Tuesday, December 30, 2025

(વજન)કાંટા લગા..

કોઈ પણ સમસ્યાની જેમ વધેલું વજન ઉતારવા માટેનું પહેલું પગથીયું, વધેલા વજનના સ્વીકારમાં છે. ઘણા લોકો તે બાબતે બીજાને અને ખાસ તો જાતને છેતરવામાં રાચે છે. કોઈ સહેજ ટકોર કરે કે તરત તે કહેશે, ના રે, મારું તો સિમેટ્રિકલ બોડી છે. સામેવાળી વ્યક્તિ કહે કે હું તમારું બોડી શેમિંગ નથી કરતી, ફક્ત તમારું ધ્યાન દોરું છું. તો તે કહેશે,વાંધો નહીં. પણ હું જે હકીકત છે એ કહું છું. મારું શરીર જરા સરખું છે. હકીકતમાં, મારો બાંધો એવો છે. ક્યારેક આ બધી દલીલોને બદલે તે એક જ નિવેદન આપીને ચર્ચાનો અંત આણી દે છે,મારું વજન પહેલેથી આટલું જ છે. એ મને ખબર હોય કે તમને?’ જમણા પગમાં દુઃખાવો હોવા છતાં ડાબા પગે ઓપરેશન શરૂ કરતા ડોક્ટર છાંછિયું કરીને ડોક્ટર હું છું કે તમે?’ પૂછે, એવી આ વાત છે.

તેમ છતાં, કોઈ એક ચોઘડિયે વજન વધ્યાની વાત જોર પકડે, એટલે સૌથી પહેલાં વિવાદાસ્પદ માળખાનું સાચું વજન, અને ખાસ તો, તેમાં થઈ રહેલી વૃદ્ધિ માપવા માટે વજનકાંટો ખરીદવાનો નિર્ણય લેવાય છે. મૂળ યોજના તો દર અમુક દિવસે ઓળખીતા ડોક્ટરને ત્યાં જઈને વજન કરવાની હોય છે, પણ તેમાં નિયમિતતા જળવાતી ન હોવાથી, ચાઇનીઝ બનાવટના વજનકાંટાનું બજેટ મંજૂર કરવામાં આવે છે અને એક દિવસ ઘરમાં નવા સભ્યનું આગમન થાય છે,

ગામમાં ચોમેર સ્વદેશીનાં હોર્ડિંગ વાગ્યાં હોય ત્યારે ઘરમાં ચાઇનીઝ વજનકાંટો આણવાથી દેશદ્રોહ તો નહીં થાય? એવો વિચાર આવી જાય છે, પણ જીવનજરૂરી ન હોય એવી ચીજો પણ વિદેશી બનાવટની વાપરતા વડાપ્રધાનને જોઈને થોડું સાંત્વન મળે છે. વજનકાંટો ચાઇનીઝ હોવાથી, કેટલાક ચાઇનીઝ ભોજનપ્રેમી સભ્યો એવી આશા રાખે છે કે ખોખામાંથી કાંટાની સાથે સોયા સોસની એકાદ બોટલ પણ નીકળે તો સારું. પરંતુ તેમને સોસ નહીં, નિરાશા મળે છે. કેમ કે, વજનકાંટો આણવાનું અંતિમ પ્રયોજન ભોજનની માત્રા વધારવાનું નહીં, પણ ઘટાડવાનું હોય છે.

વજનકાંટાને બેટરી નાખીને ચાલુ કર્યા પછી, પહેલી વાર વજનકાંટા પર ઊભા રહેવાની ક્ષણ મોમેન્ટ ઓફ ટ્રુથ—સચ્ચાઈનો સામનો કરવાની ક્ષણ હોય છે. દિલની ધડકન વધી જાય છે. ઇશ્વરમાં ન માનનારાના મનમાં પણ ઘડીક ઇશ્વરસ્મરણનો ઝબકારો આવી જાય છે. છેવટે, યાહોમ કરીને પડવાના જુસ્સા સાથે કાંટા પર બડે અરમાનસે પહેલો પગ અને પછી બીજો પગ મુકવામાં આવે છે. તે સાથે જ કાંટો ધનુષ્યમાંથી છૂટેલા તીરની જેમ, શૂન્યના આંકડાથી અપાકર્ષણ અનુભવતો હોય તેમ, તેના સામા છેડે જઈને ઊભો રહે છે. વજન કરાવનાર અને આસપાસ ઊભેલાં કુટુંબીજનો ઉચ્ચકજીવે કાંટો ક્યાં જઈને ઠરે છે તેની રાહ જુએ છે. ઘણાખરા કિસ્સામાં કાંટો અપેક્ષા કરતાં થોડે આગળ જ પહોંચ્યો હોય છે. એટલે, વજન કરાવનાર કાંટો તૈયાર કરનારની ઉલટતપાસ કરે છે. તેં કેલિબરેશન તો કર્યું હતું ને? મારો પગ મુકાવતાં પહેલાં કાંટાને ઝીરો પર તો આવવા દીધો હતો ને? કાંટો ડીફેક્ટિવ-બગડેલો તો નહીં હોય ને?’ પરંતુ બધી શક્યતાઓને એક પછી એક નાબૂદ કર્યા પછી, કાંટાએ ચીંધેલું વજન, કોઈ ઋષિમુનિએ આપેલા શ્રાપની જેમ, ન છૂટકે સ્વીકારવું પડે છે.

નામને સાર્થક કરતા કાંટાએ દર્શાવેલા વજનના આંકડાની અણી એવી ભોંકાય છે કે તેની અસર હેઠળ આકરા સંકલ્પ લેવાય છે. સૌથી પહેલાં, વજન પર ચાંપતી નજર રાખવા માટે રોજ વજન કરવાનું ઠરે છે, પણ પછી કોઈ સમજાવે છે કે મહિને એક વાર વજન કરવાનું પૂરતું છે—બાકીના દિવસોમાં યાદ રાખવાનું કે મહિને એક વાર વજનનો દિવસ આવવાનો છે.

એકાદબે મહિના આ રીતે વજન કર્યા પછી, ધીમે ધીમે વજન કરવાનો દિવસ કયામતના દિવસ જેવો લાગવા માંડે છે. વજન કરવાનું હોય તેના આગલા દિવસે ઉપવાસ કરીને કાંટાની સાન ઠેકાણે લાવવાનું મન થાય છે, પણ એવું શક્ય બનતું નથી. બીજા દિવસની સવાર પડે અને કાંટા પર વજન કરવાનું આવે, એટલે માણસ વિચારે છે કે કાંટાને શી રીતે મહાત કરવો? શરીરની અંદરનું વજન ઓછું કરવાના વિકલ્પે, તે એટલા સમય પૂરતું શરીરની ઉપર રહેલું વજન ઘટાડવાના પ્રયાસ કરે છે. શરીર જાણે ડૂબતી નાવ હોય એમ, તે ઓછુંવત્તું વજન ધરાવતી તમામ વસ્તુઓને ફગાવવા માંડે છે. જીન્સના પેન્ટને બદલે સુતરાઉ લેંઘો પહેરીને, ચશ્મા કાઢીને, પટ્ટો ઉતારીને, ભૂલથી ખિસ્સામાં પેન કે મોબાઇલ ન રહી જાય તેની ચીવટ રાખીને, તે કાંટાનું આરોહણ કરે છે. પરંતુ કાંટો પોતાની નિર્જીવતા પુરવાર કરતાં, અગાઉની એકેય ચેષ્ટાથી પ્રભાવિત થતો નથી અને વજનના અણગમતા આંકડે જઈને ઊભો રહે છે.

આવું દરેક વખતે થતાં, વજન કરાવનાર કાંટાની બેવફાઈથી હતાશા અનુભવે છે અને વિચારે છે કે હવે આ કાંટાનો કાંટો શી રીતે કાઢવો? કાંટામાં કિલોગ્રામ ઉપરાંત બીજા એકમોમાં વજન માપવાનો વિકલ્પ હોય છે. છતાં, તેનાથી આશ્વાસન મળતું નથી. ભારતના નાગરિકો એવું પણ શોધી જુએ છે કે કાંટામાં ક્યાંય છૂપો સ્લોટ (ખાંચો) છે, જેમાંથી રૂપિયા અંદર સેરવીને કાંટા પાસેથી વજનનો ધાર્યો આંકડો મેળવી શકાય?

પરંતુ જેમ કફનને ખિસ્સાં હોતાં નથી, તેમ કાંટાને ખાંચા હોતા નથી. એ ફક્ત કાંટાનું નહીં, વજનનું—અને જીવનનું--પણ સત્ય છે. તે કાંટા પાસેથી સમજવા મળે તો, ગમે તેટલા વાંધા છતાં, કાંટા માટે ખર્ચેલા રૂપિયા વસૂલ લાગે છે. 

Sunday, December 28, 2025

હિંદુ ધર્મને સૌથી મોટો ખતરો હિંદુત્વથી છેઃ પ્રતાપ ભાનુ મહેતા



ગઈ કાલે 'અચ્યુત યાજ્ઞિક સ્મૃતિ વ્યાખ્યાન'માં પ્રતાપ ભાનુ મહેતાએ સિવિલાઇઝેશન (સભ્યતા) અને 'સિવિલાઇઝેશનલ સ્ટેટ'ની વાત કરી.

તેમણે એ મતલબનું કહ્યું કે 'સિવિલાઇઝેશનલ સ્ટેટ' યુરોપથી આવેલા 'નેશન સ્ટેટ'થી પણ આગળનું પગથીયું છે, જેમાં પોતાની જૂની સભ્યતાને જ કેન્દ્રમાં રાખવાની અને આધુનિક નેશન સ્ટેટનાં બંધારણથી માંડીને બીજાં બધાં અંગોને ગૌણ ગણવાની વાત હોય છે. સિવિલાઇઝેશનલ સ્ટેટ ભૂતકાળની સભ્યતાની મૂડી લઈને આગળ નથી વધતું. તે ભૂતકાળમાં જ ગોંધી રાખવા ઇચ્છે છે.
આમ તો એવું થાય કે જૂની સભ્યતાને કેન્દ્રમાં રાખવામાં વાંધો શો છે? પણ વાંધો એ છે કે સભ્યતા એટલે શું, તે નક્કી કરવાની આપખુદશાહી સત્તા કેવળ સત્તાધીશ પાસે હોય છે, જે નેશન સ્ટેટના માળખા પ્રમાણે ચૂંટાઈને આવે છે, પણ ત્યાર પછી એ માળખાને બદલ સભ્યતાની સગવડિયા માળા જપે છે. હકીકતમાં તેને સભ્યતાના બહાને પોતાની સત્તા ટકાવવા-વધારવામાં જ રસ હોય છે. અમુક હજાર વર્ષની સભ્યતાના એક માત્ર પ્રતિનિધિ અને તેના અર્થઘટનનો ઇજારો ધરાવતા જણ તરીકે શાસકો બંધારણ અને લોકતાંત્રિક વ્યવસ્થાઓ સહિતની બધી જ બાબતોનો છેદ ઉડાડતા જાય છે.
શરૂઆતમાં તે લોકસમર્થન (ચૂંટણીમાં મળેલા મત)ના જોરે પોતાનો દંડો પછાડતા હોય છે, પણ પછી તો તેનું મહત્ત્વ પણ ઓછું થઈ જાય છે અને મુખ્ય જોર 'અમુક હજાર વર્ષ જૂની સભ્યતાના એકમેવ પ્રતિનિધિ' તરીકેનું જ બની જાય છે. તેના જોરે તે ગમે તેવાં બિનલોકશાહી, સરમુખત્યારી પગલાં પણ સભ્યતાને આગળ કરીને લોકોના માથે મારી દે છે.
તેમણે કહ્યું કે અત્યારની સરકાર અને આરએસએસ મુસ્લિમ આક્રમણ, અંગ્રેજોનું આક્રમણ અને નહેરુ સરકાર--આ ત્રણને આપણી જૂની સભ્યતામાં પડેલાં મોટાં ભંગાણ માને છે (જે તેમનું સગવડીયું અને ઐતિહાસિક-તથ્યાત્મક રીતે ટકી ન શકે એવું વિકૃત અર્થઘટન છે.). એટલે તેને ભૂંસવા માટે તે બધા પ્રયાસ કરે છે. (અત્યારના ભાઈલોગના કહેવાતા સભ્યતા-પ્રેમમાંથી બીજા માટેનો ધિક્કાર કાઢી નાખીએ તો શું બચે, એ વળી અલગ સવાલ છે)
તેમણે કહ્યું કે હિંદુ ધર્મને સૌથી મોટો ખતરો હિંદુત્વથી છે. કારણ કે હિંદુત્વે હિંદુ ધર્મને કોલોનાઇઝ કર્યો છે. (લગભગ કોલોનાઇઝ શબ્દ જ વાપર્યો હતો, છતાં ભૂલચૂક લેવીદેવી. સાર એ જ હતો.) ગુજરાતીમાં કહીએ તો, હિંદુત્વે હિંદુ ધર્મને બથાવી પાડ્યો છે.
એક મુદ્દો તેમણે એવો કર્યો કે આપણા બંધારણમાં આણેલાં મૂલ્યો વિશે ડાબેરીઓ અને જમણેરીઓ એવી ટીકા કરતા રહ્યા કે આ બધાં ઉછીનાં પશ્ચિમી મૂલ્યો છે. તેની સામે, આ મૂલ્યો હકીકતમાં ભારતીય સભ્યતામાંથી જ આવેલાં છે--એ હકીકત ભારપૂર્વક સ્થાપિત કરી શકાઈ નહીં.
આખું વ્યાખ્યાન બાકાયદા પોલિટિકલ સાયન્સના લેક્ચર જેવું હતું, એ તેની ખૂબી તરીકે, અને મર્યાદા તરીકે પણ, કહી શકાય.
(તા.ક. કશી લેખિત નોંધ વિના, બીજા દિવસે સવારે ઉઠ્યા પછી મનમાં રહી ગયેલા આ કેટલાક મુદ્દા છે. આખા વ્યાખ્યાનનું રેકોર્ડિંગ થયું છે. તે ઉપલબ્ધ થશે એમ માનું છું.)

Thursday, December 25, 2025

વજનનો ‘વિકાસ’

પહેલી વાર ડોક્ટર કહે કે ‘તમારું વજન વધારે છે’, ત્યારે મોટા ભાગના લોકો મૂછમાં હસીને મનોમન વિચારે છે, ‘ખબર છે. અત્યાર સુધી એના માટે તો આટલી મહેનત ને દોડાદોડ કરી છે. હવે નહીં વધે તો ક્યારે વધશે?’ આ જવાબ બોલાય નહીં તો પણ હોંશિયાર ડોક્ટરોને તે સંભળાઈ જતો હોય છે. એટલે તે કહે છે,’વજન એટલે તમારા મોભાની વાત નથી કરતો—એ તો વધ્યો જ છે ને એની સાથે મારે કોઈ લેવાદેવા નથી. હું તો તમારા શારીરિક વજનની વાત કરું છું.’

મોટા ભાગનાં માતાપિતાને તેમનું સંતાન ક્યારે મોટું થઈ જાય, તેની ખબર પડતી નથી. તે વિચારે છે કે હજુ હમણાં તો આપણે એને તેડીને ફરતા હતા, એકડીયું-બગડીયું શીખવાડતા હતા, સાયકલ તો હમણાં શીખવાડી, ને આ હવે પ્રેમમાં પડવાની ને પરણવાની વાત કરે છે? જેમ સંતાનો ધીમે ધીમે મોટાં થવા છતાં, તે અચાનક મોટાં થઈ ગયાં હોય એવું લાગે છે, તેમ શારીરિક વજન પણ ધીમે ધીમે વધવા છતાં, તે અચાનક વધ્યું હોય એમ લાગે છે. વજનધારકને તો એમ જ થાય છે કે હજુ તો મારા લગ્ન વખતનાં શર્ટ હું આરામથી પહેરી શકું છું. એવું કંઈ વજન વધી ગયું નથી. હા, થોડું શરીર ભરાયું છે ને ગાલ થોડા વધારે ભરાયા છે, પણ એ તો સુખની નિશાની. એને કંઈ વજન વધ્યું ન કહેવાય. આ ડોક્ટરો તો અમથા...
ડોક્ટરો અને એલોપથી પ્રત્યેની અશ્રદ્ધા જાહેર કરીને થોડા સમય સુધી વજનવધારા પ્રત્યે આંખ આડા કાન કરી શકાય છે, પરંતુ મન કોને કહ્યું છે? એક વાર ડોક્ટરે ‘વહેમ ઘાલ્યો’, પછી અરીસામાં જોતી વખતે વધેલા વજનના છૂટાછવાયા પુરાવા નજરે પડવા લાગે છે. ખ્યાલ આવે છે કે શરીર ફક્ત ભરાયું નથી, ઠીક ઠીક ભરાયું છે. લગ્ન વખતે લીધેલું શર્ટ જરા ખુલતું હતું, એટલે હવે આવી રહે છે. પણ વચ્ચેનું બટન ક્યારેક આપમેળે ખુલી જાય છે. પહેલાં લાગતું હતું કે તેનો ગાજ ઢીલો થઈ ગયો હશે, પણ ડોક્ટરની ટકોર પછી સમજાય છે કે ગાજ ઢીલો નથી થયો, શર્ટ ફીટ થયું છે. પહેલાં પેટ ટેકરી જેવું હતું, તે ધીમી પણ મક્કમ ગતિએ વધીને ડુંગરા જેવું થયું છે અને ડોક્ટરને ચિંતા છે કે તે પહાડ જેવું ન થઈ જાય.
ડોક્ટરો ખોટેખોટું ભડકાવે છે, એવું આશ્વાસન ઘણા દિવસો સુધી લીધા પછી પણ, બધી વખત મન માનતું નથી. ક્યારેક અંતરાત્માનો અવાજ આવે છે કે ‘હે જીવ, ક્યાં સુધી તું જાતને છેતર્યા કરીશ? અત્યાર લગી તે વધતા વજનની સતત અવગણના કરી છે, પણ તારું પેટ હવે પોકારી પોકારીને કહે છે કે મને વધતું રોકો, મને અટકાવો.’ સંદર્ભ ભલે જુદો હોય, પણ ‘જેને કોઈ ન પહોંચે, તેને તેનું પેટ પહોંચે’—એ વાત વજનવધારાની બાબતમાં પણ સાચી પુરવાર થાય છે. અત્યાર લગી કુટુંબીજનો, હિતેચ્છુઓ, ડોક્ટરો અને સ્વઘોષિત
આરોગ્યનિષ્ણાતો સહિતના લોકોના ટોકવા છતાં ન ગાંઠતો માણસ, છેવટે વધતા પેટમાંથી ઉઠતા અવાજ ભણી ધ્યાન આપવા પ્રેરાય છે. તેને થાય છે કે બીજી ચર્ચા જવા દઈએ તો પણ, પેટ અને વજન વધ્યાં છે એ તો હકીકત છે.
આટલો સ્વીકાર આવ્યા પછી પણ રસ્તો સહેલો નથી. ઘણા લોકોના મનમાં તો આ સ્વીકાર તે વ્યાપક નકારનો હિસ્સો હોય છે. કેમ કે, તે વિચારે છે, ‘જેમ સારો કોલેસ્ટેરોલ અને ખરાબ કોલેસ્ટેરોલ હોય છે, તેમ સારું વધેલું પેટ અને ખરાબ વધેલું પેટ પણ નહીં હોય?’ પછી ડોક્ટર હળવાશથી સમજાવે છે કે સગર્ભા સ્ત્રીઓ સિવાયના કિસ્સામાં બીજી સંભાવના જ લાગુ પડે છે. એટલે હવે પેટ તમને અટકાવી દે, એ પહેલાં તમે પેટને આગળ વધતું અટકાવો.
આરોગ્યને હળવાશથી લેનારા વિચારે છે,‘એમાં શી ધાડ મારવાની છે?’ અત્યાર સુધી જેટલી સહજતાથી તે વધ્યું, એટલી જ સહેલાઈથી તેને ઉતારી દઈશું. પણ ટ્રેકિંગ કરનારા લોકો જાણે છે કે સલામત રીતે ચડવા કરતાં સલામત રીતે ઉતરવાનું વધારે અઘરું નીવડી શકે છે. એવું જ પેટના મામલે થાય છે. તે વધતાં વધી તો જાય છે, પણ તેને ઉતારવાનું ભારે કામ છે. જેમ સંતાનપ્રાપ્તિ માટે, તેમ પેટ ઉતારવા માટે પણ લોકો ‘પથ્થર એટલા પૂજે દેવ’ કરે છે, કંઈક પાઉડરો ને પ્રવાહીઓ અજમાવે છે, અવનવા ટુચકા કરે છે ને ઓસડિયાં ખાય છે. વ્યાવસાયિક ચાલતાં કસરતાલયો (જીમ)ના સભ્ય બને છે. આ બધું તે એટલા માટે કરે છે, જેથી ડોક્ટરે જે કહ્યું છે તે કરવું ન પડે. ડોક્ટરો ખાવાપીવા પર ખાસ્સો અંકુશ મુકવાની અને નિયમિત કસરત કરવાની વાત કરે છે.
સામાન્ય માણસની ભાવના બને ત્યાં સુધી એવી હોય કે આવું કશું કર્યા વિના, થોડું આમતેમ કરવાથી, કસરત-બસરત કરવાથી કે જિમમાં જવાથી કે અમુક પાઉડરો પીવાથી વજન કાબૂમાં આવી જતું હોય તો પહેલાં એ પ્રયત્ન કરી જોવો જોઈએ. તેમાં ખાસ્સો સમય વીતે છે, પણ ધાર્યું પરિણામ મળતું નથી. બધી બાજુથી હાર્યા પછી તે ફરી એક વાર ડોક્ટરને મળે છે અને પહેલી વાર તેમણે શું કહ્યું હતું તે, આ વખતે અમલ કરવાના પવિત્ર ઇરાદા સાથે, સાંભળે છે.
પણ એ તો હિમાલય ચઢવા માટે ઘરેથી ટ્રેનમાં બેસવા જેવું પહેલું પગથીયું હોય છે.

Friday, December 12, 2025

અણગમતા રાજકીય વિચાર ધરાવતા કલાકારો વિ. એજન્ડાવાળી ફિલ્મો

એજન્ડાવાળી ફિલ્મ અને તેમાં કામ કરતા કલાકારો--આ બે વચ્ચે હું અંગત રીતે ભેદ પાડું છું. જેમ કે, પરેશ રાવલ મને નેતા કે રાજકારણી તરીકે સદંતર નાપસંદ છે, પણ તેમનું એ સ્વરૂપ તેમનો અભિનય માણવામાં મને નડતું નથી. નરેન્દ્ર મોદીની ભૂમિકા કરનાર વિવેક ઓબેરોયની 'ઓમકારા' જેવી ફિલ્મો જોવાનો આનંદ જ આવે છે. એવું જ 'તનુ વેડ્સ મનુ'માં કંગના વિશે અને 'જોલી' સહિતની કેટલીક ફિલ્મોમાં અક્ષય કુમાર વિશે. 

તો આ એક વાત થઈ. કલાકારની કલાકારી, જે તેમના અંગત વિચારો કરતાં સાવ જુદી બાબત છે. 

હવે વાત નેરેટીવ ઊભો કરનારી ફિલ્મોની. 

હિટલરના જમાનામાં એક ધુરંધર ફિલ્મકાર અને તસવીરકાર થઈ ગયાં. તેમનું નામ લેની રાઇફન્સ્ટાલ (Leni Riefenstahl. ઉચ્ચારમાં ભૂલચૂક લેવીદેવી). તેમણે બનાવેલી દસ્તાવેજી ફિલ્મ Triumph of the Will (1935) હિટલરનો દબદબો સ્થાપિત કરવામાં બહુ મહત્ત્વની ગણાય છે. એટલે કે, તેનું મહત્ત્વ એક ફિલ્મ કે દસ્તાવેજી ફિલ્મનું હોઈ શકે એના કરતાં બહુ વધારે ગણાય છે--અને એવું ફિલ્મ રીવ્યૂકારો નહીં, ઇતિહાસકારો માને છે. સાથોસાથ, એવું પણ કહેવાય છે કે ફિલ્મકળાની દૃષ્ટિએ તે ફિલ્મ ઉત્કૃષ્ટ હતી. 

તો, બંદૂક સોનાની હોય, તો તેનાથી થતી હિંસા નજરઅંદાજ કરીને, તે 24 કેરેટ સોનાની છે, એવાં વખાણ ન થાય. એમ ફિલ્મ તરીકે ગમે તેટલી મહાન હોય, પણ તેનો એક મુખ્ય સૂર ભૂતકાળની સરકારને ધોકા મારવાનો હોય તો તેના વિશે પ્રશ્નો થવા જોઈએ. 

સામાન્ય સંજોગોમાં એક સરકારની ટીકા કરતી ફિલ્મ પછીની સરકારના વખતમાં આવે તો તે સ્વાભાવિક ગણાય. કારણ કે ચાલુ સરકારની ટીકા કરવાની હિંમત કોઈ ન કરે. પણ સાથોસાથ એવી અપેક્ષા હોય કે જે મુદ્દે ભૂતકાળની સરકારની ટીકા કરવાની થઈ, એ મુદ્દે વર્તમાન સરકાર સખણી ચાલતી હશે. 

જેમ કે, કટોકટી વિશેની ફિલ્મો નરેન્દ્ર મોદીના રાજ પહેલાંની કોઈ પણ સરકારમાં આવે તો થાય કે બરાબર છે. કટોકટી વખતે જે કહી ન શકાયું, તે કટોકટીની આત્યંતિકતાઓ ભૂતકાળ બન્યા પછી ફિલ્મ થકી કહી શકાય છે. તેમાં કશું ખોટું નથી. 

પરંતુ કટોકટીને ભૂલાવે એવી કટોકટી ચાલતી હોય, ત્યારે જૂની કટોકટીની ફિલ્મ લઈને આવવું અને વર્તમાનમાં જે ચાલી રહ્યું છે, તેના પ્રત્યે હળવો ઇશારો સુદ્ધાં ન કરવો, તે રાજકીય, બલ્કે, પક્ષીય એજેન્ડા કહેવાય અને એને ઓળખવો પડે. કારણ કે એવી ફિલ્મો વર્તમાન સરકારની ઘોર નિષ્ફળતાને બહુ અસરકારક રીતે ઢાંકી દેવાનું અને લોકોનું ધ્યાન ભટકાવવાનું કામ કરે છે. 

તેનું મૂલ્યાંકન નકરા માસુમ ફિલ્મપ્રેમી તરીકે ન કરાય. એવું કરીએ તો તે  ભૂતકાળની ઓથે વર્તમાન છુપાવી દેવાના હાલની સરકારના વિરાટ યંત્રનો એક પૂરજો બનીને રહી જઈએ--ઇચ્છાએ કે અનિચ્છાએ. 

આ કસોટી 'ધુરંધર' માટે લાગુ પાડીને વિચારી જોજો.

Tuesday, December 02, 2025

કેટલાક ઇન્ટર્નશીપ આઇડિયા

સરકારી જાહેરાતોના શબ્દો જોઈને તેમની પર ફિદા થવું એ નેતાઓની મુલાકાત વખતે ઝૂંપડાંને ઢાંકતા લીલા પટ્ટા જોઈને લીલોતરી વિશે રાજી થવા જેવું છે. સરકાર જેને નવી શિક્ષણનીતિ કહે છે, તે પણ આવી જ એક બાબત છે. વાંચવામાં ઉત્તમ લાગે એવી વાતો અમલની ચિંતા કર્યા વિના મુકી દેવાય, તેને કવિતા ગણીએ તો નવી શિક્ષણનીતિ એ સરકારનું ખંડકાવ્ય છે—તેની લંબાઈ ઉપરાંત, વાસ્તવિકતા વિચાર્યા વિના (વાતાનુકૂલિત) ખંડમાં બેસીને રચાયેલા કાવ્યના અર્થમાં પણ. તેનો વાસ્તવિક અર્થ વૈશ્વિક સ્તરનો દાવો કરવાની સાથે હકીકતમાં શિક્ષણની રહીસહી ગુણવત્તા પર બુલડોઝર ફેરવી દેવાનો લાગે છે. નવી શિક્ષણનીતિ વાસ્તવમાં અનેક કરુણ હાસ્યલેખોનો વિષય છે, પરંતુ તેમાંથી આજે વાત ફક્ત ઇન્ટર્નશીપની.

પહેલાં જાહેરાત કરવી અને પછી તેના અમલનું માળખું તથા અમલથી સર્જાનારી અરાજકતા વિશે વિચાર કરવો, એ વર્તમાન સરકારની વિશેષતા છે. તે વિશેષતા આગળ ધપાવતાં, નવી શિક્ષણનીતિમાં વિજ્ઞાનપ્રવાહ ઉપરાંત આર્ટ્સ અને કોમર્સમાં ભણતા કોલેજિયન વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ ફરજિયાત કરવામાં આવી છે, આટલા બધા વિદ્યાર્થીઓ ઇન્ટર્ન તરીકે કેવી રીતે, ક્યાં જશે અને શું કરશે, તેનું કશું આયોજન નથી. એટલે નવી શિક્ષણનીતિની સાથે જૂની વહીવટી નીતિનું મિશ્રણ કરીને, સરકારે જાહેર કરવું પડ્યું છે કે વિદ્યાર્થી તેના પિતાની દુકાનમાં કે બ્યુટી પાર્લરમાં કામ કરશે અને પ્રમાણપત્ર લઈ આવશે તો પણ ચાલશે.

સરકારની આવી ઉદાર જાહેરાત વાંચીને ઇન્ટર્નશિપ માટેના કેટલાક મૌલિક વિચાર આપવાનું મન થયું, જેનાથી સરકાર નવી શિક્ષણનીતિના અમલનો (રાબેતા મુજબ, લોકહિતના ભોગે મળતો) આનંદ લઈ શકે અને જેમને માથે ઇન્ટર્નશિપ આવી પડી છે, તેમને કંઈક રસ્તો સૂઝે. ભરાઈ પડેલી સરકાર કોઈ પણ બાબતને ઇન્ટર્નશીપ તરીકે ગણી લેવા તૈયાર છે—બસ, પ્રમાણપત્ર હોવું જોઈએ.

ઇન્ટર્નશીપ આઇડિયા 1

દૈનિક ક્રિયાઓ કરવી તે પણ ઇન્ટર્નશીપનો જ એક પ્રકાર છે. તેના પ્રમાણપત્ર અને અહેવાલમાં સામેલ કરી શકાય એવા કેટલાક મુદ્દાઃ સવારે સૌથી પહેલાં મોંની, દાંતની, જીભની સફાઈ કરી. પછી પથારીની સફાઈ કરી. પછી પેટની અને સમગ્ર શરીરની સફાઈ કરી. ત્યાર પછી મોબાઇલ ફોનનાં રોજ ખડકાઈ જતા ડેટાની થોડી સફાઈ કરી. પછી વાહનમાંથી પેટ્રોલની સફાઈ કરી. બપોરે સમય થયે થાળીમાંથી ખાદ્યપદાર્થોની સફાઈ કરી. બપોરે થોડા કલાક વધારાના હતા. એટલે દિવસના કુલ કલાકોમાંથી તેમની સફાઈ કરી. સાંજે બીજા સહપાઠીઓ મળ્યા. તેમને પણ તેમની કોલેજમાંથી ઇન્ટર્નશીપ કરવા કહ્યું હતું. એટલે અમે સાથે મળીને, અમારા કેટલાક મિત્રો, શિક્ષકો, કોલેજ, પાડોશીઓ, ઇન્ફ્લુએન્સરો વગેરેની સામુહિક ધોરણે ધૂળ ખંખેરીને, તેમની થોડી સફાઈ કરી. આમ, ઇન્ટર્ન તરીકે આખો દિવસ વ્યસ્તતામાં વીત્યો. આ વ્યસ્ત આયોજનને રાષ્ટ્રીય સફાઈ અભિયાનમાં મારી ઇન્ટર્નશીપ તરીકે માન્ય રાખવામાં આવશે અને વડાપ્રધાનના પ્રિય અભિયાનને આગળ ધપાવવાના વિદ્યાર્થીઆલમના પ્રયાસોને હતાશા નહીં સાંપડે એવી આશા.

ઇન્ટર્નશીપ આઇડિયા 2

આજે સવારે ઉઠ્યો. ઊંડો શ્વાસ લીધો. પછી તે બહાર કાઢ્યો. ત્યારથી મારી ઇન્ટર્નશીપના વ્યસ્ત દિવસની શરૂઆત થઈ. સવારે ઉઠવાથી સ્નાન કરવા સુધી, તૈયાર થવાથી માંડીને મિત્રોને મળવા પહોંચતાં સુધી, મિત્રો સાથે ચર્ચાઓના વ્યસ્ત સમય દરમિયાન, ત્યાંથી નીકળીને એક મિત્રની હોસ્ટેલે પહોંચતાં સુધીમાં, બધા મિત્રો સાથે કીટલીએ અભ્યાસની ચર્ચા કરવા દરમિયાન, ત્યાંથી પાછા ઘરે પહંચીને જમવા સુધી અને જમીને સુઈ જવા સુધીમાં 23,395 વાર મેં શ્વાસ લીધો અને 23,390 વખત શ્વાસ (એટલે કે ઉચ્છવાસ) બહાર કાઢ્યો. પાંચેક વાર એવી કંઈક વાત થઈ હતી કે તત્કાળ મારો શ્વાસ અટકી ગયો. એટલે તે તાલ ખોરવાયો અને પાંચ ઉચ્છવાસ ઓછા નીકળ્યા.

આ પ્રકારના વિગતવાર અહેવાલ પાવર પોઇન્ટ અથવા બીજા કોઈ પણ સ્વરૂપે રોજ બનાવીને આપીશ અને હું ખરેખર, પ્રામાણિકતાપૂર્વક રોજ શ્વાસ લઉં છું-ઉચ્છવાસ કાઢું છું અને તેમાં કોઈ પ્રકારનાં ગાબડાં પાડતો નથી, તેનાં પ્રમાણપત્ર પણ પૂરાં પાડીશ. આશા છે કે મારી આ નિયમિત પ્રવૃત્તિને ઇન્ટર્નશીપ ગણીને તેની ચાર ક્રેડિટ આપવામાં આવશે.

ઇન્ટર્નશીપ આઇડિયા 3

સવારે ઉઠીને સ્વદેશી બ્રશ અને સ્વદેશી ટુથપેસ્ટનો ઉપયોગ કર્યો. પછી સ્વદેશી ચા પીને સ્વદેશી શેવિંગ ક્રીમથી દાઢી કરી, સ્વદેશી સાબુથી નાહ્યો અને સ્વદેશી ટુવાલથી શરીર લૂછ્યું. પછી સ્વદેશી બનાવટનું જિન્સ ધારણ કરીને સ્વદેશી બનાવટના દ્વિચક્રી પર બહાર નીકળ્યો, સ્વદેશી પેટ્રોલ પમ્પ પર સ્વદેશી બનાવટની ચલણી નોટો ન હોવાથી જી-પે કર્યું. ગુગલ વિદેશી કંપની છે એ સાચું, પણ આપણા માટે અમેરિકા વિદેશ થોડું કહેવાય? એ તો હમણાં જરા સખળડખળ ચાલે છે. બાકી, અમારો મમ્મીની સાઇડનો અડધો પરિવાર અમેરિકા છે. મામા-માસીનો દેશને સ્વદેશ ગણવો એ તો ભારતીય સંસ્કાર છે.

સ્વદેશી પેટ્રોલ પુરાવ્યા પછી રસ્તામાં એક ઠેકાણે ઊભા રહેવું પડ્યું. કારણ કે, મોટા સાહેબની ઇમ્પોર્ટેડ ગાડીઓનો કાફલો પસાર થઈ રહ્યો હોવાથી બધાને રોકી પાડવામાં આવ્યા હતા. પણ મને ખબર છે કે સાહેબો કરે એવું નહીં, તે કહે એવું કરવાનું હોય. એટલે મેં તો સ્વદેશીનો આગ્રહ ચાલુ રાખ્યો અને મારા દિવસનો અંત સ્વદેશી ગાદલા પર પાથરેલી સ્વદેશી ચાદર અને સ્વદેશી ઓશિકા પર સુઈને આવ્યો. બે મહિના દરમિયાન મેં આ રીતે કરેલી પ્રવૃત્તિને વોકલ ફોર લોકલ અથવા મેઇડ ઇન ઇન્ડિયા જેવા રાષ્ટ્રીય (સરકારી) કાર્યક્રમ અંતર્ગત કરેલી ઇન્ટર્નશીપ ગણીને, મને ચાર ક્રેડિટ માટે લાયક ગણવામાં આવે એવી વિનંતી.