જીવન એળે ગયું કહેવાય. એને ટેસ્ટમેચના જીવંત પ્રસારણમાં કોમેન્ટ્રી આપવા બોલાવી લેવા જોઇએ અથવા ભૂતકાળમાં એ કદી ક્રિકેટ રમ્યા હોય તો એમના નામે એકાદ ચેરીટી મેચ યોજવી જોઇએ.
નારીવાદી નજરેઃ સ્ત્રીઓના વાળ સાન્તાક્લોઝનાં દાઢી અને વાળની સંયુક્ત લંબાઇ કરતાં વધારે હોય છે. તેમનો ચોટલો સાન્તાક્લોઝની ટોપીના ફુમતા કરતાં વધારે ઝૂલતો હોય છે. છતાં કોઇ સ્ત્રી સાન્તાક્લોઝ કેમ ન બની શકે? સિમ્પલઃ કારણ કે આમાં કામ કરવાની વાત નથી. વાહન લઇને આખા ગામમાં રખડી ખાવાને અને લોકોનાં ઘર ગણવાની વાત છે. ચેન્જ ખાતર એવા સાન્તાક્લોઝની કલ્પના કરો, જે લોકોને ઘેર જઇને વાસણ ઘસતા હોય કે કચરા-પોતાં કરતા હોય. એ કલ્પનાચિત્રમાં પુરૂષને બદલે સ્ત્રી સાન્તાક્લોઝ દોરવાનું કોઇને શીખવવું નહીં પડે. આપમેળે લોકો સ્ત્રીને જ સાન્તાક્લોઝ તરીકે ચીતરશે.
સરકારી અફસરની નજરેઃ રેશનકાર્ડ, ઇલેક્શન કાર્ડ, પાન કાર્ડ, લાઇટબિલની ઝેરોક્સ, રેસિડેન્સનું પ્રૂફ, ગયા વર્ષનું રીટર્ન, બધાં પ્રમાણપત્રોની એટેસ્ટેડ કોપી...આ બધાની અસલ અને નકલ સાથે અઠવાડિયા પછી આવજો...ઓહ, અચ્છા...તમે કંઇ લેવા નહીં, આપવા આવ્યો છો, એમ? તો નો પ્રોબ્લેમ. અમને આપવા માટે કોઇ પ્રમાણપત્રની અને આવતા અઠવાડિયા સુધી રાહ જોવાની પણ જરૂર નથી. આ રહી ખુરશી. બેસો.

Monday, December 28, 2009

તારક મહેતાની 80મી વર્ષગાંઠ

(Real) Tarak & Indu Maheta with 'Tapu' & 'Gogi' of Tarak Maheta ke ooltah chashmah

ઘણા લેખકો લેખક તરીકે વધારે મિડીયોકર કે માણસ તરીકે, એ નક્કી કરવું અઘરું પડે છે. તારકભાઇ જેવા કેટલાક લેખકોના કિસ્સામાં જુદી, સુખદ મૂંઝવણ થાય છેઃ એ લેખક તરીકે વધારે ઊંચા કે માણસ તરીકે એ નક્કી કરવું અઘરું છે. બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાની જરૂર પણ નથી. સરળતા, લાગણી અને નિર્ભારપણું તારકભાઇના વ્યક્તિત્વની દુર્લભ ખાસિયતો છે. ઇન્દુકાકી ‘મહેતા’ના ક્ષેમકુશળનો દિલથી ખ્યાલ રાખે છે અને તબિયતની ગડબડો પછી બહારની દુનિયા સાથેનું એમનું મુખ્ય સંપર્કસૂત્ર બની રહ્યાં છે.
Mrs. & Mr. Asit Modi (stripped shirt), Mahesh Vakil (red T shirt) with Tarak & Indu Maheta

‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ની પ્રચંડ લોકપ્રિયતા પછી, તારકભાઇની ઓલરેડી દંતકથાસમી લોકપ્રિયતામાં આખેઆખી નવી પેઢીનો અને બિનગુજરાતીઓ ટીવી દર્શકોનો ઉમેરો થયો છે. સિરીયલના નિર્માતા આસિત મોદી ઇન્દુકાકી અને તારકભાઇના પુત્રવત્ સ્નેહી મહેશભાઇ વકીલ સાથે મળીને તારકભાઇ પર પ્રેમ ઢોળવાનાં અવનવાં કાવતરાં ગોઠવતા રહે છે. ‘ઉલ્ટા ચશ્મા’ની આખી ટીમ તેમાં હોંશભેર સામેલ થાય છે. એવું એક કાવતરું તારકભાઇની 80મી વર્ષગાંઠ (26 ડિસેમ્બર)ની આગલી સાંજે આસિતભાઇએ ગોઠવ્યું.
ઠ
અમદાવાદની એક હોટેલમાં તેમણે તારકભાઇ માટે સરપ્રાઇઝ પાર્ટી રાખી હતી. મુંબઇથી ‘ઉલ્ટા ચશ્મા’ની ટીમના ઘણાખરા સભ્યો બસમાં – અને ડો.હાથી વિમાનમાં- 25 તારીખે અમદાવાદ આવી ગયા. રાત્રે ટીવી પત્રકારોની ભરપૂર હાજરીમાં નવની આસપાસ શરૂ થયેલી પાર્ટીમાં રાત્રે બાર વાગ્યે તારકભાઇએ કેક કાપીને 81મા વર્ષમાં પ્રવેશ કર્યો. સાડા બારની આસપાસ મહેમાનોએ એક પછી એક વિદાય લીધી ત્યારે નવેસરથી ડાન્સની રંગત ચાલી. તારકભાઇ તેમની નાજુક તબિયત અને સ્થિતપ્રજ્ઞ માનસિકતા સાથે વચ્ચે વચ્ચે એક-બે મિનીટ માટે ડાન્સમાં જોડાઇ જતા હતા.

આસિતભાઇએ તારકભાઇ-ઇન્દુકાકીને 81મા વર્ષના પ્રવેશ નિમિત્તે રૂ.1000ની 81 નોટોનો હાર પહેરાવ્યો. દયાનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ ‘આજ તક’ માટે તારકભાઇનો દયા-સ્ટાઇલમાં ઇન્ટરવ્યુ લીધો. રાત્રે એકાદ વાગ્યે પાર્ટી પૂરી થઇ અને બધા બહાર નીકળ્યા, ત્યારે હોટેલની બહાર પણ ઘણા લોકો ‘ઉલ્ટા ચશ્મા’ની ટીમને જોવા ભેગા થયા હતા. તારકભાઇ સાથેના સ્નેહસંબંધ ઉપરાંત એક ગુજરાતી લેખકનો આ રીતે જયજયકાર થાય – અને એ લેખક આછકલાઇના નામોનિશાન વગર બધું પચાવીને સ્વસ્થ-સામાન્ય રહી શકે, એ બન્ને બાબતોથી એકસરખો હરખ થાય છે.


વર્ષગાંઠના દિવસે 26મીએ સાંજે રાબેતા મુજબ બિનીત-પ્રણવ અને હું તારકભાઇના ઘરે ગયા. એ દિવસે પણ સવારથી લોકલ અને રાત્રે પરદેશના ફોનની વર્ષા વચ્ચે કેક કાપવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. સાંજે વધુ એક કેક કાપતી વખતે એક મહેમાને તારકભાઇના મોંમાં કેકનો ટુકડો મૂક્યો એટલે તારકભાઇ ઉવાચ, ‘અત્યારે મને કાપો તો અંદરથી કેક નીકળે.’
80મી વર્ષગાંઠને નિમિત્ત બનાવીને તારકભાઇએ દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિમાં આવતી તેમની કોલમ ‘બાવાનો બગીચો’ તબિયતનાં કારણોસર સમેટી લેવાની જાહેરાત કરી, જે 27-12-09ની પૂર્તિમાં તેમની કોલમ સાથે છપાઇ છે. કોઇ લેખક સામે ચાલીને, કોઇ જાતના મનદુઃખ વગર, પોતાનાં કારણોસર કોલમ બંધ કરે એવું બહુ ઓછું બને છે. અગાઉ રતિલાલ બોરીસાગરે ‘સંદેશ’માં પોતાની હાસ્યની કોલમ પણ આ જ રીતે, (દર અઠવાડિયે લખાતું નથી એ મતલબના કારણસર) સત્તાવાર જાહેરાત સાથે બંધ કરી હતી. દિવ્ય ભાસ્કરની ‘રસરંગ’ પૂર્તિમાં છેલ્લી કોલમ સાથે પ્રગટ થયેલું તારકભાઇનું લખાણ અહીં તેમના પ્રેમીઓના રેકોર્ડ ખાતર અહીં મૂક્યું છે.

Wednesday, December 23, 2009

2000-2009: દાયકાની સાથે અર્થ બદલતા શબ્દો

વિન્ડોઝ એટલે બારી નહીં અને માઉસ એટલે ઊંદર નહીં- એવાં ગયા દાયકાનાં બાળબોધી ઉદાહરણોની વાત નથી. એકવીસમી સદીના પહેલા દાયકામાં બીજા ઘણા શબ્દોના અર્થ અને તેની છાયાઓ બદલાયાં છે.

રેડિયોઃ ના, હજુ રેડિયોથી શાક સમારી શકાતું નથી કે રેડિયો પર ટીવી ચેનલો જોઇ શકાતી નથી. છતાં રેડિયોનું સ્વરૂપ સાવ બદલાઇ ગયું છે. હવે રેડિયો કહેતાં ઓલઇન્ડિયા રેડિયોની ઉર્દુ સર્વિસ અને વિવિધભારતી કે બી.બી.સી. અને વોઇસ ઓફ અમેરિકા નહીં, ‘એફ.એમ.’ રેડિયો સ્ટેશનો યાદ આવે છે. એક જ ‘સ્ટેશન’ (રેડિયો પ્રસારણ) આખા દેશમાં સંભળાતું હોય એવો જમાનો વીતી ગયો. હવે અમદાવાદનો ‘રેડિયો’ જુદો છે ને વડોદરાનો જુદો. મિડીયમ વેવ અને શોર્ટવેવના તડતડાટી અને ઘરઘરાટી બોલાવતાં પ્રસારણોને હવે કોઇ સુંઘે પણ નહીં. કાચ જેવું ચોખ્ખું ડિજિટલ પ્રસારણ રેડિયોની પૂર્વશરત છે.

એફ.એમ.યુગમાં રેડિયો-રથની લોકપ્રિયતાની લગામ ઉદ્ઘોષકોના નહીં, આર.જે. (રેડિયો જોકી)ના હાથમાં હોય છે. સમાચારના રેડિયો પ્રસારણમાં સરકારે પોતાનો એકાધિકાર જાળવી રાખ્યો છે, પણ મનોરંજન માટે કેશકર્તનાલયના ગ્રાહકોથી કોલેજીયનો સુધીના વર્ગમાં એફ.એમ. બિનહરીફ છે. એફ.એમ.માં અંદરોઅંદર જોકે ઘણી હરીફાઇ છે. મોંઘીદાટ સરકારી લાયસન્સ ફી સામે ટૂંકાં અંતરમાં કાર્યક્રમો આપનાર એફ.એમ. ચેનલોમાંથી ઘણીખરી હાંફી રહી છે. છતાં, સરકાર તરફથી ‘રેવન્યુ-શેરીંગ મોડેલ’ની- (નિશ્ચિત નહીં, પણ આવકના આધારે લાયસન્સ ફી વસૂલવાની) નીતિની આશામાં એફ.એમ. સ્ટેશનો ચાલી રહ્યાં છે.

એમ તો ચોવીસ કલાકના સેટેલાઇટ રેડિયો પણ હવે નવાઇના ગણાતા નથી. દર મહિને ફી લઇને આ રેડિયોની ચેનલો ચોવીસે કલાક સુગમ-દુર્ગમ, ફિલ્મી-બિનફિલ્મી, શાસ્ત્રીય-પાશ્ચાત્ય સંગીત પીરસે છે. ડીશ એન્ટેના અને તેનું સેટિંગ માગતો સેટેલાઇટ રેડિયો હોય, ઇન્ટરનેટ પર વેબસાઇટ સ્વરૂપે આવતા રેડિયો હોય કે સેલફોનમાં ન જોઇએ તો પણ સાથે આવતી એફ.એમ.ની સુવિધા, તેમના થકી રેડિયોની લોકપ્રિયતામાં નવેસરથી ભરતી આવી એ હકીકત છે.

જૂનાં ગીતોઃ ભૂલેચૂકે સાયગલ-પંકજ મલિક-નૂરજહાં-ખુર્શીદ-કાનનદેવીને યાદ ન કરતા. તલત-મુકેશ-રફી-હેમંતકુમાર-મુબારક બેગમ-શમશાદ બેગમ-ગીતા દત્ત પણ નહીં. એફ.એમ.ના જમાનામાં જૂનાં ગીતો એટલે ‘રોજા’ અને ‘રંગીલા’નાં, ‘હમ આપકે હૈં કૌન’ અને ‘કભી ખુશી કભી ગમ’નાં ગીતો. એવાં ગીતો જે એફ.એમ. સાંભળનારી પેઢીના બાળપણનાં હોય- અને એફ.એમ. ટીન એજર્સ-યુવાવર્ગમાં વધારે લોકપ્રિય છે. કમ સે કમ, રેડિયો સ્ટેશનો એવું માને છે.

‘જૂનાં’ શબ્દ પર ભાર પડે ને ‘બહુ જૂનાં’ ગીતોની વાત આવે, ત્યારે રાત્રે અગિયાર વાગ્યાના સ્લોટ માટે રાજેશ ખન્નાયુગનાં ગીતોને યાદ કરવામાં આવે છે. ‘શોલે’નાં ગીતો પણ એ જ યુગનાં ગણવામાં આવે છે. સિત્તેરના દાયકાનાં કિશોરકુમારનાં ગીતો સાંભળીને ‘આહાહા! શું જમાનો હતો!’ એવું અનુભવતો મોટો વર્ગ અસ્તિત્ત્વમાં આવી ચૂક્યો છે.

વાયરસઃ કમ્પ્યુટરના વાયરસ આજકાલ કહેતાં ત્રણેક દાયકાથી અસ્તિત્ત્વ ધરાવે છે, છતાં મોટા ભાગના લોકોને તેમના વિશે જાણ ૨૦૦૦ના દાયકામાં થઇ. કમ્પ્યુટર ન વાપરતા- અને કેટલાક વાપરતા- લોકો માટે વાયરસનો સાદો અર્થ હતોઃ વિષાણુ. રોગ ફેલાવતા અને નરી આંખે જોઇ ન શકાય એવા ઉપદ્રવી જીવો, જેમને કાબૂમાં લેવા માટે રસી, ઇન્જેક્શન કે ગોળી લેવાં પડે. તેમને એ સમજાતું ન હતું કે માણસને ખાવા-પીવામાં ચેપ લાગવાથી વાયરસ આવે, પણ કમ્પ્યુટર જેવી નિર્જીવ ચીજને વાયરસનો ચેપ શી રીતે લાગે? અને વાયરસગ્રસ્ત કમ્પ્યુટરને ઇન્જેક્શન ક્યાં આપવાનું?

આ દાયકામાં ઇન્ટરનેટના પ્રતાપે વાયરસનો ફેલાવો અને ઉપદ્રવ વિશ્વવ્યાપી બન્યાં. કમ્પ્યુટરના વાયરસ જૈવિક નહીં, પણ તોફાની-શેતાની દિમાગોએ સર્જેલા સોફ્ટવેરના ટુકડા છે અને તેના મારણ માટે એન્ટી-વાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવો પડે, એ સૌ જાણતા થયા. જૈવિક વાયરસ અને કમ્પ્યુટરના વાયરસ વચ્ચે એક બાબતે સામ્ય છેઃ તેમના અનેક પ્રકાર છે, તેમના વૈવિઘ્યમાં સતત ઉમેરો થતો રહે છે અને આ જગતમાંથી તેમનું અસ્તિત્ત્વ નાબૂદ કરવું અશક્ય છે.

આઇ.એસ.ડી. ઇન્ટરનેશનલ ફોન એટલે ૧૦૦ મીટર દોડના ખેલાડીની ઝડપે દોડતું મીટર, ટેલીગ્રામથી સહેજ લાંબી અને લોકલ ફોનથી ઘણી ટૂંકી વાતચીત, મસમોટું બિલ અથવા...ટેલીફોન ઓફિસના કોઇ કર્મચારીને (એ કાચના ન હોવા છતાં) ફોડીને કરવામાં આવતી અનંત વાતચીત. સીધા રસ્તે, સજ્જનતાપૂર્વક પરદેશ લાંબી વાત કરવાનું મોટા ભાગના લોકોના ગજાબહારનું હતું. ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં કેટલાક જાણકારોએ ઇન્ટરનેટના માઘ્યમથી ઘરમેળે કમ્પ્યુટરમાં સ્પીકર અને માઇક લગાડીને ‘નેટ ટુ ફોન’ પદ્ધતિથી વિદેશ રહેતાં સગાંવહાલાં સાથે ગપ્પાંગોષ્ઠિ ચાલુ કરી. ગોકળગાય ગતિ ધરાવતાં ડાયલ-અપ ડબલાંમાં અવાજ તુટે-કપાય-અટકે, છતાં ફક્ત ઇન્ટરનેટ કનેક્શનના ભાવમાં વિદેશ વાત કરવા મળે એનો રોમાંચ હતો.

હવે મોટાં શહેરોમાં જ નહીં, પાલિકાવિસ્તારોમાં પણ સાવ સસ્તા ભાવમાં અમેરિકા/કેનેડા/ઓસ્ટ્રેલિયા//યુ.કે. વાત કરાવી આપતી દુકાનો ખુલી ગઇ છેઃ નંબર ડાયલ કરો (ખરેખર તો, ડાયલ નહીં, પણ પુશબટન દબાવો) અને અવાજમાં જરાય ઝોલ પડ્યા વિના, બાજુના ઘરમાં વાત કરતા હો એટલી નિરાંત અને ટાઢકથી વાત કરો. આઇ.એસ.ડી. જેવો સત્તાવાર અને ભારેખમ શબ્દ વાપરવાની કોઇ જરૂર નથી. ટેલીફોન પર કોન્ફરન્સિંગની સુવિધા આપનાર મળી જાય, તો ઘરની બહાર નીકળવાની અને તત્કાળ રૂપિયા ચૂકવવાની પણ જરૂર નહીં.

અંગુઠોઃ અંગુઠાની છાપ વર્ષો સુધી અક્ષરજ્ઞાનના અભાવનું પ્રતીક ગણાતી રહી. સહી ન કરી શકતા લોકો ઇન્ક પેડ પર અંગુઠો દબાવીને તેની છાપ કાગળ પર પાડીને પોતાનો વ્યવહાર ચલાવતા હતા. તેમના વ્યવહારમાં બીજું શું હોય? કાં જમીનના ગીરોખત પર અંગુઠો પાડવાનો હોય કાં બેન્કનાં કે શાહુકારોનાં વ્યાજના દસ્તાવેજ પર કાંડા કાપી આપવાની અવેજીમાં અંગુઠો પાડવાનો હોય. એકવીસમી સદીમાં અંગુઠો પાડવાનું હવે નવા સ્વરૂપે આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થાના અને નોકરિયાતોની હાજરી લેવાની લેટેસ્ટ પદ્ધતિ તરીકે હવે ઓફિસમાં ‘બાયોમેટ્રિક્સ સીસ્ટમ’ દાખલ કરવામાં આવે છે. કર્મચારીઓએ ઓફિસમાં દાખલ થતી વખતે ટચપેડ પર, બરાબર જૂની જ સ્ટાઇલમાં, અંગુઠો પાડવાનો. એટલે તેમની હાજરી પુરાઇ જાય. ફક્ત અધિકૃત લોકો માટે પ્રવેશ ધરાવતી જગ્યાઓ પર બાકીના લોકોને અટકાવવા માટે પણ અંગુઠો-છાપનો ઉપયોગ થાય છે.

હિટ અને ક્લિકઃ ‘નોટીઝ’ના દાયકા પહેલાં આ બન્ને શબ્દો વચ્ચે કશો સંબંધ ન હતો. ‘હિટ’ શબ્દ મુખ્યત્વે ફિલ્મોના સંદર્ભે વપરાતો હતો. (પહેલાં ૨૫ અઠવાડિયાં ચાલે તે ફિલ્મ હિટ ગણાતી. પછી ૨૫ દિવસ ચાલનારી ફિલ્મોને ‘હિટ’ કહેવી પડે એવા દિવસ આવ્યા, પણ એ જુદી વાત છે.) એ જ રીતે, ‘ક્લિક’ શબ્દનો સંબંધ કેમેરા સાથે હતો. ‘ખાલી ખાલી ક્લિક કરો છો કે ખરેખર ફોટા પાડો છો?’ એવો સવાલ લગ્નના ફોટોગ્રાફર માટે જાણીતો હતો.

ઇન્ટરનેટ અને વેબસાઇટના ચલણ પછી હિટ અથવા ક્લિક વેબસાઇટની લોકપ્રિયતાનું માપ કાઢવા માટે વપરાય છે. બન્ને શબ્દો મોટે ભાગે સમાનાર્થી તરીકે વપરાય છે. એક વેબસાઇટ ખોલીએ એટલે તેની પરની ‘વિઝિટ’ એક કહેવાય, પણ એ સાઇટના ચાર લેખ પર ક્લિક કરીને, એ લેખોને ખોલીએ એટલે સાઇટની ‘હિટ’ ચાર કહેવાય. હિટ અને ક્લિકના આંકડા કેટલા વિશ્વાસપાત્ર ગણાય એ અંગેના સવાલો હોવા છતાં, આ બન્ને શબ્દો હવે વેબસાઇટ સાથે સંકળાઇ ચૂક્યા છે.

નોટબુકઃ સ્કૂલના જમાનામાં કોરી, લીટીવાળી, ત્રણ લીટીની એમ વિવિધ પ્રકારની નોટબુક આવતી હતી. આગલી સાલની નોટમાંથી વધેલા કોરા કાગળની પરચૂરણ નોટબુક પણ બંધાવી શકાતી હતી. એકવીસમી સદીમાં સહેલાઇથી સાથે લઇને ફરી શકાય એવાં લેપટોપ કમ્પ્યુટર ‘નોટબુક’ તરીકે ઓળખાય છે. આ નોટબુકમાં ‘પરચૂરણ’ (એસેમ્બલ્ડ)નો ખાસ મહિમા નથી, પણ તેની સાદગીનો અને સુવિધાનો ખ્યાલ આપવા માટે ‘નોટબુક’ જેવું સ્કૂલી નામકરણ થયું હશે.

વિડીયોઃ ‘વીસીઆર અને વીસીપી હવે મીઠાના ભાવે વેચાય છે’ એમ કહેવામાં મીઠાનું અવમૂલ્યન ન થાય એનું ઘ્યાન રાખવું પડે. નેવુના દાયકામાં વિડીયોનો મતલબ હતોઃ વિડીયો કેસેટ પ્લેયર/રેકોર્ડર. આઠ-દસ આઇ-પોડ જેટલું ક્ષેત્રફળ ધરાવતી કાળી વિડીયો કેસેટ પ્લેયરમાં ‘ચડાવીને’ મિત્રો સાથે ફિલ્મ જોવી, એ પાર્ટીની વ્યાખ્યા હતી. વિડીયો ઉતારવાની કે ડાઉનલોડ કરવાની નહીં, ફક્ત જોવાની કે બહુ તો રેકોર્ડ કરવાની ચીજ હતી. ટચૂકડી કેસેટવાળા હેન્ડીકેમ મળતા થયા પછી વિડીયો ઉતારવાની નવાઇ ઘટી, છતાં ખરા અર્થમાં વિડીયોનું લોકશાહીકરણ આ દાયકામાં થયું. ડિજિટલ ટેકનોલોજીના પ્રતાપે કેમેરાથી સેલફોન સુધીનાં સાધનોમાં વિડીયો ઉતારવાનું શક્ય બન્યું. ઇન્ટરનેેટ પર યુટ્યુબ જેવી અનેક વેબસાઇટ થકી વિડીયો જોવાને બદલે પોતાની વિડીયો જગત સમક્ષ મૂકવાનું અને લોકોએ આ રીતે મૂકેલી વિડીયો જોવાનું-ઉતારી લેવાનું (ડાઉનલોડ કરવાનું) શક્ય બન્યું. વિડીયો કેસેટના યુગમાં જે ગીતોની ઝલક માટે સંગીતપ્રેમીઓ મરી પડતા હતા, એવાં ઘણાં ગીતોની આખેઆખી વિડીયો હવે યુટ્યુબ જેવી સાઇટ પરથી શોધીને, મફતમાં ડાઉનલોડ કરવાની નવાઇ નથી.

વાયરલેસઃ વર્ષો સુધી ફક્ત પોલીસપાર્ટીનો સંદેશા વ્યવહાર વાયરલેસ વોકીટોકી પર ચાલતો હતો, જેમાં દરેક વાક્યના છેડે ‘ઓવર’ બોલવાનો રિવાજ હતો. (‘ટુ ડે ઇઝ ટ્યુઝડે. ઓવર.’) હવે ‘વાયરલેસ’નું નામ પડે એટલે મોટે ભાગે ઇન્ટરનેટ કનેક્શન માટે વપરાતી ‘વાઇ-ફાઇ’ કે ‘વાઇમેક્સ’ ટેકનોલોજી જ યાદ આવે છે.

Saturday, December 19, 2009

‘સ્વર્ણિમ ગુજરાત’ના સંભવિત સંકલ્પો

આ જાહેરખબર નથી. ‘સ્વર્ણિમ ગુજરાત’ શબ્દપ્રયોગ આવતો એટલે ચોખવટ કરવી સારી. આવા શબ્દપ્રયોગ વાંચીને લોકો શંકાની નજરે જુએ છે. મુખ્ય મંત્રીના ચાહકોની શંકા જોકે અહોભાવથી છલકતી હોય છેઃ ‘જોઇ અમારા સાહેબની કમાલ? કેવું સ્વર્ણિમ લઇ આવ્યા? અત્યાર સુધી તમે આ પ્રકારનો ‘રક્તિમ’ સિવાય બીજો કોઇ શબ્દ નહીં સાંભળ્યો હોય! ‘રક્તિમ’ને ‘સ્વર્ણિમ’માં ખપાવી શકે એ જ માણસ ગુજરાતનો વિકાસ સાધી શકે.’ કેટલાંક ભક્તહૃદયો એવું માનવા પણ પ્રેરાય છે કે ‘ગુજરાતની સ્થાપનાને ૫૦ વર્ષ પૂરાં થઇ રહ્યાં છે એમાં પણ સાહેબની જ કોઇ કમાલ છે. બાકી આવો શુભ પ્રસંગ બીજા કોઇના શાસનમાં આવે નહીં. બોલો, ચીમનભાઇ કે કેશુભાઇ ગુજરાતનાં ૫૦ વર્ષ પૂરાં થયાં? અમે અમસ્તું કહીએ છીએ કે સાહેબમાં કંઇક છે!’

મુખ્ય મંત્રીના ચાહકો ન હોય એવા લોકો સરકારની અને ભાજપની બહાર પણ છે. ‘સ્વર્ણિમ’નો ઉલ્લેખ થતાં એ કહે છે,‘અમને તો આમાં સાહેબનો ‘સ્વ’ જ દેખાય છે. ‘સ્વ’ પછી શું કે કોણ આવે છે એ ગૌણ છે.’ ગુજરાતનો સત્તાવાર વનપ્રવેશ ભલે આવતા વર્ષે થવાનો હોય, પણ મુખ્ય મંત્રીના ટીકાકારોના મતે, તેમના રાજમાં ગુજરાત સાત વર્ષ પહેલાં, ૨૦૦૨માં જ ‘વનપ્રવેશ’ કરી ચૂક્યું હતું.

થોડા દિવસ પહેલાં મુખ્ય મંત્રીએ તેમના મંત્રીમંડળ અને અધિકારીઓ સહિત કચ્છના રણમાં મુકામ કર્યો. આખા કાફલા સહીત નવી જગ્યાએ જઇને, ત્યાં સુવિધાઓ ઉભી કરાવવી અને જગ્યાએથી વહીવટ ચલાવવો એ મહંમદ તઘલકની સ્ટાઇલ ગણાય કે અંગ્રેજોની, એ ઘણા નક્કી કરી શક્યા નથી. કચ્છ બેઠકમાં સ્વર્ણિમ ગુજરાત માટે સંકલ્પો લેવડાવવામાં આવ્યા. ગુજરાતને પચાસમું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે મુખ્ય મંત્રી પણ સંકલ્પો જાહેર કરવાનું વિચારી રહ્યા હશે. કયા સંકલ્પો લેવા ને કયા ન લેવા, કયા ખાનગીમાં લેવા ને કયા જાહેરમાં ઉચ્ચારવા, એની કશ્મકશ પણ ચાલતી હશે. મુખ્ય મંત્રી અંતરના અવાજ પ્રમાણે સંકલ્પ લે તો એ કેવા હોય? સાડા પાંચ કરોડ વિકલ્પોમાંથી થોડા નમૂના.

  • હું સંકલ્પ કરૂં છું કે ગુજરાતના વિકાસની વાત કરતી વખતે, તેનો ઇતિહાસ ૨૦૦૧થી શરૂ થયેલો ગણીશ. ત્યાર પહેલાંના સમયગાળાને અંધકારયુગ જાહેર કરીને તેના વિશેની ચર્ચા પર પ્રતિબંધ મુકીશ.
  • ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર નાબુદ કરીશ...ના, જવા દો. આ સંકલ્પ લઇશ તો વિરોધીઓ કહેશે કે તમે ખાતા નથી ને ખાવા દેતા નથી, તો જેને નાબુદ કરવો પડે એવો ભ્રષ્ટાચાર ક્યાંથી આવ્યો? આપણે એવું કહીએ કે ગુજરાતની ખૂણાખાંચરાની (મંત્રીમંડળ જેવી?) જગ્યાઓમાંથી પણ ભ્રષ્ટાચાર દૂર કરીશ.
  • આસારામની ધરપકડનો સંકલ્પ ન કરવો એવો કોઇ સંકલ્પ મેં કર્યો નથી અને ગુજરાતના સાડા પાંચ કરોડ પ્રજાજનોને મારૂં વચન છે કે એવો કોઇ સંકલ્પ નહીં કરૂં. એ મારો સંકલ્પ છે. હું કોઇની શેહમાં આવતો નથી. (કોઇને એવું લાગતું હોય તો એના માટે શેહ સિવાયનાં કારણો જવાબદાર ગણવાની છૂટ છે.)
  • અત્યાર સુધીમાં પક્ષના મોટા ભાગના નેતાઓની આશાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ ઠરી ચૂકી હશે. છતાં, હજુ કોઇને એવું લાગતું હશે તો બોર્ડનિગમનાં ચેરમેનપદાંની અવેજીમાં અત્યારે ચાલતી અને નવી ખુલનારી યુનિવર્સિટીઓમાં ઉપકુલપતિપદાં આપીશ. આખરે, માણસ શિક્ષણ માટે નહીં, શિક્ષણ માણસ માટે છે!
  • ગુજરાત કોંગ્રેસને તેમના (અમારી સરકાર સુખેથી ચાલવા દેવાના) કામમાં પૂરી મદદ કરીશ. વિપક્ષ સાથે સહકાર સાધીને ગુજરાતને આગળ લઇ જવાનો હું સંકલ્પ કરૂં છું.
  • અડવાણીજીના જીવનમાં સોમનાથ અને અયોઘ્યાનું જે સ્થાન છે, એવું જ મારા જીવનમાં ગોધરાનું છે. બીજા લોકોની જેમ મને એટલી જ ખબર હતી કે સાબરમતી એક્સપ્રેસ અમદાવાદથી વારાણસી કે મુઝફ્ફરપુર જાય છે. એ દિલ્હીથી ગાંધીનગર જાય છે, એ તો ૨૦૦૨માં જાણ્યું. હું સંકલ્પ કરૂં છું કે જેમ દિલ્હીથી ગાંધીનગરનો રૂટ શોધી કાઢ્યો, તેમ ગાંધીનગરથી દિલ્હીનો રૂટ પણ શોધી કાઢીશ.
  • શિક્ષણજગતમાં જેમ લધુતમ વેતન કરતાં ઓછા પગારના વિદ્યાસહાયકો મૂકવાની પદ્ધતિ દાખલ કરી છે, એવી જ રીતે હું દિલ્હી જઇશ ત્યારે ગુજરાતમાં ‘મુખ્ય મંત્રીસહાયક’ની પ્રથા દાખલ કરવાનો સંકલ્પ કરૂં છું. આ પ્રથા અત્યારે મંત્રીઓ સુધી લઇ આવવાનો તો મારો પ્રયાસ છે જ. મુખ્ય મંત્રી પણ ‘સહાયક’ થઇ જાય પછી રાજ્યમાં કંઇ પણ ખરાબ થાય તો જવાબદારી મુખ્ય મંત્રીસહાયકોની રહેશે અને સારૂં થાય તો? ગુજરાતના છેલ્લા ‘આખા’ (ફુલસાઇઝ- ‘સહાયક’ નહીં એવા) મુખ્ય મંત્રી તરીકે હું દિલ્હીમાં બેઠો જ હોઇશ.
  • શુભ અવસરે જૂના વખતના રાજાઓ કેદીઓની સજા માફ કરતા હતા. હું આ સુવર્ણપ્રસંગે સંકલ્પ કરૂં છું કે બળવાખોરોને માફ કરી દઇશ- પણ તેમને પંચાયતથી પાર્લામેન્ટ સુધીની એકેય ચૂંટણીની ટિકિટ ન આપ્યા પછી, તેમની જાહેરમાં લેખિત માફી લખાવ્યા પછી અને તેમને રાજકીય અરણ્યવાસમાં ધકેલી દીધા પછી.
  • આવતા વર્ષની એક પણ સરકારી જાહેરખબર કે હોર્ડિંગમાં મારી તસવીર રીપીટ નહીં થવા દઊં. પ્રજાને એકનો એક માણસ નહીં, એની એકની એક મુદ્રાઓ અને એકનાં એક કપડાં જોઇને કંટાળો આવે છે.
  • નર્મદા બંધની ઊંચાઇ વધારવાની જાહેરાત કરવાનો સંકલ્પ કરૂં છું. એનાથી ગુજરાતને પાણીનો, વીજળીનો કે બીજો કેટલો ફાયદો થશે એ તો ખબર નથી, પણ સભાઓમાં નર્મદા બંધની ઊંચાઇ વિશે બોલવાની બહુ મઝા આવે છે. અને એમાં પણ જો ઊંચાઇ વધારવાની મારી જાહેરાતનો મહારાષ્ટ્ર- મઘ્ય પ્રદેશ વિરોધ કરે તો કામ થઇ જાય. મઘ્ય પ્રદેશમાં તો મારા પક્ષની સરકાર છે, એટલે એની પાસે ધાર્યું કરાવવું અઘરૂં છે. મહારાષ્ટ્રમાં પ્રયત્ન કરી જોવાય. ત્યાં આપણું કામ થવાની ઉજળી શક્યતા છે. કોંગ્રેસ-એનસીપીની સરકાર છે એટલે!
  • એક વાર અમેરિકાની મુલાકાત લઇશ. વિડીયો પ્રવચનો હવે બહુ થયાં. દુનિયાભરના દુષ્ટમાં દુષ્ટ સરમુખત્યારોને અને સામુહિક સંહાર કરનારાઓને અમેરિકા વીસા આપે અને મને કેમ નહીં? જરૂર પડશે તો હું માનવ અધિકારવાળાઓ પાસે પણ જઇશ અને તેમની મદદથી લોબીઈંગ કરાવીશ. મને ખબર છે, અડધા ઉપરાંત માનવ અધિકારવાળા તો હું ભાવ નથી આપતો એટલે કે પછી મારો વિરોધ કરવાનો ધંધો સારો ચાલે છે એને લીધે મારાથી નારાજ છે. અમેરિકા માટે માનવ અધિકારવાળાઓનું પણ નહીં ચાલે તો પછી મારે નડિયાદ-આણંદના કોઇ એજન્ટને પકડવો પડશે.
  • ગુજરાતની ૫૧મી વર્ષગાંઠ નિમિત્તે મંત્રીમંડળ અને અધિકારીઓનો કાફલો લઇને નળ સરોવરની વચ્ચોવચ ખાસ પ્લેટફોર્મ ઉભું કરાવીને બેઠક કરીશ, જેથી સંકલ્પો કરતી વખતે મૂકવાનું પાણી શોધવા માટે ક્યાંય દૂર ન જવું પડે અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ પણ દેખાય. ગુજરાત (સરકાર)ના ગૌરવની વાત આવે ત્યારે ખર્ચનો સવાલ નથી. ગુજરાત(ના ઉદ્યોગપતિઓ) ગરીબ નથી.

Thursday, December 17, 2009

નોટીઝ- નામા ૨૦૦૦-૦૯ : એકવીસમી સદીનું ‘સમજ્યા હવે!’

‘નોટીઝ’ તરીકે ઓળખાતો ૨૦૦૦-૨૦૦૯નો દાયકો પૂરો થવામાં છે ત્યારે, દાયકાના હળવાશભર્યા સરવૈયામાં કેટલીક એવી બાબતો યાદ કરીએ, જેમણે એકવીસમી સદીના પહેલા જ દાયકામાં પોતાનો મોભો અને તેની સાથે સંકળાયેલી નવાઇ ગુમાવી દીધાં. જેમને જોઇને દાયકાની શરૂઆતમાં લોકોની આંખો ચાર થઇ જતી હતી અને હવે એમના અસ્તિત્વની નોંધ પણ લેવાતી નથી અથવા કંઇક તુચ્છકારથી લેવાય છે.

સેલફોનઃ નેવુના દાયકાના અંત સુધી સેલફોન ગૌરવભેર હાથમાં પકડવાની કે કમરે લટકાવવાની ચીજ હતો. શરૂઆતનાં વર્ષોમાં આઉટગોઈંગનો મિનીટ દીઠ ૧૬ રૂ. અને ઇનકમિંગનો મિનીટ દીઠ ૮ રૂ. ભાવ જોતાં ફોન વાપરનારનો વટ પડે એ બરાબર હતું. ફોનનું વજન પણ એવું કે કોઇને છૂટોે માર્યો હોય તો ફોનને બદલે સામેવાળાના કપાળની ચિંતા કરવી પડે, પણ આ દાયકામાં ફોનના સામાજિક દરજ્જાનું એટલું ઝડપી અવમૂલ્યન થયું છે કે ‘મારો સેલનંબર? સોરી, હું સેલફોન નથી રાખતો.’ એમ કહેવામાં મોભો ગણાય છે. પચીસ-પચાસ લાખની વૈભવી કાર ફેરવનારા શેઠો-સાહેબોથી માંડીને, ઘરેથી સાયકલ લઇને કારના ડ્રાઇવર તરીકે નોકરી કરવા આવનાર સુધીના સૌને સેલફોન પોસાય છે. ‘અમે અમારા બધા માણસોને એકેક સેલફોન આપી દીધા છે. એટલે કોઇ જાતની મગજમારી જ નહીં’ આવા ઉદગારો ઓફિસના બોસના મોઢેથી બોલાવા લાગે, એટલે સેલફોનના સ્ટેટસની, બકૌલ મુન્નાભાઇ, કેવી વાટ લાગી હશે એ કહેવાની જરૂર રહેતી નથી.

કારઃ ‘ગાડી’ એટલે ‘એમ્બેસેડર’ એવી વ્યાખ્યા ભારતમાં દાયકાઓ સુધી ટક્યા પછી એકાદ-બે દાયકા માટે ‘નવી ગાડી’ એટલે ‘મારૂતિ’ એવો જમાનો આવ્યો. હાથમાં ગાડીની ચાવીની હોય કે ઘરના બારણે ગાડી પાર્ક થયેલી હોય (ભલે કોઇ સગાવહાલાની કે મિત્રની) તો પણ વટ પડતો હતો. એકવીસમી સદીમાં હવે સેલફોનની જેમ કારથી પણ કોઇ અંજાતું નથી. એની સૌથી વધારે ચિંતા કારમાલિકોને છે. કારણ કે દેખાદેખીથી કે રોલા પાડવા માટે લોન લઇને તેના આકરા હપ્તા વેઠીને કાર ખરીદનારાની સંખ્યા મોટી હોય છે. ગ્લોબલ વોર્મંિગ અને પેટ્રોલખાઉ વાહનોથી થતા પ્રદૂષણ વિશે જાણકારી હોવા છતાં, હવે ‘મોટી ગાડી’થી છાકા પાડવાનો જમાનો છે. ફક્ત ‘ગાડી લીધી’ એવું કહેવાથી પ્રભાવ તો બાજુ પર, કોઇ નોંધ પણ લેતું નથી એવું લાગતાં, ઉત્સાહી લોકો કહે છે,‘હમણાં મોટી ગાડી લીધી.’ સાંભળનારા મોટે ભાગે સહિષ્ણુ હોવાથી ‘એમાં અમે શું કરીએ?’ અથવા ‘મોટી એટલે? મોટા હપ્તાવાળી?’ એવું કહી શકતા નથી. મોટી ગાડીવાળા ભલે થોડાં વર્ષ હરખાઇ લે, કારણ કે આવતા દાયકાના અંત સુધીમાં ગ્રીન ટેકનોલોજી ધરાવતી ગાડીઓ બજારમાં પ્રવેશીને ફેશન બની ચૂકી હશે.

સેટેલાઇટ લોન્ચિંગઃ એંસી-નેવુના દાયકામાં ‘ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન’- ઇસરોએ અવકાશમાં ઇન્સેટ ઉપગ્રહો ચડાવવાની ટેકનોલોજી સિદ્ધ કરી લીધી. દૂરદર્શનના એ યુગમાં ‘ઇસરો’નો ઉપગ્રહ ‘ઇન્સેટ’ એ હવામાનના નકશાનો પર્યાય બની ગયો હતો. ઉપગ્રહો અને તેને લોન્ચ કરવાનાં વેહીકલમાં માસ્ટરી મેળવનાર ‘ઇસરો’એ ૨૦૦૦ના દાયકાના પહેલા જ વર્ષમાં, ઇન્સેટ સિરીઝની ‘ત્રીજી પેઢી’નો ઉપગ્રહ ઇન્સેટ ૩-બી તૈયાર કરીને અવકાશમાં મોકલ્યો અને બીજા વર્ષે, ૨૦૦૧માં, પોતાના પોલર સેટેલાઇટ લોન્ચ વેહીકલ (પીએસએલવી) મારફતે પોતાના એક ઉપરાંત જર્મની અને બેલ્જિયમના પણ એક-એક સેટેલાઇટ રવાના કરી આપ્યા. ત્યાર પછીનાં વર્ષોમાં ઉપગ્રહો ચડાવવાની બાબતમાં ‘ઇસરો’નો સિક્કો વિશ્વસ્તરે જામી ગયો. ગયા વર્ષે ઇસરોએ સફળતાપૂર્વક ચંદ્ર પર યાન મોકલીને અને આ વર્ષે સપ્ટેમ્બરમાં એક જ વેહીકલ (પીએસએલવી- સી ૧૪) દ્વારા સામટા સાત સેટેલાઇટ ભ્રમણકક્ષામાં ગોઠવીને બધી નવાઇઓનો જાણે અંત લાવી દીધો છે. સમાનવ ચંદ્રયાત્રાનું લક્ષ્યાંક આવતા દાયકા માટે ઉભું છે, પણ સેટેલાઇટ લોન્ચિંગ સાથે સંકળાયેલો અહોભાવ ‘ઇસરો’એ પોતાની કાબેલિયતથી સમાપ્ત કરી દીધો છે.

સેટેલાઇટ ચેનલઃ દૂરદર્શનના એકધારા, બીબાઢાળ અને ઉત્તમ ધારાવાહિકોને બાદ કરતાં ‘સરકારી’ કહેવાય એવા પ્રસારણ છતાં તેની સાથે નવાઇ અને મઝાનાં તત્ત્વો સંકળાયેલાં હતાં. સેટેલાઇટ ચેનલ ત્યારે વિજ્ઞાનકથાનો વિષય હતી. નેવુના દાયકામાં સી.એન.એન. અને સ્ટાર જેવી ચેનલો ભારતમાં દેખાવા લાગી ત્યારે દર્શકો રોમાંચિત થઇ ગયા અને ભારતમાં ન્યૂઝચેનલો આવશે ત્યારે કેવી મઝા પડી જશે તેની કલ્પના કરવા લાગ્યા. એકવીસમી સદીના પહેલા દાયકામાં એ કલ્પના સાકાર થઇ. ૨૦૦૧માં ટીવી પર પહેલો ધરતીકંપ અને ૨૦૦૨માં પહેલી વાર દિવાનખાનામાં (ગુજરાતની) કોમી હિંસા લોકોએ જોઇ. પણ જેટલાં વર્ષોથી સેટેલાઇટ ચેનલોની પ્રતિક્ષા થઇ રહી હતી, તેનાથી પા ભાગના સમયમાં ચેનલોનો રંગ ઉતરી ગયો.

ભારતમાં દેશીવિદેશી બઘું મળીને અત્યારે ૫૦૦થી પણ વઘુ ચેનલ છે અને બીજી લગભગ ૧૫૦ ચેનલોની અરજીઓ માહિતી-પ્રસારણ મંત્રાલયમાં પડી છે. પરંતુ પ્રમાણભાન જાળવ્યા વગર જે મળ્યું તેને ચગાવવાની વૃત્તિ અને સાવ તુચ્છ બાબતોને ‘બ્રેકિંગ ન્યૂઝ’ તરીકે ચમકાવવાની રસમને કારણે ન્યૂઝ ચેનલો લોકોની ગાળો ખાય છે, જ્યારે મોટા ભાગની સ્થૂળ અને ઢંગધડા વગરની સિરીયલોને લીધે એન્ટરટેઇનમેન્ટ ચેનલો વિશે પણ લોકોના મનમાં જરાય ભાવ રહ્યો નથી. ડિસ્કવરી, નેશનલ જ્યોગ્રોફિક જેવી ચેનલોએ તેમનો જ્ઞાનવિજ્ઞાનનો ગઢ જાળવી રાખ્યો છે, પણ એકવીસમી સદીમાં અઢારમી સદીની માનસિકતા ઉશ્કેરે-દૃઢ બનાવે એવા સમાચારો-કાર્યક્રમોનો મારો ચલાવતી મોટા ભાગની ચેનલોને કારણે ઘણી વાર લોકોને લાગે છે કે ચોવીસ કલાકની ચેનલોની શી જરૂર છે? દિવસમાં ત્રણ ટાઇમ સમાચાર મળે તો બહુ છે.

કેમેરાઃ કેસેટ કેમેરા તરીકે ઓળખાતા કંપાસછાપ અને સાવ પ્રાથમિક કેમેરાને બાદ કરો તો, વીસમી સદીમાં કેમેરા વાપરવો એ કસબનું અને અમુક હદે કળાનું પણ કામ ગણાતું. એસ.એલ.આર. તરીકે ઓળખાતા પ્રોફેશનલ કેમેરાની કિંમત પાંચ આંકડામાં, ઉપરથી ‘રોલ’ તરીકે ઓળખાતી ફિલ્મનો ખર્ચ અને છેલ્લે ફિલ્મ ડેવલપ કરાવીને પ્રિન્ટ કઢાવવાનો ચાંલ્લો. એમાં કેટલા ફોટા સારા આવ્યા ને કેટલામાં માથાં કપાયાં એ સવાલો તો ખરા જ. એ સ્થિતિમાં સારા (એટલે ‘ચોખ્ખા’- ચહેરો દેખાય એવા) ફોટા પાડનારનો દબદબો રહેતો. પોતાના ફોટા પડાવવા લોકો ફોટોગ્રાફરોને વિનંતી કરતા અને સાધતા. કમ્પ્યુટર ન હોય એટલે ફોટોશોપ પણ નહીં. એટલે એક વાર જે ફોટો પડ્યો તે વિધીના લેખ જેવો. એમાં કશી મીનમેખને અવકાશ નહીં. પણ ફોટોગ્રાફીનો ડિજિટલ યુગ શરૂ થતાં જ આ બધી વાતો સદીઓ જૂની હોય એવી લાગવા માંડી છે. કોઇ પણ પ્રસંગે એકાદ-બે રોકેલા ફોટોગ્રાફરની સાથે પોતપોતાના ડિજિટલ કેમેરા અને સેલફોનમાં જડેલા કેમેરા સાથે આઠ-દસ માણસોનું ટોળું ફોટા પાડવાનો આનંદ લેતું હશે અને વ્યાવસાયિક ફોટોગ્રાફર નિઃસાસા સાથે વિધિના પલટાયેલા ખેલ જોતા હશે.

ભાજપનું હિંદુત્વઃ બે દાયકા પહેલાં અડવાણીની સોમનાથથી અયોઘ્યા યાત્રાના પગલે શરૂ થયેલું ભાજપી હિંદુત્વનું મોજું આખરે ૨૦૦૦ના દાયકામાં ઓસર્યું છે અને વિશાળ મોજું ઓસર્યા પછીનો કાદવકીચડ દેખાવા લાગ્યો છે. લોકસભામાં બે બેઠકો ધરાવતો ભારતીય જનતા પક્ષને હિંદુત્વની લાગણી ઉશ્કેરીને જોતજોતાંમાં સાથીપક્ષોની મદદથી સરકાર બનાવવા સુધી પહોંચી ગયો, પરંતુ છેલ્લી બે ચૂંટણીમાં પરાજિત ભાજપ હિંદુત્વના મુદ્દે અવઢવમાં છે. ‘સંઘ ખેંચે સીમ ભણી ને સાથીપક્ષો ખેેચે ગામ ભણી’ એવો તેના ઘાટમાં હિંદુત્વ કોરાણે મુકાઇ ગયું છે. ગુજરાત જેવા રાજ્યમાં રાજકીય સ્તરે ભાજપી હિંદુત્વની જગ્યા ‘મોદીત્વ’એ લીધી છે. જમ્મુ અને કાશ્મીરમાં સંઘર્ષ થયો ત્યારે ભાજપે હિંદુ રાજકારણ ખેલવાનો સન્નિષ્ઠ પ્રયાસ કરી જોયો, પણ ગુજરાત જેવી સફળતા બીજે ક્યાંય મળી નથી. ભાજપી હિંદુત્વની લહેરો જ્યાંથી સર્જાઇ હતી, એ ઉત્તર પ્રદેશમાં ભાજપ શોઘ્યું જડે એમ નથી.

બાયપાસ સર્જરીઃ એંસી-નેવુના દાયકામાં બાયપાસ સર્જરી કરાવવી એ આર્થિક અને શારીરિક બન્ને રીતે સાહસનું કામ હતું. સરકારી નોકરી કરતા લોકો કે માલેતુજારોને જ એ પોસાય એવું હતું. ડોક્ટરો પણ દર ત્રીજા (કે ચોથા) દર્દીને એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસના લાંબાપહોળાઊંડા ખાડામાં ધકેલતા ન હતા. બાયપાસ કરાવી આવનાર વ્યક્તિ હિમાલય ચઢીને પાછી આવી હોય તેમ લોકો અમને મળવા, ખબર કાઢવા અને એમના બાયપાસના અનુભવોની કથાનાં પ્રકરણો સાંભળવા જતા હતા. હવે બાયપાસ કરાવવામાં કશું ગૌરવ રહ્યું નથી, પણ કેટલાકને બાયપાસ ન કરાવવામાં શરમ લાગતી હોય- અને સમાજના મહેણાનો ડર લાગતો હોય એવું બને. (અરે? તમે હજુ બાયપાસ નથી કરાવી? કેમ ફાયનાન્શ્યલ પ્રોબ્લેમ છે?) કોઇ ‘બાયપાસ’ કરાવનારા જાહેર જગ્યાએ પોતાનો વિશેષાધિકાર જમાવવા કહે કે ‘જરા આઘા ખસો. મેં બાયપાસ કરાવી છે.’ તો ટોળામાંથી બીજા ચાર-છ-આઠ અવાજો ‘અમે પણ બાયપાસ કરાવી છે. તેથી શું થઇ ગયું?’ એમ કહેતા ઉભા થઇ જાય એવો પૂરો સંભવ છે.

સ્ટીંગ ઓપરેશનઃ હજુ સુધી ‘સ્ટીંગ ઓપરેશન’નું હિંદી ‘કાંટા લગા’ કરવાનું કોઇને કેમ સૂઝ્યું નહીં હોય, એવી નવાઇ બાજુ પર રાખીએ તો અત્યારે કોઇને કહીએ તો માન્યામાં ન આવે કે માંડ એક-બે દાયકા પહેલાં ટેપરેકોર્ડરથી સ્ટીંગ ઓપરેશન થતાં હતાં. અહેવાલ છાપનાર તેમાં લખે કે ‘અમારી પાસે આ વાતચીતના રેકોર્ડેડ પુરાવા છે’ એટલે ખલાસ! ‘આઉટલૂક’ સામયિકે ટચૂકડા વિડીયો કેમેરા વડે મેચ ફિક્સિંગ જેવા વિષયોમાં સ્ટીંગ ઓપરેશન કર્યું, ત્યારે કેટલાય ક્રિકેટરો મેદાનની બહાર ફિલ્ડિંગ ભરતા થઇ ગયા. ત્યાર પછી ‘તહલકા’ની ટીમે સ્ટીંગ ઓપરેશનનો વારસો આગળ વધાર્યો અને ભારતીય લોકશાહીની પવિત્ર ગાય ગણાતા સૈન્યના ભ્રષ્ટાચારનો ભાંડો ફોડ્યો. તેનાથી તરખાટ બહુ થયો, પણ સરકારે સ્ટીંગ ઓપરેશન કરનારાને સાણસામાં લેવાનું વલણ દાખવ્યું. ‘સાધનશુદ્ધિ’ની અને વિશ્વસનીયતાની ચર્ચાઓ જાગી. ત્યાર પછી ‘તહલકા’ના દરેક સ્ટીંગ ઓપરેશન વખતે ‘સ્ટીંગ’ (ડંખ)ની અસર ઉત્તરોત્તર ઘટતી ગઇ. છેલ્લે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં ગુજરાતની કોમી હિંસા અંગે તહલકાએ કરેલા સ્ટીંગ ઓપરેશનમાં ઘણો બારૂદ હોવા છતાં, એની પર લોકોની ઉપેક્ષાનું ટાઢું પાણી રેડાઇ ગયું.