Tuesday, December 16, 2008
મુસ્લિમો માટે નેતાગીરીનો આદર્શઃ બાદશાહખાન


Saturday, December 13, 2008
નગેન્દ્રવિજયની અણનમ અડધી સદી




Thursday, December 11, 2008
ત્રાસવાદનો સામનો કેવી રીતે ન કરવો?
ગયા અઠવાડિયે મળેલા આ ‘સેલ-સંદેશ’ (એસએમએસ) પરથી થોડો અંદાજ આવી શકે છે કે મુંબઇ પરનો હુમલો સંસદ પરના હુમલા કરતાં વધારે ગંભીર કેમ ગણાયો. નેતાઓ પ્રત્યેના રોષ અને ‘મૂઆ મરતા!’ જેવા ડોશી-ઉદ્ગાર ઉપરાંત, એક કારણ એ પણ ખરૂં કે સંસદમાં બૌદ્ધિકો અને શેઠિયાઓ જલસાપટ્ટી કરવા જતા નથી, જ્યારે તાજ-ઓબેરોય ‘એમના’ અડ્ડા છે. એવા અડ્ડા, જ્યાં ભૂતકાળના ભયંકર ત્રાસવાદીઓ હુમલાઓ વખતે એમના રંગમાં ભંગ પડ્યો ન હતો. એ અડ્ડાના બહુમતિ બંધાણીઓ પોતાની મસ્તીમાં મસ્ત હતા.
‘દુનિયા એટલે અમેરિકા’ એવું માનતા જ્યોર્જ બુશ જુનિયરને જેમ ૯/૧૧ પછી બાકીના જગતના અસ્તિત્ત્વ વિશે ભાન થયું, એવું જ કંઇક તાજ-ઓબેરોયની ઘણીખરી ખાસજનતાના કિસ્સામાં બન્યું. એ લોકો માટે આ વખતનો ત્રાસવાદી હુમલો કોફી કે શરાબની ચુસ્કીઓ ભરતાં ભરતાં રસિક ચર્ચા કરવાનો મુદ્દો ન રહ્યો. કારણ કે એમાં ખાસજનતાના ઓળખીતા-સ્નેહી-પરિચિતો અસરગ્રસ્ત હતા. ત્રાસવાદના રક્તનો રેલો એમના પગ તળે પહેલી વાર આવ્યો અને એ છળી ઉઠ્યા.
‘દેશ’ એટલું શું? અથવા ‘દેશ એટલે કોણ?’ એ હજુ સુધી ન સમજ્યા હોય એવા લોકો માટે ત્રાસવાદી હુમલાએ જ્ઞાનનાં દ્વાર ખોલી આપ્યાં છે. સંખ્યાની રીતે અણુમતિ અને પ્રભાવની રીતે પ્રચંડ બહુમતિ ધરાવતા વર્ગને પહોંચેલી ચોટથી આખો દેશ આંદોલિત થઇ ઉઠ્યો છે. સર્વત્ર ત્રાસવાદના મુકાબલાની વાતો ચાલે છે.
સૌ પહેલાં લોકોનો ગુસ્સો (વાજબી રીતે) નેતાઓ પર ઉતર્યો. મુંબઇ પર આટલા ગંભીર હુમલા પછી મુખ્ય મંત્રી બદલવામાં અઠવાડિયું કાઢી નાખનાર કોંગ્રેસ કયા મોઢે નિર્ણયાત્મક બનવાની વાતો કરી શકે? અને સામાન્ય બુદ્ધિ ધરાવતો કયો માણસ તેનો ભરોસો કરે? ત્રાસવાદી હુમલા પછી મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમે કોંગ્રેસ માટે ઢાંકણીમાં - કે અરબી સમુદ્રમાં- ડૂબી મરવું પડે એવી સ્થિતિ ઊભી કરી છે.
ભાજપ કોંગ્રેસનું પ્રગટપણે કોમવાદી અડધીયું છે. કોંગ્રેસનો કોમવાદ એના હાડમાં- એની નસોમાં છે, ને ભાજપનો શરીર પર ચાઠાં-ઢીમણાં-ફોલ્લા-ખરજવા સ્વરૂપે. કોંગ્રેસ કોમવાદ છુપાવીને મતો માગે છે અને ભાજપ કોમવાદ વકરાવીને. એ સિવાય બન્ને વચ્ચે ભાગ્યે જ કશો તફાવત રહ્યો છે. આ સ્થિતિમાં આમ અને ખાસ- તમામ પ્રકારની જનતાને ત્રાસવાદનો મુકાબલો કરવાના અનેક તુક્કા સૂઝે છે. પોતાનો તુક્કો દરેકને તીર લાગે. એમાં વિચારધારા કે વ્યક્તિપૂજાનો રંગ ભળે તો ખાસ. ભક્ત સંગઠનો અને ભક્તવિશેષો આવી વખતે સક્રિય બનીને પોતપોતાના આરાઘ્ય પુરૂષ (કે સ્ત્રી)ને ‘આશાનું એકમાત્ર કિરણ’ ગણાવીને તેમનું બેશરમ માર્કેટિંગ કરવા મચી પડે છે. આવા ‘સેલ્સપર્સનથી સાવધાન’નું પાટિયું ગળામાં લટકાવીને, ત્રાસવાદના મુકાબલા માટે ચર્ચાતા કેટલાક વિકલ્પો જોઇએ.
પાકિસ્તાન પર હુમલો
તત્કાળ તાળીઓ મેળવી આપનારો વિકલ્પ છેઃ પાકિસ્તાન પર આક્રમણ. ‘આવું ક્યાં સુધી ચલાવી લેવાનું? એના કરતાં એક વાર ધડબડાટી બોલાવી દો. એટલે કાયમની નિરાંત.’ એવું આ વિકલ્પ સૂચવનારા કહે છે. પાકિસ્તાનનાં લક્ષણ અવળાં છે એ હકીકત છે. દાઉદથી માંડીને બીજા અનેક ભારતવિરોધી ગુંડાઓને તે આશરો, મદદ અને કદાચ સોપારી પણ આપતું હોય તો કહેવાય નહીં. પરંપરાગત રીતે ભારતદ્વેષ એ પાકિસ્તાનના રાજકારણનું મુખ્ય હથિયાર રહ્યું છે. છતાં, શાંતિપૂર્ણ સહઅસ્તિત્ત્વ જેવા આદર્શની વાત ન છેડીએ તો પણ, વ્યૂહાત્મક દૃષ્ટિએ પાકિસ્તાન પર ભારતનું આક્રમણ લાગે છે એટલો સહેલો અને એવો અસરકારક વિકલ્પ નથી.
ભારત ધારો કે પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરમાં ચાલતા ત્રાસવાદી કેમ્પ પર હવાઇ આક્રમણ કરે તો આંતરરાષ્ટ્રિય સ્તરે તેની પ્રતિક્રિયા ગંભીર આવે. અમેરિકા પણ લાંબા સમય સુધી આંખ આડા કાન કરી ન શકે. ધારો કે ભારત અમેરિકા અને ‘મિત્ર રાષ્ટ્રો’ને પોતાની સાથે રહેવા સમજાવી શકે, તો પણ પાકિસ્તાનને થોડોઘણો પાઠ ભણાવી શકાય- ત્રાસવાદીઓને નહીં.
પાકિસ્તાન ત્રાસવાદીઓને આશરો આપે છે, પણ ‘ત્રાસવાદીઓ એટલે પાકિસ્તાન’ એ સમીકરણ ભૂલભરેલું છે. ‘ઇસ્લામનાં વિકૃત અને સગવડીયાં અર્થઘટન કરીને ત્રાસવાદ ફેલાવનારા લોકો પાકિસ્તાનના કોઇ એક ઠેકાણેથી સઘળો દોરીસંચાર કરે છે ને એ ઠેકાણા પર ધડબડાટી બોલાવીશું, એટલે સૌ સારાં વાનાં થશે’ એવા ખ્યાલમાં રાચવાની જરૂર નથી. આ ત્રાસવાદીઓ પાકિસ્તાન-અફઘાનિસ્તાનથી માંડીને સોમાલિયા, નાઇજિરીયા, ઇન્ડોનેશિયા સહિત કેટલાય દેશોમાં થાણાં ધરાવે છે અથવા ત્યાં પગદંડો ધરાવતાં જૂથો સાથે સહયોગ સાધી શકે છે.
પાકિસ્તાન પર પૂરા કદના આક્રમણનું સ્વપ્ન આત્મઘાતી વિચાર છે. કારણ કે ભારત અણુશસ્ત્રોનો પ્રથમ પ્રયોગ નહીં કરવા માટે બંધાયેલું છે, જ્યારે પાકિસ્તાને એવું કોઇ બંધન સ્વીકાર્યું નથી. (ચીન એવા બંધનમાં હોવા છતાં એને ગમે ત્યારે ફગાવી શકે છે એ જુદી વાત થઇ.) ભાજપી-સંઘી વિચારધારાના લોકોના મનભાવન સ્વપ્ન તરીકે, પાકિસ્તાન પર અણુહુમલો કરીને ભારત તેને સાવ ખતમ કરી નાખે, એવો વિકલ્પ દિલબહેલાવ માટે ઠીક છે, પણ એવું કર્યા પછી આંતરરાષ્ટ્રિય સ્તરે ભારતની કેવી દશા થાય એ વિચારવું જોઇએ.
અમેરિકાના દબાણથી ધારો કે પાકિસ્તાન ચુમાઇને બેસી રહે અને ભારત તેના ચુનંદા વિસ્તારો પર હુમલા કરે, તો તેનાથી પાકિસ્તાનમાં આંતરિક અસંતોષ એટલી હદે ફાટી નીકળે કે દેશનો પૂરેપૂરો દોર સૈન્ય અને આઇએસઆઇમાં રહેલાં ઝનૂની તત્ત્વોના હાથમાં જતો રહે. અમેરિકા પાકિસ્તાનને દબાવે, તેને ટેકો આપે અને પાકિસ્તાન ખુદ ઘરઆંગણે પથારા પાથરીને બેઠેલા ત્રાસવાદીઓનો સફાયો શરૂ કરે, એ સૌથી ઇચ્છનીય અને પરસ્પર હિતનો વિકલ્પ છે. ૯/૧૧ના હુમલા પછી મુશર્રફને એ રસ્તે ચાલવાની ફરજ પડી હતી. છતાં, આગળ કહ્યું તેમ, એ રસ્તે સફળતા ઓછી અને ‘કંઇક કર્યાનો સંતોષ’ વધારે પ્રમાણમાં મળે છે.
કરવાનાં અને ન કરવાનાં કામ
ગુપ્તચર એજન્સીઓની સજ્જતાથી માંડીને સુરક્ષા માટેનો ખર્ચ વધારવા સહિતના અનેક ઉપાયો સૂચવાઇ રહ્યા છે. એની ચર્ચામાં ટેકનિકલ અને વહીવટી સહિતનાં અનેક પાસાં સંકળાયેલાં હોવાથી, તેમને બાજુ પર રાખીને પ્રજા તરીકે આપણે ત્રાસવાદના મુકાબલાના નામે શું ન કરવું, એટલું અવશ્ય વિચારી શકીએ.
‘ઇસ્લામી ત્રાસવાદની સામે હિંદુ ત્રાસવાદ’ના સામસામા છેદ ઉડાડવામાં સાર નથી. કટ્ટર ઇસ્લામ કે કટ્ટર હિંદુત્વ ત્રાસવાદ માટેની પ્રેરણા હોઇ શકે છે. એટલા પૂરતું તેને ‘ઇસ્લામી ત્રાસવાદ’ કે ‘હિંદુ ત્રાસવાદ’નું લેબલ મારવામાં આવે એ યોગ્ય ન હોય તો પણ સ્વાભાવિક છે. પણ આપણી નિસબત અને વાંધો ઇસ્લામી કે હિંદુ ત્રાસવાદના પરિણામ સામે છે. ત્રાસવાદી કૃત્ય પાછળનું પ્રેરણાબળ હિંદુ હોય કે મુસ્લિમ, પણ ત્રાસવાદી કૃત્યનું પરિણામ માત્ર ને માત્ર ગંભીર ગુનો જ બને છે. તેને મુસ્લિમનો ગુનો કે હિંદુનો ગુનો લેખવાને બદલે ફક્ત ગંભીર ગુનો લેખીને યથાયોગ્ય સજા થવી જોઇએ.
સાઘ્વી પ્રજ્ઞાના કિસ્સામાં કેટલાક ઉત્સાહીઓએ શોધી કાઢ્યું કે ‘સાઘ્વી પર પોલીસે અત્યાચાર કર્યા ત્યારે દંભી સેક્યુલર કર્મશીલો ચૂપ રહ્યા.’ મુસ્લિમ ત્રાસવાદ સામે હિંદુ ત્રાસવાદને ‘૧ ગ્રામ સામે ૧ ટન’ના માપથી પણ ઓળખાવવામાં આવ્યો. ત્રાસવાદ માટે શબ્દાર્થમાં જુદાં જુદાં કાટલાં અને એ પણ તટસ્થતાના નામે!
સાઘ્વી પર પૂછપરછના નામે થતો અત્યાચાર બીજા અનેક મુસ્લિમો પર વારંવાર થતા એ જ પ્રકારના અત્યાચાર જેટલો જ ખરાબ અને વખોડવાને પાત્ર છે. ફરક એટલો કે સાઘ્વી પરનો કથિત અત્યાચાર વખોડવા ભાજપ-સંઘનું તંત્ર હાજરાહજૂર હતું, જ્યારે મુસ્લિમ શકમંદો પર અત્યાચાર થાય ત્યારે ‘દંભી સેક્યુલર કર્મશીલો’ તરીકે ગાળ ખાતા લોકો સિવાય બીજું કોઇ આગળ આવતું નથી. એટલા જુસ્સાથી તો નહીં જ.
પોતાના પગ નીચે રેલો આવે ત્યારે જ કાગારોળ મચાવનાર ભાજપી નેતાઓના ૧ ટન દંભને નજરઅંદાજ કરીને કે સહેજસાજ ટપારીને, કર્મશીલોના ‘દંભ’ પર ઝનૂનપૂર્વક તૂટી પડનારા હુમલાખોરોને શું કહીશું? પણ જવા દો. એમનું નામ પાડવામાં વખત બગાડવા જેવો નથી. એ આપણી પ્રાથમિકતા પણ નથી.
ત્રાસવાદના મુકાબલા માટે - અને શું ન કરવું જોઇએ એ માટે પણ- આપણી પ્રાથમિકતાઓ સ્પષ્ટ હોય એ જરૂરી છે. આપણી પ્રાથમિકતા ત્રાસવાદને લગતી દરેક સમસ્યા માટે ‘સેક્યુલર કર્મશીલો’ને ઝૂડ્યા કરવાની છે કે કોઇ પણ પ્રકારના ત્રાસવાદને ગંભીર ગુનો ગણીને તેની સામે યથાયોગ્ય-ઝડપી અને અસરકારક કાનૂની કાર્યવાહી કરવાની છે?
આપણી પ્રાથમિકતા ત્રાસવાદવિરોધી કાયદાનાં ગાજર લટકાવતા નેતાઓ પાછળ લાળ ટપકાવીને દોરાતા જવાની છે? કે ત્રાસવાદી હુમલાનાં નવાં ઠેકાણાં- નવી ગંગોત્રીઓ પેદા ન થાય અને સામાન્ય મુસ્લિમો કાયમી શકમંદ તરીકે વઘુ ને વઘુ હાંસિયામાં ન ધકેલાતા જાય એ જોવાની છે?
બિનસાંપ્રદાયિક કે સાંપ્રદાયિક, દંભી કે બિનદંભી, હિંદુ કે મુસ્લિમ, કોઇ પણ વ્યક્તિ આ દેશના કાયદાથી ઉપર નથી, એ સત્ય વારંવાર ધૂંટવાની જરૂર છે? કે આ બધા વચ્ચે વહાલાંદવલાંનાં ખેલ ખેલીને, ત્રાસવાદીઓ કરતાં વધારે અસરકારક રીતે દેશના ટુકડા થઇ રહ્યા છે, એ પ્રક્રિયાને અટકાવવાની જરૂર છે?
સૌએ બીજાને જવાબ આપતાં પહેલાં કે બીજાનો જવાબ માગતાં પહેલાં, પોતાની જાતને જ જવાબ આપવાની જરૂર છે.
Monday, December 08, 2008
મતિ અને સાબરમતી

ગુજરાતી પત્રકારત્વની દુનિયાના - ઘણા લોકો યોગ્ય રીતે જ કહે છે તેમ, પત્રકાર ‘આલમ’ના - અંગત ચોપડા ન ખોલવાનું સામાન્ય ધોરણ આ બ્લોગ માટે સ્વીકાર્યું છે. પરંતુ ગઇ કાલથી સંદેશની રવિવારની પૂર્તિમાં સૌરભ શાહની કોલમ ‘મારા જેલના અનુભવો’ મોટા ઉપાડે છપાય અને તેમાં લખનાર કે છાપનારના પક્ષે જરાસરખો પણ અપરાધભાવ ન હોય, એ નોંધપાત્ર છે. હર્ષદ મહેતા કે કેતન પારેખના જમાનામાં તેને આઘાતજનક કે આશ્ચર્યજનક તો કેમ કહેવાય?
આ તસવીરમાં મુકેલાં બે કટિંગ એન્લાર્જ કરીને તેમાંથી ડાબી બાજુના કટિંગ પર જરા ગૌર કરો. ખાસ કરીને તેની છેલ્લી લીટીઓ. આ કટિંગ ૧૬ જૂન, ૨૦૦૮ના ‘સંદેશ’નું છે. તેમાં લખ્યા પ્રમાણે, સૌરભ શાહે ‘વિચારધારા’ સામયિકની જાહેરાતો ‘સંદેશ’ દૈનિકમાં છપાવીને તેના બીલના રૂ.૧૩,૬૬,૫૬૦ નહીં આપીને છેતરપીંડી કરી હતી. આ અંગે પોલીસ સ્ટેશનમાં સંદેશના લીગલ ઓફિસર સુરેન્દ્રભાઇ ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી.
હકીકતે, લવાજમ અને જાહેરાતોની રકમ બાબતે છેતરાયાની લાગણી અનુભવતા અને ફરિયાદ નોંધાવી ન હોય એવા લોકો મોટી સંખ્યામાં છે. પણ અહીં નોંધપાત્ર મુદ્દો એ છે કે ‘સંદેશ’ની ફરિયાદને આધારે સૌરભ શાહને સાબરમતી જેલમાં જવું પડ્યું.
ખરો ટિ્વસ્ટ એ છે કે તેમને જેલમાં મોકલનાર ‘સંદેશ’માં હજુ તો કેસ પણ પૂરો થાય તે પહેલાં, એમની કોલમ શરૂ થઇ છે. વક્રતા એ પણ ખરી કે સંદેશની એ પૂર્તિનું નામ ‘સંસ્કાર’ પૂર્તિ છે.
નીદા ફાઝલીની બે પંક્તિઓ છેઃ
ગુજરાતી પત્રકારત્વના સંદર્ભમાં કહી શકાયઃ
સૌરભભાઇએ કોલમની શરૂઆતમાં મુકેલા લખાણમાં ‘ગુજરાતી ભાષામાં જેલના અનુભવો વિશે મૌલિક સાહિત્ય ઝાઝું નથી’ એવું કહીને ગાંધીજી, કાકાસાહેબ જેવા રાજકીય કેદીની સરખામણીમાં પોતાની જાતને ‘સામાન્ય’ અને ‘બિનરાજકીય’ કેદી તરીકે ઓળખાવી છે. આવી ઓળખ આપનાર અને છાપનાર બન્ને ધન્ય છે.
મિત્ર બિનીત મોદી કહે છે, દર ત્રણ દાયકે ગુજરાતી પત્રકારત્વના જેલસાહિત્યમાં નવો મોડ આવે છે. બેંતાળીસની ચળવળ પછી આપણને જયંતિ દલાલ જેવા કેદીઓ મળ્યા, જેમણે સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લઇને જેલ વેઠી. ૧૯૭૭માં કટોકટીના કારણે પ્રકાશ ન. શાહ અને વિષ્ણુ પંડ્યા જેવા પત્રકારો-લેખકોના જેલના અનુભવો આપણને મળ્યા અને હવે ૨૦૦૮માં? આર્થિક ઉચાપત બદલ જેલમાં ગયેલા સૌરભ શાહ પોતાના જેલના અનુભવો જણાવશે. જય હિંદ.
‘અર્ધી રાત્રે આઝાદી’ બ્લેકમાં! (અશ્વિની ભટ્ટ અમદાવાદમાં-૨)
જોડકાં નામ- લજ્જા સન્યાલ, શૈલજા સાગર, નીરજા ભાર્ગવ, આશકા માંડલ અને પછી એક-એક શબ્દ - ફાંસલો, આખેટ, કટિબંધ- નાં શીર્ષક ધરાવતી નવલકથાઓ લખનારા અશ્વિનીભાઇએ લેખકજીવનના આરંભે ઘણા અનુવાદો કર્યા. મુખ્યત્વે એલિસ્ટર મેકલીન જેવા લેખકોની ‘ચપોચપ વેચાતી’ નવલકથાઓના પોકેટબુકસ્વરૂપ અનુવાદો. પરંતુ અનુવાદોમાં તેમના માટે સૌથી યશોદાયી કૃતિ નીવડી ‘ફ્રીડમ એટ મિડનાઇટ’. તેનો ‘અર્ધી રાત્રે આઝાદી’ નામે કરેલો અનુવાદ સૌથી પહેલાં એક ચીલાચાલુ પ્રકાશકે છાપ્યો હતો.
એ ભાઇએ ‘અર્ધી રાત્રે આઝાદી’ની ૩,૨૫૦ કોપી છાપી. અશ્વિનીભાઇને મહેનતાણા પેટે- હા, મહેનતાણા પેટે જ- રૂ.૩૦૦૦ હજાર આપવાનું નક્કી થયું હતું, પણ તેમને રૂ.૧,૫૦૦ જ ચૂકવાયા. પછી અશ્વિનીભાઇ કહે છે તેમ, ‘ગાળાગાળી કરીને ગમે તે રીતે બાકીના વસૂલ કર્યા.’ મહેનતાણામાં ગોટાળા થશે એવો અંદેશો હોવાથી અશ્વિનીભાઇએ ૫૦ કોપી પહેલેથી અંકે કરી લીધી હતી.
એક નકલની કિંમત ૪૫ રૂ. રાખવામાં આવી હતી, જે એ સમય પ્રમાણે ઠીક ઠીક મોંઘી કહેવાય. છતાં પહેલી આવૃત્તિની ૩,૨૦૦ નકલો ફટાફટ વેચાઇ ગઇ. અશ્વિનીભાઇ પાસેની ૫૦ નકલોમાંથી દસેક તેમણે ભેટમાં આપી હતી. બાકીની એમની પાસે સલામત પડી હતી. એક દિવસ પ્રકાશકના ભાઇનો ફોન આવ્યો. પ્રકાશક બહારગામ ગયો હતો. ભાઇએ કહ્યું,‘ચોપડીઓનો ઓર્ડર આવ્યો છે ને અત્યારે માલ નથી. તમારી પાસે છે?’ અશ્વિનીભાઇએ હા પાડી અને કામચલાઉ ગોઠવણ તરીકે પોતાની ૪૦ નકલો એને આપી દીધી. થોડા દિવસ પછી પ્રકાશક પાછો આવ્યો ત્યારે તેમને જાણવા મળ્યું કે પુસ્તક તો સાવ ખલાસ થઇ ગયું છે. એટલે તેની બીજી નકલો અશ્વિનીભાઇને મળી શકે એમ નથી. એટલું જ નહીં, પેલી ૪૦ નકલોના પૈસાના પણ વાંધા પડ્યા. કારણ કે પ્રકાશકનો ભાઇ એના કહ્યામાં ન હતો. પ્રકાશકે ઉલટું અશ્વિનીભાઇને કહ્યું,‘તમે એને નકલો શું કામ આપી? એ તો રોકડી કરીને જુગાર રમી આવ્યો.’
‘અર્ધી રાત્રે આઝાદી’ની નકલથી સદંતર વંચિત થઇ ચૂકેલા અશ્વિનીભાઇનો તેમના પુસ્તક સાથેનો ભેટો, તેમની નવલકથાઓમાં આવતી હીરો-હીરોઇનની મુલાકાત જેવો જ રોમાંચક અને પહેલી મુલાકાત જેવો ‘ટીઝીંગ’ રહ્યો. એક વાર અશ્વિનીભાઇ ભૂસાવળ સ્ટેશનેથી ટ્રેન પકડવાના હતા. ત્યાંના વ્હીલર બુક સ્ટોલ પર એક ખૂણે તેમની નજર પડી. ત્યાં ‘અર્ધી રાત્રે આઝાદી’ની એક નકલ પડી હતી. અશ્વિનીભાઇએ એ માગી, એટલે સ્ટોલના માલિકે શુદ્ધ હિંદીમાં ના પાડી દીધી અને કહ્યું કે ‘એ વેચવા માટે નથી. મે મારા માટે રાખી છે.’
અશ્વિનીભાઇએ કહ્યું, ‘ભાઇ બરોબર છે, પણ એ મારી જ ચોપડી છે. મેં જ એનો અનુવાદ કર્યો છે.’
સ્ટોલમાલિક ઘડીભર જોઇ રહ્યો. અશ્વિનીભાઇ કહે છે તેમ, જોઇ રહ્યા પછી પણ ખાસ ઇમ્પ્રેસ થયો નહીં. એટલે અશ્વિનીભાઇએ કહ્યું,‘ભાઇ, મારી જોડે એની એકેય કોપી નથી. એવું હોય તો થોડા વધારે રૂપિયા લે, પણ મને એ ચોપડી આપ.’
એટલે એ સુવ્વરે કહ્યું, ૧૦૦ રૂપિયા.’ અશ્વિનીભાઇ સ્પેશ્યલ ઉદ્ગાર.
‘મેં એને કહ્યું, અલ્યા, એની કિંમત પીસ્તાલી રૂપિયા છે. જોઇ લે પૂંઠા પર. એના સો તો બહુ કહેવાય.’ છેવટે એમણે ૭૫ રૂપિયામાં ચોપડીનો સોદો પાડ્યો.
લેખકો માટે આ પ્રસંગનો બોધપાઠઃ પોતાના પુસ્તકની ત્રણ નકલો ‘નથી કરીને’ માળીયે ચડાવી દેવી. (ઘણાના કિસ્સામાં તો વાચકો પણ એવું જ કરતા હોય છે.) વાચકો માટે બોધપાઠ એ કે અમુક ચોપડીઓ સાચવીને રાખી મુકવી. ક્યારેક એના લેખકને જ એ પાછી- અને વધારાના રૂપિયા ખંખેરીને- વેચી શકાય છે.
...જ્યારે ભારતીય નૌકાદળે સમુદ્રી માર્ગે હુમલો કરીને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો
ત્રાસવાદનો મુકાબલો કરવામાં રાજકીય રીતે તકવાદી, વ્યૂહાત્મક રીતે બિનકાર્યક્ષમ અને અસરકારકતાની રીતે સદંતર નિષ્ફળ સાબીત થયેલી ભારતની સરકારોનો સિલસિલો જોતાં આ વાત ફક્ત ૩૭ વર્ષ જૂની નહીં, ૧૩૭ વર્ષ જૂની લાગે.
૧૯૭૧માં પણ રાજકારણ ખાસ વખાણવાલાયક ન હતું. નેહરૂ અને શાસ્ત્રી પછી ઈંદિરા ગાંધી વડાપ્રધાન બન્યાં હતાં. ભાગલા પછી પૂર્વ અને પશ્ચિમ- બે હિસ્સામાં વહેંચાયેલા પાકિસ્તાનમાંથી, પૂર્વ પાકિસ્તાનમાં શાસકોનો ત્રાસ એટલો વધી ગયો કે ત્યાંથી હજારો નિરાશ્રિતો ભારતમાં આવી ગયા. ભારતની દશા વણનોતર્યા પરોણા વેઠતા ગરીબ યજમાન જેવી થઇ. એ સ્થિતિ લાંબું ચાલે તો ભારતની કમર તૂટી જાય એ નક્કી હતું.
ઈંદિરા ગાંધીએ પૂર્વ પાકિસ્તાનની સમસ્યાનો કાયમી ફેંસલો આણી દેવા અને ભારતના ભાગલા પાડનાર પાકિસ્તાનના ભાગલા પાડીને, પૂર્વ પાકિસ્તાનને સ્વતંત્ર રાષ્ટ્ર (બાંગલાદેશ) તરીકે છૂટું પાડવાનું નક્કી કરી લીઘું. ત્યાર પછી સૈન્ય અને ગુપ્તચર સંસ્થાઓ કામે લાગી ગઇ. ઈંદિરા ગાંધીએ વિદેશપ્રવાસો કરીને પોતાનો કેસ મજબૂત કર્યો. પાકિસ્તાનના પડખે બેઠેલા અમેરિકાની સામે તેમણે રશિયાને ભારતના પક્ષે લીઘું. છતાં, યુદ્ધ જેમ બને તેમ ઝડપી આટોપી લેવું જરૂરી હતું. યુદ્ધ લાંબું ચાલે તો અમેરિકા અવશ્ય પાકિસ્તાનનું ઉપરાણું લઇને યુદ્ધમાં ઝંપલાવે.
પાકિસ્તાનની પહેલથી ૩ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ યુદ્ધ શરૂ થયું, ત્યારે ભારત ઊંઘતું ઝડપાયું ન હતું. ઘણી બાબતોની જેમ પાકિસ્તાનના નૌકાદળને કેવી રીતે નાકામ બનાવવું તેનું આયોજન દિવસો પહેલાં ઘડાઇ ચૂક્યું હતું. અગાઉં ચીન (૧૯૬૨) અને પાકિસ્તાન (૧૯૬૫) સાથેનાં યુદ્ધમાં ભારતીય નૌકાદળની ભૂમિકા નગણ્ય હોવાથી, ૧૯૭૧માં તેની પાસેથી ઝાઝી અપેક્ષા ન હતી. નૌકાદળના તત્કાલીન વડા એડમિરલ નંદાએ પોતાનાં સંભારણાંમાં નોંઘ્યું છે કે ‘૧૯૭૧માં યુદ્ધની શક્યતાઓ ઘ્યાનમાં રાખીને સૈન્ય અને ગુપ્તચર તંત્રના ટોચના અફસરો સાથે વડાપ્રધાનની મીટિંગ યોજાય, ત્યારે ચર્ચા પૂરી થયા પછી કાંડા ઘડિયાળ તરફ નજર કરીને લગભગ ઉભાં થતાં થતાં ઈંદિરા ગાંધી મને પૂછતાં હતાં,‘તમારે કંઇ કહેવું છે, એડમિરલ?’ આ હતી ભારતીય નૌકાદળની સ્થિતિ.
પાકિસ્તાનનું નૌકાદળ નવી સબમરીનો અને જહાજથી સજ્જ હતું, પણ તેની પાસે નૌકામથક એક જ હતું: કરાચી. તેની પર ધડબડાટી બોલાવવામાં આવે, તો પાકિસ્તાનના નૌકાદળનો ઘરઆંગણે જ ઘડોલાડવો થઇ જાય. એવું ન થાય અને પાકિસ્તાનની નવી સબમરીનો- યુદ્ધજહાજો બહાર ફરતાં થઇ જાય તો મુંબઇ જેવાં દરિયાકાંઠાનાં શહેરો પર સમુદ્રી આક્રમણનું મોટું જોખમ રહે.
એડમિરલ નંદાએ પૂરતો વિચાર કર્યા પછી, યુદ્ધના બે મહિના પહેલાં, ઓક્ટોબર ૧૯૭૧માં વડાપ્રધાન ઈંદિરા ગાંધી સમક્ષ અકલ્પનીય કહેવાય એવો વિચાર રજૂ કર્યો,‘કરાચી પર નૌકાદળના આક્રમણની યોજના સામે રાજકીય દૃષ્ટિએ તમને વાંધો ખરો?
ઈંદિરા ગાંધીએ ચોંકી પડવાને બદલે કહ્યું,‘કેમ આવો સવાલ પૂછવો પડ્યો?’
એડમિરલે ખુલાસો કર્યો,‘લશ્કરી પાસાની જવાબદારી નૌકાદળના વડાની છે, પણ રાજકીય અસરોને ઘ્યાનમાં રાખતા ંવડાપ્રધાન તરફથી મંજૂરી મળવી જરૂરી છે.’
‘વિચારી જોઊં’ કે ‘સલાહકારોને પૂછીને કહીશ’ એવો જવાબ આપવાને બદલે ઈંદિરા ગાંધી થોડી ક્ષણ મૌન રહ્યાં. પછી મૌન તોડીને કહ્યું,‘વેલ એડમિરલ, ઇફ ધેર ઇઝ એ વોર, ધેર ઇઝ એ વોર.’ (યુદ્ધ એટલે યુદ્ધ! એમાં શું થાય ને શું ન થાય, એની ચિંતા કરવાની જરૂર નથી.)
૩ ડિસેમ્બરના રોજ પાકિસ્તાનના હવાઇ આક્રમણને પગલે યુદ્ધ શરૂ થતાં ૪ ડિસેમ્બરની રાતે કરાચી પર હુમલાનો પ્લાન અમલમાં મુકાયો. ‘ઓપરેશન ટ્રાઇડન્ટ’ ના સાંકેતિક નામે ઓળખાતા આ મિશનમાં બે ફ્રિગેટ (કિલ્તાન અને કટચાલ) તથા ત્રણ મિસાઇલ બોટ (નિપાત, નિર્ઘાત અને વીર) ભાગ લેવામાં હતાં. ચોથી મિસાઇલ બોટ અનામત તરીકે સાથે રાખવામાં આવી હતી. દરેક મિસાઇલ બોટ ચાર સ્ટીક્સ પ્રકારનાં મિસાઇલથી સજ્જ હતી. સામાન્ય રીતે તેમનો ઉપયોગ મધદરિરે જહાજો પર હુમલો કરવા માટે થતો હતો. કિનારા પરનાં જહાજો કે બીજાં મથકોના વિનાશ માટે તેમનો ઉપયોગ કરવાનો વિચાર એડમિરલ નંદાને સ્ફુર્યો.
સ્ટીક્સ મિસાઇલ ધાતુની વસ્તુઓને ઓળખીને તેમની પર ત્રાટકતાં હતાં. એટલે બઘું બરાબર પાર ઉતરે તો, નિશાન તરીકે પાકિસ્તાની યુદ્ધજહાજો ઉપરાંત કરાચીના કિનારે એકાદ માઇલના વિસ્તારમાં પથરાયેલી ક્રુડ ઓઇલની ટાંકીઓનો પણ વારો ચડી જાય એમ હતો. મહત્ત્વનો સવાલ એક જ હતોઃ બઘું બરાબર પાર ઉતરે તો.
મર્યાદિત બળતણ અને એવી જ સંહારશક્તિ ધરાવતા કાફલાથી છેક શત્રુના ઘરમાં જઇને તેનો ખાતમો બોલાવવાનું સાહસ ભારતીય નૌકાદળે આ પહેલાં કદી કર્યું ન હતું. ભારત આવું વિચારી શકે, એ પણ પાકિસ્તાનની કલ્પના બહારની વાત હતી. આખા હુમલામાં આશ્ચર્યનું તત્ત્વ સૌથી મહત્ત્વનું હતું અને એ છેવટ સુધી જળવાઇ રહ્યું. પાકિસ્તાની સૈન્ય કંઇ સમજી શકે ત્યાં સુધીમાં ભારતીય મિસાઇલોએ કરાચીના બારામાં લાંગરેલાં ડીસ્ટ્રોયર ‘ખૈબર’, માઇન સ્વીપર (દરિયાઇ સુરંગો દુર કરનાર) ‘મુહાફિઝ’ અને અમેરિકા તરફથી દારૂગોળો લઇને આવેલા વેપારી જહાજ ‘વેનસ ચેલેન્જર’ને ડૂબાડી દીધાં. કરાચીના જમીની વિસ્તાર પર થયેલા મિસાઇલ હુમલા અંગે મતમતાંતર પ્રવર્તે છે, પણ નૌકાદળના આ કમાન્ડો ઓપરેશનથી પાકિસ્તાન હતપ્રભ થઇ ગયું એ નિર્વિવાદ હકીકત છે. બીજા વિશ્વયુદ્ધ પછી નૌકાદળના સૌથી મોટા અને સાહસપૂર્ણ ઓપરેશન તરીકે ગણાતા ‘ઓપરેશન ટ્રાઇડન્ટ’ની યાદગીરીમાં ૪ ડિસેમ્બરને ‘નેવી ડે’ જાહેર કરવામાં આવ્યો.
૩૭ વર્ષ પહેલાંનો આ ઘટનાક્રમ યાદ કરવાનો મતલબ એવો હરગીઝ નથી કે ઈંદિરા ગાંધી કોંગ્રેસી હતાં ને અત્યારની કોંગ્રેસ એમની વારસદાર છે. હકીકતમાં, ઈંદિરા ગાંધી પોતે પોતાનો વારસો નિભાવી શક્યાં ન હતાં. રેકોર્ડ ખાતર એ પણ યાદ રહે કે ‘કોંગ્રેસે જ દેશની આ હાલત કરી છે’ એવું કહેનાર ભાજપ અને એનડીએના રાજમાં દેશની સંસદ પર ત્રાસવાદી હુમલા થયા અને કારગીલમાં પાકિસ્તાને ધૂસણખોરી કરી હતી. છતાં, એનડીએ સરકાર કોઇ પ્રકારની નિર્ણયાત્મક કાર્યવાહી કરી શકી ન હતી. કારગીલ યુદ્ધમાં સૈનિકો બહાદુરીથી લડ્યા, પણ પાકિસ્તાની ધૂસણખોરી વિશે સરકાર છેવટ સુધી અંધારામાં રહી એ ન ભૂલી શકાય એવો મુદ્દો હતો.
૧૯૭૧ના ‘ઓપરેશન ટ્રાઇડેન્ટ’નો સાર એટલો જ કે રાજકારણમાં હાકોટા પાડવાથી કે આત્મઘાતી ઝનૂનથી કામ ચાલતું નથી. રાજકીય ઇચ્છાશક્તિ અને શસ્ત્રબળ ઉપરાંત આંતરરાષ્ટ્રિય કૂટનીતિમાં નિપુણતા, ચુસ્ત નેટવર્ક, સ્પષ્ટ નિર્ણયશક્તિ અને ઠંડી તાકાતની જરૂર પડે છે, જે એસઇઝેડ- સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન-માં બનાવી શકાતાં નથી, જીડીપીથી સિદ્ધ કરી શકાતાં નથી કે ‘ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ’ થકી હાંસલ કરી શકાતાં નથી.
નોંધઃ ૧૯૭૧ના યુદ્ધની વિગતરવાર કથા માટે નગેન્દ્રવિજય લિખિત ‘યુદ્ધ-૭૧’ વાંચવું રહ્યુંFriday, December 05, 2008
આતંકવાદ, તકવાદ અને (છેલ્લી) તક
મુંબઇના હુમલાની તમામ ભયાનકતા, ભારે જાનહાનિ અને આયોજનબદ્ધ આતંકના પૂરેપૂરા શોક સાથે એ ન ભૂલવું કે દિલ્હીમાં સંસદ પર થયેલો હુમલો પ્રતીકાત્મક રીતે વધારે ગંભીર હતો. કેમ કે, તે હુમલો ઓછામાં ઓછી સલામતી ધરાવતાં છત્રપતિ શિવાજી ટર્મિનસ જેવા જાહેર સ્થળો પર નહીં, પણ રાષ્ટ્રની સૌથી મહત્ત્વની બંધારણીય સંસ્થાના મકાન પર થયો હતો. વીઆઇપીઓની સુરક્ષા પાછળ જ્યાં વર્ષેદહાડે કરોડો રૂપિયા ખર્ચાય છે, એવા દેશના પાટનગરમાં એ હુમલો યોજી શકાયો હતો. આનાથી વઘુ બુલંદ, કાન ફાડી નાખે એવો, ‘વેક અપ કોલ’ (સૂતેલાને જગાડવા માટેનો પોકાર) કયો હોઇ શકે? અફસોસની વાત એ છે કે કળ વળ્યા પછી આ પ્રસંગોમાંથી બોધપાઠ લેવાતા નથી. બઘું પૂર્વવત્ થઇ જાય છે.
ત્રાસવાદી હુમલો લાંબા સમયથી ચાલતા એક સિલસિલાની લેટેસ્ટ કડી છે, જે આખરી હોવાનો આશાવાદ રાખી શકાય એમ નથી. હુમલાનાં માપ બદલાયાં છે, પણ તેના વિશેના રાજકીય પ્રતિભાવોમાં કોઇ ફરક પડ્યો નથી. ચૂંટણીઓ માથે છે ત્યારે રાજકીય પક્ષો ત્રાસવાદની આગ પર પોતાના રોટલા ન શેકે એવી આશા પણ નથી. હજુ તો કમાન્ડો ઓપરેશન પૂરૂં પણ ન થયું હોય ત્યારે અડવાણી કહી શકે છે, ‘રાજ્યના ગુપ્તચર તંત્રનું ઘ્યાન કથિત હિંદુ આતંકવાદ પાછળ કેન્દ્રિત હોવાથી ત્રાસવાદીઓ મુંબઇ પર હુમલાનો પ્લાન સફળતાપૂર્વક પાર પાડી શક્યા.’ આ ભાઇ આપણા વડાપ્રધાન થવા માગે છે. પ્રજા માટે જાણે એક કમનસીબીનો વિકલ્પ બીજી કમનસીબી જ છે.
ઘરઆંગણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં ન લઇ શકેલા ગુજરાતના મુખ્ય મંત્રીને અત્યારે બીજાને સલાહો આપતા, વટ પાડવા મુંબઇ દોડી જતા અને ટીવી ચેનલો સામે ‘ભારત’ને ધરાર ‘હિંદુસ્તાન’ તરીકે ઉલ્લેખતા જોઇને ખૂણેખાંચરે રહેલો આશાવાદ પણ ઉડી જાય છે.
સંવેદનને બધિર બનાવતું રાજકીય પ્રદૂષણ
રોજેરોજની પેટિયું રળવાની ઝંઝટમાં મોટા ભાગના લોકો પાસે સમાજ કે દેશ વિશે વિચારવા જેટલાં સમય કે સ્વસ્થતા હોતાં નથી. પરિણામે, જાહેર જીવનને લગતા નાના-મોટા તમામ મુદ્દાને લગતી સઘળી જવાબદારી આપોઆપ પ્રસાર માઘ્યમો અને રાજકીય પક્ષો પર આવી પડે છે. આ બન્ને ધંધાદારીઓની નિષ્ફળતા હવે જાણીતી અને ચર્ચાથી પર છે. સામાજિક સૌહાર્દ અને સદ્ભાવનાની જાળવણી બન્નેમાંથી કોઇનું લક્ષ્ય નથી. સમાજ અને દેશને ખોખલો કરતી, તેમને નબળો પાડતી દરેક દુર્ઘટના આ બન્ને માટે ધંધો વધારવાનો મોકો બને છે. તેનો પૂરેપૂરો લાભ કોમવાદ અને ઉશ્કેરણીનું રાજકારણ ખેલતા રાજકીય પક્ષો ઉઠાવે છે.
વાંક ફક્ત નેતાઓનો નથી અને પ્રજાના મનમાં પણ કોમવાદનું ઝેર વ્યાપેલું છે એ ખરૂં, પરંતુ એ ઝેરને સક્રિય અને સ્થાયી કરનારા ઉદ્દીપક તરીકે રાજકીય પક્ષો તથા નેતાઓ ભયાનક ભૂમિકા ભજવે છે. ઝેરીલા પ્રચાર દ્વારા તે અસલામતી, પૂર્વગ્રહો અને કોમી દ્વેષ જેવી, સામાન્ય માણસોના મનમાં એકંદરે માપમાં રહેલી લાગણીઓને ટકોરા મારે છે અને તેને વકરાવે છે. વઘુ ને વઘુ ટુકડામાં વહેંચાઇ રહેલા સમાજને સાંધવાની કોશિશ તો બાજુ પર રહી, રાજકીય પક્ષોએ તેના વઘુ ને વઘુ ટુકડા પાડવાનું જ કામ કર્યું છે - કોઇએ હિંદુત્વ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના નામે, તો કોઇએ લધુમતીના હિતરક્ષણના બહાને. કોઇએ પ્રાદેશિક લાગણીઓ ભડકાવીને, તો કોઇએ જ્ઞાતિવાદનું રાજકારણ ખેલીને.
- અને કામ હજુ ચાલુ જ છે.
દેશમાં ફેલાયેલા રાજકીય પ્રદૂષણની સરખામણી માટે વટવા-નંદેસરી-વાપી-અંકલેશ્વર જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં સાંજે જોવા મળતું ઝેરીલું ઘુમ્મસ યાદ આવે છે. જુદાં જુદાં કારખાનાંની જાતજાતની દુર્ગંધોના મિશ્રણથી ગુંગળાવી નાખે એવું અસહ્ય વાતાવરણ સર્જાય છે. આપણે સૌ ભારતીયો ઘણા સમયથી આવા હાનિકારક રાજકીય-સામાજિક વાતાવરણમાં જીવીએ છીએ. તેમાં તાજી હવા માટેનાં ઠેકાણાં રહ્યાં નથી. નવાં ‘કારખાનાં’ એમ જ માને છે કે નફો કરવો હોય તો પ્રદૂષણની પરવા ન કરવી. લોકોનું જે થવાનું હોય તે થાય.
આવી સ્થિતિમાં લાંબા સમયથી રહેવાને કારણે પ્રજાનું સંવેદનતંત્ર બધિર બની ગયું છે. યાદદાસ્ત ગુમાવ્યા પછી ચકળવકળ આંખે જોયા કરતા અને વચ્ચે વીજળીના આંચકા અપાયે ત્યારે ક્ષણ-બે ક્ષણ માટે યાદદાસ્ત પાછી મેળવતા દર્દી જેવી આપણી સ્થિતિ થઇ છે.
યાદશક્તિની સમસ્યા
આપણી યાદદાસ્ત-સંવેદના-સમજણ થોડા સમય પૂરતી પણ પાછી લાવવાની કિંમત બહુ આકરી હોય છે. ત્રાસવાદીઓ મુંબઇ-દિલ્હી પર હુમલા કરે ત્યારે જ આપણને યાદ આવે છે કે આપણે સૌ છેવટે- હા, છેવટે જ- ભારતીય છીએ. બાકી, હું મરાઠી ને તું બિહારી, હું દક્ષિણનો ને તું હિંદીભાષી, હું બહુમતિ ને તું લઘુમતિ, હું ક્રોસ ને તું ત્રિશૂળ, આપણે હિંદુસ્તાની, પેલા પાકિસ્તાની...આ બધામાં ભારતીય? એ વળી કઇ બલાનું નામ છે? અમને તો એમ કે, ભારતીય ફક્ત એમને જ કહેવાય, જે વર્ષો પહેલાં ભારત છોડીને અમેરિકાના નાગરિક થઇ ચૂક્યા હોય અને ઓબામાની ટીમમાં જેમનો સમાવેશ થાય અથવા ‘નાસા’ અવકાશયાત્રી તરીકે જેમની પસંદગી કરે.
સંકુચિત ઓળખનાં સઘળાં આવરણ ત્રાસવાદીઓના ઘાતકી હુમલાથી ઘડીભર છિન્નભિન્ન થઇ જાય છે, પણ એ આવરણો રાવણનાં માથાં જેવાં છે. હમણાં છેદાયાં ને હમણાં નવાં તૈયાર. એમાં વાર કેટલી?
ભારતીય હોવાનો અહેસાસ કરવા માટે આપણે પાકિસ્તાની ત્રાસવાદીઓની જરૂર પડે છે, એવી જ રીતે પ્રામાણિક અફસરોના મૃત્યુથી જ તેમની કાર્યક્ષમતાનો અહેસાસ અચાનક જાગી ઉઠે છે. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના વડા હેમંત કરકરેની વાત છે. ત્રાસવાદી હુમલાના પગલે અડવાણી-મોદી જેવા નેતાઓ સરકાર અને જાસુસી તંત્ર-પોલીસ તંત્ર પાસેથી લાંબીપહોળી અપેક્ષાઓ રાખે છે અને એ પૂરી ન કરવા બદલ સરકારના માથે માછલાં ઘુએ છે. પરંતુ એ જ તંત્રના એક અફસર હેમંત કરકરે માલેગાંવ વિસ્ફોટમાં હિંદુ અંતિમવાદીઓની સંડોવણી વિશે નક્કર તપાસ કરતા હતા, ત્યારે ભાજપી-સંઘી મંડળીએ કાગારોળ મચાવી મુકી હતી. કરકરેની બેદાગ કારકિર્દીની ધરાર અવગણના કરીને તેમની પર હિંદુઓની પાછળ પડી ગયા હોવાના આરોપ આ જ મંડળીએ મુક્યા હતા, જે હવે કરકરેની શહાદતનાં વખાણ કરતાં થાકતી નથી. કરકરે ત્રાસવાદીઓની ગોળીથી મૃત્યુ પામ્યા (કેટલાકને એ વિશે શંકા છે, પણ એ રાજકીય મુદ્દો છે), ત્યાર પછી ભાજપ-સંઘ સહિત હિંદુત્વનાં સંગઠનોને તેમની મહાનતા યાદ આવી છે અને એ પણ થોડા સમય માટે.
આપણે શું કરી શકીએ?
ત્રાસવાદનો સામનો બે સ્તરે થાય છેઃ રાજનૈતિક સ્તરે અને સામાજિક સ્તરે. રાજનૈતિક ક્ષેત્રનું આપણે નાહી નાખવાનું છે. કેમ કે, કોંગ્રેસ નબળી છે અને હિંદુત્વના સ્ટીરોઇડથી બાવડાં ફુલાવીને મતદાતાઓને આકર્ષવા નીકળેલા ભાજપમાં પણ દમ નથી. કોઇ પક્ષ પાસે રાષ્ટ્રિય સુરક્ષા માટેની નીતિ તો ઠીક, એ માટેની નૈતિક દૃઢતા અને રાજકીય ઇચ્છાશક્તિ હોય એવું પણ જણાતું નથી. કોંગ્રેસની દુકાન જાણે રાહુલ ગાંધીને ગાદીએ બેસાડવા માટે જ હજુ સુધી ચાલુ રાખી હોય એ રીતે ચાલે છે અને ભાજપ ગમે તેટલી વિકાસવાર્તા અને રાષ્ટ્રવાદની વાતો કરે, પણ તેના મૂળભૂત કોમી દ્વેષના અને સામાજિક અશાંતિ થકી સત્તા હાંસલ કરવાના સંસ્કાર ઢાંક્યા ઢંકાતા નથી. બીજા બધા પક્ષો પણ પોતપોતાના સંકુચિત લક્ષ્યને અનુરૂપ સગવડ પડે એમ વિચારધારાઓ તોડીમરોડી કે બદલી રહ્યા છે. એમાંથી કોઇને ત્રાસવાદનો સામનો કરવા જેવા ગંભીર અને અખંડ નિષ્ઠા માગી લેતા કામમાં રસ હોય કે એ કામ માટે તેમની ત્રેવડ હોય એવું લાગતું નથી.
એ સ્થિતિમાં પ્રજા તરીકે આપણે સમાજમાં સામાન્ય પરિસ્થિતિ જળવાઇ રહે એનું ઘ્યાન રાખવાનું છે. એ આપણા હાથમાં છે અને આપણે ઇચ્છીએ તો જરૂર કરી શકીએ. ખુલ્લેઆમ કટ્ટરતા દેખાડનારાં તત્ત્વો બધા પક્ષોમાં થોડાં જ હોય છે. બાકીના લોકોનું મૌન એ લોકોની મોટી તાકાત બને છે. રાજકીય પક્ષોએ કે ધર્માંધ કટ્ટરતાવાદીઓએ પ્રેરેલા ધિક્કારને અપનાવી લઇને આપણે એમના જેવા જ બની જઇએ છીએ. હિંદુ કે મુસ્લિમ કે ખ્રિસ્તી તરીકેની આપણી ઓળખ ગુમાવ્યા વિના ભારતીય તરીકે શાંતિથી એકબીજા સાથે રહેવાનું શક્ય છે. મોટા ભાગના વિસ્તારોમાં વર્ષો સુધી લોકો એ રીતે રહ્યા છે ને ઘણી જગ્યાએ હજુ પણ રહે છે.
‘મુસલમાન એટલે આક્રમણખોર’ અને ‘હિંદુ એટલે કાફર’ એવો ઇતિહાસ ગોખાવનારા અને સંસ્કૃતિના નામે સગવડીયો અપમાનબોધ સતત યાદ કરાવનારાને જાકારો આપવાનું આપણા હાથમાં છે. એના માટે લાંબા-પહોળા અભ્યાસો કરવાની કે રાજકારણમાં ઉંડા ઉતરવાની જરૂર નથી. એક જ સવાલનો જવાબ આપવાનો છેઃ ‘એકબીજા સાથે શાંતિથી રહીને મુશ્કેલીઓનો સામનો કરવો છે? કે રાજકીય પક્ષોના રવાડે ચડીને જેટલી શાંતિ છે એટલી પણ ગુમાવવી છે?’
એકબીજા સાથે શાંતિથી રહેવાનો વિકલ્પ પસંદ કર્યા પછી તત્કાળ ત્રાસવાદી હુમલા બંધ નહીં થઇ જાય. પણ સમાજમાં પરસ્પર અવિશ્વાસનું વાતાવરણ ઓગળશે, હિંસા અને ત્રાસવાદને કોમને બદલે કાયદો-વ્યવસ્થાની સમસ્યા તરીકે જોવાશે, છેવટનું નુકસાન પ્રજાને થાય છે એ અહેસાસ તીવ્ર બનશે, હિંસાની દરેક ઘટનાને હિંદુ ત્રાસવાદ કે મુસ્લિમ ત્રાસવાદ જેવાં લેબલ આપનારા નેતાઓની બદદાનતનો સાચો પરિચય થશે...
- અને પ્રજા બદલાશે તો લાંબા ગાળે નેતાઓને પણ બદલાવું પડશે. કારણ કે તેમને મત આ પ્રજા પાસેથી જ લેવાના છે. આ રસ્તો લાંબો લાગે છે? પણ પ્રજા પાસે એ જ એકમાત્ર રસ્તો છે.
શાસકો ઈંટના જવાબ પથ્થરથી આપે ને પ્રજા બેફિકર થઇને ધૂમેફરે એવું ઇઝરાઇલ કે અમેરિકામાં પણ નથી બન્યું. અમેરિકામાં ૯/૧૧ પછી એકેય ત્રાસવાદી હુમલો ભલે ન થયો, પણ હુમલાની એલર્ટ કેટલી વાર જાહેર થાય છે અને પ્રજાની નસો તંગ થઇ જાય છે, એ ભૂલવા જેવું નથી. અઢળક સંપત્તિ અને ઓછી વસ્તી ધરાવતા દેશોમાં જે શક્ય નથી બન્યું, તે ભારતમાં સંભવ બનશે એવું માનનાર આશાવાદી અને શેખચલ્લી વચ્ચે થોડા દોરાનો જ ફરક રહે છે.
Tuesday, December 02, 2008
અશ્વિની ભટ્ટ અમદાવાદમાં: સૂડી, સોપારી અને સીકેકે

- અશ્વિનીભાઇને આ બ્લોગમાં બહુ રસ પડ્યો છે. વાતચીતમાં ત્રણ-ચાર વાર તેમણે વચ્ચે વચ્ચે બ્લોગને યાદ કર્યો. હું એમને મળવા પહોંચ્યો એટલે દરવાજામાં જ એમણે કહ્યું, ‘તુ અંદર આવ. હું કહીશ તો તું માનીશ નહીં.’ અંદર જઇને જોયું, તો ‘પ્રિય ઉર્વીશ’ના સંબોધન સાથે હાથે લખેલાં ત્રણ પાનાં હતાં. એક પાનું અઘૂરૂં હતું. એ કહે,‘તારા બ્લોગમાં મઝા પડે છે. મારે તને બે-ત્રણ વસ્તુ બ્લોગ માટે લખીને આપવી છે. એમાં એક તો મારી એર ઇન્ડિયાની મુસાફરીનો હાસ્યલેખ.’ દલાસથી ન્યૂ જર્સી-લંડન-અમદાવાદની યાત્રાના અનુભવોનું ટ્રેલર તેમણે આપ્યું. ટૂંક સમયમાં અશ્વિની ભટ્ટ સ્પેશ્યલ સેન્સ ઓફ હ્યુમર સાથે લખાયેલા એ અનુભવો આ બ્લોગ પર મુકવા આપવાના છે.
- ત્રાસવાદની થીમ ધરાવતી તેમની નવી નવલકથાનાં સાત પ્રકરણ લખાઇ ગયાં છે. એની થોડી વાત થઇ. તેમાં વિશેષ રસની વાત એ છે કે હીરોઇન દલિત આઇપીએસ સ્ત્રી છે. - અશ્વિનીભાઇ પાસે પ્લોટનો તોટો કદી હોતો જ નથી. એટલે તે એક પુસ્તક એવું બનાવવાનું વિચારે છે, જેમાં ફક્ત નવલકથાના પ્લોટ જ હોય. ‘નવલકથા કેવી રીતે લખવી?’ એવું કંઇક ટાઇટલ અને અશ્વિની ભટ્ટનું નામ હોય તથા એનું યોગ્ય માર્કેટિંગ કરવામાં આવે, તો એ પુસ્તક તેમની કોઇ પણ નવલકથા જેટલું કે એનાથી પણ વધારે વેચાય અને ઉપયોગી બને.
- આ મુલાકાતમાં અશ્વિનીભાઇ ઘણું અપ્રગટ સાહિત્ય, ખાસ કરીને તેમની લખેલી ટૂંકી વાર્તાઓ, નાટકો અને જૂના અનુવાદો પ્રકાશિત કરવા ધારે છે. એ બઘું કામ પૂરૂં થાય એ માટે ‘અમેરિકાથી સીંગલ ટિકીટ લઇને આવ્યો છું’ એવું એ કહે છે.
- અશ્વિનીભાઇ આપણને હેમખેમ મળી શક્યા, એ માટે નીતિભાભી અને તેમના પુત્ર નીલ-કવિતા પરિવાર ઉપરાંત અમેરિકાની તબીબી સેવાઓનો પણ આભાર માનવો પડે. અમેરિકામાં એક તબક્કે સામાન્ય રીતે બોલતાચાલતા અશ્વિનીભાઇના હૃદયના ધબકારા ઘટીને (૧ મિનીટના) ૬ જેટલા થઇ ગયા અને નીતિભાભીના કહેવા પ્રમાણે, ૧૨ સેકંડ સુધી હૃદય બંધ પડી ગયું હતું. પણ આપણું અશ્વિનીભાઇ સાથે લેણું ઓછું છે? એટલે એ ઉગરી ગયા અને હવે મોહનથાળનાં ચકતાંની સાથે રોટલી પર ઘીની ટોયલી ઊંધી રેડીને, એમના રાબેતા મુજબના મિજાજમાં આવી ગયા છે.
- અમદાવાદ અશ્વિનીભાઇને બહુ બદલાઇ ગયેલું લાગે છે. હવે પછી એ અમદાવાદ સ્થાયી થવાને બદલે ક્યાંક બહાર રહેવા માગે છે. અગાઉ એકથી વઘુ વાર એમણે મારી પાસે મહેમદાવાદની પણ તપાસ કરાવી હતી. અશ્વિનીભાઇ મેગાસીટી બન્યા પહેલાંના જૂના અમદાવાદની ફ્લેવર ધરાવતા જીવ છેઃ વાતરસીયા, સમયની પાબંદી વગરના, શિસ્તભંગપ્રેમી અને વધારામાં સાચી આત્મીયતાથી છલકાતા. અમદાવાદી કંજૂસી તો નહીં, પણ જૂના જમાનાની વાજબી કરકસર એમનામાં સચવાઇ રહી છે. એટલે અમદાવાદ આવ્યા પછી લખવાનું પાટિયું લેવા દુકાને ગયા અને બહેને ૫૭ રૂપિયાનું પાટિયું બતાવ્યું એટલે અશ્વિનીભાઇ ઉવાચ,‘મુકી દો બહેન પાછું. આટલા મોંઘા પાટિયા પર લખીએ તો પેન ઓગળી જાય.’ પછી કહે,‘આટલા મોંઘા પાટિયા પર લખતી વખતે એવા વિચારો જ આવે કે ‘જે લખીએ છીએ એમાંથી ૫૭ રૂપિયા નીકળશે?’
- ‘આરપાર’માં ‘આક્રોશ અને આકાંક્ષા’ સિરીઝ લખ્યા પછી અશ્વિનીભાઇ અમુક મિત્રોમાં ચર્ચાને અને અમુક બાબતે- અમુક હદે ટીકાને પાત્ર બન્યા હતા. આ વખતે બીજા જ સંદર્ભે તેમણે કહ્યું,‘અમેરિકામાં મેં કુરાનનો ચાર મહિના સુધી ઉંડો અભ્યાસ કર્યો. તેની મર્યાદાઓ અને ખાસિયતો જાણી. મુસ્લિમોએ જ લખેલાં કુરાન વિશેનાં પુસ્તકો વાંચ્યાં. ત્યાર પછી હું તારા બ્લોગ માટે અંગ્રેજીમાં લખવા બેઠો કે અત્યારની સ્થિતિમાં આપણે શું કરી શકીએ? લેખનું મથાળું મેં રાખ્યું હતું, ‘વીચ વે લાઇઝ હોપ’. વર્ષો પહેલાં રીચાર્ડ ગ્રેગ નામના માણસે આ મથાળું ધરાવતા પુસ્તકમાં જુદાં જુદાં ‘ઇઝમ’ની ચર્ચા કરીને છેવટે એવું કહ્યું હતું કે ‘ગાંધીના રસ્તે જ આશા છે.’ હું લખવા તો બેઠો, પણ પછી એ લખાણ ખાસ્સું લાંબું થઇ ગયું એટલે હવે તને તો આપીશ, પણ એવો વિચાર છે કે એની બુકલેટ પણ છપાવું.’ અશ્વિનીભાઇએ કહ્યું કે ‘આપણે હાથ પર હાથ જોડીને બેસી રહેવાની વાત નથી અને રીટાલીએટ થવાની પણ વાત નથી. રીટાલીએશનથી અંત આવતો નથી અને એનાં પરિણામો વેઠવાની પણ આપણી તૈયારી હોતી નથી. એના સિવાય બાકી રહેલા રસ્તામાં પહેલું પગથિયું સંપર્કનું છે. નિયમિતપણે એકબીજા સાથે સંપર્ક સ્થાપિત થાય, એ બહુ જરૂરી છે.

શબ્દાર્થપ્રકાશ # 7
...એમની કને કેમ જાણે લગભગ એકની એક એક્યંક્તિકા (વનલાઇનર) મોંવગી હતી કે પાડ માનો પરમેશ્વરનો, કાલે શુક્રવાર નથી.(દિ.ભા.૧૪-૧૧-૦૮)
નિયમસિદ્ધકર અપવાદઃ આખરે તો નિયમને જ સિદ્ધ કરનારો અપવાદ
આ જાલિમ જમાનામાં આવાં આહ્લાદક આશ્ચર્યો પણ (બેલાશક, નિયમસિદ્ધકર અપવાદરૂપે) સરજાતાં હોય છે...(દિ.ભા.૧૪-૧૧-૦૮)
ખુલ્લાદિલવાળી કરવીઃ ઉદાર બનવું
એડી અને આરીનો બોધઃ (પ્રાણીની) ગતિ વધારવા માટેના વિવિધ ઉપાયોની અસર
બેન્કોમાં વ્યાજદરના ઘટાડા બાબતે રિઝર્વ બેન્ક હજુ થોડી ખુલ્લાદિલવાળી કરે તો ઔદ્યોગિક વિકાસના અશ્વને, એની સંભવિત મંદગતિ છતાં, એડી અને આરીનો બોધ થઇ શકે એમ છે...(દિ.ભા.૧૪-૧૧-૦૮)
વિગતપુષ્ટઃ વિગતોના આધારે પુષ્ટિ ધરાવતી
વાયકા બલકે વિગતપુષ્ટ વાત તો હતી કે આપણો વીર ફોર્મમાં નથી. (દિ.ભા.૧૫-૧૧-૦૮)
નાબાદઃ નોટ આઉટ
૧૩૮ નાબાદ. (દિ.ભા.૧૫-૧૧-૦૮)
દોડબંઘુઃ રનર
તંત્રે એની દાઝ જાણીને દોડબંઘુ પણ સંપડાવ્યો હતો...(દિ.ભા.૧૫-૧૧-૦૮)
દીર્ઘાદુલારઃ ગેલેરી પ્લેઈંગ
...હિંસક તામિલ આંદોલનકારીઓને પણ મર્યાદામાં રહેવાનો સ્પષ્ટ સંકેત કોઇ પણ પ્રકારના દીર્ઘાદુલાર (ગેલેરી પ્લેઈંગ) અભિગમથી પરહેજપૂર્વક આપવો રહે છે.(દિ.ભા.૧૭-૧૧-૦૮)
અંગીકારવું: અંગીકાર કરવું
જ્યારથી માનવ વિકાસ આંકનું વલણ દુનિયાના દેશોએ, ખાસ કરીને પશ્ચિમને મુકાબલે હજુ વિકસતા આવતા દેશોએ એક કસોટી તરીકે અંગીકાર્યું...(દિ.ભા.૧૮-૧૧-૦૮)
ક-ખ્યાતઃ ‘ક’થી શરૂ થતાં નામવાળી સિરીયલોથી જાણીતી (એકતા કપૂર)
પૂછો ક-ખ્યાત કપૂર કન્યાને...(દિ.ભા.૨૦-૧૧-૦૮)
કિંદર્શિતવ્યમૂઢઃ શું જોવું એની ખબર ન પડે એવી મૂઢતા
અનુભવતાખરૂં જોતાં આ જેણે પરાણે પોરો ખાવાવાળી થઇ તેનો લાભ લઇને કિંદર્શિતવ્યમૂઢ સૌએ ‘સોપ’ની ક્ષ-તપાસનો ઉપક્રમ હાથ ધરવો જોઇતો હતો. (દિ.ભા.૨૦-૧૧-૦૮)
મેળમથામણઃ (બે ધારાઓ વચ્ચે) મેળાપની મથામણ
...રમણભાઇ નીલકંઠ અને ગણેશ વાસુદેવ માવળંકર જેવાઓ પણ રાજકારણ અને પ્રજાકારણ વચ્ચે રૂડી મેળમથામણના જીવ હતા. (દિ.ભા.૨૨-૧૧-૦૮)
મનમુરાદઃ મન ફાવે તેમ
...નાગરિક સ્વાધીનતાની મુદ્દલ પરવા વગરના મનમુરાદ શાસકીય વહેવાર માટેનો એ ધરાર પરવાનો છે. (દિ.ભા.૨૨-૧૧-૦૮)
અસ્ફુટરમણીયતાઃ સ્પષ્ટપણે વ્યક્ત ન થવાને કારણે ઊભી થતી રમણીયતા
...અસ્મિતા પર્વમાં કોઇ સાહિત્યિક મુદ્દે અસ્ફુટરમણિયતાનો જે મહિમા હોઇ શકે છે એવી કોઇ સુવિધા અહીં તો છે નહીં. (દિ.ભા.૨૨-૧૧-૦૮)
ધરમમજબહફેઇધઃ હિંદુ-મુસ્લિમ-ખ્રિસ્તી ધર્મ સૂચવતું
સરેરાશ આદિવાસીની બુનિયાદી જરૂરત કોઇ ધરમમજહબફેઇધની નહીં...(દિ.ભા.૨૨-૧૧-૦૮)
કાર્યચમૂઃ ટાસ્કફોર્સ
...તે માટે કાર્યચમૂ (ટાસ્કફોર્સ) રચવાનો નિર્ણય લેવાયો છે. (દિ.ભા.૨૪-૧૧-૦૮)
રણરંગમાં: રણે ચડવાના રંગમાં
...અડવાણી આજકાલ બરાબરના રણરંગમાં જણાય છે.(દિ.ભા.૨૫-૧૧-૦૮)
તરણોપાયઃ તરી જવાના ઉપાય તરીકે
...અડવાણી વારેવારે ‘પોટા’નો તરણોપાય તરીકે કેમ ઉલ્લેખ કરે છે એ સમજાતું નથી. (દિ.ભા.૨૫-૧૧-૦૮)
વાણિજ્યધાનીઃ આર્થિક રાજધાની
(ન્યૂયોર્ક અને મુંબઇ) વાણિજ્યધાની તો એ બંને છે જ. (દિ.ભા.૨૮-૧૧-૦૮)
- વૈશ્વિક નાણાકટોકટી ઔદ્યોગિક વૃદ્ધિને નરમ પાડશે એ તો નેનોની નાતનાં નરખાં બલકે નગારાં વચ્ચે બધિર કાને પણ સમજાય એવી વાત છે. (દિ.ભા.૧૪-૧૧-૦૮)
- કાલે શુક્રવાર નથી, એમ કહ્યે શક્કરવાર વળવાનો નથી. (દિ.ભા.૧૪-૧૧-૦૮)
- શુક્રવારની સવારે સવારે શી ખબર કિયું વાયક કિયે ખૂણેથી ફરી ગયું’તું કે દુખતે વાંસે ને કકળતી કમરે આપણો આ બેલ્ટબંધો મેદાને ઉતર્યો તે ઉતર્યો જ. (યુવરાજસિંઘની રાજકોટ ઇનિંગ વિશે, દિ.ભા.૧૫-૧૧-૦૮)
- ભાઇ, આ તો વન-ડે કહેતાં ફટાફટ ક્રિટે હતી. જૂના વારાના મુસ્તાક અલી અને સી.કે.નાયડુ મહાકાવ્યની કરામત હાયકુમાં દાખવે એમ...(દિ.ભા.૧૫-૧૧-૦૮)
- બધી સીરીઅલો, પછી એ કૃતક મેટ્રોમાનવોની નિરૂપણથી હોય કે લગ્નબાહ્ય સંબંધો લટકાં કરે લગ્નબાહ્ય સંબંધો સામે એ ન્યાયે મંડિત હોય...(દિ.ભા.૨૦-૧૧-૦૮)
- સાગર, સબાર ઉપરે ચાંચિયા, તબાર ઉપરે કોઇ નાહીં (ચાંચિયાઓના યુદ્ધજહાજને પછાડનાર ‘આઇએનએસ તબાર’ની કામગીરી સંદર્ભે, ‘સબાર ઉપરે માનુષ’ની પેરડી (દિ.ભા.૨૧-૧૧-૦૮)
- ...હજુ હમણાં સુધી છૂટથી પ્રયોજાતી ભાષાથી હટવાછટકવાબચવા માગે છે. (દિ.ભા.૨૨-૧૧-૦૮)
- નિર્બોમ્બ વિસ્ફોટો (દિ.ભા.૨૨-૧૧-૦૮)
- ભલાભાઇ-ભોળાભાઇ-લૂગડાંસંકોર ભાઇ હોવું એ કોઇ નાગરિકપણું નથી. (દિ.ભા.૨૨-૧૧-૦૮)
- દિલ્હી હાઇકોર્ટે ઠીક ઉધડો લીધો. તંત્રલુપ્તા! સુએજસરસ્વતીથી સાવધાન! (દિ.ભા.૨૭-૧૧-૦૮)
- બોર્ડ આશ્વસ્ત હતું કે એક વાર મુદત પડી એટલે આપણે મુદતે મુદતે એ...ઇ માણીગર માણારાજની પેઠે મહાલ્યા કરશું. (દિ.ભા.૨૭-૧૧-૦૮)
બજારમાં મંદી, ફૂટપાથ પર તેજી

બાળપણમાં એવું સાંભળેલું કે કાશ્મીરમાં અખરોટના કે ગોવામાં કાજુના ઢગલેઢગલા વેચાય છે. પણ એ યાદીમાં અમદાવાદનું નામ સાંભળવા મળ્યું ન હતું.
જે સાંભળ્યું પણ ન હોય, એ સીધું જોવા મળે તો કેવી હાલત થાય?
રોજની જેમ સવારે સરદાર બ્રિજ પરથી પસાર થતી વખતે થોડા દિવસ પહેલાં અનોખું દૃશ્ય જોવા મળ્યું. સહેજ આગળ જઇને મેં સ્કૂટર થોભાવ્યું અને ખાતરી કરવા પાછળ ફરીને ધ્યાનથી જોયું. મેં જે જોયું તે સાચું જ હતું. સરદાર પૂલની ફૂટપાથો પર બન્ને બાજુ કાજુ, અંજીર, બદામ, અખરોટ અને બીજા સૂકા મેવા ઢગલામાં વેચાતા હતા. વેચનારા માણસોના દેદાર સૂકા મેવાના વેપારી જેવા બિલકુલ નહીં. એ લોકો બદામ કે કાજુ ન વેચતા હોત તો ડુંગળી કે બટટા વેચતા હોત.

‘દુકાનો મૂકીને તમારે ત્યાંથી શું કામ લોકો ખરીદવા આવે?’ એના જવાબમાં એણે કહ્યું,’બજારમાં સૂકો મેવો 400 રૂપિયે કિલો મળે છે. અમે 380 રૂપિયે આપીએ છીએ. પછી લોકો અમારે ત્યાંથી શું કામ ન લે?’
ખરીદી કરી આવેલાં ઓફિસનાં એક જાણકાર બહેને માહિતી આપી હતી કે ‘બરાબર બારગેઇનિંગ કરવાનું. હું 325 રૂ.માં કિલો બદામ લાવી અને સારી છે.’
‘લોકો ખરીદવા આવે છે?’
‘હા, આખો દિવસ લોકોની અવરજવર રહે છે.’
‘તમે સસ્તામાં કેવી રીતે વેચી શકો છો? તમને કેવી રીતે પોસાય?’
‘અમે જથ્થાબંધ વેપારીને ત્યાંથી કે દિલ્હીથી માલ લાવીએ છીએ.’ આટલું કહીને પછી એણે જવાબને વધારે ‘કન્ટેમ્પરરી ટચ’ આપવા કહ્યું,’મંદી છે ને. એટલે ભાવ ઘટી ગયા.’
મારા જેવા માણસ માટે સમાચાર એ નથી કે સૂકા મેવાના ભાવ 400 રૂપિયે કિલોમાંથી 380 કે 350 થઇ ગયા. મને નવાઇ એ વાતની લાગે છે કે 350 રૂપિયે કિલો સૂકો મેવો સસ્તો લાગે અને ‘ઐસા મૌકા ફિર કહાં મિલેગા’ એમ માનીને એની ખરીદી માટે ઉમટી પડે, એવો વર્ગ તૈયાર થઇ ચૂક્યો છે. ‘સસ્તું’ સાંભળીને તેના કાન તેજ થાય છે, આંખો પહોળી ને મગજ બંધ.
સ્થિતિ આવી રહેશે તો અમદાવાદથી અમેરિકા-ઇંગ્લેન્ડ જનારા ‘ત્યાં’નાં સગાં માટે કાજુ-બદામનાં પેકેટ લઇ જતા થઇ જશે અને ભારત સુપરપાવર થઇ જશે.